ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શક્તિપાત

શક્તિપાત

અંજલિ ખાંડવાળા

શક્તિપાત (અંજલિ ખાંડવાળા; ‘આંખની ઇમારતો’, ૧૯૮૮) બાળકોના પ્રવેશ માટે શાળાએ ગયેલી શિવાનીને પ્રિન્સિપાલ પૂછે છે: ‘તમે શિવાની નહીં?’ અને શિવાની ભૂતકાળમાં જઈ પહોંચે છે. વર્ષો પૂર્વે, મહાબળેશ્વરમાં એને, પાદરી થતાં પહેલાં આ નાઝરથ મળ્યો હતો અને શિવાનીએ પાદરીજીવન કે ઈશ્વરાનુભૂતિ, એવી ઊલટતપાસ કરી હતી. ગુફામાંના મંદિરમાં પ્રવેશતાં થયેલા સ્પર્શથી નાઝરથ વિચલિત થઈ ઊઠ્યો હતો. આજે એ પ્રિન્સિપાલ છે. પાદરી ન થવાનું શ્રેય એણે, શિવાનીએ એ વેળા કરેલી ઊલટતપાસને આપ્યું છે. મુલાકાતને અંતે નાઝરથ પૂછે છે : તેં શું કર્યું ? નીચા મોંએ ઉત્તર મળે છે: ‘હાઉસ વાઈફ’ મનુષ્યચેતનાએ કેવો વિપર્યાસ જીવવો-જીરવવો પડે છે - તેનું, સચોટ નિરૂપણ થયું છે.
ર.