ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પ્રવીણ ગઢવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાર્તાકાર : પ્રવીણ ગઢવી

પારુલ બારોટ

Pravin Gadhavi.jpg

પ્રવીણ ગઢવી
જન્મતારીખ : ૧૩-૦૫-૧૯૫૧
જન્મસ્થળ અને વતન : મોઢેરા, જિ. મહેસાણા
અભ્યાસ : એમ.એ. (અંગ્રેજી સાહિત્ય)
વ્યવસાય : ભારતીય વહીવટ સેવા (આઈ.એ.એસ. અધિકારી) નિવૃત્ત
સંપર્ક : આસવ લોક, ૪૬૬/૧૨, સેક્ટર-૧, ગાયત્રી મંદિર પાસે,
ગાંધીનગર-૩૮૨૦૦૭
મો. ૯૯૭૮૪૦૫૦૯૭
વાર્તાસંગ્રહો :
૧. સૂરજપંખી (૧૯૭૫)
૨. પ્રતીક્ષા (૧૯૯૫)
૩. અંતરવ્યથા (૧૯૯૬)
૪. મલાકા (૨૦૦૧)
૫. સ્વર્ગ ઉપર મનુષ્ય (૨૦૦૯)
૬. છદ્મરૂપ (૨૦૧૬)
૭. આભડછેટના ઓછાયા (૨૦૧૬)
૮. અસુર સર્ગ (૨૦૨૨)
૯. અસુર સ્કંધ (૨૦૨૨)
૧૦. શૂદ્રપર્વ (૨૦૨૩)

દસ વાર્તાસંગ્રહ, દસ કાવ્યસંગ્રહ અને બીજાં પુસ્તકો મળી કુલ ત્રીસેક જેટલાં પુસ્તકો પ્રગટ કરનાર શ્રી પ્રવીણ ગઢવી સાહિત્યની સાથે સાથે સનદી સેવામાં પણ ભરપૂર પ્રશંસા પામ્યા છે. જુદા જુદા જિલ્લામાં કલેક્ટર તરીકે સેવા બજાવતાં બજાવતાં એમણે સાહિત્ય સેવા કરવામાં જરાય પાછી પાની કરી નથી. તેઓ અદલિત હોવા છતાં જીવનપર્યંત દલિત સાહિત્યને પ્રતિબદ્ધ રહ્યા તે એમની સમભાવની વૃત્તિને પ્રગટ કરે છે. દલિત સાહિત્યના પાયોનિયરમાં તેમની ગણના થાય છે. તેનો અર્થ એ થયો કે તેઓ પ્રારંભથી જ દલિત સાહિત્ય સાથે જોડાયેલા છે.

Suraj Pankhi by Pravin Gadhavi - Book Cover.jpg

પ્રથમ વાર્તાસંગ્રહ ‘સૂરજપંખી’ ૧૯૭૫માં પ્રગટ થયો તે અરસામાં જ તેઓ દલિત સાહિત્ય સાથે જોડાયા. પણ ‘સૂરજનાં પંખી’ની લગભગ તમામ એટલે કે ૧૪ વાર્તાઓ દલિત નથી. અહીં મોટાભાગની વાર્તાઓ સ્ત્રી-પુરુષના વિષયવસ્તુ લેખે લખાઈ છે. કેટલીક વાર્તાઓ કાવ્યગંધી છે. કાવ્યાત્મક ગદ્યને કારણે આવી વાર્તા ઘટનાલોપના નમૂના બની આવી છે. ખાસ કરીને પાત્રોના મનોગતમાં જવાનું લેખકનું વલણ જોઈ શકાશે. શીર્ષક નામી વાર્તા ‘સૂરજનાં પંખી’ લોકકથાના રંગે રંગાયેલી લાગે છે. નાયિકા રાજબાની જીવનયંત્રણા વર્ણવવામાં કાવ્યાત્મક ગદ્યનો કરેલો વિનિયોગ સાર્થક નીવડે છે. ‘લીંબડાનું પાંદડું’ વાર્તામાં દારૂ પીધેલા ધોબીની સ્વગતોક્તિરૂપે તો ‘ફારગતીનું કાગળિયું’ વાર્તામાં પાત્રના બે પરસ્પર વિરોધી ખયાલો પ્રગટ થયા છે. આ સંગ્રહમાં શહેરીજીવન કરતાં ગ્રામજીવનની વાર્તાઓનું પ્રમાણ વિશેષ છે. ‘લીંબડાનું પાંદડું’ કે ‘ફારગતીનું કાગળિયું’ ઉપરાંત ‘બ્રેક અને બળેલું ઝાડ’, ‘એક ભલો માણસ’, ‘કન્યાદાન’, ‘હોવ્વે, મું સું!’, ‘સબ બરાબર’ વગેરે વાર્તાઓમાં ગ્રામપરિવેશની રગેરગથી લેખક પરિચિત હોય તેમ લાગે છે. ગ્રામચેતનાને ઉપસાવતી વખતે માનવજીવનનાં વિવિધરૂપો આ વાર્તાઓમાં લેખક પ્રગટાવી શક્યા છે. ગ્રામજીવનની જેમ જ શહેરી જીવનની બે વાર્તાઓ ‘અ અ અ અ અ’ અને ‘મ કાન્તા અને ને’માં શહેરી પરિવેશ લેખક ઉપસાવી શક્યા છે. રચનારીતિની દૃષ્ટિએ આ બે વાર્તાઓ આધુનિક વાર્તાની પંગતમાં બેસે તેવી બની શકી છે. તનસુખલાલના પાત્રને લક્ષમાં લઈને રચેલી ત્રણ વાર્તાઓ ‘તનસુખલાલની સોનેરી માછલી’, ‘તનસુખલાલનો પ્રેમપત્ર’, અને ‘તનસુખલાલની એક શુભ સવાર’માં સ્ત્રી પરત્વેની અતૃપ્ત એષણાઓને લેખક સુપેરે અભિવ્યક્ત કરી શક્યા છે. આ સંગ્રહમાં સ્ત્રી-પુરુષ સંબંધની વાર્તાઓ મહદ્‌અંશે નિરૂપાઈ છે. પણ સ્ત્રી-પુરુષના સંબંધોમાં રહેલી વિવિધતા આ વાર્તાઓ દ્વારા લેખક સંપડાવી શક્યા છે. ગ્રામજીવન એમનો માનીતો ઇલાકો લાગે છે. જેમ કે શહેરીજીવનની વાર્તાઓમાં ગ્રામજીવનનાં પાત્રોની લાગણીઓ ઊલટસૂલટ પ્રગટ થઈ છે. એટલે લેખક અભિવ્યક્તિની કળા સારી રીતે જાણે છે. લેખકનો પ્રથમ સંગ્રહ હોવા છતાં લેખક આધુનિક, પરંપરાગત અને અનુ-આધુનિક ત્રણે સ્થિત્યંતરોથી પરિચિત હોવાથી એમને કોઈ ચોકઠામાં ગોઠવવા મુશ્કેલ છે. આ સંગ્રહને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. જે આ લેખક માટે પ્રોત્સાહન બની રહ્યું.

Pratiksha by Pravin Gadhavi - Book Cover.jpg

૧૯૭૫થી ઉદ્‌ભવ પામેલા દલિત સાહિત્યમાં શરૂઆતથી જોડાયેલા પ્રવીણ ગઢવીનો ફાળો વિશેષતઃ દલિત કવિતા તરફ રહ્યો. ‘સૂરજપંખી’ સંપૂર્ણ લલિત વાર્તાઓનો સંગ્રહ હતો. છેક ૧૯૯૫માં બીજો સંગ્રહ ‘પ્રતીક્ષા’ પ્રગટ થયો ત્યાં સુધી તેઓ લલિતવાર્તા લખતા રહ્યા. ‘પ્રતીક્ષા’ની અઢાર વાર્તાઓમાંથી મોટાભાગની વાર્તાઓમાં તળપ્રદેશનો અવાજ સંભળાય છે. અહીં બધી વાર્તાઓ એકબીજીની પૂરક લાગે એ તો ગ્રામ પરિવેશને કારણે. પણ બધી વાર્તાઓનો મિજાજ સ્વતંત્રરૂપે પ્રગટ્યો છે. આ અઢાર વાર્તાઓમાંથી નવ (૯) વાર્તાઓમાં આરણ્યકસૃષ્ટિ પ્રગટ થતી જણાય છે. તો બીજી નવ વાર્તાઓમાં નાગરી પરિવેશ છે. આ સંગ્રહનું શીર્ષક ‘પ્રતીક્ષા’ છે. એટલે કોઈને એવું લાગે કે આ સંગ્રહની ‘પ્રતીક્ષા’ વાર્તાને કારણે વાર્તાસંગ્રહનું નામ ‘પ્રતીક્ષા’ હશે. પણ એવું નથી. પ્રત્યેક વાર્તામાં પાત્રો કંઈકને કંઈક પ્રતીક્ષા કરતાં દર્શાવ્યાં છે. આ વાર્તાઓ અનુ-આધુનિક વાર્તાની દેણ છે. ‘અંતરપિયાલો’, ‘જેસલમેર’, ‘પ્રતીક્ષા’ જેવી વાર્તાઓ પ્રથમ દૃષ્ટિએ પરંપરાગત લાગે પરંતુ તેમાં કાંઈક નવું પામ્યાનો અહેસાસ થાય છે. જેનું દર્શન અનુ-આધુનિક છે. લગભગ મોટાભાગની વાર્તાઓમાં લેખકે પોતાની સર્જનશક્તિનો પરિચય તો આપ્યો જ છે. પણ ‘જેસલમેર’ જેવી વાર્તા શ્રી પ્રવીણ ગઢવીને વાર્તાકાર તરીકે સ્થાપી આપે છે. અહીં એક ઉદ્યોગપતિની પત્ની ચિત્રાના ખાલીપાને ઝીણવટપૂર્વક લેખકે અભિવ્યક્ત કર્યું છે. ધંધામાં રચ્યાપચ્યા રહેતા ઉદ્યોગપતિનો સહવાસ ઝંખતી ચિત્રા અતૃપ્ત છે. એનું અન્ય પાત્રો તરફનું ખેંચાણ અભાવમાંથી જન્મ્યું છે. લેખકે તટસ્થપણે વાર્તાનો રસપ્રવાહ જાળવી રાખ્યો છે. ‘જેસલમેર’થી ભિન્ન કથાવસ્તુ ધરાવતી ‘અંતરપિયાલો’ વાર્તા પણ આ સંગ્રહની મહત્ત્વની વાર્તા છે. વાઘરી સોનો વીરડી ખોદવાનું કામ કરે છે. પત્ની ઇચ્છા એને દરરોજ ભાત આપવા આવે છે. ઇચ્છા વીરડીમાંથી સોનો બહાર નીકળે તેની પ્રતીક્ષામાં છે. પણ સોનો તો વીરડી ખોદતાં ભેખડ ધસી પડતાં મૃત્યુ પામ્યો છે. અંતમાં ઇચ્છાની વિરહની વેદના ચિત્રિત કરવામાં લેખકની બલિષ્ઠ સર્જનાત્મકતા ધ્યાન ખેંચે છે. તેવું જ સર્જનાત્મક ગદ્ય ‘પ્રતીક્ષા’ વાર્તાનાં પાત્રો વિશાખા અને સિદ્ધાર્થની ઉક્તિઓમાં પ્રગટ્યું છે. વિશાખાની પ્રતીક્ષા કરતો સિદ્ધાર્થ છેવટે વિશાખાને મનાવી લે છે તે પ્રગટ કરવામાં લેખકે દાખવેલો પુરુષાર્થ સફળ થયો છે.

Antar-vyatha by Pravin Gadhavi - Book Cover.jpg

વીસ વર્ષ સુધી લલિત વાર્તાઓ લખ્યા પછી ૧૯૯૬માં પ્રવીણ ગઢવી એકાએક ૧૬ વાર્તાઓનો સંપૂર્ણ દલિત વાર્તાઓનો સંગ્રહ ‘અંતરવ્યથા’ આપે છે. આ સોળેસોળ વાર્તાઓનો પ્રધાનસૂર વ્યથા, પીડા, અન્યાય, સ્ત્રીઓનું જાતીય શોષણ, અસ્પૃશ્યતા, અસમાનતા છે. આ બધી દલિત સમસ્યાઓ એમણે અલગ અલગ દૃષ્ટિકોણથી બધી વાર્તાઓમાં આકારી છે. ‘મરદ કસુંબલ રંગ ચડે’માં બાબુજી દરબારના અત્યાચારો સામે વિદ્રોહ કરતા દૂદાની બળુકી રેખાઓ ઊપસી છે. ‘સપાટું પહેરવાનું મન’માં અદલિતોની મેલી વૃત્તિઓનો ભોગ ગગી જેવી ભોળી સ્ત્રી બને છે તે નિર્વહણ સરસ રીતે થયું છે. ‘એકલવ્ય’ કે ‘મત્સ્યગંધા’ જેવી વાર્તાઓમાં પૌરાણિક પાત્રો દ્વારા શૂદ્રોને થતી પીડાનો આવિર્ભાવ દર્શાવ્યો છે. ‘જી સાહેબ...’માં દલિતો દ્વારા દલિતોને થતું નુકસાન એક દલિત અધિકારીના પાત્ર દ્વારા લેખકે પ્રગટાવ્યું છે. ‘દરૂપદી’ વાર્તામાં દ્રૌપદીના પાત્રને ધ્યાનમાં રાખી આજની દ્રૌપદીઓને મલિન વૃત્તિઓના માણસો દ્વારા અપાતી પીડા વ્યક્ત થઈ છે. અહીં સ્ત્રીઓના જાતીય શોષણનો મુદ્દો પણ અગ્રેસર થતો જણાય છે. ‘અંતરવ્યથા’ની બધી દલિત વાર્તાઓ કંઈક ને કંઈક એવો સંદેશ આપે છે જે દલિત સાહિત્યની આબોહવા ઊભી કરવા માટે કારગત નીવડ્યો છે.

Malaakaa by Pravin Gadhavi - Book Cover.jpg

‘મલાકા’ નાની નાની સોળ વાર્તાઓનો સંગ્રહ છે. પ્રવીણ ગઢવીની વાર્તા-યાત્રા દ્વારા એક વસ્તુ ખાસ ધ્યાન ખેંચે છે, ને તે છે સ્ત્રી-પુરુષ સંબંધની વૈવિધ્યસભર સૃષ્ટિ. ‘મલાકા’માં પણ આ વિષયવસ્તુને સમય-સંજોગોને આધિન રહીને પ્રત્યક્ષ કર્યા છે. અહીં સમાવેશ થયેલ દલિત-લલિત વાર્તાઓમાં પણ આ જ વલણ અખત્યાર થયેલું જોઈ શકાય છે. કેટલીક વાર્તાઓ ઉદાહરણ લેખે જોઈ શકાય. ‘પ્રતિ ઉત્તર’માં પૈસા પાછળ ઘેલો બનેલો આલોક પૈસા ભૌતિક સુખ મેળવવા પત્નીનો ઉપયોગ કરે છે. છેવટે પૈસા પાછળની આંધળી દોટને કારણે દામ્પત્યજીવન વેડફાઈ જાય છે. ‘અપરિચિતા’ વાર્તામાં ટૂંકી આવકમાં માંડ જીવન વીતાવતા શર્માજી પણ પત્ની વિમલાનો ઉપયોગ કરવા વિચારે છે. માનવજીવનનાં દુઃખદર્દોને કારણે અજુગતી લાગતી હરકતો કૃતિના સહજ નિર્વહણને કારણે અજુગતી લાગતી નથી. શ્રી ગઢવીની આ વિશેષતા પણ છે. ‘ગુણવધૂ’, ‘હાંફ’, ‘ઘઉંની બોરી’ જેવી દલિત વાર્તાઓમાં પણ આજ વલણ નિરૂપણ થયેલું દેખાશે. દલિત હોવાને નાતે, ક્યારેક ગરીબાઈને કારણે તો ક્યારેક દામ્પત્યની વિફળતાને કારણે ઉદ્‌ભવતી સમસ્યાઓ આ વાર્તાઓમાં સઘનતાથી ઊપસી છે. ‘મલાકા’ પછી આઠ વર્ષે પ્રગટ થયેલા વાર્તાસંગ્રહ ‘સ્વર્ગ ઉપર મનુષ્ય’ની ૨૮ વાર્તાઓમાંથી ચાર વાર્તાઓમાં તળપદ પરિવેશ છે. ૧૬ વાર્તાઓ નગરજીવનની છે. તો આઠ વાર્તાઓ દલિત વાર્તાઓ છે. અગાઉ તેઓ તળજીવન અને નગરજીવનનો પૂરતો કસ કાઢી ચૂક્યા છે. એટલે આ બન્ને પરિવેશની વાર્તાઓમાં અગાઉના સંગ્રહની વાર્તાઓની પ્રતિકૃતિ સમી લાગે છે. પરંતુ કથાવસ્તુના નિર્વહણમાં આ લેખકની વિભિન્ન પ્રયુક્તિઓ ધ્યાનાકર્ષક છે. આ સંગ્રહની આઠ દલિત વાર્તાઓ અગાઉના એમના સંગ્રહ ‘અંતરવ્યથા’ની દલિત વાર્તાઓ કરતાં રચનારીતિ અને નિરૂપણની દૃષ્ટિએ ઊણી ઊતરે છે. પણ દલિત કથાવસ્તુનું પુનરાવર્તન ન થાય તે માટે એમણે દાખવેલો દૃષ્ટિકોણ પ્રશસ્ય ગણી શકાય. આ આઠ વાર્તાઓની પ્રતિનિધિ રૂપે ‘મિજાજી’ વાર્તાને લેખી શકાય. ‘મિજાજી’ વાર્તામાં દરબારગઢમાં હવન પ્રસંગે બબુજી દરબારે મગનને ઢોલ વગાડવાનું નિમંત્રણ આપ્યું છે. પણ તે દિવસે મગનને અચાનક બહાર જવાનું થતાં એ પુત્ર રમણને ઢોલ વગાડવા મોકલે છે. ખરી વાર્તા રમણ દરબારગઢમાં ઢોલ વગાડવા જાય છે ત્યાંથી શરૂ થાય છે. અહીં રમણનું સ્વાભિમાન પ્રગટ્યું છે. એ હવનનો પ્રસાદ કે નાસ્તો લેતો નથી. ઢોલ વગાડવા માટે દરબાર તરફથી આપવામાં આવતી ટીપ પણ લેતો નથી. દરબારોની જોહુકમી સામે દલિતોનું જાગેલું આ આત્મસન્માન વાર્તાન્તે નવું રૂપ આપે છે.

Aabhad-chhet-na Ochhaayaa by Pravin Gadhavi - Book Cover.jpg

૨૦૧૬માં એકી સાથે પ્રગટ થયેલા ફક્ત દલિત વાર્તાઓના સંગ્રહો ‘આભડછેટના ઓછાયા’ (૧૮ વાર્તાઓ) અને ‘છદ્મરૂપ’ (૨૬ વાર્તાઓ) પ્રવીણ ગઢવીને શુદ્ધ દલિત વાર્તાકાર તરીકે સ્થાપી આપે છે. આ બન્ને સંગ્રહોની પ્રસ્તાવના જાણીતા દલિત સાહિત્યકાર ચંદુ મહેરિયાએ લખેલી છે. ‘છદ્મરૂપ’ વાર્તાસંગ્રહમાં ચંદુ મહેરિયાએ પ્રવીણભાઈ માટે કરેલાં વિધાન બિલકુલ પાયાદાર અને પ્રવીણ ગઢવીની સર્જનશક્તિને બિરદાવવા માટે યથાયોગ્ય લાગે છે. પ્રવીણ ગઢવી સર્જક તો છે પરંતુ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અભ્યાસી છે. એટલે આ વાર્તાઓ કોરી નવલિકાઓ નથી. પણ દલિત દર્શનથી ભરી ભરી છે. એક જન્મે અદલિત લેખકનાં દલિતજીવન વિશેના આટલાં સાચૂકલાં અને સૂક્ષ્મ નિરીક્ષણો ખરે જ આશ્ચર્ય પમાડે છે. ઢોલીના ઢોલ, યાચકના પ્રકાર અને જ્ઞાતિ અનુસારનું માઇક્રો શ્રમ વિભાજનનું વાર્તાકારનું આલેખન તેમને ‘સવાઈ દલિત’ ઠેરવવા પૂરતું છે. ચંદુભાઈના મત સાથે કોઈપણ સર્જકે સમ્મત થતું જ પડે કેમ કે સંગ્રહની વાર્તાઓ જ એ માટે પૂરતું ઉદાહરણ છે. ‘છદ્મરૂપ’ સંગ્રહ (૨૬ વાર્તાઓ)માં સવર્ણ અને અવર્ણ અને અતિસવર્ણ વચ્ચેની ભેદરેખા દોરવામાં દાખવેલી સર્જકીય કુનેહ આ વાર્તાકારને ‘સવાઈ દલિત’ ઠેરવવા પૂરતી છે. ‘આભડછેટના ઓછાયા’ની ‘ટાઢું પાણી’ વાર્તા જરા સઘનતાથી દલિત વિષયવસ્તુને અભિવ્યક્ત કરે છે. દલિત જાનૈયા પર ચૌધરીઓએ કરેલા હુમલામાં મૃત્યુ પામેલા ગોવિંદભાઈ માસ્તરના હત્યારાને છોડાવવા માટે ચૌધરીએ કેટલી મથામણ અને સમાધાન માટે દલિતોને મનાવી લેવા વગેરે પ્રસંગો પછી નિર્દોષ છૂટ્યા પરથી ચૌધરીનું સામૈયું અને જમણવાર - દલિતો પર કરેલા અત્યાચારોનો સણસણતો જવાબ છે. જાણે બીજી એક વાર્તા ‘એક દલિત શિક્ષિકાની આત્મકથા’માં દલિત નારીની પીડાના ભણકારા વર્તાય. આ સંગ્રહની બધી વાર્તાઓમાં એક અદલિત લેખક પરકાયાપ્રવેશ કરીને દલિત સંવેદન કે દલિતચેતના જગવે તે કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. આ સંગ્રહની ચર્ચા કરતાં તારણરૂપે શ્રી ચંદુ મહિરિયાએ નોંધ્યું છેઃ “ ‘આભડછેટના ઓછાયા’નું આ વાર્તારૂપ ગુજરાતી દલિત વાર્તામાં નવો રંગ લાવશે. આ વાર્તાઓની ન માત્ર સાહિત્યિક સમીક્ષા-ચર્ચા-વિવેચના થાય, તેની સામાજિક-આર્થિક-રાજકીય દૃષ્ટિએ પણ વિવેચના-સમીક્ષા-ચર્ચા થાય તે અપેક્ષિત છે. લેખકે વાર્તાઓમાં ભિન્ન-ભિન્ન ટેક્‌નિકનો ઉપયોગ કર્યો છે. ટૂંકી વાર્તા માટે અનિવાર્ય એવા ચોટદાર અંત અને ચમકૃતિ અહીં છે તો વાર્તા સાથે વિચાર પણ છે. લેખકની ભાષા ઘડાયેલી-મંજાયેલી અને વાચકને આનંદ આપે તેવી છે. સર્જકે ખપમાં લીધેલા સ્વાનુભાવો વાર્તામાં એવા એકરૂપ બનીને ઘૂંટાઈ આવ્યા છે કે વાર્તાઓ આસ્વાદ્ય બની છે.”

Chhadmaroop by Pravin Gadhavi - Book Cover.jpg

શ્રી ચંદુભાઈ સાથે સંમત થતાં કહેવું પડે કે આ સંગ્રહની અઢારે અઢાર વાર્તાઓમાં દલિત સમસ્યાઓ સાચે જ અત્યંત ઘૂંટાઈને પરોવાઈ છે. તેનો ઘટ્ટ પોત સંદર્ભે પણ નોંધપાત્ર કામ થયું છે. આ વાર્તાકાર પાસેથી ૨૦૨૨માં ‘અસુર સર્ગ’ અને ‘અસુર સ્કંધ’ નામના બે વાર્તાસંગ્રહો પૌરાણિકકાળની વાર્તાઓના મળે છે. તો ૨૦૨૩માં ‘શૂદ્રપર્વ’નામનો વેદ, ઉપનિષદ અને મહાભારતની કથાઓનો સંગ્રહ મળે છે. આ ત્રણેય સંગ્રહોની સાંઠ જેટલી પૌરાણિક કથાઓમાં લેખકે અસુરો, સ્ત્રીઓ અને શૂદ્રો સાથે થયેલા અન્યાયોનું નિરૂપણ કર્યું છે. આ બધી પૌરાણિક કથાઓ આપણા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. એમાંય મહાભારત પર આધારિત કેટલીક કથાઓમાં લેખકે નવસર્જન કર્યું છે. ‘અસુર સર્ગ’ અને ‘અસુર સ્કંધ’ની કથાઓમાં મોટાભાગની અસુરોને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી છે. આ કથાઓમાં વાર્તાતત્ત્વ જળવાય કે ન જળવાય તેની ઝાઝી પરવા કર્યા વિના એમાં પ્રધાનસૂર અન્યાયને મૂર્તિમંત કરવા તરફનો છે.

Swarg Upar Manushya by Pravin Gadhavi - Book Cover.jpg

‘સંશયાત્મા’માં ચાર્વાકને બ્રાહ્મણો દ્વારા થતી કર્મકાંડની ક્રિયાઓમાં સંશય જાગે છે. એને જાગતો પ્રત્યેક સંશય અંધશ્રદ્ધામાં રાચતા મનુષ્યોને ચેતવણીરૂપ છે. ‘સત્યની શોધ’માં બે બ્રાહ્મપુત્રો સત્યની શોધ માટે નીકળે છે. ત્યારે એમને આત્મજ્ઞાન લાધે છે કે આત્મા, પરમાત્મા, પરલોક, મોક્ષ, સ્વર્ગ, નરક જેવું કશું જ નથી. મૃત્યુલોક જ સત્ય છે. અહીં ભોગવેલું સુખ જ સાચું સુખ છે. ધ્યાન, સમાધિ, ઉપવાસ, વ્રત એ બધું નિરર્થક છે, વ્યર્થ છે...’ ચાર્વાકના ભોજપત્રોમાં સચવાયેલું આ જ્ઞાન બ્રાહ્મણપુત્ર સિદ્ધાર્થનું આત્મજ્ઞાન બની રહે છે. ‘ભોગ્યા’ વાર્તામાં સ્ત્રીઓને માત્ર ભોગ્યા ગણતા ઋષિઓના અજ્ઞાન પર લેખકે કટાક્ષ કર્યો છે. ઉદ્દાલક ઋષિ દ્વારા સ્ત્રી માત્ર રતિસુખ આપવા માટે જ છે. તેનાં ઉદાહરણો સહિત અપાતું પુત્રને જ્ઞાન કેટલું પોકળ અને વાહિયાત છે. પુત્ર ઋષિનો વિદ્રોહ કરીને સ્ત્રીઓ માત્ર ભોગવવા માટે નથી પણ એ પ્રેમ અને આદરને પાત્ર છે, તે પ્રતિપાદિત કરે છે. પુરાણકાળના ઋષિઓની સ્ત્રી સંદર્ભેની પરંપરાગત લાગણીઓ અને તે સામે પુત્રનો વિરોધ સ્ત્રીઓના પરંપરાગત શોષણ સામે અંગુલિનિર્દેશ કરે છે. ‘દેવી’ વાર્તા અસુર મહિષાસુરની કથા છે. પણ ‘અસ્પૃશ્ય જલ’ પુરાણકથા હોવા છતાં વાર્તા તરીકે નીવડી આવી છે. ભૂખ્યા થયેલા ઋષિ માંસ ખાઈ રહેલા શૂદ્ર પાસેથી માંસ માગીને ખાય છે. પણ શૂદ્રનું જળ પીવાની ના પાડે છે. એમનો તર્ક જુઓ : ‘જેમ બાળક જન્મતાં જ ધર્મ-જાતિ પ્રાપ્ત કરે છે. તેમ કૂંપનું જળ પાણિયારે ચઢતાં જ જાતિ પ્રાપ્ત કરે છે...’ આ હાસ્યાસ્પદ લાગતી ઘટનામાં રહેલો કટાક્ષ આ પુરાણકથાને વાર્તા બનાવે છે. ‘શૂદ્રપર્વ’ની અઢાર વાર્તાઓમાં ‘અસ્પૃશ્ય જલ’, ‘નક્રતુંડાનો ઘોષ’, ‘મત્સ્યગંધા’ અહીં પુનઃ પ્રકાશિત થઈ છે. ‘અસુર સર્ગ’, વેદ, ઉપનિષદ અને પુરાણકાળની કથાઓ છે. ‘અસુર સ્કંધ’, રામાયણ, મહાભારત અને ભાગવતકાળની કથાઓ છે. તો ‘શૂદ્રપર્વ’ પુરા-પૌરાણિકકાળની કથાઓ છે. શૂદ્રોને થતા અન્યાયોમાં લેખકની દૃષ્ટિ કાંઈક નવાં સત્યો શોધવાની તરફેણમાં છે. ‘શંબૂક વધ’ વાર્તામાં રામે શંબૂકનો જે રીતે વધ કર્યો તેમાં જરા નવું સત્ય ઉમેરીને લેખકે વાર્તા નિરૂપી છે. ‘શૂદ્રની પીડા’, ‘શૂદ્ર જામાતા’ જેવી વાર્તાઓમાં મહાભારત કે ઉપનિષદોની કથાઓ નવા અર્થ સંદર્ભે રજૂ થઈ છે. ‘સ્વમાની સુદામા’ આ સંગ્રહમાંની અન્ય વાર્તાઓથી અલગ તરી આવે છે. કૃષ્ણે સુદામાને ગરીબ મિત્ર હોવાને નાતે આપેલ ભેટ સોગાદ વાસ્તવમાં સુદામાને સપનારૂપે મળે છે. ખરેખર તો કૃષ્ણે સુદામાને પાંચ જ ગાયો ભેટ આપી હતી. આ હકીકતમાં રહેલી વક્રતા સાંપ્રત સમયના કૃષ્ણો તરફ આંગળી ચીંધે છે. ‘નક્રતુંડીનો દોષ’ વાર્તામાં ઇન્દ્રપુત્ર જયંત અસુર કન્યાને ભોગવીને તરછોડે છે. પાપીને કાંઈ સજા નહિ, ઊલટાનું કષ્ટ ભોગવવાનું અસુર કન્યાને આવે છે. સાંપ્રત સમયે પણ આવી ઘટનાઓ નાણી-પાણી શકાય. ‘અસ્પૃશ્ય જલ’ અને ‘અમૃત જલ’ શૂદ્રો તરફ દાખવવામાં આવતા ભેદભાવને સ્પષ્ટ કરતી પરસ્પર વિરોધી વલણો પ્રગટ કરે છે. પણ ‘શૂદ્રનો શાપ’ને જરા ઝીણવટપૂર્વક તપાસીએ તો ઘણા સંદર્ભો મળી શકે તેમ છે. ગૌહત્યાને કારણે વશિષ્ઠ ઋષિ દ્વારા શૂદ્રત્વનો શાપ પામેલો ક્ષત્રિય પૃષધ્ર શૂદ્ર હોવાને કારણે જે કષ્ટ ભોગવે છે. તેમાં વાર્તાકારની દીર્ઘદૃષ્ટિનો પરિચય મળે છે. જીવનભર શૂદ્ર રહીને જીવવાનું કષ્ટ સહન ન કરી શકતો પૃષધ્ર હવનમાં હોમાઈ જવાનું પસંદ કરે છે. અહીં વાર્તાકારે શૂદ્રો પર અશૂદ્રો દ્વારા થતી કનડગત અને અનાદર કેટલાં અપમાનજનક અને કષ્ટદાયક હોય છે તેનો પરોક્ષ ઇશારો કર્યો છે. એકંદરે આ ત્રણેય સંગ્રહોની પુરાણકથાઓ ક્યાંક ક્યાંક વાર્તાઓ રૂપે પ્રવીણ ગઢવીને પૌરાણિક વાર્તાઓના કર્તા હોવાનું માન અર્પણ કરે છે. સમગ્રપણે એમના બધા વાર્તાસંગ્રહોનો અભ્યાસ કરતાં પ્રવીણ ગઢવી સારા વાર્તાકાર હોવાની પ્રતીતિ કરાવે છે. દસમાંથી ત્રણેય વાર્તાસંગ્રહો ‘સૂરજપંખી’, ‘પ્રતીક્ષા’ અને ‘મલાકા’ને બાદ કરતાં અન્ય તમામ વાર્તાસંગ્રહોમાં દલિત સમસ્યા શીઘ્રપણે કેન્દ્રબિન્દુમાં રહી શકે છે. આ અર્થમાં એમની નીવડેલી વાર્તાઓને આધારે તેમની દલિત વાર્તાકાર હોવાની મુદ્રાને અવગણી શકાય નહિ. એમને અનુ-આધુનિક કાળના મહત્ત્વના દલિત વાર્તાકાર વિના સંકોચે કહી શકાય.

પારુલ બારોટ
કવિ, વાર્તાકાર, વાર્તાસમીક્ષક, બાળવાર્તાકાર
મો. ૯૪૨૬૮ ૬૩૩૧૧