ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કોશા રાવલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાર્તાકાર કોશા રાવલ

આશકા પંડ્યા

Kosha Raval.jpg

સર્જક પરિચય :

૧૨ ફેબ્રુઆરી, ૧૯૭૬ના રોજ જન્મેલાં કવયિત્રી, વાર્તાકાર કોશા રાવલ દીવ પાસે આવેલા ઊનાના વતની છે. કોશાબેનના દાદાજી મોરારજીભાઈ દેસાઈની સરકારમાં કાયદામંત્રી હતા. ઘરનું વાતાવરણ વાચનલેખન પ્રત્યે રુચિવાળું. ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ.એ. કર્યા બાદ ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં નારી નિરૂપણ’ વિષય પર સંશોધન કરી ઈ. ૨૦૦૩માં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમણે લાઇબ્રેરી સાયન્સમાં માસ્ટર કર્યું છે. ઈ. ૨૦૦૮માં બી.એડ્‌. પણ કર્યું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યુજીસી રિસર્ચ પ્રોગ્રામ અંતર્ગત રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે બે વર્ષ ‘કચ્છની લોકકલા સંસ્કૃતિ અને લોકજીવન’ વિષય પર કામ કર્યું. નવરચના વિદ્યાલયમાં થોડો સમય ગ્રંથપાલ તરીકે કામ કર્યા બાદ હાલમાં ગૃહિણી તરીકે જીવે છે અને લેખન-વાચન કરે છે. ‘તથાપિ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘વિવિધાસંચાર’ જેવા ગુજરાતીનાં જાણીતાં સામયિકોમાં તેમના અભ્યાસલેખો, આસ્વાદલેખો, કવિતા અને વાર્તાઓ પ્રકાશિત થતાં રહ્યાં છે. તેમની કવિતાઓ હિન્દી સામયિકોમાં પણ પ્રકાશિત થઈ છે. તેમની પંદરેક જેટલી વાર્તાઓ વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે અને અમુક વાર્તાઓ જુદાંજુદાં વાર્તાસંપાદનોમાં પણ સ્થાન પામી છે. વાર્તાના અભ્યાસીઓ તથા વિદ્વાનોનું ધ્યાન ખેંચનાર આ સર્જકનો પ્રથમ વાર્તાસંગ્રહ ટૂંક સમયમાં પ્રકાશિત થવાનો છે. તેમની આ વાર્તાઓના આધારે તેમની વાર્તાકાર તરીકેની વિશેષતાઓને તપાસવાનો અહીં ઉપક્રમ છે.

કૃતિપરિચય :

‘મમતા’ સામયિકમાં છપાયેલી એકાદ ‘અધકચરી વાર્તા’ લખ્યા બાદ તેની ટીકા થતાં પાંચેક વર્ષ સુધી વાર્તાલેખન માંડી વાળનાર આ સર્જકનું વાર્તાલેખન ઈ. ૨૦૧૭માં પુનઃ શરૂ થયું. તે વિશે તેઓ કહે છે કે, ‘૨૦૧૭ની આસપાસ નાજુક માનસિક અવસ્થામાંથી પસાર થતી હતી. કદાચ ઘર અને બાળકોમાં ઓગળેલી હું, મને શોધવા છતાં જડતી ન હતી. પછી મગજમાં એવી ધૂન ઊપડી કે મારે મને શોધવી છે. ફરીથી મેં ટૂંકી વાર્તાનો હાથ પકડ્યો! જીવનને, જગતને અને એ સંદર્ભે મને – હું વાર્તાસાપેક્ષે જોઈ, અનુભવી અને અભિવ્યક્ત કરી શકું તો એ મારી ઓળખનો પર્યાય બની શકે, એવું લાગ્યું... એ પછી આડેધડ વાંચવાના બદલે સભાનતા સાથે વાર્તાઓ વાંચવાનો, વિચારવાનો અને એમાં વપરાયેલ પ્રયુક્તિઓ સમજવાનો પ્રયાસ કર્યો.’ આ સર્જક માટે વાર્તાલેખન એ સ્વ-ની શોધ છે. આ શોધ પણ સભાનપણે થતી હોઈ તેમની વાર્તાઓનાં નારીપાત્રો પણ સ્વ-ને શોધતાં હોય તેવાં વિશેષ જોવા મળે છે. ‘લોકડાઉન’ની હરિતા, ‘મોભ’ની દશુ અને લાડુ, ‘રૂપાંતર’ની તરલ, ‘ટહુકા’ની દ્રુમા, ‘પપ્પાની પરી’ની ક્રિષ્ના, ‘મિસ યુ રાહુલ’ની આસ્થા વગેરે પાત્રો આ વાતની સાબિતીરૂપે જોઈ શકાય. તેથી તેમની ઘણી ખરી વાર્તાઓમાં કથનકેન્દ્ર ‘હું’નું જોવા મળે છે. વિષયવસ્તુની દૃષ્ટિએ જોઈએ તો, સ્ત્રી-પુરુષ સંબંધ, ટેક્‌નોલોજીની માનવસંવેદના પર થતી અસર, એકલતા અને સ્વ-ની શોધ આ સર્જકને વિશેષ આકર્ષે છે. બીજી અગત્યની બાબત તે એ કે તેમનાં પાત્રો મુસાફરી કરતાં વિશેષ જોવા મળે છે. આ બાહ્ય મુસાફરી વડે પાત્રો આંતરિક મુસાફરી કરતાં હોઈ આ પ્રયુક્તિ મહત્ત્વની બની રહે છે. પત્રલેખન, ડાયરી, સન્નિધિકરણ, વર્તમાનપત્રોના સમાચાર, ફિલ્મો અને ગીતોના ઉલ્લેખો આદિ વડે પાત્રના સંવેદનજગતને મૂર્ત કરે છે. ‘લોકડાઉન’ અને ‘મિસ યુ રાહુલ’ – આ બંને એક સિક્કાની બે બાજુની જેમ સ્ત્રી-પુરુષ સંબંધને આલેખતી રચનાઓ છે. ‘લોકડાઉન’ની હરિતા અને સુજોય તથા ‘મિસ યુ રાહુલ’ની આસ્થા અને રાહુલની ઓળખાણ અનુક્રમે ફેસબુક અને ટ્‌વીટર વડે થાય છે. ૨૮ વર્ષની હરિતા અમદાવાદમાં રહેતી અપરિણીત અધ્યાપિકા છે. સુજોય પરિણીત અને એક પુત્રનો પિતા છે. આસ્થા ૪૨ વર્ષની સુખી ગૃહિણી, યુ-ટ્યુબર છે. તેનો પતિ સિદ્ધાર્થ મેનન એક અર્ધસરકારી કંપનીમાં સીઈઓ છે. તેની દીકરી હોસ્ટેલમાં રહે છે. ૨૪ વર્ષનો રાહુલ અપરિણીત યુવાન છે. આસ્થા રાહુલને રૂબરૂ મળી નથી જ્યારે હરિતા લોકડાઉન દરમિયાન સુજોયને મળે છે અને તેની સાથે જાતીય સંબંધોથી જોડાય છે. ‘મિસ યુ રાહુલ’ વાર્તામાં રાહુલના મૃત્યુ પછી પાંચ માસ વીત્યા બાદ પણ તેને યાદ કરતી આસ્થા પ્રેમ અને ઓળખ વિશે વિચારતી જોવા મળે છે. ‘લોકડાઉન’ વાર્તામાં એકવીસ દિવસ સુજોય સાથે વીતાવ્યા બાદ, સુજોય સાથેના પોતાના સંબંધનું સાચું રૂપ ઓળખતી હરિતા સુજોયથી જુદા પડવાનો નિર્ણય લે છે. ‘લોકડાઉન’માં ‘એક રાતની મોજ’ના વિચારે જોડાયેલ સ્ત્રી-પુરુષના સંબંધનું નિરૂપણ થયું છે. અહીં સર્વજ્ઞ અને ડાયરી એમ બે કથક સર્જકે પ્રયોજ્યા છે. ૨૭ માર્ચ, ૨૦૨૦થી ૧૪ એપ્રિલ, ૨૦૨૦ સુધી એમ ૨૧ દિવસ હરિતા અને સુજોય સાથે રહે છે. વાર્તામાં કુલ દસ દિવસની ઘટનાઓનો ઉલ્લેખ છે. ૨૫મી માર્ચની બપોરે સુજોય હરિતાને મળે અને સાંજે લોકડાઉન જાહેર થાય. ૨૭, ૨૯ અને ૩૦ માર્ચ એ ત્રણ દિવસ પૈકી પહેલા બે દિવસ અનુક્રમે હરિતા અને સુજોયના મનોભાવો આલેખ્યા છે. ત્રીજા દિવસે હરિતા અને સુજોયની વાતચીતમાં સહેજ કંટાળાનો ભાવ, જમવાનું બનાવવાની વાતે હરિતાના મનમાં ઊઠતી આછી ટીસ જોવા મળે છે. ૧ એપ્રિલના રોજ સુજોય પોતાની એકલતા વધારે તીવ્રતાથી અનુભવે. ૪ એપ્રિલે સુજોય પત્ની પ્રિયા અને અન્ય સ્વજનો સાથે થાકી જતાં સુધી ફોનથી વાતો કરીને એકલતા પૂરવા મથે અને હરિતા પણ ‘પોતાની સ્પેસ’ શોધવાના ઇરાદે સુજોયથી જુદી બીજા ઓરડામાં સૂઈ જાય. ૬ એપ્રિલે સુજોયને પ્રિયા જોડે પ્રેમથી વીડિયો કૉલ પર વાતો કરતો જોઈને હરિતા બળતરા અનુભવે. ૯ એપ્રિલે સુજોય વળી અંદરની એકલતા, ખાલીપો ભરવા હરિતા સાથે જાતીય સંબંધ બાંધે પણ સમાગમ પછી તરત હરિતાથી દૂર સરીને મોબાઇલ ફેંદવા માંડે. તેને વળગવા જતી હરિતાને સૂઈ જવા કહે. ૧૨ એપ્રિલની ડાયરીમાં હરિતા સુજોયથી કંટાળી ગયાની વાત લખે અને સુજોયની અણગમતી વાતોનું લિસ્ટ નોંધે. ૧૩ એપ્રિલે સુજોય હરિતાને ‘રંડી’, ‘બે વેંતનું બૈરું’ કહીને થપ્પડ મારી દે. હરિતા પણ સામે સુજોયને ‘સાલા’, ‘હલકટ’ કહીને લોકડાઉન પતે કે તરત જતા રહેવાનું અલ્ટિમેટમ આપી દે. ૧૪ એપ્રિલના રોજ હરિતાના ઘરેથી ભાગી જવા તત્પર સુજોય અને તેનાથી કંટાળેલી હરિતા ટી.વી. પર જુએ કે લોકડાઉન ૩જી મે સુધી લંબાવવામાં આવ્યું છે, એ સાંભળીને સુજોય બેસી પડે અને હરિતા થીજી જાય ત્યાં વાર્તા પૂરી થાય છે. આ દસ દિવસમાં ૨૭ માર્ચ અને ૧૨ એપ્રિલ એમ બે જ દિવસ હરિતા ડાયરી લખે છે. બાકીના દિવસના પ્રસંગો સર્વજ્ઞ કથક કહે છે. ૨૭ માર્ચની ડાયરીમાં હરિતા લખે છે કે, ‘નસોમાંથી ફાટફાટ થતો ઉન્માદ શબ્દોમાં ઠરવા માંગતો નથી. છેલ્લા બે દિવસ-ત્રણ રાતથી સુજોય સાથે રહેવા છતાં નશો ઊતરતો જ નથી. મારી અંદર એ એટલો સેળભેળ થઈ ગયો છે કે હું એને અનેક રીતે અનુભવતી રહી. અત્યારે અઠ્યાવીસમા વર્ષે જ્યારે હું મને શરીર સાથે સંવેદું છું, તો લાગે છે કે મદહોશી મારા હૃદય-મનમાં પૂરની જેમ ફરી વળી છે... એઝ એ મેન – હી ઈઝ સો અમેઝિંગ’ આની સામે ૧૨ એપ્રિલની ડાયરીમાં આ નશો ઊતર્યા બાદ હરિતાના વિચારો જુઓ. ‘સુજોયથી હું કંટાળી ગઈ છું... મને ગૂંગળામણ થાય છે. પ્રેમ અને સ્વતંત્રતા મારી જરૂરત છે. છળ તો નહીં જ. હું અત્યારે ક્રોધ, સ્વમાન અને ઈર્ષ્યામાં સળગું છું, એને માફ કરવો, શાંતિ રાખી એને સહન કરવો – જેવા ફાલતુ વિચારના બદલે એક લાત મારીને એને કાઢી મૂકવાનું મન થાય છે.’ માનસશાસ્ત્રીય રીતે જોઈએ તો, સુજોય અને હરિતા ‘વન નાઇટ સ્ટેન્ડ’ના ઈરાદે એકમેકને મળે છે. તેમાંય લોકડાઉનના લીધે ‘છપ્પર ફાડ’ તક મળ્યાનું હરિતા માની લે છે અને તે સુજોય પાસે શરીરથી કંઈક વધારે મેળવવા ઝંખે. બીજી બાજુ પૈસો, પ્રતિષ્ઠા અને પરિવાર હોવા છતાં અંદરથી ખાલીપો અનુભવતો સુજોય હરિતાને ભોગવીને એ ખાલીપો ભરવા મથે. અર્થશાસ્ત્રમાં કહે છે તેમ તૃષ્ટિગુણના નિયમ મુજબ હરિતા સાથે એકથી વધુ વખત શરીરસુખ માણ્યા બાદ સુજોયની ભૂખ તૃપ્ત થતાં ફરી તેને ખાલીપો ઘેરી વળે અને તે હરિતાથી ભાગવા માંડે. તેને દૂર સરકતો જોઈને આઠ વર્ષથી એકલી રહેતી હરિતા તેને બળથી પકડવા મથે, સાથે જ સુજોયને તેની પત્ની સાથે બોલતો જોઈને ઈર્ષ્યા અનુભવે. કહો કે, હરિતા જાતીય આવેગોથી આગળ વધીને હક, અધિકાર જમાવવા જાય. પરિણામે બંનેની અંદરની ભીતિ, ખાલીપો બહાર આવે અને બંને એકમેકના સાચા ચહેરાને જોઈને છળી મરે અને એકબીજા સાથે ઝઘડી પડે. એમિલ ઝોલાની ‘થેરોઝ રાંકે’ના થારી-લોરાંની યાદ અપાવે તેવી હરિતા-સુજોયની આ વાર્તા ‘લવસ્ટોરી’ નહીં પણ ‘લસ્ટ સ્ટોરી’ છે. તેથી અહીં કોણ કોને છેતરે છે એમ કહેવા કરતાં બંને પાત્રો લોકડાઉન નિમિત્તે એકમેકના સાચા રૂપને ઓળખીને, સપડાઈ ગયાનો ભાવ અનુભવે છે તેનું નિરૂપણ થયું છે તેમ કહેવું ઉચિત ગણાય. ‘મિસ યુ રાહુલ’ વાર્તાની આસ્થાને જોતાં ‘નષ્ટનીડ’ની ચારુલતા સહજપણે યાદ આવે. ૪૨ વર્ષની સુખી ગૃહિણી આસ્થા પાસે સમય જ સમય છે અને એમાં ટ્‌વીટરના માધ્યમથી તેના જીવનમાં રાહુલનો પ્રવેશ થાય છે. યુવાન રાહુલ સાથેની ઇરોટિક વાતોથી આસ્થાનું એકાંત અને શાંત જગત ખળભળી ઊઠે. અહીં રાહુલની ગર્લફ્રેન્ડ, મમ્મી, નોકરી એ બધાં વિશે આસ્થા વાતો કરતી જોવા મળે છે. ‘લોકડાઉન’માં સુજોય હરિતા સાથે આવી કોઈ વાતો કરવાનું ટાળે છે. રાહુલ પણ આસ્થાના પતિ, તેની પુત્રી વિશે આસ્થા સાથે વાતો કરતો રહે છે. ફોટા અને વાતોનું થતું આ શેરિંગ આસ્થાને પુનઃ જીવંત બનાવે છે, અંદરથી ભરી દે છે તો રાહુલ પણ બ્રેકઅપ કે નોકરી છૂટી ગયાની વાતો આસ્થા સાથે શેર કરીને હૂંફ, આશ્વાસન મેળવીને ટકવાનું બળ મેળવે છે. ક્યારેક રાહુલની તોફાની વાતોથી આસ્થા થોડી ડરી પણ જતી, પણ આ વાતો પાછળ રાહુલના તોફાની વ્યક્તિત્વને જોતી, સમજતી આસ્થા તેની સાથે એક અંતર રાખીને બોલતી રહે છે. આવા હેતાળ રાહુલના મૃત્યુના સમાચારથી આસ્થાને ઊંડો આઘાત લાગે છે. રાહુલના મૃત્યુના પાંચ-પાંચ માસ વીત્યા બાદ પણ આસ્થા તેની વાતો ભૂલી શકતી નથી એ ક્ષણથી વાર્તા શરૂ થાય છે. ‘પ્રેમ એટલે શું?’ એ સવાલ કરતી આસ્થાના જીવનમાં તેના પતિ સિદ્ધાર્થ મેનન, દીકરી રીમીની સાથે જ રાહુલ પણ વણાઈ ગયાની અનુભૂતિ ભાવકને થાય છે. ‘યાદો આપમેળે ઝાંખી પડશે’ એમ રાહુલને કહેનારી આસ્થા હજુ પણ રાહુલને યાદ કરતી રહે છે. ટેક્‌નોલોજીના માધ્યમથી પરિપક્વ આસ્થાની વાતોથી હૂંફ મેળવતો તરવરિયો રાહુલ અને યુવાન રાહુલની તોફાની વાતોથી જીવંતતા અનુભવતી આસ્થાના સંબંધનું નિરૂપણ હજુ વધારે કલાત્મક રીતે થઈ શક્યું હોત. ‘લોકડાઉન’માં વિષયને અનુરૂપ ટેક્‌નિકની શોધ કરનાર સર્જક અહીં વિષયને અનુરૂપ ટેક્‌નિકની શોધમાં નિષ્ફળ ગયા છે. ‘રૂપાંતર’ની ફિટનેસ, ફેશન અને પાર્ટીની શાન એવી સેલિબ્રિટી તરલ સહેલીઓ સાથે ક્રૂઝ પર દરિયાની સફર માણતી હોય છે અને અચાનક ત્સુનામી આવતાં એ બેભાન થઈ જાય છે. તરલ જાગે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. અજાણ્યા ટાપુ પર નિયો નામનો આદિવાસી ક્રૂઝ બોય અને પ્રકૃતિના સંગમાં તરલ પોતાને જોતી, સમજતી થાય ત્યાં તો તેનો પતિ અનુજ તેને લેવા માટે આવી પહોંચે ત્યાં વાર્તા પૂરી થાય છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી આ વાર્તામાં સર્જક તરલના અતીતને તેનાં સંસ્મરણો રૂપે મૂકી વર્તમાન સાથે સન્નિધિ રચે છે. સુખસાહ્યબીની સાથે દંભ, દેખાડામાં જીવતી, અનુજનો પ્રેમ ઝંખતી, દીકરી દિયાની નજરે બોરિંગ મમા એવી તરલ મનોમન એ દુનિયા સાથે આ રમણીય ટાપુની અગવડોની તુલના કરતી રહે અને એ રીતે સ્વ-ને પામે એવી ગૂંથણી સર્જકે કરી છે. વાચકની ધારણાને અનુરૂપ જ વાર્તાની ગતિ હોવા છતાં આ પ્રયુક્તિના લીધે તરલના આંતરજગતમાં આવતું પરિવર્તન પ્રતીતિકર બની રહે છે. ટાપુનો પરિવેશ તરલના આંતરિક રૂપાંતરને દર્શાવવામાં ઉપયોગી બન્યો છે. પુત્રી દિયા જેટલી વયના નિયોની સાદગી, સરળતા, નિયો સાથે ગાયેલું ગીત પણ તરલને સ્વ-ની શોધમાં ઉપકારક બની રહે છે. વાર્તાના અંતે આ બધું છોડીને એ દંભ, દેખાડાની દુનિયામાં પાછા જવું પડશે એ બીકે તરલ અનુજને જોઈને ગડથોલિયું ખાઈ જાય અને નિયોનો હાથ પકડી લે છે. સુજ્ઞ ભાવકને પ્રશ્ન થાય કે શું તરલનું રૂપાંતર માત્ર બાહ્ય પરિસ્થિતિઓ પર નિર્ભર છે? પરિસ્થિતિ બદલાતાં જો આ અનુભૂતિ ટકવાની ન હોય તો તેને સાચું રૂપાંતર ગણી શકાય? આ અર્થમાં અંતે તરલનું ગડથોલિયું ખાવું એ સર્જકનો હસ્તક્ષેપ જણાય છે જે તરલના સુરેખ વિકાસ પામેલા વ્યક્તિત્વને પણ ગડથોલું ખવડાવી દે છે. ‘સાંજ’ વાર્તામાં નિવૃત્ત જજ ફિરદૌસ જહાંગીર, મેડિસિનનો વિદ્યાર્થી અને ગિટાર વગાડતો ઓલિવર અને અંગ્રેજીની અધ્યાપિકા નીના અગ્રવાલ – આ ત્રણેય પાત્રોની એક વરસાદી સાંજે થોડા કલાકો માટેની ફિરદૌસના ઘરે થતી મુલાકાતનું વર્ણન થયું છે. સર્વજ્ઞ કથક ત્રણેય પાત્રોની એકલતા, ગૂંગળામણને સાથે મૂકીને વરસાદ અને ગિટારના સૂર વડે ઘૂંટીને રજૂ કરે છે. કથકની તટસ્થતા, વરસાદી વાતાવરણ અને સંગીત વડે વાર્તાનો ઘાટ કલાત્મક રીતે બંધાયો છે. મા-બાપનાં છૂટા પડવાની ઘટનાથી ઘરેથી ભાગેલો ઓલિવર ગિટારને સાથી માની, પોતાની અંદરનો લાવા તેના તાર વડે બહાર કાઢ્યા કરે છે. મિત્ર સેમના આમંત્રણથી તિથલ આવેલો ઓલિવર એકલો ફરવા નીકળી પડે અને વરસાદમાં ભીંજાયેલા ઓલિવરને ફિરદૌસ ઘરમાં બોલાવે. વાર્તાના આરંભે કથકનો કૅમેરા એકલા બેઠેલા ફિરદૌસને દર્શાવે છે. ‘મુંબઈ છોડ્યા પછી તિથલમાં આ પહેલું ચોમાસું. એ જ દરિયો, એ જ ચોમાસું, પણ દિનાઝ ક્યાં? જાણે વીજળી ત્રાટકી... ધીમી ધારે પડતો વરસાદ એકાએક મુશળધાર ખાબક્યો. વરસાદમાં બંને કેવાં ભીંજાતાં! તે હિ નો... હળવો નિશ્વાસ છોડ્યો. લાઇટ ગઈ. ફિરદૌસ વરસાદને જોતો, વાંછટથી વેંત છેટે ખુરશી ઢાળી બેઠો.’ કાવ્યાત્મક આરંભ ત્રણેય પાત્રોના આંતરજગતનું સૂચન કરે છે. સોફાના સામસામેના છેડા પર બેઠેલા ઓલિવર અને નીના, આદિની બાળસહજ ચેષ્ટાઓ, મીણબત્તીના અજવાળામાં એમના રમતા પડછાયા, વરસાદની સાથે ભળતો ગિટારનો ધ્વનિ, ગિટારના સૂર સાથે નીનાની ભીતરી રૂંધામણનું બહાર આવવું, તેનું હૈયું આર્દ્ર થવું, સજ્જડ વાસી દીધેલી જાતમાં નાનીનાની તિરાડ પડવી, આદિની નિર્દોષતાની વાતે જાત સંકોરી લેતી નીના, ઓલિવરના હાથમાંથી રેઇનકોટ લેતાં નીના અને ઓલિવરની આંખોમાં તગતગતી સહેજ ભીનાશ, રિક્ષામાં બેઠેલી નીનાના મનમાં રેલાતા ઓલિવરની ગિટારના સૂરો અને સ્મૃતિમાં રમતો પતિ રાજેશનો ચહેરો – આ બધાનું કથકની તાટસ્થ્યસભર અને ઝીણવટભરી નજરે થયેલું નિરૂપણ આસ્વાદ્ય બની રહે છે. વાર્તાનો અંત પણ આરંભ જેવો જ કાવ્યાત્મક છે. ‘ગિટારને કવરમાં ફરી ગોઠવતાં ઓલિવર જવા માટે ઊભો થયો... થોડી વાર પહેલાં વિખરાઈ પડેલી જાતને સમેટી લેવી હોય એમ, ખભે બેગ લટકાવી, આભાર વ્યક્ત કરતો ચાલવા લાગ્યો. સ્ટ્રીટલાઇટના અજવાળામાં એ ટપકું ન બન્યો ત્યાં સુધી ફિરદૌસે જોયા કર્યું. અંદર આવ્યો. લાઇટ આવતાં બેઠકખંડમાં બત્તી ઝગમગી. બિસ્કિટના વેરાયેલા ટુકડા સિવાય બધું નિર્જીવ હતું.’ અંતે કથક સહેજ પાછળ ખસી જઈને ફિરદૌસની આંખે ઓરડાનું વર્ણન કરે છે. અંધારા ઓરડામાં ઓલિવર અને નીનાના આગમનથી ફેલાયેલો ઉજાસ અને તેની પડખે એમના ચાલ્યા ગયા બાદનો ફિરદૌસને વીંટળાઈ જતો લાઇટનો અંધકાર યાદગાર બની રહે છે. ‘મોભ’માં સહોપસ્થિતિની પ્રયુક્તિ અને ‘હું’ના કથનકેન્દ્ર વડે દશુ અને લાડુની વાત કરતી અને તે દ્વારા આપણી કૌટુંબિક-સામાજિક સંરચનાની સંકુલતાને આલેખતી રચના છે. એક સુરેખ લઘુનવલ લખી શકાય એવી આ વાર્તામાં કથક દશું અને બહેનપણી લાડુના જીવનના પ્રસંગોની તુલના કરતી જાય છે. લાડુનું સુખી દાંપત્યજીવન તેની માના એક નિર્ણયથી ભાંગી પડે છે. મા-બાપની જીદ સામે લાચાર દશુ મનગમતા રવિ સાથે સપનાનું ઘર સજાવી શકતી નથી. ઉનાના બસસ્ટેન્ડે દશુ ઊતરે અને તેના મનમાં ભૂતકાળ જીવતો થાય એ રીતે આખી વાર્તા કહેવાય છે. વાર્તાના અંતે લાડુ સાથેની મુલાકાત અને લાડુનો એક જ સવાલ ‘દશુ આમને આમ તું ક્યાં લગણ?’ વાર્તાની પરાકાષ્ઠા છે. જોવા જેવું એ છે કે દશુ અને લાડુ બંને પગભર હોવા છતાં પોતાના જીવનનો નિર્ણય લેવા સ્વતંત્ર નથી. દશરથ પરમારની ‘ચીલ’ વાર્તા અહીં યાદ આવે. બાળપણમાં લાડુ સાથે મીઠાવાળું પાણી પીવાની શરત દશુએ લગાવી હતી. બંને ખારું પાણી પીવે છે અને ઓકારી આવવા છતાં ગટગટાવી જાય છે તે પ્રસંગ બંનેના ભવિષ્યને સૂચવનારો બને છે. કથક દશુ પોતાની ભૂલો સમજે છે પણ સુધારી શકે તેવી સ્થિતિ હવે રહી નથી. વાર્તાના અંતે શેઢાની બહાર વિકસવા જતાં કુમળા છોડને સલૂકાઈથી કાપતા ખેડૂતને દશુ જુએ છે એ દૃશ્ય સૂચક બની રહે છે. “જ’થકી કરેલો આપઘાત’ અને ‘રિયુનિયન’ બંને વાર્તાઓ પ્રસંગકથા બનીને અટકી જાય છે. સંગ્રહમાં કુલ ચાર વાર્તાઓ – ‘પીડારહિત’, ‘ક્ષતિપૂર્તિ’, ‘પસ્તી’ અને ‘વાદળોની પાર સૂર્ય’માં પુરુષ પાત્રોનું આલેખન થયું છે. ‘પીડારહિત’ અને ‘ક્ષતિપૂર્તિ’માં ટેક્‌નોલોજી વડે સમસ્યાનો ઉકેલ શોધવો કેવો ભ્રામક નીવડે છે તેની વાત લેખિકા કરે છે. ‘પીડારહિત’માં આશિષ બ્રેઇન ટ્યુમર થયાનું જાણી ડૉક્ટર ગુપ્તાના પ્રયોગનો ભાગ બને. કોઈ પણ પ્રકારની દુઃખની લાગણી ન અનુભવે. જીવનમાં ખૂબ સફળ થાય, પરંતુ દીકરાના અકસ્માતમાં અવસાનના સમાચાર જાણી પ્રયોગની ખામી સમજાય અને બધું છોડી ભારત આવવા નીકળી જાય. ‘ક્ષતિપૂર્તિ’માં વિરાગ મહેતા નાતાલની સાંજે મોલમાં જઈ એક રોબો લેડી-એન ઇમોશનલ પાર્ટનર ખરીદે છે અને તેને આઠ વર્ષ પૂર્વે છૂટેલી પ્રેમિકા નમિતાનું નામ આપે છે. તેની અંદરના ખાલીપાને યાંત્રિક રોબોટ વડે ભરવાનો પ્રયાસ કરે છે. ૭ ખંડમાં વહેંચાયેલી ‘પીડારહિત’માં પહેલા ખંડમાં બાળપણથી આશિષ લાગણીશીલ છે તેનો ખ્યાલ કથક આપે છે. તેના આવા સ્વભાવને કારણે નોકરી અને ઘરમાં મુશ્કેલીઓ પણ પડે છે. એવામાં બ્રેઇન ટ્યુમરનું નિદાન. અહીંથી વાર્તામાં વળાંક આવે છે. ડૉક્ટર ગુપ્તા આશિષને પીડારહિત માઇક્રોચિપ મગજમાં ફિટ કરવાનો પ્રસ્તાવ આપે છે. હતાશ આશિષ એ વાત સ્વીકારી લે છે. પછી વાર્તા સીધી ત્રણ વર્ષ પછી વર્તમાનમાં આવે છે. દુનિયાની અને પોતાની નજરે આશિષ સફળ બની ગયો છે. લાગણીવિહીન, પીડારહિત બની તે આકરા નિર્ણયો લેતો. ફક્ત પોતાના નફાને જ જોતો. સાથે જ તેના મિત્રો અને ઘરનાંથી એકલો પડી જાય છે. સેંટિયાગોમાં આ અદ્‌ભુત શોધના પ્રમાણ તરીકે પેટન્ટ નોંધાવી ડૉક્ટર ગુપ્તા સાથે નફો લેવાની લાલચે ઊભેલા આશિષને પત્ની અને દીકરાના એક્સિડન્ટના સમાચાર મળે ત્યારે પોતે દીકરાના મૃત્યુનું દુઃખ અનુભવી શકતો નથી એ સત્ય તેને સમજાય. તે નક્કી કરેલા પેપરને બદલે બોલી ઊઠે, ‘અમારી આગળના ડૉક્ટર સ્ટીફન સ્મિથે રોબોટમાં લાગણી પૂરી એને માનવ બનાવવાનું શોધપત્ર રજૂ કર્યું. અમારા ડૉક્ટર ગુપ્તા માણસમાં પીડારહિત ચિપ નાખી માણસોને પીડામુક્ત કેવી રીતે કરી શકાય, એ માટેનું પેપર રજૂ કરી રહ્યા છે. કેવો વિરોધાભાસ? આપણે રોબોટને માણસ બનાવવો છે અને માણસને રોબોટ!’ મનુષ્યની પીડા અનુભવવાની ક્ષમતા જ તેને માનવી બનાવે છે. બીજાનું દુઃખ, વેદના ન અનુભવી શકાય તો શું થાય તે સંભાવના આશિષનું પાત્ર દર્શાવે છે. આશિષથી સામા છેડાનું પાત્ર એટલે વિરાગ. પ્રેમનો ભળતો અર્થ વિરાગ કરે છે. તેના માટે જેને પ્રેમ કરીએ તે પૂર્ણપણે તમારા કાબૂમાં રહેવું જોઈએ. પિતાના અવસાન બાદ માએ બીજાં લગ્ન કર્યાં એ વાતે વિરાગના મનમાં ગાંઠ બંધાઈ ગઈ કે માના જીવનમાં તેનાથી પણ વધારે કોઈ મહત્ત્વપૂર્ણ છે. તેની પ્રેમિકા નમિતા વિધુર પિતાને સાથે રાખવાની વાત કરે છે એ વાતે વિરાગ તેની સાથેનો સંબંધ તોડી નાંખે છે. પિતા અને પ્રેમી વચ્ચે તુલના કરતો વિરાગ માનસિક રીતે અસ્વસ્થ છે. તેની આ અવસ્થા રોબો લેડી સાથેના તેના વાણી-વર્તનમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. વાર્તામાં કથક, પાત્ર અને પ્રતિભાવકની ત્રેવડી ભૂમિકા વિરાગ ભજવે છે. માનસશાસ્ત્રીય અભિગમથી જોઈએ તો વિરાગ જેવો વ્યક્તિ પોતાને જ કેન્દ્રમાં રાખે. તેથી અહીં ‘હું’ના કથનકેન્દ્રની પસંદગી યોગ્ય છે. રોબોટને નમિતા નામ આપવું, તેની પાસે પોતાને જોઈતું વર્તન કરાવવું, સાથે એવી પણ આશા રાખવી કે રોબોટ તેની બધી જ લાગણીઓને તંતોતંત સમજે અને એને જોઈતી પ્રતિક્રિયા આપે – અહીં વિરાગ ભૂતકાળમાં જકડાયેલો છે, પ્રબળ આધિપત્યની ભાવના ધરાવતો લઘુતાગ્રંથિથી પીડાતો પુરુષ છે તેનો ખ્યાલ આવે છે. વાર્તાના અંતે રોબોટના ખોળામાં તે માથું મૂકીને સૂઈ જાય છે. વિરાગ ટેક્‌નોલોજીની સાથે રહી યંત્રવત્‌ બની ગયેલા એકવીસમી સદીના યુવાનનું પ્રતીક છે. એ અર્થમાં ‘ક્ષતિપૂર્તિ’ શીર્ષક સૂચક બની રહે છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી ‘પસ્તી’ સર્જકની નોંધપાત્ર વાર્તા છે. કથક હળવા ટોનમાં છાપાં વેચવાનું કામ કરતા ગિરધારીના જીવનની માહિતી આપે છે. મા-બાપના મૃત્યુ પછી ગિરધારી કાળિયા કૂતરા જોડે વાતો કરતો રહે છે. ‘બડી સુની સુની હૈ, જિંદગી’ ગાતા ગિરધારીના જીવનમાં છાપાંના સમાચાર વાંચવાથી વળાંક આવે છે. એક દિવસ અચાનક તેને છાપાંની દિપીકા તેની સામે જોઈ હસતી જણાય છે. ક્રમશઃ હત્યા, કૌભાંડ, રાજકારણીઓના ભ્રષ્ટાચાર – આ બધું જ ગિરધારી અનુભવવા લાગે છે. ફેન્ટસીની રીતે કરેલું ગિરધારીની અવસ્થાનું વર્ણન વાર્તાનો આસ્વાદ્ય અંશ છે. વાર્તાનો અંત સુજ્ઞ ભાવકને ખૂંચે. આ સમાચારોથી ભાગી છૂટવા ગિરધારી પોતાના ગામ ચાલ્યો જાય. પ્રશ્ન થાય કે શું શહેરમાં જ ગુના થાય છે ગામમાં થતા નથી? ગામડું સારું અને શહેર ખરાબ એવો ધૂમકેતુશાઈ વિચાર અનુઆધુનિક યુગના સર્જકને શી રીતે યોગ્ય લાગે? અહીં જ એક બીજી વાત ધ્યાનમાં આવે કે આ સર્જકનાં બધાં પુરુષપાત્રો – સુજોય, ગિરધારી, આશિષ મહદ્‌અંશે પલાયનવૃત્તિ ધરાવે છે. વિરાગ લઘુતાગ્રંથિથી પીડાતો યુવાન છે. તો ‘પપ્પાની પરી’ના અનંતરાય ચૌધરી સ્વકેન્દ્રી, સરમુખત્યાર વ્યક્તિત્વ ધરાવે છે. ક્રિષ્નાના પત્રરૂપે લખાયેલી આ વાર્તામાં અનંતરાયનું વ્યક્તિત્વ એકવીસ વર્ષની ઘર છોડીને જઈ રહેલી દીકરીની નજરે રજૂ થયું છે. જોકે વાર્તામાં એક વિગતદોષ નજરે પડે છે. આરંભે પપ્પાનું નામ અનંતરાય ચૌધરી દર્શાવ્યું છે, તો વાર્તાના અંતે અનંતરાય ચૌહાણ દર્શાવ્યું છે. કોશા રાવલની વાર્તાઓમાંથી પસાર થતાં કહી શકાય કે સતત સ્વની શોધ કરતાં સ્ત્રી પાત્રો, પલાયનવૃત્તિ ધરાવતાં પુરુષપાત્રો, બાહ્ય મુસાફરીથી આંતરિક મુસાફરી તરફની ગતિ, ટેક્‌નોલોજીનો માનવજીવન પર વધેલો પ્રભાવ; ડાયરી, પત્ર, ફિલ્મનાં ગીતો જેવી પ્રયુક્તિઓનો વિનિયોગ તેમની વાર્તાઓનો વિશેષ છે.

ડૉ. આશકા પંડ્યા
નવલકથાકાર, વિવેચક
મો. ૭૪૦૫૮ ૮૨૦૯૭