ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સંપાદકીય
પૂર્વ ધૂમકેતુથી ઉત્તર ધૂમકેતુ અને પૂર્વ સુરેશથી ઉત્તર સુરેશકાળ સુધીની તેમ જ છેક અત્યારે ફરીથી પોતાની તાસીર બદલતી ગુજરાતી ટૂંકી વાર્તાની વિવિધ અંગીભંગી છે. અર્વાચીનથી આધુનિક અને પછી અનુ-આધુનિક બનતો એનો મિજાજ પારખી શકાય તેવો છે. એની આ વિકાસયાત્રાની પ્રતિનિધિ છબી ઊપસે એ માટે અહીં ઉદારરુચિ અને વ્યાપકદૃષ્ટિથી લગભગ પાંચસો જેટલી વાર્તાઓનું ચયન થયું છે. મહત્ત્વના વાર્તાકારોની વધુ કૃતિઓ સમાવિષ્ટ થાય એ સ્વાભાવિક છે તો વિષય, રીતિ કે પ્રયોગની રીતે એકાદ મહત્ત્વની કૃતિ દ્વારા પણ કેટલાક વાર્તાકારો અહીં સ્થાન પામ્યા છે. મુખ્યત્વે સંગ્રહો થયા હોય એવા વાર્તાકારોને જ નજર સમક્ષ રાખ્યા છે. તેમ છતાં રાજેન્દ્ર શુક્લ, મુકુન્દ પરીખ કે ભૂપેન ખખ્ખર જેવા યા અત્યારના કેટલાક વાર્તાકારોને અપવાદ તરીકે સ્વીકારીને પણ ચાલ્યા છીએ. વળી, વાર્તાસંગ્રહો પ્રાપ્ય ન બનતાં, કેટલાક વાર્તાકારોનું પ્રતિનિધિત્વ લઈ શકાયું નથી. આમ ગુજરાતી ટૂંકી વાર્તાને ઉત્તમ લેખનથી મધ્યમ લેખન સુધીના સ્તરોએ આવરી લીધી છે. આ પ્રકારનો ‘ગુજરાતી ટૂંકી વાર્તાકોશ ગુજરાતીમાં તો પહેલો છે જ પરંતુ અન્ય ભારતીય ભાષાઓમાં કે પશ્ચિમની ભાષાઓમાં થયો હોવાની જાણ નથી. નવલકથા કે નાટકોનાં કથાવસ્તુઓના કોશ સુપ્રસિદ્ધ છે. ટૂંકી વાર્તા માર્મિક ક્ષણને સંસ્કારપિંડ પર જડી દેતી હોય છે. આ કોશ કથાવસ્તુ દ્વારા ભાવકની સ્મૃતિગ્રંથિને સંકોરી પુનઃવાચન માટે કે એની કુતૂહલગ્રંથિને ઉશ્કેરી નવવાચન માટે મૂળ વાર્તાઓ તરફ લઈ જવામાં સહાયક બનશે એવી ધારણા છે. ક્યારેક સંશોધન કે અભ્યાસમાં કાચી સામગ્રી રૂપે પણ આ કોશ અભ્યાસીઓ માટે હાથવગો બની રહેશે. આ કોશ, વાર્તાઓના વર્ણાનુક્રમમાં તૈયાર થયો છે. પ્રત્યેક વાર્તાનું અધિકરણ વાર્તાકારનો નિર્દેશ, જે સંગ્રહ-સંચય અને સામયિકમાંથી વાર્તા લેવાઈ હોય એનો નિર્દેશ, સંગ્રહ-પ્રકાશનની સાલનો નિર્દેશ અને અભિપ્રાયની એકાદ પંક્તિ સાથે કથાવસ્તુનો નિર્દેશ કરે છે. અધિકરણને અંતે અધિકરણલેખકની ટૂંકી સંજ્ઞા મૂકવામાં આવી છે. વાર્તાકોશની આ સંવર્ધિત-સંશોધિત દ્વિતીય આવૃત્તિ વેળાએ, વચ્ચેના સમય દરમ્યાન ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે જે નવાં વાર્તાકાર-નામો ઉમેરાયાં છે તેમ જ કેટલાક નવા ઉદ્યમો થયા છે તેને આમેજ કરી લીધાં છે. એ ઉપરાંત વધારામાં ગુજરાતી વાર્તાસંગ્રહોની એક સૂચિ, વાર્તાસંગ્રહના શીર્ષકના વર્ણાનુક્રમે તેમ જ સંગ્રહની પ્રકાશનસાલ અનુસાર વિભાજિત કરીને વાર્તાકારના નામ સહિત જોડી છે. એ સૂચિ સંપૂર્ણ છે - એવું નથી. મૂળ ખ્યાલ તો ઉપલબ્ધ સામગ્રી-માહિતીને વાચકવગી કરવાનો જ છે. સૂચિત સંવર્ધન-સંશોધનનું શ્રેય ક.લા.સ્વાધ્યાયમંદિરના વર્તમાન અધ્યાપકોના સહકાર, શ્રમ અને સંસ્થાના સંવાદી વ્યવસ્થાપનના ફાળે જાય છે. એમ હોઈને સ્વાભાવિક છે કે આ સંવર્ધિત આવૃત્તિમાં પણ નવાં અધિકરણલેખકોનાં નામોનો પ્રથમાક્ષર અધિકરણના અંતે મૂક્યો છે. આ ફેરફારની નોંધ કોશના અધિકરણલેખકોના પરિચયમાં પણ લીધી છે. ગુજરાતી ટૂંકી વાર્તા કોશનું આ સંવર્ધિત-સંશોધિત સ્વરૂપ ભવિષ્યના અભ્યાસીઓને યત્કિંચિત ખપ લાગશે તો મહેનત સાર્થક બનશે.
-ચન્દ્રકાન્ત ટોપીવાળા
રમેશ ર. દવે