ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હિમાંશી શેલત/અંધારી ગલીમાં સફેદ ટપકાં
હિમાંશી શેલત
◼
આંધળી ગલીમાં સફેદ ટપકાં • હિમાંશી શેલત • ઑડિયો પઠન: બિજલ વ્યાસ
અંધારી ગલીઓમાં એ અટવાઈ ગઈ. અહીં ગોવર્ધનધામ અને ચિત્રકૂટ, કૈલાસધામ અને શ્યામવિહાર જડતાં હતાં, પણ ભાગીરથી કલ્યાણધામ ના જડ્યું. ગલીઓ અત્યંત સાંકડી, તેમાં બંધ બારીઓ દીવાલોમાંથી બહાર ધસી આવતી હતી, ગંદું પાણી ગમે ત્યાંથી પગ પાસે ફૂટી નીકળતું હતું. સાડી સહેજ ઊંચી પકડી, આંખો ઉપર રાખી, આમ અથડાવાનો થાક તો લાગ્યો જ હતો. આવી સાંકડી ગલીઓમાં પાછી સવત્સ ગાયો ભટકાતી હતી, એવે વખતે શ્વાસ રોકીને, ભીંતે ચોંટીને ઊભા રહેવાનું કષ્ટકર બનતું હતું. એક પુષ્ટ બ્રાહ્મણ કશુંક અસ્પષ્ટ બબડતો આવી રહ્યો હતો. એણે ખભા પર સાડી બરાબર ગોઠવી, થેલો જરા ચપસીને પકડ્યો, અને એ નજીક આવ્યો તેવું તરત જ બોલી પડી, ‘ભાગીરથી કલ્યાણધામ?’
પેલાએ ઉપર આંગળી બતાવી. ઇશારતથી સમજાવ્યું, ‘ઊંચું મકાન છે, પહેલાં આ ગલીઓની ગૂંચમાંથી બહાર નીકળવાનું, પછી બીજી એવી જ ગૂંચમાં પેસી જવાનું. તેમાં જમણી તરફથી ત્રીજી ગલીમાં ચોથું મકાન. બડા હૈ, એમ કહ્યું એટલે ગફલત ન થવી જોઈએ. જે દિશામાં જરાતરા પ્રકાશ દેખાયો. તેને વળગીને એ આગળ વધી, પણ દરેક વખતે ભોંઠી પડી. છેવટે પ્રકાશ ધૂંધળો જ થઈ જતો, અને ગલી અંધારી. માંડમાંડ, પૂછીપૂછીને, અથડાઈ-કુટાઈને, આ ભુલભુલામણીમાંથી એ બહાર આવી શકી.
પહેલાં તો ફેફસાં ભરીને શ્વાસ લેવો પડ્યો. અંદર તો હવા જ ક્યાં હતી? હવે ભાગીરથી કલ્યાણધામ. ગણીગણીને એ ગલીમાં વળી, અને બરાબર ચોથા મકાન પાસે થોભી. એટલી રાહત લાગી કે ઓટલા પર જ પગ લાંબા કરીને બેસી પડવાનું મન થઈ આવ્યું. ઓટલો પાછો સરસ હતો, સફેદ આરસનો અને ઠંડોગાર. અર્ધગોળ તકતી પર નામ પણ વાંચી લીધું. હવે વાંધો નહીં. આમાં પાર્વતી અને સુલક્ષણા તરત જ મળી જશે. એક જ તો મકાન છે, એટલે અંદર જઈને પૂછતાંવેંત બંને દોડી આવશે કદાચ.
ચંપલ કાઢીને અંદર જવાનું હતું. એક કરડા ચહેરાએ થેલી પણ બહાર જ રખાવી. કોઈ કારણસર નિયમ હશે એવો. દાખલ થઈ કે તરત થોડા તુલસીક્યારા આંખ સામે જ આવી ગયા. બે કાગડા બળી ગયેલી દિવેટની ખેંચાખેંચમાં પડ્યા હતા. જમણી તરફ મંજીરાં અને તબલાં પર ઠોકઠાકથી કંઈ ભજનકીર્તનની તैયારી થતી હોય એવું લાગ્યું. એ જમણી તરફ ફંટાઈ.
એક મોટા ખંડમાં શેતરંજી પર સફેદ રંગનાં નાનાંમોટાં ટપકાં ગોઠવાયાં હતાં. એણે ચશ્માં સરખાં કર્યાં. કોઈ ઘટ્ટ અવાજે ‘શ્રીકૃષ્ણ શરણં મમ્થી શરૂઆત કરી. તાળીઓનો અવાજ કાનમાં મૂઢમાર જેવો વાગ્યો, બધું સંભળાતું જ બંધ થઈ ગયું. આવામાં પાર્વતી અને સુલક્ષણા વિશે કોને પૂછવું તે ખબર પડી નહીં. ખૂબ તરસ લાગી હતી. એણે પાછળ જઈ રસોડું શોધી કાઢ્યું. મોટા મોટા ચૂલા પાસે ધુમાડીમાં સફેદ સફેદ આકારો કડછા-તવેથા ફેરવતા હતા. એણે પાણી માંગી પી લીધું, પાર્વતી સુલક્ષણા માટે પણ પૂછી લીધું. ‘વો જિસકા મરદ દંગેમેં મરા,’ એકે બીજીને કહ્યું. તો કોઈક ઓળખતું હતું પાર્વતી સુલક્ષણાને. ‘આવો અંદર.’
એક નાની ઓરડીમાં એ દાખલ થઈ. અગરબત્તી, ફોટાઓ અને પાદુકાઓ, માળા, ચોપડીઓ, એક ખૂણે માટલી, બાજુમાં કાંસકો. એ આસપાસ જોતી રહી. અહીંથી નીચેનો ખંડ દેખાતો હતો. થોડી વાર પછી ફર્શ પરથી એક મોટું સફેદ વાદળ ઉપર ઊઠ્યું. પછી થોડો ધોળો ફડફડાટ, એને થયું હમણાં દોડતાં આવશે પાર્વતી અને સુલક્ષણા.
બંને આવ્યાં. ધીમે ધીમે. શરીર નંખાઈ ગયેલાં લાગ્યાં અને આંખો સાવ કોરી પડી ગયેલી. એણે વારાફરતી બંનેના હાથ પકડી લીધા.
‘કેમ છો, શું કરો છો અહીં આખો દિવસ?’ ‘બસ, ભજનકીર્તન, કથા-સ્વાધ્યાય, પાઠ-પૂજા, દિવસ પસાર થઈ જાય. વારા પ્રમાણે રસોઈ, સફાઈ એવું બધું કામ પણ ખરું ને… વચ્ચે રામાયણ જોયેલું, વીડિયો કૅસેટ લાવેલા’, કંઈ ઉલ્લાસ આણીને સુલક્ષણા બોલી.
એ બારી બહાર જોતી રહી. ઝુંડનાં ઝુંડ નદી ભણી જઈ રહ્યાં હતાં. નાની નાની ગલીઓમાંથી એમનો પ્રવાહ ઠલવાતો હતો, એમાંયે સફેદ રંગનાં ટપકાં વધારે હતાં.
‘ચલો, બતાવીએ તમને બધું.’ થોડી અનિચ્છા છતાં એ ઊભી થઈ.
‘આ રસોડું, અહીં કીર્તન થાય, કથા બેસે આઠમની ઉજવણી વખતે અહીં,’ – એનું ધ્યાન વાતોમાંથી ખસી પડ્યું હતું. સુલક્ષણાએ હજી મુનિયા વિશે કંઈ જ પૂછ્યું નહોતું. પછી પૂછે તો કોણ જાણે. પાછળ મોટી ખુલ્લી જગા હતી. પાર્વતી કહે, ‘હવે થોડા દિવસ માટે, પછી ત્યાં ચાર મજલાવાળું મકાન થશે. આ વખતે જ નક્કી થયું મિટિંગમાં, હજી તો બે હજાર નામ પેન્ડિંગ છે.’ પાર્વતી અંગ્રેજી શબ્દો લગભગ બરાબર બોલતી હતી. કદાચ વારંવાર સાંભળ્યા હશે. ‘મૈયા કહે છે કે આ બધી નાની ઉંમરની છે, છડેછડી, બચ્ચાંવાળી ઓછી છે, એટલે કરવું તો પડે જ કંઈક. ધરમધ્યાનમાં જીવન પૂરું થાય એ સારું. બીજા જનમમાં આવું દુઃખ ન આવે. અહીં તો બાકી બધી વાતે સારું છે.’
આખા ભાગીરથી કલ્યાણધામમાં એકેય અરીસો નહોતો, નહીં તો જરાતરા વાળ ઠીક કરવા હતા, થોડો પાઉડર મોં પર ફેરવી લેવાય તો તાજગી આવે. થેલામાં બધું હતું, પણ અહીં પથારો કરવાનો સંકોચ થયો. એણે વાળ દાબીને પિન ફરીથી મારી. પાર્વતી ધ્યાનથી એને જોઈ રહી હતી.
‘રોકાવાનાં નથી?’ એ લોકોને જાણે કંઈ નવાઈ ન લાગી.
‘ના, અમે તો ઘણાં છીએ, ટૂરમાં આવ્યાં છીએ, અત્યારે જઈશ, કાલે વખત હશે તો પાછી આવીશ. કાલે રાત્રે અહીંથી નેપાળ તરફ,’ એને થયું એ અમસ્તી જ બોલ્યે જતી હતી.
દાદર નજીક ખૂણામાં એક કેશવિહીન મસ્તક માળા પર નમી ગયું હતું. સફેદ રંગ ન હોય તો અંધારામાં એ આકાર સાવ ભળી જાય. એક ખૂણે હાર્મોનિયમ પર કોઈ છોકરી, સાવ નાદાન લાગે એવી, ભજન બેસાડવા મથતી હતી. મોટા સૂર પર આંગળી પડતાં એને હસવું આવી જતું. ‘બસંતી, ચલો રસોઈ ઘર મેં…’ કોઈ એને બોલાવી ગયું. એ એકદમ ઠેકડો મારીને ઊભી થઈ, પછી જરા આમતેમ જોઈ ઠાવકી ચાલે અંદર ખોવાઈ ગઈ.
જાજમ પર પચાસેક સ્ત્રીઓ થીજી ગઈ હતી. ધૂળ ખાતી પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓ જ દેખાય. એ બધી ત્યાં બેઠી બેઠી શું કરતી હશે એ જોવાની ઇચ્છા થઈ આવી, પણ પછી પાસે જવાનો ડર લાગ્યો, કોઈ હાલતુંચાલતું નહોતું એટલે હોય કદાચ.
પાર્વતીએ એક આકાર ભણી આંગળી ચીંધી. મૈયા… ભારે ભારે પોપચાં, ચહેરાની રેખાઓ થોથરમાં પૂરેપૂરી દબાઈ ગયેલી. લઈને ચાલતાં તકલીફ પડે એવું શરીર, ખૂબ ઊજળો વાન. મૈયાની ચૂડીઓ સોળ વરસે તૂટેલી. એમના વરને ચપ્પુ ભોંકેલું કોઈકે, પછી ખબર પડેલી કે મારવાનો હતો તે તો બીજો જ કોઈ માણસ. ‘
એણે ચંપલ પહેરી લીધાં. એ આવી ત્યારે સામેની ભીંત ઉપર નજર નહોતી પડી તે હવે પડી. યમરાજની પાસેથી સાવિત્રી વરદાન મેળવે છે એવું મોટું ચિત્ર દીવાલનો મોટો ભાગ રોકીને પથરાયું હતું. યમરાજની હથેલીમાંથી વરદાનનો પીળો અને કેસરી રંગનો પ્રકાશ નીકળતો હતો. એ રંગનો પટ્ટો એવો તો જાડો અને ચમકતો હતો કે એની આગળ ચિત્રની બીજી તમામ વિગતો પછીતમાં પડી જતી હતી.
સુલક્ષણાએ જરા નજીક આવી પૂછી લીધું કે, ‘મુનિયા તો સારી છે ને… હવે તો મોટી દેખાતી હશે…’ એને જરા વસવસો થઈ આવ્યો કે એકાદ ફોટો લાવવો જોઈતો હતો મુનિયાનો. સુલક્ષણા રાજી થાત. કંઈ નહીં. ત્યાં ગયા પછી ટપાલમાં મોકલી શકાશે.
એણે હાથ હલાવ્યો. ‘ફરી વાર આવજો આવી રીતે કોઈ વાર,’ પાર્વતી ઝૂકીને કહેતી હતી.’ અહીં બેચાર દિવસ રહેવું હોય તો સગવડ થઈ શકે. શાંતિથી ભજનકીર્તનમાં વખત સારો જશે. ગમશે તમને…’
એ પગથિયાં ઊતરી પડી. ગલી છોડીને ફંટાવાનું થયું ત્યારે એણે જરા પાછળ જોઈ લીધું. ઓટલે હજી સફેદ રંગ સહેજસાજ ફરફરતો હતો. બરાબર ગલીને નાકે જ રામનામની પીળી ચાદરવાળો કોઈક ધસી આવ્યો, અને એ કંઈ સમજે-બોલે તે પહેલાં તો ‘ભગવાન તેરા ભલા કરે માઈ’ કહીને કપાળે ચંદન ચોંટાડી દીધું. એણે સાવ બેધ્યાનપણે સામે દેખાતા પાત્રમાં એકાદ સિક્કો મૂકી દીધો.
પછી ઉતારે આવીને પહેલું કામ અરીસામાં જોવાનું કર્યું. એનો લાલ ચાંદલો ફિક્કા ચંદનના મોટા થપ્પા પાછળ સાવ જ ઢંકાઈ ગયો હતો.