ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કવિ ન્હાનાલાલ
કવિ ન્હાનાલાલ
ખુશ્બુ સામાણી
વાર્તાકાર પરિચય :
ન્હાનાલાલ દલપતરામ (પ્રેમ-ભક્તિ)
જન્મ : ૧૬ માર્ચ ૧૮૭૭, અમદાવાદ, શ્રીમાળી બ્રાહ્મણ પરિવાર
અવસાન : ૯ જાન્યુઆરી ૧૯૪૬
અભ્યાસ : મેટ્રિક (૧૮૯૩), કાશીરામ દવેની પ્રેરણાથી સાહિત્યમાં રસ, બી.એ. (૧૮૯૯) (તત્ત્વજ્ઞાન સાથે); એમ.એ. (ઇતિહાસ) (૧૯૦૧), મુંબઈ યુનિવર્સિટી
વ્યવસાય : અધ્યાપક, સાદરાની સ્કોટ કૉલેજ (૧૯૦૨-૧૯૦૪)
અધ્યાપક, રાજકોટ રાજકુમાર કૉલેજ (૧૯૦૪-૧૯૧૮)
શિક્ષણાધિકારી, કાઠિયાવાડ એજન્સી (૧૯૧૮)
નોકરીનો ત્યાગ, સાહિત્યસર્જનમાં સમર્પિત (૧૯૨૧)
સન્માન : માર્ચ ૧૬, ૧૯૭૮ના દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
‘પાંખડીઓ’ અને ‘ઉષા’ વાર્તાસંગ્રહ : કવિ ન્હાનાલાલ
વાર્તાસંગ્રહ : ૧ પાંખડીઓ
પ્રસ્તાવનાઃ
વાર્તાની પ્રસ્તાવનામાં કવિ કહે છે કે આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે : શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પણ કરું છું. આ હીરા નથી, હીરાની કરચો છે. આમાંની દશેક વાર્તાઓ – આ પ્રસંગો છે. આમને વાર્તાઓ કહેવી યે યોગ્ય નતી. – લખાયે પાંચેક વર્ષો થયાં. સતીનાં ચિતા લગ્ન અને સર્વમેઘ યજ્ઞ કવિતારંગે રંગેલી ૨૦મી સદીના ગુજરાતની બનેલી કથાઓ છે. બે વાર્તાઓ, વ્રતવિહારિણી ને વીણાના તાર. બત્રીશ વર્ષ પૂર્વે ૧૮૯૮-૯૯માં મૂળ લખાયેલી છે. આ આટલાં વર્ષો આ વાર્તાઓને ગુજરાતની દૃષ્ટિથી છુપાવી એ કદાચ ગુજરાતને અન્યાય કર્યો કોઈક કહેશે. પણ સાહિત્યસેવા એ મ્હારી જૂની ટેવ છે. આંબેથી તોડીને તરત હું કેરી જનતાને આપતો નથી : પાકકાળે કેરી પાકે ત્યારે આપું છું. કવિએ પોતે જ જેને વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને ‘તેજ-અણુઓ’ તથા ‘હીરાની કરચો’ કહી છે એ ‘પાંખડીઓ’ની ગદ્યરચનાઓ કવિની સર્જકતાના બીજા નવા ઉન્મેષ દેખાડે છે. આ પહેલા વાર્તાસંગ્રહમાં કુલ ૧૨ વાર્તાનો સમાવેશ થાય છે.
બોરસળીનો પંખો :
પ્રકૃતિ, વૃક્ષો, માનવજીવન અને આપણું મન. આ બધાને સાથે જોડતું આપણું શિક્ષણ. પોતાના ધણી માટે તેની સવલતો માટે અને તેને વહાલ કરવાના એક વધુ બહાનાથી સ્ત્રી પ્રકૃતિ સાથે સંવાદ કરવા લાગે વિંઝણો બનાવવામાં સ્ત્રીને સૌથી વધારે ઉત્સાહ છે કારણ કે એ વિંઝણો જ્યારે પવન પોતાના પતિ ઉપર ફેંકશે ત્યારે તેની ટાઢક સ્ત્રીના હૈયામાં આમ પણ ત્યાગ ભાવનાનું બીજું સ્વરૂપ હોય છે, મારો સમય મારા પતિના સેવા કાર્યમાં વ્યતીત થાય એવી માનસિકતાથી જીવતી સ્ત્રીઓ ખરેખર ધન્ય એક પ્રકૃતિ જ્યારે બીજી પ્રકૃતિ સાથે વાત કરતી હોય એવા સંવાદોનું આબેહૂબ લખાણ આ કલમ દ્વારા વાર્તાકારે આપણને અભિભૂત કરી મૂક્યા છે. મનમાં ચાલતી ગડમથલો અને હરખ શોખના ઉતાર ચડાવને બહુ સરસ રીતે વાર્તામાં, સંવાદમાં લેખકે આલેખી છે. એક કલમમાં આખી પ્રકૃતિ જ્યારે ઊતરી આવે ત્યારે સર્જાતો સંયોગ આ વાર્તામાં છે. બોરસળીનાં પુષ્પો અને સંજીવની આ બંને આપણા જીવન સાથે જોડાય તો કેવો સંયોગ રચાય એ કલાત્મક વાત વાર્તાકારે ચીતરી છે.
સમર્પણ :
સ્ત્રી અને પુરુષ બંને એકબીજાનું પૂરક તત્ત્વ છે. આ એવો સંબંધ છે જેમાં બંને એકબીજાને સમાંતર અને એકબીજા ઉપર ન્યોછાવર થઈને જીવે છે. પુરુષ સ્ત્રી ઉપર વારી જાય છે અને સ્ત્રી પુરુષ ઉપર પોતાની આખી જાત સમર્પિત કરી દે છે. સામાન્ય રીતે સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના પૂરક છે અને જ્યારે પતિ અને પત્નીના સંવાદોની વાત હોય ત્યારે મધમીઠી ખટાશ પણ સુપેરે આપણને મળે. જીવનમાં આવતા પ્રસંગો સાથે મળીને ઉજવે અને ઉકેલને એવું દાંપત્યજીવન સોના જેવું લાગે, જીવન સંગાથી જ્યારે સમજણું અને સરળ હોય ત્યારે કલમ જ્યારે પ્રેમ વિશે આલેખે ત્યારે કેટકેટલી પ્રાકૃતિક અવસ્થાઓને પણ આવરી લેતી હોય અને ખાસ જ્યારે પંડિત યુગના લેખક આ કૃતિને આકાર આપી રહ્યા હોય ત્યારે લેખક દ્વારા સુંદર રીતે આલેખાયેલી આબેહૂબ દૃશ્ય દર્શાવતી કથા એટલે સમર્પણ.
ઇતિહાસના અક્ષરો :
નદીકિનારે પોતાની સંસ્કૃતિ અને સંસ્કૃતિના ગૌરવ સાથે ઊભેલા બે વ્યક્તિઓ ઇતિહાસની વાતો કરે છે. વ્યક્તિના જીવનના મૂળિયામાં પોતાનો ઇતિહાસ ધરબાયેલો હોય સામાન્ય રીતે સમાજથી દૂર ભાગતો વ્યક્તિ અંતે ફરી પાછા સમાજની શોધમાં નીકળી પડે છે. માનસિક રીતે સ્વસ્થતા તો કેળવાઈ જાય એના પછી સતત જીવવા માટે જે આવરણની જરૂર પડે એ આવરણ એટલે જ સમાજ. પોતાના પરિવારને જ્યારે કશે દૂર મોકલવા માટે આવેલા પુરુષની મનોદશા કેવી હોઈ શકે? સંસ્કૃત ભાષામાં આલેખાયેલા આપણા ગ્રંથોમાં ઉલ્લેખાયેલી વાતો અને આજના સમયમાં થયેલી નવી શોધોની સામીપ્યતા દર્શાવવામાં આવી છે. બંને પાત્રો થોડાં ચિંતિત છે. શાસ્ત્રીય રીતે અને ઐતિહાસિક રીતે બંને પાત્રોમાં સમજ ઉગેલી દેખાય છે. એકપાત્ર પોતાની પત્નીને અને બીજું પાત્ર પોતાના કુટુંબને હોડીમાં બહારગામ જવા માટે છોડવા માટે આવ્યા છે. બંને પાત્રોના સંવાદને ખૂબ જ સરસ રીતે લેખક દ્વારા વર્ણવાયા છે.
વીજળીની વેલ :
સ્ત્રી અને પુરુષ બંને જ્યારે એકબીજાને એકબીજાથી ચડિયાતા ગણાવે ત્યારે કેવી કેવી ઘટનાઓ પહેલાં સર્જાઈ હતી અને હજુ પણ કેવી કેવી ઘટનાઓ સર્જાઈ રહી છે તેનું સર્વોચ્ચ ઉદાહરણ એટલે વીજળીની વેલ. સમયકાળ અને આપણા ઐતિહાસિક વારસામાં સ્ત્રીનું એટલે કે શક્તિનું સતત પૂજન થતું આવ્યું છે. સમાજમાં સમોવાડિયો પુરુષ તો ખરી જ પરંતુ તેના મૂળમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ રહેલી છે. માતાના, બહેનના, દીકરીના કે પત્નીના કોઈપણ સ્થાને સ્ત્રી એ સતત ને સતત પુરુષને સાચવ્યો છે એ વાત આપણે સૌએ સ્વીકારવી જ જોઈએ. મહાભારતથી લઈને હાલના યુરોપ તથા પુરુષના મનમાં રહેલા સ્ત્રીભાવ અને સ્ત્રીના મનમાં રહેલા પુરુષ ભાવને ઉજાગર કરતી પરસ્પર નયનરમ્ય સંબંધ દર્શાવતી વાર્તા એટલે વીજળીની વેલ. વાર્તામાં વાત તો દલીલ સુધી પહોંચે છે પરંતુ આ દલીલ સ્ત્રી દ્વારા કરવામાં આવી રહી છે, કે પુરુષો છે એટલા માટે સ્ત્રીઓ આટલી સુંદર દેખાય છે, અને પુરુષ દ્વારા એ દલીલ કરવામાં આવી રહી છે કે સ્ત્રીઓ સુંદર છે એટલે પુરુષો જોઈ શકે છે. દલીલ પણ જો આવી પ્રેમભરી હોય એવું આલેખન આ વાર્તા આપણને જુદા જુદા ભાવોમાં કરાવે છે. નાયક દરરોજ એ વાતની દલીલમાં જીતે છે કે સ્ત્રી ચડિયાતી. અને આ જ આનંદ નિરંતર ચાલ્યા કરે છે.
એનું પહેલું પુષ્પઃ
પ્રકૃતિનો શણગાર. મનુષ્ય જ્યારે જીવતાં શીખ્યો ત્યારે જીવન કેમ જીવવું તેની દૃષ્ટિ પ્રકૃતિ પાસેથી સતત ને સતત મળી છે, પ્રકૃતિનાં તત્ત્વો જ આપણા જીવનને સંતુલિત રાખવા અને સુપેરે જીવન જીવવા માટે પ્રેરણા રૂપ બને છે. મનુષ્યની સમજણ અને વિચાર શક્તિ એ બહુ ઉપર છે પ્રકૃતિનું આખું દૃશ્ય! સુંદર સ્ત્રી પણ પ્રકૃતિનું આબેહૂબ દર્શન કરાવે છે. સાહિત્યની કેટકેટલી કલમોએ પ્રકૃતિ ને વર્ણવવા માટે મન મૂકીને લખાણ કર્યું છે. મહારાણી જ્યારે ચંદ્રવેલને નીરખે અને પછી પોતાના મનમાં જાગેલા કોડને પૂરો કરવા એક પુષ્પ ચૂંટે અને પછી સર્જાતી આખી પ્રાકૃતિક ઘટમાળા કેવી હોય તેનું તાદૃશ્ય ઉદાહરણ એટલે લેખકની કલમે જન્મેલી આ વાર્તા. વાર્તા આખા યે વિશ્વને વર્ણવે છે જેમાં લેખકનો શબ્દવૈભવ આપણને અવાચક કરી મૂકે છે. સરળતાથી શબ્દો દ્વારા વાચકના મનમાં કેવી રીતે પ્રવેશવું અને હળવેથી તેના હૃદય ઉપર હાથ મૂકીને પોતાની વાત કરવી લેખકની આ છતાં આપણા મનમાં પ્રકૃતિને જીવતી કરે છે.
કુંવારો કે બ્રહ્મચારી?
આપણી આજુબાજુ દેખાતું બધું જ સત્ય નથી હોતું અથવા તો અર્ધ સત્ય પણ હોય છે એવું આ વાર્તા પરથી જાણી શકાય છે. પ્રમોદ નામનો વ્યક્તિ પોતાની કળાથી અને છટાથી બધાની નજરમાં આવી ગયેલો હોય છે. આજીવન લગ્ન નહીં કરવાં એવી ટેક પ્રમોદે લીધેલી છે એવી વાતના વહાણાં વાય છે. આપણા જીવનમાં પણ ઘણી બધી એવી ઘટનાઓ ઘટી ગઈ હોય કે જેમાં આપણે કશું જોઈને કે સાંભળીને માની લઈએ છીએ કે આ પરિસ્થિતિ આવી જ હોઈ શકે. પરંતુ પરિસ્થિતિના મૂળમાં રહેલી વાત તદ્દન અલગ હોય આવું પણ બને. વાતનો મર્મ એટલો છે કે આંખે જોયેલું કે કાને સાંભળેલું આવી વાતોથી ક્યારેય પરિસ્થિતિનો કે વ્યક્તિનો તાગ કાઢી લેવો ન જોઈએ. આપણે બાંધેલી ધારણા ક્યારેક ભવિષ્યમાં આપણને જ વિચારતા કરી મૂકે ક્યારેક મન ઉપર બહુ ઊંડી છાપ છોડી જાય તો ક્યારેક અસહ્ય પણ થાય એવી પરિસ્થિતિમાં મૂકી દે છે. પરંતુ વાર્તાનાયકને જ્યારે પ્રમોદ સાથે વાત થાય ત્યારે સમજાય છે કે કદાચ લોકો ઊંધું સમજી રહ્યા છે. વાર્તાનાયકનો મિત્ર જ્ઞાન આપે છે. ‘દીકરા એટલા પુત્ર નહીં, અને કુંવારા એટલા બ્રહ્મચારીઓ નહી.’
વટેમાર્ગુ :
પંથી સાથે પ્રીત શી? માર્ગમાં મળી જનારા પ્રવાસીઓ કોઈ જીવન આપણી સાથે વિતાવશે કે કેમ? માર્ગને પ્રેમ કરનારા વટેમાર્ગુઓ આજીવન સાથ આપશે કે કેમ ક્યારેય તેનો જવાબ આપણને મળતો નથી. આમ તો ગતિમાન સ્થિતિ કે અવસ્થાઓ સાથે પ્રીત બાંધવી અથવા લાગણીસભર વ્યવહાર રાખવો અને એ લાગણીને નિરંતર રાખવી એ આપણા દુઃખનું કારણ બનતું હોય છે. જીવને દુઃખી થવાનું કારણ માત્ર એક મમતા છે. અને એનાથી પણ આગળની સ્થિતિ છે મોહ. ખરેખર જે સ્થાયી નથી હોતા એવાં પાત્રો અથવા પરિસ્થિતિઓ, ઘટનાઓ કે લાગણીઓ સાથે લગાવ સાંધીને પછી મળતા આતુરતાના પ્રલયને ચીતરતી વાર્તા છે. પોતાના યૌવનને સંઘરી રાખીને બેસેલી નાર જ્યારે એક ખરા મર્દને જુએ પછી ન તો એ મર્દ પાછો આવે અને ન એની કોઈ ખબર. પ્રીત માટે ક્યારે પણ સમય સંજોગો અને પરિસ્થિતિઓની આડશ હોતી નથી. બંધનો વગરનું આકાશ એટલે પ્રીત. જ્યારે વ્યક્તિનું ન હોવું પણ વ્યક્તિની અનુભૂતિ કરાવે એ અવસ્થા એટલે પ્રીત. એ પ્રીતને પથ્થરની પૂજા કરીને પૂજતી એ નારની વ્યથા લેખકે ચિતરી છે.
વીણાના તાર :
જીવનમાં પ્રેમ અને પ્રેમીના પડેલા અવકાશમાં પોતાની જાતને જોરથી સ્ત્રીની વિટંબણા કેવી હોય? એમાં પણ જ્યારે પોતાનું સંતાન અને એ સંતાનને જ્યારે આ જીવનમાંથી દવલું કરવાનું આવે ત્યારે માની વેદના શી હોય? આજીવન જ્યારે સમજણ આવે ત્યારે એક સ્ત્રીના મનમાં સૌથી વધારે સુખ હોય છે માતૃત્વનું. બીજા કોઈ સુખ મળે કે ના મળે સ્ત્રીને ક્યારેય કોઈ ફરિયાદ રહેતી નથી. પરંતુ માતૃત્વનું સુખ એકમાત્ર એવું સુખ છે જેને વધાવવા માટે પરમેશ્વરે ખુદ ધરાતલ ઉપર જન્મ લેવો પડે છે. સ્વર્ગથી પણ સોહામણુ સુખ એટલે માતૃત્વ. પરંતુ પોતાના સંતાનને જ્યારે ત્યજવાનું થાય અને એ પણ કેવું સંતાન? ઘનઘોર જંગલમાં, વૃક્ષો અને પાંદડાઓ સાથે તાલમેલ મેળવીને જીવતી પ્રકૃતિ અને વાતાવરણનું શબ્દ ચિત્ર લેખકે ઊભું કર્યું છે. પ્રિયતમા પોતાના પ્રેમી માટે અને આ પ્રિયતમા ને પ્રેમ કરતું ત્રીજુ વ્યક્તિ! માનવતાનો સૌથી શ્રેષ્ઠ ચડાણ હોય તો એ છે પ્રેમ. કોઈ શરત કે માંગણી વગર બીજા વ્યક્તિનું થઈ જવાની અવસ્થા એટલે પ્રેમ. મને શું મળશે એ નહીં પરંતુ હું શું આપી શકું અને આપવાનો ભાવ અને એ જ નિરંતરતા એટલે પ્રેમ. વાર્તાનો પ્રાણ તો એ વાતમાં છે જ્યારે વાર્તાકાર લખે છે, સતી પાછળ એ સતો થયો તો પરમેશ્વર એ મૂંઝાશે ને કે બે પ્રીતમની એક પ્રિયાને સ્વર્ગમાં એ શી રીતે વહેંચી આપવી?
અંજનશલાકા અથવા સતી કે સુંદરી?
સૃષ્ટિમાં સૌથી વધારે સુંદર શું? સતી કે સુંદરી? રાજ કોના? નરનું ક્યાંય માન કેમ નહીં? ઘણા બધા સવાલોના જવાબ અને ન વિચારેલી વાતો તરફ કરેલી વાર્તાકારે નવી દૃષ્ટિની તાદૃશ્ય ઓળખ ખરેખર અજંપો પમાડી દે એવી છે. સતી અને સુંદરતા આ બંનેમાંથી જગત કોણે રૂપાળું બનાવ્યું તેની જુદી જુદી અને ઊંડી વાતોની સમજણ ઉકેલતા બે મિત્રો અને આખાય પરિસરનો વર્ણનશબ્દ ચિત્રિત હોય એવું અનુભવાય. જુદા જુદા ધર્મ અને ધર્મના અનુયાયીઓ કાળક્રમે બદલાતા બધા જ રિવાજો, એના રિવાજો ને લીધે આવતી જુદી જુદી પરિસ્થિતિઓ આ બધામાં આપણા સમાજને અને આપણા જીવનને પણ વધારે સુંદર બનાવે તેની વાટાઘાટો ચાલતી હોય સમાજ નિર્માણમાં સૌથી મોટો ફાળો સતીનો હોય કે સુંદરતાનો? નાની ઉંમરના પરંતુ ખૂબ જ મોટી અને તત્ત્વભરી વાતો કરનારા બંને મિત્રો કોઈ હાથ માટે કે જીતવા માટે આ દલીલો નથી કરી રહ્યા. સમાજ પોતાનો અરીસો પોતાની સાથે રાખે છે એ સમજણ સાથે બે મિત્રો વચ્ચે થતી વાતોને અંતે સાર એવો નીકળે છે કે, ‘જગતમાં સર્વોપરી પુણ્ય અને પ્રભુ.’ અને છતાંય બંને સ્વીકારે છે કે આ વિદ્યામંદિરમાં સંસારમાં કે સામ્રાજ્યમાં ક્યાંય એમનું ચાલવાનું નથી! કારણ કે આખી એ સૃષ્ટિ પ્રભુની નિર્મિત છે.
હું તો નિરાશ થઈ
માણસનું મન અને આ મનનું દવાખાનું એટલે આપણને ગમતી વસ્તુઓ વ્યક્તિઓ કે એમની વાતોને સાંભળવી, જોવી અને તેનું પાન કરવું. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આ જ વ્યક્તિઓ, આ જ વ્યક્તિને ગમતી વાતો, આપણી આશાઓ, અને આ વ્યક્તિ પ્રત્યે બાંધેલી ધારણાઓ આ બધામાંથી જ્યારે એક સામટી નિરાશા મળે ત્યારે જીવન ધરબાઈ ગયું હોય એવો અનુભવ થાય. થોડી જ વારમાં પગ નીચેથી જમીન ખસકી જાય, વાદળ ફાટી પડે, ઝાકળ બાઝી પડે, નદીના વેણ સ્થિર થઈ જાય, જીવનમાં ખરેખર સાચું દવાખાનું એટલે સાહિત્ય પાસે બેસીને સાહિત્યને ઊજવવું તે. પરંતુ નિરાશ તો ત્યારે થવાય જ્યારે શ્રેષ્ઠી માની બેઠા હોઈએ અને અંતે એ જ શ્રેષ્ઠી તરફથી એ એવી વાત સાંભળવા મળે કે જેમાં આપણું મન હણાઈ જાય! મનગમતો વ્યક્તિ, મનગમતો ખેલાડી, ક્યાંક મહદંશે જીવનના આદર્શમાં જેને સ્થાન આપ્યું હોય એ વ્યક્તિ જ્યારે પોતાના સ્તર કરતાં નીચી વાતો કરે, અથવા તો ખરાબ વર્તન કરે ત્યારે એક બહુ મોટો ધક્કો આપણી જાતને લાગતો હોય છે અને આપણી જાત સાથે જ કશું ખોટું કર્યા નહીં ઘૃણા થતી હોય છે. તેના પછી આપણે આપણી જાતને જ દોષ આપતા ફરીએ છીએ. વાર્તાનાયિકાને પણ એવો જ અનુભવ થાય છે અને અંતે નિરાશ થઈને ઘરે પાછા ફરે છે.
બ્રહ્મચારી :
‘બ્રહ્મચારી’ – નામમાં જ એક શાંતિ છે, પણ વર્ણન? એ તો કાવ્યગતિમાં વહેતા ઝરણા જેવું. વાર્તમાં મંદિરની વાડી, ચંપાનું ઝાડ, કુંડ, સ્ફટિક ચોકીઓ, ચંદ્રપ્રકાશ – બધું એક સ્વપ્નિલ, દૈવી માહોલ ઊભું કરે છે. આ વાર્તામાં બ્રહ્મચારી અને યુવતીના સંઘર્ષ અને આકર્ષણની એક મહત્ત્વપૂર્ણ કથા રજૂ થાય છે. બ્રહ્મચારી, જે આત્મસંયમ અને પવિત્રતા તરફનો માર્ગ પસંદ કરતો છે, તે પોતાના યૌવન અને દૃષ્ટિ સામે લડતા જોવા મળે છે. સાથે સાથે, યુવતીની મોહકતા અને તેનાં મન અને શરીરની ગુણવત્તાઓ એ બંનેના આંતરિક સંઘર્ષને વ્યક્ત કરે છે. આ યાત્રામાં, બ્રહ્મચારી એ આધ્યાત્મિક જીવન માટે સદ્ગુણોને અનુસરીને, પોતાના માર્ગ પર નિશ્ચિત રહેવાનો પ્રયાસ કરે છે. આ વાર્તામાં લાગણી અને ચિંતનનું જટિલ સંલગ્ન કરવું, પુરુષ અને મહિલા વચ્ચેની આધ્યાત્મિક યાત્રાની દૃષ્ટિમાં એક ઊંડી પ્રતિબિંબ બની જાય છે. વાર્તામાં બ્રહ્મચારીના મૌન ચિંતન, વિરક્તિ અને અંતર્દ્વંદ્વો – ‘માનવી એકપંખાળો જ રહેશે?’ જેવા પ્રશ્નો અત્યંત ઊંડા છે. આત્મપ્રશ્નોની સાથે ભૌતિક સંસારનું અથડામણ – ખૂબ જ સંવેદનશીલ રીતે દર્શાવાયું છે.
સતીનાં ચિતાલગ્ન (વીસમી સદીની ગુજરાતણની એક ન્હાનકડી કાદંબરી) :
આ વાર્તા એક યુવતીની છે, જેનો જન્મ ૧૯૦૭માં થયો. ૧૯૨૨માં તેનું લગ્ન એક ધનાઢ્ય અને ધાર્મિક કુટુંબમાં થયું, પરંતુ લગ્નના બે વર્ષમાં જ ૧૯૨૪માં પતિનું અવસાન થયું. યુવતીએ પતિવિહોણું જીવન સ્વીકારવાને બદલે, સતી થવાની તૈયારી કરી. સમાજ અને કાયદાના બંધનો વચ્ચે, એણે જીવવું સ્વીકાર્યું નહીં અને અંતે ૧૯૨૫માં, ફક્ત ૧૮ વર્ષની વયે જીવનનો ત્યાગ કર્યો. લેખક સમાજને પ્રશ્ન કરે છે કે, શું આજના સંસારશાસ્ત્રીઓ આવા ત્યાગને સમજી શકે? શું સતી થવું અને ફરજિયાત જીવવું – બંને જુલ્મ નથી? આ કથા ગુજરાતના ઇતિહાસમાં એક દુઃખદ પણ ગૌરવભર્યો પ્રસંગ બની રહે છે.
ફૂલની ફોરમ :
આ વાર્તામાં એક યુવક જીવનના સંધિપળમાં નિજમસ્ત ચાલતો હતો. મંદિરના પગથિયે એક પૂજારણનાં દિવ્ય રૂપે તેને મોહી લીધો. પહેલાં તેની સુંદરતાએ તેના હૃદયમાં કામલોલુપતા જગાવી, પરંતુ ત્યારબાદ તે તેનું દિવ્યત્વ સમજી શક્યો. પૂજારણના સુગંધિત પરિમળે તેની અંતરાત્માને શુદ્ધ કરી અને તેને સાચા સત્યના પ્રકાશ તરફ દોરી ગયો. અંતે, પુણ્યના સ્પર્શે તેના મનમાં ઉત્કટતા ઓસર્યા અને તે આધ્યાત્મિક શાંતિ અનુભવી શક્યો.
વ્રતવિહારિણી :
આ વાર્તા ત્યાગ, પ્રેમ, સંન્યાસ અને મૃત્યુના રહસ્ય પર પ્રકાશ પાડે છે. જીવન અને મૃત્યુ વચ્ચેનું સંધિસ્થાન એ વાત સમજાવે છે કે મૃત્યુ માત્ર એક અંત નથી, પણ નવી શરૂઆત છે જ્યાં ભૌતિક બંધનો સમાપ્ત થાય છે અને આધ્યાત્મિક સ્વરૂપ પ્રાપ્ત થાય છે.
સાગરની સારસી :
સાગરની સારસી વાર્તા ન્હાનાલાલની કાવ્યાત્મક વાર્તા છે, જે સંસાર અને સંન્યાસ વચ્ચેના સંઘર્ષ અને તેમના સમતોલ મિલનને દર્શાવે છે. એક સંન્યાસી, જે તત્ત્વજ્ઞાનની શોધમાં સાગરકાંઠે આવે છે, તોફાનમાં ફસાઈ જાય છે અને એક યુવતી જે પોતાના પિતાની સેવા સાથે સંસારનાં કર્તવ્ય નિભાવે છે, તેને ઉગારે છે; આ સંઘર્ષમાં સંન્યાસી સમજે છે કે સાચો ત્યાગ સંસાર છોડી દેવામાં નહીં, પરંતુ તેને પ્રકાશ આપવામાં છે, અને અંતે, બંને દીવાદાંડી સમાન બની સંસાર માટે માર્ગદર્શક બને છે. સંન્યાસ અને સંસાર એકમેકના વિરોધી નહીં, પણ પૂરક છે.
સર્વમેધ યજ્ઞ (૨૦મી સદીના ગુજરાતની એક ઇતિહાસકથા) :
આ વાર્તા જોગીના જીવન દ્વારા ત્યાગ અને પરમાર્થની મહાનતા ઉજાગર કરે છે. એક વખત વડલાછાયે ધૂણી ધખાવનારા જોગી ધીરે ધીરે સિદ્ધિ પામે છે, જનતા તેમની આરાધના કરે છે, જોગી મહંત તરીકે પ્રતિષ્ઠિત થયા, અને સંપત્તિ અને વૈભવની ચમક તેમની આસપાસ આવી ગઈ. માયાના મહેલ મંડાય છે, હવેલીઓ ચણાય છે, પણ અંતે જોગી માટે એ બધું નિરર્થક લાગે છે. જેમને લોકો મહંત તરીકે પૂજતા હતા, એ જ જોગી પોતાનું સર્વસ્વ દાનમાં આપી દે છે. તેઓ ફરી વડના થડને આરે જાય છે, ધૂણી ધખાવે છે અને સમગ્ર સંપત્તિ જનમેદનીમાં વિતરણ કરીને ખાખી જીવન સ્વીકારે છે. જગતના માયાપાશમાંથી મુક્ત થવાનું એ જ સાચું જોગ છે!
પૂરવણી : ગુજરાતણ :
વાર્તામાં નાયક મોરલાને પકડવા દોડતો દોડતો એક આંબાવાડિયામાં પહોંચે છે, જ્યાં તે ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને નારીસૌંદર્યનું જીવન્ત પ્રતિબિંબ એવી ગુજરાતણને જુવે છે. તે માત્ર એક સ્ત્રી નહીં, પણ ગુજરાતી સંસ્કૃતિની આત્મા છે. નાયક આ અલૌકિક સૌંદર્યમાં મગ્ન થઈ જાય છે, પરંતુ છેલ્લે, ગુજરાતણ ધીમે ધીમે દૃષ્ટિપથમાંથી ઓગળી જાય છે. વાર્તામાં ગુજરાતણ એક શાશ્વત ભાવના છે, જે ગુજરાતી પરંપરા અને સૌંદર્યમાં સદાય જીવંત રહેશે. છેલ્લી લાઇનમાં લેખક કહે છે : ‘સૃષ્ટિમાં સૌંદર્ય છે ત્યાં સુધી ગુજરાતણ છે.’ આવા શબ્દો કેવળ કોઈ ગુજરાતણ માટે નથી, પણ સૌંદર્ય અને સંસ્કૃતિના અસ્તિત્વ માટે છે.
વાર્તાસંગ્રહ : ૨ ‘ઉષા’
પ્રથમ દર્શન :
એક મનુષ્ય જ્યારે પ્રકૃતિના ગુણો વર્ણવતો હોય, અને એમાંય જ્યારે સંધ્યા, કે રાત્રિની વાત હોય ત્યારે સ્વયં પ્રકૃતિ પ્રતિપાદિત થતી જણાય છે. મકાનની છત ઉપર જઈને ખુલ્લા આકાશની છે પોતાની જાતને પ્રકૃતિને સમર્પિત કરતો વ્યક્તિ જ્યારે પોતાની અંતઃસ્ફૂરણા લખી રહ્યો હોય, આલેખી રહ્યો હોય, આપણી સમક્ષ તેના ભાવ રજૂ કરી રહ્યો હોય ત્યારે બેશક એવું જ બને કે આપણે એ શબ્દોને કદાચ ઓગાળીને પી ન શકીએ. પરંતુ અહીંયાં વાર્તાકારે ગગન મંડળ, આભ, આભની શાખાઓ, અને આ બધાની વચ્ચે બહુ સરળ સવાલ, ચંદ્ર સુંદર કે કવિતા? અહીંયાં પ્રકૃતિ અને લેખન બંનેની મિલન સભર વાત પ્રગટ થતી આપણને જણાય છે. આપણા હૃદયમાં ઊગેલા ચંદ્રને જ્યારે શબ્દોમાં મહાલવો હોય ત્યારે આપણી પાસે શબ્દો ખૂટી પડે છે. કારણ કે અનુભૂતિ હંમેશા શબ્દોથી પર રહી છે. અને આવા આહ્લાદક વાતાવરણમાં પુસ્તક સાથે ગોષ્ઠિ કરવાની મજા જ કંઈક અલગ છે. વાર્તાકાર આખી પરિસ્થિતિનો તાગ આબેહૂબ શબ્દોમાં ઉતારે છે. ધીરે ધીરે આખી રાત સાથે પ્રકૃતિને માણતાં માણતાં કેવી સુંદર રીતે પ્રભાત ઊગી અને આ પ્રભાતના ઉગવાનાં કિરણો કેવી રીતે પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યાં હતાં એનું સુંદર વર્ણન વાર્તાકારે આ વાર્તામાં કર્યું છે.
પ્રફુલ્લપાંદડી પોયણા :
પ્રેમ જ્યારે પોતાની ઉચ્ચકક્ષામાં પહોંચે ત્યારે પ્રકૃતિનું પરમ સૌંદર્ય પ્રાપ્ત થાય છે. વાર્તાકાર પોતાના સ્વપ્નમાં આવેલું એક પાત્ર કોણ છે તેની શોધ વારંવાર કરે છે. આ શોધ કરતા કરતા પ્રકૃતિના તમામ અંશો તેની નજીક આવીને તેને વીંટળાઈ જઈને ધીરે ધીરે એ પાત્ર તરફ લઈ જવા માટે પોતાનાં ડગલાં માંડે છે. ચંદ્રમા, ચંદ્રમાની ઠંડક, અને વૃક્ષ તથા વૃક્ષની ડાળીઓ આ બધું જ જ્યારે એક સામટું જોડાય ત્યારે કેવું દૃશ્ય સર્જાય, કેવી જમાવટ થાય, કેવા ભાવોનું નિર્માણ થાય, પ્રકૃતિ કેવી રીતે વરસી પડે, કેવી સજાવટો સર્જાય, કેવા અભિભાવકોનું નિર્માણ થાય તેનું વર્ણન વાર્તાકારે કર્યું છે. એક એવી વ્યક્તિ કે જેનું સરનામું, જેનું નામ, જેનો પડછાયો સુધ્ધાં ખબર નથી, આખી રાત તેનું જ વળગણ થયા કરે, અને નિંદ્રા સાથે જો નાતો છૂટી જાય તો, પરિસ્થિતિનું નિર્માણ થાય? વાર્તા નાયકની બહેન જ્યારે આવીને સૌપ્રથમ વખત નામ પ્રગટ કરે ‘ઉષા’ ત્યારે ઉર્મિઓના વમળની દશાનું વર્ણન કરે છે. ઉષા નામ ખબર પડ્યા પછી પ્રકૃતિનાં એક એક તત્ત્વો ધીરે ધીરે પોતાનો પ્રેમ વરસાવે છે. કલમ એટલી જ લાગણીસભર અને શબ્દનિષ્ઠ બને છે. આ સાંજ હવે અળખામણી લાગવા લાગે છે. ઊંઘ સાથે હવે છેટુ થઈ જાય છે. શું કરવું અને શું ન કરવું આ બંનેની વચ્ચેની પરિસ્થિતિ વાર્તાકાર ને સવાર સુધી સૂવાનો વિચાર શુદ્ધ કરવા દેતી નથી. એ ઉષા હતી કોણ? શા માટે આટલા વિચારો એક વ્યક્તિ માટે આવ્યા કરે છે? શા માટે આટલું વળગણ થયા કરે છે? અબૂધ હાલતમાં જ્યારે કલમ પોતાના શબ્દો ચિત્ર ત્યારે ઘડાતી પરિસ્થિતિઓનું વર્ણન આબેહૂબ કરવામાં આવ્યું છે. વાર્તાકારના મનની વ્યથા અને એક પ્રેમિકાને શોધતો પ્રેમી જેને પોતાની પ્રેમિકા કોણ છે એનાથી પણ આગળની પરિસ્થિતિ કે પ્રેમિકાનું નામ શું છે? આજ અસમંજસમાં સવાર આવી ને ઝબકારો આપે છે. અને ઉષા પાણી ભરવા આવે તેની આંખો જોઈને યોગી ધ્યાનમાં સરી જાય એમ નાયક સરી જાય છે અને જાગે ત્યારે ફરી પાછું પ્રકૃતિના વ્હાલમાં જીવે છે.
કુમારિકાઓનો બગીચો :
કન્યા કેળવણી સૌથી અગત્યનો એવો સમય કે જ્યારે સ્ત્રી શિક્ષણ અને કન્યાને જીવન ગણતર શીખવવું ખૂબ જ જરૂરી હતું. એ સમયે વાર્તાકાર નગરની કન્યા શાળાની કાર્યવાહી કરવા માટે ગહન રસ લઈને જતા. તે જ્યારે પણ ત્યાં પહોંચતા ત્યારે કેવું વાતાવરણ હતું અને કેવા વાતાવરણમાં ઉછેરતા બાળકોની સચોટ માહિતી શબ્દોના ખૂબ જ ઊંડાણ અભ્યાસ સાથે વાર્તાકારે કરી છે. શાળાની દેખરેખ રાખતી એક વ્યક્તિ એટલે મહેતીજી. શાળા જીવનમાં વસ્ત્રોનું મૂલ્ય કેટલું તેની સમજ પહેલા જ દિવસે જઈને વાર્તાકાર બહુ સહજ રીતે આપે છે. બધી જ બાળકીઓ પાસે કદાચ વ્યવસ્થા ના પણ હોય તો પોતાના પિતા તરફથી તાકાકા આવ્યા અને તે બધી જ બાળકીઓને શિવણની વ્યવસ્થા પણ કરી આપી. સાથોસાથ શિવણના વર્ગો પણ જીવનમાં જરૂરી છે તે ધ્યાનમાં લઈને ગામના દરજીને પણ બોલાવ્યો. ગમતું પાત્ર ઉષા જ્યારે જ્યારે પણ આ ક્રિયામાં ભાગ લઈને પોતાનું કાર્ય કરે ત્યારે ત્યારે તેનું વર્ણન ખૂબ જ આગવી છટામાં વાર્તાકારે કર્યું છે. આ બધી જ કાર્ય પદ્ધતિઓ શીખવ્યા પછી પણ લગભગ ૯૫% બાળકીઓ ગૃહિણી ધર્મ સ્વીકારશે તેની ખાતરી હોવા છતાં શા માટે કન્યા કેળવણી જરૂરી છે તેના ઉપર વધુ કામ થાય એવો વાર્તાકારનો પ્રયાસ રહ્યો છે. ત્યારબાદ ધીરે ધીરે નવા નવા અને ઊંડા ઊંડા અનુભવો વાર્તાકારને થાય છે અને તેનું સુંદર વર્ણન આ વાર્તામાં કરવામાં આવ્યું છે.
ચંદ્રિકાને મંદિરીયે :
ચોમાસાની ઋતુમાં વાદળ જેમ પાણી ભરે અને કાળી વાદળી બનીને આતુર થયેલી ધરતી પર વરસવા માટે ધોધમાર બને એવી જ રીતે પરિસ્થિતિ એવી બની કે વાર્તાકાર ના ઘરે પોતાને પરમેશ્વર જેટલું ગમતું પાત્ર એટલે કે ઉષા આવી. ઉષાના આગમન બાદ સૌથી વધુ રમણીય વાત એ હતી કે વાર્તાકારની બહેન અને ઉષા બંને સંગીતમાં ગાયન વાદનમાં એકબીજાને મદદ કરી રહ્યાં હતાં. પ્રેમમાં જો સૌથી વધુ નજીક આવવાનું માધ્યમ હોય તો એ સંગીત છે. પોતાના ઘરે પોતાનું ગમતું પાત્ર આવ્યું તેની જાણ થતાં ઉલ્લાસથી ભરાઈ ગયેલા વાર્તાકાર પોતાની ઊર્મિઓના વહેણને ઉછળતા નીરખે છે. પરિસ્થિતિ પણ એવી સર્જાય છે અને બંને પાત્રોને પણ એકલતા મળે ત્યારબાદ વાણીથી પ્રેમની એક ભીની શરૂઆત થાય છે. અને પછી સૃષ્ટિ પરની શ્રેષ્ઠ લાગણી એટલે કે પ્રેમનો એકરાર થાય છે. એક પ્રેમી અને પ્રેમિકા માટે સૌથી શ્રેષ્ઠ સમય પોતાના જીવનનો સુવર્ણકાળ એટલે પ્રેમીના હાથમાં પ્રેમિકાના હાથ.
વડમાલાના જૂથમાં
ગામડા ગામની એવી જગ્યાઓ કે જ્યાં નિત્ય યુવાનો યુવતીઓ, કુમારો તથા કુમારીકાઓનો આવરો-જાવરો રહેતો હોય! શ્રેષ્ઠતા પોતાની કળાને દર્શાવવા માટે નવપલ્લવિત પુષ્પની જેમ રસાઘાર ધરાતલ ઉપર જન્મ પરિણમે તથા અષાઢની વાદળીઓ જેમ વરસવા માટે થનગનાટ કરી મૂકે અદ્દલ એવી જ રીતે કુમારો ગામની બહારના વડલે ભેગા થતા. અમુક કુમારોને કુશળતા વરી એટલે એ વાંસળીઓ ગાતા. અને કુમારીકાઓ ત્યાં પોતાના રૂપને શણગારીને ચંદ્રને શરમાવવા માટે આવતી. ઢળતી સાંજ જ્યારે વડવાઈઓની વચ્ચેથી પોતાનો સેંથો પૂરે ત્યારે કેટલું રૂડું લાગે તેનું સુંદર વર્ણન વાર્તા કરે આ વાર્તામાં કર્યું છે. ઉષા હવે ધીરે ધીરે પ્રગટ પ્રેમને વધુ ગાઢ બનાવવા તથા અનુભવવા અને જીવવા માટે સક્ષમ થતી જતી હતી અને વાર્તાકારને પણ કરી રહી હતી. મુલાકાતો હવે વધતી જતી હતી, મંદિર એક એવું સ્થળ હતું કે જ્યાં મુલાકાતો વારંવાર થતી અને વાર્તાકાર તો એવું કહે છે કે હું પ્રભુની મૂર્તિ નહીં પરંતુ ઉષામૂર્તિ ને પૂજવા માટે જતો હતો. પ્રેમની પરાકાષ્ઠા આ વાતમાં આપણને સમજાય છે. સૌંદર્ય પારસમણિ જેવું છે અડકે તેને સુંદર બનાવે આ વાત ફક્ત શારીરિક નહીં પરંતુ શાબ્દિક અને સાત્વિક પ્રેમ માટે વારંવાર વાંચવા મળે છે જે આપણો અદ્ભુત વારસો છે. પ્રેમિકા અને પ્રેમી વચ્ચેના ગાઢ સંબંધોમાં સાથે સાથે પ્રેમીની બહેન એટલે કે ચંદ્રિકા તે પહેલેથી જ આ પ્રેમની સાક્ષી રહી છે અને પવિત્રતા જાળવવી પડતી નથી પરંતુ એ આપોઆપ જ આપણા વિચારોમાં તથા વ્યવહારમાં ઘૂંટાઈ જતી હોય છે તે વાત અહીં તાદૃશ્ય થાય છે. જ્યારે લેખક કે વાર્તાકાર કોઈ બીજા વ્યક્તિની વાત કરતું હોય ત્યારે સામેવાળાની સારી વાત પણ કેટલી સુંદર રીતે આલેખી શકે તે અહીં જોવા મળે છે. એક સુંદર મજાની રમતનું આલેખન વાર્તાકારે જે કર્યું છે તે વાંચવા જેવું છે અને અંતે પ્રેમિકા માટે પ્રેમી કેટલો સંવેદનશીલ હોય છે તે વાત અહીં જણાવી છે.
જન્માષ્ટમી :
કૃષ્ણ પ્રેમીઓ માટે દેવતા તથા આખા જગત માટે કળા કરનારું એકમાત્ર એવું બિંદુ કે જેમાં આખું જગત સમાઈ જાય છતાંય તેની વાત કરવાની બાકી રહી જાય. પ્રેમી તથા પ્રેમિકા સાથે મળીને પ્રેમની સર્વોચ્ચ સ્થિતિ પર પહોંચે ત્યારે કયાં પુસ્તકોનું વાચન થવું જોઈએ અથવા શ્રેષ્ઠતા માટે કયાં પુસ્તકો નવપલ્લવિત કરતાં હોય ત્યારે વાર્તાકાર લખે છે આખા એ અષાઢ માસમાં પોસાય અને મેઘદૂત વાંચ્યું હતું! કેટલું સુંદર! વાંચ્યા પછી પણ પવિત્રતા આપોઆપ છલકાય અને વધ્યા કરે તેવું અનોખું સાહિત્ય આપણને આપણા વારસામાં મળ્યું છે તેની વારંવાર પૂજા થવી યોગ્ય છે. જન્માષ્ટમીમાં ફક્ત માનવ થઈને જન્મેલો કૃષ્ણ નથી જન્મતો! પરંતુ જન્મે છે પ્રેમને સર્વાધીન એક લાગણી. જન્મે છે આ વસુંધરાનું પુષ્પ કે જેની મહેક અને આપણા હૃદયસ્થ ભાવોનું એક મસમોટું વાદળ. ઉષા હવે ધીરે ધીરે પાંગરતા પુષ્પની જેમ વિસ્તરતી જાય છે. પ્રેમીયુગલ સાથે સાથે બધા જ મંદિરે જાય છે અને આમ પ્રેમની પવિત્રતાને વધુ લાયક બનાવે છે. અને અંતે આવે છે રાત કે જ્યારે કૃષ્ણતત્ત્વનો જન્મ થાય છે અને રસ ખબર બનીને પ્રેમી અને પ્રેમિકા બંને આ પળ ઉજવે છે. આ બધાની વચ્ચે શબ્દો ગૂંથવાની ક્રિયા તથા આખી એ વાતનું વિસ્તરણ કરવાની અનોખી રીત આપણને વારંવાર જોવા મળે છે. શબ્દોનો અખૂટ ભંડાર તથા શબ્દોને પણ પ્રાકૃતિક રીતે કેટલા સહજ વાઘા પહેરાવી શકાય તેની કળા વાર્તાકારમાં આપણને તાદૃશ્ય થાય છે.
શરત્પૂર્ણિમા :
આ વાર્તામાં, ઉષા અને કવિ વચ્ચે એક આત્મિક અને આધ્યાત્મિક સંબંધનું વર્ણન છે, જેમાં કવિ ઉષાના પ્રેમ અને ભક્તિ અનુભવને એક સુંદર, દાર્શનિક દૃષ્ટિથી વ્યક્ત કરે છે. વાર્તાની પૃષ્ઠભૂમિ એક શરદ પૂર્ણિમાની રાત છે, જ્યાં ઉષા ચંદ્રકિરણોમાં અવિરત મોહક છે. તે ન માત્ર ચંદ્રમા જેવું પ્રકાશિત થાય છે, પરંતુ તેના જીવન અને અનુભવો સ્વપ્ન જેવા છે, જેમાં પ્રેમ, ભક્તિ, અને આધ્યાત્મિક અનુભવો ભવ્ય રીતે મીઠા બનીને ઓળખાય છે. કવિ અને ઉષા વચ્ચેની વાતચીત અને મનનો આદર, જ્યાં સ્વપ્ન, કાવ્ય અને અશ્રદ્ધા વચ્ચે એક રાસના અનુભવનો ઉત્પન્ન થાય છે, એ મણકા સાથે સરખાય છે. ગોપી-કૃષ્ણ જેવાં આરાધ્ય પાત્રો અને વિરાટ પ્રત્યેનો ઉત્કંઠા પ્રવાહ, કવિના જીવન અને ભક્તિ અનુભવોને એક અંતર્મનસ્પર્શી દૃષ્ટિથી પારદર્શક કરે છે. વિશિષ્ટ રીતે, આ વાર્તા માનવ મન અને અભિવ્યક્તિની પરિષ્કૃત સંશોધન છે, જેમાં દરેક પળ પરમ બ્રહ્મનું અને અંતરાત્માના સાચા પ્રકાશનું ઉદ્દીપક બનીને હૃદયના ઊંડાણોમાં પ્રવેશ કરે છે.
કૃષ્ણપક્ષ :
આ વાર્તા લેખક વ્યક્તિના આંતરિક સંઘર્ષ અને અનુભવોને રજૂ કરે છે જે પ્રેમ અને વિરહના દુઃખદ ચક્રમાં ફસાયેલો છે. પાત્રના મનમાં અનેક શંકાઓ, દુઃખો અને વિચારોનો ગહન દ્રાવ્ય છે. તે પોતાની આકાંક્ષાઓ, આશાઓ અને નિરાશાઓ વચ્ચે સંઘર્ષ કરે છે, પરંતુ અંતે જીવનના સત્યને શોધવાનો પ્રયાસ કરતો રહે છે. વાર્તામાં, અંધકાર અને પ્રકાશ, નિરાશા અને આશા વચ્ચેનો સંઘર્ષ છે અને આ બધાને આગળ વધતા પાત્ર પોતાને સ્વીકારવા અને ઊજાળાની તરફ આગળ વધવા માટે આગળ વધે છે. કૃષ્ણપક્ષ વાર્તા એ એક વૃથાગત પ્રેમની, વિરહની અને આશાવાદ સામે થતી હારની સ્મૃતિકાવ્યભરી અભિવ્યક્તિ છે – જ્યાં કવિનું હૃદય ઋતુઓની જેમ પરિવર્તન પામતું નથી, પણ એક કાળાં ઢળતા રાત્રિના આંતરિક સંઘર્ષમાં અટવાયેલું રહે છે.
વિદાય :
આ વાર્તા જીવનના મહત્ત્વપૂર્ણ તત્ત્વો જેમ કે સ્નેહ, સંયોગ અને વિયોગનું અન્વેષણ કરે છે. કવિ અને ઉષા વચ્ચે સંલાપ છે, જેમાં સ્નેહના સૃજન અને વિકાસના તફાવતને સમજાવવાનો પ્રયાસ છે. ઉષા કવિને સમજાવે છે કે સંયોગ અને વિયોગ માત્ર ભૌતિક સ્તરે નથી, પરંતુ આ આંતરિક અને આધ્યાત્મિક ભાવનાઓ છે. કવિએ આ વાર્તામાં લગ્ન અને સ્નેહના અર્થને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં મૂક્યો છે, જ્યાં સ્નેહના અખંડિત વહાવ અને નિત્યવિકાસને માપવામાં આવે છે. કવિનું મંતવ્ય છે કે આ કથા ક્યારેય પૂરી નહિ થાય, કારણ કે સ્નેહ અને પ્રેમની અભિવ્યક્તિ સદાય ચાલતી રહે છે. કવિને પોતાની સર્જક તરીકેની મર્યાદાઓનો તેમજ વિશેષતાઓનો ખ્યાલ હતો. નવલિકાનું સ્વરૂપ હજી તે સમયમાં ખીલ્યું ન હતું. નવલિકાની કલાપ્રકાર તરીકેની શક્યતાઓ તે પછી ધૂમકેતુએ સવિશેષ દર્શાવી. પણ માનો કે નવલિકાનો પ્રકાર વધુ ખીલ્યો હોત તો પણ એમની પ્રતિભાને તે અનુરૂપ ન હોત. એમણે પોતે નવલિકાની વધતી જતી લોકપ્રિયતા નિહાળીને ઉત્તરાવસ્થામાં ‘પાંખડીઓ’ નામનો નવલિકા-સંગ્રહ તૈયાર કર્યો. તેમાંથી એક વાર્તા એમણે એક સામયિકના તંત્રીને કર્તા તરીકેનું નામ છૂપાવીને મોકલી પણ તે થોડા દિવસમાં જ સાભાર પરત થઈ. કવિએ પોતે આ એકરાર ‘પાંખડીઓ’ની પ્રસ્તાવનામાં કર્યો છે. એમાં તંત્રીનો જરાયે દોષ નહોતો. કવિમાં નવલિકાની કલામાં જરૂરી એવી કથનકલા અને પ્રસંગ કે પાત્રનું સર્જન નવલિકા જેવા ફલક પર કરવાની શક્તિ નહોતી. કવિશ્રી ન્હાનાલાલે આમ અનેક સાહિત્યપ્રકારો પર કલમ ચલાવી છે એ ખરું, પણ તેમના સમગ્ર સર્જન પર તેમના જે વિશિષ્ટ વ્યક્તિત્વની મુદ્રા અંકિત થયેલી દેખાય છે તે તો કવિની જ છે. ન્હાનાલાલ પ્રકૃતિએ અને સાહિત્યગુણે સર્વત્ર કવિ જ રહે છે.
ખુશ્બુ પ્રકાશભાઈ સામાણી
B. A, M. A (Gold Medalist)
(મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા)
GSET Qualified ૨૦૨૨ UGC Net Qualified ૨૦૨૩
Pursuing Ph.D (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ)
Email : Khushbusamani08@gmail.com
