ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ
હીરેન્દ્ર પંડ્યા
સર્જક પરિચય:
ચિત્રકાર, પક્ષીવિદ, વાર્તાકાર, ડાયરી લેખક જીજ્ઞેશ બ્રહ્મભટ્ટનો જન્મ ૫ મે, ૧૯૭૨ના રોજ અમદાવાદમાં થયો હતો. મહેસાણાનું ભાંડુ ગામ એ તેમનું મૂળ વતન. તેમની માતાનું નામ કાન્તાબેન અને પિતાનું પુરુષોત્તમદાસ. તેમની પત્નીનું નામ શ્રદ્ધા અને પંખી, પરી નામે બે દીકરીઓ. ગુજરાતી વિષય સાથે એમ.એ. કરનાર આ સર્જક વ્યાખ્યાતા પણ રહી ચૂક્યા છે. તેમનું અવસાન ૧૨ ઓક્ટોબર, ૨૦૧૮માં થયું. માત્ર છેતાળીસ વર્ષ અને પાંચ માસનું આયુષ્ય ભોગવનાર આ પ્રતિભાશાળી સર્જક પાસેથી ચાર વાર્તાસંગ્રહો – ‘મહોરાં’ (ઈ.૨૦૦૯), ‘કંઈ પણ બની શકે’ (ઈ.૨૦૧૬), ‘વાંદરાભાઈની ષોડશ વાર્તાઓ’ (ઈ.૨૦૧૭) અને ‘જિગલો’ (ઈ.૨૦૧૯) પ્રાપ્ત થાય છે. તેમના વાર્તા સંગ્રહ ‘કંઈ પણ બની શકે’ને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર (ઈ.૨૦૧૮) એનાયત થયો હતો.
૧. ‘મહોરાં’: (ઈ.૨૦૦૯)
જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ પાસેથી કુલ ચાર વાર્તાસંગ્રહ મળે છે. વાંદરાભાઈના પાત્ર વડે તેઓ માનવમનની અવળચંડાઈ, અચેતનની દમિત વૃત્તિઓ આદિને વાર્તારૂપે આલેખે છે. તેમની આ વિશેષતા પ્રત્યે ધ્યાન દોરતાં ડૉ. સુમન શાહ યોગ્ય જ કહે છે, ‘પંચતંત્ર કે ઈસપની બોધકથાઓમાં પ્રાણીઓને મનુષ્યાનુસારી દર્શાવાયાં છે – માણસના ગુણ –અવગુણને અનુસરે. શિયાળ આપણા જેવું લુચ્ચું હોય. કાગડો આપણા જેવો ફૂલણજી હોય. આ વાંદરાભાઈ કથક જેવા છેઃ કથક જેવા ચિત્રકાર શિલ્પી ખલનાયક વીઆઈપી વગેરે વગેરે. સમજાશે કે સઘળું કથક વિશે જ છે. વધારે એમ પણ સમજાશે કે વાંદરાભાઈ એક નેરેટિવ ડીવાઈસ છે, કથા-જુક્તિ છે, વિશેષ કંઈ નહીં. એટલે લાગી કે આપણે એમને જ એક મહોરું ગણી શકીએ – જે પહેરીને જિજ્ઞેશ આપણી સામે આવ્યા છે... પ્રાણીઓનો વિનિયોગ કરનારી આપણા જમાનાની બોધકથા જરા જુદી પડે, અથવા પડવી જોઈએ. કેમ કે આપણા જમાનાનો વાર્તાકાર પંચતંત્રકાર નથી, કે નીતિ-ઉપદેશના હેતુથી લખે. એ તો એમ સૂચવવા કરે કે માણસ પણ પ્રાણી છેઃ એટલું જ ઘાતક, એટલું જ દયાપાત્ર. કહો કે કરુણાપાત્ર. એટલે એની રચનાસૃષ્ટિમાં પ્રાણીઓ માણસ જેવાં લાગે તેમ માણસો પણ પ્રાણી – સમાં લાગવા જોઈએ. માણસ – પ્રાણી પ્રાણી – માણસ એવા આટાપાટા ચાલે. વ્યંજના એવી સ્ફુરે કે બંને સમકોટીક છે બલકે સંસ્કૃતિ – સભ્યતાનાં કપડાં – વાઘા ઉતારી લેતાં માણસનું દર્શન વધારે વરવું ભાસે છે. જિજ્ઞેશની આ રચનાઓમાં વાંદરાભાઈ નામની કથા – જુક્તિનો એ હદનો પ્રયોગ નથી. વાંદરાભાઈના માણસ-વેડા વધારે છે, કથકના વાંદરવેડા ભાગ્યે જ છે.’ વાર્તાકાર જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની સર્જન પ્રક્રિયાને ખૂબ નજીકથી અને નજાકત સાથે (છતાં તટસ્થતાથી) નીરખનાર તેમની પત્ની શ્રદ્ધાએ પણ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની વાર્તાસર્જન પ્રક્રિયા વિશે મહત્ત્વની વાતો કહી છે. ‘વાંદરાભાઈની ષોડશ વાર્તાઓ’ અને ‘જિગલો’ – આ બે વાર્તાસંગ્રહોમાં શ્રદ્ધા બ્રહ્મભટ્ટનાં વાર્તા વિશેના મંતવ્યો જોવા મળે છે. જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની વાર્તાસૃષ્ટિમાં પ્રવેશ કરવા માટે આ વિચારો અગત્યની ભૂમિકા પૂરી પાડતા હોવાથી તે પણ અહીં નોંધીએ તો અસ્થાને નહીં ગણાય. ‘જિગલો’ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં ચારેય સંગ્રહ વિશે વાત કરતાં શ્રદ્ધા બ્રહ્મભટ્ટ લખે છે, ‘પ્રથમ વાર્તાસંગ્રહ ‘મહોરાં’ જિજ્ઞેશે જાતે જ પ્રગટ કર્યો હતો, જેમાં તેમણે માનવ – મનના ચહેરાઓને સતત બદલાતા અનુભવ્યા અને તેને જ તેમણે વાર્તાઓમાં આલેખ્યા. તેના પછી ‘કંઈ પણ બની શકે’ નામનો સંગ્રહ, જેમાં સમાજને પ્રભાવિત કરતા ઘણા પ્રશ્નોને તેમણે વાર્તાઓમાં આવરી લીધા. ‘જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ વિરચિત વાંદરાભાઈની ષોડશ વાર્તાઓ’માં જિજ્ઞેશે આપણા Alter ego – ની વાત કરી છે. ૨૦૧૮માં પ્રગટ થયેલું પુસ્તક ‘સંવાદ’ પ્રકૃતિ – નિબંધ જેવું લાગે, જે તેમનો પ્રકૃતિ સાથેનો ઘનિષ્ઠ નાતો બતાવે છે. હવે, આ સંગ્રહ ફૅન્ટસી – કપોળકલ્પિત વિષય પર આધારિત છે. જે વાસ્તવિક જીવનમાં શક્ય નથી બનતું તેને કદાચ જિજ્ઞેશે આ ફૅન્ટસી વાર્તાઓમાં શક્ય બનાવ્યું છે. તેઓ કહે છે, “ ફૅન્ટસીમાં જવું મને ગમે છે. અને તે પંખી – પરીના લીધે વધારે શક્ય બન્યું છે.”’ ‘જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ વિરચિત વાંદરાભાઈની ષોડશ વાર્તાઓ’ સંગ્રહમાં શ્રદ્ધા બ્રહ્મભટ્ટ વાર્તાકાર જિજ્ઞેશની તમામ વિશેષતાઓ વિશે સદૃષ્ટાંત વાત કરતો દીર્ઘ અભ્યાસલેખ આપે છે. તેમાં તેઓ લખે છે કે, ‘હા, મને ખૂબ ગમે છે જિજ્ઞેશ, તેમના વાંદરાભાઈ અને આ વાર્તાઓ.આનાથી ઓછું કંઈ જ ના ખપે મને... વાંદરાભાઈ જિજ્ઞેશનું સર્જન છે અને તે દ્વારા તેઓ માણસના મનની કોમ્પ્લેકસીટીને ચીતરવાનો ટ્રાય કરે છે. ચીતરવાનો એટલા માટે કે તેઓ અચ્છા ચિત્રકાર છે. આપણે સાંભળીએ જ છીએ ને કે, ‘મન માંકડુ છે’ વાંદરાભાઈ એ જ તો છે. હું તો એમ જ માનું છું કે વાંદરાભાઈ, જે આપણને વિલન લાગતા હોય છે તે છે આપણા મનમાં રહેલી negativity. સતત માણસનું મન તેની સાથે ચેડાં કરતું આવ્યું છે તે જ તો જિજ્ઞેશના વાંદરાભાઈ છે. બીજી રીતે જોઉં તો લેખકે વાંદરાભાઈને લીધા છે એનું કારણ એ પણ હોઈ શકે કે તેઓ પ્રાણીઓ, પક્ષીઓ, કુદરતનાં તમામ રૂપો સાથે ખૂબ જ લાગણીથી, દીલથી જોડાયેલા છે. કદાચ, આવા પ્રકૃતિપ્રેમને કારણે જ વાંદરાભાઈ સૂઝ્યા હશે તેમને...લેખકે આ વાર્તાઓમાં નાયક અને વાંદરાભાઈ વચ્ચે સંવાદો (વધારે તો વિવાદો કે વિસંવાદો) પણ યોજ્યા છે. એ બંને વચ્ચેનું ઈન્ટરેક્શન કેવું છે તેની વાત કરીએ. મોટાભાગની વાર્તાઓમાં વાંદરાભાઈ નાયકને રસ્તો સૂઝાડતા, પછી ભલે તે ખોટો હોય. (લગભગ તો ખોટો જ હોય) તેમને નકારાત્મક દિશાઓ તરફ દોરી જતા જોવા મળે છે એન પરિણામે ક્યારેક બંને વચ્ચે સંઘર્ષ પણ થાય છે. જેમાં મોટેભાગે વાંદરાભાઈ નાયક પર હાવી થઈ જાય છે. આમ પણ માણસ તેનામાં રહેલી વૃત્તિઓથી સતત હારતો જ આવ્યો છે... એક સારા ચિત્રકાર હોવાના નાતે જિજ્ઞેશને still images અને moving દૃશ્યો ઊભાં કરી શકવાની હથોટી છે. કેટલીક વાર્તાઓ, જેવી કે ‘ભ્રાંતિ’, ‘શોર્ટકટ’, ‘મહોરાં’, ‘મોર, રંગીન પંખીઓ અને મધુમાલતી’ તો આખ્ખે આખ્ખી Short film animation film ની જેમ જ ખડી થાય છે... તેમની મોટાભાગની વાર્તાઓમાં પ્રકૃતિનું તત્ત્વ રહેલું છે... તેમની ‘બેટરચોઇસ’માં તો વળી પાત્રો જ ચિત્રકાર અને બર્ડ વોચર છે. જ્યારે ‘ધૂંધળાશ’ અને ‘શોર્ટકટ’માં તો નર્યું પ્રકૃતિ-નિરૂપણ જ છે. તમને એવું લાગે જાણે તમે જ ટ્રેકીંગ પર નીકળ્યા છો... પ્રણય, દામ્પત્ય, પ્રણયત્રિકોણ, પ્રણયભંગ, લગ્નેતર આકર્ષણ આ બધાં વિષયવસ્તુ કોઈક રીતે જિજ્ઞેશની નબળાઈ છે એવું કહું તો જરાયે અતિશયોક્તિ નહીં કહેવાય. તેમની મોટાભાગની વાર્તાઓના વિષયો આ જ થીમ પર આધારિત હોય છે... ‘મોર, રંગીન પંખીઓ અને મધુમાલતી’માં નાયકની નાયિકા સમક્ષ પોતાના પ્રેમના એકરાર પહેલાંની મૂંઝવણ, તેની સાથે હોવાની કલ્પનાઓ લેખકે દર્શાવી છે. જ્યારે ‘ભ્રાંતિ’માં નાયક-નાયિકાનો પ્રેમ અને પ્રેમ પછીના યાંત્રિક ભાવોની મૂંઝવણ છે. ‘બેટર ચોઈસ’માં પ્રણયભંગ થયેલો ભગ્નહૃદયી પ્રેમી છે, જે નાયિકાની તરછોડાયેલો છે, બીજા વિકલ્પ હોવા છતાં તે પોતાના જૂના પ્રેમની યાદો સાથે જીવવાનું પસંદ કરી તે વિકલ્પને ઠુકરાવી દે છે તેની વાત છે. ‘ઘા’માં નાયક સફળ, સુખી દામ્પત્યજીવન, સુંદર પત્ની, બાળકો સાથે જીવી રહ્યો છે ત્યારે જ પોતાના જૂના પ્રેમને, જૂની સ્મૃતિઓને, જૂની પ્રણયગોષ્ઠિઓને સમાંતરે વાગોળી રહ્યો છે...સમગ્ર રીતે જોતાં, એકંદરે, આ બધી જ વાર્તાઓ ભાવોની-માનવમનની વૃત્તિની જ જણાય. વાર્તાઓમાંથી શંકા, ઈર્ષા, લાલચ, મહત્ત્વાકાંક્ષા, મનોવિકૃતિ ને દંભના ભાવો તેમજ ડર, ભય, સ્રી-લોલુપતા પણ નજરે ચડે છે.’ આ ભૂમિકાના આધારે વાર્તાકાર જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની ચારેય સંગ્રહની વાર્તાઓને સમજવા પ્રયાસ કરીએ. ‘મહોરાં’ સંગ્રહમાં કુલ પાંચ વાર્તાઓ છે. ‘મહોરાં’, ‘ભ્રાંતિ’, ‘સુંદરીલોકમાં’, ‘નગરચર્યા’ અને એક શીર્ષક વિનાની વાર્તા એમ કુલ પાંચ વાર્તાઓ છે. આ પાંચેય વાર્તાઓમાં કથનકેન્દ્ર પ્રથમ પુરુષનું છે. પાંચેય વાર્તાઓમાં વાંદરાભાઈનું પાત્ર જોવા મળે છે. ‘મહોરાં’ વાર્તામાં ચિત્રકાર એવો નાયક પોતાનાથી પણ ઉત્તમ એવા ચિત્રકાર વાંદરાભાઈની ભાવકને વાત કહે છે. બાળપણમાં બાલમંદિર જવાનું નાયકને ગમતું નહોતું. સહેજ બીમાર પડતાં નાયકને એક વિચાર આવે છે અને તેના મનમાં વાંદરાભાઈનું પાત્ર જન્મે છે. વાંદરાભાઈ જેવી નાયકની જરૂરિયાત તેવા ચહેરા ચીતરીને આપે અને તે રીતે નાયક વાંદરાભાઈની કુશળતાથી જીવનમાં આગળ વધતો રહે છે, પ્રગતિ કરતો રહે છે અને બધાંનો માનીતો પણ થઈ જાય છે. મનગમતી સુંદર યુવતી સાથે તે લગ્ન પણ કરે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે, જ્યારે અરીસા સામે ઊભો રહીને નાયક ફોન પર વાત કરતો હોય છે. એ વેળાએ તેની નાનકડી દીકરી નાયકને કહે છે, ‘ડેડી, તમે કેમ બધાની સાથે આવું બધું બોલો છો? સાવ જુદા લાગો છો. મને નથી ગમતું...’ આટલી નાની વાતથી નાયક અસંખ્ય ચહેરાઓ પાછળ છુપાઈ ગયેલા પોતાના સાચા ચએરાને શોધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે મળતો નથી ત્યાં વાર્તા પૂરી થાય છે. ‘ભ્રાંતિ’ વાર્તામાં ઉલ્લાસ અને મીનાક્ષી બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. લવ એટ ફર્સ્ટ સાઈટ – એમ બંને એકબીજાને ચાહવા લાગે છે. મીનાક્ષીમય થયેલો ઉલ્લાસ ખુશખુશાલ થઈને ફરતો રહે છે. એક દિવસે બંને બગીચામાં મળે છે ત્યાં માત્ર ઉલ્લાસને જ દેખાતા વાંદરાભાઈ ‘મારી મીનુ’ કહેતા મીનાક્ષી સાથે વાતોએ વળગે છે. મીનાક્ષી પણ નાયકને ભૂલી જઈને વાંદરાભાઈ સાથે વાતોએ વળગી જાય છે. પછી તો બધે જ વાંદરાભાઈ પીછો કરતાં રહે, મીનાક્ષી સાથેની ઉલ્લાસની એકાંતની પળોમાં પણ વિક્ષેપ કરવા આવી પહોંચે. અકળાયેલો ઉલ્લાસ પ્રેમની અવનવી રીતો ખોળી, મીનાક્ષી સાથે વર્તે. વાંદરાભાઈ હજુ સમજે તે પહેલાં ઉલ્લાસ રીત બદલી નાંખે. વાંદરાભાઈ પણ ઝડપથી નવી રીતો શીખી લે. એકવાર અચાનક ઉલ્લાસને દૂર હડસેલીને વાંદરાભાઈ મીનાક્ષીને ચસચસતાં ચુંબનો કરવા માંડે. વાંદરાભાઈની આ હરકતથી અકળાયેલો ઉલ્લાસ તને દૂર ધક્કો મારીને મીનાક્ષીને ચૂમવા લાગે, અન વાંદરાભાઈના ખિખિયાટા સાંભળીને તે આંખો ઉઘાડે અને જુએ કે મીનાક્ષી તો સામે બાંકડા પર અવાક બેઠી છે અને ઉલ્લાસની હથેળી ખાલી છે ત્યાં વાર્તા પૂરી થાય છે. ‘સુંદરીલોકમાં’ વાર્તામાં કથક સવારે કાંકરિયા તળાવની ફરતે જોગિંગ કરી, થાક ઉતારતો એક બાંકડા પર બેઠો છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. એટલામાં બે સુંદર, કમનીય યુવતીઓ નજર સામેથી પસાર થાય. મસક્યુલર બાઈસેપ્સવાળા વાંદરાભાઈ નાયકને કહે, ‘એ અહીં જોતી હતી મારી તરફ.’ નાયકનો અવિશ્વાસ દૂર કરવા વાંદરાભાઈ યુવતીઓને ભેટે. વાંદરાભાઈ નાયકને સુંદર, આલિશાન મહેલમાં લઈ જાય. જ્યાં અનેક રમણીઓ વાંદરાભાઈને નિરખવા માટે અને તેમની સેવા કરવા માટે આતુર ઊભી હોય છે. વિશ્વમાં બધે જ વાંદરાભાઈ ફેમસ થઈ ગયા છે. વાંદરાભાઈને સેવા આપવા યુવતીઓ સાત દિવસની આકરી કસોટીમાંથી પણ પસાર થાય. વાંદરાભાઈનું આવું જગત, આવો દબદબો જોઈને નાયક અચરજ અનુભવે. વાંદરાભાઈ ઊંઘમાંથી જાગે. મિસ યુનિવર્સ સ્પર્ધામાં જવાનું કહીને નાયકને સાથે લઈ જાય. ફરી પાછા વાંદરાભાઈ નાયકને બાંકડે લાવી મૂકે. પેલી બે સુંદરીઓ ફરીવાર ત્યાંથી પસાર થાય ત્યારે નાયક વાંદરાભાઈની અદાથી જ ક્લીન શેવ પર હાથ ફેરવી, હોઠના ડાબા ખૂણે જીભ ફેરવતા, ભ્રમર વંકાવીને સ્મિત વેરે, પણ પેલી સુંદરીઓ કોઈ પ્રતિસાદ ન આપે. નાયકને થાય છે કે આ બંને પણ કદાચ વાંદરાભાઈની સેવા માટેનો ટેસ્ટ આપવા તો નહીં જતી હોય ને! ત્યાં વાર્તા પૂરી થાય છે. આ ત્રણેય વાર્તાઓને માનસશાસ્ત્રી કાર્લ જુંગની પર્સોના અને શેડોની વિખ્યાત વિચારણાથી તપાસીએ તો, વાર્તાના નવા પરિમાણો ઊઘડે છે. કાર્લ જુંગ શેડોની સમજ આપતા લખે છે, ‘By shadow I mean the ‘negative’ side of the personality, the sum of all those unpleasant qualities we like to hide, together with the insufficiently developed functions and the contents of the personal unconscious.’ આપણી અંદરની‘કાળી’ બાજુ એટલે શેડો. માનવીનું મન બાહ્ય જગતમાં સ્વીકાર્ય ન હોય તેવી લાગણીઓ, ઈચ્છાઓનું અચેતન મનમાં દમન કરે છે. પડછાયાની જેમ શેડો માણસની સાથે ને સાથે જ રહે છે. વાંદરાભાઈ પણ સતત નાયકની સાથે ને સાથે જ રહે છે. શેડોએ એવું આદ્યરૂપ છે જે પ્રાચીન કાળથી વિવિધ દંતકથાઓ, પુરાકથાઓમાં રજૂ થતું રહ્યું છે. સાહિત્ય આદિ કલાઓમાં વિષયવસ્તુ રૂપે શેડો એ ખૂબ પ્રચલિત એવું રૂપ છે. ઘણા સર્જકો અચેતનના ઊંડા સ્તરોમાંથી શેડોને બહાર લાવ્યા છે. જેમ કે, સ્ટીવન્સનની વિખ્યાત નવલકથા ‘ડૉ. જેકીલ એન્ડ મિ. હાઈડ’. શેડો વ્યક્તિગત અને સામૂહિક બંને રૂપે દેખા દે છે. નાયકનો વાંદરાભાઈ સાથેનો સંબંધ આ ભૂમિકાને આધારે સમજીએ તો, બાળપણથી નાયક સાથે વાંદરાભાઈ છે. નાયક બીમાર પડે છે ત્યારે પહેલીવાર વાંદરાભાઈ દેખા દે છે. તેઓ અલગ અલગ મહોરાં બનાવી આપીને નાયકની મદદ કરે છે. માનસશાસ્ત્રમાં ‘પર્સોના’ એક જાણીતી સંજ્ઞા છે. વ્યક્તિએ સમાજમાં, કુટુંબમાં ટકવા માટે, અનુકૂલન સાધવું પડે છે અને તે માટે તેણે પોતાની વૃત્તિઓનું દમન કરવું પડે. એટલું જ નહીં, પોતે સમાજમાં એડજેસ્ટ થઈ શકે તે માટે ‘પર્સોના’ પણ રચવી પડે. જ્યારે આ પર્સોનાનું દબાણ અતિશય વધે, કહો કે, વ્યક્તિએ પર્સોનાને સજ્જડપણે વળગી રહેવું પડે તેમ તેમ તેના અચેતનમાં શેડોનું દબાણ પણ વધવા લાગે. શેડો જ્યારે અત્યંત શક્તિશાળી થઈ જાય ત્યારે વ્યક્તિનું ચેતન મન તેની સામે પરાજિત થાય અને વ્યક્તિના સમગ્ર અસ્તિત્વ પર શેડો પોતાનો કબજો જમાવી લેતો હોય છે. અહીં પણ ‘મહોરાં’ વાર્તામાં આરંભે વાંદરાભાઈ નાયકને એડજેસ્ટ થવામાં મદદ કરવા માટે મહોરું ચીતરી આપે છે. પછી તો, નાયક મહોરાં વડે જ માન, પાન અને જીવનસંગિની પણ મેળવે છે. અર્થાત તેની પત્ની સામે પણ તેનો સાચો ચહેરો તેણે દેખાડ્યો નથી. એ હદે તે મહોરાં સાથે જીવતો રહ્યો છે કે પોતે જ પોતાના ખરા વ્યક્તિત્વને ભૂલી ગયો છે. આમ, અહીં વાંદરાભાઈ શેડોને દર્શાવે છે. તે માત્ર માનવમનની વૃત્તિઓ નથી, પરંતુ માનવીનું દમિત, અંધારિયું એવું અચેતન છે, શેડો છે, જે તક મળતાંવેંત નાયકના સમગ્ર અસ્તિત્વ પર કબજો જમાવી દે છે. ‘ભ્રાંતિ’ વાર્તામાં વાંદરાભાઈ બારમા ધોરણમાં ભણતાં નાયક ઉલ્લાસની નૈસર્ગિક વૃત્તિઓને બહેકાવે છે. ઉલ્લાસનો ક્રમશ: શેડો પરથી કાબૂ જઈ રહ્યો છે. ઉલ્લાસ પોતે જ કહે છે, ‘મારો સાવ કાબૂ જ જતો રહ્યો હતો પરિસ્થિતિ પરથી, વાંદરાભાઈ પરથી, જાત પરથી...હું કંઈ જ જોઈ-જાણી-સમજી શકતો ન હતો. ને કંઈ કરી ન શકતો હોવા છતાં, હું માનતો હતો કે બધું જ હું કરું છું.’(પૃ.૧૧) અહીં ખ્યાલ આવી જાય કે, વાંદરાભાઈ એ નાયકનો શેડો છે. મીનાક્ષીને બળજબરીથી ચૂમી લેવાની પ્રબળતમ વૃત્તિ એ હકીકતે તો નાયકની જ રતિ, કામના છે, પણ તેનો અધિ-અહમ (Super-Ego) તેને એમ કરતાં રોકે એ સ્વાભાવિક છે. આદિમ વૃત્તિઓનું બળ વધે અને નાયક ભાન ગુમાવી બેસે. આમ, ‘ભ્રાંતિ’ શીર્ષક આદિમ વૃત્તિના પ્રાબલ્યને સૂચવે છે. ‘સુંદરીલોકમાં’ વાર્તામાં શેડો નાયક પર પૂર્ણપણે હાવી થઈ જતો જોવા મળે છે. વાંદરાભાઈ પાસે આકર્ષક દેહ, નામના, પ્રસિદ્ધિ બધું જ છે. તેની પાછળ સુંદરીઓ ઘેલી છે. જ્યારે નાયકની સામે સુંદરીઓ જોવાનું પણ ટાળે છે. અહીં નાયકની શાહમૃગ વૃત્તિ જોવા મળે છે. તે વાસ્તવિકતા સ્વીકારી શકતો નથી અને શેડોના દબાણને વશ થઈને પોતાની જાતથી દૂર જતો જાય છે. આમ, વાંદરાભાઈ એ માણસના શેડોને સૂચવે છે તેમ કહીએ તો તેમાં કશી અતિશયોક્તિ નથી.
૨. ‘કંઈ પણ બની શકે’: (ઈ.૨૦૧૬)
આ સંગ્રહ મમ્મી-પપ્પાને અર્પણ કર્યો છે. પ્રથમ સંગ્રહની જેમ આ સંગ્રહમાં પણ વાર્તાની સાથે સર્જકે દોરેલા સ્કેચ જોવા મળે છે. આ સંગ્રહમાં કુલ ઓગણીસ વાર્તાઓ છે. અહીં વાંદરાભાઈ નથી. વાંદરાભાઈ સિવાય પણ આ સર્જક એક વ્યાપક, સંકુલ વાર્તાવિશ્વ રચવામાં કુશળ છે તેની પ્રતીતિ આ સંગ્રહની વાર્તાઓ કરાવે છે. આ સંગ્રહમાં સામાજિક વિષયવસ્તુ ધરાવતી અને ફેન્ટસીના વિનિયોગવાળી એમ બંને પ્રકારની વાર્તાઓ જોવા મળે છે. આ તમામ વાર્તાઓમાંથી પસાર થતાં એક વાત સતત અનુભવાય કે વાર્તાકાર જીવનની એવી સ્થિતિઓને આલેખે છે કે જેના વિશે ભાવક જે વિચારતો હોય એવું ન બનતાં કંઈ બીજું જ, અણકલ્પ્યું બની જાય. જોવા જેવું એ છે કે આ જે બને તે પાછું પ્રતીતિકર રીતે આલેખાયું હોઈ ભાવકને પણ સ્પર્શી જાય. કહો કે, સર્જક જીવનની અનિશ્ચિતતાની, અકલ્પનીયતાની દરેક વાર્તામાં અનુભૂતિ કરાવીને, ભાવકની ચેતનાને વિસ્તારે છે, તેની કલ્પનાશક્તિના સીમાડાને વિસ્તારે છે. એ અર્થમાં આ સંગ્રહ વિશિષ્ટ બની રહે છે. આ સંગ્રહમાં સામાજિક વિષયવસ્તુ ધરાવતી વાર્તાઓની વાત કરીએ તો, જાતિભેદને લીધે નકાર મળતા વર્ષો પછી પણ એકલી જીવતી ‘રંજિશ હી સહી’ની સોનલને અચાનક દિગંત મળે છે. વર્ષો પછીની આ સીધી મુલાકાત અને ત્યારબાદ દિગંત સોનલને તેના ઘરે મળવા જાય એટલા ટૂંકા ભૌતિક સમયના પટ પર, સોનલની સ્મૃતિઓ વડે તેના આખા અતીતને વણી લે છે. અધૂરા પ્રણય સંબંધની આ વાર્તામાં સોનલના વ્યક્તિત્વની રેખાઓ સુંદર રીતે ઊપસી આવી છે. ‘લિસોટા’ માં ત્રણ વર્ષ મોટી મમતા નાયકને ભગાડી જાય, તેની મમ્મીને આઘાત લાગતા તે માંદી પડે, મમતાના પપ્પાને ભાઈ બંનેને શોધી કાઢે, મમતાએ નાયકને છોડીને ઘરે પાછા ફરવું પડે. અને થોડા વર્ષો બાદ અચાનક લગ્ન પ્રસંગે નાયકનો ભેટો થતાં મમતાને ખબર પડે કે નાયકે હજુ લગ્ન કર્યા નથી. મમતા ભીની આંખે તેને પરણી જવાની સલાહ આપે છે. ‘પ્રતિબિંબ’માં જોડિયો ભાઈ પૂજન બધું પોતાનું મનગમતું કરતો રહે અને દીકરી હોવાની ફરજ પૂજા સ્વસુખના ભોગે પૂરી કરતી રહે. દીકરા-દીકરીનો ભેદ અહીં સર્જક કલાત્મક રીતે ઉજાગર કરે છે. ‘વિધાઉટ યુ’માં કાજલ નાયકને લગ્ન બાદના પ્રીતિ સાથેના સંબંધને તોડવા કહે. પ્રીતિ નાયકને છોડીને યુ.એસ.એ. સેટલ થઈ જાય અને બીજી બાજુ કાજલની માફી માંગવા ઇચ્છુક નાયક કહે ના કહે ત્યાં ખબર પડે કે કાજલ પણ દીકરીને લઈને મુંબઈ ચાલી જવાની છે. તે પણ મા-બાપની ઇચ્છાથી સાદગીથી બીજા લગ્ન કરી લેશે. અહીં એક એવા અંતર્મુખી નાયકની વાત થઈ છે જે પોતાની ભૂલ સુધારવામાં મોડો પડે છે અને પત્ની, દીકરીને કાયમ માટે ખોઈ બેસે છે. ‘રિટર્ન-ગિફ્ટ’માં ચાર માળ નીચે રહેતી તનુની બર્થડે પાર્ટીમાં દીકરી અનુને તેના માતા-પિતા જવા દેતાં નથી. મનનને પોતાના બાગકામમાં રસ છે. એને બધું જ પોતાના નિયંત્રણ મુજબનું જોઈએ. ચાહે તે બોંસાઈનો છોડ હોય કે અનુનું ભવિષ્ય. બીજી બાજુ નયના પણ મોટા પગારવાળી નોકરી છોડીને અનુની કરિયર પાછળ પડી છે. એક રવિવારના સવારથી સાંજ સુધીના સમયને સર્જકે આલેખ્યો છે. મીઠું પોપટની જેમ જ ઘરમાં પુરાઈ રહેતી અનુ સંવેદનશીલ ભાવકની આંખ ભીની કરી દે. માર્ક્સમાં અવ્વલ આવવા માટે અનુની નાની નાની લાગણીઓ કચડતા મા-બાપ પોતે સારું જ કરી રહ્યા છે એમ માનતા રહે છે. આ ઉપરાંત કેટલીક ફેન્ટસીવાળી વાર્તાઓ પણ અહીં ધ્યાન ખેંચે છે. ‘સમજાવશો મને?’માં નાયક પોતાના નવમા-દસમાના એક રહસ્યમયી અનુભવની વાત કરે છે. જીતુ અને ટીકાને કાળુજીની વાતે નાયક અને તેનો મિત્ર ચિન્ટુ ડરાવવાના હોય છે. તેઓ લાગ જોઈ વાત શરૂ કરે અને થોડો સમય પસાર થાય કે કાળુજી આવી બંનેને ફંગોળી દે. બેઉ કશું સમજે તે પહેલાં આવું બની જાય. બંને આ ઘટનાના સાક્ષી છે. બીજું હાથ-પગના ઉઝરડાએ માત્ર એક નિશાની એ ઘટના બન્યાની છે. ‘હોલારાણા’માં હોલાના બચ્ચાના જન્મથી માંડી પોતે બાપ બને તેટલો સમય આલેખ્યો છે. પિતાને નજર સામે સમડી ઉપાડી જાય અને પછી પોતે તે જગ્યા લઈ લે. જંગલની સૃષ્ટિનું સર્જકે ફેન્ટસી વડે સુંદર આલેખન કર્યું છે. ‘નદી અને હું’માં વાઈલ્ડ લાઈફ માણવા અને ટ્રેકીંગ કરવાના વિચારે ઉત્સાહથી નીકળેલો નાયક ગાઈડ ન દેખાતા પોતે જ આગળ વધવા લાગે અને નદી વચ્ચે ફસાઈ જાય. એ વેળાએ તેને સ્વજનો દેખાય. મદદ માટે રાહ જોતો રહે. ‘પીછો’માં નાયક ગીર જઈને આવ્યો છે. પાછો આવીને તે પોતાના તાજા અનુભવને આધારે ‘સૃષ્ટિ’ માટે લેખ તૈયાર કરવા લાગી જાય છે. વચ્ચે વચ્ચે શ્રદ્ધા અને પંખી, પરી વાંચવાની જીદ પણ કરતાં રહે. અધૂરો લેખ નાયક વંચાવે ત્યાં તો બારીમાંથી એ જ ગીરની સિંહણ ઊભેલી દેખાય. નાયક આજે પણ કોમ્પ્યુટરમાં એ ફાઇલ ખોલતો નથી. અહીં આપણને ‘ઇન્ક હાર્ટ’ ફિલ્મ યાદ આવે. જેમાં પુસ્તકને વાંચવાથી પાત્રો બહાર આવે અને બહારની વ્યક્તિઓ તેમાં પહોંચી જાય. નાનકડી દીકરી પિતાની સાથે પુસ્તકનાં જગતમાં ફસાઈ ગયેલી માને શોધી કાઢે છે અને બહાર પણ લાવે છે. ‘કંઈ પણ બની શકે’ હોરર થ્રીલર પ્રકારની વાર્તા છે. ‘કંઈ પણ બની શકે’ વાર્તામાં નાયક કોમલની બાગના એક બાંકડે રાહ જોઈ રહ્યો છે. રોજ એમને જોતો એક ફાંદવાળો ટાલિયો દૂરથી હાથ હલાવીને ચાલ્યો જતો હોય છે. તે આજે નાયકને ચેતવણી આપતો હોય તેમ કહે છે, કે કોમલ તો પાંચ દિવસ પહેલાં મંદિર જતાં અકસ્માતમાં મૃત્યુ પામી છે. આ સાંભળીને નાયક તેને જવાબમાં જણાવે છે કે તે આ વાત જાણે છે. ત્યારબાદ નાયક ટાલિયા માણસને એક અવાવરૂ મકાનમાં લઈ જઈ, જૂનો કાટમાળ ઊંચો કરીને, એક લાશ બતાવે છે. એ લાશનો ચહેરો જોઈને ટાલિયા વ્યક્તિને ત્યાં જ હાર્ટ એટેક આવી જાય છે અને તે પણ મૃત્યુ પામે છે. હકીકતમાં નાયક અને કોમલ તે દિવસે ભાગીને લગ્ન કરવાના હતા, પરંતુ ઘરેથી મંદિર જવાનું કહીને નીકળેલી કોમલનો રસ્તામાં અકસ્માત થાય છે અને તેનું મૃત્યુ થાય છે. આ જાણીને નાયક અવાવરુ મકાનમાં જઈને આત્મહત્યા કરી લે છે. આ બંને મૃત્યુ પછી પણ પેલા બગીચામાં, બાંકડે આવીને બેસતાં હોય છે. એ પેલા ટાલિયા માણસને દેખાયા કરે છે. મકાનમાં નાયકની લાશ જોઈને તે સમજી જાય છે કે, તેની સાથે વાત કરી રહેલી વ્યક્તિ ખરેખર તો પ્રેત છે. ભય પામેલો તે ત્યાં જ મૃત્યુ પામે. આ તરફ આજે મોડું થવાનું કારણ કોમલ પૂછે. નાયક હસતો બેસે અને ફરી પેલો મૃત્યુ પામેલો વ્યક્તિ ત્યાંથી પસાર થાય અને આ બંને તરફ હાથ હલાવતો ત્યાંથી ચાલ્યો જાય. ભાવક સમજી જાય કે આ હાથ હલાવનાર વ્યક્તિ પણ ભૂત થઈને ભટકી રહ્યો છે. વાર્તામાં આવતું બગીચાનું, બિલાડીનું રહસ્યમયતા ઘૂંટે તે પ્રકારનું વર્ણન વાર્તાના વિષયને ઉપકારક બન્યું છે. ગુજરાતી નવલિકામાં ઓછો ખેડાયેલો હોરર થ્રીલરનો પ્રકાર સર્જકે આ વાર્તામાં સફળતાપૂર્વક ખેડી બતાવ્યો છે. ‘રંજિશ હી સહી’ વાર્તાનું કથાવસ્તુ આ મુજબ છે. દિગંત અને સોનલ પ્રેમમાં હતા. દિગંતને સોનલની જ્ઞાતિ સામે કોઈ વાંધો નથી, પરંતુ સોનલ દલિત હોઈ દિગંતની મમ્મી આ સંબંધ સ્વીકારવા તૈયાર થતી નથી. તે હોસ્ટેલમાં રહેતી સોનલને તે ફોન કરીને કહી દે છે કે જો તે દિગંતને નહીં છોડે તો પોતે આત્મહત્યા કરી લેશે. આ વાતે સોનલ દિગંતને કશું જ કહ્યા વિના તેનાથી દૂર જતી રહે છે. દિગંત શિવાની સાથે લગ્ન કરે છે. તેને આશના નામે દીકરી પણ છે. બીજીતરફ સોનલ પૂર્વા નામથી ફેસબૂક એકાઉન્ટ બનાવીને શિવાની અને દિગંતની ફેસબૂક ફ્રેન્ડ બની દિગંતના જીવનના સુખદ પ્રસંગોની, સાક્ષી બનતી પોતાની એકલતાને સ્વીકારતી જીવન જીવતી રહે છે. બેંકમાં નોકરી કરતી સોનલને તેની બેંકમાં સાત વર્ષ પછી અચાનક દિગંત જુએ છે અને વાત કરવાની જીદ કરે છે એટલે સોનલ તેને રવિવારે સાંજે ઘરે મળવા આવવા કહે છે. સોનલ દિગંતની રાહ જોતી બેઠી છે એ રવિવારની સવારથી વાર્તા શરૂ થાય છે. સર્વજ્ઞ કથક વડે કહેવાયેલી આ વાર્તામાં કથકની સોનલ પ્રત્યે સહાનુભૂતિ તેની ટિપ્પણીઓ વડે પામી શકાય છે. જો, સોનલને કથક રાખીને વાત કહેવાઈ હોત તો વાર્તા લાગણીવેડામાં સરી જાત. અહીં સર્વજ્ઞ કથક સોનલ પ્રત્યે સહાનુભૂતિ દાખવતો હોવા છતાં દિગંતને કે તેની મમ્મીને દોષી સાબિત કરવાનો પ્રયાસ કરતો નથી. વળી, આ કથક સોનલના ભૂતકાળની વાત કરતી વેળાએ પોતે ખસી જઈને સોનલને તેની સંવેદનાઓ સાથે વ્યક્ત થવા દે છે. કથકનો આવો સંયમિત સૂર વાર્તાના સૂરને જાળવી રાખે છે. સવારથી આતુરતાપૂર્વક દિગંતની રાહ જોઈ રહેલી મહેંદી હસનની ગઝલો સાંભળતી, વરસાદી વાતાવરણમાં વિના વરસાદે તરફડતી, એકલતાથી પીડાતી સોનાલનું ચિત્ર ભાવકચિત્ત પર અમીટ છાપ છોડી જાય છે. મહેંદી હસનની ગઝલોની પંક્તિઓ વડે સોનલના ઊંડા સ્નેહા અને વિરહની ઉત્કટતાનું સંયમિત છતાં બળકટ એવું નિરૂપણ વાર્તાનું જમાપાસું છે. વાર્તામાં ચીબરીના બચ્ચાનો ઉલ્લેખ પણ સૂચક છે. એવો જ વેધક વાર્તાનો અંત છે. વરસાદ ઘેરાઈ રહ્યો છે, દિગંતની સાથેની વાતચીતથી સોનલ પણ જાત પરનો સંયમ ગુમાવી રહી છે. ત્યાં કાન ફાડી નાંખે તેવા વીજળીના કડાકા અને ચીબરીની ચીખ સાથે સભાન થઈ ગયેલી સોનલ તેના ઘૂંટણ પર હાથ ટેકવીને બેઠેલા દિગંતને કહે કે, વરસાદ તૂટી પડે તે પહેલાં તું ચાલ્યો જા. દિગંતના ગયા બાદ તૂટી પડેલા વરસાદમાં ભીંજાતી હીંચકા ખાતી મહેંદી હસનની ગઝલ સાંભળતી સોનલના ચિત્ર સાથે વાર્તા પૂરી થાય છે કોઈ કલાત્મક ફિલ્મના અંતિમ દૃશ્ય જેવું સરસ આ વાર્તાના અંતનું દૃશ્યાત્મક વર્ણન યાદગાર છે. ‘દિગંત સોનલના ઘૂંટણ પર હાથ મૂકીને બોલી રહ્યો હતો. આકાશમાં વીજળીનો જોરદાર ચમકારો થયો. ‘સામને બેઠા થયા વો મેરે ઔર વો મેરા ન થા...’ દિગંતનો અવાજ. અવાજમાંનું દર્દ, હોઠ એના. ભીની આંખો. કડાકો થયો કાન ફાડી નાંખે એવો. ભડકી ગઈ એકદમ સોનલ.બહાર ચીખ ચીબરીની. ઘૂંટણ પરથી દિગંતનો હાથ હટાવતી સોનલ ઊભી થઈ ગઈ. પહેલાં ઘડિયાળ સામે અને પછી બારી બહાર જોતી કહે, ‘ દિગંત, આઇ થિન્ક યુ મસ્ટ ગો નાઉ. વરસાદ તૂટી પડે એમ છે.’ દિગંતના ગયા પછી સાચે જ તૂટી પડ્યો વરસાદ. ચીબરીનું બચ્ચું બખોલમાં ઊંડે ક્યાંક છુપાઈ ગયું હતું. સોનલ ધોધમાર વરસતા વરસાદમાં પલળતી જોર જોરથી હીંચકા ખાતી હતી. વરસાદી સંગીતની સાથે બારીમાંથી મહેંદી હસનની ગઝલના છૂટાછવાયા શબ્દો સંભળાઈ જતા હતા, ‘અબકે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલે, જીસ તરહ સૂખે હુએ ફૂલ કિતાબોં મેં મિલે...’’ (પૃ.૬૮) વરસાદ, ગઝલ અને ચીબરીનો ચિત્કાર અને વીજળીનો ચમકારો – ધ્વનિ અને પ્રકાશનું આ સંયોજન સોનલના આંતરવિશ્વમાં મચેલી ઉથલપાથલને સચોટ રીતે સૂચવે છે. વરસાદમાં પલળતી, હીંચકા ખાતી સોનલના આંસુ પણ વરસાદમાં ક્યાંથી દેખાય! પ્રેમીને બીજીવાર મળ્યા પછી ફરી એકવાર વિખૂટા પડવાની વેદના સહન કરતી સોનલનો ક્લોઝ અપ વાર્તાને અવિસ્મરણીય બનાવે છે. સોનલ જેવી જ બીજી નાયિકા ‘લિસોટા’ વાર્તાની મમતા છે. આ વાર્તામાં પણ અધૂરા પ્રેમનું સંવેદન છે. જો કે, આ વાર્તામાં મમતાની મમ્મી અને તેના કુટુંબીજનોને લીધે પ્રણયસંબંધ અધૂરો રહે છે. વાર્તા નાયક નયનના મુખે કહેવાઈ છે. નયન કથક, પાત્ર અને પ્રતિભાવક એમ ત્રેવડી ભૂમિકા ભજવે છે. મિત્ર મયંકની બહેનના લગ્નમાં નયન પહોંચ્યો હોય છે, ત્યાં પતિ અને બાળક સાથે આવેલી મમતા સાથે બે – અઢી વર્ષે તેની મુલાકાત થાય છે. મમતા મળીને તેને લગ્ન કરી સેટલ થવા વીનવે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. મમતા અને નયન એક જ જ્ઞાતિના છે પણ મમતા નયન કરતાં ત્રણ વર્ષ મોટી છે. આખી વાર્તા કહેવાઈ છે નયનના મુખે પણ તેના કેન્દ્રમાં તો મમતા છે, મમતાનો નયન પરનો અધિકારભાવ છે, ઉત્કટ પ્રેમ છે, મમત્વ છે. કહો કે, નયનની ચેતના પર મમતા છવાયેલી છે. આ મમતા છે પણ એવી. તોફાની, ધાર્યું કરનારી અને નયન પાસે કાયમ ધાર્યું કરાવનારી. લગ્નમાં મમતા આવી છે એટલું જાણવા માત્રથી નયનની આંખ તેને શોધવા લાગે છે અને તેનું મન મમતાની સ્મૃતિઓમાં ખોવાઈ જાય છે. વાર્તાનો આરંભ જુઓ. ‘ઝડપથી જમવાનું પતાવીને હું પાછો જવા નીકળી જ રહ્યો હતો, ત્યાં સામેથી મયંક દોડતો આવ્યો. દૂરની ખુરશીઓ તરફ નજર કરતો કહે, ‘ મમતા આવી છે, જોઈ?’ એકદમ કંઈ બોલવાનું ન સૂઝતાં, હું ડઘાઈને ઊભો રહી ગયો. આંખ સામે મમતાનો ચહેરો. મોટ્ટી, કાળી, પ્રભાવક આંખો. સહેજ જાડા અને સ્પષ્ટ વળાંકોવાળા હોઠ. ‘હમણાં જ આટલામાં મેં જોઈ.’ સામેની બાજુ આંગળી ચીંધતો મયંક બોલી રહ્યો હતો. ઉતાવળમાં હતો... હું એણે ચીંધેલી દિશામાં જોતો, મમતાને શોધતો આગળ વધ્યો.’ ( પૃ.૪૯) આરંભ વાંચતાં જ ખ્યાલ આવી જાય કે નયન મમતાને ભૂલી શક્યો નથી. જ્યારે પણ મમતા સામે આવતી ત્યારે કથક ડઘાઈ જતો. મમતાનો પોતાના પરનો હક નાયકને અંદરથી ગમે છે. ‘અમે આજુબાજુમાં રહેતાં. નાનપણથી. સાથે જ ભણતાં, સાથે જ રમતાં. એક જ કાસ્ટને એક જ ગામ; એટલે ફેમિલી – રિલેશન પહેલેથી. જોકે, મમતા મારાથી ત્રણ વર્ષ મોટી. પાછી, અલ્લડ અને તોફાની. ધાર્યું કરનારી ને કરાવનારી. લીધી વાત ન મૂકે. આમ અમે બંને ઘણાં ક્લોઝ – સાથે ને સાથે હોઈએ – સાચવે ય ખરી મને; પણ એ કહે એ કરવાનું. મને ય ફાવી ગયેલું; એ કહે પછી કંઈ વિચારવાનું જ નહીં.’ (પૃ.૪૯) શાળા સમયના પ્રસંગો નાયક યાદ કરે છે. મમતા હકથી, નાયકનો હાથ પકડીને પોતાનું ધાર્યું કરાવતી. એક વાર બાળપણમાં નાયકે તેની કોઈ વાત નહોતી માની તો મમતાએ તેને ભૂતની કથાઓ કહીને, ડરાવી, બંને હાથ પકડી લઈને બાથરૂમમાં પૂરી દીધો હતો. તે નાયકની ચિંતા પણ એટલી જ કરતી. ‘સ્કૂલમાં સાથે હતાં ત્યાં લગી પોતાને દીદી કહેવડાવતી; અધિકારપૂર્વક. હું ત્યારે ચોથામાં ને એ સાતમામાં. ધ્યાન પણ એટલું જ રાખે. રિસેસમાં આવીને અચૂક મળી જાય. કોઈ હેરાન તો નથી કરતું ને; પૂછી જાય. શરત એટલી જ કે એ કહે એ જ પ્રમાણે ડગલુંય ભરવાનું. યાદ છે મને, એક વાર એણે કંઈક કહ્યું ને મેં જીદે ચઢીને ના પાડ્યા કરી. સ્કૂલમાં. રિસેસમાં. ત્યારે તો ડોળા કાઢીને કતરાતી જતી રહી પણ ઘરે આવીને બરોબર બદલો લીધો. પહેલાં તો ભૂતની વાતો કરીને ખૂબ ડરાવ્યો અને પછી, હાથ પકડી બાથરૂમ પાસે તાની ગઈ. બંને કાંડા એક હાથમાં જકડીને બીજા હાથની આંગળી લાંબી કરતી ડોળા કાઢીને ધમકાવવા લાગી, ‘પૂરી દઉં છું બાથરૂમમાં. બોલ, મને ના પાડીશ કોઈ દિવસ? બોલીશ સામું?’ હું કગરી પડેલો. પણ ગુસ્સો જ એનો એવો કે, ધકેલી દીધો બાથરૂમમાં અને બહારથી બંધ કરી દીધું. હું બીકનો માર્યો અંદરથી ચીસો પાડું. પણ બહાર મમતા હોય તો સાંભળે ને? રીતસર જતી જ રહેલી.’ (પૃ.૪૯-૫૦) એ જ રીતે મમતા નાયક સામે પ્રેમનો એકરાર કરે છે તે પ્રસંગ પણ અગત્યનો છે. અમેરિકાથી મમતાને છોકરો જોવા આવ્યો છે. અત્યાર સુધી કોઈક ને કોઈક રીતે છોકરાઓમાં ખામી કાઢીને પરણવાની ના પાડ્યા કરતી મમતા આ વખતે ના પાડી શકે તેમ નથી. નાયક એમ.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. નાયક પણ તેને પૂછે છે કે બધી રીતે છોકરો સારો છે તો વાંધો શું છે? જવાબમાં મમતા શું કરે છે, જુઓ. ‘જવાબ આપવાના બદલે એ ઊંડો શ્વાસ લઈ, આંખો મીંચી, થોડીવાર કંઈક વિચારતી રહેલી. પછી આંખ ઉઘાડી મારો હાથ સખ્તાઈથી ઝાલી મને એક ખૂણામાં ખેંચી ગયેલી, કંઈ કહું – વિચારું એ પહેલા મારા વાળ પકડી, પાસે ખેંચી, એણે મારા હોઠ ચૂમી લીધેલા. ચૂમતી રહેલી થોડીવાર આવેશપૂર્વક. અને પછી બેધડક પ્રેમનો એકરાર કરેલો. મારો હાથ પકડી કહે, ‘આઈ નો યુ લવ મી ટુ.’ ... રાત આખી જાગતો રહેલો. વર્ષો જૂનો કોઈ કોયડો ઊકલી ગયો હોય તેવી નિરાંત થયેલી.’ ( પૃ.૫૧) સાથે ભાગી ગયેલા નયન અને મમતાને તેના ભાઈઓ અને પપ્પા શોધી કાઢે છે ત્યારે પણ મમતા નાયકની આગળ ઢાલની જેમ ઊભી થઈ જાય છે. નાયકને આશા હોય છે કે મમતાના કુટુંબીજનોને મનાવી લેવાશે, પણ એની આશા ઠગારી નીવડે છે. શિમલાથી પાછા આવ્યા બાદ મમતાનો પરિવાર કોલકાતા જતો રહે છે અને થોડા સમય પછી નાયકને મમતાની માતાનું અવસાન અને મમતાના લગ્નના સમાચાર એકસાથે મળે છે. વાર્તાના અંતે એવા જ અધિકારથી મમતા નાયકનો હાથ પકડે છે, પણ એની આંખોમાં આજીજી, વિનવણીનો ભાવ છે. એક સમયની ધાર્યું કરનારી મમતાને આવી ભીની આંખે વિનંતી કરતી જોઈ ભાવકને પેલી અલ્લડ મમતા ને તેનો નાયક પરનો પ્રભાવ યાદ આવી જાય. ‘હાથ પકડી મને એક તરફ ખેંચી ગઈ. ‘તું લગ્ન કેમ કરતો નથી?’ સીધો સવાલ કર્યો. આમતેમ જોઈ લીધું. મારા હાથ પરની પકડ વધુ મજબૂત થઈ. એના દીકરાના માથે હાથ મૂકતાં મેં પૂછ્યું, ‘મન રાખ્યું છે નામ?’ છંછેડાઈ ગયેલી. ઝટકાથી જરા આઘી જતી ડોળા કાઢીને બોલેલી, ‘જવાબ આપ સીધી રીતે, બહુ મોટો થઈ ગયો છે તું કેમ?’ લાલ – લીલી લાઈટો એના ચહેરા પર પડતી રહેલી. એની મોટ્ટી આંખોમાં લાલ – લીલાં પ્રતિબિંબ... ઝંઝોળી નાખેલો મારો હાથ, પછી એની પકડ ઢીલી થઈ હતી. ‘બોલ, માનીશ કે નહીં મારી વાત?’ અવાજ ફાટી ગયો હતો. રડી પડેલી. બે ગાલ પર લાલ – લીલા લિસોટા. મારા ગાલ પરથી કાન પર થઈ માથા પર એનો હાથ સરકી આવેલો. મુઠ્ઠીમાં વાળ જકડતી બોલેલી, ‘ પ્લીઝ, કરી લેજે લગ્ન. નહીં તો હું મને ક્યારેય માફ નહીં કરી શકું.’ પછી, અવળી ફરીને ઝડપથી ચાલવા લાગેલી. પાલવ વડે ચહેરો લૂછતી, એના દીકરાને સરખો તેડતી મમતા સડસડાટ મંડપના ગેટમાં પ્રવેશી અને દેખાતી બંધ થઈ પછી ય ક્યાંય સુધી એ અંધારા ખૂણામાં ઊભો રહી હું રોશનીના લાલ – પીળા રંગોને ચમકતા – બુઝાતા જોતો રહ્યો.’ (પૃ.૫૨) વાર્તાના આરંભે નાયક પાસે ધાર્યું કરાવતી, અધિકારથી તેને ધમકાવતી મમતા અને અંતે નાયકને ભીની આંખે વિનંતી કરતી મમતા – આ બંનેની સન્નિધિ વડે વાર્તા દૃઢ બંધ ધારણ કરે છે. સતત નાયકની ચિંતા કરતી પોતાના કારણે નાયકનું જીવન વિખેરાઈ ગયું છે, એવો અપરાધભાવ અનુભવતી મમતાનું નાયકની આંખે રજૂ થયેલું ચિત્ર યાદગાર બન્યું છે. ‘એક વાર્તા’ માં પણ કથન કેન્દ્ર પ્રથમ પુરુષનું છે. કથક વાર્તાકાર છે. વાર્તા – પઠનના કાર્યક્રમમાં વાર્તાનું વાંચન કરવાનું છે, તેના આગળના દિવસ સુધી તે વાર્તા લખી શક્યો નથી. કથક પત્ની રચના સાથે કૉલેજમાં સાથે ભણતી કૃતિ અને તેના પતિ સાથે ગરબા મહોત્સવમાં ભાગ લેવા જઈ રહ્યો છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. આ ગરબાનું આયોજન તેમની સાથે કૉલેજમાં ભણતા, તેમના સિનિયર મુકેશે કર્યું છે અને કૉલેજમાં સાથે ભણતાં બધાં મિત્રોને બોલાવ્યા છે. કથક અને તેની પત્નીને કોઈ સંતાન નથી, જ્યારે કૃતિને એક પાંચ વર્ષનો દીકરો તથા પતિની આગળની પત્નીથી થયેલી કૉલેજના બીજા વર્ષમાં ભણતી દીકરી સ્વીટી છે. વાર્તા કેવી રીતે લખાશેની ગડમથલ કરતો કથક કૃતિ સાથે વાતો કરતો જાય અને આસપાસના લોકોને જોતો જાય. ઉત્સાહી અને બહિર્મુખી કૃતિની વાતો ખૂટતી નથી. કથકની અતડા સ્વભાવની પત્ની રચનાને પણ સ્વીટી સાથે ફાવવા માંડે છે. એક તરફ બધાં મ્યુઝીકના તાલે મસ્ત થઈને, ગરબા ગાવામાં મશગુલ છે, બીજી તરફ કથક બેઠો બેઠો તેમને જોતો જોતો વાર્તાનો વિષય શોધી રહ્યો છે. ગરબા રમતી કૃતિ વચ્ચે વચ્ચે દોડીને કથક પાસે આવી જાય અને નવા ચહેરાઓ વિશે ટિપ્પણીઓ કરતી વળી ગરબા રમવા દોડી જાય. આ ખુશમિજાજ માહોલમાં અચાનક બોમ્બ બ્લાસ્ટ થાય છે અને ક્ષણવાર પહેલાનો આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ ને ઉમંગનો માહોલ ચીસો, ઉદાસી, પીડા ને ભયમાં પલટાઈ જાય છે. તેમાં કૃતિ અને સ્વીટી બંને મૃત્યુ પામે છે. કૃતિનો નાનો દીકરો રચનાને વળગીને રડી રહ્યો છે. સ્વીટીના મૃતદેહને જોઈને તેના પપ્પા પાગલની જેમ રાડો પાડવા માંડે છે. આ દૃશ્ય જોઈ આઘાત પામેલો કથક એ ક્ષણની તેના મનમાં કંડારાઈ રહેલી વાર્તા ક્યારેય લખી શકતો નથી. વાર્તાના અંતે વાર્તાકાર કથક ભાવકને પૂછી બેસે છે, ‘વાર્તાઓમાં આમ તો, અમે લેખકો અણધાર્યા આંચકા આપી દેતા હોઈએ છીએ. પણ આ આંચકાથી તો હું પોતે જ હેબતાઈ ગયેલો. તે રાત્રે વાર્તા લખવાનો કે બીજા દિવસના પઠનનો તો સવાલ જ ન હતો પણ એ વાર્તા પછી પણ ક્યારેય મારાથી લખાઈ નહીં-આજ સુધી નહીં...તમે તો જાણો છો, માટે માટે વાર્તા એ જ જીવન ને જીવન એ જ વાર્તા છે. શા માટે મારી નરી નિર્દોષ વાર્તાનું આમ ગળું ટૂંપી દેવાયું, હેં, કહેશો મને કોઈ?’ ( પૃ.૧૧) વાર્તાના આરંભે ઉત્સાહથી આભાર એવી કૃતિ, આંખોમાં ચમક સાથે જીવનને ભરપૂર જિજ્ઞાસાથી જોતી સ્વીટી અને સ્વીટીને હેતથી જોતી કથકની પત્ની રચના – આ બધાંને રસપૂર્વક નિહાળતો, વાર્તા રચવા મથતો નાયક બોમ્બ બ્લાસ્ટ બાદ સ્નેહીજનોના મૃતદેહ અને તે પણ ચીંથરા ઉડી ગયા હોય તેવા, જોઈને આઘાત અનુભવે. જીવનની ક્ષણભંગુરતાની અનુભૂતિ કરાવતી આ વાર્તા આંચકાજનક અંતના લીધે યાદ રહી જાય છે. ‘રમત’ એ સંગ્રહની અંતિમ વાર્તા છે. આ વાર્તા વાર્તા સર્જનપ્રક્રિયા, જીવનનું વાસ્તવ અને વાર્તાનું વાસ્તવ, વાસ્તવ અને કલ્પનાનો સંબંધ, વાર્તાકારની વાર્તા વિશેની વિચારણા – જેવાં મુદ્દાઓને સ્પર્શે છે. ગુજરાતીમાં આ પ્રકારના વિષયવસ્તુવાળી વાર્તાઓ - ‘કંટ્રોલ + ડિલીટ’ (ઉત્તમ ગડા), ‘સ્વપ્ન-દુ:સ્વપ્ન’ (જયેશ ભોગાયતા), ‘શીર્ષક હજુ નક્કી નથી’ (મહેન્દ્રસિંહ પરમાર), ‘વાર્તા @ વાતનગર’ (વિજય સોની), અને ‘આ લે, વાર્તા!’ (ગુણવંત વ્યાસ) – જેવી વાર્તાઓ તરત યાદ આવે. ‘રમત’ વાર્તામાં સંગ્રહની તમામ અઢાર વાર્તાઓના પાત્રો એક સાથે જોવા મળે છે. વળી, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ પોતે પણ એક પાત્ર તરીકે આવે છે. તેમનો અંગત મિત્ર અજિત પણ ત્યાં જોવા મળે છે. વાર્તાકારનો નવો વાર્તાસંગ્રહ‘કંઈ પણ બની શકે’ પ્રગટ થવાનો છે ત્યારે વાર્તાકાર જે જે વાસ્તવિક વ્યક્તિઓના જીવન પ્રસંગોમાંથી વાર્તા લખવાની પ્રેરણા મળી હતી તે તે તમામ વ્યક્તિઓને પોતાની વાર્તાનું ફાઈનલ પ્રૂફ આપી આવે છે. એટલું જ નહીં, જે જે વ્યક્તિ પરથી જે વાર્તા સ્ફુરી હતી તે વાર્તા પર નિશાની કરીને જે તે વ્યક્તિને આપીને આવે છે. સાથે પોતાના ઘરે શનિવારે નાનકડી પાર્ટી રાખી છે તેમાં આ સૌ આવે અને તેમની વાર્તાઓ વાંચીને જરૂરી સૂચનો પણ આપે એવું ભારપૂર્વક વાર્તાકાર આમંત્રણ પણ આપે છે. ‘બસ, પછી તો નક્કી કર્યું કે એક નાનકડી પાર્ટી જેવુ કરવું અને બધાંને બોલાવવાં. બનાવ્યું લિસ્ટ અને શક્ય તેટલાંને પર્સનલી મળીને ફાઈનલ પ્રૂફની નકલો આપી આવ્યો. આગળ અનુક્રમણિકામાં લાલ પેનથી નિશાની કરીને બતાવ્યું બધાંને, કે આ તમારી વાર્તા છે, એ ખાસ વાંચજો અને એ વિશે કંઈ પણ કહેવાનું હોય, કંઈ સૂચન હોય તો આવતા શનિવારે આપણે મળીએ છીએ, સાંજે પાંચ વાગ્યે, ત્યારે મને બધી વાત કરજો.’ (પૃ.૧૨૪) અજિત આવીને વાર્તાકારને સવાલો પૂછતો જાય. વાર્તાકાર તેના જવાબો આપતો જાય. બીજી તરફ પાર્ટીમાં આવેલા ઘણાં વ્યક્તિઓ વાર્તાકારને કહે કે, આવું આવું પોતાના વિશે લખવાની જરૂર નહોતી. રમણલાલ જેવાં વ્યક્તિ તો વાર્તા જ કાઢી નાંખવાનું કહે. પૂજા જેવી કોઈ વ્યક્તિને વાર્તા ખૂબ ગમે. અંતે નારાજ થયેલાં વ્યક્તિઓને સર્જક જિજ્ઞેશની પત્ની શ્રદ્ધા સમજાવે કે વાર્તામાં નામ બદલી નાંખશે એટલે કોઈને ખબર નહીં પડે કે આ કોની વાત કરી છે. રમણલાલ જેવા એકાદને બાદ કરતાં અન્ય આ સૂચન સ્વીકારી લે. જો કે, શ્રદ્ધા જિજ્ઞેશને કહે કે, મારું અને દીકરીઓનું નામ વાર્તામાં બદલતાં નહીં. અહીં યાદ એ રાખવાનું છે કે, વાર્તાકથક જિજ્ઞેશ અને વાર્તાકાર જિજ્ઞેશ એ બંને જુદા છે. બીજું કે, વાર્તાના અન્ય પાત્રો અને તેમની બીજી વાર્તામાં આવતાં આ જ નામ ધરાવતા પાત્રો પણ જુદા છે. કથક પણ વાર્તાકાર છે. વળી, સર્જક અને તેનું નામ એકસમાન છે. ભાવકે યાદ રાખવાનું છે કે આ સર્જકની એક સભાન પ્રયુક્તિ છે. ઈન્ટરવ્યૂવાળો અંશ પણ અગત્યનો છે. તેમાં આવતાં કથક જિજ્ઞેશના આ સંવાદો જોવા જેવા છે. ‘મેં સામેના ઝાડ સામે, કોયલનાં બચ્ચાંના મોઢામાં ઠાંસી ઠાંસીને ખાવાનું ભરતા કાગડા સામે જોતાં ઉમેર્યું: ‘જો, અમારે વાર્તાકારોનેય આવું જ હોય: કોઈકનું ઈંડું સેવવાનું, એને ઉછેરવાનું, અને પાંખો આવે એટલે ઉડાડી મૂકવાનું! કોઈના જીવનની ઘટના, કોઈ પ્રસંગ કે કંઈ પણ ગમી ગયું, લીધું અને વાર્તામાં રૂપાંતરિત કર્યું. બસ, પછી છૂટું મૂકી દીધું.’ (પૃ.૧૨૫) ‘એક બીજું જોરદાર સિક્રેટ કહી દઉં તને, કે એ બધાંની ચિંતા છોડ, તું પણ રિયલમાં નથી મારી સામે! અત્યારે આપણે બંને, હું અને તું, મારાં પાત્રો જ છીએ! આપણી વચ્ચે થઈ રહ્યું છે, એ બધું મારા સર્જનનો ભાગ જ છે! આમ તો બધું બધું છે છતાં.’ (પૃ.૧૨૮) ‘કલ્પનાશીલતા અને સર્જકતા મારે મન વધારે મોટી વસ્તુ છે. મને ફેન્ટસીમાં કામ કરવાનું વધારે ગમે. સમયના પરિમાણને અવળસવળ કરવાનું પણ ગમે. બીજું, નવી નવી જાતના સામાજિક વિષયો શોધવા કરતાં નવા પ્રકારની અભિવ્યક્તિમાં મને વધારે રસ છે.’ (પૃ. ૧૨૯) કથક વાર્તાના અંતે કાગડાની જ વાત કરતાં કહે છે કે, કાગડો ગમે તેટલું ઈચ્છે તોપણ કોયલનાં બચ્ચાં કુહૂ કુહૂ જ કરવાના. કાગડાનું કામ ઈંડાને માત્ર સેવવાનું છે. આખી વાર્તા વાર્તાવિશ્વની સ્વાયત્તતાને અને સર્જકની ભૂમિકા કેટલી મર્યાદિત છે એ વાત દર્શાવે છે. વાર્તા જીવનના વાસ્તવમાં પ્રવેશે તેમ છતાં તે કલ્પનાવિશ્વ વડે આ વાસ્તવને ઓળંગી જાય છે. સર્જક શેની વાત કરે છે તે નહીં, પણ કેવી રીતે વાત કહે છે તે વધારે અગત્યનું છે. અહીં સર્જકના સર્જનનો મહિમા છે, સર્જકના વ્યક્તિત્વનો નહીં. રૂપ કે આકારની નિર્મિતિ એ કળાનું આગવું સત્ય છે. સર્જક અને તેનું સર્જન બંને પરસ્પરથી ભિન્ન છે એ વાત પણ કથક જણાવે છે. સર્જક વાર્તાલેખનને રમત કહે છે, પણ આ રમત સરળ નથી, સંકુલ છે, જીવનના વાસ્તવ સાથે જોડાયેલી હોવા છતાં તેનાથી જુદી, સ્વાયત્ત છે. કલ્પનાની સૃષ્ટિનો મહિમા અને રૂપનિર્મિતિ એ વાર્તાસર્જનમાં અગત્યના છે. આ રમત તે આ નિર્મિતિની છે. આ અર્થમાં આ વાર્તા સંગ્રહની જ નહીં ગુજરાતી નવલિકા ક્ષેત્રે પણ મહત્ત્વની વાર્તા બની રહે છે. આ ઉપરાંત ‘શું કહેશે હસમુખલાલ?’ વાર્તામાં કથક એક દરવાજામાંથી બીજા દરવાજામાં ભાવકને લઈ જાય અને એ રીતે હસમુખલાલના જીવનના દીર્ઘ પટને વાર્તારૂપે વણી લે. વાર્તાનું કથાવસ્તુ સાવ સરળ છે, પરંતુ જે રીતે પ્રસંગોની ઓરડા પ્રમાણે, દૃશ્યાત્મક ગોઠવણી થઈ છે તે વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘સરપ્રાઈઝ’ વાર્તામાં મા-દીકરીના સંબંધની વાત કરવામાં આવી છે. સર્વજ્ઞ કથક વડે કહેવાયેલી આ વાર્તામાં અંજલિ દીકરી શિવાલીને સરપ્રાઈઝ આપતી હોય તેમ શિવાલી મુંબઈમાં જ્યાં ફાઈન આર્ટ્સનો અભ્યાસ કરતી હોય ત્યાં પહોંચી જાય અને દીકરીને હિપ્પી સરીખા મિત્રો સાથે સિગારેટ પીતી જોઈને આઘાત અનુભવે તે ક્ષણથી વાર્તા શરૂ થાય છે. કથક ફ્લેશબેકની પ્રયુક્તિથી અંજલિની વિશાલ સાથેની પ્રથમ મુલાકાત, વિશાલ પ્રત્યેનું આકર્ષણ અને તેની સાથે લગ્ન તથા વિશાલ સાથેના લગ્નનું તૂટવું જેવી વિગતો વણી લે છે. વિશાળને અન્ય યુવતી સાથે સ્ટુડિયોમાં જોઈને તેની સાથે ઝઘડો કરનારી અંજલિ શિવાલી સાથે ઝઘડો ન કરતાં સમજદારીપૂર્વક તેને વાળે છે. વાર્તામાં અંતે આવતો દરિયા કિનારાનો પરિવેશ સૂચક છે. આ ઉપરાંત ‘ઝરમરતો વરસાદ’ ,’વિધાઉટ યુ’ અને ‘રમણલાલનું સપનું’, ‘સમજાવશો મને?’ અને ‘કંઈ પણ બની શકે’ – આ સંગ્રહની નોંધપાત્ર વાર્તાઓ છે.
૩. ‘જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ વિરચિત વાંદરાભાઈની ષોડશ વાર્તાઓ’: (ઈ.૨૦૧૭)
આ સંગ્રહમાં કુલ સોળ વાર્તાઓ છે. જો કે, તે પૈકીની પાંચ વાર્તાઓ પ્રથમ વાર્તાસંગ્રહ ‘મહોરાં’માં પ્રકાશિત થઈ હોવાથી અગિયાર વાર્તાઓ છે. આ અગિયાર વાર્તાઓમાં વાંદરાભાઈ તો છે જ. ‘બેટર ચોઈસ’ વાર્તાનો નાયક પ્રકૃતિ પ્રેમી, વેદનશીલ અને બર્ડ વોચર છે. નાયિકા રુચિ પક્ષીઓના સ્કેચ દોરતી હોય છે. રુચિ સાથેનો ગાઢ સંબંધ અપૂર્ણ રહે છે. નાયકને સામેના ફ્લેટમાં રહેતી એક સ્ત્રી સામે ચાલીને ઇજન આપતી જોવા મળે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. વાંદરાભાઈ અર્થાત દમિત વૃત્તિઓ નાયકને આ તક ઝડપી લેવા માટે સતત ઉશ્કેરે છે, પણ નાયક શેડો સામે નમતું મૂકતો નથી. સર્જકે નાયકના અધિ-અહમ અને સ્નેહની પ્રબળ લાગણીઓને વાર્તામાં સુંદર રીતે આલેખી છે. નાયકની વેદનશીલતા ઉપસાવવા માટે સુરેશ જોશીના નિબંધની કંડિકાઓનો વાર્તામાં વિનિયોગ કર્યો છે. સ્નેહની ઉત્કટતા અને તેની સામે અંધ, આદિમ આવેગોનો સંઘર્ષ વાર્તાને વેધક બનાવે છે. અંતે તોફાને ચડેલા વાંદરાભાઈ બધું ખેદાનમેદાન કરતાં દર્શાવ્યા છે, ત્યાં સર્જકની શેડોની સંકુલતા આલેખવાની સમજદારી માટે માન ઊપજે. ‘સ્વીટ મેમરીઝ’ વાર્તામાં કથનકેન્દ્ર ‘હું’નું છે. એક અઠવાડિયા પહેલા બજારની વચ્ચે એક દુકાનમાં નાયકને વાચા મળે છે. બેઉ એકમેકને ફોન, સરનામું આપી, ફરી મળવાનો વાયદો કરીને છૂટા પડે છે. મંગળવારની સાંજે નાયક વાચાને તેના ઘરે મળવા જાય છે અને બુધવારની સવારે તે નીકળી જાય છે. કૉલેજમાં સાથે ભણતી વાચા નાયક પ્રેમનો એકરાર કરશે એવી આશા રાખીને રાહ જોતી રહે છે. તેની આશા ઠગારી નીવડે છે, કારણ કે, નાયક વાચા સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતો નથી. પરિણામે વાચાએ મા-બાપની મરજી અનુસાર રોહિતને જીવનસાથી તરીકે અપનાવી લેવો પડે છે. રોહિત વાચાને મારતો હોય છે. વાચા મારઝૂડના નિશાન નાયકને બતાવે છે. નાયક તેના ઘા પર હેતથી હાથ ફેરવે છે અને હોઠથી ઘા ચૂમે છે. બંને આવેશમાં આગળ વધે તે પહેલાં જ નાયકની પત્નીનો ફોન આવે છે કે વરસાદ બહુ હોવાથી જ્યાં હોય ત્યાં જ રોકાઈ જા. દીકરી પણ તેની સાથે વાત કરે છે. વાચા આ વાતચીત સાંભળીને જાતને પાછી વાળે છે. બંને આખી રાત વાતો કરતાં રહે છે. વાચા નાયકના ખોળામાં માથું મૂકીને સૂઈ રહે છે. શુક્રવારે સવારે નાયક બસમાં જતો હોય છે ત્યારે અખબારમાં વાચાની આત્મહત્યાના સમાચાર વાંચે છે. વાર્તા આ ક્ષણથી શરૂ થાય છે અને ક્રમશ: ફ્લેશબેકની પ્રયુક્તિથી નાયક અને વાચાનો ભૂતકાળ ઊઘડતો આવે છે. સમાચાર વાંચીને નાયક પોતાના બચાવના રસ્તા વિચારવા લાગે છે. તેને ડર લાગે છે કે, પોલીસ તેને આરોપી માનીને પકડી લેશે. અંતે વાચાના આત્મહત્યાના પ્રકરણમાં તેના પતિ રોહિતની ધરપકડના સમાચાર જાણીને નાયક પાછો પોતાન ઘરે જવા નીકળે છે. આ વાર્તામાં વાંદરાભાઈનો એક પણ સંવાદ નથી. વળી, વાંદરાભાઈ નાયકને એવા ચશ્મા આપે છે કે જેના વડે નાયક ભૂતકાળના પ્રસંગો (વાંદરાભાઈએ નક્કી કરેલા પ્રસંગો જ) જોઈ શકે છે. એક તરફ નાયક વર્તમાનમાં પોલીસથી સંતાતો ફરતો હોય અને બીજી તરફ ચશ્મા વડે નાયક ભૂતકાળને જોતો, જીવતો જાય. આ રીતે વર્તમાન અને ભૂતકાળની ગૂંથણી વારતાં થયેલી છે. આ પ્રકારની સમય સંકલના અને ચશ્માની યુક્તિ વાર્તાને ઉપકારક થઈ છે. ‘ઘા’ વાર્તામાં ઈન્દ્રોડા પાર્કમાં નાયક વર્તમાન સમયમાં પત્ની સાથે સુખેથી બેઠો છે. વાંદરાભાઈ લીમડાના ઝાડ પર પરદો બાંધીને નાયકને તેનો ભૂતકાળ, તેની પૂર્વ પ્રેમિકા સાથેના પ્રસંગો દર્શાવ્યા કરે છે. એ રીતે અહીં નાયકનું ચિત્ત વર્તમાનમાંથી ભૂતકાળમાં ઝોલાં ખાતું રહે છે. અહીં પણ વર્તમાન અને સ્મૃતિઓ વડે ભૂતકાળ ગૂંથી લઈને વર્તમાન અને અતીત વચ્ચે લાગણીના સ્તરે રહેંસાતા નાયકના અણતરની વેદનાનું સુંદર આલેખન થયું છે. ‘મોર, રંગીન પંખીઓ અને મધુમાલતી’ વાર્તામાં પણ પ્રણયની નિષ્ફળતાનું નિરૂપણ થયું છે. વરસાદી રોમેન્ટિક પરિવેશમાં પ્રાપ્તિની સગાઈની વાત જાણીને તેના ઘરે નાયક દોડી જાય છે અને પ્રાપ્તિને પૂછી બેસે છે કે તારી સગાઈ થઈ ગઈ છે? જવાબમાં પ્રાપ્તિ કહે છે, ‘હા, તને જણાવવાનો વિચાર આવેલો પણ, યુ નો, એ અમેરિકાથી આવ્યો છે ને બધું બહુ બિઝી બિઝી! કેટલાને યાદ કરવા.’ ઘરે આવેલા નાયકને વાંદરાભાઈ બોચીએથી પકડીને પછાડી દે છે અને છાતી પર પગ મૂકી દબાવીને વિજયી અટ્ટહાસ્ય કરે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. આ વાર્તામાં પ્રકૃતિનું આરંભે આવતું વર્ણન ખૂબ સુંદર થયું છે.
૪. ‘જિગલો’: (ઈ.૨૦૧૯)
આ સંગ્રહમાં કુલ તેર વાર્તાઓ છે. તેર પૈકીની ત્રણ વાર્તાઓ – ‘કંઈ પણ બની શકે’, ‘નદી અને હું’ તથા ‘પીછો’ – આ વાર્તાઓ તેમના વાર્તાસંગ્રહ ‘કંઈ પણ બની શકે’માં પણ હોઈ અહીં કુલ દસ વાર્તાઓ છે. આ દસ વાર્તાઓમાં પાંચમા, બારમા અને તેરમા ક્રમની વાર્તાઓને શીર્ષક આપ્યા નથી. આ ત્રણ વાર્તાઓ વિશે શ્રદ્ધા બ્રહ્મભટ્ટ નિવેદનમાં નોંધે છે કે, ‘આ સંગ્રહમાંની ત્રણ વાર્તાઓનાં શીર્ષક આપવાનાં બાકી રહી ગયાં છે, એના વિશે ઘોડાવાળી વાર્તા (વાર્તા નં. ૫), ટ્રેકિંગ વાળી વાર્તા (વાર્તા નં. ૧૨) અને છેલ્લી વાર્તા (વાર્તા નં. ૧૩)ના નામે અમે વાત કરતાં. છેલ્લી બંને વાર્તાઓને એડિટ કરવાની બાકી છે અને છેલ્લી વાર્તા (વાર્તા નં. ૧૩) અધૂરી છે.’ આ સંગ્રહની વાર્તાઓમાં ફેન્ટસીનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. સાથે જ હોરર થ્રીલર પ્રકારની અને ભયાનકની અનુભૂતિ કરાવતી વાર્તાઓ પણ અહીં જોવા મળે છે. વાર્તાકાર તરીકે જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની આ સંગ્રહની વાર્તાઓ દૃશ્યાત્મક વધારે છે. એનિમેશન ફિલ્મ કે શોર્ટ ફિલ્મ જોતાં હોઈએ તેવી અનુભૂતિ આ સંગ્રહની વાર્તાઓ વાંચતાં થાય છે. સર્જકની કલ્પનાશક્તિ પણ અહીં સોળે કળાએ ખીલી છે. ‘જિગલો’ વાર્તામાં ફેન્ટસીનો વિનિયોગ જોવા જેવો છે. વાર્તાનાયક જિગલો સોસાયટીના છોકરાઓ સાથે મેદાનમાં ક્રિકેટ રમતો હોય છે અને કેચ પકડી ન શકતા જિગલાની ડાબી આંખ પર બૉલ વાગે છે. થોડીવાર બાદ ડાબી આંખે જુએ છે તો જિગલાને થોડી ક્ષણો પહેલાં બનેલી ઘટના ફરીવાર બનતી દેખાય છે. એ પછી તેની જમણી આંખ વર્તમાન જુએ છે અને ડાબી ભૂતકાળ જુએ છે. ‘એની એક આંખ બધુ જૂનું જુએ છે. લગભગ નવ મિનિટ પહેલાંના ભૂતકાળને જુએ છે. જિગલાની જમણી આંખ બધું બરોબર જોતી, એના કાન બધું બરોબર સાંભળતા હતા, આખેઆખો જિગલો બાકી બધી રીતે બરોબર હતો, ખાલી એની ડાબી આંખ પાછળ રહી ગઈ હતી – બરાબર નવ મિનિટ પાછળ.’ (પૃ.૨૬) આ ડાબી આંખના કારણે જિગલો બીજા જોઈ ન શકે તે જોઈ શકતો. એના વડે તે ઘણાની મદદ પણ કરે છે, પરંતુ જિગલાને ટેવ પડી ગઈ હતી બીજાના ભૂતકાળને જોવાની. ‘પડોશીઓ, મિત્રો, સગાંસંબંધી; જાણીતાં-અજાણ્યાં તમામ લોકોની કદીયે જોવા-જાણવા ન મળે એવી વાતો, એવી વસ્તુઓ, એવી હકીકતો જિગલાની ડાબી આંખ સમક્ષ કોઈ પુસ્તકનાં પાનાં ઊઘડે એમ સતત ઊઘડતી જતી હતી. અને એ રસપ્રદ પુસ્તકનાં લોભામણાં રહસ્યોને જિગલો એની ડાબી આંખ વડે લોલુપતાથી પીતો જતો હતો.’ (પૃ.૨૭) મીનુ તેને ગમે છે. તે જ્યારે પણ સામે આવતી જિગલો નીચું જોઈ જતો, પણ ભૂતકાળ જોવાની તાકાત મળ્યા પછી જિગલો મોલમાં સંતાઈને ટ્રાયલ રૂમમાં કપડાં બદલતી મીનુને જુએ છે. ‘મીનુએ ત્રણ-ચાર ટોપ્સ અને ચાર-પાંચ પેન્ટ ટ્રાય કરેલાં. મીનુની સામે નજર માંડીને જોઈ ન શકનાર જિગલાએ તે દહાડે મન ભરીને એક આંખ વડે મીનુને-એનાં રોમ રોમને પીધા કર્યું હતું. આખેઆખો જિગલો ભરાઈ, ઊભરાઈ ગયો ત્યાં લગી પીતો રહેલો.’ (પૃ.૨૮) મીનુને બીજા યુવક સાથે જોઈને જિગલો ગુસ્સામાં પોતાની ડાબી આંખને મુક્કો મારી દે છે. પીડા થાય છે, પણ આ મુક્કો માર્યા બાદ જિગલાની ડાબી આંખ વધારે દૂરનો ભૂતકાળ જોઈ શકવા સક્ષમ થઈ જાય છે. ‘અમુક રીતે આંખને હવામાં ફોકસ કરવાથી ભૂતકાળમાં નવ મિનિટથી વધુ ને વધુ ઊંડા જઈ શકાય. જિગલો હવે જાણતો હતો કે એની ડાબી આંખ, એને એ ઈચ્છે એટલા દૂરના ભૂતકાળમાં લઈ જઈ શકતી હતી.’ (પૃ.૨૯) અંતે આમાંથી છૂટવા તે મેદાનમાં પહોંચીને આંખને આંગળીથી ગોળ ગોળ ફેરવે છે, પણ પરિણામ ઊલટું આવે છે. ત્યારબાદ જિગલો ઘરમાંથી બહાર નીકળતો નથી. કથક વાર્તાના અંતે સીધો ભાવકને સંબોધીને કહે છે કે, કોઈ વેળાએ જિગલાના ઘર તરફ જાવ તો તેને જરૂર મળજો. આ રીતના અંતને લીધે વાચક પણ જિગલા સાથે સીધો સંડોવાઈ જાય છે. ફેન્ટસી અને વર્તમાન વચ્ચેની ભેદરેખા જાણે કે ભૂંસાઈ જાય છે. ‘ટોળાં’ આ સંગ્રહની પ્રથમ વાર્તા છે. કથક પોતાની પત્ની, બે દીકરીઓ સાથે ટ્રેકિંગ માટે જવા નીકળ્યો છે. રસ્તામાં વરસાદને કારણે તેણે ગાડી રોકવી પડે છે અને એક ઊંચો, કાળો માણસ આવીને તેને બીજા રસ્તે કાર લઈને આગળ વધવા જણાવે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. ‘સો-દોઢસો ફૂટના અંતરે બંડી પહેરેલો એક કાળો અને અસાધારણ ઊંચો માણસ રોડ વચ્ચોવચ ઊભો રહી, બે હાથ ઊંચા કરી, ગાડી રોકવા ઈશારો કરી રહ્યો હતો. મેં ગાડી ધીમી પાડી. બાજુ પર ખસી જવાને બદલે કમર પર હાથ મૂકી, જરા વાંકો વળી જોતો એ ઊભો જ રહ્યો એટલે ગાડી રોડ પરથી ઉતારવી પડી. કાળોમેશ વાન, ઊંડી ઊતરી ગયેલી આંખો અને લાંબુ નાક. ચહેરા પર કશાય ભાવ વિના એ તાકતો રહેલો. થોડે આગળ જઈ મેં ગાડી ઊભી રાખી.’ (પૃ.૦૯) અજાણ્યા માણસે બતાવેલી દિશામાં કથક આગળ વધે છે અને એક એવા વિસ્તારમાં જઈ પહોંચે છે કે જ્યાંના લોકો કથકની ભાષા સમજતા નથી. કથક ઈશારા વડે હોટેલ વિશે પૂછે છે અને પરિવાર સાથે હોટેલ જેવા એક મકાન પાસે પહોંચે છે. આખી હોટેલમાં કોઈ અન્ય પ્રવાસીને ન જોઈને શ્રદ્ધાને થોડી બીક લાગે છે. તે કથકને પૂછે છે કે આ સેફ તો હશે ને? બીજા દિવસે કથક વહેલો ઊઠી જાય. બારી બહાર આછા અજવાળામાં ધુમ્મસથી લપેટાયેલા પર્વતો જોઈને કથક ખુશ થઈ જાય. તે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવા બહાર જવાનું વિચારે ત્યાં પેલો ઠીંગણો માણસ તેને અટકાવે. નાયક પત્ની અને દીકરીઓ સાથે બહાર નીકળે અને સામેથી તોફાની ટોળું હોંકારા-પડકારા કરતું, તોડફોડ કરતું આગળ વધતું જોઈને નાયક પત્ની અને બાળકો સાથે દોટ મૂકે. અહીંથી વાર્તા રહસ્યમયતામાંથી ભીતિ અને બીભત્સ તરફ આગળ વધે. અજાણ્યું સ્થળ, તોફાનો અને હિંસક ટોળાં વડે થઈ રહેલી તોડફોડ, મારકાપ અને તેમાં પત્ની અને બે દીકરીઓ સાથે ફસાઈ ગયેલો નાયક ડર અનુભવે. એક મકાનના ધાબા પર ચડી જઈને તે પોતાના પરિવારજનોને બચાવે. ખાસ્સીવાર આ રીતે સંતાયેલા રહ્યા બાદ દેકારા-પડકારા શમી જતાં નાયક બચવાનો રસ્તો શોધવા ફફડતે હૈયે બહાર નીકળવા જાય. ત્યાં ધાબાની જાળી પાસે જ જુએ તો શબ અને માથા વિનાનો મૃતદેહ. એ જોઈને નાયક ધ્રૂજી જાય. ભય અને બીભત્સની અનુભૂતિ કરાવતું આ વર્ણન વાર્તાનું અગત્યનું અંગ છે. તેનો નાનકડો અંશ જોઈએ. ‘જાળીની અડોઅડ એક માનવ દેહ ઢગલો થઈને પડ્યો હતો. લોહીથી ખરડાયેલા એ શરીર પર માથું જ ન હતું. લોહીના રેલા એ શરીર પાસે થઈ સીડી પર ઊતરતા હતા... મેં ઝડપથી બારણા પાસે જઈ, ધાબમાં ઢળી પડેલા માથા વગરના શરીરને પગ વડે હડસેલો મારતાં ફરી જાળી બંધ કરી, સળિયો ભરાવ્યો અને બારણું ભીડી દીધું.’ (પૃ.૧૪,૧૫) એ જ રીતે એક પછી એક સળગતાં મકાનોમાંથી નીકળતા ધુમાડાથી ઘેરાઈ જતું આકાશ અને મકાનોમાંથી ઊઠતા ભડકાનું વર્ણન પણ ધ્યાનપાત્ર છે. ‘ટોળામાંના કંઇ કેટલાયના હાથમાં સળગતી મશાલો હતી. એનાં ભડકા ટોળામાંથી નીકળી બિલ્ડિંગમાં જઈ સમાતા હતા અને થોડી જ ક્ષણોમાં બિલ્ડિંગ કાળા ધુમાડાથી ઘેરાઈ જતું હતું.’ (પૃ.૧૬) વાર્તાના અંતે તૂટેલી ગાડી સ્ટાર્ટ કરીને ત્યાંથી ભાગી છૂટવા માટે કથક પ્રયાસ કરે ત્યાં વાર્તાના આરંભે મળેલો માણસ ફરી અચાનક જ પ્રગટ થાય અને વળી પાછો બીજી દિશામાં આગળ વધવા કહે. વાર્તાના આરંભે જોવા મળતો વરસાદી પરિવેશ, તેમાં અચાનક ગાડી સામે આવી જતો ડરામણા દેખાવવાળો માણસ, કથકની ભાષા ન સમજી શકે એવા લોકો, ખાલી હોટલ અને મકાનોના વર્ણન વડે રહસ્ય ઘેરું બને છે. બીજા દિવસે હિંસક ટોળું તોડફોડ શરૂ કરે. એ તોડફોડનું વર્ણન ભયને ઘૂંટે છે. તોફાની ટોળાં સામે પરિવારને બચાવવાનો પ્રયાસ કરતો નાયક – તેનો ભય, તેની પત્નીની ગભરામણ, દીકરીઓનું રુદન, એ બધાનું નિરૂપણ ભયની અનુભૂતિ કરાવનારું છે. અંતે વળી પાછો પેલો માણસ રહસ્યમય રીતે નાયકની સામે આવીને ઊભો થઈ જાય છે. આમ, રહસ્યથી શરૂ થતી વાર્તા હિંસા અને ભીતિથી આગળ વધીને રહસ્ય આગળ જ પૂરી થાય છે. ‘સાંકળ’ વાર્તામાં નાયિકાનું કથનકેન્દ્ર છે. નાયિકાને જાતભાતની સાંકળો ભેગી કરવાનો શોખ છે. તેમાં એક ચમકતી સાંકળ નાયિકાને મળે છે અને નાયિકા જેવી આ સાંકળને ચૂમે કે તરત જ હવામાંથી આકાર પ્રગટ થઈ જાય છે. આરંભે તે નાયિકાની બધી જ વાત માને છે. આ વાતે નાયિકા પોરસાય છે અને પોતે કંઈક ખાસ છે તેમ માનવા લાગે છે. એ વાતના લીધે તો તે એ માણસના કદરૂપા દેખાવને પણ ચલાવી લે છે. પોતાના અહમને પોષતી, પોતાની જાતને ખાસ માનતી નાયિકાના વિચારો જુઓ. ‘કોઈ નથી’ એવી ખાતરી કરીને એક કડી હોઠે લગાવતી. એ આવતો. જોયા કરતો, અનિમેષ! એ નજર ઝુકાવી દેતો, મારા ખાતર. કેવળ મારા ખાતર દીવાલ બની શકતો, એ તલવાર બની શકતો; એ પાણી પણ બની શકતો ને આગ પણ બની શકતો. એ મને આકાશમાં ઉડાડતો, હસીને મારા હાથમાં ચાંદો મૂકી દેતો. એ મારો શ્વાસ બની જતો, મારો ધબકાર બની જતો; મારા ખાતર-કેવળ મારા ખાતર...’ (પૃ.૧૯) ધીમે ધીમે પેલાં જીન જેવાં લાગતાં માણસનો મૂળ સ્વભાવ બહાર આવવા લાગે છે. એક દિવસ બાથરૂમમાંથી નાયિકા નાહીને બહાર આવવા જાય ત્યારે તેની અને કપડાંના કબાટની વચ્ચે આવીને પેલો જીન ઊભો રહે છે. ‘બહુ ઉતાવળ હતી એ દિવસ મારે. બહાર જવું હતું. નહાવા ગઈ, શાવર ચાલુ કરું ત્યાં પાછળ કંઈક સળવળાટ જેવું... સડક થઈ ગઈ હું. હૃદય થડકારો ચૂકી ગયું. મારા શરીર પર એકેય કપડું નહીં ને એ મારી સામે – માંડ બે ડગલાં દૂર, બંધ બારણા અને કપડાંના કબાટ વચ્ચે પડતાં ખૂણામાં ઊભો હતો... મારા હાથ છાતીએ ભીડતી હું બે ડગલાં પાછળ હટી ગઈ. પાછળ ડગલું ભરતાં બરાડીને મેં એને કહ્યું, ‘ચાલ્યો જ અત્યારે અહીંથી; ક્યારેય ન આવીશ. ચાલ્યો જા.’ (પૃ.૨૦,૨૧) આ બનાવ પછી નાયિકા સતત ફફડતી રહે છે અને ઈચ્છે છે કે પેલો માણસ સામે ન આવે તો સારું. એ રીતે વાર્તા પણ રોમાંચમાંથી ભયાનક તરફ ગતિ કરે છે, પરંતુ નાયિકા પેલી ચેનને સ્પર્શે, ચૂમે અને તરત હવામાંથી આ માણસ સામે આવી જાય. વાર્તાના અંતે નાયિકા સ્વબચાવના ભાગ રૂપે પેલા જીન સરીખા માણસની હત્યા કરી નાંખે અને ચેન પણ તોડી દે. ચેન તૂટવાની સાથે જ પેલો માણસ હવામાં ઓગળી જાય. ત્યાં વાર્તા પૂરી થાય છે. ‘હાથમાં રહેલો ચેઇનનો છેલ્લો ટુકડો જોરથી એની ઉપર ફેંકતી હું બે ડગલાં પાછળ હટી. એ લથડાતો ઊંચો થવા જાય ત્યાં સુધીમાં ચેઇનના વેરાયેલા ટુકડાઓ વચ્ચેથી એનો આકાર ભૂંસાતો ગયો. એક-બે-ત્રણ ને એની આકૃતિ અદૃશ્ય થઈ ગઈ. ત્યારે જમીન પર વેરણછેરણ પડેલા ટુકડાઓ અને આંકડીઓના ફડિયાં એવી રીતે અલગ થઈ પડ્યાં હતાં કે ક્યારેય જોડાયેલાં હશે એવી તો કલ્પનાય ના આવે.’ (પૃ.૨૨) અહીં પણ રહસ્યમયતા, ભય, હિંસા, આવેગો આદિનું એક સંમિશ્ર રૂપ કલાત્મક વાર્તા રૂપે રજૂ થયું છે. ‘ટોળાં’ વાર્તાની હિંસા અને આ વાર્તામાં જોવા મળતી હત્યા – એ વડે સર્જક જાણે કે મનુષ્યની આદિમ હિંસ્ર વૃત્તિઓને ફેન્ટસી વડે મૂર્ત કરે છે. આ વાર્તાઓમાં આવતાં વર્ણનો ધ્યાનપાત્ર છે. આ અર્થમાં અહીં સર્જક ફેન્ટસી વડે માનવીના સામૂહિક અચેતનમાં રહેલી આદિમતાને તાગે છે. ચિત્રાત્મક વર્ણનો, ફેન્ટસીનો વિનિયોગ, વાંદરાભાઈના પાત્ર વડે મનુષ્યના શેડોને ઉજાગર કરવાની આગવી રીત, ભાવકની કલ્પનાના સીમાડા વિસ્તારે તેવી અણધાર્યા આંચકા અને આઘાત આપવાની ખૂબી, પ્રકૃતિના સુરેખ આલેખનો, તેમાંય પંચેંદ્રિયોને તાગતું શબ્દોની ધ્વન્યાત્મકતા વડે સર્જાતું વાર્તાવિશ્વ, સ્ત્રી-પુરુષ સંબંધોની સંકુલતાઓને આલેખવાની પોતિકી રીત; અનેક રૂપે, અનેક રીતે આવતું મૃત્યુનું સંવેદન અને તેની સામે પ્રેમની પ્રબળતમ લાગણીનું નિરૂપણ, હળવી રમૂજ અને વાર્તાના વિષયને અનુરૂપ સર્જકીય મુદ્રાથી અંકિત ગદ્ય – આ તમામ વિશેષતાઓને લીધે જીજ્ઞેશ બ્રહ્મભટ્ટ ગુજરાતી નવલિકા ક્ષેત્રે અવિસ્મરણીય વાર્તાકાર બની રહે છે.
હીરેન્દ્ર પંડ્યા
નવલકથાકાર, વિવેચક
મો. ૮૪૬૦૩૭૫૩૮૬