ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધીરેન્દ્ર મહેતા
દર્શના ધોળકિયા
આઠમા દાયકાના સત્ત્વશીલ સર્જકોમાં ધીરેન્દ્ર મહેતાનું નામ અને સ્થાન અગ્ર હરોળમાં છે. બાર નવલકથાઓ, પાંચ વાર્તાસંગ્રહો, અઢાર વિવેચનગ્રંથો, છ સંપાદનો, ત્રણ કાવ્યસંગ્રહો, આત્મકથા, રેખાચિત્રો જેટલું માતબર પ્રદાન ગુજરાતી સાહિત્યને તેમણે કર્યું છે. ધીરેન્દ્ર મહેતાનો જન્મ તા. ૨૯-૮-૧૯૪૪ના રોજ અમદાવાદ મુકામે; પિતા પ્રીતમલાલ, માતા રમીલાબહેન. પ્રાથમિક, માધ્યમિક અને સ્નાતક કક્ષાનું શિક્ષણ વતન ભુજમાં જ મેળવ્યું. તેમાંય ચોથા ધોરણ સુધીનું શિક્ષણ તો ઘરમાં જ, માતા પાસે. પછી શાળામાં સાંપડેલા વત્સલ શિક્ષકોના હાથે તેમનો વિદ્યાકીય ઉછેર થયો. ભુજની રામજી રવજી લાલન કૉલેજમાં ૧૯૬૬માં ગુજરાતી વિષય સાથે બી.એ.ના અભ્યાસ દરમિયાન ડૉ. રમેશ શુક્લ અને ડૉ. રસિક મહેતા જેવા વિદ્યાવ્યાસંગી અધ્યાપકોએ તેમનું હીર પારખી તેમના વિકાસમાં રસ લીધો. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, ડૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ. રમણલાલ જોશી જેવા સારસ્વતોની નિશ્રામાં અભ્યાસ કરીને ધીરેન્દ્રભાઈએ ૧૯૬૮માં એમ.એ. અને ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય’ વિષય પર આચાર્ય યશવન્ત શુક્લના માર્ગદર્શનમાં શોધનિબંધ લખીને ૧૯૭૬માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. વ્યવસાયનો આરંભ આકાશવાણી, ભુજથી; રિસર્ચ ફેલોશિપ સાથે એચ. કે. આટ્ર્સ કૉલેજ, અમદાવાદમાં. ૧૯૭૦માં ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યયન કારકિર્દી આરંભી. ત્યાંથી બદલીને ૧૯૭૬માં ભુજની રામજી રવજી લાલન કૉલેજમાં ૨૦૦૬ સુધી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. પછીથી કચ્છ યુનિવર્સિટીમાં એમ. ફિલ.ના ગુજરાતી વિષયના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે તેમણે અધ્યયનકાર્ય કર્યું. ડૉ. રઘુવીર ચૌધરીનો ગાઢ સંપર્ક, રાજેન્દ્ર શુક્લ, અનિલ જોશીનો સહવાસ અને ઘરઆંગણે વીનેશ અંતાણી સાથે તરુણકાળે બંધાયેલી મૈત્રીએ તેમની સાહિત્યયાત્રાને સુખદ બનાવી. ધીરેન્દ્ર મહેતાની સર્જકપ્રતિભા વિવિધ સાહિત્યસ્વરૂપોને લગતાં, સાહિત્યમાં પ્રદાનને લગતાં અને સમગ્ર સાહિત્યને લગતાં સમ્માનોથી વધાવાઈ છે, જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમીનાં પાંચ પ્રથમ પારિતોષિક, ક્રિટિક્સ ઍવૉર્ડ, ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, ધૂમકેતુ ચંદ્રક, જયંત ખત્રી, બકુલેશ ઍવૉર્ડ, ૨. વ. દેસાઈ ઍવૉર્ડ, હરેન્દ્રલાલ ધોળકિયા સુવર્ણચંદ્રક, દર્શક ફાઉન્ડેશન દ્વારા અપાતો દર્શક ઍવૉર્ડ, રણજિતરામ ચંદ્રક આદિનો સમાવેશ થાય છે. ધીરેન્દ્ર મહેતા પાસેથી પાંચ વાર્તાસંગ્રહો મળ્યા છે : ‘સમ્મુખ’, ‘એટલું બધું સુખ’, ‘હું એને જોઉં એ પહેલાં’, ‘ગંઠાઈ ગયેલું લોહી’ અને ‘બસ, એક આટલી વાત’.
તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘સમ્મુખ’ ૧૯૮૫માં પ્રગટ થયો, જેમાં ૨૬ વાર્તાઓ સંગૃહીત થયેલી છે. આ સંગ્રહમાં નારી સંવેદન, માંદગી, વૃદ્ધાવસ્થા અને સંબંધોના વિવિધ આયામો આલેખાયા છે. પ્રસ્તુત સંગ્રહની પ્રથમ વાર્તા ‘સમ્મુખ’ ધ્યાનાકર્ષક બની છે એમાં આલેખાયેલી સંવેદનની સૂક્ષ્મતા ને ઋજુતાને લઈને. બીમાર સાસુની સેવામાં નિમગ્ન બનેલી પુત્રવધૂ સાસુના મૃત્યુ પછી પતિ સાથેનું એકાંત માણવું વીસરી જાય એ હદે સામાન્ય રીતે વગોવાયેલા આ સંબંધમાં એકરૂપ બની છે. તો ‘અકારણ’માં શિક્ષિત પુત્રવધૂની સંવેદનાઓને પારખી ન શકતાં સાસુ આ સંબંધનું એક જુદું રૂપ વ્યક્ત કરે છે. તો ‘આગામી’ વાર્તામાં માતાની બીમારી કેન્દ્રમાં છે, પણ વાસ્તવમાં ત્રણ ભાઈઓ ને બહેન વચ્ચેનું માનસિક અંતર એક રોગગ્રસ્ત માહોલ ઊભો કરે છે. જે મૃત્યુની રાહ જોવાઈ રહી છે એ મૃત્યુને બદલે દબાતે પગલે જીવન આવીને ગોઠવાઈ જતું લાગે છે ત્યારે નાયકને થતો પ્રશ્ન વાર્તાને ચમત્કૃતિ ભણી લઈ જાય છે. તો ‘પુનઃ પુનઃ’ વાર્તા તાજા જ નિવૃત્ત થયેલા ભૂપતરાયનાં મનોસંચલનો ઝીલતી વાર્તા છે. દેખીતી રીતે ભૂપતરાયને કોઈ દુઃખ નથી. તેમનું રહેવા-જમવાનું ને અન્ય સગવડો પૂરેપૂરી સચવાય છે, પણ એમાં સંબંધોની ઉષ્માનો અભાવ છે. ફ્રીઝ થઈ ગયેલા ભૂપતરાયને વસ્તી છે માત્ર ભીંત પર ફરતી ગરોળીની. એનો પણ પુત્રવધૂ દ્વારા ઘાટ ઘડાઈ જતાં ભૂપતરાયના ગતિહીન જીવનમાં સાવ શૂન્યાવકાશ છવાઈ જાય છે. એ જ સવાર ને એ જ તારીખિયું ફાડવાની ક્રિયા કરતા ભૂપતરાયની બહારનાં ને અંદરનાં જગતની ગતિ ને સ્થગતિનો આંતર્વિરોધ સૂક્ષ્મ કરુણનું ભાજન બને છે.
સર્જકનો બીજો સંગ્રહ ‘એટલું બધું સુખ’ ‘સમ્મુખ’ પછી બરાબર તેર વર્ષ પછી બહાર પડ્યો જેમાં પચ્ચીસ વાર્તાઓ સંગૃહીત થઈ છે. પ્રસ્તુત વાર્તાઓમાં રુગ્ણતા – શારીરિક ને માનસિક, બંને પ્રકારની ડોકાયા કરે છે. ‘કૅન્સર’, ‘આટલું બધું સુખ’માં માંદગી વાર્તાના કેન્દ્રમાં છે. પણ તેમ છતાં એ વાર્તાઓને માત્ર શારીરિક રુગ્ણતાની વાર્તાઓ જ કહી શકાય તેમ નથી. ‘કૅન્સર’ વાર્તામાં કૅન્સરગ્રસ્ત પાત્ર તો નિમિત્તમાત્ર છે. આ રોગ ખરેખર ઊછરે તો છે પ્રેમાળ સ્વજનો પ્રત્યે ભારોભાર કટુતાથી વર્તનાર મોટા ભાઈમાં, પુત્રવધૂની ગંભીર બીમારીને ટાંકણે ઘરના સમારકામ માટે આવશ્યક વસ્તુઓ મંગાવવાની ચિંતા કરતા બાપુજીના સ્વકેન્દ્રી વલણમાં. આ બંને પાત્રનો રુક્ષ વ્યવહાર સંવેદનશીલ નાયક તેમ જ અન્ય પાત્રોને વેદનાની કસકમાં ઊંડા ઉતારી દે છે. ખરેખર કૅન્સરગ્રસ્ત કોણ, એ પ્રશ્ન વાર્તાને અંતે સહૃદયને ઉદાસ બનાવે છે. શીર્ષકની વ્યંજના વાર્તાનું પ્રત્યાયન સાધવામાં સફળ બને છે. ‘એટલું બધું સુખ’ છેતરામણા સુખની પડછે વહેતી વ્યક્તિગત એકલતાના વિરોધને પ્રસ્તુત વાર્તા ઉપસાવે છે. વાર્તાના કેન્દ્રમાં નિશા છે તેમ એનો પતિ પણ છે. આ દંપતીની લગોલગ નિશાનાં બહેન-બનેવી વસુધા-હેમંતની વાત વણાતી રહે છે. નિશા તરલ વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી છે. સ્થિરતા એની પ્રકૃતિમાં જ નથી. ઘરમાંય સતત એને બધું ફેરવફેરવ કરવું ગમે છે. પતિને એનું આ ચાંચલ્ય કઠ્યા કરે છે. પણ એ લાચાર છે. પોતાના ચાંચલ્યનું નિશાને તો ગૌરવ છે. એનું માનવું છે તેમ, ‘એકની એક વસ્તુ સ્થિતિ બદલાતાં કેવી તો બદલાઈ જતી હોય છે!’ પણ, પછીથી બનેવી હેમંતની ગંભીર માંદગીથી ચિંતિત થયેલી નિશા વિષાદગ્રસ્ત બને છે. તેને સમજાતું નથી કે આટલું બધું સુખ હોવા છતાં બહેન-બનેવી વચ્ચે સંબંધોની ગૂંચ કેમ ઊભી થઈ શકે? હેમંત ઉદાસ શા માટે રહી શકે? નિશાનો પતિ નિશાને સમજાવતાં જીવનનું સત્ય ઉચ્ચારે છે : ‘આટલું બધું સુખ જ માણસને વધારે એકાકી બનાવી દેતું હોય છે.’ તો ‘પાંદડી’ વાર્તામાં મા-બાપ વિનાની એક છોકરી પોતાની પુત્રીને ઉછેરવા માટે ઘેર લઈ આવતાં દંપતીની વાત છે. પાંદડીની દિનચર્યાને ચૂપચાપ જોયા ને સંવેદ્યા કરતો સમસંવેદનશીલ નાયક એના પ્રત્યે છૂપો સમભાવ અનુભવે છે. પાંદડીના હાથમાં જ તેની પુત્રી સુરખી ક્રમશઃ ઊછરતી રહી છે ને મોટી થઈ ગઈ છે. ધીમે ધીમે તેને પાંદડીની જરૂર રહેતી નથી. એક વાર પાંદડીના મામા પાંદડીને લેવા આવે છે, તેનાં લગ્ન લેવાનાં હોઈને. ઘરમાં એકલો નાયક જ હાજર છે. પાંદડીનું ચાલ્યા જવું એના મનમાં એક કસક ઊભી કરે છે, પણ પાંદડીનાં ગયા પછી ઘરમાં પ્રવેશતી શોભના બોલી ઊઠે છે, ‘આમ જુઓ તો હવે એનું કામ પણ શું હતું?’ નાયકને પ્રશ્ન થાય છે, ‘આ કોણ બોલ્યું?’
‘હું એને જોઉં એ પહેલાં’ લેખકનો ત્રીજો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની મહત્ત્વની વાર્તાઓ જોઈએ તો પહેલી છે. ‘હું એને જોઉં એ પહેલાં’. આ વાર્તાની નાયિકા મીતા બાળકની માતા બનવાથી વંચિત રહી જાય છે. તેની ક્ષુબ્ધ મનોદશા જોઈને નાની બહેન ગીતા, મીતા માટે બાળકને જન્મ દેવા તૈયાર થાય છે. મીતા ને ગીતા એ દિવસોમાં એક જુદા જ પ્રકારનું અદ્વૈત અનુભવે છે. બહેન માટે બાળકને જન્મ આપતી, આખીય પ્રક્રિયા દરમિયાન બાળક પ્રત્યે તદ્દન તટસ્થ રહેલી ગીતાનો પ્રસૂતિ સમયનો પ્રતિભાવ એના નારીત્વને ચીંધતો, સહૃદયને મૂક બનાવતો, આ રીતે અભિવ્યક્ત થયો છે. ‘ગીતાએ મીનાને લઈ લેજે.’ ગીતામાંની સ્ત્રીનો આ સળવળાટ કેવો તો ચુપકીદીથી બહાર આવી ગયો છે! ‘ઘઉં વીણતી સ્ત્રીઓ’માં ઘઉં વીણવાની પ્રક્રિયાના સંકેત દ્વારા મનોસંચલનોની ભાત પ્રતીકાત્મક અભિવ્યક્તિ પામી છે. સોસાયટીની ભદ્ર કુટુંબની ગણાય તેવી સ્ત્રીઓ ઘઉં વીણતાં વીણતાં વાત તો માંડે છે પડોશમાંની કોઈ વહુ પ્લમ્બર સાથે ભાગી ગયાની. પણ એની સાથોસાથ આ સ્ત્રીઓનું મનોજગત ઊઘડતું રહે છે. ઘઉં ને જવના ભેદનો વારંવાર થતો ઉલ્લેખ આ સ્ત્રીઓના મનોજગતનો પરિચય કરાવતો રહે છે. આ સ્ત્રીઓમાં મંદા જુદી પડતી સ્ત્રી છે. એ ભણેલીગણેલી છે, નોકરી મૂકીને આવી છે. મંદાના ભણતરનું મહત્ત્વ એટલું જ છે કે એથી કરીને એને સારો પતિ મળ્યો છે. છોકરાને મા-બાપ આટલા માટે જ ભણાવે છે, જેથી એને સારી પત્ની મળે. આ સૌ સ્ત્રીઓને બધી જ સગવડો એના ભણતરના બદલામાં મળી છે, સ્ત્રીકેળવણીની આ કેવી તો વિડંબના! મંદા આથી જ, છેલ્લે, વિચારમાં પડે છે : ‘કઈ બાજુના ઘઉં વીણેલા છે?’ કદાચ કોઈ બાજુના નહીં, કદાચ બધી બાજુના. વાર્તાની આ વ્યંજના નારીસંવેદનાની સાથોસાથ સામાજિક પરિસ્થિતિની કરુણતાય આલેખી શકી છે. ‘રિનૉવેશન’ વાર્તાની નાયિકા સુલેખા ગૃહજીવનના કેન્દ્રમાં રહેલી કુશળ ગૃહિણી છે. એક સમયે ઘરના વિપરીત સંયોગોમાં સૂઝબૂઝ વિનાના પતિની પડખે ઊભા રહીને એણે અથાણાં-પાપડ બનાવીને, શહેરમાં છોકરાંઓને ભણાવીને ઘરને બેઠું કર્યું હતું. પણ ધીમે ધીમે એને સમજાતું ગયું કે પોતાની દુનિયામાં હવે એની કોઈ આવશ્યકતા રહી નહોતી. એને જ કારણે શક્ય બનેલું ઘરનું રિનૉવેશન. જેમાં સૌની સગવડો સચવાવાનો એણે પૂરો પ્રયત્ન કરેલો. ને એ જ ઘરમાં એ ધીમે ધીમે મશ્કરીનો વિષય બનતી જતી હતી. એક પાર્ટીમાં રોહિણી હતગંડીને મળવા એ ઉત્સુક બનીને ગઈ ને ત્યાં સંતાનો ને પતિ દ્વારા જ એને ઉપહાસનું નિમિત્ત બનવાનું આવ્યું. વાર્તાને અંતે કોઈક દ્વારા વખણાયેલું સુલેખાના ઘરનું રિનૉવેશન, રિનૉવેટ થયેલી સુલેખાને હડસેલીને જે રીતે ગૃહવ્યવસ્થાના બદલાવનું પ્રતીક બને છે ત્યારે એમાં રહેલો ધ્વનિ સ્ત્રીની અવગણના ને ભાવુક એકલતાને સંયત રીતે અભિવ્યક્ત કરવામાં સફળ બને છે. તો ‘હુમલો’ વાર્તામાં સાસુ સરસ્વતી દમથી પીડિત છે. પુત્રવધૂ મધુ એની પૂરી માવજતથી કાળજી લે છે. કેટલાય સમયથી એ સાસુ માટે કરીને ક્યાંય બહાર જતી નથી. આ વાત એ સહજભાવે ટેલિફોનમાં કોઈ પાસે વ્યક્ત કરે છે ત્યારે સાસુજી એ સાંભળી જાય છે. મધુને મુક્ત રાખવા એ મથે છે ને પોતાને થતા દમના હુમલાને એ છુપાવે છે. ખાસ કરીને રાતના સમયે. પણ છેલ્લે મૃત્યુ ભણી લઈ જતો દમનો હુમલો સરસ્વતીનું નિશ્વેત થયેલું શરીર છુપાવી શકતું નથી. એ વ્યંજનામાં મનુષ્યમાં રહેલું સ્વાભિમાન ને સાથોસાથ સાસુ-વહુના સંબંધોમાં પરસ્પર પ્રવર્તતી હૂંફ એ બંને લાગણીઓને લેખક કુશળતાથી વ્યક્ત કરે છે.
‘ગંઠાઈ ગયેલું લોહી’ એ લેખકનો ચોથો વાર્તાસંગ્રહ. જેમાં પંદર વાર્તાઓ સમાવિષ્ટ છે. આ વાર્તાઓમાં માનવીય સંબંધો કેન્દ્રસ્થાને છે. ‘ન કહેવાયેલી વાત’માં માતાની વિદાય પછી એકલા પડેલા પિતા-પુત્રી અને પછીથી એકલા પડેલા પિતાની એકલતા આલેખાઈ છે. તો ‘નંદિની’, ‘પપ્પા’ અને ‘ઘૂંટણનો વા’ એની લાક્ષણિકતાઓને લઈને લાંબી ટૂંકી વાર્તા બને છે. માનવસંબંધમાં બદલાતાં રૂપ અહીં દરેક વાર્તામાં નવી રીતે આલેખાય છે. ‘ગંઠાઈ ગયેલું લોહી’માં માંદગી ભોગવીને મૃત્યુ પામેલા પતિ સાથેના ગંઠાઈ ગયેલા સંબંધોની વેદના સૂક્ષ્મ અભિવ્યક્તિ પામી છે. તો ‘અરે, નિમેષભાઈ, તમે?’માં પિતાના મૃત્યુ પછી એમનું ખાતું બંધ કરાવવા ગયેલ પુત્રની ઓળખાણ માગતા સરકારી ખાતાની જડતાને વ્યક્ત કરતી આ કૃતિમાં, વાર્તાનાયકનું છેડાયેલું વિસ્મય આલેખાયું છે. પોતાની ઓળખાણ કોઈએ શા માટે પૂછવી જોઈએ, જ્યારે એ આટલો પરિચિત હોય? એ પ્રશ્ન નાયકને બાઘાઈની હદે પહોંચાડે છે.
‘બસ, એક આટલી વાત’ એ પાંચમાં વાર્તાસંગ્રહમાં એકવીસ વાર્તાઓ છે. જેમાં ‘હું સોગંદ ખાઈને કહું છું કે’માં પોતાના મકાનનો કબજો બીજા પાસેથી લેવાના સંદર્ભે નાયકની મૂંઝવણ મનોવૈજ્ઞાનિક ઢબે રજૂ થઈ છે. ‘દાદાજીઓ’માં વૃદ્ધાશ્રમમાં મુકાતા ને પછી અન્યો દ્વારા દત્તક લેવાતા વૃદ્ધોની વાત મૂકીને આધુનિક કુટંબજીવનની કરુણ ગંભીર વિડંબના લેખક આલેખે છે. ને ‘કૂંચી’ જેવી વાર્તામાં સંવેદનને સમજી શક્યાની સૂક્ષ્મ કસક વ્યક્ત થઈ છે. તો ‘મૃત શેષ’ વાર્તા સાતેક લીટીમાં જ ચમત્કૃતિ સર્જે છે. ધીરેન્દ્ર મહેતાની વાર્તાઓમાં મોટા ભાગનાં પાત્રો પોતાના એકાકીપણામાં જીવે છે. આ એકાકીપણું અતડા કે ઘમંડી વલણમાંથી જન્મ્યું નથી પણ જે-તે પાત્રોની સમજદારીમાંથી નીપજ્યું છે. આ પાત્રો છે તો આમસમાજમાંથી જ આવેલાં, સમાજ વચ્ચે જ રહેલાં, શ્વસતાં, પણ એમની વિચારશીલતા એમને જંપવા દેતી નથી. એ દરેકને પોતપોતાની કસક છે. ટૂંકી વાર્તામાં અપેક્ષિત લાઘવ આ વાર્તાઓમાં ઊભરી આવતું પ્રમુખ તત્ત્વ છે. પાત્રોના મનોભાવને, વેદનાઓને કે સુખોને બિલકુલ મુખર થયા વિના લેખકે આલેખ્યાં છે. એ આલેખનને સફળ બનાવવામાં લેખકની કાવ્યમય ભાષાએ ને વર્ણનની સૂક્ષ્મ નિરીક્ષણની કલાએ તેમને મહત્તમ મદદ કરી છે. પ્રસ્તુત વાર્તાઓમાં લેખકનો આધુનિક અભિગમ વિભિન્ન વલણો રૂપે દેખા દે છે. એમાં પ્રયોગલક્ષિતા નહીં પણ પ્રયોગશીલતા જોવા મળે છે. અલબત્ત, એમાં કોઈ અભિનિવેશ રહેલો નથી. લેખકે અહીં જે જુદી જુદી ટેક્નિકનો ઉપયોગ કરેલો છે, એમાં પણ એ જોવા મળશે. ધીરેન્દ્ર મહેતાની વાર્તાઓમાં બનેલા બનાવનું યથાતથ નિરૂપણ થયું હોવાનું અનુભવાતું હોવા છતાં એમાં એવું કશુંક છે, જે વાસ્તવમાં ઘટ્યું ન હોય અને એથી જ એ વધુ સ્પર્શે છે. આ વાર્તાઓમાં નારીનાં ચૈતસિક જગતની મથામણો, વેદનાઓ છે; સ્ત્રીમાં પ્રકૃતિગત, કહો કે સ્થાયીભાવ રૂપે પડેલી સંવેદનશીલતા ને એની લગોલગ જ પડેલો માલિકીભાવ, નાની નાની વાતોમાં સંકેલાઈ જતું એનું ભાવજગત, પરિસ્થિતિને વશ થઈ જવાની લાક્ષણિકતા ને આ બધામાંથી જ કદાચ ઉદ્ભવેલું સ્વકેન્દ્રીપણું ધ્યાન ખેંચે છે. ધીરેન્દ્ર મહેતાની વાર્તાઓમાં રોજબરોજ જીવાતા જીવનમાં સરજાતાં વલયો ઝિલાયાં છે. આપણી આસપાસ વસતાં, આપણાં જ કહેવાય તેવાં લોકમાં કેવું મોટું વિશ્વ પડેલું છે; એની કેવી કેવી કરુણતાઓ ને વિરૂપતાઓ છે ને છતાંય એ કેટલું ચાહવાયોગ્ય છે એની વાત પોતાની વાર્તાઓમાં લેખકે માંડી છે. અહીં એક બાજુ મનુષ્યને ચાહવામાં પડેલો મૂલ્યબોધ છે, તો બીજી બાજુ આધુનિક નગરજીવને સર્જેલી યંત્રણાઓ, વૃદ્ધોની એકલતા, આધુનિક કેળવણીએ જગવેલા પ્રશ્નો, પેઢી-અંતર, મનુષ્યનું વર્ધમાન બનતું જતું સ્વકેન્દ્રીપણું, જેવા વણ્યવિષયોમાં પ્રગટતો આધુનિકતાનો સંસ્પર્શ છે. આ બંને વલણોની સહોપસ્થિતિ લેખકની આંતરપ્રતીતિમાં પડેલી હોઈ, એ પ્રતીતિએ લેખકને તત્કાલીન ધારાઓના પ્રવાહથી મુક્ત રાખીને યુગની લગોલગ ઊભેલા છતાં અંતઃસ્થ સર્જક તરીકે પ્રગટ કર્યા છે. આ પાંચેય સંગ્રહોની વાર્તાઓમાં જીવનનો પ્રત્યક્ષ અને ભરપૂર અનુભવ સાંવેદનિક સ્તરે અભિવ્યક્તિ પામ્યો છે, તો ક્યાંક આ વાર્તાઓમાં અનુભવની સાથે લેખકની જીવન વિશેની સમજ રસાય છે અને વાર્તા એક નોખો પિંડ ધારણ કરે છે. ‘સમ્મુખ’થી માંડીને ‘બસ, એક આટલી વાત’ સુધીની યાત્રામાં લેખક ટૂંકીવાર્તાના તરલ સ્વરૂપને વિભિન્ન આયામોમાં આલેખતા જઈને આ સ્વરૂપની સૂક્ષ્મતાને એમની કલમની બાથમાં સમાવવામાં સફળતા હાંસલ કરે છે.
પ્રો. ડૉ. દર્શના ધોળકિયા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્મ વર્મા
કચ્છ યુનિવર્સિટી, કચ્છ
ભુજ
મો. ૯૦૯૯૦ ૧૭૫૫૯