ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અજય સોની
અજય સોની
માવજી મહેશ્વરી
વાર્તાકારનો પરિચય :
યુવા વાર્તાકાર અજય સોનીનો જન્મ ખેડા જિલ્લાના આણંદ ખાતે તેમના મોસાળમાં તારીખ ૨૧ નવેમ્બર ૧૯૯૧ના રોજ થયો છે. તેમનો પરિવાર મૂળે વાગડના બાદરગઢ ગામનો, વર્ષો પહેલાં અંજાર આવીને સ્થાયી થયેલા છે. અજય સોનીનો પારિવારિક વ્યવસાય સોનીકામનો છે. તેઓ કારીગર સોની કહેવાય છે. જોકે છેલ્લે ૨૦૨૩માં તેમણે પોતાની દુકાન કરી છે અને હાલ તેઓ ઘરેણાં બનાવીને વેચે છે. અજય સોની અર્થશાસ્ત્રના સ્નાતક છે અને સોનીકામની તમામ પારંપરિક કલાઓ જાણે છે. સોના-ચાંદીના ઘરેણાં બનાવનાર આ વાર્તાકાર પોતાની વાર્તાકલાના નકશીકામ માટે પણ એટલા જ જાણીતા છે. છેલ્લા દોઢ દાયકાથી પ્રકાશમાં આવેલા અજય સોનીની વાર્તાઓ અને નિબંધોની બહુ ઝડપથી નોંધ લેવાઈ છે. વાચનના શોખીન અને અભ્યાસુ આ વાર્તાકારે પોતાના પૂર્વસૂરિઓના મોટાભાગના વાર્તાસંગ્રહો વાંચી નાખ્યા છે. સ્વભાવે મિતભાષી અને સરળ આ વાર્તાકાર વાર્તા લખવામાં અત્યંત ચોક્કસ અને સજ્જ છે. જ્યાં સુધી તેમને સંતોષ ન થાય ત્યાં સુધી વાર્તા પ્રકાશિત કરવામાં ઉતાવળ ન કરતા આ વાર્તાકાર આજના નવોદિત વાર્તાકારો માટે પ્રેરણારૂપ છે. તેમની પહેલી વાર્તા ‘ખાણ’ જલારામ દીપમાં ૨૦૧૨માં પ્રકાશિત થઈ હતી. તેમની નોંધપાત્ર વાર્તા ‘ક્લોક ટાવર અને ચામાચિડિયાં’ ૨૦૧૪માં જલારામ દીપ ૨૦૧૪માં પ્રકાશિત થઈ હતી.
સાહિત્યસર્જન :
વાર્તાકારની ઓળખ ધરાવતા અજય સોનીએ ટૂંકીવાર્તા, લઘુનવલ, સંવેદનકથાઓ અને સંપાદનના કુલ ૬ પુસ્તકો આપ્યાં છે. જેમાં ટૂંકીવાર્તાનાં બે પુસ્તકો ‘રેતીનો માણસ’ (૨૦૧૭) અને ‘તળેટીનું અંધારું’ (૨૦૨૪) છે. ‘કથા કેન્વાસ’ અને ‘રંગછાબ’ નામનાં સંવેદનકથાનાં બે પુસ્તકો છે. ‘કોરું આકાશ’ નામનું લઘુનવલનું એક પુસ્તક છે, જ્યારે ‘માવજી મહેશ્વરીનો વાર્તાલોક’ નામનું ટૂંકીવાર્તાઓના સંપાદનનું એક પુસ્તક છે. આ ઉપરાંત તેમણે એક પુસ્તક થાય એટલા લલિત નિબંધ પણ લખ્યા છે. તેમણે અન્ય લેખકોનાં જુદાં જુદાં પુસ્તકો વિશે અભ્યાસલેખો પણ લખ્યા છે. તેઓ હાલ ‘જયંત ખત્રીના પત્રો’ વિશે એક અભ્યાસ કરી રહ્યા છે. તેમની વાર્તાઓના હિન્દી, અંગ્રેજી, પંજાબી ભાષામાં અનુવાદો થયા છે. ‘કચ્છમિત્ર’ દૈનિકમાં એક વર્ષ સુધી ‘સમી સાંજે’ અને ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકમાં બે વર્ષ વાર્તાની કોલમ ‘સ્ટોરી કાફે’ લખી છે. વર્ષ ૨૦૧૭માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ટ્રાવેલ ગ્રાન્ટ માટે તેમની પસંદગી થઈ હતી. તે અંતર્ગત કર્ણાટક અને મધ્યપ્રદેશનો સાહિત્યિક પ્રવાસ કરવાની તક મળી હતી. આણંદ ખાતે એન. એસ. પટેલ આટ્ર્સ કૉલેજમાં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા આયોજીત ‘ગુજરાતી યુવા લેખક સંમેલન’માં વાર્તાપઠન કર્યું છે. પંજાબી વાર્તાકાર રામસરૂપ અણખીની સ્મૃતિમાં વર્ષ ૨૦૨૨માં ડેલહાઉસીમાં બહુભાષી વાર્તાપઠન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતી ભાષામાંથી અજય સોનીની પસંદગી થઈ હતી. ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૧મા અધિવેશનમાં જાન્યુઆરી ૨૦૨૪ના ભોપાલ ખાતે યુવા સર્જકોની બેઠકમાં તેમણે ભાગ લીધો હતો.
પુરસ્કાર અને પારિતોષિકો :
અજય સોનીનું સાહિત્ય પારિતોષિકની બાબતમાં સમૃદ્ધ રહ્યું છે. તેઓનું પહેલું પુસ્તક પ્રગટ થયું તે પહેલાંથી જ તેમની વાર્તાઓ અને નિબંધોને પારિતોષિક જાહેર થયેલાં છે. તેમનું પહેલું પુસ્તક ‘રેતીનો માણસ’ તેમના માટે કીર્તિર્કળશ બની રહ્યું છે. આ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૨૦૧૭નું શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક મળ્યું. આ પુસ્તકને જ કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ૨૦૧૯ના વર્ષનો ‘યુવા પુરસ્કાર’ જાહેર થયો. તો આ પુસ્તકને જ વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષ માટે રૂપિયા એક લાખની રાશિ ધરાવતો ‘અંજલિ ખાંડવાલા’ પુરસ્કાર મળ્યો. કુમાર આટ્ર્સ ફાઉન્ડેશન દ્વારા આ પુસ્તકને ‘રમણલાલ વસંતલાલ દેસાઈ’ પુરસ્કાર મળ્યો. તેમની લઘુનવલ ‘કોરું આકાશ’ને અખિલ હિન્દ મહિલા પરિષદ સૂરત શાખા દ્વારા પ્રથમ ઇનામ મળ્યું. આ જ લઘુનવલને વર્ષ ૨૦૨૦નું ગિરાગુર્જરી પુરસ્કાર પણ મળ્યો. આ ઉપરાંત ‘દાઝ’વાર્તાને ‘કેતન મુનશી’વાર્તા સ્પર્ધા’નું પહેલું ઇનામ મળ્યું. ‘કંધોત્તર’ વાર્તાને રીડગુજરતી.કોમની ‘મૃગેશ શાહ આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા ૨૦૧૪’નું બીજું પારિતોષિક, ‘તરસ’ વાર્તાને સ્વ. જટુભાઈ પનિયા વાર્તાસ્પર્ધાનું પ્રથમ ઇનામ, ‘પાછું વળવું’ વાર્તાને ‘જલારામદીપ’ સામયિકનું કમળાશંકર પંડ્યા ઇનામ, ‘વ્હાલસોયો શિયાળો’ નિબંધને ભાવનગર ગદ્યસભાની ‘જયંત પાઠક નિબંધસ્પર્ધા’નું ઇનામ. અને ‘ફોર્માલિટી’ લઘુકથાને ભાવનગર ગદ્યસભાનું ઇનામ મળેલું છે.
વાર્તાકારનો યુગસંદર્ભ :
અજય સોની અનુઆધુનિક યુગના વાર્તાકાર છે. પરંપરાગત વાર્તાકલાને સારી પેઠે ઓળખતા અજય સોની સુરેશ જોષી પ્રેરિત વિચારના સમર્થક હોવાનું તેમની વાર્તાઓ વાંચતાં જોવા મળે છે. પહેલો વાર્તાસંગ્રહ ‘રેતીનો માણસ’માં મોટાભાગની વાર્તાઓમાં કચ્છ કેન્દ્રમાં હતું. જ્યારે બીજા વાર્તાસંગ્રહ ‘તળેટીનું અંધારું’માં લેખકે પ્રદેશકેન્દ્રી માત્ર એક જ વાર્તા આપી છે અને ઘટનાપ્રધાન વાર્તાઓ પણ ત્રણેક જેટલી જ છે. તેમની વાર્તાઓમાં ઘટનાઓ ઓગાળીને લખવાની રચનારીતિ જોવા મળે છે. ઓછા સંવાદો અને મનોગત પ્રક્રિયાનું સાંવેગિક અને પ્રતીકાત્મક વર્ણન એમને સ્પષ્ટ રીતે અનુઆધુનિક વાર્તાકાર હોવાનું દર્શાવે છે. તેમની વાર્તાના વિષયો પણ નોખા છે. એકાકી પાત્રો, નગરજીવનની ભીંસ, ઘટનાની નહિવત માંસલતા અને સંવાદવિહીન વાર્તાઓ તેમને અનુઆધુનિક વાર્તાકાર કહેવા માટે પ્રેરે છે.
ટૂંકીવાર્તા વિશે અજય સોનીની સમજ :
અજય સોનીએ લખવાનું શરૂ કર્યું ત્યારે તેમની સામે કચ્છના સમર્થ લેખક જયંત ખત્રીથી માવજી મહેશ્વરી સુધીના વાર્તાકારો હતા. તેમણે એ બધાને વાંચ્યા અને સમજ્યા પણ ખરા. છતાં તેઓ પોતાની વાર્તાની નિજ કલામાં વિહર્યા. એમણે વાર્તાની પોતાની આગલી કલા અને રચનારીતિ અપનાવી. ન પૂર્વસૂરિઓની રચનારીતિને અનુસર્યા કે ન સમકાલીનોની. ક્યારેક એવું લાગે કે એમની વાર્તાકલામાં વીનેશ અંતાણીની ભાષા અને વાર્તા રચનારીતિની છાયા જોવા મળે છે. સ્વાભાવિક છે કે વીનેશ અંતાણીની વાર્તાકલા તરફ આકર્ષાયા હોય. એમના બીજાસંગ્રહની વાર્તાઓ વાંચતાં ક્યારેક એવું લાગે પણ ખરું. તે છતાં અજય સોની અને વીનેશ અંતાણીએ વાર્તામાં પોતપોતાની સમજના સીમાડા વિસ્તાર્યા છે. અજય સોનીની ઘટનાપ્રધાન, ચરિત્રપ્રધાન વાર્તાઓ બહુ ઓછી છે. એમણે વાર્તામાં ઘટનાનો આછોતરો ઇશારો આપ્યા પછી મનોસંચલનો વિસ્તાર્યાં છે. એમાં એ સફળ પણ રહ્યા છે. તેમ છતાં ભાવનાત્મક વર્ણનોનો સંકેતવ્યાપાર એક ચોક્કસ ઊંચાઈને સ્પર્શી ગયા પછી વારંવાર એનો ઉપયોગ કઠે છે. તેમ છતાં એમની વાર્તાઓ વાર્તાકલાની હદોને સ્પર્શ કરે છે તે પણ સત્ય છે. અજય સોની મિતભાષી છે, અંગત પરિચય હોવાને નાતે કહી શકું છું કે તેઓનો સ્થાયી ભાવ ઉદાસીનો છે. આ ભાવ તેમની વાર્તાઓમાં પણ દેખાય છે. તેમની પાસે માત્ર નગરજીવનનો જ અનુભવ છે. તેઓ આધુનિક અને બદલાયેલા કચ્છમાં મોટા થયા છે. તેમને કચ્છના તળજીવનનો અનુભવ નથી એ તેમની વાર્તાઓમાં દેખાય છે. કદાચ એટલે જ તેમની વાર્તાની ભાષા, ગતિ અને વાર્તારસ પારંપરિક નથી. નગરજીવનની વાર્તાઓમાં ભાષાનું નકશીકામ દેખાય છે એવું ગ્રામ્યજીવનની વાર્તાઓમાં દેખાતું નથી. ન ખુલી શકવાનો તેમનો સ્વભાવ ક્યાંક વાર્તામાં બાધારૂપ બનતો હોય તેવું જણાય છે. જોકે અજય સોની પાસે હજુ વિશાળ કાળખંડ પડ્યો છે. બદલાતા માનવજીવનનાં મૂલ્યો સાથે એમને હજુ ઘણું કામ પાર પાડવાનું છે ત્યારે માત્ર બે સંગ્રહ પરથી તેમની વાર્તાકલા વિશે લખવું ઉતાવળ લેખાશે એવું મારું માનવું છે.
અજય સોનીના વાર્તાસંગ્રહોનો પરિચય :
(૧) ‘રેતીનો માણસ’, ૨૦૧૭માં અજય સોનીનું પહેલું પુસ્તક ‘રેતીનો માણસ’ પ્રગટ થયું. આ સંગ્રહની વાર્તાઓ લેખકની નિસ્બતનું દર્શન કરાવે છે. કચ્છના વતની એવા અજય સોની તેમના પુરોગામી કચ્છના વાર્તાકારોની પેઠે પાત્રોનાં મનોસંચલનો અને વિશિષ્ટ શૈલી દ્વારા વાર્તાનો ઉઘાડ આપ્યો. જોકે અગાઉના કચ્છી વાર્તાકારો કરતાં તેમની વાર્તાનાં પાત્રો અને શૈલી જુદી પડે છે. ઘટનાપ્રધાન વાર્તાઓ કરતાં ઘટનાનો મેદ ઘટાડી પાત્રોનાં મનોસંચલનો અને વર્તનો ઉપર વધારે ધ્યાન આપ્યું છે. તેઓ કચ્છના છે એટલે સ્વાભાવિક છે કે કચ્છનો પરિવેશ પણ આવે જ. કચ્છના વિષમ જીવનની લાચારી સામે ઝઝૂમતાં પાત્રો પણ આવે. લેખકે એવી વાર્તાઓમાં પાત્રોની એકલતા, ખાલીપો, વિષાદ અને વાતાવરણની નિર્જીવતાને ઘૂંટી છે. કચ્છના પરિવેશમાં ઘડાયેલી વાર્તાઓમાં કચ્છના દોહ્યલા જીવનની ઊંડી અસરો નિપજી આવી છે. એમના ‘રેતીનો માણસ’ સંગ્રહમાં કુલ ૧૮ વાર્તાઓ છે. જેમાં કેટલીક વાર્તાઓ કચ્છના પરિવેશમાં લખાયેલી છે. એમાંની ‘વાછટ’ વાર્તાના નાયકના ગળામાં ભયંકર શોષ પડે છે. તેના ખાલી ભૂંગામાં રેતી ભરાતી જાય છે. જાણે એના ગળામાં રેતી ભરાઈ ગઈ છે. અહીં સાંકેતિક રૂપે લેખકે નાયકના એકાંકી જીવનનું ચિત્ર રચ્યું છે. સુજ્ઞ ભાવકને સમજાય છે કે નાયકને શોષ માત્ર પાણીનો નથી, તેનું જીવન પણ કોરુંધાકોર છે. આ વાર્તાનું એક વાક્ય ‘સૂક્કી ઝાડીમાં ફસાયેલી લાલ ઓઢણી ફરક્યા કરતી હતી, નથી પાસે આવતી કે નથી દૂર જતી.’ આ સંગ્રહનું નામ જે વાર્તા પરથી અપાયું છે તે ‘રેતીનો માણસ’ વાર્તાનું પ્રમુખ પાત્ર રતીમા આખાય કાફલાને દોરે છે. રેતીના તોફાનને માણસ તરીકે કલ્પીને વાર્તા આગળ ચાલી છે. રતીમા બાળકોને કહે છે, ‘દૂરના મેદાનના છેડેથી રેતીનો માણસ આ બાજુ આવી રહ્યો છે... એ આપણા જેવા કેટલાય કાફલાઓને ગળી ગયો છે... બધા એનાથી ડરે છે... કેમ કે બધાને જીવવું છે.’ આ વાર્તા માનવ અસ્તિત્વ માટે સદીઓથી પ્રકૃતિ સામે લડી રહ્યો છે. એની સામે મંડાતા ખતરાથી ડરીને ભાગવાની કોઈ જરૂર નથી. કચ્છના લોકો માટે તોફાન, રેતી, તરસ એ કોઈ નવી વાત નથી. પ્રજાએ એ યાતનાઓ સ્વીકારી લીધી છે. આ વાર્તાના રતીમા એ જ વાત કહેવા માગે છે. સદીના બદલાવની શરૂઆતમાં કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો. માનવજીવન સ્થગિત થઈ ગયું. પણ તે પછીનો બદલાવ એક અર્થમાં કચ્છીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો. ઉદ્યોગો આવ્યા, નાણાની રેલમછેલ થઈ પડી. પરંતુ સાચો સર્જક બાહ્ય ચમત્કાર કરતાં અંદરની હકીકત તપાસે છે. નવા કચ્છમાં સમાજનાં મૂલ્યો અંદર-બહાર કેવી રીતે બદલાયાં તેને તાકતી બે વાર્તાઓ આ સંગ્રહમાં છે. ‘વિચ્છેદ’ અને ‘ગળામાં અટવાયેલી તરસ’. વિચ્છેદમાં બે સગા ભાઈઓના તમામ સંબંધ મલબામાં ફેરવાઈ ગયા છે. ઘણા વર્ષો પછી મુંબઈથી આવેલો ભાઈ જે જુએ છે, અનુભવે છે ત્યારે માનવવૃત્તિનો કારમો પરિચય થાય છે. સગોભાઈ આવું કરે? આવો હોય? તો ‘ગળામાં અટવાયેલી તરસ’માં ભૂકંપ પછી વધેલા જમીનોના ભાવ અને માનવજીવનમાં આવેલા ભૂકંપની વાર્તા છે. કોઈ સમયે પોતાના નાનકડા ગામમાં સુખરૂપ રહેતા માનસંગનું જીવન એના ગામની આસપાસ ઊભા થયેલા કારખાનાને કારણે વિખરાઈ ગયું છે. એના સપનાં પણ એની બહેન પર થયેલા અત્યાચારની જેમ વિખાઈ ગયાં છે. ઔદ્યોગિકીકરણથી અમુક લોકોને રોજી તો મળી, પણ ભીતર ભીતર શું વિખરાયું તેની કોઈને ખબર નથી. ‘ખરડાયેલી માટી’ વાર્તા સંકેતવ્યાપાર છે. અહીં લેખક ઘટનાને ઓગાળીને સંકેતોથી વાર્તાને ખોલી આપે છે. બાપુની વાડી સાચવતા પતિને વાર્તાની નાયિકા રામી પતિને કહે છે કે, ‘ગઈ રાતે ફરી કોઈ જાનવર મોલ બગાડી ગયું.’ આ વાક્યમાં બાપુનું ચરિત્ર ઊઘડે છે. વાર્તામાં રામી અને તેના પતિની લાચારી તથા હવેલીના માલિક બાપુની જોહુકમી માર્મિક રીતે દર્શાવી છે. એકલી પડેલી રામીને સંભળાતા અવાજો અર્થસૂચક છે. અહીં શોષક છે અને શોષિત પણ છે. પરંતુ એ વાર્તાનો મુદ્દો નથી. રામીનું આંતરદ્વન્દ્વ જ વાર્તાનું કેન્દ્ર છે. અજય સોની વાર્તાઓમાં માનવસંબંધોના જુદાં જુદાં સ્વરૂપોને તપાસે છે. ‘સોનેરી પાણીવાળું સરોવર’, ‘ખાલી મકાન’, ‘ટેરવાંનો સ્પર્શ’, ‘રેતનદી અને જંગલ’, ‘એક એબ્સર્ડ છોકરી’, ‘બાલ્કની’ અને ‘સાંકળ’ નામની વાર્તાઓમાં માનવમનના અગાધ તળિયે પડેલાં સંવેદન નિરૂપાયાં છે. ક્યાંક અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચે સંવેદનનો ઝુરાપો છે, ક્યાંક ભિન્ન સ્વભાવ ધરાવતાં યુવક-યુવતીની ન ભેગા રહેવું કે ન છૂટા પડવાની સ્થિતિ છે, ક્યાંક નામ ન અપાયું હોય એવા સંબંધોને સાચવવાની મથામણ છે, તો ક્યાંક ભૂતકાળની સ્મૃતિમાંથી બહાર નીકળી જવાની મથામણ છે. યુવાન પતિનું મૃત્યુ થાય પછી પત્ની માટે વિસ્તરતો ખાલીપો કેવી રીતે ભરવો? આ માટે પત્ની જુદો જ માર્ગ શોધે છે. એ માર્ગ કોઈ અન્ય પુરુષ તરફ જતો ન હોય પરંતુ એક વૃદ્ધા સાથે જોડાઈને સંબંધનું આગવું રૂપ અને સમજણ આ સર્જક આપે છે. ‘રેતીનો માણસ’ સંગ્રહની વાર્તાઓ એક જાગૃત લેખકની વાર્તાઓ છે.
(૨) ‘તળેટીનું અંધારું’ – અજય સોનીનો આ બીજો સંગ્રહ છે. પહેલા સંગ્રહમાં ખૂબ આશા જગાવ્યા બાદ આ લેખકની વાર્તાઓ બીજા સંગ્રહમાં ખોડંગાય છે. ક્યાંક રચનારીતિ, ક્યાંક ભાષા, ક્યાંક વાર્તાની ટેક્નિકલ ખામીઓમાં ઉતાવળ તો હરગિજ નથી, પણ કદાચ બેધ્યાનપણું હોઈ શકે છે. આ સંગ્રહમાં કુલ ૧૨ વાર્તાઓ છે. જેમાં ચારેક વાર્તાઓને બાદ કરતાં બાકીની વાર્તાઓ એકધારાપણાનો ભાવ ઊભો કરે છે. ત્રણેક વાર્તાઓમાં એક પણ સંવાદ નથી. આવી વાર્તાઓ વાંચતી વખતે ઘટના પકડવી બહુ જ મુશ્કેલ બને છે. ઉપરાંત પાત્રોના મનોગત ભાવો અને સ્વભાવ પણ ઝટ પરખાતા નથી. આ સંગ્રહની પહેલી લાંબી વાર્તા ‘દાઝ’ ઘટનાપ્રધાન અને રોચક વાર્તા છે. વાર્તા ભુલભુલામણીવાળી પણ ખરી. છેક છેલ્લે સમજાય કે વાર્તા ખરેખર સ્મિતા મરાઠણની નહોતી જેના મિશે આખો પ્રપંચ રચાયો હતો. ‘બગીચાનો માળી’ એક બળકટ વાર્તા બનતાં બનતાં રહી ગયેલી અનુભવાય છે. ‘ઉગારો’ અત્યંત સંવેદનશીલ વાર્તા છે. દીકરો આપવા માગતી સ્ત્રી સુવાવડોથી થાકી ગઈ છે. વરસાદ મંડાણો છે. એ સ્ત્રીનો પતિ પણ ઘરે નથી. એવી સ્થિતિમાં એ સ્ત્રીની બાર વર્ષની દીકરી અને એની સાસુ સુવાવડ કરાવે છે. દીકરો જન્મ્યો એ સ્પષ્ટ નથી પણ સાસુના ઉદ્ગાર વહુ તરફી છે. આમ છેલ્લી સુવાવડ એ સ્ત્રી માટે ‘ઉગારો’ બની રહે છે. જોકે એ સ્ત્રી ક્યાં હતી, ગામમાં કે સીમમાં તે વાર્તામાં કહેવાયું નથી. ‘ધ્રૂજતું પાણી’ અત્યંત રોચક વાર્તા છે. આ દેશમાં અવારનવાર થતા કોમી તોફાનની આ વાર્તામાં બન્ને કોમના માણસોનું ચરિત્ર ઉઘાડું પડે છે. આ વાર્તામાં ઘરના માલિક પુરુષનું પાત્ર સંઘેડાઉતાર ઉપસ્યું છે. ‘સાંજ’ નામની વાર્તામાં બે સ્ત્રીઓનો થંભી ગયેલો, ઠીંગરાઈ ગયેલો, થીજી ગયેલો ભૂતકાળ સાંકેતિક સ્વરૂપે ઊઘડ્યો છે. ‘હવેલી’ કલાત્મક વાર્તા છે. હવેલી તરફ આકર્ષાયેલી પલ્લવી નામની યુવતી ઠંડા પાણા જેવી સાબિત થાય છે અને હવેલીમાંથી નીકળી જાય છે. વર્ષો પછી એ ફરી એક દિવસ હવેલીમાં જાય છે ત્યારે એની કોઈ સમયની સાસુ કહે છે, ‘ભગવાનની પછીતે બેઠી છું ને એટલે.’ આ વાક્ય આમ તો બાના સંદર્ભે છે પણ વાર્તાનું કેન્દ્ર બની જાય છે. એવી જ ઘટનાત્મક વાર્તા ‘રેતીમાં ખૂંપેલું મોરચંગ’ છે. પતિના અપમાન સહન કરતી રોમતના હૈયામાં બહારથી આવેલો સાહેબ જગ્યા બનાવી લે છે અને એ જ સાહેબને મારવા નીકળેલો તેનો પતિ પાછો આવે છે અને પોતાની ચીડ રોમતના શરીર ઉપર ઉતારે છે. રોમતને જ્યારે ખબર પડે છે કે પોતાનો સાહેબ જીવતો છે ત્યારે અચાનક તેના શરીરમાં તોફાન જાગે છે. તે પતિના શરીર ઉપર ચડી બેસે છે. કચ્છના બન્ની વિસ્તારનું લોકાલ આ વાર્તામાં સારી પેઠે ઉજાગર થયેલું છે. આ સિવાયની ‘પડછાયાના ટુકડા’, ‘સન્નાટો’, ‘કેલેન્ડરનું પાનું’ એક જ કુળની વાર્તા છે. આ વાર્તાઓ મનોસ્તર ઉપર ચાલે છે. ‘તળેટીનું અંધારું’ વાર્તા લેખકની લેખન પ્રયુક્તિથી સર્જાયેલી છે. અહીં પાત્રો સર્જવા ગયેલો લેખક ખુદ પાત્રોમાં અટવાઈ જાય છે. પ્રમાણમાં પહેલા સંગ્રહ કરતાં બીજા સંગ્રહની વાર્તાઓ રસ જગાવતી નથી.
અજય સોનીની વાર્તાના વિવેચકો :
જયંત ખત્રી, વીનેશ અંતાણી, ધીરેન્દ્ર મહેતા ને માવજી મહેશ્વરી જેવા વાર્તાકારોની કલમે આલેખાયેલું-આકારાયેલું કચ્છ ફરી ફરી નવ્ય રૂપે, નવ્ય દેહે, નવા વાર્તાકાર અજય સોનીની કલમે પ્રત્યક્ષ થાય ત્યારે આનંદ તો થાય, વધુ અપેક્ષા પણ જન્મે
– ગુણવંત વ્યાસ, ‘શબ્દસૃષ્ટિ’, જુલાઈ ૨૦૧૯
અજયની વાર્તાઓ વાંચતાં જોઈ શકાય છે કે તેમને પોતાનાં પારોનાં મનોમંથન, વેદના, મજબૂરી વગેરેનું નિરૂપણ કરવામાં વિશેષ લક્ષ્ય છે.
– રજનીકાન્ત સોની ‘કચ્છમિત્ર’
ઘટનાની ધરી ફરતે પાત્રો અને પરિવેશને ગૂંથવામાં લેખકની હથોટી જણાય છે. ઘણીવાર ઘટનાની ધરી છોડીને પાત્રો અને પરિવેશને બળે વાર્તા ચાલે છે.
– નવનીત જાની, ‘પરબ’, મે ૨૦૧૯
કચ્છી પરિવેશથી પ્રભાવિત આ રચનાઓમાં માનવીય સંવેદના જરી જુદી ભૂમિકાએ વ્યક્ત થઈ છે. વિહંગાવલોકન કરતાં સાદી અને સરળ દેખાતી આ વાર્તાઓમાં પ્રતીકો, કલ્પનોથી મઢેલો પરિવેશ ભાવકને સ-રસ વાર્તાઓ પૂરી પાડે તેવો છે.
– ભરત ખેની
(ગુજરાતી અધ્યાપક સંઘના અધિવેશનમાં આપેલું વક્ત્વ્ય)
સંદર્ભ :
(૧) અજય સોનીના વાર્તાસંગ્રહો ‘રેતીનો માણસ’ અને ‘તળેટીનું અંધારું’
(૨) રેતીનો માણસની જુદી જુદી સમીક્ષાઓ
(૩) વીનેશ અંતાણીની પ્રસ્તાવના
માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭