ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધર્મેશ ગાંધી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ધર્મેશ ગાંધીની વાર્તાઓ

સંધ્યા ભટ્ટ

Dharmesh Gandhi.jpg

સર્જક પરિચય :

જન્મ : ૧૬-૯-૧૯૭૫ નવસારી સ્થિત ધર્મેશ ગાંધી કૉમર્સ ગ્રેજ્યુએટ છે અને વ્યવસાય તરીકે અંગ્રેજી-ગુજરાતી માધ્યમના ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. સોફ્ટવેર એન્જિનિયરિંગ ડિપ્લોમાને કારણે મળેલ ‘ફોરેન-વર્ક-વિઝા’ દ્વારા પાંચ વર્ષ અમેરિકા પણ કામ કરી આવ્યા છે. તેમના પરિવારમાં સાહિત્યનું કોઈ વાતાવરણ નહોતું પણ તેઓ ખૂબ સારા વાચક રહ્યા છે. ગુજરાતી ઉપરાંત હિન્દી-અંગ્રેજી સર્જનાત્મક કૃતિઓ પણ વાંચે છે એટલું જ નહિ, તેનાં પર વક્તવ્યો પણ આપ્યાં છે. ૨૦૧૬માં એક માઇક્રોફિક્શન સ્પર્ધામાં તેમણે પહેલી જ વાર ભાગ લીધો અને વિજેતા થયા. તે પછી ટૂંકી વાર્તાની તમામ સ્પર્ધાઓમાં તેમની કૃતિઓ વિજેતા નીવડી છે. તેમની વાર્તાઓ ‘નવનીત સમર્પણ’, ‘એતદ્‌’, ‘પરબ’ અને ‘બુદ્ધિપ્રકાશ’, ‘જલારામદીપ’ જેવાં સામયિકોમાં પ્રકાશિત થઈ છે. તેમણે અત્યાર સુધી બાવીસેક વાર્તાઓ લખી છે.

ટૂંકી વાર્તાની સ્પર્ધાઓ દ્વારા ક્રમશઃ કેળવાયેલા વાર્તાકાર

એકવીસમી સદીના પ્રથમ દાયકામાં સર્જનાત્મક ક્ષેત્રે જુદી જુદી સંસ્થાઓ દ્વારા યોજાતી સ્પર્ધાઓએ પણ મોટો ભાગ ભજવ્યો એમ કહી શકાય. ટૂંકી વાર્તાની વાત કરીએ તો કેતન મુનશી ટૂંકી વાર્તા હરીફાઈ અને સ્મિતા પારેખ સ્પર્ધા તથા મમતા વાર્તા સ્પર્ધામાં ભાગ લેવાને કારણે કેટલાક નવા વાર્તાકારો મળ્યા. સતીશ ડણાક સંપાદિત ‘જલારામદીપ’માં લખતા રહીને ટૂંકી વાર્તા પર હથોટી મેળવનારા વાર્તાકારો પણ છે. ધર્મેશ ગાંધીનું વાર્તાલેખન આ પ્રકારની સ્પર્ધાઓ દ્વારા સવિશેષ પ્રભાવિત થયું છે એમ કહી શકાય. આગળ ઉલ્લેખાયેલી તમામ સ્પર્ધામાં તેમણે ભાગ લીધો અને પોતાની મેળે શીખતા ગયા. તેમની શરૂઆતની વાર્તાઓ ‘હે રામ’, ‘ઊંડા અંધારેથી’ કે પછી ‘ભગ્ન જહાજ’, ‘ચિત્રમાં ખિસકોલી’ – શિખાઉ કલમે લખાઈ છે એવું તરત જ જણાઈ આવે. ક્રમશઃ તેમની કલમ ઘડાતી ગઈ અને ૨૦૨૨ અને ૨૦૨૩માં ‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત ‘ઘાટબંધન’ અને ‘ત્રીજી બારી’, ‘એતદ્‌’માં પ્રકાશિત ‘ઉપર રહેતી સ્ત્રી’ અને ‘પ્રોજેક્ટ ઓ’ તથા ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રકાશિત થયેલી ‘જૂના ઘરનો અજાણ્યો ખૂણો’ વાર્તાઓ સાચા અર્થમાં કલાકૃતિ બની છે. ધર્મેશ ગાંધી શરૂઆતથી જ વાર્તામાં પ્રતીક આયોજન બાબતે સભાન હોય એવું જણાય છે. ૨૦૧૭માં કેતન મુનશી વાર્તા સ્પર્ધામાં ‘કાટમાળ તળે રોશની’ વાર્તા વિજેતા બને છે. રોશની નામે પરિણિત સ્ત્રી ધરતીકંપને કારણે કાટમાળ નીચે ઇજાગ્રસ્ત પડી છે. આસપાસની નીરવતા અને રાત્રિનો સમય તેને મધુરજનીની સ્મૃતિમાં ધકેલે છે. ફ્લેશબૅકની ટેક્‌નિકથી વાર્તાકાર રોશનીનાં અરમાનોની અને તેના પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોની વાત કરે છે. પતિ પોતાને કાટમાળમાંથી બહાર કાઢવા આવી રહ્યો હોય એવું લાગે છે પણ ત્યાં જ સામે ગાડીમાંથી બહાર ઝૂલી રહેલા ગ્લેમરસ ફિલ્મી અભિનેત્રીનાં શરીરને આલિંગનમાં લેતો પત્ની જુએ છે. એક વિશિષ્ટ પરિસ્થિતિ નિમિત્તે પતિની સ્ત્રીલોલુપતાનું ચિત્રણ કરવામાં વાર્તાકાર સફળ થાય છે.

Na Hakar Na Nakar by Dharmesh Gandhi - Book Cover.jpg

‘દોખ્મે-નશીની’માં એક ક્રૂર બ્રિટિશ અફસરનું પોતાની બાળકીના જન્મ સાથે થતું હૃદયપરિવર્તન છે. બ્રિટિશ પત્ની સ્કારલેટ એક અઠવાડિયાથી પ્રસવપીડામાં છે. હિન્દુસ્તાનીઓ પ્રત્યે ક્રૂર નિકોલસ સ્વભાવે નિર્દયી છે પણ સ્કારલેટના માથા પર હાથ ફેરવે છે જેનું આશ્ચર્ય સ્કારલેટને પણ છે. પેસ્તન નામના પારસી પાત્રની સાથે પારસીના મૃતદેહને ગીધ માટે દોખ્માની પાળે સૂવડાવવાની વિધિનાં સંદર્ભ સાથે વાર્તાકારે નિકોલસનાં પરિવર્તનને સાંકળ્યું છે. જન્મ અને મૃત્યુનું સન્નિધિકરણ આમ આયાસપૂર્વકનું પણ અનુભવાય પરંતુ વાર્તાકારની વિકાસશીલ પ્રતિભાનો અણસાર આપી રહે છે! ‘ટ્રેન ટુ કબ્રસ્તાન’, ‘હે રામ’, ‘ન હકાર, ન નકાર’માં ચીલાચાલુ વિષયવસ્તુ છે. ‘ડિયર અનુભૂતિ’ ડાયરી શૈલીમાં લખાયેલી વાર્તા છે જેમાં છે તો પ્રણયત્રિકોણ. પરંતુ નાયિકાનાં ઝીણાં પ્રણયસંવેદનો ધ્યાન ખેંચે છે. ‘ઘાટ વિનાની ગલી’માં બે યુવાન સખીઓ ઘરેથી ભાગી જાય પછી કોઈના દ્વારા ભાળ મળે ત્યારની તેમની અવસ્થા અને માતા-પિતાની મનઃસ્થિતિનું આલેખન રસપ્રદ બન્યું છે. વાર્તાનું શીર્ષક પણ સાર્થ પ્રતીક બની રહે છે. ક્રમશઃ વાર્તાકાર પ્રતીક નિરૂપણમાં ઘડાતા જાય છે. ‘ઉપર રહેતી સ્ત્રી’માં વાર્તાનાયિકા પોતાના સૌંદર્યપ્રસાધનો દ્વારા પોતાના અતીતને સંભારે છે. અગરબત્તીની સુગંધ અને પરફ્યુમની સુગંધ બે પ્રકારની સ્ત્રીઓનાં પ્રતીક બનીને આવે છે. પણ વાર્તાકારની કુશળતા એ છે કે શરૂઆતમાં ઉપર રહેતી સ્ત્રી માટે જે ધારણા બંધાઈ છે તે ઉપર ગયા પછી ખોટી પડતી વર્ણવી છે! જે દેખાય છે તે સત્ય ન પણ હોય – એ મૂલ્યબોધ નાયિકાની સાથે વાચકને પણ સાંપડે છે. આ વાર્તામાં ઘટનાનું પોત પાતળું છે પણ સંવેદનઘન વાર્તા આસ્વાદ્ય બની છે. ‘કૃતિ’ શીર્ષકમાં શ્લેષ અલંકાર છે. વતનનિવાસ દરમિયાન ડઝનેક ડાયરી લખનાર નાયક વર્ષો પછી કેનેડાથી વતનના ઘરે આવે છે. જર્જરિત ડાયરીનાં પાનાં ઊધઈથી ખવાઈ ગયાં છે પણ તેને જાણ થાય છે કે કૃતિએ આ તમામ પત્રોને ડિજિટાઇઝ કર્યા છે. વાર્તા વાંચતા વાંચતા ભાવક વાર્તાનાયકની લિખિત કૃતિ અને કૃતિ નામની મૂક લાગણી ધરાવતી સંવેદનશીલ યુવતી વચ્ચેનો અવિનાભાવી સંબંધ માણે-પ્રમાણે છે. ‘ઘાટબંધન’ બે પેઢીમાં આકાર લેતી એકસમાન ઘટનાની વાર્તા છે. નબળો વાર્તાકાર કદાચ સામાન્ય ઘટનાનું આયાસપૂર્વકનું પુનરાવર્તન કરે પણ આ સજગ વાર્તાકાર ઘટનાના પુનરાવર્તનને પ્રતીતિકર બનાવી શક્યા છે. યુવાન પતિ-પત્ની માના મૃત્યુ બાદ અસ્થિ પધરાવવા ગંગાઘાટે આવ્યાં છે. પિતાને એકાંત મળે એટલે બંને ગંગાના પગથિયે પિતાને થોડી વાર માટે એકલા છોડીને જાય છે. એ ક્ષણોમાં પિતાને યાદ આવે છે જ્યારે પોતે પણ આમ પોતાના પિતાને છોડી પતિ-પત્ની ગયાં હતાં અને પાછા ફર્યાં ત્યારે પિતાજી નહોતા મળ્યા. આ ઘટના યાદ કરીને પોતાની એ ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવા તેઓ પસાર થતી સાધુની ટોળકીમાં ભગવા ધારણ કરી ભળી જાય છે! ‘નહીં સાંધો નહીં રેણ’ની રીતિએ એક પ્રવાહી અને વેધક વાર્તા લખાઈ છે. ‘ત્રીજી બારી’માં એવી એક સ્ત્રીની વાત છે જે પિતા અને પતિને ખોયા પછી હવે દીકરાને ગુમાવવાને આરે છે. દીકરો સ્કૂલે જતાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો છે અને તેની સ્હેજ ઝલક મેળવવા માટે પણ તેને હૉસ્પિટલના પાછલા ભાગે આવેલી ત્રીજી બારી તરફ ઉકરડામાં પગ મૂકીને જવું પડે છે. વાર્તાને અંતે આંખને બારીનું કલ્પન આપતાં વાર્તાકાર અનુભૂતિનાં ઊંડાણને તાગી શક્યા છે. ધર્મેશ ગાંધી વાર્તામાં નવા નવા પ્રયોગ કરતા રહે છે. ‘ક્ષિતિજ’ શીર્ષકથી એક વાર વિજ્ઞાનવાર્તા લખ્યા પછી ‘પ્રોજેક્ટ ઓ’ અવકાશયાનમાં મંગળ પર જવા નીકળેલ ટીમની વાર્તા છે જેમાં એક માએ પોતાના તરવરિયા યુવાન ધ્રુવને માતૃતુલ્ય નિહારિકા સાથે મોકલ્યો છે. દુર્ભાગ્યે ધ્રુવ વચ્ચે જ અવસાન પામે છે. તેના મૃતદેહને વગે કરવાના વિકલ્પો વિચારાય છે. અંતે તેને અંતરિક્ષમાં જ તરતો મૂકી દેવામાં આવે છે. વાર્તાકારે આ વાર્તાનાં પાત્રોનું નામકરણ સાભિપ્રાય કર્યું છે અને અભિધા સાથે વ્યંજનાની શક્યતા પણ ઉઘાડી આપી છે. માનવસંવેદના અને વૈજ્ઞાનિક હકીકતોનું સુભગ સાયુજ્ય અહીં સધાયું છે. ‘જૂનાં ઘરનો અજાણ્યો ખૂણો’ વાર્તામાં વાર્તાનાયક ભૂત અને વર્તમાનમાં આવજા કરે છે. કંપનીના કામે પોતાના જુનિયર સાથે વાર્તાનાયક પથિક પોતાને નગર નવસારી આવ્યા છે. એટલું જ નહીં, પોતે ખાલી કરેલ ઘરમાં જ સૌમિલ રહે છે. સૌમિલ અને શિખાનું દામ્પત્ય, સૌમિલ દ્વારા શિખાને સંગીત માટે મળતો અવકાશ, જે કાતરિયાને પોતે નગણ્ય લેખેલું તેની સુંદર સજાવટ અને અને તેને અજવાળતી સંગીતની મહેફિલ અને એથી વિરુદ્ધ પોતાનાં બંધિયાર અને અસુંદર જીવનની આ સુંદર જીવન સાથે મનોમન થતી તુલના – આ વિષયનું આંતરચેતનાપ્રવાહની ટેક્‌નિક દ્વારા સુચારુ નિર્વહણ થયું છે. ‘જીર્ણોદ્ધાર’માં એક તરફ જીર્ણ થયેલા મંદિરના નવીનીકરણની સાથે મીરાંનાં ભગ્ન લગ્નજીવનના સમારકામની વાતને juxtapose કરાઈ છે. ટેક્‌નિક અને વિષયવસ્તુને સપ્રમાણ તથા કલાત્મક રીતે નિભાવી જાણતા ધર્મેશ ગાંધી કથાનાં આછાં પોતને પણ પોતાની કુશળતા વડે વણીને વાર્તા નિષ્પન્ન કરી શકે છે. તેમને એક સરસ વાર્તાસંગ્રહ માટે શુભેચ્છા આપીએ.

સંધ્યા ભટ્ટ
કવિ, વાર્તાકાર, ચરિત્રકાર,
અંગ્રેજીના પ્રાધ્યાપક
આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ
બારડોલી
મો. ૯૮૨૫૩ ૩૭૭૧૪
Email : Sandhyanbhatt@gmail.com

  • ખાસ નોંધ : સુશ્રી સંધ્યાબેન ભટ્ટે શ્રી ધર્મેશ ગાંધીની વાર્તાઓ વિશેનો સમીક્ષાલેખ મોકલ્યો હતો ત્યારે વાર્તાઓ અગ્રંથસ્થ હતી પરંતુ તાજેતરમાં શ્રી ધર્મેશ ગાંધીનો વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે તેની માહિતી સુશ્રી સંધ્યાબેન ભટ્ટે મોકલી આપી છે.

વાર્તાસંગ્રહનું નામ : ‘ન હકાર, ન નકાર’, ધર્મેશ ગાંધી, પ્ર. આ. ૨૦૨૪; પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ, ૧૮ વાર્તાઓનો સંગ્રહ