ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ઈશ્વર પેટલીકર

સામાજિક વાસ્તવના પ્રતિબદ્ધ સર્જક
ઈશ્વર પેટલીકર

અલ્પા વિરાશ

GTVI Image 26 Ishvar Petalikar.png

ગુજરાતી સાહિત્ય જગતમાં પેટલીકર નામથી પ્રસિદ્ધ થયેલ સર્જક પેટલીકરનું મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ છે. તેમનું વતન પેટલાદ હતું. વ્યવસાયે શિક્ષક અને પત્રકાર રહી ચૂકેલા પેટલીકરે સાહિત્ય ક્ષેત્રે નવલકથાઓ, વાર્તાઓ, ચરિત્રો, નિબંધો વગેરે બખૂબી આપ્યા છે. સમાજસેવા અને સુધારણાના ચિંતક પેટલીકરે વર્ષો સુધી ‘પાટીદાર’નું સંપાદનકાર્ય કરેલું. વળી ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘સ્ત્રી’, ‘નિરીક્ષક’ વગેરેમાં કટાર લખતા હતા. તેમને ૧૯૬૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. ઈશ્વર પેટલીકર પાસેથી કથાસાહિત્ય ક્ષેત્રે ઉત્તમ નવલકથાઓ મળે છે. વટ્ટના કટકા જેવી ચંદાના ચરિત્રને નિરૂપતી ‘જનમટીપ’ (૧૯૪૪) તેમની કીર્તિદા કૃતિ છે. જેનાથી તેઓ સાહિત્યકાર તરીકે જાણીતા થયા. મહીકાંઠાની પછાત કોમોનું હૃદયસ્પર્શી અને પ્રતીતિકારક આલેખન એ ‘જનમટીપ’નું સબળ પાસું છે. આ ઉપરાંત ‘ભવસાગર’ (૧૯૫૧), ‘પાતાળકૂવો’ (૧૯૪૭), ‘પંખીનો મેળો’ (૧૯૪૮), ‘કાજળની કોટડી’ (૧૯૪૯), ‘ધરતીનો અવતાર’ (૧૯૪૬), ‘મારી હૈયાસગડી’ (૧૯૫૦) વગેરેનો સમાવેશ થાય છે. આ બધી નવલકથાઓમાં તેમણે ગ્રામપ્રદેશનું વાસ્તવિક ચિત્ર ખડું કર્યું છે. એ પ્રદેશની પ્રજાઓનાં સુખ-દુઃખ અને આશા-અરમાનો વટ-વચન-વેર તથા એમની વિશિષ્ટ સમસ્યાઓને વાચા આપી છે. પેટલીકરની નિરૂપણશૈલી સ્વાનુભવ આધારિત હોઈ પ્રતીતિકર બને છે. તે વાસ્તવિક તો હોય જ, પણ કોઈ ને કોઈ રીતનો ભાવાલેખ એમાં હોય છે. જેથી કૃતિ હૃદયસ્પર્શી બને છે. પેટલીકરે માત્ર ગ્રામપ્રદેશનું ચિત્રણ કર્યું નથી. તેમણે શહેરીજીવનનું આલેખન પણ કર્યું છે. આ નવલકથાઓમાં સામાજિક પ્રશ્નો, સ્ત્રીપુરુષ-સંબંધો અને લગ્નજીવનની સંકુલ સમસ્યાઓ પણ નિરૂપી છે.

GTVI Image 27 Chingari.png

પેટલીકર એક સંન્નિષ્ઠ સમાજસેવક હોઈ માત્ર સમસ્યાઓ જ રજૂ કરતા નથી, પણ એના ઉકેલો પણ દર્શાવે છે. આ ઉકેલોમાં તેમનાં ચિંતનમનન ઉપરાંત સ્વાનુભવ પણ ભળેલો હોય છે. તેમનું સમગ્ર નિરૂપણ સમભાવશીલ, સમતોલ અને કૌટુંબિક જીવનના હિતની ચિંતા કરનાર એક સારસ્વતનું રહ્યું છે. આ દૃષ્ટિએ એમની ‘તરણા ઓથે ડુંગર’ (૧૯૫૪), ‘યુગનાં એંધાણ’ (૧૯૬૧), ‘ઋણાનુબંધ’ (૧૯૬૯), ‘લાક્ષાગૃહ’ (૧૯૬૫), ‘જૂજવાં રૂપ’ (૧૯૬૭), ‘સેતુબંધ’ (૧૯૬૯) વગેરે નવલકથાઓ નોંધપાત્ર છે. પેટલીકરે ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. જેમાં ‘પારસમણિ’ (૧૯૪૯), ‘ચિનગારી’ (૧૯૫૦), ‘આકાશગંગા’ (૧૯૫૮), ‘કઠપૂતળી’ (૧૯૬૨) વગેરે જાણીતા વાર્તાસંગ્રહો છે. પેટલીકરની વાર્તાઓ મુખ્યત્વે ઘટનાપ્રધાન છે. ઘટનાનું સંપૂર્ણ નિરૂપણ કર્યા પછી તેઓ ઉપદેશ આપતા નથી. એમનું કથયિતવ્ય વાર્તામાંથી જ સહજ રીતે નિષ્પન્ન થાય છે. આ સંદર્ભે એમની ‘લોહીની સગાઈ’, ‘ગૃહત્યાગ’, ‘ચતુર મુખી’ જેવી વાર્તાઓ સાહિત્યરસિકોમાં પ્રિય થયેલી છે; ખાસ કરીને લોકબોલીના રૂઢપ્રયોગો અને કહેવતોનો એમાં જે ઉપયોગ થયો છે તે એમની કૃતિઓને અસરકારક બનાવે છે. પેટલીકરે કેટલાંક ઉત્તમ ગ્રામચિત્રો પણ આપ્યાં છે. ‘ગ્રામચિત્રો’માં ગામડાનાં કેટલાંક પાત્રોનો યથાર્થ પરિચય આપ્યો છે. આ સંગ્રહ ૧૯૪૪માં પ્રગટ થયો હતો. ૧૯૫૩માં પ્રગટ થયેલ ‘ધૂપસળી’માં તેમણે રવિશંકર મહારાજ, દાદાસાહેબ માવળંકર, મુનિ સંતબાલજી વગેરે મહાનુભાવોની મુલાકાત દ્વારા એમના અસામાન્ય વ્યક્તિત્વને ઉપસાવી આપ્યું છે. ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’(૧૯૬૪)માં તેમણે ભાઈકાકાની વિશિષ્ટ પ્રતિભા આલેખી છે. તેમના હેતુલક્ષી પત્રકારત્વના ફલરૂપે ‘જીવનદીપ’ (૧૯૫૩), ‘લોકસાગરને તીરે તીરે’ (૧૯૫૪), ‘સંસારનાં વમળ’ (૧૯૫૭), ‘મંગલકામના’ (૧૯૬૪), ‘અમૃતમાર્ગ’ (૧૯૬૮) જેવા લેખસંગ્રહો મળ્યા છે. ઈશ્વર પેટલીકર તળપદી શૈલીના સાહિત્યસર્જક, સમાજહિતચિંતક, સાંસારિક અને રાજકીય પ્રશ્નોના સ્વસ્થ અને દૃષ્ટિસંપન્ન વિશ્લેષક પત્રકાર હતા. પન્નાલાલની જેમ પેટલીકર પણ તેમની કૃતિઓમાં ગ્રામજીવનના મર્મી તરીકે પ્રગટ થાય છે. તેઓ ‘નિજ ધરતીના ખેડુ’ હતા. લોકસમુદાયમાંથી પ્રેરણા મેળવી લખનારા સાહિત્યકારોમાં મેઘાણી પછીના સર્જકોમાં પેટલીકરનું નામ અનાયાસે મૂકી શકાય તેમ છે. આગવી કોઠાસૂઝથી સર્જન કરનારા લોકોના હિત અર્થે કામ કરનારા તેઓ સંનિષ્ઠ અને કર્મનિષ્ઠ સર્જક હતા.

GTVI Image 28 Kathputali.png

આધુનિક ધારાના પ્રતિભાશાલી અને અસરકારક સર્જન કરનાર સર્જકોમાં ઈશ્વર પેટલીકરની ગણતરી પહેલી હરોળમાં વિના સંકોચે કરી શકાય. ઈ.સ. ૧૯૫૫ બાદ ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે કથાવસ્તુ અને નિરૂપણરીતિમાં નવીન વિભાવનાનો પ્રવેશ થયો. જેમાં માનવના આંતર માનસને ખોલવાની સર્જક પ્રતિબદ્ધતા જોવા મળી. તેથી સ્વાભાવિક જ સામાજિક સંદર્ભમાં માનવીના મનઃસંચલનોની પણ એક વિશિષ્ટ, વિસ્મયકારક, ક્ષમતાપૂર્ણ સૃષ્ટિ વાર્તાક્ષેત્રે સાંપડવા લાગી. વિનોદીની નીલકંઠ કહે છે : ‘સર્વશ્રી પેટલીકર, પન્નાલાલ અને પિતામ્બર પટેલે ગુજરાતના શહેરીઓ સમક્ષ ગામડાના જીવનની રજૂઆત કરી ગ્રામજીવનનો સાચો પરિચય આપ્યો છે.’ પેટલીકર વાર્તા ક્ષેત્રે ગ્રામજીવનની સાચી છબી ઉઘાડનાર છે.

GTVI Image 29 Akashganga.png

પેટલીકરની વાર્તાઓમાંથી પસાર થતાં સ્પષ્ટ પમાય છે કે તેઓ વાર્તાઓના પ્લૉટ પહેલેથી લખી રાખતા નથી. પરંતુ કોઈ પ્રસંગ કે વિચારથી વાર્તા શરૂ કરે છે અને વાર્તા લખાતી-વિકસતી જાય તેમ વિકસવા દે છે. ઈશ્વર પેટલીકર પોતાની સર્જનપ્રક્રિયા વિશે કહે છે કે : ‘જેમ અંધકારભર્યો રસ્તો હોય અને ફાનસ લઈને ચાલવા માંડીએ તો અંધકારની મુશ્કેલી નડતી નથી. તેવો અનુભવ સર્જનમાં થતો હોય છે. વળી વાર્તાનો પ્રવાહ એવી રીતે વહેતો હોય છે કે કોઈ જાણે વાર્તા કહેતું હોય અને લહિયા તરીકે હું લખતો હોઉં તેમ લાગ્યું છે.’

GTVI Image 30 Tanavana.png

પેટલીકરની વાર્તાઓ સહજ સરળ ગતિથી વહેતી રહે છે. તેઓ સર્જન કે કળાતત્ત્વને વધુ મહત્ત્વ આપતા નથી. તેમના મતે તો સાહિત્યમાં ચિંતન હોવું જોઈએ. તેથી સાહિત્ય ચિરંતન બને છે. પેટલીકરની વાર્તાઓમાં જીવનલક્ષી ચિંતન આવતું રહે છે. પેટલીકરની દૃષ્ટિ વાસ્તવવાદી તેમજ સુધારાલક્ષી રહી જણાય છે. તેમની વાર્તાઓ મોટે ભાગે વસ્તુલક્ષી હેતુલક્ષી કે ઘટનાપ્રધાન રહે છે. તેઓ સામાજિક સાંસારિક કે રાજકીય પ્રશ્નો અંગે ગંભીર વિચારણા કરનાર લેખક હોવાથી તેમની મોટા ભાગની વાર્તાઓ સામાન્ય બનવા પામી છે નહિ કે કલાત્મક. અલબત્ત, કેટલીક વાર્તાઓમાં કલાતત્ત્વ પણ પમાય છે. ઘણીવાર તો તેમની વાર્તાઓમાં સર્જક પેટલીકર અને સુધારક પેટલીકર વચ્ચે સ્પર્ધા થતી જોવા મળે છે. જેમાં સુધારક પેટલીકરનો જય થાય છે. સહજ જ કહેવાનું મન થાય કે તેમના મતે કળા ખાતર કળા નહિ પણ જીવન ખાતર કળા છે.

GTVI Image 31 Manata.png

પેટલીકરની વાર્તાઓમાં સમાજ તેના મૂળ રૂપમાં પમાય છે. સમાજની બદીઓ અને વાસ્તવિકતાઓને તેઓ કશાએ રંગ રોગાન વિના ખુલ્લી મૂકી દે છે. તેમની વાર્તાઓમાં કશુંય ગોપનીય નથી રહેતું. પેટલીકર એક સામાન્ય માણસની માફક સામાન્ય વાત કરતા જાય છે. તેમના માટે વાર્તા બનવા કરતાં પ્રસંગ કે ઘટનાનું વિવરણ કરી ભાવકને વિચારતો કરી દેવાનું મહત્ત્વ વિશેષ રહે છે. એક સામાન્ય માણસની ખામીઓ-ખૂબીઓ નબળાઈઓ આશાઓ-નિરાશાઓ, દગા-ફટકા, પ્રેમ-ધિક્કારની આંટીઘૂંટીઓ સુપેરે વણતા જાય છે. પેટલીકર તેમના પુરોકાલીન સર્જકો કરતાં જુદો જ ચીલો ચાતરીને ચાલે છે. તેમની સર્જકદૃષ્ટિ સીમિત નથી રહેવા પામી. તેમણે ગામડા તથા નગરના યુવાન સ્ત્રી, પુરુષો, તરુણો, વૃદ્ધો, બાળકો – તેમના જીવનની મધુરતા કે યાતના ‘વિષમતા, બર્બરતા અને ભીષણતા’, પ્રેમ, ધિક્કાર, વેર, આપત્ય ઝંખના, વાત્સલ્ય આદિથી ધબકતી આ વાર્તાસૃષ્ટિમાં ‘મુખી, તલાટી વાળંદ વરતણિયા ખેડૂત, કપટી રાજકારણીઓ, અમલદારો વેપારીઓ નોકરિયાતો, ગૃહિણીઓ, કુમારિકાઓ, પરિણીતાઓ, વિધવાઓ, ત્યક્તાઓ, આદર્શપ્રેમી કે ખંધા યુવાનો-વડીલો આદિ માનવમેળો અનુભૂતિથી સજીવ બનેલો છે,

GTVI Image 32 Abhisarika.png

પેટલીકરની વાર્તાઓમાં મનોવિજ્ઞાનનું કલાત્મક નિરૂપણ જોવા મળે છે. માણસ અને તેનો સમાજ સાથેનો સંઘર્ષ તેમની કેટલીક વાર્તાઓમાં ખૂબ તીવ્ર બનવા પામ્યો છે. માનવમનનાં ઊંડાણોમાં ચાલતી ગડમથલનું યથાર્થ નિરૂપણ તેમની ‘દુઃખનાં પોટલાં’, ‘લોહીની સગાઈ’, ‘ચતુર મુખી’, ‘મધુરાં સ્વપ્નાં’, વગેરે વાર્તાઓમાં જોઈ શકાય છે, જેમાં પેટલીકર ઘટનાનો હ્રાસ કરી માનવ હૃદયની કોમળ લાગણીઓનું અસરકારક આલેખન કરી સફળ વાર્તાઓ આપે છે. પેટલીકર પુરોગામી સર્જકો કરતાં અલગ પડે છે. પરંતુ, પરંપરાગત વિષયો તો તેમની વાર્તાઓમાં આવતા જ રહે છે. સામાજિક, સાંસારિક કે રાજકીય પ્રશ્નને લઈને વાર્તાઓ લખે છે. વાર્તાની શરૂઆતમાં કુતૂહલ જન્માવી વાર્તાને પરાકાષ્ઠાએ લઈ જઈ વાર્તાનું રહસ્ય સ્ફોટ કરે છે. ચમત્કારિક રીતે વાર્તા પૂર્ણ કરે છે. તેઓ વાર્તાના આરંભમાં અથવા મધ્યે બધું કહી દે છે, પરિણામે વાર્તાનો વિકાસ કથળે છે. ઘણીવાર તો વાર્તાના આરંભમાં કહેલું જ બધું અંતે કહે છે. પરિણામે વાર્તા વાર્તા બનવા કરતાં સામાન્ય વાતચીત બની જતી જણાય છે. પેટલીકરની ભાષા સાદી-સરળ છે. ગ્રામબોલીના પ્રસંગોમાં તેઓ ખીલ્યા છે, એટલું જ નહિ, તેઓ ભાષા દ્વારા ગ્રામસમાજનું વાસ્તવિક ચિત્ર ઊભું કરી શકે છે. તેમ છતાં તેમની શૈલીમાં ક્યાંય શણગારના વાઘા જોવા મળતા નથી. તેમની શૈલીમાં જ્યારે છાપાળવા ગદ્યના અંશો જોવા મળે છે ત્યારે વાર્તા નબળી પડે છે. અલબત્ત, તેમની પાસે વિશાળ ભાષા-ભંડાર છે. તેમની વાર્તાઓમાં ખડો થતો ગ્રામજીવનનો સમગ્ર પરિવેશ તેની સાક્ષી પૂરે છે. પેટલીકર એક સમાજસુધારક અને પત્રકાર હોવાના કારણે તેમની વાર્તાઓ વ્યક્તિ તરફથી સમાજ તરફ ગતિ કરે છે. તેમનું સમાજ સુધારાનું ધ્યેય તેમની વાર્તાઓને નબળી પાડે છે. પરંતુ જ્યાં સમાજસુધારો કે અન્ય કોઈ હેતુ જોવા મળતા નથી ત્યાં વાર્તાઓ સોળે કળાએ ખીલી ઊઠે છે. એવી વાર્તાઓમાં માનવમનના ઊંડા અને અગોચર પ્રદેશમાં લેખક ભાવકને લઈ જાય છે. ઉદા. લોહીની સગાઈ જેવી વાર્તા જીવંત બને છે. તેમની પાસે વાતો કહેવાની અને વાર્તામાં વસ્તુ પાત્રો અને પ્રસંગો ગોઠવવાની જોરદાર ફાવટ છે અને એ દ્વારા વાર્તાને રસિક બનાવવાની અનોખી આવડત છે. તેમની વાર્તાઓમાં ગુણવત્તાની સરખામણીએ જીવનના સાહિત્યનું આલેખન જોતાં નિરાશા નથી મળતી. કારણ કે પેટલીકરની વાર્તાઓનો હેતુ સ્પષ્ટ હોય છે. પોતાની મર્યાદાથી વાકેફ પેટલીકર વાર્તા પાસે પોતાનું ધાર્યું કામ લે છે. એ તો ખરું પણ વાર્તાકળા નિપજાવવાનું કદાચ ઓછામાં ઓછી વખત ધારતા હશે. ગ્રામીણ જીવન અને શહેરી જીવનની વાર્તાઓમાં મહત્ત્વની નીવડતી ‘લોહીની સગાઈ’, ‘વીસ ને એક’, ‘મોરનાં ઈંડાં’, ‘જનમનો ખેડુ’, ‘ડાંગે માર્યા’, ‘નંદવાયેલું હૈયું’, ‘હવાડીનું પાણી’, ‘મધુરાં સ્વપ્નાં’, ‘માનું ધાવણ’, ‘ધન્ય અવસર’, ‘વટ’, ‘દીકરો ખોવાયો’, ‘સ્ત્રીનું લોહી’, ‘સબધો પાડોશી’, ‘દરદ’, ‘શિવપાર્વતી’, ‘સુખનો ઓડકાર’, ‘કંકોતરી’, ‘માનતા’, ‘ચતુરમુખી’, ‘ધડાકો’, ‘વીંછીનું મોં’, ‘પડદા પાછળ’ જેવી અનેક વાર્તાઓનો સમાવેશ કરી શકાય. લોહીની સગાઈ જેવી વાર્તામાં માતૃત્વ ભાવનો મહિમા ગાયો છે. આંસુથી આક્રોશ અને અંતે પીડારૂપ અકથ્ય કરુણતા પામતી વાર્તામાં સર્જક પેટલીકરની દૃષ્ટિ કલાત્મક લાગે છે નહિ કે સુધારક કે હેતુલક્ષી.. ‘મોરનાં ઈંડાં’ વાર્તામાં પિતા મહીજીનું અને તેની પત્ની બુધાની માનું પાત્ર ગ્રામ વાતાવરણમાં સ્વાભાવિક લાગે તેવું નિરૂપણ થયેલું છે. ‘નંદવાયેલું હૈયું’ વાર્તામાં પેટલીકરનો માનવજાત પ્રત્યેનો સમભાવ જોવા મળે છે. વાર્તામાં નાથીના પાત્ર દ્વારા પુત્રી, બહેન, પત્ની, માતા વગેરે સ્ત્રીના મનોવલણનું આલેખન જોવા મળે છે. ‘હવાડીનું પાણી’ વાર્તા ગ્રામજીવન અને તેના રીતરિવાજો તેમાંય નિમ્ન સ્તરની જાતિઓની છૂત-અછૂત ભાવનાનું નિરૂપણ થયેલ જોવા મળે છે. તેમાં સમાજસુધારક પેટલીકરનું દર્શન થાય છે. ‘મધુરાં સ્વપ્નાં’ નામની તેમની વાર્તા એક પડોશીનું દામ્પત્ય – અપત્ય પ્રેમ પરત્વેનું મનોવિજ્ઞાન નિરૂપતી એક સુકુમાર સુંદર રચના છે. ‘સ્ત્રીનું લોહી’ વાર્તામાં વાર્તાકારે એક ઉચ્ચ શિક્ષણ લીધેલ સ્ત્રી પુરુષની ભાવના (પુત્રેષણા) કેવી હોય છે, તેની સુંદર ચર્ચા કરેલ છે. પેટલીકર ઘણી વાર્તાઓમાં સ્ત્રી પુરુષ સમાનતાની વાત કરે છે. પરંતુ સદીઓથી વહેતું લોહી એકાદ પેઢીમાં એકદમ બદલવું મુશ્કેલ છે તેવું ઉચિત તારણ આપે છે. ‘રુદિયાનું દરદ’ વાર્તામાં વાર્તાકારે પિતા પુત્રીના વાત્સલ્ય ભાવને સુંદર રીતે ઉઠાવ આપ્યો છે. મણીના પાત્ર દ્વારા પિતા પુત્રીની લાગણીની પરાકાષ્ઠા, મણીના અંતિમ ઉદ્‌ગાર ‘બાપ! બાપા! ઓ બાપા!’ શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. ‘સુખનો ઓડકાર’ જેવી વાર્તામાં દાદાએ વેચેલ ખેતર મોહન પાસેથી પાછું ખરીદી શકાય એ માટે નરોત્તમકાકા પોતાના પુત્ર ભાઈલાલને ભણાવી ગણાવીને આફ્રિકા કમાવા માટે મોકલે છે. જેમાં નરોત્તમકાકાનું પાત્ર એક વૃદ્ધને છાજે તેવું નિરુપાયું છે. પારકાનું દુઃખ પોતીકું કરનાર નરોત્તમકાકાનું સર્જકે માનસ પરિવર્તન કરીને યાદગાર પાત્ર બનાવ્યું છે. ‘કંકોત્રી’ જેવી વાર્તામાં સ્વામીજીના પાત્રનું સુંદર આલેખન થયેલ છે. પરંતુ, ધ્રુવ કુમાર અને તેના પિતાનું સમય સંજોગ પ્રમાણે સર્જકે માનસપરિવર્તન કરીને સમાજ સામે માનવીના માનસનું દર્શન કરાવ્યું છે. પેટલીકરની એક ઉત્તમ વાર્તા તરીકે ‘ચતુર મુખી’ ગણાવી શકાય. આ વાર્તામાં ઘટના હ્રાસ થયેલો જોવા મળે છે. ચતુરમુખીના મનમાં ચાલતાં સંચલનોનું નિરૂપણ થયેલું જોવા મળે છે. ‘પડદા પાછળ’ વાર્તા માનવમનની લીલાનું દર્શન કરાવી જાય છે. ગ્રામજીવનની વાર્તાઓથી અલગ જ નગર જીવનના વાતાવરણનું નિરૂપણ કરતી વાર્તામાં ઉચ્ચ શિક્ષણ, જીવનમૂલ્યને વરેલા માનવીની અંદર છુપાયેલા પામર માનવીના સ્વાર્થનું નિરૂપણ થયેલું છે. ‘મોટી બહેન’ વાર્તા નવો જ વિષય લઈને આવે છે. એક બાજુ મોટી બહેનની સજ્જડ અંધશ્રદ્ધા અને અસત્ય ઉચ્ચારવાની કડવી રીત અને બીજી બાજુ કેશવની અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્તતા સામે બંડ પોકારવાની વૃત્તિ. આ બે વચ્ચેના સંઘર્ષનું વાર્તામાં અસરકારક રીતે નિરૂપણ થયેલ છે. ‘મિસ બેની’ વાર્તા પુરુષ માનસ, પુરુષની જાતીય વૃત્તિઓ-માન્યતાઓનું અનિષ્ટ કઢંગાપણું પ્રગટ કરતી તથા એ ઉપર પ્રહાર કરતી એક ચોટદાર વાર્તા છે. આપણા શિક્ષિત પુરુષ વર્ગમાં વ્યાપકપણે જોવા મળતી લોલુપ મનોવિકૃતિનું જ નહિ, નીતિના આગ્રહીઓની વિકૃતિઓનું પણ વાસ્તવિક ચિત્ર પેટલીકર રજૂ કરે છે. પેટલીકર કોઈનાય દબાવ કે ડર વિના સત્ય હકીકતો નિરૂપી જાણે છે. તેની પ્રતીતિ આ વાર્તા વાંચ્યા બાદ થયા વિના રહેતી નથી. પેટલીકર વાર્તાને કલાત્મક ઘાટ આપવા મથામણ કરતા નથી. તેમનું સમાજસુધારક માનસ તેમની પાસેથી હેતુલક્ષી વાર્તાઓ જ નીપજાવડાવે છે. તેથી ગમે તેટલો કરુણમાં કરુણ પ્રસંગ પણ અંતે તેમને તે તરફ દોરી જાય છે. પેટલીકરને સમાજદર્શનમાં વિશેષ રસ છે. ઘણીવાર સાદી સરળ ઘટનાને પણ તેઓ વાર્તાના ખોખામાં ઢાળી આપે છે. સમાજના વિવિધ પાસાં વિવિધ વર્ગોનાં વિવિધ પાત્રો અને અવનવા પ્રશ્નો આલેખવામાં પેટલીકરને આનંદ આવે છે. ગ્રામીણ કે શહેરી સમાજની વાર્તાઓમાં પેટલીકરનું લેખક તરીકે સમાન વલણ જ વર્તાય છે. પરિવેશ બોલી કે કથા ઘટનામાં ફેરફાર હોય પણ એની કથન વર્ણનની લઢણ તો એ જ રહેવાની સામાન્ય રીતે પેટલીકરને નિમ્ન વર્ગનાં ઉપેક્ષિત શોષિત પાત્રોમાં વધારે રસ છે એમ કહી શકાય. એ પાત્રના વર્ગનું કે એમના સમાજનું વર્ણન કરતી વાર્તાઓ વધારે મળે છે. પટેલ સમાજ અને ગ્રામીણ સમાજના અન્ય વસવાયાં પાત્રો પણ પેટલીકરની કલમે વખતોવખત આલેખાય છે. નગરજીવનમાં એમને કેળવણી અને જાગૃતિ આવ્યા પછીના અટપટા અને અવનવા પ્રશ્નોને લીધે રસ પડેલો. પછી તો એમણે યૌનસંબંધો અને અવૈદ્ય સંબંધોને લક્ષીને પણ વાર્તાઓ લખી છે. પણ મોટેભાગે પેટલીકર કોઈને કોઈ સમાજ સંદર્ભે સુધારક વલણ જેવા પ્રબોધક દૃષ્ટિબિંદુ આગળ અટકી જતા દેખાય છે. વાર્તા અને સર્જકની હેસિયતથી કળાકૃતિ બનવા દેવાની એમને સ્મૃતિ જ થતી નથી. કદાચ દરેક વખતે એ વાત એમના સુધારક માનસને અનુકૂળ પણ ન હોય એમ બને. પોતાની મર્યાદાથી વાકેફ પેટલીકર વાર્તા પાસે પોતાનું ધાર્યું કામ લે છે એ તો ખરું પણ વાર્તાની કળા નીપજાવવાનું કદાચ એ ઓછામાં ઓછી વખત ધારતા હશે. એમની દૃષ્ટિ અન્ય પ્રયોજનોમાંથી મુક્ત થતી નથી એટલે વાર્તાને તેઓ સામાજિકતાની ભૂમિકાથી જ જોતા-ખેડતા રહ્યા છે. એટલે જે માર્ગે એ ગયા નથી એ માર્ગની ચર્ચા કરવાનો નિરર્થક ઉદ્યમ શા માટે? પેટલીકરની વાર્તાઓમાં ગ્રામીણ સમાજની અંધશ્રદ્ધાનું તેમજ કુરિવાજોનું વર્ણન પણ મળે છે. માનવમનનો તાગ મેળવતી પ્રસંગ પ્રધાન કૃતિઓ પણ મળે છે. સંબંધો અને સંઘર્ષ કટોકટી કાળમાં એ સંબંધોની પરીક્ષા કરતી વાતો પણ પેટલીકરે લખી છે. કુટુંબજીવન અને લગ્નજીવનના પ્રશ્નો આમેય પેટલીકરના રસનો વિષય છે. રોજેરોજના એમના અનુભવો પણ એમને આવા પ્રસંગો પૂરા પાડે છે એટલે સ્વાભાવિક જ એ બધાને કેન્દ્રિત કરતી વાર્તાઓ પણ તેમણે ઠીક લખી છે. આવા વિષયો વાળી વાર્તાઓમાં મુખ્યત્વે ‘માનતા’, ‘મોટી બહેન’, ‘દાસભાઈની ઉધરસ’, ‘કુંદન’, ‘આમંત્રણ’, ‘અભિસારીકા’, ‘પારસમણી’, ‘પરીક્ષાના ઉજાગરા’, ‘ભગવતી દીક્ષા’ વગેરે વાર્તાઓનો ઉલ્લેખ કરી શકાય. લંબાણ, ઝીણી વિગતોનું બિનજરૂરી વર્ણન, વાર્તાને શિથિલ કરતી આડી-તેડી વાતો, પ્રત્યક્ષ પણે આવતાં સુધારક વલણો વગેરે પેટલીકરની મર્યાદાઓ છે. એમનું ગદ્ય ક્યારેક છાપાળવા ગદ્યની લગોલગ જઈને પ્રસંગકથન કરે છે ત્યારે વાર્તા અને ગદ્ય બંને ફિક્કાં લાગે છે. બાકી એમની વાર્તાઓમાં આખો ગ્રામીણ સમાજ સમગ્ર પરિવેશ સાથે ખડો થાય છે જરૂર. વળી, એમની વાર્તાઓની પાત્ર સૃષ્ટિને તપાસીશું તો ખ્યાલ આવશે કે એમાં હર કોઈ કોમનાં ને હર કોઈ વયનાં પ્રતિનિધિરૂપ પાત્રો જરૂર છે. એમની વાર્તાઓમાંથી પસાર થતાં ભાવકને ખેડા જિલ્લાના ગામડામાંથી પસાર થયાનો અનુભવ થયા વગર ના રહે એવી એમની પ્રદેશની મુદ્રા એ વાર્તાઓમાં ઉપસેલી છે. પેટલીકરના સાહિત્યમાં ચરોતરનું આવું અખંડ દર્શન થઈ શકે છે. એમની વાર્તામાં કલાકાર કસબીની નહીં પણ સમાજદૃષ્ટા સાહિત્યકારની દૃષ્ટિનો ફાળો છે. આમ, ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં શ્રી પેટલીકરનું સ્થાન ઘણું ઊંચું તથા અવિચળ છે. અંતમાં એટલું તો કહેવું જોઈએ કે માનવમનના ઊંડા- અગોચર પ્રદેશો અને માનવજીવનની ગૂઢ-ગહનતમ જટિલ સમસ્યાઓને સ્પર્શ કરીને તેના રહસ્યને સ્ફૂટ કરવાનું કામ પેટલીકરની વાર્તાઓ ક્વચિત્‌ જ કરે છે. વિશાળ માનવજીવનના સમાજ તથા વ્યક્તિવિશેષનો જે અંશ પેટલીકરે સંવેદનપૂર્વક જોયો છે તેને સચોટ રીતે નિરૂપ્યો છે. એ નિરૂપણમાં ઘટના આકર્ષણ, વાણીવૈવિધ્ય, શૈલીની સરળતા અને દૃષ્ટિ સમભાવનો એવો સુમેળ સાધ્યો છે કે એ અંશને તેમની દૃષ્ટિથી પુનઃ પુનઃ જોવાનું સહૃદયને મન થયા જ કરે.

ડૉ. અલ્પા કેશુભાઈ વિરાશ
અધ્યાપક સહાયક
બી.એ., એમ.એ., બી.એડ., પીએચ.ડી.
જીસેટ, નેટ અને જેઆરએફ પાસ
સૂરજબા મહિલા આટ્‌ર્સ કૉલેજ, નડિયાદ