ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/દેવશંકર મહેતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દેવશંકર મહેતાની શ્રેષ્ઠ વાર્તાઓ –
લોકજીવનની વાર્તાઓ

શિલ્પી બુરેઠા

[‘દેવશંકર મહેતાની શ્રેષ્ઠ વાર્તાઓ’, સંપાદક ડૉ. જગદીશ ત્રિવેદી, પ્રથમ આવૃત્તિ : ૨૦૧૬, વિશેષ આવૃત્તિ : ૨૦૨૩, પૃષ્ઠ સંખ્યા ૨૪+૧૨૮=૧૫૨ કિંમત રૂ. : ૧૪૦ પ્રકાશક ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર, ગુલાબ ઉદ્યાન સેક્ટર ૧૭, ગાંધીનગર ૩૮૨૦૧૭]

GTVI Image 23 Devshankar Mehta.png

સંપાદકનો ટૂંકો પરિચય :

દેવશંકર મહેતાની શ્રેષ્ઠ વાર્તાઓના સંપાદક છે ડૉ. જગદીશ ત્રિવેદી. તેઓ ભારતીય હાસ્યલેખક, લેખક, કવિ, અભિનેતા અને ચિંતક હોવાની સાથે સાથે ઉમદા સમાજસેવક છે. સુરેન્દ્રનગરના જિલ્લાના વઢવાણમાં જન્મેલા ડૉ. જગદીશ ત્રિવેદી હાઈસ્કૂલમાં શૈક્ષણિક પડકારોનો સામનો કરતા ૧૧મા અને ૧૨મા ધોરણની પરીક્ષામાં નાપાસ થયા હતા. જોકે તેઓએ પાછળથી એક વાર નહીં, બે વાર નહીં પણ ત્રણ-ત્રણ વાર પીએચ.ડી. ડિગ્રી મેળવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ડૉ. નીતિન વડગામાના માર્ગદર્શન હેઠળ ‘નવલકથાકાર : દેવશંકર મહેતા એક અધ્યન’ વિષય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાંથી ડૉ. ઉષાબહેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ‘હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ : એક અધ્યયન’ વિષય અને સી. યુ. શાહ યુનિવર્સિટી, વઢવાણમાંથી ડૉ. બળવંત જાનીના માર્ગદર્શન હેઠળ ‘રામકથાકાર મોરારિબાપુના કથાકથન અને પ્રસંગકથનમાં પ્રગટતું કથનશૈલીનું કૌશલ્ય અને સામાજિક નિસબત’ જેવા વિષયોનો સમાવેશ થાય છે. તો બે વિદ્યાર્થીઓએ એમના સાહિત્ય ઉપર પીએચ.ડી. કર્યું છે. તેમણે ૮૨ જેટલા પુસ્તકો લખ્યા છે અને ૨૮ જેટલા દેશોની કુલ ૭૬ યાત્રાઓ કરીને દેશ-પરદેશમાં સાડા ત્રણ હજારથી વધુ કાર્યક્રમો આપ્યા છે. હાસ્યકલાના સ્વરૂપને લોકપ્રિય બનાવવામાં તેમણે ખૂબ મોટો ફાળો આપ્યો છે. અને ગુજરાતી હાસ્યને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડ્યું છે. તેઓ છેલ્લા સાડા સાત વર્ષથી પોતાના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે. જેમાં તે વહીવટી ખર્ચ પણ લેતા નથી. તેઓએ તેમના પ્રદર્શન અને લેખનમાંથી થતી કમાણીનો નોંધપાત્ર હિસ્સો સખાવતી કાર્યોમાં દાનમાં આપ્યો છે, જેમાં વંચિતો માટે તબીબી અને શૈક્ષણિક સુવિધાઓ સુધારવા પર ધ્યાનકેન્દ્રિત કરવામાં આવ્યું છે. છેલ્લા છ વર્ષમાં એમણે ૧૨ સરકારી શાળાઓ, ૭ સાર્વજનિક પુસ્તકાલયો, ૧ છાત્રાલય અને ૧ બાળ આરોગ્યસેવા કેન્દ્ર મળીને કુલ ૨૧ જેટલી ઇમારતો ચણીને દાનમાં આપી છે. અત્યાર સુધીમાં એમણે કુલ ૧૩.૫ કરોડથી વધુ રૂપિયાનું દાન કર્યુ છે. ગુજરાત સરકારે એમને ગૌરવ પુરસ્કાર, સંગીત નાટક અકાદમી, દિલ્હીએ એમને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર તથા ૨૦૨૪માં, કલા અને સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

લેખકનો પરિચય :

ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે તા. ૧૬-૧-૧૯૧૬ના રોજ પિતા કાશીરામ અને માતા પૂરી બહેનને ત્યાં જન્મેલા દેવશંકર મેહતા તેમનું ચોથું સંતાન હતા. પિતાજી કર્મકાંડી બ્રાહ્મણ અને ખેડૂત તેમજ ધ્રાંગધ્રા રાજ્યના ઝાલારાજના રાજગવૈયા હતા. લેખકને ઘરમાંથી જ સંગીતકલા ધર્મપરાયણતા અને મહેનતકશ વાતાવરણ પ્રાપ્ત થયું. ગુજરવદી ગામેથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ૧૯૨૮માં તેર વર્ષની ઉંમરે લખતરના બ્રાહ્મણ રામચંદ્ર રાવલની દશ વર્ષની દીકરી કાન્તા સાથે લગ્ન થયાં, પંદર વર્ષની ઉંમરે બીમાર પિતાજીની સારવાર, લગ્નજીવન અને ચાર નાના ભાઈબહેનોની સંભાળની જવાબદારી લઈને ૧૯૩૨માં કોંઢ ગામની ધૂળી નિશાળમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. તમામ કામ તથા હિન્દી અંગ્રેજી અને બંગાળી ભાષા શીખ્યા. પિતાજીનું મૃત્યુ થતા પાછા વતનમાં આવીને પાછી ખેતી સંભાળી. જામનગરથી પ્રગટ થતા ‘મોજ મજા’માં કમ્પોઝીટર અને પ્રૂફરીડરની નોકરી સાંભળી. ત્યારબાદ મુ. શ્રી રતુભાઈ અદાણી, મુ. શ્રી રસિકભાઈ, શ્રી ઢેબરભાઈ તથા ઝવેરચંદ મેઘાણી અને ગુણવંતરાય આચાર્યના સંપર્કમાં આવ્યા. થોડોક સમય ‘સૌરાષ્ટ્ર’માં કામ કર્યું. વ્યાવહારિક પ્રસંગો ઉકેલવા ખેતર અને ખોરડું ગીરવે મૂકી ૧૯૪૩માં મુંબઈ ગયા ત્યાં ગુણવંતરાય આચાર્યના પ્રેસમાં કામ કર્યું. શામળદાસ ગાંધીના ‘વંદે માતરમ્‌’માં જોડાયા. ઈ.સ. ૧૯૪૬માં સમગ્ર દેશ સ્વાતંત્ર્ય સંગ્રામનાં રંગે રંગાયેલો હતો. એ દિવસોમાં ગાંધીજીનાં પરિચયમાં આવ્યા. ગાંધીજીની અવારનવાર મુલાકાતથી સંવેદના જાગી. જેને લોકો સુધી પહોંચાડવા લેખનનું માધ્યમ પસંદ કર્યું. જેના પરિણામે તેમની ઘણી કૃતિઓમાં ગાંધીવાદ આવારનવાર પ્રગટ થતો દેખાય છે. ઈ.સ. ૧૯૪૬માં દેવશંકર મહેતા પાસેથી ‘ગામને ઝાંપે’ નામે પ્રથમ વાર્તાસંગ્રહ મળે છે. ત્યારબાદ ૧૯૪૭માં ‘પેપાને લીંબોળી’ તથા ૧૯૫૦માં ‘મૂંઝવતા પ્રશ્નો’ નામે ત્રીજો વાર્તાસંગ્રહ આપે છે. જેમાં સહલેખક તરીકે શ્રીમતી મનુમતીનું નામ પણ જોડાયેલું છે. પોતાના ત્રણ પુસ્તકો વિષે લેખકો વિવેચકો દ્વારા જે નિવેદનો મળ્યા એથી નિરાશ થઈ લેખનકાર્ય છોડી દીધું. મુંબઈમાં શામળદાસ ગાંધીના પ્રેસમાં નોકરી છોડી ગુજરવદી આવી ખેતીકામમાં લાગ્યા. આમ તેઓએ શિક્ષક, ખેડૂત ઉપરાંત પોતાના જીવનમાં વિવિધ ભૂમિકાઓ જેવી કે સમાજસેવક, રાજનીતિજ્ઞ, કથાકાર અને ગ્રામપરિવેશના જ્ઞાતા માર્ગદર્શક વગેરેની ભૂમિકા અદા કરેલી. સાતેક વર્ષના લેખન વનવાસ પછી પત્ની કાન્તાબહેનની હૈયાધારણાથી ને કેશવલાલ ધનેશ્વર દવે ‘શનિ’ના ‘ચેતમછંદર’ છાપામાં ધારાવાહિક નવલકથા લખવાનું નિમંત્રણ મળતાં ‘મીઠી વીરડી’ નામે નવલકથાથી પુનઃલેખન શરૂ થયું. ‘મીઠી વીરડી’ની અભૂતપૂર્વ સફળતા અને પ્રસંશા પછી એક પછી એક એમ ૨૭ સામાજિક, ૨૫ ઐતિહાસિક, ૧૧ દરિયાઈ એમ કુલ ૬૭ જેટલી નવલકથાઓ આપી છે. નવલકથામાં તેમનું વિશિષ્ટ પ્રદાન એ રહ્યું છે કે તેઓએ આભનું ઓઢણું અને પૃથ્વીનું પાથરણું કરીને વગડામાં રહેતી સાત જેટલી વિચરતી જાતિઓ ઉપર સાત સ્વતંત્ર નવલકથા લખી જે આ મુજબ છે. મલ્લ અને કાંગસીવાળાના જીવન ઉપરથી ‘કમનીય કાંગસીવાળી’, વણઝારાના જીવન પરથી ‘લાડલી વણઝારી’, દેવીપૂજકના જીવન ઉપરથી ‘કામણગારી કજરી’ આડોડિયા અને સરાણિયાની નવલકથા ‘અલબેલી આડોડિયાણી’, ડફેર કોમના જીવન ઉપરથી ‘દિલેર ડફેરાણી’ અને મદારીના જીવન પરથી ‘મતવાલી વાદણ’ લખી. જેના ઉપરથી ‘સૌભાગ્ય સિંદૂર’ નામની ગુજરાતી ફિલ્મ નિર્માણ પામી. આ સાત નવલકથા તેમનું સર્વોત્તમ સર્જન છે. લોકજીવનના લેખક તરીકે તેઓ તળપદી ભાષામાં ગામઠી બોલીના આલેખન દ્વારા ગુજરાતી નવલકથાકાર તરીકે ભારે ચાહના પામ્યા. વાર્તાલેખનથી લેખન શરૂઆત કરનાર આ સર્જક પાસેથી આઠ નવલિકાસંગ્રહ મળે છે. જેની યાદી નીચે મુજબ છે. (૧) ગામને ઝાંપે (૧૯૪૬), (૨) પેપાને લીંબોળી (૧૯૪૭), (૩) સુઘરીનો માળો (૧૯૪૮), (૪) મૂંઝવતા પ્રશ્નો (૧૯૫૦), (૫) ભાતીગળ ઘરચોળું (૧૯૫૧), (૭) ખોવાયેલા અંગનાં ઢાંકણ (૧૯૬૬), (૮) ગામની મા (૧૯૬૯) જેવા નવલિકાસંગ્રહો આપ્યા છે. જેમાં કુલ મળીને ૯૬ જેટલી વાર્તાઓ સંગ્રહાયેલી છે.

લેખકનો યુગસંદર્ભ અને લેખકની વાર્તા વિભાવના

લેખકનું જન્મવર્ષ છે ૧૯૧૬. આ વર્ષની આસપાસ મલયાનિલની સાહિત્યસર્જનની શરૂઆત થઈ ચૂકી હતી. ‘વીસમી સદી’, ‘સાહિત્ય’, ‘જ્ઞાનસુધા’, ‘વાર્તાવારિધિ’, ‘સુન્દરીબોધ’ જેવા સામયિકોમાં વાર્તાઓ પ્રકટ થતી હતી. આ યુગના વાર્તાકારો કનૈયાલાલ મુનશી, ધનસુખલાલ મહેતા, સૌ. પ્રેમિલા કલ્યાણરાય જોશી, હરિપ્રસાદ કિરપારામ ઠાકોર, સવૈલાલ અજમેરા જેવા સર્જકો સક્રિય હતા. લેખક દેવશંકર મહેતાનાં સાહિત્યસર્જનકાલની શરૂઆતનો સમયગાળો ૧૯૪૦થી ૧૯૪૬ વચ્ચેનો કહી શકાય. આ સમયગાળો સમગ્ર ભારત દેશ માટે સ્વતંત્રતા ચળવળનો હતો. તેમની ઘણી કૃતિઓમાં પણ ગાંધીવાદ પ્રગટતો જોવા મળે છે. અનુગાંધીયુગ તેમનો યુગસંદર્ભ ગણી શકાય. વર્ષ ૧૯૪૬માં તેઓ ‘ગામને ઝાંપે’ પ્રથમ નવલિકાસંગ્રહ આપે છે અને વર્ષ ૧૯૫૦ આસપાસ તેઓ ત્રણેક સંગ્રહ આપી ચૂક્યા હતા. પરંતુ સમકાલીન વિવેચકો અને લેખકો દ્વારા જે નિવેદનો મળ્યા એનાથી ભારે નિરાશ થયા હતા. લખવાનું બંધ કરી ખેતીકામમાં લાગી ગયા હતા.

GTVI Image 24 Devshankar Mehtani Shreshth Vartao.png

ટૂંકી વાર્તા અને પોતાના સર્જન વિષે લેખક લખે છે, ‘હું લેખક છું એથી વધુ તો હું ખેડૂત છું. ધરતીપુત્ર હોવાના કારણે ધરતીનાં ગમા-અણગમા, સુખ-દુઃખ, શરમ-સંકોચ મારી નજરે ચડ્યાં છે. ઘોર અંધારી રાતે સીમ જ્યારે સૂતી હોય એવા ટાણે મારું દિલ ગામમાં કે ઘરમાં કોળતું નથી. તારલામઢ્યો આભનો ચંદરવો ઓઢીને ધરણી જ્યારે ભોર નીંદરમાં પોઢી હોય ત્યારે હું અડવાણા પગે ખેતરો ખૂંદુ છું. વગડાની ઉઘાડી મોકળાશ મારા મનને મોકળું બનાવે છે. એ સમયે શિયાળિયાની લાળી અને તમરાંની તણેણાટી સૂણીને મારા પ્રાણને પાંખો ઊગે છે. પોતાના ધાવણા છોરુને થાનોલે વળગાડતી જનેતા પોતાના જણતરને આપે એવો આવકાર મા ધરતીએ મને આપ્યો છે. એ વખતે જો સાચી તરસથી કાન માંડો તો ધરતીની ધીરગંભીર અને મરમ ભરેલી વાણી સાંભળવા મળે છે. મા ધરતીનો ખોળો ખૂંદવો અને ગાણું સાંભળવું એ મનખા દેહનો અમૂલખ લહાવો છે. મા ધરતી મારા હૃદયમાં જેવા ભાવ ભેટ ધરે છે એવા જ ભાવ કાગળ ઉપર ઉતારવાની મેં ટેવ રાખી છે. મેં તો ધરતીની વાચાને કાગળ ઉપર વણવા કાજે જ વાર્તાનો આશરો લીધો છે. કોઈ પોઢી પરણેતરના ઠાવકાં હેત સમા મારા પાત્રો, મને મારી આજુબાજુ જીવાતાં જીવનમાંથી જ જડી રહે છે. કોઈ સમર્થ લેખકની એક પણ કિતાબ મેં વાંચી નથી. હું આંખ ઉઘાડું છું અને મારી નજર સામે જીવાતાં જીવનની કીમતી કિતાબો ઉઘાડી ભાળું છું. બોલાતી લોકબોલીમાં મેં મારી કલમને ઝબોળી છે. તળપદા શબ્દોનો મને સથવારો સાંપડ્યો છે. વણવપરાયેલા અણલખાયેલા જોરાતાં શબ્દોની સભર છાબ મા ગુર્જરીના ચરણે ધરવાના મને અબળખા છે.” સંપાદક ડૉ. જગદીશ ત્રિવેદી તેમની વાર્તાઓ વિષે લખે છે કે, ઉપરોક્ત લખાણ ઉપરથી દેવશંકર મહેતાનો સ્વભાવ અને પસંદગી જાણી શકાય છે. લેખક પોતાની જાતને ક્યારેય સમર્થ માનતા નથી. એમના જમાનામાં ડઝનબંધ લેખકોનો દબદબો હતો છતાંય ગુજરવદી જેવા ગામડામાં રહીને વિપુલ માત્રામાં સર્જન કર્યું. આજે પણ આ ગામઠી અને લોકપ્રિય સર્જકની વાર્તાઓ એટલી જ છપાય છે, વંચાય છે, વેચાય છે. તેઓએ વાર્તા લખવા માટે વાચાનો આશ્રય લીધો નથી, પરંતુ વાચાને વ્યક્ત કરવા માટે કલમને ખોળે માથું મૂક્યું છે. એમને પુસ્તકો વાંચ્યા નથી પરંતુ મસ્તકો ખૂબ વાંચ્યા છે. એટલે જ તેમની પાત્રસૃષ્ટિ લોકજીવનમાંથી જન્મી છે. તમામ પાત્રો લેખકને સમાજમાંથી મળ્યા છે. ડૉ. જગદીશ ત્રિવેદી દ્વારા સંપાદિત ‘દેવશંકર મહેતાની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકમાં કુલ દસ વાર્તાઓ સંપાદિત કરાઈ છે. ‘ગામની મા’, ‘રાજબાનું એવાતણ’, ‘ડાક વાગી દલડાના દેશમાં’, ‘જૂગટું’, ‘વર-વહુની દેરી’, ‘સાગર સાવઝ ઘંટાલ’, ‘રંગ છે બેરડીને’, ‘સતનાં પારખાં’, ‘મરદની દીકરી’, ‘અચળ મર્દાનગી’. આઠ વાર્તાસંગ્રહોમાંની કુલ ૯૬ નવલિકાઓમાંથી અહીં પસંદ કરાયેલી શ્રેષ્ઠ વાર્તાઓમાં પહેલી વાર્તા છે ‘ગામની મા’. ‘વહી ગયેલા જાજરમાન જમાનાની જોરાન્તી જુવતીની જીવનકથા.’ એમ કહી લેખકે સર્વજ્ઞ રહીને શરૂઆત કરી છે. પછી પ્રથમ પુરુષ એકવચનના કથનકેન્દ્રથી નાયિકાની કથા આગળ વધે છે. શ્રીકૃષ્ણના દ્વારિકાવાસ વખતથી વસતા રબારી જાતિના ઉત્પત્તિ કથામાં શામળા નામના ગોવાંતી અને રઈ જેવી અપ્સરાના લગ્નકથાની માંડણીથી કથાનો પિંડ બંધાયો છે. કથામાં પુરાણકથાનાં સહારે રજૂ થતી નાયિકાની કથાનું અનુસંધાન વસ્તુસંકલનાને પ્રયોજવાનું પ્રયોજન સિદ્ધ થતું જણાય છે. ભગવાન શંકરની સવાસો જેટલી સાંઢણીઓ ચારતો ગોવાંતી શામળાએ દૂધની પરબ બંધાવેલી જે માનસરોવરની જાત્રાએ આવતા જોગી જોગન્દરને દૂધ પીવડાવાનું પરમાર્થ કાર્યું થતું. વાર્તાના શીર્ષક મુજબ નાયિકા રાણી પોતાનું ધાવણ ધાવણથી વંચિત રહેતા બાળકોને ધવરાવી ધાવમાતા તરીકે ગામની મા તરીકે પ્રખ્યાત થાય છે. લેખકે પુરાણકથાને સહારે રબારી જાતિના ઉજળા વ્યવહારને વસ્તુનિરૂપણમાં બરાબર ખપમાં લીધો છે. વસ્તુનિરૂપણની દૃષ્ટિએ જોઈએ તો હું કથનકેન્દ્રની કહેવાયેલી નાયિકા રાણીની કથામાં બળકટ ભાષાશૈલી સબળું પાસું ધરાવે છે. જે પરિવેશ ખડો કરવાની ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નાયિકાના લગ્ન તો ગર્ભાવસ્થાથી નક્કી થઈ ગયા છે. પતિ કાઠીહીણો છે ને નાયિકા જરા હાડેતી. ઘરમાં સાસુ પણ સસરાને નવી આવેલી છે ને સ્વભાવે કડવા જીભી. નાયિકા ધણી રુખડને હેતપ્રીતનો હેવાયો કરતા ને વિશ્વાસમાં લેતા જરા સમય લે છે. એક દિ દૂધનું બોઘરણું હાથથી છટકી જતા વાંઝણીમેણું મારે છે ત્યારે વળતા જવાબમાં ‘બીજી વહુ કરો’નું કહેતા સસરો અભિમાનથી રુખડની નવી વહુ લાવે છે. અહીં સાસુને પૂરા દિવસો જતા દીકરાને જન્મ આપવો. શોક્યનું આવવું અને પોતાને પણ દિવસો રહ્યાના સમાચારની ઘટના દ્વારા લેખકે વાર્તામાં સામાજિક સંઘર્ષ ઊભો કર્યો છે. પતિ રૂખડ નવીને પિયર મૂકે છે પણ નાતની બીકે રાણીને ભાઈ બહેનના સબંધે ઘરે રાખી નવી સાથે સંસાર માંડે છે. સાસુ દ્વારા ગળામાં નખ ભરાવીને નાના દીકરાની થતી હત્યા અને ધણીના ત્રાસ સામે મોરચો માંડતી રાણી સસરાના ઘરનાં અનાજ પાણી અગરાજ કરી જાતમહેનતથી સાસરે જ રહે છે. ઢગલામોઢે આવતું ધાવણ શેડ્યુ ઉડતી, ધારું થાતી ને ઊંઘ હરામ થતાં રાણી કુલગોર પરબતભાની સલાહ લેવા જાય છે. પરબતભાને ઘરે બકરીના દૂધ પર ઉછરતા તેમના જ બાળકને સૌ પ્રથમ ધવરાવીને ગામના ધાવણથી વંચિત બાળકોને પેટ ઠારવાનો યજ્ઞ શરૂ કરે છે. સાસુ અને પતિના વિરોધ છતાં આ યજ્ઞ ચાલુ રાખે છે. સાસુના કપટથી ભેંસના આંચળ પર લગાડેલા ઝેરથી રાણીનું મૃત્યુ થાય છે. અંતિમ વેળાએ પોતાનો પાળિયો ઊભો કરીને ધાવણ ના આવતું હોય એવી સ્ત્રીઓને પોતાને પવિત્ર મનથી પ્રાર્થશે તો ચોક્કસ ધાવણ આવશે એમ કહી રાણી દેહ છોડે છે. લેખકે એક ધાર્મિકકથાને લોકબોલી અને દેશ્ય શબ્દોના ઉપયોગથી લોકકથાને વધુ સારી રીતે સિદ્ધ કરી છે. બળકટ ભાષાપ્રયોગ દ્વારા સાદૃશ્ય પાત્રાલેખન ઊભું કરવાની લેખકની વિશિષ્ટ શૈલીએ લોકજીવનનાં સદ્‌-અસદ્‌ પાત્રોની ઓળખ કરાવતી નમૂનેદાર ‘સતનાં પારખાં’ વાર્તામાં એક તરફ ગામધણી પવિત્ર ઝાલો ઠાકોર અને અન્નપૂર્ણાનો અવતાર સમા ઠકારાણા પરમાર, ભોળા ઉજી અને ઉકો જેવા પવિત્ર જોડલાં છે તો સામા છેડે ઠાકોરના જ ગરાસ પર નભતા, દિવસો ફરતા ફરી જનાર સ્વાર્થી પાત્રો મરઘા, વલકુ, રઘો કરમચંદ, પાંચા પટેલ અને પોતી પટલાણી જેવા પાત્રોની ભરમાર છે. વાર્તામાં બે વિરોધી સ્વભાવના પાત્રોનાં સંનિધિકરણ સાધી લેખકે વાર્તારસ જમાવ્યો છે. મોટાભાગના પાત્રોનો લાંબી લેખણે પાત્ર પરિચય આપવાનું ચૂક્યા નથી. નાયિકા ઉજી અને ઠકારાણા પરમારના સંવાદોથી વાર્તા વિસ્તરે છે. વાગડની ધરતીનાં દુકાળના કપરા વખતમાં ઝાલાવાડના ગરાસદાર ગામમાં ઉજી અને ઉકો આવી વસ્યા. પછે સુકાળના સમયમાં ઠાકોરના મમતાળુ વ્યવહાર છોડીને જતા જીવ માનતો નથી. સ્વરાજ આવ્યા પછી, રાજ ગરાસ ગયા ગામધણી ગરીબ બનતા બધાયે સાથ છોડી દીધો પણ ઉજી અને ઉકો હંમેશા સાથે રહેવા લાગ્યા. ઉજીના મોઢે બોલાયેલો આ સંવાદ જુઓ – ‘વાગડિયા સહુ સ્વારથનાં સગાં છે, ગૂમડું મટ્યું કે વૈદ વેરી. ભલે સંધાય ઠાકોર-ઠકરાણાનો સાથ છોડી ગયાં પણ આપણે એમની ઓથ છોડાવી નથી હો, વખાના માર્યા આપણે અહીં આવ્યા’તા ત્યારે પરમારે આવકાર ને આશરો આપ્યા’તા. એકલવાયા ઠાકોર-ઠકરાણાનો સાથ તજી દઈએ તો વગડ પંથની રખતરખાં લાજે.’ (પૃ. ૯૨) ઠાકોર સતપુરુષ છે. કોઈને આડું આવ્યું હોય ને દરબારનું નાડુ પલાળેલું પાણી પ્રસૂતાને પાય તો આડું ભાંગે છે. ઠાકોર ઠકરાણા વિષે એલફેલ બોલતા સુયાણી મરઘાને સંભળાવી દે છે. ઉજીને સારા દિ’ દેખાયા પ્રસૂતિ સમયે સ્ત્રી મટીને જક્ષણી બનેલી મરઘા પોતાના બધાય નડતર દૂર કરવા ઉજીની સુવાવડમાં બાળકને અવતારવામાં કૂડી કરામત કરીને બદલો વાળવાની ભાવના સેવે છે. ઠાકોર પવિત્ર રહ્યા નથી-ની જાહેરાત કરતા જ પવિત્ર ત્રણ પ્રાણો પળવારમાં પ્રભુધામમાં પરવારી જાય છે. અહીં લોકજીવનની સતજીવન જીવતા પાત્રો અને ખલ પાત્રોના સ્વભાવના સન્નિધિકરણની પ્રવિધિ વડે વાર્તાનું કાઠું સુગ્રથિત રીતે બંધાયું છે. ‘ડાક વાગી દલડાના દેશમાં’ ત્રીજા પુરુષ એકવચનમાં લખાયેલી ગુજરાતી ફિલ્મ જેવું શીર્ષક ધરાવતી વાર્તાનું વિષયવસ્તુ લોકકથામાં આવતા પ્રેમકથાનું છે. મેઘા રાવળ અને ઝબુડીના પ્રેમનું કારણ બને છે મેઘાની ડાક. દેવીપૂજક સમાજમાં દર વરસે માતાજી સમક્ષ થતા જાતીય ગુનાની કબૂલાતના દિવસથી શરૂઆતથી વાર્તા મંડાય એ પહેલા જવાન મેઘાની ડાકની બજવણીની મીઠી સૂરાવલીઓનું ઘેલું લગાડે એવા પરિવેશથી વાર્તાનો ઉઘાડ થયો છે. ઝબુડીને મેઘના ડાકની બજવણીનું ને ડાક બજાવનાર મેઘાનું ઘેલું લાગ્યું છે. બાર મહિના ન વહી જતા એ જ કબૂલાતનો દિ આવી પહોંચ્યો. ગામ આખાની નજર ઝબુડીની કબૂલાત પર હતી. પણ કોણ જાણે મેઘાની ડાકનું પડ તૂટી જતા પરીક્ષા બંધ રહી. ડાક ગઈ... રંગત ગઈ... ઝબુડીને રીઝવવા પોતાની છાતીનું સમથલ ચામડું ઉતારી ડાક પર ચડાવ્યું. મેઘાને મરવાનું તો હતું પણ ઝબુડીને રીઝવીને. ઝબુડી મઢમાં આવી ને મેઘાએ ડાક પર છેલ્લી વારની દાંડી પીટી. પ્રેમકથામાં આવતો કરુણ અંત ભાવકને ભીંજવી જાય છે. ‘વર-વહુની દેરી’માં એક જ ગામમાં રહી એક જ શેરીમાં રમીને મોટા થયેલા વર-વહુ રાણો અને સમજુ જવાન થયા પણ સમજુનો બાપ આણું કેમ બોલાવતો નથી એ મૂંઝવણ છે. વાર્તામાં રાણો પત્નીને તેડવા જતા સસરો કારણ આપે છે કે રાણાને પોતાનું ખેતર જે રણની રેતથી ઢંકાઈ ગયું છે. રણને પાછું પાડીને મા ધરતીને પાછી મેળવી રોટલો રળશે ત્યારે જ દીકરીનું આણું બોલાવશે. રાણો પટેલ રાતોરાત પાવડાથી રેતી ઉલેચવાનું શરૂ કરી દે છે ને એમાં પત્ની સમજુ પણ સાથ આપે છે. સસરાની હાજરીમાં એકબીજાનો મીઠો સહવાસ ઝંખતા આ જોડલાને મીઠો સહવાસ સાંપડે છે પણ સંજુના બાપની શરમ નડે છે. ખેતર ચોખ્ખું થવાની સમી સાંજે આણું વળાવવાનાં થોડા સમય પહેલા બેયની મહેનત પર પાણી(રેતી) ફેરવતો ભયંકર વંટોળ જાગે છે ને એવી કુદરતી આંધીમાં બેયના મીઠા સપનાઓ દટાઈ જતા હોય એમ વિકરાળ સ્વરૂપે બંનેને એક સાથે દાટી દે છે. બે જુવાન હૈયાના અધૂરા ઓરતા અને વંટોળમાં ફસાયાનું દૃશ્ય વિશેષ કરુણ બની રહે છે. સમજુનો બાપ વાર્તાને અંતે છ મહિના પહેલા રણ દેવતાએ ભોગ માગ્યો એની વાત પટલાણીને કરે છે. રણ દેવતા ગામને ભરખી જવાના બદલામાં પોતાની દીકરી અને જમાઈનો ભોગ આપે છે. કચ્છના રણ કંધાડે વર-વહુના દેરીના નામે ઓળખાતી સત્ય ઘટનાને લેખકે સરળ અને સમર્થ સર્જક પ્રતિભાના જોરે વાર્તારસ જમાવ્યો છે. વાર્તાના વસ્તુનિરૂપણમાં ફ્લેશબૅકની તકનિકથી વસ્તુસંકલના સરસ રીતે ગૂંફન કરી છે. એક કરુણ પ્રેમકથાનાં વસ્તુબીજ દ્વારા રણના છેવાડે વસતા ખેડૂતોની હાલાકીનું સચોટ નિરૂપણ કર્યું છે. ‘મરદની દીકરી’ પણ પ્રેમકથા છે. પણ અહીં પ્રેમ કરતા લેખકે નમકહલાલી અને વફાદારી પર ફોકસ વધુ આપ્યો છે. વાર્તાના કેન્દ્રમાં છે નાયિકાના પિતા મોતી પગીની રખેવાળી અને વફાદારી. દરબાર કેસરીસંગના ગામ રંગપુરની રખેવાળી કરતા મોતી પગી પર બળદ ચોરાયાનો આરોપ મૂકાય છે. પગીને મહેણાં છાતીએ વાગતા બળદ ગોતી ના લાવે ત્યાં સુધી ગામનું પાણી અને કસુંબા હરામ કરે છે. મોટી પગીની દીકરી ટીડી પિતાજીની ગેરહાજરીમાં પુરુષવેશે ગામની રખેવાળી કરતા બાજુના ગામના જવાન મેરકા પગીના પ્રેમમાં પડે છે. જે તેના પિતાજીનો ગુનેગાર છે. ગામ આગળ બળદ ચોરનાર મેરકાને હાજર કરતા ટીડી પોતાનો ધણી બાપનો ચોર નીકળતા આત્મહત્યા કરવા તૈયાર થાય છે ત્યાં જ બાપ તેને ઉગારી લે છે. સુખાંત ધરાવતી આ વાર્તામાં લેખકે વાર્તારસ જમાવવા લોકશૈલીનો સબળ ઉપયોગ કર્યો છે. ‘જૂગટું’ વાર્તામાં સંઘર્ષ મોટો ભાગ રોકે છે. આંતર અને બાહ્ય સંઘર્ષમાં અટવાતી નાયિકાની નારીચેતનાને ઉજાગર કરતી વાર્તા છે. નાયિકા ઉજળી વાર્તાનું મુખ્ય પાત્ર છે. આણે આવ્યા પછી માની સલાહ મુજબ ઘરને મહેનત અને સંઘર્ષ થકી ઘરને સાચા અર્થમાં ઘર બનાવે છે. અબૂધ વરણાગ પતિને સારી પેઠે પલોટે છે. ઘરેણાં અડાણા મૂકી વાડી-વગડો છોડાવે છે. વાઘાથી બંનેનું સુખ દેખ્યું જતું નથી. અઘણિયાત ઉજળીએ આઘા કરેલા વરણાગને જૂગટાની લતે લગાડ્યો. જૂગટા માટે પૈસા ઘરમાંથી ન મળતા પત્નીને પાટું મારી નાસી જતા પતિની ઘટના, વાડી ખેતર ફરી અડાણા મૂકી પૈસા મેળવી હારીને ભાગતા વરણાગની ભાગેડુવૃત્તિ અને પોતાના પતિની પાછા ફરવાની રાહ જોતી નાયિકાનો સંઘર્ષ વગેરેનું આલેખન લેખકે કુશળતાથી કર્યું છે. વાડી-વગડાના ધણી થયા પછી વાઘાના મનની મેલી મુરાદ મજબૂર ઉજળીના ધણી થવાની હતી. વાડીએ છોકરા ધવરાવવા આવતી ઉજળીને પ્રલોભન આપી સમજાવે છે. નાયિકાના આંતરજગતનું આલેખન ભાવકનેય ભીંજવી દે એવું બળકટ રહ્યું છે. છોકરાના ભવિષ્ય ખાતર ઉજળી વાઘાનું ઘર માંડે છે એના બીજા દિવસે સાધુબાવા રૂપે પોતાના પતિને જુવે છે. વાર્તાના અંતમાં વરણાગના અંતરમાં શી વીતતી હશે એનો ઉલ્લેખ પણ આછા લસરકે આપી કરુણ રસ બરાબર ઘૂંટ્યો છે. પ્રતિનાયક વાઘો પાત્રાલેખનમાં યાદગાર બની રહે છે. ભાષાશૈલી અને સંવાદકળાનાં વિનિયોગથી ઘટનાઓ પણ સાદૃશ્ય બને છે. ‘રંગ છે બેરડીને’ વાર્તા ઘોડદોડની વાર્તા છે. પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેના ગાઢ નાતાની ઘણી વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં મળે છે. દશેરાના દિવસે સાસરિયામાં જોરુભાને ઘોડાદોડમાં સાળો પરમાર વિજેતા થતા પોતાની મશ્કરી થાય છે. આ જોઈને સમસમી જઈને આવતી વખતે શરતમાં પોતાની ‘બેરડી’ને પેલી ના લાવે ત્યાં સુધી સાસરિયાનું પાણી હરામ ગણે છે. ને ફરી એક વાર જોરુભા ‘બેરી’ને લઈ મેદાને પડે છે. વડ પર બાંધેલું નાળિયેર અને નીચી નમેલી ડાળથી અસવારને બચાવવા ‘બેરી’એ જ પોતાના દેહને જબ્બર ઝોક આપ્યો પણ તેના કેડના હાડકા તૂટી જતા ‘બેરી’ પીડા ભોગવતી થઈ ગઈ, જોરુભાએ માપી લીધું કે શરત જીતી ગયો પણ ‘બેરી’ હારી બેઠો. ને એણે ‘બેરી’ના દેહમાં ઢેલના ઈંડાં જેવડી ગોળી રમતી કરી. વટ અને વ્યવહાર માટે પ્રાણીઓ પણ પોતાની કુરબાની દેતા અચકાતાં નથી. ઝાલા દરબાર માટે તો જવાન ભાઈ ખોયાનો અફસોસ અંતરે હતો અને ‘બેરડી’ને નમકહલાલીનો સંતોષ. કરુણાંત વાર્તાના અંતમાં ભાવક ચોક્કસ બોલી ઊઠે : ‘ઘણી ખમ્મા બેરડીને – રંગ છે બેરડીને’. ‘રાજબાનું એવાતણ’ એ એક શૌર્યકથા છે. ધરમપુર અને રામપુરના બે ઠાકોરો વચ્ચે મીઠા સંબંધ હતા પણ રામપુરના ઠાકોર વજેસંગ ધરમપુરના મૂળુભાની રૂપાલી રખાત ટીહલી નામની રખાતને જે દિ’થી ઉપાડી લાવ્યો તે દિ’થી બંને વચ્ચે બાપે માર્યા વેર બંધાય છે. વર્ષો પછી મૂળુભાએ વજેસંગનો વીસ વરસનો દીકરો પરણી આવ્યો એ અવસર ઝડપી વેર વાળવા આવે છે. વાર્તાની નાયિકા રાજબા પરણીને પોંખવાના પ્રસંગે એક બ્રાહ્મણની દીકરી કાળા સાડલામાં નાના પાળિયાને સિન્દુરછાપા ચોળી રહી છે. અહીં એ વિધવાની નાનકડી કથા આ વાર્તાના કેન્દ્રમાં મહત્ત્વની ભૂમિકામાં ખપમાં લાગી છે. એ છે દેવા ગોરની એકની એક દીકરીનાં જમાઈને અહીં ધીંગાણામાં ખપ્યાને હજી બાર મહિના થયા છે. પોંખવાની તૈયારી વચ્ચે જ મૂળુભાએ બંદૂકના ભડાકાઓ કર્યા આકાશમાંથી સારસ બેલડીમાંનું નર સારસ વિંધાય છે. એ જોઈ દેવા ગોરને પોતાના જમાઈનું સંસ્મરણ થતા અને રાજબામાં પોતાના દીકરીના દર્શન થતા એ મૂળુભા સામે યુદ્ધે ઊતરી રાજબાનું એવાતણ એટલે કે સૌભાગ્ય બચાવે છે. લેખકે વાર્તામાં સારસ પક્ષીના પ્રતીક અને સંનિધિકરણનું સંયોજન સાધી કથાને ઘટ્ટ બનાવી છે. વૃદ્ધ બ્રાહ્મણ અને જવાન રાજપૂત વચ્ચે યુદ્ધનું વર્ણન અને શૌર્યતેજથી શોભતા સંવાદથી દૃશ્ય સાદૃશ્ય બન્યું છે. જુઓ આ સંવાદ – મૂળુભા ફરી બોલ્યો. બોલ્યો નહિ ગહેંક્યો : ‘એ ય ભામટા, હટી જા લોટ મંગા વળી તલવારું પકડતા કે દિ’ના શીખ્યા? નાહકનો ટીપાઈ જઈશ. આઘો રે પરો થાશ કે?” ને ત્યાં ગરનારની ગુફામાંથી સાવજ ડણકે એમ દેવો ગોર ડણક્યો : એ દરબાર મો ઠેકાણે રાખ તલવાર સંભાળ હું તો લોટ માંગો બામણ ખરો; પણ ગોલીયુંનો છબડેલ નથ. તારો બાપ તો ખાસો રાજપૂત હતો. પણ તું કા ભાંડ પાક્યો? દરબાર તલવાર સંભાળ ઢાળ સાબદી કર્ય....એ...આ ઘા ગોલીયુંના છાબડેલનો નથ, બામણીના થાનેલે ધાવનારાનો સે... સંભાળ, દરબાર, તારી જાત સંભાળ... ઘા કર્ય... ભલો ઘા કર્ય... આજ તો આ માતા ભવાનીયુંની મારે રમતું જોવી છે, આજ તો આ ખપ્પર જોગણીયું ઝાપટું જોવી છે આજ કાં તો મૂળુભા ની નૈ કાં તો દેવો ગોર નૈ. સંભાળ... બાપ! સંભાળ!’ ‘સાગર સાવઝ ઘંટાલ’ એક સાગરકથા છે. જંગબારમાં આરબ સુલતાનિયાતની ગુલામીપ્રથા સામે જંગે ચડેલા ઘંટાલની શૌર્યકથા છે. કામી અને વિષયાંધ સુલ્તાનની જુંગ લૂંટી, જલાવીને ત્રણ દિવસમાં ગુલામી પ્રથાને નાબૂદ કરવાની ધમકી આપનાર ઘંટાલને પકડી હાજર કરવાની જવાબદારી જવામર્દ જોધાભાને શિરે છે. જંગલમાં વસતા પોતાના જાત ભાઈઓ માટે શરણે થતો ઘંટાલ વાર્તામાં ભાવકોને સ્પર્શી જાય છે. જોધાભાનું પાત્ર પણ એટલું જ પ્રભાવશાળી બન્યું છે. ‘અચળ મર્દાનગી’નો નાયક નવનીત મોટાભાઈના ‘બહુ રૂપાળું બનવું હોય તો ઘાઘરી પહેરને!’ જેવા ઠપકાને કારણે ઘર છોડી મુંબઈ નાટક કંપનીમાં જોડાય છે. મોટાભાઈના શબ્દો સાચા ઠેરવતો નવનીતરાય ઊર્ફે ‘પરી’નાં રોલમાં પ્રખ્યાત થાય છે. ભાઈ, ભાભી અને પત્ની સુભદ્રા તેને શોધવા મુંબઈ પહોંચે છે. નાચવાની નોકરી કરી પૈસા કમાય એ કોઈને પસંદ નથી. વર્ષોથી નાટકમાં સ્ત્રીપાત્ર ભજવતો નાયક જ્યારે કોઈ બાઈને ગુંડાઓથી બચાવે છે. નવનીતની મર્દાનગી તેઓને છેવટે ગર્વ અપાવે છે. આ વાર્તા નિર્જીવ ન્યૂઝપેપરની નોખી અને કેન્દ્રીયવર્તી ભૂમિકા રહી છે. ભાઈ, ભાભી અને સુભદ્રાને નવનીત સ્ત્રી વેશે કામ કરે છે એ ખબર તથા અંતમાં કોઈ બાઈને અજાણ્યો પુરુષ બચાવે છે એ ખબર છાપા દ્વારા જ ખબર પડે છે. લેખકે વસ્તુનિરૂપણમાં નિર્જીવ વસ્તુનો એક નોખી ભૂમિકાએ વિનિયોગ કરીને વસ્તુસંકલના સારી રીતે ગૂંથી છે. આ સંપાદનમાં લોકજીવનના વિવિધ રંગો જોવા મળે છે. સાગરકથા હોય કે શૌર્યકથા, લોકકથા હોય, પ્રણયકથા હોય કે સત્યકથા લેખકે પોતીકી કલમનો પરચો સારી રીતે બતાવી દીધો છે. ભાષા પાસે પૂરો કસ કાઢ્યો છે. લોકજીવનની બળકટ ભાષાશૈલી વાર્તાતત્ત્વને ઝીલવા પૂરતી મજબૂત અને કસદાર રહી છે. વર્ણનકલામાં લેખકે સભાનપણે બને તેટલા સર્જનપ્રતિભાના બળે પ્રામાણિક રહ્યા છે. વાર્તાની માંડણીમાં કોઈ મુગ્ધા કે નવવધૂના પ્રતીકથી શૃંગારસભર વર્ણન દ્વારા શરૂઆત લેખકની આગવી ઓળખ છે. ‘રાજબાનું એવાતણ’, ‘રંગ છે બેરડીને’ અને ‘વર વહુની દેરી’માં કલબણના પ્રતીક સમી ધરતીનું વર્ણન એક સરખું લાગશે. તો ‘મરદની દીકરી’નું રંગપુર હોય કે ‘અચળ મર્દાનગી’નું ગામ ગામડાનું દૃશ્ય હોય, પ્રકૃતિના વર્ણનથી વાર્તા મંડાય છે. ઘણીવાર વર્ણનકલામાં વધુ મલાવીને કહેવાની કે પુનરોક્તિની શૈલી એક મર્યાદા બની રહે છે. વાર્તાકથનનું શૈલીવૈવિધ્ય અને લેખકની વાર્તાની આરંભ મધ્ય અને અંતની શૈલીથી લોકકથાનું મંડાણ કરવાની લેખકને સારી એવી હથોટી છે. એવું જ છે પાત્રાલેખનનાં નિરૂપણનું. લેખક લખે છે કે, ‘હું આંખ ઉઘાડું છું ને મારી નજર સામે જિવાતા જીવનની ઉઘાડી કિતાબો ભાળું છું.’ આ સંપાદનમાં કેટલાક પાત્રો કાયમ માટે સ્મૃતિપટ પર અંકિત થઈ જાય એમ ઊપસી આવ્યા છે. “ગામની મા’ની નાયિકા ધાવમાતા રાણી હોય, ‘સતનાં પારખાં’નો ઝાલો દરબાર અને પરમાર જેવા ઉદ્દાત પાત્રો હોય કે ભોળા ઉજી અને ઉકો હોય ‘ડાક વાગી દલડાના દેશમાં’નાં પ્રેમી પંખીડા મેઘો ને ઝબુડી હોય ‘વર-વહુની દેરી’ના રાણો અને સમજુ હોય, ‘જૂગટું’નો પ્રતિનાયક વાઘો કે ‘સતનાં પારખાં’ની કરમ મેલી મરઘા હોય. ‘રંગ છે બેરડીને’ના લાડ બા અને જોરુભા, ‘મરદની દીકરી’ હોય. વફાદાર અને બહાદુર મોતી પગી હોય કે તેની મરદ દીકરી ટીડી હોય, ‘અચળ મર્દાનગી’નો નવનીત હોય, ‘રાજબાનું એવાતણ’નો દેવો ગોર હોય, ‘સાગર સાવઝ ઘંટાલ’ મરદ ઘંટાલ હોય – શૂરવીરતાના રંગે રંગાયેલ પાત્ર યાદગાર બન્યા છે. ‘ગામની મા’, ‘વર-વહુની દેરી’ જેવી સત્યઘટના છે. ‘ડાક વાગી દલડાના દેશમાં’, ‘વર વહુની દેરી’, ‘રંગ છે બેરડીને’ કરુણાંત ધરાવતી કથા છે. સંપાદનમાં લોકજીવનને સ્પર્શે તેવી વાર્તાઓ છે. બધી વાર્તાઓમાં ‘અચળ મર્દાનગી’ વાર્તા જરા જુદી તરી આવે છે. શહેરીજીવનની આધુનિક સ્પર્શવાળી વાર્તા મળે છે. દેવશંકર મહેતાની આ વાર્તાઓ વાંચતા જ ઝવેરચંદ મેઘાણી કે ગુણવંતરાય આચાર્યની યાદ જરૂર આવે. લોકજીવનની તળપદી અને બળકટ ભાષાશૈલી લેખકની વાર્તાઓનું જમા પાસું રહ્યું છે. પૂજ્ય મોરારિબાપુ લખે છે કે, ‘વરસો પહેલા દેવશંકર બાપાની વાર્તાઓ ‘ચેતમછન્દર’માં ક્રમશઃ છપાતી હતી. મારા નાનપણમાં એ વાંચીને અનેરો આનંદ થતો હતો. મને એમની કલમમાં બલમ, ચલમ અમે મલમનો ત્રિવેણી સંગમ જણાયો છે.’ લેખકની વાર્તાઓ વિશે વિવેચકોએ ખાસ લખ્યું નથી. જોકે તેમની નવલકથાઓ ખૂબ જ લોકપ્રિય રહી છે. સંપાદક એક કિસ્સો નોંધે છે. વરસો પહેલા જામનગરમાં એક વ્યક્તિને ફાંસીની સજા થઈ. એ માણસની અંતિમ ઇચ્છા હતી કે, ‘મારે મરતા પહેલા એકવાર દેવશંકર મહેતાને મળવું છે’. એક લોકલેખક માટે આથી મોટો પુરસ્કાર બીજો કયો હોઈ શકે?

શિલ્પી બુરેઠા
(એમ.એ., બી.એડ., જીસેટ)
શ્રી લવારા પગાર કેન્દ્ર શાળા
મુ. લવારા, તા. ધાનેરા, જિ. બનાસકાંઠા- ૩૮૫૩૧૦
મો. ૯૯૭૪૪૮૫૦૮૩
Email : Shilpiburetha@gmail.com