ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પ્રબોધ પરીખ
પ્રબોધ પરીખની વાર્તાઓ
કિશન પટેલ
મુંબઈના રસ્તાઓ પર પી. પી. દાદા બૂમ પાડતા એવી કોઈ વ્યક્તિ પાછળ જુએ, જેની દાઢી અને માથાની શ્વેત કેશરાશી, મુંબઈના રોડ પર ભૂલા પડેલા અસ્સલ જર્મન ફિલોસોફરની યાદ અપાવે તો આ વ્યક્તિને ઓળખવામાં થાપ ન ખાવી. આ વ્યક્તિ એટલે ખરેખર તો અસ્સલ કાલબાદેવીયન ગુજરાતી પ્રબોધ પરીખ. એક ખરલમાં ચિત્રકળા, જેઝ મ્યુઝિક, ફિલસૂફી, નાટક, ફિલ્મ, સાહિત્ય અને ખાણી-પીણી ઇત્યાદિને ઘૂંટો ને જે બને તે એટલે પ્રબોધ પરીખ. ૧૯મી જૂન ૧૯૪૫ના રોજ સાક્ષર નગરી નડિયાદમાં જન્મેલા પ્રબોધ પરીખ લાંબા સમયથી મુંબઈમાં જ વસવાટ કરે છે. ૨૦૦૫માં મુંબઈની મીઠીબાઈ કૉલેજમાંથી ફિલસૂફીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા. અધ્યયન અને અધ્યાપન માટે અવારનવાર વિદેશ જવાનું બન્યું છે. ‘કથા સેન્ટર ફોર ફિલ્મ સ્ટડીઝ’ નામની દિલ્હીની સંસ્થા સાથે કેટલોક સમય કાર્ય કર્યું છે. ૨૦૦૬થી ૨૦૧૯ સુધી સુભાષ ઘાઈની ફિલ્મ સ્કૂલમાં કાર્યરત રહ્યા. તેમની પાસેથી ‘છીએ તેથી’ અને ‘કૌંસમાં’ નામનો કાવ્યસંગ્રહ અને ‘કારણ વિનાના લોકો’ નામનો વાર્તાસંગ્રહ પ્રાપ્ત થાય છે. તેમનાં કાવ્યોનો અનુવાદ હિન્દી, મરાઠી, બંગાળી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં પણ થયો છે. ઘણાં કાવ્યો એવાં છે જે હજી સુધી ગ્રંથસ્થ થયાં નથી. મિત્રોને પત્રો લખવાનો એમનો ઉત્સાહ અદ્ભુત છે. હરિવલ્લ્ભ ભાયાણી સાથેના પત્રવ્યવહારનું પુસ્તક ‘પ્રિય ભાયાણીસાહેબ’ નામે પ્રગટ થયું છે. આમ, અનેક કળાઓ સાથે એમનો અતૂટ નાતો છે. આ નાતો પુસ્તકો રૂપે ઓછો પણ વ્યાખ્યાનો રૂપે અનેકવાર આકારિત થતો જોવા મળ્યો છે. ઓછાં પરંતુ માતબર લખાણો માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક અને જી. એફ. સરાફ પારિતોષિક પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત લાભશંકર ઠાકર વિશેની ‘માણસની વાત’ નામે અને સિતાંશુ યશશ્ચન્દ્ર વિશેની ‘આ માણસ ગુજરાતી લાગે છે’ નામે દસ્તાવેજી ફિલ્મ પણ તેઓ બનાવી ચૂક્યા છે. ગુજરાતી સાહિત્યના આધુનિક સમયગાળા દરમિયાન પરંપરા સામે વિદ્રોહ અને પ્રયોગશીલતાના વાતાવરણમાં કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક જેવાં સ્વરૂપોમાં અનેક ફેરફારો થયા. અસ્તિત્વવવાદ, અતિવાસ્તવવાદ, દાદાવાદ, એબ્સર્ડવાદ જેવા પશ્ચિમની ચિત્રકળામાંથી જન્મેલા અનેક નવ્ય વાદોના ચશ્માંથી સાહિત્યને જોવાના નવા દૃષ્ટિકોણ જન્મ્યા. ઘણા લેખકોએ હેતુપૂર્વક પણ આવા વાદોનો ઉપયોગ કરી સાહિત્યસર્જન કર્યું. ‘આકંઠ સાબરમતી’, ‘રે મઠ’ની પ્રવૃત્તિઓમાં કે પછી ‘કૃતિ’ વગેરે સામયિકોમાં પ્રગટ થયેલી રચનાઓ ઉપરોક્ત વિધાનનાં દૃષ્ટાંત છે. પ્રબોધ પરીખની વાર્તાઓ વિશે વાત કરતાં પહેલાં આધુનિકતાના સમયગાળાની આ ભૂમિકા સમજવી ખૂબ જરૂરી છે. પ્રબોધ પરીખનો વાર્તાસંગ્રહ ‘કારણ વિનાના લોકો’ વર્ષ ૧૯૭૭માં પ્રગટ થયો હતો. પ્રથમ વાર્તા ૧૯૬૩માં ‘એક ઉદાસ માણસની વાત’ ચુનીલાલ મડિયાના ‘રુચિ’ સામયિકમાં પ્રગટ થઈ હતી. પ્રબોધ પરીખનો પ્રથમ સંગ્રહ પ્રગટ થયો એ વર્ષોમાં પ્રયોગ અને પરંપરા એમ બે પ્રવાહો સમાંતર ચાલી રહેલા માલૂમ પડે છે. પરંતુ આ બે પ્રવાહોના સંદર્ભે પ્રબોધ પરીખની વાર્તાઓમાંથી પસાર થઈએ છીએ ત્યારે કથનના પારંપારિક વ્યાકરણની ઘરેડ સામેનો વિદ્રોહ સ્પષ્ટપણે જણાય છે પરંતુ પ્રયોગના સંદર્ભે આ વાર્તાઓ પ્રત્યાયન વિરોધના સ્તરે પહોંચેલી માલૂમ પડે છે. વાર્તાઓનાં જ કેટલાંક ઉદાહરણો વડે આ ચિત્રને વધુ સ્પષ્ટ કરીએ. અહીં સંગ્રહમાં કુલ ૨૨ જેટલી વાર્તાઓ સમાવિષ્ટ કરવામાં આવી છે. મોટાભાગની વાર્તાઓ પ્રથમ પુરુષ એકવચનની શૈલીમાં છે. પ્રથમ વાર્તા ‘એક ઉદાસ માણસની વાત’થી શરૂ કરીએ. આખી વાર્તા અસ્તિત્વ, મૃત્યુ, મીના અને માની આસપાસ આકાર લે છે. નાયક એકલો રહે છે. સમગ્ર વાર્તામાં આંતરિક અને બાહ્ય વિશ્વ વચ્ચે આવન-જાવન ચાલુ છે. ચારેય તરફ સુસંસ્કૃત કાંતો જંગલી ભીડ છે પણ આ ભીડ એને ક્યાંય સ્પર્શી શકી નથી. માસીના ઘરે દાદીના શ્રાદ્ધમાં જાય છે ત્યારે આવતું વાક્ય મહત્ત્વનું છે. નાયક કહે છે, ‘કદાચ કોઈપણ મરી જાય છે, કારણ કે એણે મરી જવું જોઈએ. અત્યારે ટેબલ પરના વાઝના ચમકતાં ફૂલો પણ મરી જશે. માસીની પાળેલી બિલાડી પણ મરી જશે ને હું...’ અહીં ખબર પડે છે કે નાયકને કેન્સરનાં લક્ષણો છે. આમ, આખી વાર્તામાં નાયકની મનની સંકુલ સ્થિતિ અને અસહાયતા ઉદાસીનું વાતાવરણ ઊભું કરવામાં સફળ નીવડે છે. વાર્તાના અંતે નાયક, ભૂતકાળમાં મીનાને કહેલી વાત યાદ કરે છે, ‘મીના હું તને ચાહું છું ને તમને તો ખબર છે ને...’. અહીં સંબોધન માટે પહેલાં ‘તને’ અને પછી ‘તમને’ ઉપયોગ, વાચકને અસમંજસમાં નાખી દે છે. વાર્તાકારની આ પ્રથમ વાર્તા બાદની તમામ વાર્તાઓ એકવિધ રચનાશૈલીમાં લખાઈ છે. જેના માટે રઘુવીર ચૌધરીએ યોગ્ય રીતે જ ‘વાર્તાવિશેષ’ નામના એમના પુસ્તકમાં કહ્યું છે, ‘પ્રબોધ પરીખે વાક્યવૈચિત્ર્ય દ્વારા જીવાતા જીવન પ્રત્યે નિસ્બત દાખવેલી.’ આમ, બીજી ૨૧ તમામ વાર્તાઓ આથી પહેલાં ગુજરાતી સાહિત્યે ન જોયેલું વાક્યવૈચિત્ર્યનું વિચિત્ર વિશ્વ ઊભું કરે છે. આ વાર્તાઓનું કથાવસ્તુ આપવું એના આસ્વાદક માટે એક કપરું કાર્ય છે. તેથી રચનારીતિના કે સ્વરૂપના પરંપરિત વ્યાકરણ સામે વિદ્રોહ પોકારતી આ વાર્તાઓ એના આસ્વાદક, સમીક્ષક કે અવલોકનકારના પરંપરિત ટૂલ્સ સામે પણ એક વિદ્રોહનું રૂપ ધારણ કરે છે. તેથી આ વાર્તાઓને કંઈક નવીન રીતે જોઈએ.
પ્રબોધ પરીખની વાર્તાઓ વિશે ખૂબ ઓછા વિવેચકોએ લખ્યું છે. તો તેમાંથી બે વાર્તાઓ અંગેના બે મહત્ત્વના વિવેચકોનાં આંશિક વિધાનો નોંધીએ. જયેશ ભોગાયતા તેમના શોધનિબંધ ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’માં ‘Dasein’ વાર્તા વિશે લખતાં એક વાક્યનો ઉપયોગ કરે છે, ‘પાત્રો અને સંદર્ભોનાં મુક્ત સાહચર્યો નાયકના ચેતના પ્રવાહની ગતિ આલેખે છે’, ‘વાક્યોનાં મુક્ત સાહચર્યો સંવેદના પ્રવાહની ભાત રચે છે.’ રઘુવીર ચૌધરી ‘વાર્તાવિશેષ’માં ‘છીએ તેથી’ વાર્તા વિશે લખે છે તેમાંનું એક વાક્ય, ‘મુક્ત સાહચર્યો દ્વારા સંવેદનાની વિવિધ છબીઓ સંયોજાય છે.’ આ બંને વિવેચકોના મતમાં એક શબ્દપ્રયોગ સમાન છે તે એટલે ‘મુક્ત સાહચર્ય’. સામાન્યપણે આ શબ્દપ્રયોગ મનોવિજ્ઞાન સંદર્ભે થતો જોવા મળે છે. આ વાર્તાઓને ઉકેલવા આ ચાવીરૂપ શબ્દ છે. મુક્ત સાહચર્ય (Free association)-ની કસોટી કોઈપણ માનવીને સ્વતંત્રપણે પોતાના અચેતન મનના વિચારો અને લાગણીઓને તર્કના દાબ વિના તપાસવાની તક આપે છે. મુક્ત સાહચર્યની પ્રક્રિયા એક પ્રકારે કેથાર્સિસનું કાર્ય પણ કરે છે. અહીં સંગૃહીત વાર્તાઓ સંદર્ભે જોઈએ તો આ સાહચર્યો કઈ રીતે જોડાય છે એ કળી શકાતું નથી. પરંતુ તેના દ્વારા કૉલાજ અસ્તિત્વમાં આવે છે. ‘કારણ વિનાના લોકો’ વાર્તા દ્વારા સમજીએ. વાર્તાની શરૂઆત જ અવાજથી થાય છે. હસવાનો અવાજ. આ વાર્તામાં અવાજોનાં અનેકવિધ રૂપ છે. વાર્તાનાયક દ્વારા થતી મુક્ત સાહચર્યની પ્રક્રિયા જોઈએ. ‘દાદરા પરથી હવે એમના ઉતરવાનો અવાજ, અને સામે કબાટ છે તેમાં છે એ રમકડાંઓ’(પૃ. ૭૬). અહી બંને વાક્યો વચ્ચે કોઈ સંબંધ નથી. પછી અચાનક કઈક સમાન પ્રકારનું દેખાતું વાક્ય વાર્તાની વચ્ચે આવે છે. ‘છેક દાદરા સુધી મૂકી આવ્યો છું. ક્યાંય સુધી ત્રણ માળના દાદરા પર એમના ઉતરવાનો અવાજ આવ્યા કરે’ (પૃ. ૭૮). આમ વાર્તાની શરૂઆતના વાક્યનું જોડાણ વચ્ચે ક્યાંક આવતા વાક્ય સાથે આંશિક રીતે સાધી શકાય છે. પરંતુ એ જોડાણથી પણ કોઈ વ્યવસ્થિત ચિત્ર બનતું નથી. વાર્તાકાર વાક્યો પાસેથી રંગોની માફક કામ લઈ આખી વાર્તાને Abstract paintingની કક્ષાએ લઈ જાય છે. આ સંભાવનાના બીજા પ્રબળ દૃષ્ટાંત તરીકે ‘બેંગ બેંગ ઇહિતા’, ‘મીના છે તેથી’ ને? શ્રેણીની અન્ય વાર્તાઓ પણ લઈ શકાય. બીજી કેટલીક બાબતો પણ અહીં નોંધવી અનિવાર્ય બની રહે છે. વાર્તાકાર ફિલસૂફીના અધ્યાપક રહી ચૂક્યા છે. ઘણી વાર્તાઓ તો પશ્ચિમી ફિલસૂફોના વિધાનોથી શરૂ થાય છે. એક વાર્તાનું શીર્ષક ‘Dasein’(=Beingthere)નો સીધો સંબંધ હાઈડેગરની ફિલસૂફી સાથે જોડાયેલો છે. આમાંની મોટાભાગની વાતો અસ્તિત્વવાદ સાથે સંબંધ ધરાવે છે. તેથી વાચક સમજી શકશે કે આધુનિક સમયગાળામાં વૈશ્વિક ઘટનાઓને કારણે માનવીય અસ્તિત્વ પર આવેલાં જોખમો, તેથી ફિલસૂફીમાં પણ થયેલાં પરિવર્તનો અને ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોષીની કલાવિચારણાનો પ્રવાહ ક્યાંક ને ક્યાંક આ વાર્તાઓની આધારભૂમિ બન્યા છે. આ ઉપરાંત અન્ય એક વાત પણ ધ્યાનમાં આવે તે છે Non-linear Narrative. મુક્ત સાહચર્યની પદ્ધતિમાં અસીલ દ્વારા થતી વાતો પણ મોટાભાગે Non-linearityને અનુસરે છે. આમ જોતા Non-linear Narrative અનુઆધુનિકતાનું એક મહત્ત્વનું લક્ષણ છે. પરંતુ આ માત્રથી આ વાર્તાઓને અનુઆધુનિકતાનું લેબલ લગાડી શકાય નહીં. પરંતુ Narrativeની Non-linearity પાછળનું રહસ્ય હરિવલ્લ્ભ ભાયાણીના (ભાવન-વિભાવન-૨માંથી) એક વિધાનને આધારે સમજી શકાય, ‘દૃઢ આલંબનો ધરાવતા બુદ્ધિગમ્ય વ્યવસ્થાવાળા સહેતુક જગત અને જીવનનું પરંપરાગત ચિત્ર કેટલાક સમયથી ઝડપભેર તૂટી રહ્યું છે. તેમાં વિચ્છિન્નતા, વિસંગતિ, વિઘટન, નિરાલંબપણું, નિરર્થકતા, આદિના ઓળા વરતાવા લાગ્યા છે અને કથાવસ્તુ કે ઘટનાનું સ્વરૂપ પણ એ અનુભૂતિને અનુરૂપ બનતું જાય એ સ્વાભાવિક છે.’ આમ, પાત્રની માનસિક સંકુલતા વર્ણનોથી તો પ્રગટે જ છે પણ સ્વરૂપની સંકુલતાથી એ વધુ ઘટ્ટ બને છે. આમ, વાર્તાકારનો હેતુપૂર્વકનો તર્કનો છેડો ફાડી ભાષા સાથે રમવાનો આ પ્રયોગ વિવેચકોના મતે આત્યંતિક જરૂર નિવડ્યો છે પણ પ્રયોગ લેખે ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાંથી ભૂંસી શકાય એમ નથી.
કિશન પટેલ
આસિ. પ્રોફેસર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ
એન. એસ. પટેલ આટ્ર્સ (ઓટોનોમાસ) કૉલેજ, આણંદ
મો. ૮૪૬૯૬૪૬૭૩