ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જિજ્ઞા પટેલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
છૂંદણાં : જિજ્ઞા પટેલ

રિદ્ધિ પાઠક

GTVI Image 21 Jigna Patel.png

જિજ્ઞા પટેલ આજના સમયનાં વાર્તાકાર છે. આઠ બહેનોમાં એ સહુથી નાનાં છે. સરકારી શાળામાં શિક્ષિકાની ફરજ બજાવતાં જિજ્ઞાબેન કેશોદનાં રહેવાસી છે. મળતી માહિતી મુજબ એમની પાસેથી બે પુસ્તક મળ્યાં છે, ૧) અન્વીક્ષા અને ૨) છૂંદણાં. વાર્તાસંગ્રહનું શીર્ષક છે છૂંદણાં. ખાસ કરીને ગ્રામજીવન સાથે જોડાયેલી સ્ત્રીઓનાં શરીરનો શૃંગાર એટલે છૂંદણાં. આ શીર્ષક જ જણાવે છે કે મોટા ભાગની વાર્તાઓ ખાસ કરીને નારીજીવનની છબીને, ગ્રામજીવન સાથે જોડાયેલી સ્ત્રીઓનાં વિશ્વને અભિવ્યક્ત કરે છે. આ સંગ્રહમાં મુખ્યત્વે બાર વાર્તાઓ છે. આ સંગ્રહ તેમણે જગતની સઘળી સ્ત્રીઓને અર્પણ કર્યો છે. પ્રથમ વાર્તા છે ‘વાઇળ’. વાઇળનો અર્થ થાય એક લોકવિધિ. જે પુત્ર જન્મને ઉત્સવનું કારક બનાવે છે. પુત્રના જન્મ પછી આવતી હોળીમાં તેની હોલિકાદહન ફરતે ફેરાવિધિ કરવામાં છે. અને એક દીકરી બાળપણથી આ ઉત્સવ જુએ છે, એને ઇચ્છા થાય છે કે આપણા ઘરે આ વિધિ કેમ નહીં? જવાબ મળે છે; કારણ કે તેને ભાઈ નથી, અને એક સમય એવો આવે છે કે દીકરી મોટી થાય છે, લગ્ન થાય છે અને લગ્નના થોડા સમયમાં જ પતિ મૃત્યુ પામે છે, પતિની અંતિમ નિશાની કૂખમાં છે, અને એ પણ દીકરી અવતરે છે, પોતાની મા ભાંગી પડે છે કે દીકરો હોત તો સારું હતું પણ તેને પતિનું વેણ યાદ આવે છે કે દીકરી કે દીકરો આપણે બન્ને સરખાં, અને પછી તે દીકરીને પેટે પાટા બાંધીને ઉછેરે છે અને એની વાઇળ વિધિ કરે છે. પુરુષ સત્તા, મહત્તાનો વિરોધી સૂર અહીં બળકટ બનીને નારીવાદને વાચા આપે છે.

GTVI Image 22 Chhundana.png

બીજી વાર્તા છે ‘કરસન આતો’. ભાંગતાં જતાં ગામડાની આ વાર્તા છે. જેમાં ગામ, ગામની સંસ્કૃતિ, ગામનાં લોકો, રોજગારીના પ્રશ્ન વગેરેનું આલેખન કર્યું છે. કરસન આતા એક એવી વ્યક્તિ છે જેને ગામ આખું કરસન આતા કહે છે. ગામમાં કોઈ એવું સમજદાર વ્યક્તિ હોય કે જે ગામમાં ઊભા થતા પ્રશ્નોનું સમાધાન લાવતા હોય, કરસન આતા એવા વ્યક્તિ છે. વાર્તામાં બે ત્રણ પ્રસંગો આરંભે મુકાયા છે કે જેમાં ધીરે ધીરે ગામ ભાંગી રહ્યું છે ને કરસન આતા પ્રશ્નોનું સમાધાન લાવવા માટે પ્રયત્ન કરે છે, છતાં ગામની પરિસ્થિતિ વધુ વણસતી જાય છે. અને એ જ પરિસ્થિતિ એમના પોતાના ઘરમાં પણ આવે છે, દીકરો વહુ ઘર છોડી શહેર જાય છે અને તે રોકી નથી શકતા. આખા ગ્રામજીવન ઉપર ભરડો લેતું નિરાશાજનક વાતાવરણ અહીં કરસન આતા દ્વારા સમજણ સામે ઊભી થતી લાચારીનું બયાન કરે છે. ત્રીજી વાર્તા છે ‘છૂંદણાં’. જે વાર્તાનું શીર્ષક પણ છે. સૂચક રીતે જ છૂંદણાં શીર્ષક મનોવેદનાનું સૂચક બની રહે છે. અહીં કથક વાલી ડોશી છે જે પોતાનાં ભૂતકાળનાં સ્મરણને વાર્તા સ્વરૂપે પોતાની પૌત્રીને કહે છે. જેમાં છૂંદણાંની પરંપરા એ પોતાની સહનશક્તિ, શરીર ઉપરના અત્યાચારનું પ્રતીક બનીને કઈ રીતે જીવનમાં વણાઈ ગયું, એ વેદનાનું કલાત્મક બયાન જીવનકથા સ્વરૂપે અભિવ્યક્ત કરે છે. વ્યભિચારી, અત્યાચારી પતિથી છૂટીને પિયરમાં બાળકો સાથે આશરો લઈ, મજૂરી કરી સ્વમાનથી જીવન જીવતી વાલી પાછળ, અંધારું ઓઢીને અડધી રાત્રે વાલીની ઓરડીમાં આવતો અત્યાચારી પતિ વાલીનું શારીરિક શોષણ કરે છે ત્યારે છૂંદણાં છુંદાવતી વખતે માએ આપેલી શીખ એને યાદ આવે છે, ‘વાલી, થૈર થઈ જા મારા પેટ’ અને એમ શ્રોતા પૌત્રીના પિતાનો જન્મ થાય છે. આ જીવનકથા પૂરી કરે છે અને વાલી ડોશી પણ જીવનકથા સંકેલી લે છે. ચોથી વાર્તા છે ‘ચોત્રીસ’. આ એક આંકડો શીર્ષક છે જે વેધક રીતે જ વાર્તામાં રહેલી નાયિકાના મરણતોલ જીવનની કીમત છે. મુખ્ય પાત્ર છે દીપક, જે પ્રેમજાળમાં અંધ મધુ ગર્ભવતી થતાં બેફિકરાઈ દેખાડે છે, મધુ આત્મહત્યા કરે છે અને લગ્નની ઉંમર થતાં છોકરી નથી મળતી ત્યારે મહારાષ્ટ્રથી ચોત્રીસ હજારમાં વેચાતી નવી કન્યા લાવી લગ્ન કરે છે. માત્ર શારીરિક ભૂખનો શિકાર બનતી બબ્બે સ્ત્રીઓના ભવિષ્યને બરબાદ કરતા આ પાત્ર દ્વારા સમાજમાં સ્ત્રીઓની સંવેદનાત્મક હિંસાની છબી અહીં આલેખી છે. ‘છવ્વીસ મૂલ’ પણ દાડિયું કરી અભ્યાસ માટે પૈસા ભેગા કરતી નબાપી કેસરની કથા છે, મા ના પાડે છે કે દીકરીને દાડિયું, મજૂરી નથી કરાવવી પણ દીકરી કૉલેજકાળના અભ્યાસમાં વધુ શિક્ષણ માટે મજૂરીએ જોડાય છે, કથક છે દિવલી, કેસરની સખી, જે ભણતી નથી પણ મજૂરીએ જાય છે. એને મજૂરીના બધા અનુભવ છે પણ કેસરને નથી તેથી તે એને શીખવે છે. ખ્યાલ રાખે છે પણ એક વાર તેની ગેરહાજરીમાં ખેતરનો ધણી કેસરની છેડતી કરે છે અને મજૂર સ્ત્રીઓ, કેસરની મા સુદ્ધાં આ ટોળીનો એક ભાગ છે એને બીજી સ્ત્રીઓ સલાહ આપે છે કે લોકો કેસર ઉપર જ આળ નાખશે અને મા અને પુત્રી કેસર અત્યાચાર ભૂલી, પોતાની પ્રથમ કમાણી, છવ્વીસ દિવસનાં મૂલ લઈ એ મજૂરીએથી છૂટાં થાય છે. છઠ્ઠી વાર્તા છે ‘સેઢો’. ગીર પંથકની વાર્તા છે. જ્યાં શેઢો નહીં પણ સેઢો બોલાય છે. એક સેઢાની તકરારમાં એક આખું કુટુંબ વિખેરાય જાય છે, નાનકડાં બાળકો, પત્ની ઘરના મોભીને ગુમાવી બેસે છે ત્યારે પુત્રવધૂની દૃષ્ટિએ સાસુ, સસરા, પતિનો એ કારમો ભૂતકાળ સ્મરણ સ્વરૂપે સામે આવે છે. કારમી મહેનતથી બનાવેલો શેઢો, શેઢા માટે ઊભી થયેલી મિત્ર માની સાચવેલા પાડોશી ખેડુ સાથેની તકરાર, અને મિત્રથી વધુ ગણી જેમને સાચવ્યા એમના દ્વારા જ હત્યા, અને એ કારમું જીવન; આખી કથા અનુક્રમે સાસુ, પતિ અને પોતાની માતા દ્વારા પુત્રવધૂ સાંભળે છે. ત્યારે તેની સાસુના જીવન સાથે તેનું ઉદ્દાત ચરિત્ર વધુ ઘેરું બનીને ઊપસી આવે છે. અને પાછા વળતાં બસમાં જ્યારે એ હત્યારો સામે મળે છે ત્યારે પુત્રવધૂ તેને એક થપાટ મારી પોતાનો એ ઘરની પુત્રવધૂ હોવાનો પરિચય આપે છે. સાતમી વાર્તા છે ‘છોગું’. છોગું એ અહીં પ્રતીકાત્મક રીતે પતિપત્નીના સંબંધનું પ્રતીક બની રહે છે જેમાં જોઈએ તો, કથક છે બઘી, કાપડાની કસનું છોગું તૂટી જાય છે અને સિલાઈ માટે ચેતના પાસે જાય છે. ચેતના અને એનો પતિ બન્ને દરજીકામ કરે છે. છોગાની સિલાઈમાં થોડીવાર બેસવું પડે એમ હોવાથી બઘી ચેતનાના ઘરે રાહ જોતી બેસે છે ત્યાં ચેતનાનો પતિ આવે છે અને ચેતનાને જેમ ફાવે તેમ બોલે છે. ચેતના સામે વળતો જવાબ આપે છે. ડરતી નથી તે જોઈ બઘી અચરજ પામે છે. ચેતનાની જગ્યાએ પોતાને જોતી બઘી પોતાના પતિ દ્વારા પોતાની સાથે થતા અત્યાચાર યાદ કરે છે અને એને પોતાનો સંબંધ, દામ્પત્ય જીવન છોગા સમાન લાગવા માંડે છે કે જે એણે પોતે જ સાંધવાનું છે. એક ઘટના ઘટે છે, બઘીની ભેંસ વાડામાંથી ભાગી જાય છે, પતિને જાણ કરતાં પતિ પત્ની ઉપર હાથ ઉપાડે છે ત્યારે સહન ન કરતાં પત્ની બઘી પતિ ઉપર હાથ ઉપાડે છે અને સામો જવાબ આપે છે કે સારું થયું એક તો ગઈ. અહીં પણ એક સ્ત્રીનું ક્રાંતિકારી વલણ અભિવ્યક્ત થયું છે. આઠમી વાર્તા છે કેન્સર. આ કેન્સર એ માત્ર ઘરના મોભીને થતું કેન્સર જ નથી પરંતુ એક પરિવારને, પરિવારના માહોલને સ્પર્શી ગયેલું કેન્સર છે જેનાથી એક પરિવાર વિભક્ત બને છે. પુરુષસત્તાનો પ્રભાવ કઈ રીતે સ્ત્રી- જીવનને બાનમાં રાખે છે, પતિની ચાકરીમાં અડધી થઈ ગયેલી પત્નીની અવસ્થા અહીં આલેખાઈ છે. જેને કોરી ખાય છે પુરુષસત્તા ભર્યા વલણનું, પતિના સ્વભાવનું કેન્સર. નવમી વાર્તાનું શીર્ષક છે ‘સમાધાન’. અહીં પણ નારીજીવન સાથે થતા અત્યાચાર અને અપનાવાતા સમાધાનના સૂરની વાર્તા છે. જેમાં બે સ્ત્રીઓના મધુર સંબંધને દર્શાવ્યો છે. પડોશમાં રહેતી જયુ આંટીને ઘરે નિયમિત આવતી, થોડા દિવસ આંટીને એટલે કે કથકને બહાર જવાનું હોવાથી એ આંટીના પતિ માટે રસોઈ પણ મૂકી જતી, એક દિવસ એ આંટીના રસોડામાં રસોઈ કરતી હોય છે ને કથક એટલે કે આંટીનો પતિ તેની સાથે અડપલું – દુર્વ્યવહાર કરે છે. ફરિયાદ લઈ જયુનો પરિવાર ઘરે આવે છે, સમાધાન પેટે બે લાખ માગે છે, અપાય છે, એ લોકો ઘર મૂકી બીજે જતાં રહે છે પણ પત્ની ક્યાં જાય? પત્ની, કથકને ઘણું મન થાય છે કે પોતે પણ છોડીને જતી રહે, જાય પણ છે પણ અંતે સમાજના અગ્રણીઓ વડીલો સમાધાન કરાવે છે. ઘીના ઠામમાં ઘી પડી જાય છે. ઘણા સમય પછી બન્ને બજારમાં ભેગાં થઈ જાય છે, પણ ઘટી ગયેલી ઘટના એમની વચ્ચેની મધુરતાને નુકસાન પહોંચાડી શકી હોતી નથી, બન્ને પાણીપુરી ખાય છે, અને જયુ ગળામાં પહેરેલી સોનાની ચેન દેખાડી કહે છે કે આ સમાધાન પેટે મળેલી રકમમાંથી ઘરનાએ કરાવી આપી, તમને તો સમાધાનના પણ નહિ મળ્યા હોય ને? દસમી વાર્તા છે, ‘માધવપુરના મેળે’. જે પ્રણયકથા છે જેમાં માધવરાય-રુક્મિણીના લગ્નપ્રસંગનો પરંપરાગત મેળો ભરાય છે ત્યાં રાજી અને તેજો સૌપ્રથમ વખત મળે છે, લડે છે, અને ફરી ગામની સીમમાં ઢોર ચારવા માટેના ચરાણમાં બન્ને ભેગાં થઈ જાય છે, લડે છે, અને અંતે પ્રણય સંબંધથી જોડાય છે, તેજીનાં અયોગ્ય મૂરતિયા સાથે લગ્ન નક્કી હોય, એને ભગાડીને નાયક લઈ આવે છે, અને બીજે દિવસે નાયિકાના પિતા વગેરે તેને લેવા આવી ચડે છે ત્યારે નાયિકા તેજી પિતાને કહે છે કે, હું અત્યારે પાછી આવું પણ પછી તમારે માધવરાયની જાનમાં ધજા લઈને ન જવું. અને પિતાને કહે છે કે, ભગવાન રુક્મિણીને એટલા માટે જ ઉપાડી લાવ્યા હતા કેમ કે એને એ ગુંડા હારે નહોતું જવું. જો રુક્મિણીએ ખોટું કર્યું હોય તો તમે બધા એને દીકરી ગણી ધજા લઈને શું કામ જાવ છો? ધજાનો રિવાજ બંધ કરો. હું તમારી આગળ થાઉં. આ જવાબ આપી પોતાનો જાગૃત સ્વર એ રજૂ કરે છે. બહુ પ્રસ્તાર પામેલી લાગતી વાર્તા અંતે સબળ અંત થકી નારીચેતનાના સૂરને સુંદર રીતે અભિવ્યક્ત કરે છે. અગિયારમી વાર્તા છે ‘બા’. એક જમાઈ પત્નીની ગેરહાજરીમાં, પત્નીએ પોતાની અંગત ડાયરીમાં નોંધેલી બાની છબી જુએ છે. અને પત્ની જ્યારે ઘરે પાછી ફરે છે ત્યારે પતિની નજરમાં પોતાના અસ્તિત્વને લઈને પાછી ફરે છે. પતિમાં આવતું પરિવર્તન એ તેની ડાયરીમાં તેણે દોરેલી બાની છબી અને બાની છબીના આલેખન દ્વારા દોરાયેલી પોતાની છબી દ્વારા આવે છે. ‘ટ્રેન’ એ આત્મહત્યા કરવા માટે રેલ્વેના પાટા પર ગયેલા યુવકને મળેલી જીવન ભેટ છે. સાવ નજીવા કારણે હતાશ થઈ જતો યુવક જીવન માટે રોજ ઝઝૂમતી સ્ત્રીને જુએ છે ત્યારે તેને જીવનનો અર્થ સમજાય છે પોતાને બચાવનાર ટ્રેનમાં નાચ વગેરે કરી ગુજરાન ચલાવતી સ્ત્રી તેને પોતાની સાથે ટ્રેનમાં લઈ જાય છે અને તેને જીવનનો મર્મ સમજાવે છે, અને એક ટ્રેન તેના જીવનને એક નવો વળાંક આપે છે. આ સંગ્રહની તમામ વાર્તાઓ મોટેભાગે સ્ત્રીજીવનને અભિવ્યક્ત કરે છે નારીચેતનાને અભિવ્યક્ત કરે છે તો ક્યાંક નારીવાદના પડઘા પણ સાંભળવા મળે છે. ગ્રામજીવનને કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તાઓ મુખ્યત્વે ગીર પંથક બાજુના લોકાલને અભિવ્યક્ત કરે છે. જેમાં માલધારી સમાજ, તેની પરંપરાઓ ઘણી ઘણી વાર્તાઓના વિષય બન્યાં છે. શહેરીજીવનને લઈને ‘બા’, ‘સમાધાન’ કે ‘ટ્રેન’ જેવી બે-ત્રણ વાર્તાઓ મળે છે પણ તેમાં પણ અતીતરાગ કે દલિત ચેતના તેમજ નારીચેતના વધુ દૃષ્ટિગોચર થાય છે. ખાસ કરીને કથનકળાની દૃષ્ટિએ વાર્તાને જોઈએ તો પ્રથમ પુરુષમાં કહેવાયેલી વાર્તામાં ગ્રામજીવન અને તેમાં સ્ત્રીકથકોના મુખે કહેવાયેલી વાર્તાઓ વધુ અસરકારક રીતે અભિવ્યક્ત થઈ છે. જેમ કે ‘વાઇળ’, ‘છૂંદણાં’, ‘સેઢો’, ‘છોગું’, ‘છવ્વીસ મૂલ’, ‘સમાધાન’ અને ‘બા’ – આ બધી વાર્તામાં ‘બા’ને બાદ કરતાં બધાં કથકો સ્ત્રીપાત્રો છે, ‘બા’માં પતિ કથક છે એવું પહેલી નજરે લાગે પરંતુ ડાયરી પ્રયુક્તિએ વાર્તા પત્નીના મુખે મોટેભાગે આગળ વધે છે. કેન્દ્રમાં પત્ની અને તેનાં માતા છે તો સમાધાનમાં શહેરીજીવનનું સ્ત્રીપાત્ર છે. આ સિવાયનાં બધાં ગ્રામજીવનનાં સ્ત્રીપાત્રો છે. વિષય આલેખનની દૃષ્ટિએ મોટા ભાગની વાર્તામાં સ્ત્રીજીવન રહ્યું છે. ગ્રામજીવન સાથે આવતી નારીચેતના કે નારીવાદ બળકટ રીતે ભાષા અભિવ્યક્તિને કારણે અસરકારક બન્યો છે. તો ગ્રામજીવન પરિવેશનું આલેખન પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ટૂંકી વાર્તા હોય, ક્યાંક કથાનો પટ એટલો વિશાળ છે કે પ્રસ્તારભય ઊભો થાય, જેમ કે ‘માધવપુરના મેળે’, ‘સેઢો’, ‘છૂંદણાં’. આખા જીવનને અહીં આલેખ્યું હોવાથી આટલો પ્રસ્તાર ચરિત્રકેન્દ્રી બને છે ત્યારે વાર્તાને નબળું નથી પાડતું પરંતુ જ્યારે વર્તમાનમાં કથા ચાલે છે ત્યારે એ પ્રસ્તાર અનાવશ્યક લાગે છે. જેમ કે પ્રણયકથા ‘માધવપુરના મેળે’ પેલી બે વાર્તાને અનુસંધાને થોડી વધુ પ્રસ્તારિત લાગે છે. એકંદરે સ્ત્રીજીવનનાં જુદાં જુદાં ચિત્રો સરસ રીતે અહીં આકારાયાં છે કે જેમાં કઠોર વાસ્તવ સામે કોમળ સંવેદનાની અનેક સરવાણીઓ વિધવિધ રીતે આકારાઈ છે.

રિદ્ધિ પાઠક
શોધછાત્ર
ગુજરાતી ભાષા-સાહિત્યભવન,
ભાવનગર