ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ઊજમશી પરમાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઊજમશી પરમાર

સંધ્યા ભટ્ટ

Ujamashi Parmar.jpg

લેખક પરિચય :

ઊજમશી પરમાર જન્મતારીખ : ૧૧-૬-૧૯૪૩, મૃત્યુ : ૮-૧-૨૦૧૮ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે જન્મેલ ઊજમશી પરમાર ૧૯૬૦માં એસ.એસ.સી. થયા અને વઢવાણમાં ડ્રૉંઇગ ટીચર બનવા માટે અભ્યાસ કર્યો. ૧૯૬૫માં પેઇન્ટિંગનો ડિપ્લોમા કરવા સી. એન. વિદ્યાલય, અમદાવાદમાં આગમન કર્યું પણ બે જ વર્ષ થઈ શક્યાં. ૧૯૬૫થી ૧૯૯૭ સુધી અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત અન્ય સ્થળોએ ટ્રેઝરથી શરૂ કરી ડ્રાફ્ટસમેન સુધીની સરકારી નોકરી કરતાં કરતાં ૧૯૬૩થી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. જે ‘ચાંદની’, ‘આરામ’, ‘નવચેતન’, ‘અખંડ આનંદ’ જેવાં સામયિકોમાં પ્રકાશિત થઈ. ૧૯૭૫માં પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઊંચી જાર નીચાં માનવી’ પ્રગટ થયો જેને સંદેશ સુવર્ણચંદ્રક અને ગુજરાત સરકારનું દ્વિતીય પારિતોષિક મળ્યાં. બીજો વાર્તાસંગ્રહ ‘ટેટ્રાપૉડ’ ૧૯૮૪માં પ્રકાશિત થયો જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું. અભ્યાસી વિવેચક ડૉ. વિજય શાસ્ત્રીએ આ સંગ્રહની રસકીય સમીક્ષા ‘ગ્રંથ’માં કરી. ૧૯૯૮માં ત્રીજો વાર્તાસંગ્રહ ‘પટારો’ પ્રકાશિત થયો. ૨૦૦૯માં ‘લાખમાંથી એક ચહેરો’માં પ્રેરક વાર્તાઓ છે. ૨૦૧૫માં ‘હારોહાર’ વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો. ૨૦૦૩માં તેમનો કાવ્યસંગ્રહ ‘ઘટમાં ઝાલર બાજે’ ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યો. તેમણે ‘જન્મારો’ નવલકથા પણ લખી છે. ઊજમશી પરમારની કેટલીક વાર્તાઓ હિન્દી, અંગ્રેજી, બંગાળી અને તેલુગુમાં પણ અનૂદિત થઈ પ્રકાશિત થઈ છે. કલાકારજીવ ઊજમશી પરમારના રુચિના વિષયોમાં ચિત્રકળા, ભીંતશિલ્પો, માટીકામ, ભરતકામ જેવી અનેક નાની-મોટી કળાઓનો સમાવેશ થાય છે. લોકકળાઓ, લોકસાહિત્ય તથા જૂના ફિલ્મસંગીતમાં પણ તેમને ઊંડો રસ હતો. ૨૦૧૮માં તેમનું અવસાન થયું. સ્વભાવે સરળ અને નિરાડંબરી ઊજમશી પરમાર એક અદના આદમી જેમ જીવ્યા અને મૃત્યુ પામ્યા. વાર્તાસંગ્રહો : (૧) ‘ઊંચી જાર નીચાં માનવી’ (૨૦ વાર્તાઓ), પ્ર. પારૂલ પ્રકાશન વતી જ્યોતિબેન પટેલ, ગાંધીનગર, પ્ર. આ. ૧૯૭૫, કિં. રૂ. ૧૦. અર્પણ : મારું આ પ્રથમ પુસ્તક મારાં પિતાશ્રી તથા માતુશ્રીનાં ચરણે સાદર સમર્પિત. ‘કોણ કહે સુકાયો આપણો સબંધ? હજી લાગણીની કેળ લીલકાય છે.’ (૨) ‘ટેટ્રાપૉડ’ (૧૭ વાર્તાઓ), પ્ર. શારદા પરમાર, ૧૧૭/૮, ‘છ’ ટાઇપ, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯, પ્ર. આ. ૧૯૮૪, મૂલ્ય - દસ રૂપિયા. અર્પણ : મારી બહેનો સૌ. સૂરજબહેન, સૌ. કાંતિબહેન, સૌ. મંગુબહેન તથા સૌ. રમા, સૌ. નિર્મલા, સૌ. કંચન અને સૌ. જયાને સ્નેહપૂર્વક.

(૩) ‘પટારો’ (૩૦ વાર્તાઓ), પ્ર. ચંદ્રમૌલિ શાહ, અરુણોદય પ્રકાશન, ૨૦૨, હર્ષ કોમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડા પોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્ર. આ. ડિસેમ્બર, ૧૯૯૮, કિં. રૂ. ૧૦૦. અર્પણ :

જીવનસંગિની સૌ. શારદાને..
તમે કહો તો વીરડો ને તમે કહો તો સાગર
તમે કહો તો ટપકું ને જો કહો તો સચરાચર

(૪) ‘લાખમાંથી એક ચહેરો’ (૨૧ વાર્તાઓ), પ્ર. ભરાડ ફાઉન્ડેશન વતી જતીનભાઈ ભરાડ, પ્ર. આ. ૧૭ મે, ૨૦૦૯. કિં. રૂ. ૮૮. અર્પણ નથી. (૫) ‘હારોહાર’ (૩૦ વાર્તાઓ), પ્ર. હર્ષ પ્રકાશન, અલકાબેન પંકજભાઈ શાહ : ૪૦૩, ઓમદર્શન ફ્લેટ્‌સ, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭, પ્ર. આ. ૨૦૧૫, કિં. રૂ. ૧૭૦. અર્પણ : મારી વહાલી દૌહિત્રી ચિ. ખુશાલીને પ્રેમ અને આશીર્વાદ સાથે.

તળપ્રદેશની વાર્તાઓ :

પાંચ વાર્તાસંગ્રહોમાં એકસો દસથી વધારે ટૂંકી વાર્તાઓ આપનાર ઊજમશી પરમારનો પ્રથમ વાર્તાસંગ્રહ જ તેમને વાર્તાકાર તરીકે સ્થાપિત કરી દે છે. ૧૯૭૫માં પ્રકાશિત પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઊંચી જાર નીચાં માનવી’નાં નિવેદનમાં તેઓ પોતાની કેફિયત નહિ આપતાં વાચકને જ વાર્તાઓ પ્રમાણવાનું ઇજન આપે છે, ત્યારે વાચકો અને અભ્યાસીઓ તેમની વાર્તાઓને વધાવી લે છે. અને આ પ્રથમ સંગ્રહને બે પારિતોષિક – સંદેશ સુવર્ણચંદ્રક અને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક મળે છે. જે વાર્તા પરથી સંગ્રહને શીર્ષક મળ્યું છે તે ‘ઊંચી જાર નીચાં માનવી’માં માનવીનું માન તેના આર્થિક મોભાને કારણે જ છે તે હકીકત વાર્તારીતિએ સ્ફુટ કરવામાં સર્જક સફળ રહ્યા છે. સામાન્ય ઘરનો તરુણ વયનો રવો ખાસ કામકાજ કરતો નથી. તેની મા તેને આ બાબતે ટપારતી રહે છે અને જેની સાથે તેનું નક્કી થયું છે તે લીલીને ત્યાં દાડી તરીકે કામ કરવા આવીશ એમ કહેવા મોકલે છે. લીલીની માને તો રવા માટે લાગણી છે અને રવો તેની પાસે જાય છે ત્યારે ‘રવજી’ તરીકે સંબોધે છે ને રવો રાજી થાય છે પણ લીલીના બાપ વીરાને મૂળથી જ રવા પ્રત્યે ખાર હતો, તેથી તે કરડાકીથી વાત કરે છે. પોતાની ઊંચી જાર વાઢવાનું રવાનું ગજું નહીં એમ કહેતા વીરાને રવો બરાબર જવાબ આપી દે છે ને પાછા વળતાં નેળીમાં લીલીનો નાજુક ગૌર હાથ પોતાના મજબૂત પંજામાં લે છે અને પ્રેમ વ્યક્ત કરે છે. લીલી પણ તેને શિખામણરૂપે રખડવામાં દહાડા ન ગુમાવવાનું કહે છે ને રવો કહ્યાગરા બાળકની માફક રસ્તે આગળ વધે છે પણ બબડતો જાય છે, ‘તું જ કયે લીલકી, જઈ જઈને ક્યાં જાવું? જાર એટલી ઊંચી છે કે કીધાંની વાત નહીં. ને અમે રીયા નીચાં માનવી. ખોરડું નીચું ને મોભો ય નીચો.’ (પૃ. ૯૬)

Unchi Jar Nicha Manvi by Ujamashi Parmar - Book Cover.jpg

આર્થિક અસમાનતાને કારણે ગામડામાં જોવા મળતા વર્ગભેદની સામે બે યુવાન હૈયાંનો નિર્ભેળ પ્રેમ સર્જકે આબાદ વ્યક્ત થવા દીધો છે. રવાની અલ્લડતા આભલાં સાથે રમત રમતાં રમતાં રસ્તામાં ચાલવાની તેની ક્રિયામાં જોઈ શકાય છે. અત્યંત સહજ રીતે ઊંચી જારનું પ્રતીક મોભાદાર લોકો માટે સર્જકે પ્રયોજ્યું છે. ‘પગીનું ટીલવું’ એક નોખી વાર્તા છે. પગી પ્રાણીપ્રિય વ્યક્તિ છે. તેના ઘરે સાપનાં બચ્ચાં પડ્યાં રહે છે. એક સફેદ કબૂતર તેને અત્યંત પ્રિય છે. તેને સૌ પગીનું ટીલવું કહે છે. પણ ક્યાંકથી એક વગડાઉ બિલાડો આવે છે ને ચણતાં કબૂતરમાંથી એકને લઈને પલાયન થઈ જાય છે. અત્યંત ક્રોધિત થયેલો પગી બિલાડાને માર મારવાના ઇરાદે કમાડ બંધ કરે છે પણ બને છે એવું કે બિલાડો જ પગીને મારી નાખે છે. જો કે વાર્તાકાર વાર્તાને અંતે કલાકીય સંયમને જાળવવાને બદલે સ્પષ્ટતા કરી આપે છે, ‘પશુ-પંખીઓનો સ્વભાવ રગેરગથી જાણનાર પગીની આ હાલત!!! શું એને ખબર નહોતી કે જાનવર મરણિયું બને ત્યારે... પણ ત્યારે એ ય ક્યાં મરણિયો નહોતો બન્યો? એણે ટીલવાના જીવની કિંમત અદા કરી હતી.’ (પૃ. ૧૯) વાર્તાકાર તરીકે ઊજમશી પરમાર ગ્રામ્યપરિવેશનાં પાત્રોની વાત કરે છે. તેમને માનવસંબંધોમાં અને રોજબરોજની ઘટનાઓમાં રસ છે. પતિ-પત્ની, માલિક-નોકર, ભાભી-દિયર, બાપ-દીકરી જેવા સંબંધોમાં જોવા મળતી વિચિત્રતા, માનવીય નબળાઈ અને તેને કારણે અળપાઈ જતા સંબંધોને તેઓ વાર્તાનો વિષય બનાવે છે. ‘મૃત્યુ’ એ સંબંધોની પ્રામાણિકતા બતાવતી વાર્તા છે. ભાભી-દિયરનો સંબંધ નિર્દોષ અને વાત્સલ્યસભર હોય. અહીં તો ભાભીએ એક સમયે મા બનીને દિયરને ધવરાવ્યો પણ છે! પરંતુ એક દિવસ સ્નાન કરવા બેઠેલી ભાભીને જોઈને દિયર તેને આલિંગન દઈ બેસે છે. ભાભીના મનમાં રતિભાર પણ વિકાર નથી. વાર્તાના અંતે ભાભી સ્વ-તેજથી ઝળહળી રહે છે. લોકસંગીતમાં જીવંત રસ ધરાવનાર જ લખી શકે એવી એક સુંદર વાર્તા છે, ‘વેવલી’. વાર્તાકથકને ‘લોકસાહિત્યમાળા’ માટે લોકગીતોનું સંપાદન કરવાનું હતું ને તેઓ પહોંચે છે ગામડે એક ડોશી પાસે. ડોશી તો ગાતી જાય ને કથકને થાય કે આ સૂર કેવી રીતે ઉતારું! ટેપરેકોર્ડર લાવ્યો હોત તો સારું! જીવનની વાસ્તવિકતાઓને ગાણાંમાં વણી લેતી ડોશીને સૌ વેવલી કહેતાં. ડોશીની દીકરી ગલાલ ભારે દમામદાર છે અને કોઈની શેહમાં રહે તેવી નથી. મા-દીકરી પોતપોતાની રીતે ગાણાં ગાઈને કથકનું કામ કરી આપે છે. એક અંતરાલ પછી પરિણિત અને બાળબચ્ચાંવાળા કથકને ઓચિંતાની ખડપીઠમાં ગલાલ મળે છે. ગલાલનું વર્ણન જુઓ : ‘ગોરા બરડાને બે ભાગમાં વહેંચી નાખતી કાપડાની લાલ કસો નીચેનો મોટો ચણા જેવડો કથ્થઈ મસ બદામપાકના તવામાં ઉપર ભભરાવેલી કાળી દ્રાક્ષ જેવો લાગતો હતો.’ (પૃ. ૪૯) વાર્તાને અંતે જીવનની વાસ્તવિકતાનો અનુભવ કર્યા પછી પ્રમાણતી ગલાલ માએ ગાયેલું ગાણું યાદ કરે છે ને કહે છે, ‘મારી મા’ડી બચારી વેવલી નો’તી, ઈની બાપડીએ રંડાપાની આપદાયું વેઠી’તી.’ (પૃ. ૫૨) લોકગીતોની સાથે લોકની પીડાની વાત માંડતી આવી વાર્તા ભાવકના ચિત્ત પર અમીટ છાપ છોડી જાય છે! ઊજમશી પરમાર તેમના બીજા વાર્તાસંગ્રહની કેફિયતમાં બરાબર ખૂલ્યા છે. કહે છે, ‘તરુણાવસ્થાના એ દિવસો, અભ્યાસ નબળો, ગણિતમાં તો લઘુતાગ્રંથિ ઘર કરી ગયેલી. ફાવટનાં ક્ષેત્રોમાં વગડો ખૂંદવો, કૂવા-તળાવ ને નદીના ધરામાં ધૂબકા લગાવવા, સાયકલ કે ગરાસિયા મિત્રના અશ્વ ઉપર દૂરનાં ગામોમાં રઝળપાટ કરવા જવું આ બધું! આમાં ભણતર રોળાઈ ગયું. મોટાભાઈ ભણવામાં તેજસ્વી, તેમનું મહત્ત્વ વધુ, સાચવણી વધુ. આમ ‘પોતાનું કશું મહત્ત્વ નથી’ની પીડામાંથી ગાવા-ચીતરવા સાથે લખવામાંથી પ્રાપ્ત થતી આત્મરતિની લાગણીએ અનાયાસે વાર્તાઓ લખાઈ.’ (‘ટેટ્રાપૉડ’નું નિવેદન ‘વાર્તા : મારો વિસામો’) આ સંગ્રહની ‘તનહાઈ’ અને ‘ટેટ્રાપૉડ’ એ બીજી વાર્તાઓ કરતાં કંઈક જુદા વાતાવરણ અને વળાંકની વાર્તાઓ છે. તો પહેલાં આ બે વાર્તાઓ જોઈએ. ‘તનહાઈ’માં પ્રવાસનવિભાગમાં કામ કરતા કથકને દરિયાકિનારાના એક બંગલાનું વિસ્તરણ કરવાનું કામ આવે છે. આ બંગલો નવાબ અને બેગમની જીવનકહાની છુપાવીને બેઠો છે. આ બંગલાનું ડ્રોઇંગ કરતી વખતે દરેક ખંડમાં, સ્નાનાગારમાં અને આદમ કદના આયનામાં કથકને ત્યાં રહી ગયેલાં પાત્રોનો અને તેમની સંવેદનાઓનો અહેસાસ થાય છે. આ વાર્તામાં સર્જકનું કવિપાસું ઉજાગર થાય છે! શાયરા વાજિદાબેગમની એકલતાની પીડા વાર્તાકાર ઉપસાવી શક્યા છે. આ માટે તેમણે ઝેબુન્નિસા ‘મખ્ફી’ની શાયરીને પ્રયોજી છે. દ્વિતીય પુરુષનું કથનકેન્દ્ર અહીં ધાર્યું નિશાન પાર પાડે છે અને તે દ્વારા ભૂત અને વર્તમાનનું સંનિધિકરણ વાર્તાને કલાત્મક પુટ ચઢાવે છે. વળી, ભૂતકાળનાં પાત્રોની સંવેદના કથકના માધ્યમથી તમારી પોતાની બને છે. ‘તનહાઈ’ એ એકથી વધારે વખત વાંચવી ગમે એવી વાર્તા બની છે. અભ્યાસી વાર્તાકાર બિપિન પટેલ લખે છે, ‘વાર્તામાં વાતાવરણ સરસ રીતે ઊભું કરવું એ ઊજમશીની લાક્ષણિકતા છે. આ સંદર્ભે સંગ્રહની બધી વાર્તાઓમાંથી અલગ તરી આવે એવી ‘તનહાઈ’ની જિકર કરવી રહી. આ વાર્તામાં ભૂતકાળની વાત કહેવા માટે વર્તમાન, ભવિષ્ય અને ભૂત એ ત્રણેયનો વિશિષ્ટ ઉપયોગ કર્યો છે. ત્રણે ય કાળના કેલિડોસ્કોપીક ઉપયોગને કારણે આ વાર્તા અલગ તરી આવે છે.’ (પૃ. ૩૦, ‘શબ્દસૃષ્ટિ’, ‘ટૂંકી વાર્તા અને હું’, ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૦૯)

Lakh-manthi Ek Chahero by Ujamashi Parmar - Book Cover.jpg

બીજી વાર્તાનું શીર્ષક છે તે પ્રમાણે ‘ટેટ્રાપૉડ’ના પ્રતીકથી થયેલી બે પરિસ્થિતિની વાત છે. મા વગરના ભાઈ-ભાંડુને સાચવવામાં મોટોભાઈ ભાર અનુભવે છે ત્યારે તેનો રંગીન મિજાજનો મિત્ર તેને ટેટ્રાપૉડ પાસે ચસકેલ થઈને રખડતા હૂપાને બતાવે છે. જેણે પોતાના ભાઈને દરિયામાં ગુમાવેલો છે અને જે સતત પોતાનો નાનો ભાઈ મળી આવશે તેની રાહમાં છે! ટેટ્રાપૉડ તોફાની મોજાંનો માર ખાળવા માટે બનાવવામાં આવતું ચાર પાંખિયાનું સાધન છે જે કોઈ પણ પરિસ્થિતિને સહે છે. માણસની પણ આ જ નિયતિ છે! ઊજમશીની વાર્તાઓમાં તત્કાલીન ગ્રામ્ય સમાજ, તેમની ખેતીકામની દૈનંદિની, એમની વિટંબણાઓ અને સ્ત્રીઓની અવદશા બરાબર ઝિલાયાં છે. ‘તળાવમાં તરતા થાપા’, ‘તિખારા’, ‘અવલંબન’ સ્ત્રીપાત્રોની વાર્તા છે. ‘તળાવમાં તરતા થાપા’ની પૂનમ એક એવી સ્ત્રી છે જેને પતિએ પહેલી જ રાતે ગડદાપાટુથી નવાજીને ત્યજી દીધી છે! ત્યારે ય તે બબડીને રહી ગઈ છે, ‘નહોતી ગમતી તો પાંચસેં માણસુંની વચાળે હાથ નહોતો ઝાલવો..’ (પૃ. ૨૩) પોતાની રીસ તે પિતાના ઘરમાં બાંધેલાં ઢોર સાથે સંવાદ કરીને કાઢે છે! તેની એકેએક ક્રિયામાં તેની અકળામણ, ગુસ્સો, હતાશા જેવા ભાવોને સર્જક સાદ્યંત વ્યક્ત કરે છે. એ રીતે આખી વાર્તા વાંચવા જેવી છે. એક ઉદાહરણ આપું તો, ‘આ પશુડાં ય આજ તેના હાથના પરશને પાછો ઠેલતાં હતાં, ‘એલાંવ, હું તો વન-વનની દાઝેલી છું. માણસું તો નગણી જાત્ય છે, પણ તમે ય પીટ્યા કાં મારું દખ હમજતાં નથી? આમ હડસેલી હડસેલીને આઘી કાં કાઢો?’ (પૃ. ૨૧-૨૨)

Harohar by Ujamashi Parmar - Book Cover.jpg

‘તિખારા’ની શાંતુને સુંદરજી નામે માંદલો વર મળ્યો છે જે આખો દિવસ પથારીમાં પડ્યો પડ્યો ‘આ લાવ, તે લાવ’ કરે છે ને સેવા કરાવ્યા કરે છે. સામેના ઘરમાં રહેતા કાભઈ આ બધું જુએ છે ને શાંતુને નાની-મોટી મદદ કરે છે. પણ એક દિવસ સુંદરજી અવસાન પામે છે. કાભઈની પત્ની તેજુ માંદી છે તેથી શાંતુ હવે તેની સેવામાં લાગે છે. કાભઈ શાંતુના ઘરે આવવાનો ફાયદો લે છે ને એક દિવસ સુંદરજીની જેમ તેજુનો પણ ઉપાય કરીશ એમ કહે છે. સર્જક લખે છે કે શાંતુને થાય છે, ‘કાભઈ જાણે ‘સુંદરિયો’ બોલવાના બદલે મોઢામાંથી તગારું ભરીને અડાયાના તિખારા તેની છાતી ઉપર ઠાલવી ગયો હોય!’ (પૃ. ૨૯) ‘અવલંબન’માં ચંપા સાથે નવયુવાન ચંદુને પરણવું હતું પણ ચંપાને તો કેશવા સાથે વરાવી છે. કેશવો ચંપાને સુખ આપશે કે નહીં તે વાતે ચંદુને શંકા છે પણ કોઈ ઇલાજ નથી. કેશવાને ટી.બી. થાય છે ને તે અવસાન પામે છે. ચંપા કૃશ થઈ ગઈ છે ને તે સારી થાય માટે સાસુ અને દિયર જીવણો તેને સાચવે છે. ઉદ્દેશ એવો છે કે તે સારી થાય એટલે કેશવાના ભાઈ જીવણા સાથે ચંપાનાં લગ્ન થાય. ચંદુની વ્યથા વાર્તામાં બરાબર વ્યક્ત થઈ છે. આપણા વાર્તાકાર ગામનાં રાજકારણ અને સમાજકારણને બરાબર જાણે છે. ગામની પ્રચ્છન્ન પ્રેમકથાઓની વાર્તા લખવાની તેમને ફાવટ છે. માત્ર સ્ત્રીઓની જ નહીં પણ પુરુષપાત્રોની વ્યથા પણ ‘છેલ્લે છેલ્લે’ કે ‘ઘરચોળું ઘર લઈને હાલ્યું’ જેવી વાર્તાઓમાં છે. ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત ‘ટેટ્રાપૉડ’ની વાર્તાઓ માટે વાર્તાકાર અને વિવેચક વિજય શાસ્ત્રી લખે છે, ‘...આ વાર્તાઓનો જાનપદી પરિવેશ, ભાષા, રીતરિવાજો અને ઘટનાસ્વરૂપોમાં વરતાતા ગ્રામીણ રંગમાં ક્યાંક પન્નાલાલ-મડિયા, ઉમાશંકર તો ક્યાંક સુંદરમ્‌ની તત્‌સદૃશ વાર્તાઓના ભણકારા સંભળાશે, પણ શ્રી પરમારે પોતીકી એક મુદ્રા ચોક્કસપણે ઊપસાવી છે એમ પેલા સંવેદનતંત્રની સૂક્ષ્માતિસૂક્ષ્મ તરાહોના એટલી જ બારીકાઈથી થયેલા ફિલિગ્રીવર્ક(નકશીકામ)ને જોતાં કોઈને પણ પ્રતીત થશે.’ (પૃ. ૩૧, ‘શબ્દસૃષ્ટિ’ ‘ટૂંકી વાર્તા અને હું’, ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૦૯) ત્રીજો વાર્તાસંગ્રહ ‘પટારો’ બીજાં ચૌદ વર્ષ પછી ૧૯૯૮માં આવે છે જેમાં ત્રીસ વાર્તાઓ છે. અહીં પણ તેમની વાર્તાઓનું લોકાલ તો ગામડું જ રહે છે. શીર્ષસ્થ વાર્તા ‘પટારો’ની વાત કરીએ તો, પરણ્યા પછી તરત ત્યજાયેલી પ્રેમીની ચૂંદડી, પાનેતર વગેરે પટારો સાચવીને બેઠું છે. એમ કહો ને કે એ પીડા ભરેલો પટારો છે ને તેથી બાપા એમાંથી પાઘડી લાવવાનું કહે ત્યારે નાયિકા પ્રેમી ભારે વ્યથા અનુભવે છે. એ વિષાદનાં સંવેદનથી રસાયેલી આ વાર્તા છે. આ વ્યથિત સ્ત્રીની સામે ‘ભેલાણ’માં મેના નામની વેશ્યા દસ વર્ષ પહેલાં પોતાને છેતરી ગયેલ રમણની સોંપણી બીજી સ્ત્રીને કરે છે અને પછી એ સ્ત્રીને એઇડ્‌સ છે એવું કહી રમણ સાથે બદલો લે છે. ઊજમશી પરમાર બોલચાલમાં પ્રયોજાતા કાકુ(tone)ને કેન્દ્રમાં રાખી કેટલીક વાર્તાઓ લખે છે. ‘ફેર શું પડે?’, ‘ઊભા તે બસ ઊભા’, ‘હાકા બાકા’, ‘છૂંદણું ત્રોફતો જાજે’ આ પ્રકારની વાર્તાઓ છે. ‘ફેર શું પડે?’ના રામદાસ અને રંજનાને ખૂબ મનમેળ હતો પણ રંજનાના ગયા પછી રામદાસ શુષ્ક જીવન જીવે છે અને રાતવરત આમતેમ ફર્યાં કરે છે જેમને જોઈને ઘણાં ડરી પણ જાય છે. અસલમાં રંજના સાથે ઘટેલ એક ઘટનાને કારણે તેઓ તેની યાદમાં કૂવા પાસે ફરતા હોય છે. તેમને ટોકતા ભાનુભાઈ કહે છે, ‘તમે આમ રાતવરતના જ્યાં ત્યાં રખડ્યા કરો ને રામદાસ, ઈ સારું નહીં, બધી જગ્યા સારી નો હોય, રાતવરતનાં કૈંક અધૂરા ભોગવટે ગયેલા જીવ બ્હારા નીકળ્યા હોય.’ રામદાસ જવાબ આપતાં કહે છે, ‘તમારી વાત સાચી છે ભનુભાઈ, પણ એટલા જીવ નીકળ્યા હોય ત્યારે એક જીવ એમાં વધારે, ફેર શું પડે?’ રામદાસની ઉદાસી આ ઉક્તિમાં જોઈ શકાય છે. આ સાથે એક અન્ય લક્ષણ નોંધીએ તો તેમની વાર્તાઓમાં ભૂત, પ્રેત, જીન, ઓછાયો વગેરે આવે છે. ‘ઠામ વગરનો કાગળ’માં રંભાનો પહેલો પતિ મરી ગયો છે અને બીજી વારનાં લગ્ન પરબત સાથે થયાં છે પણ પરબતને એનાથી જાતીય સુખ મળતું નથી. તે રાતના સમયે બહાર નીકળે છે ત્યાં રંભાના પહેલા પતિનું પ્રેત મળે છે. જે પરબતને કહે છે કે, તારા શરીરમાં પેસીને હું રંભા સાથે બાકી રહેલું જાતીય સુખ માણી લઉં. પરબત આમે ય એ બાબતે દુઃખી છે તેથી સંમત થાય છે. ટાઢીબોળ રંભામાં અગનસંચાર થાય છે. પણ પરબતના શરીરમાં રહેલ પહેલા પતિને પારખી જતી તે પોતાનો ધર્મ ચૂકી છે, એમ માનીને સળગવા જાય છે ત્યારે પરબતના દેહમાંથી પહેલા પતિનો ભડકો છૂટો પડીને રંભાને સળગાવી દે છે ને પરબત ઠામ વગરના કાગળની જેમ મોં વકાસી જોઈ રહે છે! આ પરથી તેમની વાર્તાઓનું અન્ય લક્ષણ નોંધીએ તો જાતીય સંબંધો વિશે પણ તેમણે કેટલીક વાર્તાઓ લખી છે. ‘લોહીઝાણ’, ‘હથેળીઓના છાંયે’, ‘છૂંદણું ત્રોફતો જાજે’, ‘અભાગિયો’ વાર્તાઓ જાતીય સંવેદનોને જુદી જુદી રીતે આલેખે છે. ‘હથેળીઓના છાંયે’ની વાત કરીએ તો છુબી પરણીને એના વર કરસન સાથે બે દિવસ રહી હતી પણ ‘થોડા દિવસના સહવાસ વગર એના હૈયાનાં કમળદળ ઊઘડે એમ નહોતાં... સુવાંગ કોરીધાકોર પિયરમાં પાછી વઈ આવી હતી.’ (પૃ. ૧૧૬) હવે માવતર જાણે મોકલવા માગતા નહોતાં. ને ગામનો મોરસિંગ કોઈ બહાને ખેતરમાં આવી જાય છે એટલું જ નહીં, પછી તો મોરસિંગના સગડ ઉપર બે ત્રણ ચાર લફંગા આવી જાય છે. ‘લોહીઝાણ’નાં હરજી અને ભાનુ પતિ-પત્ની છે. આમ તો ભાનુ ઘરકામ પરવારવામાં ઢીલી છે પણ એક વાર ખેતર બાજુએથી જતાં જયંતી દરજીને દિશાએ જવા બેઠો હતો તે જોયો ને બંને જણને જાણે કે નાગ મંતરી ગયો હોય એમ બંને એકમેકમાં સમાઈ ગયાં. આ વાતની ગંધ ગામને ય આવી જાય છે ને તે પછી એક વાર હરજી વહેલો ઘરે આવી જાય છે તો ભાનુ કમાડ બંધ કરી હરજીને જાતે નવડાવે છે. ભાનુની તાલાવેલીથી હરજી અકળાઈ જાય છે ને એક તબક્કે કહે છે, ‘સાવ એમ નહીં ભાનુ, મને તો ઢીંચણ છોલાય, પણ તારો વાંહો આખો લોહીઝાણ છે, ગાદલું નહીં તો છેવટ ગોદડુંય..’ (પૃ. ૬૯) ‘પટારો’ સંગ્રહની વાર્તાઓની ભાષા સંદર્ભે વરિષ્ઠ વિવેચક ઈલા નાયક લખે છે, ‘વાર્તાઓને વાર્તામૂલ્ય પ્રાપ્ત કરાવવામાં લેખકને ભાષા સહાયક બની છે... શબ્દને વળગેલા ગ્રામપ્રજાના સંસ્કારઅધ્યાસો પાત્રોનાં સંવેદનોને ધ્વનિત કરવામાં સફળ રહ્યા છે.’ (પૃ. ૩૧, ‘શબ્દસૃષ્ટિ’, ‘ટૂંકી વાર્તા અને હું’, ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૦૯) ગ્રામ્ય પરિવેશમાં ઊછરેલા ઊજમશી પરમાર ગામની કહેવતોને પણ પ્રયોજી જાણે છે. ‘છૂંદણું ત્રોફતો જાજે’માં લખે છે, ‘ઉંમરલાયક છોકરિયું તો રાંધ્યાં ધાન કહેવાય, ઇમને વધારે વખત રાખી મેલાય નહીં, ઈ તો વેળાહાર વરાઈ જાય, ઈમાં જ સહુનું સચવાઈ જાય, નકર..!!’ (પૃ. ૧૨૯) આ વાર્તાકારે ગ્રામ્ય પ્રદેશના ઉમદા પાત્રોને કેન્દ્રમાં રાખીને પણ વાર્તા લખી છે. ‘ધજાગરો’ના જેસંગકાકાને રેવા બાપા સાથેના તેમના વેરને કારણે દુશ્મન માને છે પણ રેવા જેની સાથે પ્રેમમાં છે તે ભૂધરનો અસલી ચહેરો જાણતા જેસંગકાકા રેવાને ચેતવણી આપી બચાવી લે છે. ઊજમશી પરમારનો એક આખો વાર્તાસંગ્રહ ‘લાખમાંથી એક ચહેરો’ – આ પ્રકારનાં ઉમદા પાત્રોની વાર્તાઓનો છે જેમાં આવી એકવીસ વાર્તાઓ છે અને તે ૨૦૦૯માં ભરાડ ફાઉન્ડેશન દ્વારા જ્ઞાનતુલા અભિયાન અંતર્ગત પ્રગટ થાય છે. અહીં એકવીસ વાર્તાઓ છે, જેમાંની પાંચેક વાર્તા આગળના સંગ્રહોમાં પણ છે. ‘વેણ વરસે મેહુલિયાની જેમ’નો સુખલાલ માંદગીને કારણે પિયર રહેતી ગુલાબને મળવા મહિને એકાદ વાર જ આવે છે. એક વાર નિરાંત લઈને આવે છે ત્યારે ગુલાબને ભીતિ છે કે એને છૂટાછેડા આપી દેશે પણ સુખલાલ તો તેના મા-બાપ ફરી પરણવા કહે છે તેને ના પાડીને ગુલાબને મળવા આવ્યો છે. ક્યારેક પાત્રોનું અતિ ઉમદાપણું પણ આલેખાયું છે. ‘ચાંગળું સુખ’ની નાયિકા સમતા નામ પ્રમાણે ગુણ ધરાવે છે અને ટી.બી.ગ્રસ્ત પતિ ડફણાં મારે છે તો પણ એમ કહે છે, ‘ઈ જ તો સુખ ઈમના જીવનમાં છે, એટલું ચાંગળુંક સુખે ય મારે ઇમની પાંહેથી ક્યાં આંચકી લેવું?’ (પૃ. ૭૮) ‘ઝોહરા’ કોમી ઐક્યની સામાન્ય વાર્તા છે. ઉમદા પાત્રોની આ વાર્તાઓ વાર્તા તરીકે કલાત્મક બનતી નથી પણ સમાજમાં સદ્‌વૃત્તિ પિછાણતી સર્જકની નજર અહીં દેખાય છે. ક્રમશઃ સર્જક તરીકે પુખ્ત બનતા જતા આ વાર્તાકાર ૨૦૧૫માં અંતિમ વાર્તાસંગ્રહ ‘હારોહાર’માં ૩૦ વાર્તા લઈને આવે છે. જો કે કેટલીક વાર્તાઓ સાવ સામાન્ય છે જે ટાળી શકાઈ હોત તો એક સત્ત્વશીલ વાર્તાસંગ્રહ મળી શકત! ‘હારોહાર’ વાંઢા હરિલાલની અંતરવ્યથાની વાર્તા છે. તેઓ ઘરમાં એકલા જ રહે છે છતાં લોકો પૂછે છે, ‘કેમ છો? ઘરમાં બધાં મઝામાં ને?’ પોતાની પીઠ પાછળ થતી પોતાની વાત સાંભળી તેઓ દુઃખી થાય છે. ક્યારેક એમ પણ બને છે કે લોકો સ્વાભાવિક કહે અને તેમને લાગી આવે છે! સર્જક આ બધું પરિસ્થિતિની રમૂજને નીરખ્યા કરતા હોય એમ વર્ણવે છે. બીજાઓને હરિલાલ નડતરરૂપ લાગે છે પણ અંતે હરિલાલનું અંતરમન કહે છે, ‘...નહીં આટલેથી આગળ કે નહીં આટલેથી પાછળ, બસ, હારોહાર, માપોમાપ, ડગલાં હારે ડગલું, એવું અમારું હાલવાનું, અમારે અમારો એક નોખો જ મારગ, કોઈનો મારગ ઝૂંટવીને પછી છૂટવાનું કયા ભવે?’ (પૃ. ૮) ‘રઝળપાટ’નો નાયક મદન પોતાની કાળી પત્ની નથી ગમતી તેથી બીજા નુસખા કરે છે પણ એ બધો નર્યો રઝળપાટ જ પુરવાર થાય છે. આ સંગ્રહમાં તેમણે શહેરી પરિવેશની વાર્તાઓ લખી છે પણ તેમની કચાશ પરખાઈ જાય છે. ‘નવો અધ્યાય’, ‘સાયરન’, ‘છેલ્લી નજર’ આવી વાર્તાઓ છે. ઊજમશી પરમાર ‘પટારો’ની પ્રસ્તાવનામાં કહે છે તે સાચું જ છે. તેઓ લખે છે, ‘જોવાની મજા એ છે કે શહેરમાં ૧૯૬૫થી ૧૯૯૮ સુધી રહ્યા, તો પણ વાર્તાઓનો પરિવેશ નેવું ટકા લીંબડી (જિ. સુરેન્દ્રનગર)માં ૧૯૪૪થી ૧૯૬૪ સુધી ઊછરીને મોટા થયા ત્યાંનો છે.’ ઊજમશી પરમારની વાર્તાઓ તળ પ્રદેશનો સર્જનાત્મક દસ્તાવેજ છે.

સંધ્યા ભટ્ટ
બારડોલી
મો. ૯૮૨૫૩ ૩૭૭૧૪
Email : Sandhyanbhatt@gmail.com