ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિભૂત શાહ/શૂન્યમાં વસતા શાહમૃગો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શૂન્યમાં વસતા શાહમૃગો

વિભૂત શાહ

આજે એને ઘેર આવતાં વધારે પડતું મોડું થયું હતું. આવીને કોટ કાઢીને તે ચૂપચાપ ખાટલાની ઇસ પર ઢગલો થઈ બેસી પડ્યો. આજે પણ બારી ખુલ્લી રહી ગઈ હતી. પાડોશમાં રમાબહેનના રેડિયોમાં મીરાનું ભજન આવતું હતું. સાથે સાથે વાંસળીના સૂર પણ રેલાતા હતા. બે હાથ વચ્ચે માથું પકડીને તે બેસી રહ્યો. ત્યાં તો રસોડામાંથી એની પત્ની આવી અને એને જોઈ હાંફળીફાંફળી થઈ ગઈ અને બોલી ઊઠી, ‘આવી ગયા! મને તો ખબરેય ના પડી.’ મોઢું નીચું રાખીને જ તે બોલ્યો, ‘જલદી કર, જે હોય તે જલદી જલદી ખાવાનું આપી દે. મોડું થાય છે. સવારનું હશે તોય ચાલશે.’ સાડી વડે હાથ લૂછતાં લૂછતાં તે બોલી, ‘શાક તો સવારનું વધ્યું છે, ભાખરી હમણાં જ બનાવી છે.’ તે ઊભો થયો અને સ્ત્રીના લૂખા વાળમાં ચોટેલી લોટની રજકણો સામે જોઈ રહ્યો અને પછી ધીમેથી બગડ્યો, ‘લાવ, બે કોળિયા મોંમાં નાખી દઉં.’ ખાટલો ઢાળી સ્ત્રી બોલી, ‘આખો દિવસ નોકરી કરી પાછા તમે નામું લખવા જાઓ છો, એટલે પછી તમે કેટલા થાકી જાઓ છો!’ ભાખરીનું એક બટકું મોંમાં નાખતાં સહેજ ચિડાઈને એ બોલ્યો, ‘તે થાક તો લાગે જ ને, આ શરીર છે, ઓછું કંઈ મશીન છે! તને ખબર નહિ હોય, મશીનને પણ થાક લાગે છે, એ ખોટકાઈ જાય અને બંધ થઈને ઊભું રહી જાય, મારાથી ઓછું એમ ઊભું રહી જવાય છે!’ પહેલાં તો સ્ત્રીએ કશો જવાબ ના આપ્યો. એના ચહેરા સામે જોઈ રહી, પછી પ્યાલામાં પાણી રેડતાં રેડતાં બોલી, ‘આ નાનકાને કામ મળી જાય તો તમને થોડીક રાહત રહે.’ ભાખરીનો ટુકડો પાણી સાથે ગળે ઉતારતાં એણે જવાબ આપ્યો, ‘મળ્યું કામ! મને નથી લાગતું કે નાનકાને આ ભવ કામ મળે… લોકોને પગે લાગીને મારું કપાળ ઘસાઈ જવા આવ્યું… બિચારો નાનકો પણ શું કરે! આપણે ત્યાં જન્મ્યો એ જ એનો વાંક…’

ઘરની સામે સહેજ દૂર આવેલા મંદિરનો ઘંટ એકાએક રણકી ઊઠ્યો. સ્ત્રીએ કશું બોલ્યા વિના બારીની બહાર મંદિરની ઊડતી ધજા પર એની નજર ઠેરવી. પુરુષે મૂંગા મૂંગા જમવા માંડ્યું. થાળી પરથી માખી ઉડાડતાં સ્ત્રી પછી ધીમેકથી બોલી, ‘તમે ગુસ્સે ના થાઓ તો એક વાત કહું.’ આ સાંભળતાં જ પુરુષ એકદમ ગુસ્સે થઈ બોલ્યો, ‘મેં તને કેટલી વાર કહ્યું છે કે જે કહેવું હોય તે સીધે-સીધું કહી દે. આમ વાતમાં મોણ ના નાખ, મારે મોડું થાય છે. અને માથા પર પાછાં કેટલાંય કામ…’ ત્યાં તો એને ઉધરસ ચઢી અને પૂરું બોલીયે ના શક્યો. ઉધરસ શાંત થવાની રાહ જોઈ સ્ત્રી બેસી રહી અને પછી બોલીઃ ‘લો પાણી.’ પાણી પીતાં પીતાં તે બોલ્યો, ‘બોલને, શું કહેતી હતી?’

ભોંય ખોતરતાં થોથરાતી જીભે એ બોલી, ‘હું એમ કહેતી હતી કે મોટાની વહુને સારા દિવસો જાય છે.’ ખાતાં ખાતાં પુરુષે ઊંચું જોયું, એનો ચહેરો સહેજ પલળ્યો, એ ખુશ થયો અને બોલ્યો, ‘હા, તો વહુને ડૉક્ટર પાસે મોકલજે, સાથે તું જજે… ડૉક્ટર લઈ લઈને કેટલા લેવાનો હતો! હવે લૂંટાવાનું શું બાકી છે!’ અને ત્યાં તો ફરીથી પાછી એને ઉધરસ ચઢી અને એ બબડ્યો. ‘આ ઉધરસ પણ જંપવા દેતી નથી.’ થોડી વાર સ્ત્રીએ ખામોશી રાખી. પછી બીતાં બીતાં બોલી, ‘ન, ના, આ તો… આ તો…’ ત્યાં તો બહાર સાઇકલની ઘંટડી વાગી. પુરુષ બોલ્યો, ‘જા તો દૂધ આવ્યું.’ સ્ત્રીએ તરત જ જવાબ આપ્યો. ‘આપણે અત્યારે નથી લેવાનું.’ પછી એની વાત આગળ ચલાવતાં બોલી, ‘પણ મારી વાત જરા સાંભળો… મોટો તો…’ ત્યાં તો ફરીથી પાછી સાઇકલની ઘંટડી વાગી. પુરુષ સહેજ ચિડાઈને બોલ્યો, ‘કહી તો દે કે નથી લેવાનું.’ સ્ત્રીએ શાંતિથી જવાબ આપ્યો. ‘એ તો જતો રહેશે.’

સ્ત્રી પુરુષ સાથે ટગર ટગર જોઈ રહી હતી. એણે ખાવાનું પૂરું કર્યું એટલે તરત જ એ બોલી, ‘મોટો તો વહુને અવળા કામ માટે મોકલવાની વાત કરતો હતો.’ પુરુષનો ચહેરો તંગ થયો અને ફાટેલા અવાજે પૂછ્યું, ‘અવળા કામે એટલે?’ સ્ત્રીએ નીચું જોઈ જવાબ આપ્યો, ‘શું કહું. બળ્યું, સમજી જાઓને… ગર્ભ પડાવવાની વાત કરતો હતો.’

થોડી વાર સુધી પુરુષે કશો જવાબ ના આપ્યો. મનોમન કશોક વિચાર કરવા લાગ્યો, પછી બોલ્યો, ‘એને વળી આ કુમતિ ક્યાંથી સૂઝી?’ અને પછી ઓચિંતો જ હસીને બોલ્યો, આપણે હજુ ક્યાં બહુ વસ્તી વધારી છે! આ સાંભળી સ્ત્રીનો ચહેરો ફિક્કો પડી ગયો. એને ખૂબ દુઃખ થયું અને તે આજીજી કરી બોલી, ‘તમે આમ હસો નહિ. મારો જીવ બળે છે.’ પુરુષ ફરી પાછો પહેલાંની જેમ ગંભીર થઈ ગયો અને બોલ્યો, ‘મારો જીવ તો સતત બળ્યા જ કરે છે… આ પેલી તારી સળગતી સગડીની જેમ… પણ હું તો બહુ જીવ બળે એટલે હસવા માંડું છું… શેઠ બહુ ધમકાવે તોપણ પછી બહાર આવી હસવા માંડું છું… બસનો કંડક્ટર ધક્કો મારી અપમાન કરે તોય હસું છું… આપણાથી હવે ઓછું રડાય છે!’

— ત્યાં તો રમાબહેનને ઘેર ટ્રાન્ઝિસ્ટર રેડિયો ઓચિંતો મોટેથી વાગી ઊઠ્યો અને અત્યંત શૃંગારિક ફિલ્મી ગીત ‘આ જા પિયા તુજે પ્યાર દૂં’ ઝણઝણી ઊઠ્યું. એ સાંભળી પુરુષ એકદમ ભભૂકી ઊઠ્યો અને બોલ્યો, ‘આ રમાબહેનને મોટેથી રેડિયો મૂકવાની ખૂબ ખરાબ ટેવ છે. તું એમને કહી દેતી હો તો! આ શું સાલું. જ્યારે ને ત્યારે આવાં ગાયનો! આજકાલ તો બસ જ્યાં જુઓ ત્યાં સાઇકલો અને ટ્રાન્ઝિસ્ટરો! સાઇકલો અને ટ્રાન્ઝિસ્ટરોનો જાણે રાફડો ફાટ્યો છે!’

સ્ત્રી પાછી સિયાવિયા થઈ ગઈ અને બારી પાસે દોડી મોટેથી બોલી, ‘અરે રમાબહેન… ઓ રમાબહેન. રેડિયો જરા ધીમો કરશો? એ જમવા બેઠા છે.’ અને પછી પુરુષ તરફ વળી અને એને ફાળ પડી, ‘અરે, તમે હાથ ક્યાં ધોવા માંડ્યા! ભાખરી નથી લેવી?’

પુરુષે ટૂંકો જવાબ આપ્યો, ‘ના, બસ.’ અને ઊભો થઈ ગયો. બબડતાં બબડતાં ગભરાઈ ફંફોસવા માંડ્યો, ‘મારાં કાગળિયાં ક્યાં છે?… કશું જ ઠેકાણે નહિ.’ અને પછી સ્ત્રી તરફ ફરી કશુંક કહેવા જતો હતો, ત્યાં તો સામે મંદિરનો ઘંટ મોટેથી વાગ્યો. પાછો એ બબડ્યો, ‘આ મંદિરની ઘંટ પણ કેટલો મોટેથી વાગ્યા કરે છે! આખો દિવસ બસ વાગ્યા જ કરે છે… બધાં કહે છે કે મંદિરની સામે જ તમારું ઘર છે એ કેટલું સારું! હા, ભાઈ હા, સારું તો ખરું જ ને… તમે ભગવાનને ભૂલી જાઓ… અમારે તો એમને યાદ રાખવા જ પડે ને!’ અભરાઈ પર ટિંગાડેલી ભગવાનની છબીને પગે લાગી સ્ત્રી બોલી, ‘અરે ભગવાન! આ શું બોલો છો! થોડીક ક્ષમતા રાખો, જુઓ —’ ત્યાં તો મિલની સાયરન વાગી. એ સાંભળી સ્ત્રીએ પુરુષને કહ્યું, ‘મોટાને આવવાની ટેમ થયો છે… હું એમ કહેતી હતી કે ઘણા વખતથી આપણે ત્યાં કોઈ પ્રસંગે નથી આવ્યો. કશો બનાવ નથી બન્યો… તો આ વખતે —’

આ સાંભળી દુઃખથી ફિક્કું હસીને પુરુષ બોલ્યો, ‘એક હસવા જેવી વાત કહું? આપણા જેવાના જગતમાં શો બનાવ બનવાનો હતો તે આટલી હરખઘેલી થાશ! રોજ ઊઠીએ. નહાઈએ-ધોઈએ, બે કોળિયા ખાઈએ, નોકરીએ જઈએ, થાકીને ઘેર આવીને પછી સૂઈ જઈએ… શું બનવાનું હતું! બોલ શું બનવાનું હતું? કીડી-મંકોડા આમતેમ ફરે છે એમાં કોઈ બનાવ હોય છે? કોઈ પ્રસંગ હોય છે? કેમ હસવું નથી આવતું?… મને તો હસવું આવે છે… આપણે તો ખાલી મરી જઈએ ત્યારે જ કોઈ ઘટના કે બનાવ બને છે, અને બસ એ જ વખતે પૈસાની ખાસ જરૂર નથી પડતી… થોડાક પૈસામાં આપણે એ પ્રસંગ ઊજવી શકીએ છીએ. કેમ ખરું કે નહિ?’ આટલું કહી પરુષ આજે પહેલી જ વાર ખડખડ હસ્યો. પુરુષ હસ્યો એટલે સ્ત્રી પણ ખુશ થઈ અને રસોડાનાં વાસણો એકઠાં કરવા લાગી. એક કકડો લઈ પુરુષ મોં લૂછવા લાગ્યો. અને ફરી પાછો અભરાઈ ફંફોસવા લાગ્યો. પુરુષને થોડો અજમો આપી સ્ત્રી હળવાશથી બોલી, ‘કાલે રમાબહેન પણ કહેતાં હતાં કે કોઈને સુખડી તો કોઈને રોટલો… પણ સુખડી મળે ત્યારે ખરી. ઓહ! પાછી ભૂલી ગઈ. રમાબહેનનું નામ લીધું.’ કોટ પહેરતાં પહેરતાં પુરુષ બોલ્યોઃ ‘આ તારાં રમાબહેને પહેલી જ વાર સાચી વાત કરી… સુખડી મળે ત્યારે ખરી… તેલપળી કરી કરીને જીવતા આપણા લોકોનો શો શક્કરવાર વળવાનો હતો!’

— ત્યાં તો સ્ત્રી ઓચિંતી બોલીઃ ‘તમને એક વાત કહેવાની તો રહી ગઈ, ટપાલ આવી છે. નાનકો, મોટો અને તમે બધા ભેગા થઈને પેલી સોસાયટીમાં પડ્યા છો ને તે એનું કાગળિયું આવ્યું છે — હપતાની રકમ માટે.’ આ સાંભળી પુરુષ એકદમ લાલચોળ થઈ ગયો અને સ્ત્રી તરફ ફરી તાડૂકી ઊઠ્યો, ‘અત્યારે મૂકને હવે એ માથાકૂટ… હું તો મોટાને કહેતો જ હતો કે આપણું ગજું નહિ, સાલું ઘર!… ઘર કે જંગલી રાક્ષસ! સાલું ખુદ આપણને જ ખાઈ જાય એ તે કેવું ઘર! મેં તો મોટાનેય કહ્યું હતું, નાનનેય કહ્યું હતું અને તનેય કહ્યું હતું કે—’ પણ ફરી પાછી એને ઉધરસ ચઢી ને ‘ચાલ હવે મારે મોડું થાય છે.’ એમ કહેતાં કહેતાં તે ઝડપથી બહાર નીકળી ગયો.

‘હા, હા, મેં જે કહ્યું હતું એ ખરું, પણ મારી વાત તો સાંભળો—’ કહેતી સ્ત્રી ખાલી અવકાશમાં એની પીઠ પાછળ તાકી રહી અને ફરી પાછું રમાબહેનના રેડિયોમાં ‘વૈષ્મવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે’ એ ભજન ઓચિંતું વાગી ઊઠ્યું.

આજે તો આવતાંની સાથે જ વ્હિસલ મારી તે સોફા પર જ આળોટવા માંડ્યો અને ટેબલ પર ચાનો સેટ ગોઠવતી સ્ત્રીની સામે જોઈ હસતાં હસતાં બોલ્યોઃ ‘ગજબની જોક થઈ ગઈ.’ એનો એપ્રન સરખો કરતાં સ્ત્રી બોલીઃ ‘શું થયું! પાછી બીજી જોક! મને કહો તો ખરા!’ લહેરમાં આવી પગ પર પગ ચઢાવી પુરુષ બોલ્યો, ‘આજે અમે એક પરદેશી મહેમાનને કારમાં ફેરવતા હતા. પાકથી લહેરાતાં પીળાં ફૂલોવાળાં રાઈનાં ખેતરો બતાવતા હતા, ત્યાં તો રસ્તામાં નદીનો એક ઘાટ આવ્યો. ત્યાં આપણી કેટલીક સ્ત્રીઓ નહાતી હતી. પેલા પરદેશી મહેમાન ત્યાં એકીટશે જોઈ રહ્યા અને પછી બોલ્યાઃ ‘અમારે ત્યાં સ્ત્રીઓ આવી રીતે જાહેરમાં નહાતી નથી.’ આ સાંભળી મારા બૉસ તરત જ બોલી ઊઠ્યા, ‘અમારે ત્યાં પુરુષો આવી રીતે જાહેરમાં સ્ત્રીઓને જોતા નથી.’ પુરુષ અને સ્ત્રી બન્ને ખડખડ હસી પડ્યાં. થોડી વાર પછી સ્ત્રી બોલીઃ ‘હું આમ હસું છું. પણ અંદરથી બહુ દુઃખી છું… મોટા દીકરાને લશ્કરમાં ભરતી કરવા માટે ફરજિયાત ઉપાડી ગયા. એવું સાંભળ્યું છે કે આપણી દીકરીને પણ ફરજિયાત વૈજ્ઞાનિક તાલીમ આપવાના છે… બહુ જોખમી અને ભયંકર—’ ત્યાં તો પુરુષ અધવચ્ચે જ બોલી ઊઠ્યોઃ ‘તો શું તું એમ માને છે કે હું પણ દુઃખી નથી?’ આટલું કહેતામાં તો એનો ચહેરો એકદમ તંગ થઈ ગયો અને સિગારેટ કાઢી સળગાવી ધુમાડા બહાર ફેંકવા લાગ્યો. એને ચાનો પ્યાલો આપતાં સ્ત્રી બોલીઃ ‘બસ બસ, હવે સિગારેટ ના પીશો… હમણાં હમણાંથી તો સિગારેટ વધુ પડતી પીવો છો અને દારૂ પણ.’

પુરુષે કશો જવાબ ના આપ્યો અને મૂંગો મૂંગો ચા પીવા લાગ્યો. સ્ત્રી બારી સામે જઈ ઊભી રહી અને બહાર જોઈ રહી. ત્યાં તો ઉપર આકાશમાંથી જમ્બો જેટ વિમાનનો સુસવાટા મારતો અવાજ આવ્યો. સ્ત્રી પુરુષ તરફ બોલી, ‘કેટલી તેજ ગતિથી વિમાન ઊડે છે! આપણાં સુખશાંતિ માટે ચારે બાજુથી બહુ પ્રગતિ થાય છે.’ સાંભળ્યું ના હોય એમ કશું બોલ્યા વિના પુરુષ ઊભો થયો અને વૉર્ડરોબમાંથી કોટ કાઢી મોટા કદના અરીસા પાસે ગયો અને ટાઈ સરખી કરી કોટ પહેરી બ્રશ વડે વાળ સરખા કરવા લાગ્યો અને અરીસામાંથી જ સ્ત્રી સામે જોઈ બોલ્યો, ‘ક્રાંતિ પછી આપણે સુખી સુખી થઈ ગયાં; નહિ?’ સ્ત્રીએ એપ્રન કાઢી નાખ્યો. ફ્રૉક પર કોટી પહેરી લીધી અને પરુષ પાસે આવી બોલીઃ ‘હા, બધા જ સુખી થઈ ગયા, ફરજિયાત સુખી થઈ ગયા.’ અને પછી ધીમેકથી બબડી, ‘શી ખબર મારો દીકરો શું કરતો હશે!’ આ સાંભળી પુરુષ એકદમ ગુસ્સે થઈ ગયો અને મોટા અવાજે બોલ્યોઃ ‘દીકરો દીકરો શું કરે છે! કતારમાં ઊભો હશે… જો જો, આ સૈનિકો જેવાં કતારબદ્ધ બંધાયેલાં ઘરો તને તારા દીકરા જેવાં નથી લાગતાં! કેટલાં સરસ સગવડભર્યાં ઘર છે!’ કોરી ભીંત સામે જોતી હોય એમ બધિર ભાવે સ્ત્રી ખાલી એટલું બોલી, ‘ઘર!’ પુરુષ એની પાસે ગયો, એના ખભા પર વહાલથી હાથ મૂક્યો અને ડ્રૉઇંગ-રૂમની ક્રીમ દીવાલોને જોઈ રહ્યો, અને પાછો ઓચિંતો ટી.વી. સેટ પાસે ગયો અને ચાલુ કરી બોલ્યો, ‘હા, ઘર… જો કેટલું સરસ ઘર છે.. હવે તો ટી.વી. પર સવારે સમાચારપત્ર પર વાંચી લેવાનું. કોઈ પણ માહિતી હવે ટી.વી. ના પડદા પર જમાડી પણ દે.’ આટલું બોલી પુરુષ હસ્યો અને બીજી સિગારેટ સળગાવી. સ્ત્રી પણ ફિક્કું હસીને બોલીઃ ‘હા, ફરજિયાત.’

હવે કશું જ ના બોલવું હોય એમ પુરુષ શાંત બેસી રહ્યો. સ્ત્રી ઊભી થઈ અને ટીવી.નો અવાજ ધીમો કરી ફોનનું રિસીવર ઉપાડ્યું. પછી વિચાર બદલી ઘડિયાળ સામે જોયું અને પર્સ ખોલી અંદરની વસ્તુઓ બરાબર તપાસી પુરુષની સામે આવી બેઠી. બન્ને ક્યાંય સુધી શાંત બેસી રહ્યાં. થોડી વાર પછી મનોમન બોલતો હોય એમ બોલ્યોઃ ‘મને એક હસવા જેવો વિચાર આવે છે, જોકે એવો વિચાર આવવો જોઈએ નહિ, છતાંય આવે છે. મન પર કાબૂ શી ખબર ક્યારે આવશે!’ સ્ત્રી પુરુષના બોલવાની જ રાહ જોતી હોય એમ તરત જ બોલીઃ ‘મારે તો મન પર કાબૂ આવી ગયો છે.’ આ સાંભળી પુરુષ હસ્યો અને બોલ્યો, ‘તો તો તારી ઘણી સિદ્ધિ કહેવાય; પછી શેની તારી જાતને દુઃખી કહ્યા કરે છે, અને જો આજે—’ ત્યાં તો ફૅક્ટરીની સાયરન વાગી. એ સાંભળી સ્ત્રી બોલીઃ ‘હા, પણ તમે તમારો હસવા જેવો વિચાર તો કહો… ‘વિચાર’ સાંભળવાની મજા આવે છે… હવે જલદી જલદી કહી દો, મારે ફૅક્ટરીએ જવાનો ટાઇમ થયો છે.’

સ્ત્રી તરફ ઝૂકીને પુરુષ હસતાં હસતાં બોલ્યો, ‘મને એવો વિચાર આવે છે કે… કે આપણા બધાનાં ઘર સરખાં, બધાની સુખસગવડ સરખી તો… તો આપણા બધાના ચહેરા પર કેમ સરખા નહિ?… બધાં રીંછનાં મોં સરખાં, બધા ઘોડાનાં મોં સરખાં, બધાં પક્ષીઓનાં મોં સરખાં, તો આપણા માણસના ચહેરા સરખા કેમ નહિ?… માણસના ચહેરા જુદા જુદા કેમ?’ આ સાંભળી સ્ત્રીને પણ હસવું આવ્યું અને કોઈ નવી નવાઈની વાત સાંભળી હોય એમ આશ્ચર્યથી બોલી, ‘હા, બધા કાગડાનાં મોં એકસરખાં જ હોય છે… કાગડાને ઓળખી શકીએ છીએ? તો માણસો પણ ના ઓળખાવા જોઈએ.’

— પણ પુરુષ હવે ગંભીર થઈ ગયો હતો. ઊભો થઈ તે વૉર્ડરોબ પાસે ગયો અને એમાંથી એની બ્રીફ-કેસ કાઢી. વૉર્ડરોબમાં એનું એક સાવ અંગત ખાનું હતું. એ ખોલી એમાંથી કેટલાંક અગત્યનાં કાગળિયાં કાઢ્યાં અને સ્ત્રી સામે જોઈ પોતાની બ્રીફકેસમાં મૂક્યાં. સ્ત્રી કશું બોલ્યા વિના એનો મેક-અપ સરખો કરવા લાગી. પુરુષ એના આઇડેન્ટિટી કાર્ડ સામે ક્યાંય સુધી તાકી રહ્યો. સ્ત્રી વારંવાર એના ઘડિયાળ સામે જોતી હતી. પુરુષ સ્ત્રીની એકદમ પાસે આવ્યો અને ધીમેકથી એના કાનમાં બોલ્યોઃ ‘હવે હું તને એક ગંભીર વાત કહેવા માગું છું.’ સ્ત્રીએ પૂછ્યુંઃ ‘તમારા બૉસની?’

પુરુષે એકદમ સ્ત્રીના બે હાથ પકડી લીધા અને ઝડપથી બોલ્યો, ‘ચાલ, આપણે બીજા કોઈ દેશમાં ભાગી જઈએ, હવે અહીં રહેવાય એમ નથી. હું ગૂંગળાઈ ગયો છું, સતત તમને કોઈ જોયા જ કરે. તમારા પર કોઈ ચાંપતી નજર રાખે…’ આ સાંભળી સ્ત્રી બાવરી બની ગઈ અને થડકાતા અવાજે બોલી, ‘ના, ના, એ બધું સ્વીકારી લો… સ્વીકારવું જ રહ્યું. બધાંએ સ્વીકારી લીધું છે.’ પુરુષ વધારે ઉત્તેજિત થઈ ગયો અને સ્ત્રીને વધારે ભીંસમાં લઈ બોલ્યો, ‘બધાએ છો સ્વીકાર્યું, મારે નથી સ્વીકારવું. બસ હવે જતા રહેવું છે.’ પુરુષની પકડ છોડાવી સ્ત્રી ફસડાઈને ખુરશીમાં બેસી પડી અને એના હૃદયના ધબકારા વધી ગયા. બારીની બહાર થોડી વાર તાકી રહી અને પછી શાંત દયામણા અવાજે બોલી, ‘જરા વિચાર તો કરો, એમ જતાં રહેવું સહેલું છે?… અહીં આપણાં બાળકો છે, આપણું ઘર છે, આપણાં ખેતરો છે.’

— આ કશું જ સાંભળવા ન માગતો હોય એમ ઉગ્ર અને કઠોર થઈને પુરુષ બોલ્યો, ‘એ બધું જ છોડી દેવાનું… તારે આવવું છે કે નહિ?’ સ્ત્રીની આંખમાં હવે આંસુ આવી ગયાં. હતાશ થઈને તે બોલીઃ ‘પણ અહીં મારાં મા-બાપ છે. મારી બહેન માંદી છે… ના, ના, એ લોકોને હું ના છોડી શકું. તમે પણ—’

‘તો તો… તો તો હું તને પણ છોડીને જતો રહીશ.’ ગુસ્સામાં ને ગુસ્સામાં આટલું કહી પુરુષ ઝડપથી ઘરની બહાર જતો રહ્યો. એને જતાં જોઈ સ્ત્રીને ધ્રાસકો પડ્યો અને ચિત્કારી ઊઠીઃ ‘સાંભળો… સાંભળો… હું તમને એક વાત કહું—’ ત્યાં તો ટેલિવિઝન પર ઓચિંતી જાહેરાત થઈ—

‘અમને જણાવતાં આનંદ થાય છે કે આપણું અવકાશયાન શુક્રના ગ્રહ પર પહોંચી ગયું છે. આ રીતે આપણે સાતમા ગ્રહ પર કબજો મેળવી લીધો છે. એ તો તમને ખબર જ હશે કે ૧૯૫૭માં ઑક્ટોબરની ચોથી તારીખે અવકાશમાં આપણી આ પૃથ્વીની પ્રદક્ષિણા કરતો સૌથી પહેલો ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો. અને ૧૯૫૯માં ચંદ્ર પર સૌથી પહેલું અવકાશયાન પહોંચ્યું હતું અને એનાથી આગળ વધીને ૧૯૬૫માં માણસે પહેલી વાર અવકાશમાં તરવાની સહેલ માણી હતી.’

શૅક અને પૉપ બન્ને મ્યુઝિકની રેકર્ડ્સ પૂરી થઈ ગઈ એટલે એણે રેકોર્ડ ચેઇન્જર પર ડિસ્કોની રેકર્ડ મૂકી અને સ્ટીરિયો પર એનું સંગીત મોટેથી ધમધમી ઊઠ્યું. એકાવનમા માળની બારીએથી એ નીચે જતાં-આવતાં વાહનો, ટ્રાફિક સિગ્નલોને, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સને અને માણસોને જોઈ રહી અને પછી અરીસા પાસે જઈ હેડડ્રેસર મશીનથી એના વાળ સેટ કર્યા અને પછી ચોપડી લઈ વાંચવા બેઠી. થોડાં પાનાં વંચાયાં ત્યાં જ કૉલબેલ વાગ્યો. બારણું ખોલી જોયું તો તે આવી ગયો હતો. એણે ચોપડી ઠેકાણે મૂકતાં કહ્યું, ‘તારા ડેડીને હવે કેમ છે?’ ફ્રિજ ખોલતાં ખોલતાં પુરુષે જવાબ આપ્યોઃ ‘ઠીક છે, પથારીવશ છે. બહુ હરીફરી શકતા નથી.’ સ્ત્રી તરત જ બોલીઃ ‘ઓહ! જાણીને ખૂબ દુઃખ થયું, કોન્સોલેશન.’ પુરુષ વૉર્ડરોબ પાસે ગયો અને એ ખોલીને એમાં એની બ્રીફ-કેસ મૂકી અને સ્ત્રીની તરફ ફરીને બોલ્યોઃ ‘થૅંક યુ… અરે એક વાત કહેવાની તો ભૂલી જ ગયો. આજે તારો બીજી વારનો પતિ રસ્તામાં મળી ગયો હતો.’ સ્ત્રીએ ખૂબ જ સાહજિકતાથી પૂછ્યુંઃ ‘એમ! કંઈ વાત થઈ?’ પુરુષે હસીને જવાબ આપ્યોઃ ‘ખાસ કંઈ વાત ના થઈ… બસ મને કહે ‘કેમ છે?’ આંખ મીંચકારી બોલ્યો હતો એટલે સાલો કટાક્ષમાં બોલ્યો હશે, અને—’ ત્યાં તો સ્ત્રી પણ હસીને બોલી ઊઠીઃ ‘મને કોઈ વાર તારી પહેલાંની પત્ની રસ્તામાં નથી મળી જતી, નહિ તો મજા આવે, સામસામે પૂછીએ તો ખરાં, કેમ છે?’

સ્ત્રીપુરુષ બન્ને ખડખડ હસ્યાં.

સ્ટીરિયો સહેજ ધીમો કરી પુરુષ બેઝિનમાં મોં ધોવા લાગ્યો. સ્ત્રીએ પાછી ચોપડી હાથમાં લીધી અને પાનાં ફેરવવા લાગી. મોં લૂછતાં લૂછતાં એની પાસે આવ્યો એટલે તે બોલીઃ ‘તને હું ફોન કરતી હતી પણ તારી સેક્રેટરી તને આપતી જ નહોતી.’ પુરુષે ટૂંકો જવાબ આપ્યોઃ ‘હું બિઝિ હતો.’ સ્ત્રી સહેજ કટાક્ષમાં બોલી… ‘તું કે તું અને તારી સેક્રેટરી બન્ને? અને એટલે જ મોડે સુધી રોકાય છે ને?’ પુરુષ હસીને સ્ત્રી તરફ ઝૂક્યો અને એનાં સોનેરી જુલ્ફાં પસવારી બોલ્યોઃ ‘સેક્રેટરી બિઝિ હોય તો તારો ફોન ક્યાંથી રિસીવ કરે?’ સ્ત્રીએ આછો હડસેલો મારી પુરુષને ખુરશીમાં બેસાડી દીધો અને પોતે ઊભી થઈ અને ખૂણામાં એક ઇલેક્ટ્રિક સ્વિચ ઑન કરી બોલીઃ ‘બિઝિ હોય તો મારે શું! અચ્છા, મારી ઑફિસેથી આવી મેં તો એટલા માટે ફોન કર્યો હતો કે આ રોબોટ હવે કશું કામ જ કરતો નથી.’ સ્થિતપ્રજ્ઞ સાધુની જેમ ઊભેલા રોબોટ પાસે જઈ તે આશ્ચર્યથી બોલ્યોઃ ‘રોબોટ કશું જ કામ કરતો નથી! પણ કંપનીએ બે વર્ષની ગૅરંટી તો આપી હતી! કેટલા પૈસા આપી સ્ટાન્ડર્ડ કંપનીમાંથી ઘરનું કામ કરવા રોબોટ લાવ્યા હતા!… સાવ ડેડ થઈ ગયો છે!’ રોબોટ પર એક ગુસ્સાભરી નજર ફેંકી સ્ત્રીએ જવાબ આપ્યોઃ ‘ડેડ તો નથી થઈ ગયો, પણ એકના બદલે બીજું કરે છે… કહીએ છીએ કંઈ અને કરે છે કંઈ… બરાબર આદેશો ઝીલતો નથી, બગડી ગયો છે.’ રોબોટની આંખો તરફ જોઈ પુરુષે જવાબ આપ્યોઃ ‘તું બરાબર સ્વીચ દબાવતી હોઉં.’ આ સાંભળી સ્ત્રી એકદમ ઉશ્કેરાઈ ગઈ અને બોલી ઊઠીઃ ‘જા જા હવે, એ લોકોએ કોમ્પ્યુટર્સમાં ડેટા મૂકવાની કશીક ગરબડ કરી લાગે છે… આજે તો હાથે કામ કરી કરીને થાકી ગઈ… ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આજે તારા માટે તું જરા ચા બનાવી લેશે!’ પુરુષે જવાબ આપ્યોઃ ‘ઑફ કોર્સ, ડાર્લિંગ.’

‘થૅંક યુ સો મચ ડિયર.’ આટલું કહી સ્ત્રી બારી પાસે જઈ ઊભી રહી અને નીચે જોતાં જોતાં કશે વિચાર કરવા લાગી. પુરુષ એની પાસે જઈ ઊભો રહ્યો. બન્ને ક્યાંય સુધી બોલ્યા વિના ઊભાં રહ્યાં, પછી પુરુષ ધીમેકથી બોલ્યો, ‘શું વિચાર કરે છે?’ સ્ત્રીએ બારીની બહાર જોતાં જોતાં જ જવાબ આપ્યોઃ ‘આ એકાવનમા માળની બારી પાસેથી બહાર આકાશ સામે અને નીચે વહેંતિયા જેવા માણસો અને વાહનો જોઉં છું ત્યારે મને ઘણી વાર વિચાર આવે છે કે ફ્લૅટમાં આપણે ઓચિંતાં મરી જઈએ તો આપણું શું થાય? આપણી કોણ ખબર કાઢે? તને એવો વિચાર નથી આવતો કે લિફ્ટ ઓચિંતી બંધ થઈ જાય તો આપણે ગૂંગળાઈ જઈએ અને—’

સ્ત્રીની આ વાત સાંભળી પુરુષ એકદમ ચિડાઈને બોલ્યોઃ ‘સ્ટોપ ધિસ નોનસેન્સ. શું વાંચતી હતી! વ્હાય ધિસ ડિપ્રેશન! જો આ મેગેઝિન તારા માટે લાવ્યો છું… વાંચ… ફોટા જો. તારી તબિયત ખુશ થઈ જશે.’ સામે ટેબલ પર પડેલું બીજું મૅગેઝિન સ્ત્રીએ હાથમાં લીધું અને પુરુષ સામે ધરી બોલીઃ ‘મૅગેઝિન મૅગેઝિન કરે છે તે લે આમાં વાંચ.’ મૅગેઝિન હાથમાં લીધા વિના પુરુષ સહેજ રોષથી બોલ્યોઃ ‘શું છે?’ મૅગેઝિનનું એક પાનું ખોલી સ્ત્રી બોલીઃ ‘ડેઇટિંગ માટે સાંજે બહાર જતી વખતે ડૉટર મધરને કહે છે, કે મોમ, કાલે દૂધમાં મને પેલી ગોળી આપવાનું તો તું ભૂલી ગઈ… હવે શું થશે!… બોલ, તારે કંઈ કહેવું છે! ઍની કોમેન્ટ?… આપણો હવે એવો વારો નહિ આવે? આપણી ડૉટર—’

ગુસ્સે થઈ મેગેઝિન પછાડી પુરુષે ઘાંટો પાડ્યોઃ ‘મારો મૂડ શા માટે બગાડે છે! લેટ ધેમ ગો ટુ હેલ.’

સ્ત્રી પુરુષ સામે જોઈ રહી અને કશું બોલ્યા વિના ભોંય પર પડેલું મૅગેઝિન હાથમાં લીધું અને પુરુષને શાંત પાડતી હોય એમ દુઃખભર્યા અવાજે બોલીઃ ‘સૉરી… મારે તને દુઃખી નથી કરવો. પણ જેમ જેમ હું મોટી થતી જાઉં છું એમ એમ જાણે હું એકલી પડતી જાઉં છું, કશાકથી અળગી પડતી જાઉં છું અને… અને એકલતા એ તો કેટલી ખરાબ વસ્તુ છે! અને… અને…’

પુરુષ પણ અધવચ્ચે શાંત અવાજે બોલ્યોઃ ‘એટલે તો કહું છું કે બહુ વિચાર કર્યા વિના બને એટલી મોજમજાહ કર… જીવન એ બહુ વિચાર કરવા જેવી વસ્તુ નથી.’

કશો જવાબ આપ્યા વિના સ્ત્રી ઊભી થઈ. એના વોર્ડરોબ પાસે ગઈ અને એમાંથી એક ફોટોગ્રાફ કાઢી બોલીઃ ‘હા, મને પણ એવું જ લાગે છે… આપણો પોપ જોને, આપણને કેવો છોડી જતો રહ્યો! હજુ તો ગયા ઑગસ્ટમાં સત્તરમું બેઠું… એમાં તો સ્વતંત્ર થઈ ગયો! પાંખો તો હજુ માંડ ફૂટી ત્યાં તો ઊડીને જતો રહ્યો! એને પ્રેમ જેવી કોઈ લાગણી જ નથી.’

પુરુષે સ્ત્રીના હાથમાંથી ફોટોગ્રાફ લઈ લીધો અને વૉર્ડરોબમાં પાછો મૂકી દીધો. પછી સ્ત્રીને સાંત્વન આપતો હોય એ રીતે બોલ્યોઃ ‘પણ આજે આ બધી વાતો શા માટે કરે છે? આ આપણા એકલાની વાત છે. તને આજે શું થયું છે!’

સ્ત્રી ફરી પાછી બારી પાસે ગઈ અને બહાર રસ્તા પર જોઈ બોલીઃ ‘ના, આમ તો કશુંય નથી થયું. સાવ નાનકડી વાત છેઃ ‘આજે પોપ, મારો દીકરો, માઇ સન. મને રસ્તામાં મળ્યો હતો… સાથે એની પેલી બદામી જુલ્ફાંવાળી છોકરી પણ હતી. મને જોઈને પસાર થતાં થતાં જ બોલ્યોઃ ‘હલ્લે મોમ, હાઉ ડૂ યૂ ડૂ?’

‘તેં શું કહ્યું?’ પુરુષે પૂછ્યું.

મેં હસીને કહ્યું, ‘ફાઇન.’ સ્ત્રીએ જવાબ આપ્યો.

એકદમ હળવાશથી પુરુષ હસતાં હસતાં બોલ્યોઃ ‘બસ, આ જ તો આપણું જીવન છે… ફાઇન-એક્સ્ટ્રીમ્લિ ફાઇન.’ અને પછી સ્ટીરિયો પાસે જઈ ફરી પછી રેકોર્ડ-ચેઇન્જર પર ડિસ્કો ગીતની રેકર્ડ મૂકી અને સ્ત્રી માંડ એટલું બોલીઃ ‘પણ… પણ… પણ…’