ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રામ મોરી
અને વાર્તા સંગ્રહ ‘મહોતું’
નીતા જોશી
રામ મોરી ગુજરાતી વાર્તાસાહિત્યનાં ઉત્સાહી યુવા સર્જક છે. જે ટૂંકી વાર્તા, પટકથા, અને કટાર લેખન માટે જાણીતા છે. ૨, ફેબ્રુઆરી ૧૯૯૩ એમનો જન્મ દિવસ, વતન પાલિતાણા પાસે લાખાવડ ગામ, પિતા ભાવસંગભાઈ, માતા તેજલબેન અને પત્નીનું નામ સોનલ છે. પ્રાથમિક શિક્ષણ લાખાવડ અને કૉલેજ શિક્ષણ ભાવનગરથી પ્રાપ્ત કરેલ છે. હાલમાં એ નવજીવન ટ્રસ્ટ અમદાવાદમાં મીડિયા અને માસ કમ્યુનિકેશન વિભાગમાં કાર્યરત છે. ફેબ્રિકેશન એન્જિનિયરીંગમાં અભ્યાસ કર્યા બાદ લેખનને એમણે સર્જન સાથે વ્યાવસાયિક કૌશલ પણ બનાવ્યું. સાબરમતી સેન્ટ્ર્લ જેલના કેદીઓને જેલ સાહિત્ય ભણાવવું અને નવજીવન જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને ક્રિએટીવ રાઇટીંગ વિષય પણ ભણાવે છે. એમણે ‘ટીવી ૯’ અને અન્ય ગુજરાતી ચેનલમાં રહી કામ કર્યુ છે. ‘દિવ્ય ભાસ્કર’ની વાર્તા કોલમમાં લઘુવાર્તાઓ આપી જે ૨૦૧૮માં ‘કોફી સ્ટોરીઝ’ શીર્ષકથી પુસ્તકરૂપે પ્રકાશિત થાય છે. ‘મુંબઈ સમાચાર’માં ‘ધ કન્ફેશન બોક્સ’ અને ‘ફૂલછાબ’માં ‘લવ યુ જિંદગી’ જેવી કટાર લખી. એક નવલકથા ‘કંકુના સૂરજ આથમ્યા’ અને ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’ તેમજ ‘મારા પપ્પા સુપર હીરો’ની કથા એમણે લખી છે. એમની ચર્ચિત વાર્તા ‘એકવીસમું ટિફિન’ પરથી ગુજરાતી ફિલ્મ બની અને મુંબઈ પૃથ્વી થિયેટરમાં એકોક્તિ રૂપે પણ આ વાર્તા પ્રદર્શિત થઈ છે. શ્રી ગુણવંતરાય આચાર્ય લિખિત સાગર ખેડુ કથા ‘હાજી કાસમ તારી વીજળી’ પરથી નાટ્ય રૂપાંતર રામ મોરીએ કર્યું છે. ‘મહોતું’ વાર્તા પરથી શોર્ટ ફિલ્મ બની છે. રામ મોરીએ ગુજરાતી ફિલ્મ અને ધારાવાહિક માટે સંવાદ લેખનનું કામ પણ કરેલ છે. કુલ ચૌદ વાર્તાનો સમાવેશ કરી ‘મહોતું’ શીર્ષકથી વાર્તાસંગ્રહ યુવા વયે આપી અનેક પારિતોષિક પ્રાપ્ત કર્યા છે.
૨૦૧૭નો દિલ્લી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર, ૨૦૧૬માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ત્રીજું ઇનામ, ૨૦૧૮માં ભારતીય ભાષા પરિષદ કલકત્તાનો યુવા પુરસ્કાર, નાનાભાઈ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર, અને ૨૦૨૨નો ગીતા નાયક ગદ્ય પારિતોષિક એમની ‘એતદ્’ ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨માં પ્રસિદ્ધ થયેલ ટૂંકી વાર્તા ‘માતાજીએ લાજ રાખી’ને મળે છે. જે વાર્તા સાંપ્રત સમયનું દૂષણ મોબાઈલ, સોશિયલ મીડિયા અને ઓનર કિલિંગનું ચિત્ર દર્શાવે છે. વાર્તાસંગ્રહ ‘મહોતું’ને ફ્લેમિંગો પ્રકાશન ૨૦૧૬માં પ્રકાશિત કરે છે. ‘મહોતું’ની વાર્તાઓમાં સ્ત્રીજીવનની સમસ્યાઓ અને મોટા ભાગે ગ્રામપરિવેશ કેન્દ્રસ્થાને છે. રામની લેખનશૈલીની વિશેષતા રહી છે કે એ તળપદી બોલીનો તેમજ ગુજરાતી સાથે મિશ્ર થઈ ગયેલા અંગ્રેજી શબ્દોનો વિનિયોગ કરી વાર્તાને વાસ્તવની વધુ નજીક દર્શાવી શકે છે. પુરુષપ્રધાન સમાજ સમક્ષ સ્ત્રીઓની વેદના અને દર્દનાક ઘટનાઓ મૂકી નારી પક્ષે પોતાનો અવાજ આપે છે. ફળિયું, ડેલો, વાવ અને મેળો તાદૃશ્ય કરી શકે એવો પરિવેશ બાંધી આપે છે. એ હર્ષા ઉર્ફે હરસુડીના પાત્રને એકથી વધારે વાર્તામાં નાયિકા બનાવી એમાં પ્રસંગો અને ઘટનાઓ ઉમેરતા રહી એક પાત્રથી બંધાયેલી ચાર સ્વતંત્ર વાર્તા આપે છે. જેના કારણે એક સાતત્ય ભરેલું અને મજબૂત પાત્ર વાર્તા સાહિત્યને મળે છે. ‘મહોતું’, ‘બળતરાં’, ‘નાથી’ વાર્તાની આ નાયિકા ‘માતાજી એ લાજ રાખી’માં પણ વિસ્તરે છે. એમની છ જેટલી વાર્તા ગ્રામપરિવેશની છે અને આઠ વાર્તા શહેરી સંસ્કૃતિમાંથી આવે છે. છતાં ગ્રામચેતના પ્રબળ એટલે જણાય છે કે ગામડાની સ્રીઓના જીવનની વિષમ સ્થિતિ વાર્તાઓમાં આબેહૂબ દર્શાવી શક્યા છે. જોકે એની ચર્ચિત વાર્તા શહેરી જીવનમાંથી જ મળે છે ‘એકવીસમું ટિફિન.’ જે માનવીય સંવેદન અને સંબંધની કથા છે. એક પ્રૌઢ સ્ત્રીની વાત કરે છે. જે ઘરમાં પતિ તરફથી ઉપેક્ષિત છે. રોજિંદી એકસરખી ઘટમાળથી ગૃહકાર્યનો કોઈ આનંદ એનામાં બચ્યો નથી. અને ટિફિન બનાવવાનો એમનો વ્યવસાય છે. ચારે તરફ અણગમો અને નિરાશા વચ્ચે એક યુવાન ટિફિનના સંદર્ભે મળે છે. જેનું આગમન એના જીવનમાં પ્રસન્નતાની એક બારી ખોલી આપે છે. ગમતી વસ્તુઓના તાર સધાઈ જતાં એ એક પછી એક પરિવર્તન જીવનને વળાંક આપે છે. વાર્તામાં સંબંધને ખૂબ સંયમથી વ્યક્ત કર્યો છે. શરીર સિવાયના ભાવનાત્મક વ્યવહારોને જગ્યા મળી છે. જે વાર્તાને એક ઊંચાઈ આપે છે. એવી બીજી નોંધપાત્ર ‘વાવ’ વાર્તા એમની પ્રસ્તુતિના કારણે કળાલક્ષી બની છે. વાર્તાનો આરંભ જ કાંઈક આ રીતનો છે. ‘ધૂબાંગ્ગ..’ કરતો એક અવાજ વાવમાંથી સંભળાય. દર વખતની જેમ જ. કોણ ગયું? કોઈ ઘરચોળું? કોઈ બાંધણી? કોઈ લેરિયું? કોઈ કાપડું? કોઈ દુપટ્ટો? ધૂબાંગ... પાણીમાં સહેજ ઊઠેલાં વમળ ...બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતા પરપોટા અને પછી બધું શાંત... દર વખતની જેમ જ.’ બગીચા જેવી અને નિર્જન કબ્રસ્તાન જેવી વાવ સમાંતરે વર્ણવી છે. રામની ગ્રામ્ય સ્ત્રી શોષિત છે એટલી જ શહેરની નાયિકા જુદી રીતે પરેશાન છે. ‘હવડ’ વાર્તા એક અણગમતી ગંધ, અવાજો અને શોરથી ભરેલા જીવન વચ્ચે ચાલીનું ત્રસ્ત જીવન બતાવે છે. પાણીપૂરીની ફરતે જીવાતું અંદર બહારનું સ્વાદિષ્ટ અને છુંદાયેલું જીવન વ્યક્ત થાય છે. વાર્તા શહેરી અને ખાસ કરીને મુંબઈમાં સંકડાશમાં જીવાતા જીવન અને આર્થિક સંઘર્ષ સામે ઝૂઝતા લોકોના વ્યવહારોની કથા નાયિકા વિદિશા અને રાકેશની સાથે સાથે ગૂંથાય છે. આરંભે આકર્ષણ અને લગ્ન પછી વાસ્તવિક જીવનનું વરવું ચિત્ર વાર્તામાં મળે છે, જે જલ્દીથી પ્રેમમાં પડી જનાર યુવક યુવતીઓ તરફ ઇશારો કરે છે. વાર્તામાં પચરંગી દુનિયા છે, ‘વાહ રે શબનમ, તું તો આજ બોસ ફટાકડી લગરેલી હૈ, એ મૈસૂરી સાડી, ગજરા.. ક્યા બાત હૈ!’ જેવી ભાષા વેશ્યા જીવનને દર્શાવે છે. ન જીવી શકાય ન મરી શકાય એવી ગૂંગળાવી દેતી આબોહવા પ્રગટ કરતી આ વાર્તામાં કેટલાક સંવાદ માર્મિક રીતે લખાયા છે. જેમ કે – ‘તું તો બહુ વિચારી શકે છે ને... ખબર છે ને તને કે સહેલું નથી બધી જગ્યાએથી પાછા ફરી શકવાનું.’ આ વાર્તામાં લેખકની અંદર પટકથાલેખક છે એ પણ સ્પષ્ટ થાય છે. પુરુષની સરખામણીમાં સ્ત્રી પક્ષે વિવશતા વધુ જોવા મળે એ ભાવ લગભગ દરેક વાર્તામાં જુદી જુદી રીતે આલેખાયો છે. ‘મહોતું’ વાર્તા તળપદી બોલી અને લહેકાઓથી વધુ પ્રવાહી બની છે. સામાજિક દરજ્જાની નિમ્ન ગણાતી સ્ત્રીને કશાયે ભાર વગર મરજીથી નિર્ણય લેતી બતાવી લેખકે વાર્તાને ચમત્કૃત અંત જ નથી આપ્યો, સભ્ય અને સહન કરતી રહેતી સ્ત્રીઓને એક ઇશારો આપ્યો છે. ‘મહોતું’ની મોટા ભાગની વાર્તાઓમાં લગ્નજીવનની જિજ્ઞાસા, તરુણ વયની માનસિકતા અને સમાજની વિષમતાનું ચિત્રણ છે. ક્યારેક બોલીની આડશમાં ગાળની અભદ્રતાનો અતિરેક પણ થયો છે. કેટલાક બહુ ઓછા વાંચવા મળતા શબ્દો પણ છે જેના પર્યાય શોધવા કઠિન બને એટલા નૂતન.. ટીબક્યું, આશગરમ, મરકલ્યું. તો કેટલીક વાક્યરચનાઓ સહજ રીતે માર્મિક બનીને લખાઈ છે. ‘નાથી’ વાર્તામાં આ મુજબ સંવાદ છે, ‘સૂપડામાં ધાન ને કસ્તર નોખાં કરતી બાએ ફૂંક મારીને બધા કસ્તર ઊડી ગયા પછી ધાનને હથેળીથી એની કોર્ય ઢસડી લેતાં એ બોલેલી, ‘ઈ કાંઈ વહવાયા થોડા છે કે છાશવારે છૂટું થાય?’ સામાજિક વ્યવસ્થા એનાં લેખાંજોખાં મૂકવામાં રામ પ્રતીકો અને રૂપકોનો ઉપયોગ સારી રીતે પ્રયોજે છે. ‘હવે તો કોને ખબર્ય...!’ મારાથી પલંગ માથે પથરાયેલા બીડીના તિખારાથી વીંધાય ગયેલા બાના ઓછાડ તરફ જોવાઈ ગયું, પોપટ, મોર ને મેનાની ચાંચ ને પાંખમાં વીંધા પડી ગ્યા’તા.’ ‘નસીબને તો કાંઈ નાડાં બાંધીને ખેંચી શકાય નહીં.’ ‘અસતરીના અવતારને તો ઉંબરોય નેજવાનું મન પૂછીને ઠેકવાનો હોય.’ ‘હાંઢિયાને ઊભા ગળે મીઠૂં દે એવડી થાવા માંડ્યું સવો’તે કેટલીક વાર્તામાં ભાષાનાં લય ને પ્રતીકો સુંદર પ્રયોજ્યા છે. ‘વાવમાં તો હું હોય... ગંધાતું પાણી... લીલ... કદડો... કાંટાળા ડાળખા ને અનગળ અંધારા...’ ‘હા, કાકી સોડિયું કાંય વડના ટેટા નથી કે ફાવે ઈ ઠોલી ખાય.’ કેટલીક વાર્તા નબળી પૂરવાર થાય છે જેમાં ‘ગરમાળો, ગુલમહોર અને ખખડેલું બસ્સ્ટોપ’ જે અવૈધ સંબંધ, પ્રેમ અને કંટાળાભરી જિંદગીનું વર્ણન છે પણ વાર્તા નવીન રૂપે આવતી નથી. ‘હલ્લો ભાનુમતિ’ વાર્તામાં કાલ્પનિક સૃષ્ટિમાં સુખ મેળવવા પ્રયત્ન કરતી અને વાસ્તવ જિંદગીથી પલાયન થવા કોશિશ કરતી વિધવા સ્ત્રીની વાત છે. જે વાર્તા પણ એક પ્રયોગ માત્ર બની રહે છે. રામની વાર્તામાં એક ચોક્કસ વિસ્તાર, સમાજ, પરિશ્રમી જાતિનું જીવન એનાં વ્રત અને ઉત્સવ, લહેકાઓ સુંદર રીતે સચવાય છે. વિષય વ્યાપ સીમિત હોવાથી એકથી વધુ વાર્તાનો સૂર એકમેકમાં ભળી જાય છે. આપણા ભારતીય પરિવારમાં ઊજળા વાનનું વિશેષ મહત્ત્વ જેના કારણે શ્યામ વર્ણ ઉપેક્ષિત રહે છે. શારીરિક નાનીમોટી ક્ષતિઓ પણ યુવતીને લાચાર બનાવે છે. આવા વિષયને લઈ ‘એ તો છે જ એવાં!’ અને ‘થડકાર’ વાર્તા મળે છે. વાર્તાકાર અને વિવેચક બિપિન પટેલનો ‘ગ્રામીણ સ્ત્રી જીવનની સંવેદનાઓને આકાર આપતો વાર્તાકાર : રામ મોરી’ સમીક્ષાલેખ ‘તથાપિ’ માર્ચ-એપ્રિલ-મે, ૨૦૧૬નાં અંકમાં મળે છે. જેમાં લખે છે – ‘એ તો છે જ એવા!’ પણ ‘થડકાર’ વાર્તાકુળની છે. અહીં પણ વાત તો છે કદરૂપી સ્ત્રીની પીડાની. એના શ્યામ હોવાના ઉલ્લેખો વાતે ને વાતે સાસુ કરે, પડોશીઓ કરે પણ પતિ એને અપાર ચાહે, એટલું બધું કે એની કાળાશ એને નડતી નથી પણ જગત આખાને કદરૂપી લાગતી મેહા માટે રૂપાળા પતિ ચિંતનને આટલો બધો લગાવ છે તેનો તર્ક વાર્તામાં શોધ્યોય જડતો નથી કે પછી રામને શ્યામા ગમી ગઈ છે એટલી જ વાત છે.’ વાર્તાસંગ્રહના અંતે ‘મહોતું’ : સર્જક-વિવેચકના ભાવ-પ્રતિભાવની નોંધ પણ મૂકવામાં આવી છે. ઉષા ઉપાધ્યાય, કિરીટ દૂધાત, મોહન પરમાર, બિંદુ ભટ્ટ, બિપિન પટેલ, કિશોર વ્યાસ, મિહિર ભુતા, ચંદ્રેશ પરમાર, માસુંગ ચૌધરી, ઈલિયાસ શેખ, આશિષ ચાવડિયા, ભાવિન રાવળ, સેજલ શાહ, તુમુલ બુચ, સંજય ત્રિવેદી, પ્રણવ ગોળવેલકર, તુષાર દવે, વિજય કે. પટેલ, અંકિત દેસાઈ, વિજયગિરિ બાવા, ટ્વીંકલ વિજયગિરિ બાવાની નોંધ મૂકાયેલ છે. વાર્તાકાર અને વિવેચક કિરીટ દૂધાત વાર્તાઓનો ઉલ્લેખ કરી લખે છે કે, ‘અહીં કોઈ અપવાદ વગર બધી વાર્તાઓ સ્ત્રીના જુદા જુદા મનોભાવોને વ્યક્ત કરે છે એ મોટા આશ્ચર્યની વાત છે. સ્ત્રી સર્જકો પણ આટલી વાર્તા લખે તો સ્વાભાવિકપણે બે-ચાર વાર્તાઓ તો પુરુષકેન્દ્રી લખે, ત્યારે આ લેખકનું સ્ત્રી કેન્દ્રીય વલણ આપણા વાર્તાવિશ્વની એક અનન્ય ઘટના છે. એટલું જ નહીં પણ સ્ત્રીની વિવિધ શારીરિક પ્રક્રિયાઓને પણ એ તંતોતંત, વ્યક્ત કરી શક્યા છે એ પણ એક નવાઈની વાત છે. તો પ્રણવ ગોળવેલકર આગવી રીતે આંકડામાં અને વિરામ ચિહ્નોથી વાર્તાઓના લેખાંજોખાં કરે છે. જેમ કે વાર્તા નંબર : ૧, ૩, ૬, ૯ : અરે ! રામ વાર્તા નંબર : ૨, ૧૧, ૧૦ : હાય ! રામ વાર્તા નંબર : ૪, ૭, ૧૩ : હે ! રામ વાર્તા નંબર : ૫ : રામ રામ! વાર્તાસંગ્રહમાં મોટા ભાગની વાર્તાઓનાં કથાબીજ જૂનાં અને પરંપરિત છે, સામાજિક પરિવેશ સીમિત છે, કેટલીક વાર્તાઓ શિથિલ બની છે. એમ કેટલીક વિશિષ્ટ બની છે. લોકબોલી, મનોવિશ્લેષ્ણ અને સામાજિક પરિવેશના ઉચિત સંયોજનના કારણે ‘મહોતું’ એક સારો વાર્તાસંગ્રહ બને છે. વાર્તાસંગ્રહની ત્રીજી આવૃત્તિના પ્રકાશક આર. આર. શેઠ ઍન્ડ કંપની, અમદાવાદ અને લેખક, અર્પણ પંક્તિ માતા-પિતા અને મિત્ર શક્તિસિંહ પરમારને કરે છે. પુસ્તકની કિંમત એકસો ચાલીસ રૂપિયા છે. લેખકે બીજા પાના ઉપર શીર્ષક સાથે ઉપશીર્ષક જેવી પંક્તિ લખી છે, ‘સ્ત્રી જીવનનાં અજવાળાં અને અંધારાંને રજૂ કરતી કંપન કથાઓ.’ જે ખૂબ સાર્થક બની રહી છે.
નીતા જોશી
વાર્તાકાર, વિવેચક
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬