ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કલ્પેશ પટેલ
પાયલ પટેલ
સર્જક પરિચય :
ગુજરાતી સાહિત્યના અનુઆધુનિક વાર્તાકારોની હરોળમાં જેણે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે અને આધુનિક પરિપ્રેક્ષ્યને જેઓ ઊંડાણથી સમજ્યા છે તેવા વાર્તાકાર છે કલ્પેશ પટેલ. તેઓ નવી અને વિવિધ વિષયવાળી વાર્તાઓ લઈને આવે છે અને સાહિત્યકારોમાં તથા વાચકોમાં પણ એક અનેરું સ્થાન પામે છે. તેમનો જન્મ સાબરકાંઠા જિલ્લાના સોનાસણ ગામે. પૂરું નામ કલ્પેશ પ્રભુદાસ પટેલ. તેમનો જન્મ ૩ સપ્ટેમ્બર, ૧૯૭૨. વ્યવસાયે તેઓ શિક્ષક છે. તેમણે ‘શ્રદ્ધાભંગ’ (૨૦૦૦), ‘વાડ’ (૨૦૦૮) અને ‘મલાજો’ (૨૦૧૨) આ ત્રણ વાર્તાસંગ્રહો આપ્યા છે. જેમાં કુલ મળીને ૫૪ જેટલી વાર્તાઓ છે. આ સિવાય ‘મહારથી કર્ણ’, ‘વિજયયાત્રા’ (નવલકથા, ૨૦૦૪), ‘મામાનું ઘર’ (ચરિત્રો, ૨૦૦૮) અને ‘શિખંડીની’ (લઘુનવલ) આપેલ છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘શ્રદ્ધાભંગ’ છે જે ૨૦૦૦માં રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રગટ થયેલો છે. આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૭ વાર્તાઓ છે. પ્રથમ વાર્તાનું નામ છે ‘શ્રદ્ધાભંગ’. આ વાર્તા સર્જકે ઇતિહાસનો આધાર લઈને સર્જી છે. ભોળા નામનો એક મહાદેવનો ભક્ત સોમનાથ નજીકના એક ગામડામાં રહે છે. શ્રદ્ધાની સરવાણી તેના મનમાં દિવસ-રાત વહ્યાં કરે છે. એક દિવસ કેટલાક ભક્તોને તેણે વાતો કરતા સાંભળ્યા કે મહેમુદ ગઝની સોમનાથ પર ચઢાઈ કરવા અને સોમનાથને લૂંટવા આવે છે. પરંતુ તેને મહાદેવ પર પૂરો વિશ્વાસ છે તેથી મંદિરનું કોઈ કંઈ નહિ બગાડી શકે. છેવટે તેનો ભ્રમ ભાંગે છે. મહેમુદ સોમનાથ લૂંટે છે અને મંદિરનો પણ ધ્વંસ કરે છે. ભોળાની શ્રદ્ધાનો બંધ આખરે તૂટે છે અને તે પાગલ બની જાય છે. રસ્તે આવતાં-જતાં લોકોને તે મહાદેવ નહિ, પરંતુ મહેમુદ મોટો છે તેનું ભાન કરાવે છે. ‘મુબારક હો મેરે દેશ’ વાર્તામાં દેશભક્તિને વિષય બનાવ્યો છે. દુર્ગાપ્રસાદજી એક ખરા દેશભક્ત છે. ગાંધીજીએ જ્યારે દેશને આઝાદ કરાવ્યો તે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ અને આજે ૧૫ ઓગસ્ટ, ૧૯૯૭માં ૫૦ વર્ષના આ સમયગાળાની સરખામણી તેમનાથી થઈ જાય છે. તે સમયની ક્રાંતિકારી ચળવળોને અને માણસોને યાદ કરીને અત્યારના કહેવાતા ગાંધીવાદીઓ પર કટાક્ષ કરે છે. તેઓ પૂરેપૂરા ગાંધીવાદી છે અને ખાદીધારી પણ. પરંતુ બીજા બધા વિશ્વાસઘાતી છે. તે સમયના પ્રખર ગાંધીવાદી ગુલામહુસેનને દુર્ગાપ્રસાદજી નખશિખ ઓળખે છે. ગુલામહુસેનની મરતી વખતની સ્થિતિ ખૂબ કફોડી હતી કારણ કે તેમણે દેશભક્તિને જ મહત્ત્વ આપ્યું હતું. તેઓ બીજાની જેમ વેચાયા નહોતા. બધું યાદ કરીને તે આ જમાના સાથે તાલ મેળવવાનો પ્રયત્ન કરે છે અને દેશને આઝાદીની શુભકામનાઓ આપે છે.
‘પુરુષ’માં જુવાનીના ઉંબરે ઊભેલી અને નવયૌવના લખીને તેના પિતા તેની ઉંમરની બધી છોકરીઓ પરણી ગઈ હોવા છતાં પરણવા દેતા નથી. તેનાથી આ સહન નથી થતું અને તે છેવટે ઘર છોડીને ભાગી નીકળે છે તથા એક પત્રમાં તેનાં માતા-પિતાને પોતે પરણી ગઈ છે તેની જાણ કરે છે. મા-બાપ રેવાભાઈ અને મેનાબેન પર આભ તૂટી પડે છે. ગામવાળા મા અને બાપને જ ભાંડે છે. અહીં ઉત્તર ગુજરાતની બોલીને સર્જકે ખૂબ સરસ લય અને લહેકા સાથે અસલી ગુજરાતી છાંટમાં ઉતારી છે. ભાષા પર તેમનું પ્રભુત્વ પણ સારું છે. ‘પરાજય’માં જેઠાલાલ બ્રાહ્મણનું પાત્ર આકર્ષક છે. તેઓ બ્રાહ્મણ છે અને સાથે એક શિક્ષક છે જેથી તેઓ આપવડાઈમાં જ રાચ્યા કરે છે. એક દિવસ તેમને કોઈ પ્રસંગે સાસરીમાં જવાનું થયું. ત્યાં પણ તેમનું આ કામ તો ચાલુ જ હતું. તેમના સસરા પોતાના દીકરા એટલે જેઠાલાલના સાળા દુષ્યંતને પોતાની સાથે ભણવા લઈ જવા જણાવે છે. સસરાની વાત તેઓ ટાળી શકે એમ નથી તેથી તેમણે કમને પણ સંમતિ આપી. દુષ્યંત આવ્યો અને છ મહિનાના અંતે લેવાયેલી પરીક્ષામાં બીજા નંબરે આવ્યા. પ્રથમ નંબર હરિજનના એક છોકરા કાનજીનો આવ્યો, જેથી જેઠાલાલને દુઃખ થયું. વર્ષના અંતે લેવાયેલી પરીક્ષામાં પણ તેવું જ થયું. હવે જેઠાલાલની પાસે બે વિકલ્પ હતા કે તેઓ કાનજીને તેની મહેનતનું ફળ આપે અથવા બેઇમાનીથી દુષ્યંતનું પરિણામ ઊંચું દેખાડે. તેમણે કાનજીને બીજો અને દુષ્યંતને પ્રથમ નંબરે જાહેર કર્યો અને વર્ષોની પ્રતિજ્ઞાને તોડી. પરંતુ છેવટ સુધી તેમના મનમાં અવઢવ રહી. આ વાર્તામાં સવર્ણોની તેમનાથી ઊતરતાં લોકોની સામે હીન દૃષ્ટિથી જોવાની પરંપરાનું આલેખન છે. ‘લાશનો ધર્મ’માં કોમી રમખાણનું વરવું સ્વરૂપ વાસ્તવિકતા સાથે પ્રવેશે છે. હિંદુ-મુસ્લિમના કોમી વિખવાદ સદીઓથી જાણીતા છે. લોકો ક્યાંક અલ્લાહ હો અકબર અને ક્યાંક હર હર મહાદેવના નારા સાથે મારા-મારી પર ઊતરી આવે છે. એક વ્યક્તિ નીકળી પડે છે શહેરની ગલીઓમાં. તેને રસ્તાઓ પર કોઈ જોવા મળતું નથી. ગાંધીજીની જેમ તેને પણ ભાષણ કરવાનું મન થાય છે. તે બૂમો પાડીને બધાને ભેગાં કરવા મથે છે પણ ક્યાંયથી તેને કોઈ પ્રતિભાવ જોવા મળતો નથી. અંતે તે કોઈ ગલીમાંથી અજાણી વ્યક્તિની બંદૂક દ્વારા વિંધાય છે. ધડાકાના અવાજથી પોલીસવાળા આવી ચઢે છે અને લાશને ઓળખવાનો પ્રયત્ન કરે છે. ઘણાં તેને મુસ્લિમ અને ઘણાં હિંદુ જાહેર કરે છે. લાશ આ બધાનો ઇનકાર કરતી હોય તેમ હસીને જાણે કહે છે કે, તે હિંદુ કે મુસ્લિમ પછી, પણ એક માણસ પહેલાં છે.
‘અલ્લાનું પારેવું’માં બશીર ખાન એક મુસ્લિમ બાપ છે જેને એક છોકરી છે હાલિમા. હાલિમા એટલે તેના જિગરનો ટુકડો. બધું જ કરી છૂટવા તે હાલિમા માટે તૈયાર છે. નૂર હજામનો છોકરો ઇબ્રાહિમ જે હાલિમાને અને હાલિમા તેને ચાહે છે. પોતાની પત્ની તથા તેની દૂરની માસી તેને ચેતવે છે કે તેની છોકરી હવે તેના કહ્યામાં નથી પરંતુ તે માનતો નથી. કારણ કે તેને હાલિમા પર પૂરો વિશ્વાસ છે. પણ હાલિમાએ તેને દગો દીધો. તે ઇબ્રાહિમ સાથે ભાગી ગઈ. બશીર તો પાગલ જ થઈ ગયો. તેનો હાલિમા પરનો પ્રેમ અને વિશ્વાસ બન્ને તૂટ્યાં. તે પાગલ થઈને આમથી-તેમ ભટક્યા કરતો અને બધાને પૂછ્યા કરતો કે મારું અલ્લાનું પારેવું કોઈએ જોયું છે? ગામનાં માણસો પણ તેની મજાક ઉડાવતા અને કહેતા, હા. જોયું છે જો પેલું આકાશમાં ઊડી જાય. હવે તે પાગલ બશીર તરીકે ઓળખાતો. કેવો કરુણ અંજામ? ‘વૃષભાનંદ’માં એક આળસુ બળદની કથની છે જે એક નંબરનો કામચોર છે. ગોપાલ નામના એક ખેડૂતે તેને ખરીદ્યો છે, પણ કામમાં તેનું બિલકુલ મન નથી. આખો દિવસ તેને ખાઈ-પીને પડ્યાં રહેવું જ ગમે છે. ગોપાલ તેનાથી ખૂબ કંટાળ્યો છે. તેણે એક દિવસ તેને ઢોર માર માર્યો અને પત્નીને પણ તેને કંઈ ખાવાનું ન નીરવા કહ્યું. તે ગોપાલના ઘરેથી નાસી ગયો. થોડા દિવસ ગામમાં ચર્ચાઓ ચાલી કે ગોપાલનો બળદ ભાગી ગયો છે. સમય જતાં સૌ કોઈ આ વાત ભૂલી ગયું. એવામાં એક ઘટના બની. ઉત્તર ભારતથી એક સાધુની ટોળી આવી છે અને તેમની સાથે એક ચમત્કારિક બળદ છે. તેના વિશે જાતજાતની અફવાઓ ચાલે છે તેથી ગામના લોકનું તો ઘોડાપૂર ઊમટ્યું, આ બળદના દર્શન કરવા. તે બળદનું નામ સાધુઓએ વૃષભાનંદ રાખ્યું છે. ગોપાલના કાન સુધી પણ આ વાત પહોંચી, તે પણ ઊપડ્યો આ ચમત્કારી બળદના દર્શને. તે જાણી ગયો કે આ તો પોતાનો બળદ છે તેને ઢોર માર માર્યો હોવાના લીધે તે ઘર છોડીને ભાગી ગયેલો. તેણે આવીને બધા લોકોની સામે પેલા વૃષભાનંદને ગમે તેમ ખરી-ખોટી સંભળાવી તેથી તે ગુસ્સે થઈ ગયો અને ગોપાલને પોતાના શિંગડા વડે ઊલાળીને દૂર ફેંકી દીધો, પલભરમાં આ ઘટના બની ગઈ. જોતજોતામાં તો ગોપાલનું પ્રાણ-પંખેરું ઊડી ગયું. લોકો તો તેણે ભગવાનનો અનાદર કર્યો તેથી તેને સજા મળી એમ કહી ગોપાલને ભૂલી ગયા અને વૃષભાનંદની કીર્તિમાં ઓર વધારો થયો. અહીં આ વાર્તામાંથી પસાર થતા ચુનીલાલ મડિયાની કમાઉ દીકરો વાર્તાની યાદ આવ્યા વિના રહે નહીં. તેનો અંત પણ આ વાર્તાની માફક કરુણ જ છે. ‘સુખી માણસ’માં સુખની સાચી વ્યાખ્યા શું હોઈ શકે તેની ગડમથલમાં જીવતા એક આધેડ પુરુષ પ્રીતમલાલની વાત છે. પ્રીતમલાલ રજાઓ ગાળવા આબુ જાય છે. ટ્રેનમાં તેમની મુલાકાત એક રોશની નામની બાઈ સાથે થાય છે. બન્ને આજુબાજુની હોટેલમાં રોકાયાં છે તેથી ફરવા સાથે નીકળે છે. પ્રીતમલાલને હૃદયના કોઈ ખૂણે એક અંતર ઇચ્છા પ્રગટે છે રોશની સાથે જાતીય સુખ માણવાની અને તે એટલા માટે તેની સાથે ફરવા પણ જાય છે. રોશનીની વાતોમાંથી પ્રીતમલાલને કંઈક જુદું જ જાણવા મળે છે. તેણે તેના પતિને તલાક આપ્યા છે અને એકાકી જીવન જીવે છે. તેના વિચારોથી અસહમત પ્રીતમલાલ રોશનીનું ખુલ્લું આમંત્રણ હોવા છતાં તેની પાસે જતા નથી. રોશનીના સ્ફોટક વિચારો સામે પ્રીતમલાલનું પૌરુષ તેમને તેનાથી દૂર રહેવાનું સમજાવે છે. અહીં રોશનીનું આવું ઉઘાડફક્ક બોલવું અને પ્રીતમલાલનું સુખી માણસ પોતે છે તે સમજાવું તેમાં વિરોધાભાસ છે. ‘દોઢ વાગ્યાની મુલાકાત’માં અશેષ અને અનિતાના નાજાયજ પુત્ર રશ્મિને અનિતાનો પતિ ઇન્દ્રજિત અપનાવે છે અને તે રીતે આ વાર્તામાં તે એક મહાન પાત્ર તરીકે ઊપસી આવે છે. અનિતા અને અશેષ ભૂતપૂર્વ પ્રેમી છે. આજે અનિતા પરણેલી છે જ્યારે અશેષ આજે પણ કુંવારો છે. તેણે તેનું સર્વસ્વ અનિતાને સોંપી આજીવન કુંવારા રહેવાનું પસંદ કર્યું છે. તેને અનિતા દ્વારા જાણ થાય છે કે તેને એક પુત્ર છે જે તેના જેવો જ છે અને અનિતાના પતિએ તેને અપનાવ્યો છે. રશ્મિ પણ તેની માતા અને અશેષના આડા સંબંધો વિશે જાણે છે. કોઈના પાપને પોતાનું ગણીને પોતાના ઘરમાં માન સાથે રાખવું બહુ અઘરું છે જે અનિતાના સ્વર્ગવાસી પતિ ઇન્દ્રજિત કરી બતાવે છે. ‘બ્રહ્મચારી’માં કહેવાતા બ્રહ્મચારી કેવાં હીન કૃત્ય કરે છે તેની ઝાંખી અહીં સર્જકે કરાવી છે. મુખમેં રામ ઓર બગલમેં છૂરી કહેવત પ્રમાણેનું વર્તન કરનાર મણિલાલની વાત અહીં કરવામાં આવી છે. આ વાર્તાનો નાયક શહેરના એક પછાત વિસ્તારમાં આવેલ મકાનમાં રહેવા આવેલ ભાડવાત છે. થોડાક દિવસ બાદ તેની મુલાકાત પાડોશમાં રહેતા મણિલાલ સાથે થાય છે. ધીમે-ધીમે પરિચય વધે છે અને થોડા સમયમાં બન્નેની દોસ્તી પણ થઈ જાય છે. નાયક એ વાતની નોંધ રાખે છે કે મણિભાઈને સ્ત્રી પ્રત્યે ખૂબ ગુસ્સો અને તિરસ્કાર છે તેથી તે અજાણતા પણ તેમની આગળ સ્ત્રી વિશે કોઈ વાર્તાલાપ કરતો નથી. સ્ત્રી વિશેની કોઈપણ વાત આવે કે તેમની પુણ્ય આત્મા સામેવાળા પર પ્રકોપ ઠાલવ્યા વિના રહેતા નથી. નાયકની થોડા સમય પછી બદલી થાય છે અને તે પોતાને ગામ જતો રહે છે. એક દિવસ છાપામાં તે જાહેરાત વાંચે છે કે એક બ્રહ્મચારી દ્વારા એક બાળકી પર બળાત્કાર થયો છે અને નીચે નામ હતું મણિલાલ. નાયકને આ વાત પર શોક કરવો કે હસવું તે નક્કી કરી શકતો નથી. બ્રહ્મચારીની ટોપી પહેરીને ફરનાર માણસોમાં કેટલી હદ સુધી નીચતા હોય છે તેની હકીકત આ વાર્તા દ્વારા સર્જક કરે છે.
‘બોઘો’ દ્વારા એક સામાન્ય હકીકત થકી એક વિશિષ્ટ ઘટનાનું કથન થયેલું છે. આ વાર્તાનો નાયક એક વાર્તાકાર છે અને તે વાર્તા લખવા બેસે છે કે અચાનક તેની પત્ની સમાચાર આપે છે કે બોઘો મૃત્યુ પામ્યો છે. આ એક સાવ સામાન્ય ઘટના છે કારણ કે દુનિયામાં કેટલા લોકો દરરોજ કોઈને કોઈ રીતે મૃત્યુ પામે છે. બોઘો એ એક ભોળો અને સામાન્ય જિંદગી જીવનારો માણસ છે. તેના મૃત્યુની સાવ સામાન્ય ઘટનાથી નાયકને હૃદયરોગનો હુમલો આવે છે તે માન્યામાં ન આવે તેવું છે. તેમને બોઘાના મૃત્યુનો એટલો આઘાત લાગ્યો છે કે હાર્ટઍટેક આવી ગયો. પ્રથમ નજરે સાવ મામૂલી લાગતી ઘટનાઓને આટલી ઊંડાણપૂર્વક રજૂ કરવાનું કરતબ અહીં સર્જકે કરી બતાવ્યું છે. ‘સુખઃ એક છલનાનું નામ’માં દેખાવે સુખી તથા ભણેલા-ગણેલા અને ફર્સ્ટ ક્લાસ જીવન જીવતા લોકો ખરેખર કેટલા સુખી હોય છે તે વાતને અહીં સમજાવવાનો પ્રયત્ન સર્જકે કરેલો છે. આ વાર્તાના નાયક ગોપાલને બધી રીતે સુખ છે પરંતુ તેનાં દરેક સંતાનો આડી-અવળી લાઇન પર ચઢી ગયાં છે અને પત્ની તેને આજના જમાનાનું કલ્ચર કહે છે. આજના જમાનાનો એક ગાડી, બંગલો, એ.સી. જેવી સુખસુવિધાઓ વચ્ચે એશોઆરામ કરતો વ્યક્તિ જ સુખી છે કે ગામડામાં અલ્પ સુવિધાઓ વચ્ચે જીવન પસાર કરતાં લોકો વધારે સુખી છે તેની તુલના આ વાર્તામાં નાયક અને સર્જક દ્વારા અનાયાસે થઈ જાય છે. ‘કેશવો હાચો નીકળ્યો’માં વગ ધરાવતા વ્યક્તિઓ દ્વારા તેમનાથી ઊતરતાં વ્યક્તિઓનું કેવી રીતે શોષણ કરવામાં આવે છે તેની હકીકતનું સમર્થન થયેલ છે. કામ પડ્યે સરપંચ નીચલી કોમના જીવાજીને જીપમાં બેસાડીને બોલાવી શકે છે, પરંતુ સત્તાધારી માણસો જરૂર પડ્યે તેમને હાથમાં રાખે છે અને જરૂરત પૂરી થતાં તેને કીડાની જેમ મસળીને ફેંકી દે છે અને સામેવાળા વ્યક્તિને તો તેની ગંધ પણ ન આવે. જીવાજીનો દીકરો કેશવ તેના પિતાને સમજાવે છે કે આવા માણસોથી દૂર રહેવું જોઈએ પણ ત્યારે જીવાજીને પરિસ્થિતિનું ભાન થતું નથી. એક દિવસ એક સ્વામીજીની પધરામણી સરપંચના ઘરે થાય છે. સ્વામીજી દાન એકઠું કરવા આવ્યા હોય છે. સરપંચ ભલા-ભોળા ગામના અબુધ લોકો પાસેથી ફાળો ઉઘરાવી સ્વામીજીને એક લાખ રૂપિયાનું દાન કરે છે જેથી પોતે કરેલાં દરેક કુકર્મો અને પાપ ભુંસાઈ જાય. જીવાજીને પણ દાન લખાવવાની ઇચ્છા થાય છે તેથી તે પણ પોતાનું પચાસ રૂપિયાનું દાન લખાવવાની ઇચ્છા પ્રગટ કરે છે પરંતુ સ્વામી અને સરપંચ તથા બીજા લોકો તેને હસી કાઢે છે અને ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે. હવે જીવાજીને સરપંચનો અસલી ચહેરો દેખાય છે અને છેલ્લે તે પોતાના દીકરા કેશવને કહે છે કે પોતાના અનુભવો કરતા તેનું ભણતર સાચું નીકળ્યું. સરપંચ માત્ર તેનો જરૂર પડ્યે ઉપયોગ જ કરતો હતો તે હકીકતથી જીવાજી વાકેફ થયો. ‘કબીર’ વાર્તામાં પણ કોમી રમખાણોની વચ્ચે જીવતા મનુષ્યોની વાત છે. ફાતિમા અને કબીર બન્ને પતિ-પત્ની છે. કબીર એ તેનું તખલ્લુસ છે કારણ કે તે શાળામાં શિક્ષક છે અને કબીરથી આકર્ષિત છે. અહીં સર્જકે બાબરી મસ્જિદવાળી ઘટનાનો આધાર લઈને તે વખતે કેવો તંગદિલ માહોલ હતો તેની વાત મૂકી છે. બાબરી મસ્જિદ હાલમાં ધ્વંસ થઈ છે અને પોતે એક મુસ્લિમ છે તથા હિંદુઓની વચ્ચે રહે છે તેથી પત્ની ફાતિમાને એની ચિંતા છે. મુંબઈના રહેવાસી આ લોકો હિંદુ-મુસ્લિમ રમખાણમાં પૂરેપૂરા ફસાયા હતા. પાડોશમાં રહેતાં નર્મદાકાકી ફાતિમાને નચિંત રહેવા સમજાવતાં પરંતુ રેડિયો પર આવતા સમાચારના લીધે ફાતિમાને સતત ડર રહેતો. કબીરને એક હિંદુ મિત્ર હતો જેની અટક શાહ હતી. તેમની દોસ્તી ‘સાલા શાહ’ અને ‘મિયાં’ સુધીની હતી. શાહને આવા માહોલ વચ્ચે પોતાના મિત્રની ફિકર થાય તે સ્વાભાવિક છે તેથી તેને કોઈ હેરાનગતિ જેવું તો નથી ને તેવું શાહ વારેવારે પૂછ્યા કરતો. ધર્મ અને મઝહબના નામે અત્યારે કેટલા દંગા-ફસાદો ચાલે છે એની જાણ આપણને ક્યાં નથી? સર્જક અહીં કોઈ ધર્મ નહિ પણ એક માણસ જ બીજાનો દુશ્મન છે તે વાતને સમર્થન આપવા માંગે છે. જેવા સૈયદ અને શાહ સ્ટાફરૂમમાં આવ્યા કે તરત ચાલતી ચર્ચા બંધ થઈ ગઈ તેથી કબીર સમજી ગયો કે એ ચર્ચા તેના વિશે જ હતી. મિયાં કળી ગયા કે આ હિંદુસ્તાનીઓએ આ પાકિસ્તાનીને અપનાવ્યો નથી. તેને ખૂબ દુઃખ થયું. પરંતુ પછી મિયાંના સ્વાભાવિક વર્તનના લીધે બધા ધર્મનો અંચળો ફગાવી દઈને એક સાથે મુક્ત મને હસ્યા. ‘પ્રલય’માં પોલીસ અને ચોર આમનેસામને હોવા છતાં પોલીસ તેને ઓળખી શકતી નથી તેવી ઘટનાનું આલેખન થયેલું છે. વીરસિંહ નામના કોઈ જમીનદારનું ખૂન થયું છે તેની તપાસમાં પોલીસ કર્મચારી અને તેનો સાથી હવેલીએ જઈ રહ્યા છે. રસ્તામાં તેમને એક વ્યક્તિ મળે છે જેને તે લિફ્ટ આપે છે. તેનું વર્તન અને તેના દ્વારા આપવામાં આવેલા જવાબો વિચિત્ર છે પરંતુ પોલીસ કર્મચારીને સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવ્યો કે જેને તેમણે લિફ્ટ આપી હતી તે જ વીરસિંહનો કાતિલ હતો. તેઓ હવેલીએ જાય છે અને તેમના દીકરા રાણાભા સાથે પૂછપરછ કરવામાં આવે છે. વીરસિંહની લાશની તલાશી લેવામાં આવે છે ત્યારે રત્નાજી નામના એક હવાલદારને વીરસિંહના ખીસામાંથી એક ચિઠ્ઠી મળે છે જેમાં લખ્યુ હોય છે ‘પ્રલય’. રત્નાજી અને પેલો પોલીસ કર્મચારી સમજી જાય છે કે પોતે જેને લિફટ આપી હતી તે વ્યક્તિ જ ખૂની હતો. કાપો તો લોહી ન નીકળે તેવી હાલત બન્નેની થઈ જાય છે, બન્ને એકબીજાના મોઢા વકાસીને ઊભા રહી જાય છે, જાણે ખૂન આ બન્નેએ કર્યું હોય! પેલો માણસ તેમને હિન્ટ આપતો રહ્યો પણ પોલીસવાળાના મગજમાં તેની વાત ઘૂસી જ નહિ તે આપણા સૂતેલાં પોલીસખાતા પર નર્યો કટાક્ષ જ છે. ‘નાથા ચમારનો એક્કો’માં સવર્ણોની નીચલી જાતિ પરની જોહુકમીની વાતનું આલેખન કરવામાં આવ્યું છે. નાથા ચમાર પાસે એક એક્કો છે જે તેની આજીવિકાનું એકમાત્ર સાધન છે. ઘરના કુલ સાત સભ્યોનું ગુજરાન આ એક એક્કા પર નભે છે. રૂપપુર ગામના વતનીઓને શહેરમાં કંઈ મોકલવું હોય કે કંઈ લાવવું હોય તો તેના માટે એકમાત્ર સાધન આ નાથા ચમારનો એક્કો છે. તેની આવક પણ સારી છે જેનું એકમાત્ર કારણ છે નાથાનો સાલસ સ્વભાવ. પરંતુ બળતામાં ઘી હોમનારાં પણ ઓછાં નથી હોતાં. આ એક્કાને લીધે અને તેના મળતાવડા સ્વભાવના કારણે તે તેમની જ્ઞાતિનો પટેલ કહેવાતો. એવામાં એક ઘટના બની. એક વણકરનો દીકરો એક છકડો લાવ્યો. બળદ કરતા મશીન માલને ઝડપી અને નિયતસ્થાને પહોંચાડે તેથી લોકો નાથા ચમારને પડતો મૂકીને આ છકડાનો ઉપયોગ વધુ કરતા. ગામના મુખી પટેલને પણ નાથા જોડે વેર હતું. વણકરને ચડાવવામાં પટેલનું કામ છે તે નાથો સમજી ગયો, પણ નસીબનું ક્યાંય જતું નથી માની નાથો બેસી રહ્યો. નાથાને તો ખાવાના પણ ફાંફાં પડવા લાગ્યાં. બળદ પણ મૃત્યુ પામ્યો. તેની ખરી દશા બેઠી. પટેલ આવા સમયે બળતામાં ઘી હોમવા આવ્યા અને નાથા આગળ રોદણાં રોવા લાગ્યા. નાથો બધું જાણતો હતો તેથી તેનો મિજાજ એવો ગયો કે મુખી તો જીવ લઈને નાઠો. ‘સવાયો સવર્ણ’માં પૈસાના જોરે નોકરી મળે છે અને ત્રીસ આપવાવાળા કરતા પચાસ આપવાવાળાની નોકરી પાક્કી થાય છે. વધારે મળે તેમાં વેચાઈ જવું તેવા માણસોનો રંગ અહીં ઉઘાડો પાડ્યો છે. પંકજને સરકારી નોકરી મળવાની છે અને તેના બદલામાં રૂપિયા ચૂકવવાના છે તેથી તેના પિતા માનતા નથી, પરંતુ પંકજ પણ પટાવાળાની તો પટાવાળાની, સરકારી નોકરી મળે તે મહત્ત્વની છે તે હકીકતને સ્વીકારી લાંચ આપવા તૈયાર થઈ જાય છે. ઇન્ટરવ્યૂ થયો ઑફર લેટર આવે એટલે હવે નોકરી પાકી તેવા સપનાં પંકજ જુએ છે. પણ એક દિવસ તેને હકીકતની જાણ થાય છે કે ગામના પટેલનો એક છોકરો કે જે પોતાની સાથે ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો તેને અળખાભાઈએ તેમની પાસેથી પચાસ હજાર લઈને તેને નોકરી અપાવી છે. પંકજથી બોલ્યા વગર ન રહેવાયું ‘હાળી આ સવર્ણોની જાત!’ પટેલની ઉજળિયાત કોમના હાથ નીચે દલિત કોમ હંમેશાથી પીડાતી આવી છે અને કાયમી પીડાતી જ રહેશે તેવો સૂર આ વાર્તામાંથી પ્રગટે છે. ‘વાડ’એ તેમનો બીજો વાર્તાસંગ્રહ છે જે ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ દ્વારા ૨૦૦૮માં પ્રગટ કરવામાં આવ્યો હતો. આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૯ વાર્તાઓ છે. શહેરીજીવનને લગતી તથા ગ્રામજીવનના ખેડૂતોના વરસાદની અછતને લીધે ઠલવાતાં ખાલી અને કરુણ હૈયાં તથા પોતે પાળેલાં જાનવરોની મૂક લાગણીઓને પણ આ વાર્તાસંગ્રહમાં વાચા આપવામાં આવી છે. સર્જક પોતે ભલે વ્યવસાયે શિક્ષક છે પરંતુ ખેડૂતોને લગતી તમામ વિટંબણાઓ અને પળોજણો જાણે પોતીકી હોય તેટલી હદે તેમની આ વાર્તાઓ અનુભવની પીંછી દ્વારા કંડારવામાં આવી છે. સંગ્રહની પ્રથમ વાર્તા છે ‘વિકલ્પ’. વિકલ્પ એટલે શું? બેમાંથી કોઈ એકની પસંદગી કરવી કાં તો આ નહીં તો પેલું. આ વાર્તામાં પણ તેવું જ છે. સુપર્ણા અને કશ્યપ પતિ-પત્ની છે. સુપર્ણાને કોઈ ગાયનેક પ્રોબ્લેમ નથી છતાં તેને બાળક થઈ શકે તેમ નથી. એક બાજુ તેને અને પતિ કશ્યપને બાળક પણ જોઈએ છે અને બીજી બાજુ ફિગરની પણ ચિંતા છે. તેઓ આઇવીએફ કે એવી કોઈ ઝંઝટમાં પડ્યા વગર સરોગેટ મધરની મદદથી બાળક જન્મે અને પછી તેઓ વિધિવત્ રીતે તેને અડોપ્ટ કરે તેવું નક્કી કરે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતી જશીબાઈ તેમના બાળકની સરોગેટ મધર છે. તેને માટે સુપર્ણા દવા, ફ્રૂટ, દૂધ બધું લાવી આપે છે. તેની સાથે સમય પસાર કરે છે પરંતુ રહી-રહીને તેને ક્યાંક ને ક્યાંક એમ થયા કરે છે કે તે કેટલી સ્વાર્થી છે કે માતાને વૈકલ્પિક માની લીધી. માતા કદી વૈકલ્પિક ન હોઈ શકે. માત્ર એક ફિગરવાળી સ્ત્રીની જેમ એક માતા બનનાર સ્ત્રીનું સૌંદર્ય પણ આકર્ષક જ હોય છે. ‘ભાંજઘડ’માં કેશો મુખી નામના એક સરપંચની વાત છે. પોતાની જાણ બહાર દીકરા પરસોત્તમે ગણપત નામના દલાલ મારફત જમીનનો તેને વહાલો એક ટુકડો કે જેની કિંમત સોના કરતાં પણ વધારે છે તે વેચી દીધો હતો. ડોસા માટે તો આ કુઠારાઘાત જ હતો. જમીન વેચાઈ ગઈ એની જાણ પણ તેમને પેલા દલાલ દ્વારા જ થાય છે. તેમના મનમાં તો ધ્રાસકો જ પડે છે. છાતીનો દુખાવો એટલો વધવા લાગ્યો કે જાણે હમણાં જ હૃદય બંધ પડી જશે. પરંતુ દલાલ આગળ તે હકીકતથી વાકેફ છે તેવો ડોળ કરે છે. ઘરે આવીને પણ મગજમાં તો જમીનવાળી વાત ઘૂમતી રહી. વહુને પૂછ્યું તો સામે છણકો થયો તેથી વધારે જાણવાનું માંડી વાળ્યું. ડોસાનો જીવ કચવાતો રહ્યો કે પોતે માતાની જેમ જે જમીનને સાચવી રાખી હતી તે જમીનને દીકરાએ વેચી દીધી છે. મગજ પર વધારે અસર થતા ડોસાને લકવો મારી જાય છે. ‘વાડ’માં આજુબાજુનાં ખેતરના બે ખેડૂતો વચ્ચે સર્જાયેલું વૈમનસ્ય કેન્દ્રસ્થાને છે. બન્ને ખેડૂતો વચ્ચે અણબનાવ છે તેથી પોપટે થોરની વાડ કરેલી છે. પોપટ નામના એક ખેડૂતે પોતાના ખેતરમાં મગફળી વાવી છે અને લોકોમાં ભયનો માહોલ છે કે ચોર આવીને ઊભો પાક વાઢી જાય છે. જેથી તે પોતાના ખેતરમાં રાતવાસો કરવા આવ્યો છે. ત્યાં બાજુના ખેતરનો માલિક મોહન અને તેનો ખેડુ રામજી પણ હાજર છે. મોડી રાત્રે ચોરી કરવા અને પાક બગાડવાના ઇરાદેથી આવે છે પરંતુ સમયવર્તે સાવધાન થયેલો મોહન અને રામજી સમયસર પોપટની મદદે આવે છે અને તેને અને તેના પાક બન્નેને બચાવી લે છે. છેવટે જૂનું બધું ભૂલી જઈને પોપટ પણ વાડને કાપીને મિત્રતાનો હાથ લંબાવે છે. ‘બલા’ વાર્તામાં પોતાની ચોરી ઢાંકવા માણસ બીજા પર દોષનો ટોપલો ઢોળી દે છે તેની વાત છે. આ વાર્તામાં એક આધેડ વયનો પુરુષ લેખક જે પરિણીત છે છતાં તેનું મન એક કન્યા તરફ ઢળ્યું છે. સામે તે કન્યા પણ કંઈ કમ માયાવી નથી. એક દિવસ પત્નીની ગેરહાજરીમાં તે પેલી યુવતીને કે જે પુસ્તકના બહાને તેની આગળ-પાછળ ફર્યા કરે છે તેને બોલાવે છે અને તેની સાથે મજા કરે છે. બીજા દિવસે પેપરમાં ટીના પોતાનું શોષણ કરનારા બધા લોકોનાં નામ બહાર પડે છે પરંતુ પેલાને હાશ છે કારણ કે પોતાની ભૂલ હોવા છતાં તેણે પોતાનું નામ લીધું નથી તેવી મગરૂરી તે બતાવે છે. અહીં પુરુષની ચરિત્રહીનતા અને સામે સ્ત્રીની લાચારીની તથા પોતાનાં કુકર્મોને છુપાવીને આબાદ છૂટી જતા પુરુષના જાતિગત સ્વભાવનું આલેખન છે. ‘કામિની’માં પણ આગળની વાર્તાનું અનુસંધાન છે. અહીં પણ એક પુરુષ પ્રોફેસર છે અને સામે પક્ષે કામિની નામની એક બાઈ છે જેને પીએચ.ડી. કરવું છે તેથી તે આ પ્રોફેસરના સલાહ-સૂચન અંતર્ગત તેમની ચેમ્બરમાં આવે છે. પ્રોફેસર આટલી ઉંમરે પણ કામિનીને જોતાં મંત્રમુગ્ધ થઈ જાય છે. હવે તેમની પત્ની સાથે પણ કામિનીને સારા સંબંધ છે. પ્રોફેસર કામિની સાથે સમય ગુજારવાના મોકાની તલાશમાં છે પરંતુ એક સાવ આકસ્મિક રીતે બનેલી ઘટના કે જેમાં પ્રોફેસરનાં પત્નીનું બ્લડપ્રેશર અચાનક વધી જાય છે અને કામિની ખડે પગે તેની સેવા કરે છે. પ્રોફેસરનું હૃદય પરિવર્તન થાય છે. તે તથા તેમની પત્ની તેને દીકરી તરીકે અપનાવે છે. ‘સોદો’માં ખેડૂતની મૂડીસમાન તેના જીવથી પણ વહાલાં બળદોની વાત છે. કરશન નામનો એક ખેડૂત કે જેની પાસે બળદની એક જોડ છે. આ વાર્તામાં પણ ઘરનાં પશુઓને ઘરના એક સભ્ય સમાન ગણવાની અને પોતાના સગા પુત્રની જેમ લાડપ્યાર કરવાની મનોવૃત્તિ જોવા મળે છે. ગામમાં આવેલ દુકાળને કારણે કરશનને પોતાના છોરું સમાન બળદને વેચી દેવા પડે છે તે પણ કમને. અહીં પરિવારની આંખોમાથી જોવા મળતાં દુઃખ-દર્દ અને કરુણા નીતરતી વાણી પણ આ વાર્તાનું આકર્ષક પાસું છે. પોતાના સાળાને બોલાવીને કરશન બન્ને બળદોનો સોદો પાક્કો કરે છે, પરંતુ બળદની સાથે સાથે તે પળે પળે પોતાનો જીવ પણ વેચી રહ્યો છે તેવું અનુભવે છે. ‘વાદળાં’ વાર્તા શારીરિક અને માનસિક સંઘર્ષ પામેલી નાયિકાની સ્થિતિ વર્ણવતી કથા છે. ભૂતકાળમાં એઇડ્સગ્રસ્ત પ્રેમીની સાથે સંભોગ માણવાથી નાયિકાને પણ તેનો ચેપ લાગે છે તેવું કથાનક ધરાવતી વાર્તા છે. વિશ્વને પાછળથી એ હકીકતની જાણ થાય છે કે તે પોતે એઇડ્સનો શિકાર છે અને તેનો રોગ રેવતીને પણ લાગ્યો છે તેથી તે તેને છોડીને એક એન.જી.ઓ.માં ભાગી જાય છે. નાયિકા તેને પોતાના જીવનમાં પાછો લાવવા ઇચ્છે છે, પરંતુ પાછળથી તે પોતે પણ તે G.A.P. નામના તે એન.જી.ઓ.માં જોડાય છે. નાયિકા સાથે સંબંધ બાંધ્યા પહેલાં પણ તે બીજી યુવતીઓ સાથે જાતીય સંબંધથી જોડાયેલો હતો તેથી તેની આ દશા થાય છે. રેવતી હાલમાં જ્હોન સાથે પ્રેમસંબંધથી જોડાયેલી છે, પરંતુ તેને વિશ્વની ખોટ સાલ્યા કરે છે. વિશ્વના એક પત્ર દ્વારા તેને જાણ થાય છે કે તે પેલા એન.જી.ઓ.માં છે તેથી તે તેની સાથે ત્યાં જોડાય છે. દ્વિધારૂપી વારેવારે નજરે ચઢતાં અને બાધારૂપ બનતાં વાદળાં રેવતીના એન.જી.ઓ.ની સાથે જોડાવાના એક સંકલ્પ સાથે વિખરાઈ જાય છે. ‘ઉતાહણી’ ગામમાં ઊજવાતા હોળીના પ્રસંગની અને તેના અનુસંધાનમાં ધરમાકાકાના રાયડાના ખેતરમાં લગાડવામાં આવેલી આગની હોળી તથા ભાથીના મનમાં લાગેલી આગની હોળીની સમાંતરતા એકસાથે ચાલે છે. વરસાદ વગરનાં કપરાં વર્ષોમાં ખેડૂત કેવી રીતે જીવે છે અને ગામના પટેલો તેમની મજબૂરીનો કેટલી હદ સુધી લાભ ઉઠાવે છે તે આ વાર્તાનું આકર્ષક પાસું છે. ગામનો મુખી ધરમો પટેલ આખા ગામનો ઉતાર છે. બાજુના ખેતરના માલિકની પત્ની કોકિલા સાથે તેને આડા સંબંધો છે તેથી તેનું વેર લેવા માટે કોકિલાનો પતિ પણ ધરમાને સબક શીખવવા માંગે છે. તે જ ભાથીને ધરમાના રાયડાના ખેતરમાં આગ લગાવવાનું કહે છે. હોળીના પ્રસંગ નિમિત્તે દારૂના પીઠાનો ધણી રંગુજી ભાથીને વધુ દારૂ પીવડાવે છે અને તેની પાસેથી બધી હકીકત ઓકાવીને તેને ભૂતકાળમાં ભાથીએ માર માર્યો હતો તેનો બદલો લેવા ધરમા પટેલનું ખેતર સળગાવી મૂકે છે. પોતાનું કામ બીજા કોઈએ કરી નાખ્યું અને તેને પશો ભેંસ અને ચાર બન્નેની જોગવાઈ કરી આપશે તેનો હરખ કરતો કરતો તે વિચારે ચઢી ગયો. ‘જીવતર’ વાર્તામાં ખેતરમાં વાવેલ મગફળીના પાકની ચિંતા કરતો ખેડૂત બળદેવ છે. ખેતરમાં મગફળીનો પાક ઊભો છે પરંતુ વરસાદની આગાહીઓ ચાલે છે તેથી પાક કોરો ઘરે પહોંચે તેની દરેક ખેડૂતને ચિંતા થાય તે સ્વાભાવિક છે. બળદેવને પણ તેના પાકની ચિંતા છે. મનને તો એ મનાવે છે પરંતુ છેલ્લે તો ધાર્યુ ધણીનું જ થાય છે. દાડીએ આવેલા મજૂરો અને બળદેવે ભેગા થઈને થાય એટલું ભેગું કરીને તેને કોરું ઘરે પહોંચાડવા પ્રયત્ન તો કર્યો પરંતુ કુદરત આગળ સૌ કોઈ મજબૂર છે. મગફળીનો પાક વેચીને પત્ની કપિલાને કરાવી આપવાના દાગીનાનો તેને વધારે વસવસો રહ્યો અને એકતરફ વરસાદ પણ બમણા જોરથી વરસવા લાગ્યો, જાણે કે બળદેવની દરેક ઇચ્છાઓ પર પાણી ફેરવતો હોય! ‘રણ... વાડી ને ભીમો’ કચ્છના નપાણિયા પ્રદેશની ઉજ્જડ ભૂમિને વિષય બનાવીને લખેલી વાર્તા છે. રણવિસ્તારમાં આવેલ ગામડામાં જીવન વ્યતીત કરતા અને તેમાં પણ ખેતરમાં રહીને જીવન ગુજારતા ભીમાની કહાની આ વાર્તામાં છે. એક પળ તો પડાવ નાખીને રહેનારા ભરવાડ નવઘણની પત્ની જીવી પર તેની નજર બગડે છે, પરંતુ જીવી તો ચરિત્રવાળી બાઈ નીકળી, તેથી ભીમાની દરેક કામનાઓ મનમાં જ રહી જાય છે. નાનો ભાઈ પરણ્યો છે તેથી તેને તો સ્ત્રીની ઓથ છે પણ પોતાને તો આ ખેતરમાંથી જ કાંઈ નવરાશ નથી. તેને પણ એક સ્ત્રી હોય તેવી આશા મનમાં રમ્યા કરે છે. કચ્છી આહીર-ભરવાડની બોલીનો બખૂબી પ્રયોગ સર્જકે આ વાર્તામાં કર્યો છે. ભીમાના નાનાભાઈની છોકરીના સાટામાં ભીમાને ગમે તેવી કાણી-કૂબડી વહુ પણ ખપે તેવું બોલતા ભીમાની સ્ત્રી માટેની ઝંખના અહીં પ્રગટ થાય છે. નાનાભાઈની સમજાવટથી છેવટે ભીમો પરણવાનો વિચાર માંડી વાળે છે. આ વાર્તામાં સર્જકે ભરવાડોની ખાસ એક લહેકાવાળી અલગ બોલીનો જીવંત પ્રયોગ કર્યો છે જે આ વાર્તાને અન્ય વાર્તાઓથી ભિન્નતા બક્ષે છે. ‘ઓનેસ્ટિ’ મૃત પતિને સંબોધીને પત્ની દ્વારા કહેવાયેલી વાર્તા છે. પોતાનો પતિ એક નામચીન લેખક હતો અને તેના ઘણાં બધાં ફોલોઅર્સ હતા અને તેમાંય સંદીપ નામનો યુવાન તેનો સૌથી વધારે ચહીતો વ્યક્તિ હતો. સંદીપ એક અંગ્રેજી પત્રકાર હોવા છતાં આ ગુજરાતી લેખક પર ન્યોછાવર છે. અને આ લેખક પણ તેને ધ્યાનમાં રાખે છે. તેના પતિને તેની જાણ બહાર કોઈ અન્ય સ્ત્રી સાથે આડાસંબંધો હતા તેની જાણ પત્ની દિવ્યાને થાય છે. સંદીપે પોતાના સર વિશે એક લેખ તૈયાર કર્યો હતો અને ટાઇટલ હતું : ‘વી લોસ્ટ અ ગ્રેટ રાઇટર ઍન્ડ અન ઓનેસ્ટ મૅન!’ દિવ્યાએ અન ઓનેસ્ટ મૅન પર કૂંડાળું કર્યુ અને ગ્રેટ રાઇટર જ માત્ર રાખવું તેવું જણાવ્યું. મૃત્યુ પામનાર કેટલો ઓનેસ્ટ છે તેની જાણકારી સંદીપને ક્યાં હતી? તેથી તે બિચારો નવાઈથી જોઈ રહ્યો. ‘ટ્રેક્ટર’ વાર્તામાં રોકડાં પૈસા મળે તો જ કામ કરનારા અને વહેવાર ચલાવનારા તથા બાકી ચલાવનારા ખેડૂતનું કામ ગમે એટલું અટકી પડ્યું હોય તો પણ કરે નહિ અને ખેડૂતને ધક્કા ખવરાવ્યા કરે એવી ખેડૂતની પણ કરમકથનીની વાત છે. ખેડૂતો જ્યારે પાક ઊપજે ત્યારે જ હિસાબ કરીને બધાના પૈસા ચૂકવે છે પણ બીજા માણસો તેમની આ કઠણાઈને સમજતા નથી ને તેમની પાસે વારેઘડીએ ઉઘરાણી કરે છે. એમાં પણ જો કપરું વર્ષ આવે તો પૈસા પણ ઝૂલે અને તેનું વ્યાજ ચઢે જાય અને વ્યાજ ભરવામાં જ આખું જીવન વ્યતિત થઈ જાય. ખેડૂતોની આ એક કરુણા છે કે તે ખેતરમાં ભૂખ્યા-તરસ્યા દિવસ મજૂરી કરે તો પણ ભાગમાં તો ભૂખ્યા રહેવાનું જ આવે છે. પોતાનું ટ્રેક્ટર અને પોતાનો બોર હોય તો આનાથી ત્રણ ગણી ખેતી થાય અને પાક પણ સારો ઊતરે એવી જિજીવિષા તેને આજીવન રહે છે. પણ કહેવત છે કે ‘બાર સાંધો ને તેર તૂટે’ તેની ઇચ્છાઓ મનમાં જ રહી જાય છે. અહીં સર્જકે કહેવતોનો પ્રયોગ બહુ સરસ કર્યો છે જેમ કે, ‘પારકા મુઢે પોંન ચાબ્બાનાં!’ (૮૧) તથા ‘આ તો નખ્ખોદિયું મલેય નહિ ને વેળા વળે નહિ!’ (૮૨) આ બધી કહેવતોના મર્મ બહુ ઊંડા છે. ખેડૂતના નસીબમાં લખાયેલું દુઃખ અહીં સર્જક આવી કહેવતો દ્વારા બયાન કરે છે. સ્ત્રીના ખભા ઉપર બંદૂક મૂકીને ધાર્યું નિશાન તાકવાવાળા પુરુષોની કથની કહેતી આ વાર્તા સ્ત્રીનું સમાજમાં અને પોતાના ઘરમાં શું સ્થાન છે તેની હકીકત આલેખે છે. ‘સહી’ નામની આ વાર્તામાં એક સ્ત્રી દ્વારા બીજી સ્ત્રીને ચરિત્રહીન પુરવાર કરતા કાગળ પર સહી કરીને કાયમ માટે કાં તો અન્યાય સહન કરવો અને કાં તો તેની સામે અવાજ ઉઠાવવો બેમાંથી એકની પસંદગી કરવી તેવા કથાનક પર છે. આ વખતે સરપંચની સીટ મહિલા ઉમેદવાર માટે અનામત છે તેથી કોકિલાના પતિ અને સસરા તેને ઉમેદવાર તરીકે ઊભી કરે છે. છેલ્લા દશ વર્ષથી તેના સસરા જ સરપંચપણું કરે છે તેથી હજી પણ પોતાના ઘરેથી જ વહીવટ થાય તેવું તે ઇચ્છે છે તેથી કોકિલાને ઊભી રાખવામાં આવી છે. સરપંચ તો તેને નામની બનાવવામાં આવે છે, બાકી વહીવટ તો સસરા અને પતિ જ કરશે. કારણ કે સ્ત્રીને કંઈ તમા ન હોય. તેને માત્ર ઘર જ સંભાળવાનું હોય તેવી લઘુતાગ્રંથિથી પીડાતા દરેક પુરુષની અહીં વાત છે. કોકિલા જીતી. હવે તેને કોઈ સારા-માઠા પ્રસંગે હાજરી આપવાનું થતું. પતિ આ સહન ન કરી શકે, કારણ કે ગામમાં એક સ્ત્રી-શિક્ષિકા હતાં જેના લીધે કોકિલાને આટલું માન-સન્માન મળતું, પરંતુ પતિ અને સસરાથી કેમ જીરવાય? તેથી તેઓ કોકિલા પર જોહુકમી કરવા લાગ્યા. આ બાજુ તરલિકાબેન પુરુષો સામે તેમની અકારણ કરવામાં આવતી ટ્રાન્સફરના બદલામાં અવાજ ઉઠાવે છે તેથી બધા ગામના પુરુષોથી તે સહન થતું નથી અને આખરે તેમને આ ગામમાંથી કાઢવા માટે તેમના પર ચરિત્રહીનતાનો આક્ષેપ મુકાય છે. તેના કાગળ પર કોકિલાને સહી કરવાની આવે છે. કોકિલા પણ જાણે છે કે તરલિકાબેન પર જૂઠો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે, પરંતુ ઘરની આબરૂ અને ઇજ્જત માટે એક સ્ત્રીને બીજી સ્ત્રી પર લગાવવામાં આવેલા આ તહોમતનામા પર સહી કરવી પડે છે. આ વાર્તામાં એક સ્ત્રીની તેના કુટુંબ પ્રત્યેની જવાબદારી અને પુરુષ સામેની તેની મજબૂરીનાં દર્શન થાય છે. મૃત્યુની સામાન્ય ઘટના પર એક વ્યક્તિની બીજી વ્યક્તિ પ્રત્યેની સહાનુભૂતિનાં દર્શન આ વાર્તામાં થાય છે. ‘દિલાસો’ નામની આ વાર્તામાં માત્ર સાથે મોર્નિંગ વૉક પર જનાર બે પુરુષોની વાત છે. જેમાંથી એકનું અચાનક મૃત્યુ થઈ જાય છે. જેનો બીજા પર ઘેરો આઘાત લાગે છે. જાનીભાઈનું આમ અચાનક જ મૃત્યુ થઈ જતા મનહરભાઈના મન પર ભારે આઘાત લાગે છે. સર્જકની મોટાભાગની વાર્તાઓમાં જાનીભાઈનું પાત્ર મુખ્ય છે. કોઈ સ્વજનના મૃત્યુથી નિકટના લોકોને વધારે દુઃખ પહોંચે તે સ્વાભાવિક છે પણ બીજા કોઈ પર આટલો આઘાત લાગે તે થોડું અપ્રીતિકર લાગે. મનહરલાલ જેવા સમાચાર સાંભળે છે કે તેઓ જાનીભાઈના ઘરે બેસવા જાય છે. ફોટો જોઈને તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે ત્યારે જાનીભાઈનો છોકરો તેમને દિલાસો આપે છે, પણ તેમની આંખોમાં જાનીભાઈ માટે જરા પણ દુઃખ જણાતું નથી ત્યારે મનહરભાઈને આઘાત લાગે છે. ઘરે જતી વખતે પણ તેમને ફરી વાર રડવું આવી જાય છે. આ વાર્તામાં માણસનું મૂલ્ય તેના જવાથી ઘડીવારમાં સ્વજનો પણ ભૂલી જાય છે તે વાસ્તવિકતાને નક્કર બનતી બતાવી છે. ‘હોના-રૂપાનું ખેતર’માં એ જ ખેડૂતોની વ્યથા અને પોતાની માતા સમાન જમીનને જ્યારે વેચવાનો વારો આવે ત્યારે તેને કેટલું દુઃખ થાય છે તેની કથની આ વાર્તામાં કહેવામાં આવી છે. કહેવાતા પટેલો પણ થોડા દિવસ સુધી નાણાં ધરે છે પરંતુ પછી ગીરવે મૂકેલી જમીનનો ધણી પણ બની જાય છે. દૂરસંગની વ્યથા વર્ણવતી આ વાર્તા લેખકની કલમે બહુ સુંદર આકાર પામી છે. જીવાભાઈ પટેલ એક મોટા ખેડૂત છે અને દૂરસંગને જોઈતાં નાણાં પણ ધીરે છે પરંતુ તે પૈસા જો દૂરસંગ પાછાં ન આપે તો જમીન પચાવી પાડે છે. પોતાના છોકરાનાં લગ્ન કરવા દૂરસંગે જમીન ગીરવે રાખીને જીવાભાઈ પાસેથી પૈસા લીધા છે પરંતુ છોકરો સાવ અવળચંડો છે તેથી મૂડી તો ઠીક પણ દૂરસંગ વ્યાજ ચૂકવી શકતો નથી. તેથી જીવાભાઈનો છોકરો દૂરસંગની જમીન વેચાતી લઈ લે છે. છેલ્લે માત્ર લાચારીસહ તેઓ ખેતરને જોતા રહે છે પરંતુ કશું કરી શકતા નથી, પોતાનું હોના-રૂપાનું ખેતર તો ક્યારનું વેચાઈ ગયું હતું. ‘રીત’ વાર્તામાં સવર્ણ કોમનો નીચલી કોમ પરનો અણગમો જ પ્રગટ થાય છે. કહેવાતા ભણેલાં અને શહેરમાં રહેતાં લોકો શહેરમાં કોઈ ભેદભાવ કરતા નથી. પરંતુ ગામડાની રીતને તો તેઓ જ ખાલી અનુસરે છે અને તેમનાથી નીચલી જાતિને તેમની નીચી જાતિમાં પેદા થયા હોવાનું સતત ભાન કરાવે છે. મંગળ નામનો એક હરિજનનો છોકરો શહેરમાં જઈને નોકરી કરવા ઇચ્છે છે. તેના પિતા શહેરમાં રહેતા કોઈ પરેશભાઈની ભલામણ લાવે છે. પરેશભાઈ શહેરમાં રહે છે અને પોતાને રહેવામાં તથા નોકરી મેળવવામાં મદદ કરશે તેવી આશા સાથે પિતા તેને શહેરમાં મોકલે છે. મંગળને નોકરી મળી જાય છે તેથી તે પરેશભાઈને મળવાનું ટાળે છે પરંતુ એક દિવસ સામેથી પરેશભાઈ તેને ભટકાઈ જાય છે. તેને પિક્ચર જોવા અને જમવા હોટલમાં પણ લઈ જાય છે જેથી મંગળને પણ થાય છે કે પોતે ખોટું વિચારતો હતો. પરેશભાઈ સારા માણસ છે. તેઓ થોડા દિવસમાં ગામ જવાના છે અને મંગળને પણ સાથે લઈ જવાનું કહેતા તે રાજી થઈ જાય છે. ગાડીમાં બેસીને મંગળ પોતાને ગામ જવા નીકળ્યો પણ જેવા ગામની ભાગોળે પહોંચ્યા કે પરેશભાઈએ તેને ગાડીમાંથી ઉતારી મૂક્યો. તેમનું એવું માનવું હતું કે શહેરમાં તો ચાલે, પરંતુ ગામમાં તેમની આબરૂ મંગળના સાથે આવવાથી ઓછી થઈ જાય. મંગળની સ્થિતિ તો કાપો તો ય લોહી ના નીકળે તેવી થઈ ગઈ. આખરે તેને પણ માનવું પડ્યું કે પરેશભાઈ હોય કે ગમે તે બીજું કેમ ન હોય, પરંતુ આ ઊંચનીચનો ભેદભાવ ક્યારેય નહીં જાય. ‘ખમુ સરપંચ’માં પણ સરકારી વગ ધરાવતા લોકો તેમનાથી ઊતરતી કક્ષાના લોકોને પોતાની રમતનું પ્યાદું બનાવીને તેનો કેવો ઉપયોગ કરે છે તેની વાત છે. આ વખતે સરપંચની સીટનો ઉમેદવાર કોઈ નીચી કોમના વ્યક્તિને એટલે કે કોળી જાતિના વ્યક્તિને બનાવવાનો છે અને રામજી મહારાજ એવા ઉમેદવારની તલાશમાં છે કે જેની ઓથ લઈને તે પોતાના ઊલટાં સીધાં કામ કરી શકે અને તેમણે ખમુને શોધી કાઢ્યો. કારણ કે તે અભણ છે તથા તેને આવું કોઈ જ્ઞાન નથી. સાચું સરપંચપણું તો રામજી મહારાજ જ કરશે ખમુ તો માત્ર તેમના હાથની એક કઠપૂતળી છે. આ સંગ્રહમાં સર્જકે મોટાભાગની વાર્તાઓમાં રાજકારણની ખટપટોને અને કદી ન ઉકેલાતા સળગતા પ્રશ્નોને નગ્નરૂપ આપી ઉઘાડા પાડ્યા છે. માત્ર સરપંચ બની જવાથી ઘરના વહેવાર ઓછા ચાલે છે અને અધૂરામાં પૂરું કોઈ સાહેબ આવી ચઢ્યા હોય તો ગાંઠના પૈસે એને ચા પણ પાવી પડતી તેથી ખમુને તો લેવાના દેવા પડી ગયા પરંતુ તોપણ તે ખુશ હતો. કારણ કે હવે તેને કોઈ ખમુ તરીકે નહિ, પણ ખમુ સરપંચ તરીકેનો માન-મરતબો મળતો. દામજી સથવારાએ સામે પડીને રામજી મહારાજ સાથે બાથ ભીડી હતી. પાંચ વર્ષથી તે સતત ચૂંટણી જીતતો આવ્યો છે પણ આ વખતે અનામત સીટ મળવાથી રામજી મહારાજ પાછા મેદાનમાં ઊતર્યા છે, કારણ કે તે જાણે છે કે આ વખતે જીત તેમની જ છે. ખમુ પણ હવે ધીમે ધીમે બધું સમજતો થયો હતો કે રામજી મહારાજની રજા વગર તે પાણી પણ પી શકતો નહોતો. અચાનક એક ઘટના બની ત્યારે તેને ખરેખર સમજણ આવી કે તેને સરપંચ બનવું નહોતું, તેને તો સરપંચ બનાવવામાં આવ્યો હતો. ‘આંચકો’માં બે મિત્રોની વાત છે. રણજિત એક ખૂબ ખરાબ કહી શકાય તેવો છોકરો છે જે વેશ્યાવાડે પણ જાય છે, જ્યારે પિન્ટુ એક સારો છોકરો છે પણ રણજિતની સોબત અને તેની માતાના મૃત્યુ પછી તે પણ થોડો બગડી ગયો છે. પિન્ટુના પિતા શિક્ષક છે તેથી શિસ્તના કડક આગ્રહી છે જેને પિન્ટુ કેદ સમજે છે તથા ઘરમાં તેને સાવ ઠાવકા બનીને રહેવું પડે છે. માતાને બ્રેસ્ટ કૅન્સર હોવાથી તે મૃત્યુ પામી છે ત્યારથી પિન્ટુ પોતાને એકલો સમજે છે જેથી તેને રણજિત સાથેની દોસ્તી ગમે છે. રણજિત સાથે તે વેશ્યાવાડે ગયો, વાતવાતમાંથી તેને જાણવા મળે છે કે તેની માતાના મૃત્યુ પછી પિતા પણ અવારનવાર અહીં આવે છે તેથી તે પણ છેવટે જાય જ છે. ‘રહસ્ય’માં પતિએ ઘડાવેલો હાર તેમના મૃત્યુ પછી કોના માટે બનાવડાવ્યો હશે તેનો ભેદ ઉકેલવા મથતાં સુનંદાબહેનની વાત છે. મૃત પતિએ રોજમેળમાં બીજું બધું ચૂકતે કરેલું છે પરંતુ કોઈ K નામથી કોઈ વ્યક્તિની સામે બે હજાર રૂપિયા ઉધાર સોનીને આપવાના છે તે ટપકાવ્યું છે પરંતુ તે કોણ હશે તેની દુવિધામાં સુનંદાબહેનને ઊંઘ આવતી નથી. થોડાક દિવસ બાદ એક સોની ત્યાં આવી ચઢે છે અને તેમને બિલ બતાવીને તેમને સાડા સાત હજાર રૂપિયા લેવાના નીકળે છે તેમ જણાવે છે અને સાથે સાથે તે પણ કોના માટે સોનાનો હાર બનાવડાવ્યો હતો તેનું રહસ્ય પણ ખોલે છે. સોનીના ગયા બાદ સુનંદાબહેન કંકુડી માટે તેના પતિએ નવ હજારનો હાર બનાવી આપ્યો અને તે પણ પોતાની જાણ બહાર તે જાણીને અફસોસ કરે છે અને મોકળા મને રડી પડે છે. સર્જકનું ભાષાકર્મ આ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં સોળેકળાએ ખીલી ઊઠે છે. તેમના એક એક શબ્દમાં ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલીની છાંટ, ત્યાંના ખેડૂતો, તેમના કપરાં વર્ષોમાં પણ અડીખમ ઊભા રહીને પરિસ્થિતિ સામે લડી લેવાની શૂરવીરતા વગેરે આ વાર્તાસંગ્રહને એક અનોખો ઓપ આપે છે. ‘મલાજો’ એ તેમનો ત્રીજો વાર્તાસંગ્રહ છે જે વર્ષ ૨૦૧૨માં પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પ્રગટ થયો છે જેમાં કુલ મળીને ૧૮ વાર્તાઓ છે. મલાજો એક તળપદો શબ્દ છે તેનો શિષ્ટ અર્થ ‘લાજ’, ‘શરમ’, ‘મર્યાદા’ એવો સામાન્ય રીતે કરી શકાય. વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા જ રસપ્રદ છે તેથી આ વાર્તાસંગ્રહની શરૂઆત આકર્ષક છે તે નિઃશંકપણે કહી શકાય. સર્જકની મોટાભાગની વાર્તાઓનો મુખ્ય વિષય ખેડૂત અને ખેતી છે. પ્રથમ વાર્તાનું શીર્ષક છે ‘કાઠું વરહ’. એનો અર્થ થાય કપરું વર્ષ. આ વાર્તાસંગ્રહમાં બીજા વાર્તાસંગ્રહની જેમ જ ગામડાંઓ પ્રત્યેનો અને એક ભૂમિપુત્ર પ્રત્યેનો પ્રેમ ઉત્કટ રીતે વ્યક્ત થયો છે. ‘કાઠું વરહ’ આ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા છે. માતા-પિતાના મૃત્યુ પછી એક બહેનનો આશરો એનો ભાઈ હોય છે. લીલાબહેન પોતાના ઘર માટે પાળેલાં પશુઓ માટે ઘાસચારાની જોગવાઈ કરવાં આવ્યાં છે કારણ કે તેમને ભરોસો છે કે તેનો ભાઈ તેને ગમે તે રીતે મદદ કરશે. તેવી તેને આશા છે. પણ તેની ભાભીનો સ્વભાવ થોડો તીખો છે તેથી ભાઈ મદદ કરશે કે નહિ તેની અવઢવમાં છે. ભાભી પણ વાતવાતમાં પોતાના ઘરના રોદણાં રોવે છે પરંતુ બહેનને વિશ્વાસ છે કે ભાઈ આઘુંપાછું કરીને પોતાને વ્યવસ્થા કરી જ આપશે. ભાઈ ખેતરમાં ગયો છે તેથી તેની રાહ જોયા વગર છૂટકો નથી જેથી તે બપોરનું જમવાનું તૈયાર કરવા ભાભી સાથે જોડાય છે. ભાઈ ખેતરમાંથી આવે છે અને બહેન તેના આવ્યાનું કારણ જણાવે છે. ભાભી અંદર ઓરડામાં લઈ જઈને કંઈક કહે છે અને ભાઈ બહેનને મદદ ન કરવા બહાનું આપી દે છે. બહેન ઘરે જવા નીકળે છે. કોણ જાણે ભાભીને શું સૂઝ્યું કે, તેના પતિને તે નણંદની મદદ કરવા જણાવે છે. કદાચ તેને એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની પીડા સમજાઈ હોય. પતિ પણ તેની પત્નીની આ સારપતા પર વારી જાય છે. ભાભી આવાં કપરાં વર્ષમાં એક નણંદનું ઘર-આંગણું સાચવી લે છે. ‘ખટમીઠાં બોર’માં દુનિયાને ભદ્ર હોવાનો દેખાવ કરતા પણ ખરા સમયે પોલ ઉઘાડી પડતા પોતાની જાતને છાવરવા મથતા એક વૃદ્ધની વાત છે. શામલી નામની એક નીચી જાતિની બાઈ પાસેથી બોર લેવા માટે ભઈલુંને રણછોડબાપા ઠપકો આપે છે. ગામમાં પણ તેમની છાપ બ્રહ્મચારી વ્યક્તિ તરીકેની છે પરંતુ પોતે કેટલા બ્રહ્મચારી છે તે તો ભઈલું સારી રીતે જાણે છે. બ્રહ્મચારી અને ભગત માણસનો અંચળો ઓઢીને ફરતા રણછોડબાપાને ભઈલું શામલી સાથે રાસલીલા કરતા જોઈ જાય છે. તે પોતાની માને સચ્ચાઈ કહી શકતો નથી, પરંતુ રણછોડબાપા પર તેને બહુ ખીજ ચડે છે. ‘મલાજો’ વાર્તામાં ગામના સરપંચને હાર્ટઍટેક આવ્યો છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. ડૉક્ટરે અડતાલીસ કલાકનું જોખમ કીધું છે તેથી કાશીનો જીવ ઉચાટમાં છે કે કેમે કરીને સરપંચનો જીવ બચી જાય. પતિના મૃત્યુ પછી ઘર અને ખેતરનો સઘળો ભાર કાશીના માથે આવે છે. સરપંચ સ્વભાવનો સારો છે તેથી તે પોતાના ખેતરમાંથી કાશીને ગમે તે સમયે ચાર વાઢી જવા માટે પરવાનગી આપે છે. જોકે સરપંચ કાશીની એકલતાનો ફાયદો પણ ઉઠાવે છે. કાશીને પણ પતિના મૃત્યુ બાદ કોઈ પુરુષની જરૂર છે. આમ, બન્નેનું કામ ચાલ્યા કરે છે. ગામમાં જાતજાતની અફવાઓ ચાલે છે પરંતુ કાશીને એ બધાથી કોઈ મતલબ નથી. આખરે સરપંચના મૃત્યુનાં સમાચાર આવે છે. તે દિવસે કાશીને કોઈના ખેતરમાં મજૂરીકામે જવાનું હોય છે પરંતુ સરપંચના મૃત્યુના સમાચાર સાંભળી હવે તે કોઈ કામે જવા માંગતી નથી. કોઈ અંગત વ્યક્તિના મૃત્યુનો મલાજો પાળવો એ કાશી માટે કેટલો જરૂરી છે તે ગામના લોકો ક્યાંથી સમજી શકે? ‘આદમી’ વાર્તામાં પુરુષ કોઈ અન્ય સ્ત્રી સાથે લગ્નબહારના સંબંધો બાંધે તો આ સમાજમાં અને ઘરમાં તેને બધી છૂટ, પરંતુ કોઈ સ્ત્રી કોઈ અન્ય પુરુષ સાથે હસીને વાત પણ કરે તો તેને વહેમભરી નજરે જોવામાં આવે છે અને તેનાં ચરિત્ર પર સવાલ ઉઠાવવામાં આવે છે, તેવા સમાજના આ વિરોધી વલણની વાત આ વાર્તામાં કરવામાં આવી છે. દેવાભાઈનું મન રંગીન છે તેથી તે ગામમાં અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધ રાખે છે. તેનો એક મિત્ર તેના ઘરે આવે તો તેની પત્ની સાથે હસીને વાતો કરે છે તેથી સાસુ વહેમાય છે. પત્ની મણિ એક સારા ચરિત્રવાળી બાઈ છે છતાં તેના પર આક્ષેપ મૂકવામાં આવે છે જે તેને જરાય ગમતું નથી. દેવાભાઈને પશાભાઈએ રંગે હાથ પકડ્યો ત્યારથી મણિને પણ એમ લાગવા માંડ્યું કે કદાચ તે સુધરી જશે પરંતુ થોડા દિવસમાં તો તે જેવો હતો તેવો જ થઈ ગયો. ‘જીવતચરા’ એટલે પોતાની હયાતીમાં જ પોતાની દીર્ઘાયુ માટે લોકોને જમાડીને રાજી કરવા. જોઈતાભાઈને બે દીકરા અને એક દીકરી છે. પત્ની ક્યારના સ્વર્ગે સિધાવી ગયાં છે પણ ડોસાને ગામ જમાડવાની ખૂબ ઇચ્છા છે. બે દીકરા અને વહુઓને આ મંજૂર નથી. તેઓ ડોસાને બહુ સમજાવે છે પરંતુ ડોસો એકનો બે થતો નથી. પોતાની આ ઇચ્છાને કોઈ પણ ભોગે તે પૂરી કરવા માંગે છે. અહીં પોતાના સ્વાર્થ માટે ડોસાની ઇચ્છાને માન ન આપતા દીકરાઓની વરવી વાસ્તવિકતા અને સમય વર્તે સાવધાન થતા ડોસા જોઈતાભાઈનું ચરિત્ર સારું વિકાસ પામ્યું છે. ‘હુંઢેલ’ આ શબ્દનો અર્થ છે કે બે ખેડૂતો આર્થિક તકલીફોને લીધે એક- એક બળદ રાખી સહકારથી ખેતી કરાવે. શામળ અને તેનો ભાઈ એક-એક બળદ રાખી હુંઢેલ કરે છે. એકનો બળદ સાજો હોય તો બીજાના ખેતરમાં કામ કરે અને તેનો બળદ થાકી જાય અને તેનો થાક ઊતરી જાય ત્યાં સુધી બીજા બળદને કામમાં જોતરી શકાય તથા બન્ને પક્ષે આર્થિક અને બીજી અનેક મુશ્કેલીઓ સરળ બને એટલા માટે આ હુંઢેલ કરવામાં આવે છે. શામળનો ભાઈ તો ઠીક, પણ તેની પત્ની કંકાસિયણ છે. શામળનો બળદ બીમાર છે, થોડો ચારો નીરતા તે થોડો સ્વસ્થ થઈ જાય છે તેથી તેની પત્નીની સલાહ પ્રમાણે હળ જોતરવા મોકલે છે, પરંતુ સંપૂર્ણપણે સ્વસ્થ ન હોવાથી તે મૃત્યુ પામે છે. પણ સ્ત્રી-જાતને તો કોણ પહોંચી વળે? ભાભી તો બળદ બીમાર હોવા છતાં મોકલ્યો તેથી મૃત્યુ પામ્યો તેવો શામળ અને તેની પત્ની પર આક્ષેપ મૂકે છે અને એવી રીતે તે તેનો તથા તેના પતિનો આબાદ બચાવ કરી લે છે. ‘પ્રતિક્રિયા’માં સ્ત્રીની મનોદશાને દરેક જગ્યાએ સરખી છે તે પછી શહેરમાં રહીને એજ્યુકેટેડ કે બિઝનેસમૅન જોડે પરણી હોય કે ગામડાના કોઈ અભણ પુરુષ જોડે. અહીં એવી બન્ને પક્ષની સ્ત્રીની મનોવેદનાનું ચરિત્રચિત્રણ છે. પન્ના દેવ નામના પુરુષને પરણીને શહેરમાં ઠરીઠામ થઈ છે જ્યારે તેની હમઉંમર કૈલાસ નામની છોકરી કોઈ આધેડ પુરુષને પરણીને જીવતેજીવ નર્કવાસ ભોગવી રહી છે. પન્નાને બીજી કોઈ બાબતે હેરાનગતિ નથી તેનો પતિ તેને કોઈ વાતે ઓછું આવવા દેતો નથી. બીજા પક્ષે કૈલાસનો પતિ તેનું શારીરિક શોષણ કરે છે તેનાથી કંટાળીને તે પોતાના પિયરમાં રહેવા માટે આવી ગઈ છે અને પાછી જવાની ના પાડે છે. પન્નાની માતા તેને કૈલાસને સમજાવવા માટે કહે છે, તે કૈલાસની મનોવેદનાને જાણે છે. તેના મનમાં કૈલાસ પ્રત્યે સહાનુભૂતિ જાગે છે. દેવ જ્યારે તેને લેવા આવે છે ત્યારે અનાયાસે કૈલાસની યાદ આવે છે. તેનો પતિ જેમ તેના પર આધિપત્ય ભોગવે છે તેમ દેવ પણ તેના પર આધિપત્ય ભોગવતો હોય તેવી પ્રતિક્રિયા આપે છે. ‘અરધો ભાગ’માં પણ સવર્ણોની નીચી જાતિના લોકો પર થતી શોષણખોરીની જ વાત છે. જશુ નામના એક વણકર મજૂરને મગફળીનો પાક લેવા માટે દાડીએ આવવા એક પટેલ બોલાવવા આવે છે. તે આનાકાની કરે છે, પરંતુ પાક લેવાતા પાછળનો વધેલો બગાડ તેને આપવાની શરતે મજૂરીએ લઈ જવા તૈયાર થાય છે. પોતાનું કામ પાર પડે છે એટલે પટેલ તો ‘ગરજ સરી ને વૈદ્ય વેરી’ કહેવત જેવું કરે છે. મગફળીનો પાક લેવાઈ ગયા પછી વધેલું લેવાના બદલામાં જશુએ દાડી ભરી આપવાનું નક્કી કરેલું તેથી તે બન્ને પતિપત્ની તો સવારમાં વહેલાં જ ખેતરે ઊપડી જાય છે અને અર્ધું ખેતર સાફ કરી નાખે છે જેવો મગફળીનો અર્ધો કોથળો ભરાઈ જાય છે ત્યારે ખેતર માલિક તેમાં ભાગ માંગે છે. તે આ દંપતીએ ભેગી કરેલી મગફળીમાં પણ પટેલ દાનત બગાડે છે. પરંતુ એ તેમની મજબૂરી હતી તેથી સાવ કંઈ ન મળે તેના કરતાં અર્ધો ભાગ પણ તેઓ સ્વીકારવા તૈયાર થાય છે. ‘રૂપાંતર’માં કોમી વિખવાદમાં પોતાના છ વર્ષના દીકરાને ગુમાવી બેઠેલા પિતાનું મનોમંથન ધ્યાન ખેંચે છે. કોમી રમખાણ થાય છે અને તેમાં ફસાયેલો મુસ્લિમ યુવક નાયકના ઘરમાં આશરો લે છે. પત્ની દ્વારા તેની દેખભાળ થાય છે. વાતવાતમાં તે આ વિધર્મી યુવકનું નામ પણ જાણી લે છે. પોતાના દીકરાને મારી નાખનારનું નામ પણ ઈકબાલ અને આ યુવકનું નામ પણ ઈકબાલ તેથી તેને પેલાને મારી નાખવાની ઇચ્છા થાય છે, પરંતુ તેને પણ એક છોકરો છે તે હકીકત જાણ્યા પછી અને પત્ની દ્વારા સમજાવટથી તેનું હૃદય પરિવર્તન થાય છે. અહીં સર્જક કોઈ ધર્મને નહીં પરંતુ માનવતાના ધર્મને જ સાચો ધર્મ માનવા માટેનો એક અણસાર આપે છે. ‘મગજની લાડુડી’માં ખાવાની લાલસાને રોકી ન શકતા એક વૃદ્ધની વાત છે. પોતાના શરીરમાં જાતજાતની તકલીફો હોવા છતાં ડોસા ગળ્યું ખાવાનું છોડી શકતા નથી, અને તેમનો જીવ દીકરાની વહુએ બનાવેલા મગજની લાડુડીમાં અટવાઈ રહે છે. માગવાથી વહુએ ન આપી તેથી વહુ આઘી-પાછી થતા ડોસાએ ચોરી કરીને મગજની બે લાડુડી ખાઈ લીધી. જેવી તેમણે લાડુડી ખાધી કે તેમનો જીવ ગયો. વેદાંત તેમના પૌત્રને પણ દાદા પ્રત્યે પ્રેમ હતો તેથી તેણે નાસ્તામાં લાડુડી વધારી અને સાંજે આવીને દાદાને આપવાનું નક્કી કર્યું હતું. વહુને એ વાતનો અફસોસ રહી ગયો કે ડોસાનો જીવ લાડુમાં અટવાઈ રહ્યો. પણ બાદમાં ખબર પડી કે ડોસાનો જીવ એ લાડુ ખાધા પછી જ ગયો છે. ‘દક્ષિણા’માં પોતાની ગુરુદક્ષિણા અદા કરવા માટે વિત્યું ભૂલી જઈને પોતાની ફરજ અદા કરનાર એક નીચી જાતિના ગવર્નમેન્ટ ઑફિસરની વાત છે. અશોક નામના આ યુવકે ભટ્ટસાહેબ પાસેથી સ્કૂલ સમયનું શિક્ષણ લીધું છે. તેમણે ક્લાસમાં ઇંગ્લિશ વિષય સરસ રીતે શીખવ્યો હતો અને અશોકનું માનવું હતું કે તેમના પ્રતાપે જ આજે તે પોતે આટલી મોટી સરકરી નોકરીનો હકદાર હતો. સ્કૂલ સમયમાં ભટ્ટસાહેબે તેની પ્રત્યે જે અણગમો રાખ્યો હતો તે અશોક ભૂલી જઈને તેણે નિર્ણય કર્યો કે જેમ તેઓ ગુરુતાગ્રંથિનો શિકાર વિદ્યાર્થીઓને બનાવતા રહ્યા તેમ લઘુતાગ્રંથિનો શિકાર બની પોતે એવું હીન કાર્ય નહીં કરે અને ભટ્ટસાહેબનું પેન્શન ચાલુ કરાવવામાં મદદરૂપ થશે તથા તેના મિત્ર પી. સી.ને પણ ભટ્ટસાહેબ પરથી કેસ પાછો લેવા માટે સમજાવે છે. ‘નરો વા કુંજરો વા’માં પ્રેમિકા સાથે હૃદયના ઊંડાણથી પ્રેમ કરનાર માણસ પરણ્યા પછી પત્નીને કેવી હેવાનિયતથી રાખે છે તે એક જ વ્યક્તિના બે વિરોધી સ્વભાવની વાત આ વાર્તામાં કરવામાં આવી છે. એક બાજુ કેકા નામની એક અલ્લડ યુવતી છે જેનો પ્રેમી પંચમ છે જે તેને છોડીને ચાલ્યો ગયો છે અને તે તેની યાદમાં પરણી નથી. નારીવાદી પ્રવૃત્તિઓ પર ચાલતી એક સંસ્થામાં કેકા કાર્યરત છે. આ સંસ્થાને ડૉનેશનની જરૂર છે અને ભાવનગરમાં રહેતી પ્રિયા વ્યાસને તે આ અંગે મળવા જવાની છે. કેકા ભાવનગર જઈને પ્રિયાને મળે છે અને તેનું મન જીતી લે છે તથા તેનો ભૂતકાળ સમજવાની કોશિશ કરે છે. પ્રિયાને જાણવા મળે છે કે તે આ જ પંચમ છે જેની અખંડ છબિ કેકાના મનમાં એક સાચા પ્રેમી તરીકેની છે. તેથી કેકાના પૂછવા પર પ્રિયા તેને સાચું પણ નહીં અને જૂઠ્ઠું પણ નહીં, એટલે કે મહાભારતના દ્રૌણની જેમ પંચમ એક રીતે એ છે ય ખરો અને નથી પણ એવું અર્ધસત્ય કહીને અલવિદા કરે છે. ‘મન’માં પોતાના તાજેતરમાં થયેલાં લગ્નની અને પતિની ગેરહાજરીમાં તેની મીઠી યાદોને વાગોળતી નાયિકાની અને તેના ચરિત્રના સ્ખલનની વાત છે. કેકા અને વિવેકના હમણાં જ લગ્ન થયાં છે પરંતુ નોકરીના એક ભાગરૂપે તેને પંદર દિવસની ટ્રેનિંગમાં જવાનું થાય છે. અહીં આખા ઘરમાં તે એકલી-અટૂલી પોતાની જાતીય ભૂખ એક પ્લમ્બર સાથે સંતોષે છે. બનાવ બની ગયો પરંતુ પાછળથી તેને આવી પડેલી આ ઓક્વર્ડ સિચ્યુએશનનું ભાન થાય છે અને સાથે પસ્તાવો પણ થાય છે. પેલો કાલવાળો પ્લમ્બર ફરીથી આવે છે તેની સેવામાં હાજર થવા અને પોતે તેને એક લપડાક લગાવીને ધડામ કરીને બારણું બંધ કરી ફરીથી વિવેકને ફોન લગાવે છે. ‘પ્રેમ તો હું તને જ...’ વાર્તામાં ઑફિસમાં સાથે કામ કરતાં અને એકબીજાને પ્રેમ કરતાં એક યુગલ – કેદાર અને તેની પત્ની અપર્ણાની આ વાત છે. કેદારનું થોડા સમય પહેલાં એક કાર ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. અપર્ણા હવે એકલી છે. એકલતા કોઈ પણ માણસને કોરી ખાય છે. ઑફિસમાં કામ કરતા એક યુવાન કાર્તિક જોડે તે સંપર્કમાં આવે છે. તે સાથે કામ કરે છે તેથી ખાસ્સો સમય સાથે વિતાવે છે. કેદારની ગેરહાજરીમાં અપર્ણા મૃત કેદાર સાથે વાર્તાલાપ કરે છે. આ આખી વાર્તા અપર્ણાના આ વાર્તાલાપ પર આધારિત છે. પોતે કાર્તિક સાથે કોઈ સંબંધથી બંધાયેલી નથી અને પ્રેમ તો તે તેને જ કરે છે તેવું જતાવવાની અને નારાજ કેદારને મનાવવાની કોશિશ કરે છે. ‘અંધારું’માં સાથે ફરતા એક યુગલ જેમાંથી છોકરી સામેથી પ્રેમીને તેની સાથે પરણવાનો પ્રસ્તાવ મૂકે છે, પરંતુ પોતે એક ક્રાંતિકારી સંગઠનમાં જોડાયેલો છે તેથી તેને ઠુકરાવી દે છે, તે વિષયને લઈને લખેલી વાર્તા છે. ટોની અને સપના આ વાર્તાનાં મુખ્ય પાત્રો છે. સપનાને તે ગમે છે પરંતુ ટોની સપનાથી દૂર જ રહેવાનું યોગ્ય માને છે. કારણ કે તેના ગ્રૂપનો મુખ્ય લીડર નંદાજી (બૉસ) પોતે બ્રહ્મચારી છે. તે તેના દરેક ભાષણમાં શારીરિક અને માનસિક બ્રહ્મચર્યની વાત કરે છે. ક્રાંતિકારી ચળવળની ચાલતી પ્રવૃત્તિમાં તેને જેલ થાય છે અને તેનો ભાઈ તેને છોડાવે છે અને સારી છોકરી શોધીને પરણી જવાની સલાહ આપે છે. હવે બધું બદલાઈ ગયું હતું ત્યાં સુધી કે પોતે જેને ત્યાં જતો હતો તે પ્રોસ્ટિટ્યુટ પણ... હવે તે પૈસો-પાવર-પ્રતિષ્ઠા જેની પાસે હોય તેવા લોકોને જ કંપની આપતી હતી. સપનાનું ખુલ્લું ઇજન હોવા છતાં તેણે તેની સાથે કોઈ ખોટું કામ ક્યારેય કર્યું નહોતું. અચાનક તેને સપના યાદ આવી. પોતે પણ કદાચ કોઈ ક્ષણે સપનાને પ્રેમ કર્યોર્ હતો તેવી અનુભૂતિ તેને થાય છે. અને ત્યાં જ તેને સપનાનો ભેટો થાય છે. તે તેને મેરેજ માટે પ્રપોઝ કરે છે પણ સપના તેને એક વિઝિટિંગ કાર્ડ પકડાવી દે છે જેના પરથી તેને ખ્યાલ આવે છે કે તે પરણી ગઈ છે. તેને આ ભૂલનો કેટલો મોડો અહેસાસ થાય છે. ‘રેઝિગ્નેશન’માં એક સાડત્રીસની વયે પહોંચેલી એક કામુક મહિલા રચનાની વાત છે. તેને કૉલેજના નવયુવાનો પસંદ છે. તેની માતાને તે ગર્વથી કહ્યાં કરતી કે ખોટું શું છે તે જીવશે એકલી જીવનભર? જિન્સી આવેગો કોઈનાય રોકાઈ શકતા નથી. તે કૉલેજમાં પ્રોફેસર છે. નિકુંજ નામના એક ભોળા વિદ્યાર્થીને તે પોતાની જાળમાં ફસાવે છે. પેલો યુવાન એટલો બધો કંટાળી જાય છે આ પ્રોફેસરથી કે તે આત્મહત્યા કરે છે. તે નિકુંજ સાથે બળજબરીથી જાતીય સંબંધ બનાવે છે. પરંતુ નિકુંજ હવે તેની હરકતોથી પરેશાન છે. તે કોઈને કંઈ કહી શકતો નથી. તેણે તેને શુક્રવારે બોલાવેલો પણ તે આવ્યો નહીં અને બીજા દિવસે સમાચાર મળે છે કે તેણે આત્મહત્યા કરી લીધી છે. તેણે બ્લેકમેઇલિંગથી કંટાળીને જ આ સ્યુસાઇડ કર્યું હતું તેની જાણ થતાં અક્ષત દ્વારા નિકુંજ માટે એકઠા કરાતા ફાળામાં તે પ્રથમ જ તેના વતી પાંચ હજાર રૂપિયા લખાવે છે અને પસ્તાવો થતાં નોકરીમાંથી રેઝિગ્નેશન આપી દે છે. ‘નિર્ણય’માં સમલૈંગિક જાતીય સંબંધ રાખતા બે પુરુષોની અસમાનતાની પણ વાત છે. કેદાર અને વેદાન્ત એક પ્રકારની બીમારીથી પીડાય છે. બન્ને સાથે જાતીય સુખ પણ માણે છે પરંતુ પછીથી વેદાન્ત જ્હાનવી નામની એક યુવતી સાથે લગ્ન કરે છે. કેદાર તેને બેવફા માનીને તેનું ખૂન કરવા તત્પર થઈ તેને મળવા બોલાવે છે. વેદાન્ત પણ સાથે પિસ્તોલ લઈને આવેલો જે તે કેદારના હાથમાં આપે છે તથા કેદારને પોતાને મારી નાખવાની વાત પણ કરે છે. જેથી બધી મુસીબતોનો અંત આવી જાય. કેદારનું હૃદય પરિવર્તન થાય છે તે વેદાન્તને છોડીને કાયમ માટે મુંબઈ ચાલ્યો જાય છે. ‘સૉરી, ફોર’માં ઉપરની વાર્તાનું અનુકરણ છે, પરંતુ અહીં બે મહિલાઓની વાત છે. શ્રુતિ એક વિધવા મહિલા છે તૃપ્તિ તેને પસંદ કરે છે જે કુંવારી છે. આપણો સમાજ આવા સંબંધોને મંજૂરી આપતો નથી. તેમની સામે ખરાબ દૃષ્ટિથી જુએ છે. શ્રુતિ પરણેલી છે જ્યારે તૃપ્તિ લેસ્બિયન છે. પહેલા જેના પર નફરત થાય છે એ જ તૃપ્તિ જ્યારે શ્રુતિની દરકાર કરે છે ત્યારે તેને માટે શ્રુતિને માન જાગે છે. તૃપ્તિ પોતાની આવી હરકતો બદલ શ્રુતિની માફી માંગે છે, પરંતુ શ્રુતિ તેને કિસ કરીને તેનો સાથ આપે છે. સર્જકના તમામ વાર્તસંગ્રહોમાં માત્ર દલિતચેતના, નારીચેતના કે ગ્રામચેતના એવા વિભાગોમાં મૂકી શકાય તેવી જ વાર્તાઓ નથી. જીવંત જીવાતા જીવનમાં ઝીણી ઝીણી બાબતો અને ઘટનાઓ કથાબીજ બનીને સહજ રીતે આપણી સાથે વણાયેલી છે. જેને આપણે જોયા વગર પણ વણજોઈ કરેલી છે તેવી બાબતો પર એક સરસ વાર્તાનું સર્જન કરી વાર્તાકલાક્ષેત્રે વિવિધતા સાથે ભાવકના રસને પોષ્યો છે. ત્રણેય વાર્તાસંગ્રહોની તમામ વાર્તાઓમાંથી પસાર થતું વિવિધતાનું દર્શન ઊડીને આંખે વળગે એવું લક્ષણ અવશ્ય છે.
પાયલ પટેલ
પીએચ.ડી. સ્કૉલર,
ગુજરાતી વિભાગ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,
પાટણ
મો. ૯૮૨૫૦ ૫૫૩૯૫