ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અભિમન્યુ આચાર્ય
ગિરિમા ઘારેખાન
જન્મતારીખ : ૨૪.૦૯.૧૯૯૪
સ્થળ : સુરેન્દ્રનગર, ગુજરાત
અભ્યાસ : એમ. એ. [અંગ્રેજી સાહિત્ય], તુલનાત્મક સાહિત્યમાં પીએચ.ડી., કેનેડા
જીવનસાથી : તર્જની
સર્જન : ટૂંકી વાર્તા અને નાટકો
વાર્તાસંગ્રહો :
૧. પડછાયાઓ વચ્ચે (૨૦૧૮) વાર્તા સંખ્યા-૧૪
અર્પણ : નાના બાપુજીને, મમ્મી-ડેડીને
૨. લગભગપણું (૨૦૨૪) વાર્તા સંખ્યા-૯
અર્પણ : સ્વ, જીજ્ઞેશ બ્રહ્મભટ્ટને, સ્વ. ચિનુ મોદીને
વાર્તાસંગ્રહો માટેનાં પારિતોષિકો : દિલ્હી સાહિત્ય યુવા પુરસ્કાર, ૨૦૨૦ અને ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક, ૨૦૨૦ [પડછાયાઓ વચ્ચે]
‘સ્વ’થી ‘પર’ સુધી પહોંચવાની મથામણ કરતા યુવા લેખક અભિમન્યુ આચાર્યએ બહુ નાની ઉંમરથી વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. લગભગ ૧૫ વર્ષની ઉંમરે પોતાની વાર્તાને સારાં ગણાતાં સામયિકોમાં પ્રકાશિત થતી જોઈને એમની પ્રજ્વલિત થતી જતી લખવાની આગને વિશેષ ઑક્સિજન મળતો રહ્યો. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગૂજરાત વિદ્યાપીઠ, પરિષદનો ‘પાક્ષિકી’ કાર્યક્રમ અને સુરેશ જોષી સાહિત્ય વિચાર ફોરમમાં બીજા વાર્તાકારોની વાર્તાઓ સાંભળતાં સાંભળતાં એમની કલમની ધાર નીકળતી ગઈ અને ૨૦૧૮માં ૧૪ દમદાર વાર્તાઓ ‘પડછાયાઓ વચ્ચે’ પુસ્તકમાં સમાઈને આવી. અભિમન્યુ યુવા વાર્તાકાર છે. એમની વાર્તાઓના વિષયોમાં તાજગી અનુભવાય છે. પહેલા પુસ્તકની પ્રસ્તાવનામાં એ જણાવે છે એ પ્રમાણે ‘એમની પેઢીમાં શહેરી યુવાવર્ગ જે પ્રકારનું જીવન જીવી રહ્યો છે એ ખૂબ રસપ્રદ છે. ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાને કારણે એમનું જીવન આકાર પામે છે. પ્રેમ અને સેક્સનાં મૂલ્યો બદલાયાં છે. જાતીયતાના નવા આયામો ખૂલ્યા છે. ડ્રગ્સનું બંધાણ હોવું એ જાણે સામાન્ય બાબત છે.’
અભિમન્યુ એ આ પ્રકારનું જીવન જોયું છે એટલે એમની વાર્તાઓમાં એ જીવનના પડછાયા આપણને દેખાય છે. એમની મોટા ભાગની વાર્તાઓનાં પાત્રો યુવાન છે. એમના પહેલા વાર્તાસંગ્રહની પહેલી ચાર વાર્તાઓમાં આદિત્ય અને શ્વેતા નામનાં બે યુવાન પાત્રો વચ્ચેના સંબંધોની વાત છે. પણ કથાવસ્તુ અને ટેક્નિકની રીતે એ ચારેય વાર્તાઓ એકબીજાથી અલગ છે. ક્યાંક એ સ્થળ-કાળના પરિમાણો બદલીને પાત્રોને ભૂતકાળમાં અને વર્તમાનમાં સફર કરાવતા રહે છે.લેખકે ઝોમ્બી અને મર્મેઇડ જેવા આજના જમાનાનાં કલ્પનો લઈને કાવ્યાત્મક વાર્તાઓ રચવાનો પ્રયત્ન પણ કર્યો છે. ‘રીઅર વ્યૂ મિરર’માં સમાજની, ખાસ કરીને યુવાજગતની વાસ્તવિકતા પ્રગટ થઈ છે જેમાં એકબીજાથી દૂર જતાં પહેલાં પાત્રો દુઃખના દરિયામાં ડૂબી જવાને બદલે વાસ્તવિક પરિસ્થિતિનો સાહજિકતાથી સ્વીકાર કરી લે છે. અભિમન્યુની વાર્તાઓના વિષયવસ્તુમાં તો નાવીન્ય છે જ, સાથે સાથે વાર્તાઓનાં રૂપ અને સ્વરૂપમાં પણ એમની મોટા ભાગની વાર્તાઓ અલગ અંચળો ઓઢીને જ આવે છે. એમને નવતર પ્રયોગો કરીને પોતાનો એક આગવો ચીલો ચાતરવામાં રસ છે. એના એક ભાગ તરીકે એમને ફૅન્ટસીનો ઉપયોગ કરવો પણ ગમે છે. ‘હિરોઈન’ અને ‘સોનેરી રંગનાં સસલાં’માં પાત્રો દ્વારા જ કાલ્પનિક દુનિયા ઊભી કરવામાં આવી છે. ટેક્નિકના આવા પ્રયોગો ‘પડછાયાઓ વચ્ચે’ની અન્ય વાર્તાઓમાં પણ જોવા મળે છે. સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમના અતિ સામાન્ય વિષયને પણ અભિમન્યુ કલાત્મક રીતે રજૂ કરી શકે છે. ‘કેમ્પ’માં કેમ્પના એક ટેન્ટમાં સાથે રહેતા ‘હોમોઝ’ના સંબંધોને શરૂઆતમાં નફરતથી જોતો રાહુલ અંતમાં એ સંબંધોને ‘પ્રાકૃતિક’ માનીને સ્વીકારી લે છે. ખૂબ કુશળતાથી લેખકે રાહુલના મનની સંકુચિતતા અને પૂર્વગ્રહની બારી ખોલી નાખી છે. વાર્તાનો અંત રઘુકાકાના મોઢે બોલાયેલા એક વાક્ય જેટલો જ સૂચક છે – ‘પ્રાકૃતિક ને અપ્રાકૃતિક એ બધું માણસોએ ઘડી કાઢેલું છે. બાકી તમને જેવું પણ, જેને માટે અનુભવાય, એ બધું પ્રાકૃતિક જ.’ હિરોઈન, રાત, અને આ સંગ્રહની અન્ય વાર્તાઓમાં અત્યારના યુવા માનસનું પ્રતિબિંબ જોઈ શકાય છે. આ વાર્તાઓમાંથી પસાર થતાં એવું પ્રતીત થાય જ કે સાહિત્યના વિદ્યાર્થી આ વાર્તાકારની યુવા જગતના મનનાં ઊંડાણો સુધી પહોંચવામાં સારી એવી કુશળતા છે. મનના ‘ઘૂઘવતા દરિયા’ નીચે બીજા કેટલાય ગરમ-ઠંડા પ્રવાહો ચૂપચાપ વહેતા રહીને પણ બાહ્ય વાતાવરણને અસર કરવામાં સક્ષમ નીવડે છે એ એમણે જુદી જુદી રીતે વ્યક્ત કર્યું છે. અમુક વાર્તાઓનાં પાત્રોનાં ખંડિત મનોવિશ્વના ધબકારા સાંભળી શકાય, લગભગ એટલા ચૈતસિક સ્તર સુધી પહોંચવામાં આ લેખક સફળ થઈ શક્યા છે.
પોતાના બીજા વાર્તાસંગ્રહ ‘લગભગપણું’ની વાર્તાઓના લેખન સમયે કેનેડા સ્થાયી થઈ ગયેલા અભિમન્યુની પહેલી પાંચ વાર્તાઓમાં કેનેડાનો પરિવેશ છે. પણ એ એક જ પરિવેશના મેદાન ઉપર રચાયેલી એ વાર્તાઓ એ દેશના માણસોની, ત્યાં વર્ષોથી સ્થાયી થયેલા ભારતીયોની, ત્યાં હજી પગ માંડીને સ્થિર થવા મથતા ભારતીયોની અલગ અલગ સમસ્યાઓ, સ્વભાવના અલગ અલગ પાસાંઓનો ચિતાર આપે છે. એટલે વાર્તાઓમાં ક્યાંય કંટાળી જવાય એવી એકવિધતા નથી આવી જતી. પ્રથમ પુરુષમાં લખાયેલી ઘણી વાર્તાઓ જીવનની વાસ્તવિકતાની ઘણી નજીક લાગે છે. પહેલી જ વાર્તા ‘બ્લેકી’ કેનેડામાં સ્થાયી થવા માગતા એક યુવાનના સંઘર્ષની, વર્ષોથી ત્યાં રહીને પણ ભારતને યાદ કર્યા કરતાં ભારતીયોની, એમની નવા આગંતુકો પ્રત્યેની મનોસ્થિતિની વાત છે. એ પરિસ્થિતિથી થોડા પણ માહિતગાર ભાવકોને એ વાર્તામાંથી પસાર થતી વખતે એ પોતાની જ વાત છે એમ લાગ્યા વિના રહે નહીં. ‘સમાંતર રેખાઓ’માં કથકના માતા પિતા વચ્ચેના સંબંધો, એનો પોતાનો ક્યાંક અનુભવાતો વતન ઝુરાપો અને સાથે સાથે કેનેડિયન એક છોકરીની પણ કથા સમાંતર ચાલે છે. વાર્તાનાયક એક આંખેથી પરદેશ અને બીજી આંખેથી પોતાનો દેશ જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે. લાગણીઓમાં વહી ગયા વિના પણ અભિમન્યુ સંબંધોની જટિલતા અને સંવેદનાઓને સારી રીતે ઉપસાવી શક્યા છે. કેનેડાના જ પરિવેશવાળી ‘લોન્ડ્રી રૂમ’ વાર્તાને શ્રી સંજય પટેલ રતિરાગના સંવેદનોનું બારીક નકશીકામ ગણાવે છે. તેઓ કહે છે કે વિશિષ્ટ રચનારીતિ, ભાવસંવેદન અને ભાષાની સર્જનાત્મક સમૃદ્ધિને લઈને આવતી આ એક વિશિષ્ટ વાર્તા છે. ‘લગભગપણું’માં કોવિડના સમયનું નિરૂપણ છે તો માણસના અંદરના શંકાશીલ સ્વભાવને દેશ કે કાળ બદલી શકતો નથી એ વાત ‘મિકી’માં કરી છે. માનવમનની સંકુલતાને શબ્દબદ્ધ કરીને, ચલિત ભાવોની ક્ષણને પકડીને, વાર્તામાં ગૂંથીને કેવી રીતે રજૂ કરવી એની ફાવટ વાર્તાકાર અભિમન્યુમાં છે એવું આ બધી વાર્તાઓમાંથી પસાર થતી વખતે પ્રતીત થાય જ છે. આ જ સંગ્રહની બીજી ‘ચુન્ની’, ‘સ્કૂલ’, ‘ભુલભુલામણી’, ‘લબ યુ’ વગેરે પણ નવા જમાનાના વિષયવસ્તુવાળી વાર્તાઓ છે. પ્રમાણમાં ઓછા ખેડાયેલા વિષયોવાળી આ વાર્તાઓ સંવેદન વૈવિધ્ય, વાતાવરણ વૈવિધ્ય, કથનકેન્દ્રનું વૈવિધ્ય અને નવી રચનારીતિને કારણે તાજગીસભર લાગે છે અને ભાવકના મન ઉપર અલગ જ છાપ છોડી જાય છે. એમની અમુક વાર્તાઓ તો દરેક વાચન વખતે નવા અર્થ-સંદર્ભોનાં પરિમાણ ખોલતી હોય એવું લાગે. અભિમન્યુની ભાષામાં સાદગી છે, બિનજરૂરી અલંકારોના લટકણીયા અને ભારેખમ શબ્દોનો ભપકો નથી, પણ પ્રતીકો, રૂપકોનું ઊંડાણ ખૂબ છે. ‘ભુલભુલામણી’માં ‘આકાશમાં છોડી મૂકો તોપણ ક્યાંય ન જઈ શકે એવા’ હિલિયમના ફુગ્ગાના પ્રતીક મારફતે કેટલું બધું કહેવાઈ ગયું છે! એવી જ રીતે ‘ચુન્ની’માં બાલ્કનીની બહારનું ચકલીઓવાળું ઝાડ અને ચુન્નીએ કરેલો ચકલીનો શિકાર પ્રતીકાત્મક રીતે આવે છે. જો કે લેખક પોતે માને છે કે ‘પ્રતીકોનો ઉપયોગ ત્યાં જ કરવો જોઈએ જ્યાં એકથી વધારે અને પરસ્પર વિરોધી ભાવોનું નિરૂપણ કરવું હોય.’ [જેમ કે ‘ચુન્ની’માં આવતી બિલાડીનું પ્રતીકભાષા સીધી રીતે જે નથી કહી શકતી એ ભાવજગતને ઉજાગર કરે છે]. એટલે જ એમની વાર્તાઓમાં, ઉપમા વગેરે અલંકારો, પ્રતીકો પણ યોગ્ય રીતે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય પ્રમાણમાં મૂકાયા છે અને વાર્તાને ઉઘાડ આપવામાં સહાય રૂપ બને છે. ઉપમાઓનું નાવીન્ય ધ્યાન ખેંચે છે : – એક ચહેરો વેનીલા આઇસક્રીમમાં કથ્થઈ ચોકલેટ ચિપ્સ દેખાઈ આવે એમ એમના ધ્યાનમાં આવ્યો. – રાત્રે ચાંદનીમાં સુષુપ્ત વાસનાઓની જેમ પાંદડાં ટટ્ટાર ઊભા રહેતાં. – ‘સમાંતર રેખાઓ’ના અંતમાં ‘બરફમાં અકબંધ રહેલા બૂટનાં નિશાન, બંને પગનાં નિશાનથી બની ગયેલી સમાંતર રેખાઓ, અને બરફની ચાદર એ રેખાઓને ઢાંકી દે એની રાહ જોતો નાયક’ આ શબ્દચિત્ર સંકુલતાથી વાર્તાને એક ઊંચાઈ ઉપર લઈ જાય છે. આ ઉપરાંત બંને સંગ્રહોની વાર્તાઓમાં નિરૂપાયેલાં ટૂંકાં ટૂંકાં વર્ણન અને વચ્ચે વચ્ચે વિખરાઈને પડેલા સર્જનાત્મકતાના લસરકા સર્જકની સર્જનકળાને સુપેરે રજૂ કરે છે. એમનાં પાત્રોના સંવાદો પણ મોટે ભાગે ટૂંકા છે પણ ધારદાર અને ક્યારેક મનને ઝંઝોડી નાખે એવા હોય છે. મિકીમાં, ‘મને હતું કે મિકી તને અકળાવે છે, પણ તમે તો બેસ્ટ ફ્રેન્ડઝ બની ગયા છો.’ ‘તું કેમ અકળાયેલો છે?’ વગેરે સંવાદો પતિ-પત્નીના મનોભાવોને સ્પષ્ટ રીતે રજૂ કરી શકે છે. સંવાદોમાં આવતી સાહજિકતા વાર્તાઓને રસપ્રદ બનાવે છે. બિલકુલ આયામી થયા સિવાય વહી આવતી સરળ અને પ્રવાહી શૈલી ભાવકોને વાર્તાપ્રવાહ સાથે વહેતા રાખે છે. હૃદયના ગર્ભમાં પડેલા માનવીય ભાવો અને માનવસહજ સારા-નરસા વિચારોની અભિવ્યક્તિ અલગ અલગ સ્વરૂપે ઊભરી આવે છે અને એવું પ્રતીત કરાવી જાય છે કે ફરજ અને દ્રોહ, પ્રેમ અને નફરત, સ્નેહ અને શંકા – એમ સમાંતર રેખાઓની જેમ મનની અંદર ચાલતી, એકમેક સાથે સંઘર્ષ કરતી આ લાગણીઓ ક્યારેક ટાઇટેનિકની નીચે આવી ગયેલી હિમશીલાની જેમ સંબંધોને તોડી નાખી શકે છે. અંગ્રેજીમાં પણ વાર્તાઓ લખતા અભિમન્યુ એક મહેનતુ વાર્તાકાર છે. [‘મેજિક મોમેન્ટસ’ લખવા માટે એ અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારના ગુંડાઓ સાથે પણ રખડ્યા હતા] એમની વાર્તાઓના વિષય વૈવિધ્યમાં પણ ‘કૈંક અલગ લખવાની’ એમની મથામણ દેખાય છે. આ બંને સંગ્રહોની વાર્તાઓમાં સમાન પરિવેશ [જેમ કે કેનેડા]ની વાર્તાઓ વાંચતાં પણ કંટાળો નથી આવતો એ એમની સક્ષમ કલમની તાકાત છે. અહીં ઘરેલું સમસ્યાઓની વાત છે [મિકી અને લોન્ડ્રી રૂમ વગેરે], આધુનિક સ્કૂલની, ઑફિસના રાજકારણની અને ટેક્નોલોજીના અતિરેકની વાર્તાઓ છે. ‘તાળું’ અને ‘માસ્ટર પીસ’ વાર્તાઓમાં અઠવાડિયે મળીને ‘વર્કશોપ’ પ્રકારની બેઠક ચલાવતા કલાકારોની વાત છે. અહીં સમાજના દરેક વર્ગના માણસોની મોબાઈલ માટેની ઘેલછાની વાત છે તો સાથે સાથે સસ્પેન્સના છાંટાવાળી ‘ઘૂઘવતો દરિયો’ પણ છે. ‘પ્રયોગશીલ કહેવાય એવી વાર્તાઓ કલાત્મકતાની રીતે જરા પણ ઓછી નથી. વાર્તાઓમાં નિરુપાયેલી ટેક્નિક, અંતમાં આવતી માર્મિક ચોટ, વ્યંજનોનો સુયોગ્ય ઉપયોગ, વિષયોની પસંદગીમાં દેખાતી તાજગી, વગેરે પરિમાણો અભિમન્યુની વાર્તાઓને અલગ પડે છે. આત્મવિશ્વાસથી ભરપૂર આ યુવાન લેખકના મનમાં પોતાની વાર્તાઓની ગુણવત્તા વિષે કોઈ શંકા નથી. પણ સારી વાત એ છે કે એ પોતે માને છે કે લેખક માટે ‘નેટ પ્રેક્ટિસ’ ખૂબ જરૂરી છે. એટલે વધુ ને વધુ સજ્જતા કેળવવાની એમની મથામણ ચાલુ રહેશે અને એમની કલમ પાસેથી વધુ ને વધુ સારી વાર્તાઓ મળતી રહેશે એવી આશા છે. કારણ કે એ મથામણના વલોણામાંથી જ વાર્તાઓનું નવનીત મળે છે. હજી ઘણા ખેડાઈ ગયેલા પણ હમેશા સાંપ્રત રહેતા સામાજિક વિષયો, સાથે સાથે ઓછા ખેડાયેલા અને બિલકુલ ન અજમાવાયેલા વિષયો નવા લેખકોની રાહ જોઈને ગુજરાતી સાહિત્યના દરવાજા ખખડાવી રહ્યા છે. મોટે ભાગે ‘યુવા જગતના’ અને ‘નવા વિષયોના’ ચોકઠામાંથી બહાર નીકળીને અભિમન્યુ સમાજના દરેક વર્ગ અને વયના માણસોની વાતો, વ્યથાઓને અલગ વાઘા પહેરાવીને પોતાની વાર્તાઓના માધ્યમથી રજૂ કરી શકે.
સંદર્ભ : બંને વાર્તાસંગ્રહોની સાથે મૂકાયેલાં જુદા જુદા સમીક્ષકોનાં પરિશિષ્ટ
ગિરિમા ઘારેખાન
એમ. એ., બી. એડ. (અંગ્રેજી સાહિત્ય)
વાર્તાસંગ્રહ, નવલકથા, લઘુકથા, બાળવાર્તા, વ્યક્તિચરિત્રો અને (સંશોધન આધારિત) મંદિરો વિશેનું એક પુસ્તક – એમ કુલ ૧૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે.
અત્યારે વિશ્વકોષ દ્વારા પ્રકાશિત સામયિક ‘વિશ્વા’માં સહસંપાદક અને ‘બાલ આનંદ’માં સંપાદક તરીકેનું કામ સંભાળ્યું છે.
મો. ૮૯૮૦૨ ૦૫૯૦૯