ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/નલિન રાવળ
પાયલ પટેલ
સર્જક પરિચય :
રાજેન્દ્ર–નિરંજનના અનુગામી પેઢીના સત્ત્વશીલ અને ટૂંકી રચનાઓમાં પ્રતીક-કલ્પનના સંદર્ભ સાથે વિશિષ્ટ રીતે કલાઘાટ ઉપસાવનાર નલિન ચંદ્રકાન્ત રાવળનો જન્મ ૧૭, માર્ચ ૧૯૩૩ અને મૃત્યુ ૫, એપ્રિલ ૨૦૨૧માં. જન્મ અમદાવાદમાં પણ મૂળ વતન વઢવાણ. પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૫૪માં મેટ્રિક. ૧૯૫૬માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ., ભરૂચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન ત્યારબાદ બી. ડી. આટ્ર્સ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક. ૧૯૯૩માં નિવૃત્ત.
કલાસર્જન :
ચાર કાવ્યસંગ્રહો : ‘ઉદ્ગાર’ (૧૯૬૨), ‘અવકાશ’ (૧૯૭૨), ‘લયલીન’ (૧૯૯૬), ‘મેરી ગો રાઉન્ડ’ (૨૦૦૧) વાર્તાસંગ્રહ : ‘સ્વપ્નલોક’ (૧૯૭૭) વિવેચન : ‘પાર્શ્વાત્ય કવિતા’ (૧૯૭૩), ‘અનુભાવ’ (૧૯૭૫), ‘પ્રિયકાન્ત મણિયાર’ (૧૯૭૬) તથા ‘કવિતાનું સ્વરૂપ’ (૨૦૦૧) વાર્તાકાર : નલિન રાવળે માત્ર એક જ વાર્તાસંગ્રહ આપ્યો છે ‘સ્વપ્નલોક’. જે કુમકુમ પ્રકાશન અમદાવાદ દ્વારા ૧૯૭૭માં પ્રગટ થયો હતો. તેમની વાર્તાઓ મડિયાને એટલી ગમી ગયેલી કે તેમણે ‘રુચિ’માં તેમની ઉપરાછપરી સાત વાર્તાઓ છાપી હતી. વાર્તાસંગ્રહનું શીર્ષક તેમણે આપ્યું છે ‘સ્વપ્નલોક’. શીર્ષકના નામ પ્રમાણે વાર્તાઓમાં પણ સ્વપ્નો અને રાત્રિના અંધકાર દ્વારા સમગ્ર જીવનનું કે કોઈ એક ચમત્કારિક પ્રસંગનું સૂચન થયેલ છે. આ વાર્તા સંગ્રહમાં કુલ સોળ વાર્તાઓ ૧૫૨ પાનાંઓમાં વિસ્તરેલી છે. બધી વાર્તાઓમાં સારું કાઠું બંધાયુ નથી પણ તેથી તેમણે સારી વાર્તાઓ નથી આપી, તેમ ન જ કહી શકાય. પ્રથમ વાર્તાની શરૂઆત એક પશુના સ્વપ્નમાંથી જાગવામાં અને પાછળ છૂટી ગયેલા સમયને યાદ કરવામાં અને પ્રેમની અલૌકિક અનુભૂતિથી થાય છે. વિકરાળ પણ સમય જતાં ઘરડો બનેલો અને સિંહણની યાદમાં બેબાકળો બનીને ત્રાડ પાડીને અને છેવટે ઠરીને થીજીને પડેલા સિંહની વાત તેમની પ્રથમ વાર્તા ‘સ્વપ્ન’માં છે. મળવા આવવાના વચન આપીને પ્રિયતમા મળવા ન આવે અને તેનો વિરહ સ્વપ્નમાં તબદિલ થાય તેવું કથાનક અહીં છે. બીજી વાર્તા છે ‘સ્વપ્નાની જેમ’ જેમાં મુંબઈ જેવા મહાનગરનું આલેખન છે. ગગનચુંબી ઇમારતો વચ્ચે અસ્ખલિત વહેતો માનવપ્રવાહ, નિર્જીવ ચીજોની સજીવ સાથેની સરખામણી જેમ કે, સામે ઊભેલી ડુંગરકાય વહેલ માછલી જેવી હાંફતી ઇમારત. હાથ અડકાડી શકાય તેવી રાત્રિ. (રાત્રિને આપણે અડકી ન શકીએ માત્ર તેનો અનુભવ કરી શકીએ) ઇંદ્રિય વ્યત્યય જેમ રમેશ પારેખ, રાજેન્દ્ર શાહ, પ્રિયકાન્ત મણિયારની કવિતાઓમાં આવે છે તેમ અહીં નલિન રાવળની વાર્તાઓમાં છે. મૂળે તે પણ એક સૌંદર્યાભિમુખ સર્જક છે. મુંબઈના લેમિંગ્ટન રોડ પર આવેલી એક જમાનામાં આલિશાન, ભવ્ય અને શાનદાર હોટેલ જે હાલમાં એક સુંદર મકાનમાં ફેરવાઈ ગઈ છે તેની યાદ નાયકને ઘેરી વળે છે. હાલ તે હોટેલની ભવ્યતા માત્ર સ્વપ્નની જ સાક્ષી છે જેમ સ્વપ્ન હોય તે રીતે. અને વાર્તા અહીં સમાપ્ત થાય છે. ભૂતકાળની યાદો જેમ યુવાનીમાં પણ પીછો નથી છોડતી તેમ અહીં નાયકને આ હોટેલની ભવ્યતાની યાદો ઘેરી વળે છે. પોતે હાલ ભૂતકાલીન હોટેલ કે જેની જગ્યાએ હાલ એક સદ્ગૃહસ્થનું મકાન છે તે ગૃહિણીના શબ્દો : ‘હજીય હોટેલ માની અહીં ઘણાંય આવે છે.’ ક્યાંય સુધી નાયકના મનમાં પડઘાતું રહે છે. હોટેલમાં રહેલા રાચરચીલાનું ખૂબ ઝીણવટભર્યું આલેખન અહીં સર્જકે કર્યું છે. નયનસિંહ નામના એક રાજકુંવરને આખેટનો ખૂબ જ શોખ છે અને તેના પરથી આ કથાનો તંતુ બંધાયો છે જે વાર્તાનું નામ છે ‘શિકાર’. અહીં કુંવર નયનસિંહ અને તેની સાથે પ્રવાસ ખેડતો પાડો બન્નેનું ચિત્ર છે. બન્ને એકબીજાનો સહારો લેતા લેતા ખડકપુરના જંગલોમાં આવી ચઢે છે. ફિલ્મના પડદા પર કે કોઈ સારી નવલકથાના અંતે જે રહસ્ય અને થ્રીલર સ્ફોટ થાય તેમ આ વાર્તામાંથી પસાર થતાં એવો જ અનુભવ થાય. ત્રણ દિવસની કારમી મુસાફરી કરી આખરે તેઓ વિસલગઢથી ખડકપુર આવી પહોંચે છે. ખડકપુરના રાજા વિશ્વંભરનાથની કોઠી પર તેમના ઉતારા હતા. આ રાજા વિશ્વંભરનાથ પણ શિકારના શોખીન છે. તેમના કોઠામાં અભિમન્યુના જેવા સાત કોઠા. સાતમો કોઠો એમનો સૂવાનો ઓરડો. નયનસિંહને તેમના ઓરડામાં સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ ઓરડામાં શિકાર કરેલાં વાઘ, સાબર, ચિત્તા, રીંછના જાણે કે તેમણે ઘર સજાવવાનાં સાધનો તરીકે ચામડાં ગોઠવેલાં. એ ચામડામાં મસાલા ભરીને તેને જીવતા રાખ્યા હોય એમ ઓરડાની છત પર ચારેકોર લગાવ્યા છે. ઓરડની છતની બિલકુલ મધ્યમાં શિકાર કરેલા વાઘના ચામડાને મસાલો ભરીને તેનું મોં નીચેની તરફ ઝૂકતુ રાખ્યું છે. સૂતા હોય અને વાઘ ઉપર પડે તેવું લાગે. નયનસિંહ આખી રાત સૂતા નથી. તેમને વાઘનો શિકાર કરવાની તાલાવેલી લાગી છે. આખા જંગલમાં અને સમગ્ર વિસ્તારમાં પણ આ વાઘને કોઈ મારી શકે એમ નથી તેવી વાત મળતાં કુંવર અહીં તે વાઘનો શિકાર કરવા આવ્યા છે. અડધી રાત ઊંઘવામાં અને અડધી ઉજાગરામાં જ ગુજારી. સવારે તે અને પાડો નીકળી પડ્યા વાઘના શિકારે. પાડાની લાલચ આપીને વાઘને બોલાવવો અને વાઘનો શિકાર કરી પાડાને બચાવી લેવો તેવો મનસૂબો ઘડીને તે જંગલમાં આવે છે. વાઘનો શિકાર કરે છે તેને ગોળીએ દઈને ઠાર કરે છે. પણ આ શું? સમયની એકાદ ક્ષણમાં આ બધું બની જાય છે. પણ વાઘનાં કોઈ જ નિશાન નથી પાડાને પણ કોઈ ખેંચી ગયું હોય તેવું બની શકે એમ માનીને તેઓ કોઠીએ પાછા આવે છે. આવીને બધી વાત વિશ્વંભરનાથને કરે છે. વિશ્વંભર હવે સાચી હકીકત જણાવે છે કે જે વાઘને તેણે માર્યો છે તેનો શિકાર તો વિશ્વંભરે ક્યારનો કરેલો છે. તેના સૂવાના ઓરડામાં તેનું ચામડું રાખ્યું છે. આ સાંભળતા જ કુંવર હતપ્રભ બનીને જોઈ રહે છે. હવે તે વિસલગઢ આવવા નીકળે છે. પાડાને પોતે જેની પાસેથી ખરીદીને લાવેલો તેની પાસે જાય છે કદાચ તે પાડો તેના માલિક પાસે આવ્યો હોય. પણ ત્યાં જઈને તેને જાણવા મળે છે કે તે પાડો તો ક્યારનો મૃત્યુ પામ્યો છે. વાઘનો અને પાડાનો બેવડો આઘાત કુંવરને લાગે છે કે તે બન્ને પ્રેત હતાં. કુંવર પોતે ગામવાળાને જઈને શું જણાવે કે પોતે કોનો શિકાર કર્યો? આ બધું જાણે એક સ્વપ્નની માફક બની ગયું અને પોતે ઊંઘમાંથી જાગી ગયો. મૃત પુત્રના અવાજને જાણે પોતે અનુભવતો હોય તેવો એક અર્ધપાગલ ડોસો જેની કથા છે ‘અવાજ’માં. ડોસાને કાનો નામે એક પુત્ર હતો જુવાન અને ફૂટડો. ઘમર નામે એક છોકરીના પ્રેમમાં હતો. આ વાતની જાણ ઘમરના કાકા રવાને થઈ. રવાએ તેને ચેતવ્યો પણ કાનો માન્યો નહીં. એક દિવસ ખેતરમાં લાગ જોઈને રવાએ તેની પર હુમલો કર્યો. કાનાએ પણ સામે પ્રતિકાર કર્યો પણ રવાએ માથામાં કુહાડી ઝીંકીને કાનાને મોતને ઘાટ ઉતાર્યો. તેની પાછળ ઘમરે પણ કૂવામાં કૂદી જઈને આત્મહત્યા કરી. પ્રેમીનું અંશ ઘમરના પેટમાં અંકુરિત થઈ રહ્યું હતું. ત્યારથી ગામવાળાનું માનવું છે કે કાનો ભૂત થયો છે. આજે વર્ષો બાદ ડોસાને પણ પોતનો પુત્ર કોશ હાંકતો હસતો ખેલતો અને પોતાના ખેતરને રક્ષે છે તેવો અનુભવ થાય છે. આ વાર્તાસંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં ભૂત-પ્રેતને લગતાં વર્ણનો આવે છે. રાતનો અંધકાર-સ્વપ્ન-સ્વપ્નની જેમ-અવાજ-પાંદડાંનો ખખડાટ- પ્રેતના ભણકારાનાં વર્ણનો ઠેર-ઠેર જોવા મળે છે. સિંધુખીણની અને હડપ્પાની સભ્યતાઓ વિષે જેમ ઇતિહાસમાં આલેખન થયુ છે તેમ અહીં પણ એક ગામ વસ્યું છે. જેની પાછળ બાર જેટલાં ગામો ભાંગ્યા અને તેની સભ્યતાના અંશો જેમાં મળે છે તેની વાત ‘ગામ’ નામની વાર્તામાં છે. અત્યારે માત્ર તે સભ્યતાના અંશો જ ગામલોકોને મળે છે. ગામનું નામ છે ‘દરબારગઢ’. સમય જતાં લોકોનાં હાડપિંજર અને રાચરચીલાં મળી આવતાં તે ગામો અસ્તિત્વમાં હતાં તેની તે સાહેદી પૂરે છે. અત્યારે ત્યાં માત્ર ધૂળ ઊડાડતી ઉજ્જડ ભૂમિ છે. ભૂતકાળનાં એ બાર ગામોનો ઇતિહાસ પણ રસપ્રદ છે તે ભાંગીને આ દરબારગઢ વસાવવામાં આવ્યું છે. એક ડોસાને પોતાની આસપાસ એક સ્ત્રીનું પ્રેત દેખાય છે. તે સ્ત્રી રડે છે ત્યારે ડોસાને પોતાની સૂવાવડમાં મૃત્યુ વખતે જે કણસતી અને રડતી તે યાદ આવે છે. સાથે એક છોકરું પણ આવે છે અને બૂમ મારતાં ક્યાંક ગાયબ થઈ જાય છે. ધનો નામનો એક ખેડુ છે જેણે બાળપણમાં નાયકને ખૂબ રાખ્યો છે અને હવે તેનો આ ગામમાં તે ગાઇડ છે. નાયક તેનું ગામનું ઘર વેચવા આવ્યો છે. રાત્રે સ્વપ્નમાં તેને તેની દાદીએ આ વડવાઓનું ઘર ન વેચવા જણાવે છે અને નાયક બીજા દિવસે એ ઘર અને ખેતરને વેચવું પડતું મૂકીને ગામ છોડીને ચાલ્યો જાય છે. નાયકની સ્મૃતિને બાળપણ જ્યાં વિતાવ્યું હોય તે ગામ, ઘર, ફળિયું બધું સતત યાદ આવ્યા કરે છે. માતાએ જે વસ્તુઓ ઘરના પેટારામાં ખૂબ સાચવીને રાખેલી તે એક સમયે પોતે સુખી ઘરના હતા તે વાતની સાક્ષી પૂરે છે. નાયક આજે પોતાને ગામ આવ્યો છે ત્યારે તેને એ વાતોની યાદો ઘેરી વળે છે. જે વાર્તાનું નામ છે ‘ઘર’. ધરતીનો છેડો ઘર તે કહેવત પ્રમાણે પોતીકા ઘરે આવવાથી જે લાગણી થાય જે ખુશી થાય જે ટાઢક વળે તેવા પ્રકારની લાગણી અહીં વાર્તા નાયકને થાય છે. આ ઘરના એક એક ઓરડા ત્યાંનુ ભાંગ્યું-તૂટ્યું રાચરચીલું બધું જોઈ નાયક ભાવવિભોર બની જાય છે. વડવાઓએ વસાવેલું આ ઘર આ ગામ અને તેને છોડીને પોતે જાણે સ્વપ્નમાં જ ગામથી શહેરમાં ફસડાઈ પડ્યા તેવો નિસાસો અહીં પ્રગટ થાય છે. આ વાર્તામાં વાર્તા નાયકને ઓવરકોટનું એટલું ગજબનું આકર્ષણ છે. તેને સ્થળ સાથે યાદ છે કે, આ કોટ ક્યાં વેચાતો હતો તેની કથા છે ‘કોટ’માં. અનંત નામનો આ નાયક પોતાની હોટેલની સામેની હોટેલમાં રહેતા દંપતીના જોડામાં રહેલી પત્નીએ પહેરેલ બદામી રંગનો કોટ પર તે મોહિત થાય છે. તેની કોઈ ભૂતકાળને યાદ કરતો હોય તેમ તે પેલા કોટને અપલક જોઈ રહે છે. અનંત તેના પતિને આ કોટ શ્રીનગરની ફલાણી જગ્યાએથી ખરીદ્યાનું પૂછે છે. ત્યારે તેનો પતિ નાયકને જણાવે છે કે તેમણે આ કોટ અહીં નજીકમાંથી જ ખરીદ્યો છે અને જો તેને જોઈએ તો બીજો આવો જ એક કોટ તેની દુકાનમાં છે. તો તેણે ઝડપથી તે ખરીદી લેવો જોઈએ. નાયકના મનમાં પેલા પુરુષે કહેલું વાક્ય, ‘આ જ કોટની એક બીજી સુંદર જોડ ત્યાં છે. એક બીજી સુંદર જોડ’ ક્યાંય સુધી ગૂંજ્યા કરે છે. જગતની માયાથી કોઈ અલિપ્ત રહી શકતું નથી તે વાતને આ વાર્તા બરાબર સાર્થક કરે છે, જે વાર્તાનું નામ છે ‘માયાપુર’. એક સામાન્ય માનવી આ માયામાં કેવી રીતે અટવાઈ જાય છે અને છૂટવા માટે વલખાં મારે છે. સંજય નામના આ નાયકને અહીં મત્સ્યઉદ્યોગ વિકસ્યો છે અને પોતાને ઓડિટ વિભાગમાં નોકરી મળી છે તેથી માયાપુરમાં રહેવાનું થાય છે. પોતાના ઘરની સામે જ એક ભવ્ય આલિશાન અને લીલા ફૂલછોડવાળું એક સુંદર મકાન છે. નાયક આ મકાનથી આકર્ષાય છે અને તેમાં રહેતી સ્ત્રીથી પણ. વાતવાતમાં તેને ખબર પડે છે કે તે સ્ત્રી એક નામચીન વેશ્યા છે અને તે તેને પોતાની જાળમાં ફસાવવા માગે છે. શેઠની સલાહ પ્રમાણે તે નોકરી છોડી જાય છે. સ્ત્રીનું નામ શૈલજા છે. ગાડી ઊપડે છે અને શૈલજા પાછળ છૂટતી જાય છે. નાયકને તે એક કાગળ આપે છે. સંજય ટ્રેનમાં બેસીને એ કાગળ ખોલે છે. કાગળ સાવ કોરો છે તેને શૈલજાએ કહેલી વાત યાદ આવે છે : ‘સંજય, ઘણું બધું લખાઈ ચૂક્યું છે પણ હવે કોરા કાગળમાં મારે ફરીથી લખવાનું શરૂ કરવાનું છે, ફરીથી.’ ભૂતકાળને ભૂલીને શૈલજા ફરીથી એક નવા જીવનની શરૂઆત કરવા માગે છે. પહેલાં પોતે કરેલી ભૂલોને ભૂલી જઈને તે એક નવી સવારની રાહ જુએ છે. પોતાના જ કોચલામાં પૂરાઈ રહેતા મનમોહન નામના એક પાત્રને લઈને આ વાર્તાનું કથાવસ્તુ લખવામાં આવ્યું છે. જેનું નામ છે ‘આકાશ’. મનમોહનને આકાશનું ખૂબ જ ઘેલું છે આકાશની સુંદરતાને તે મુગ્ધ બનીને લાંબા સમય સુધી નિરખ્યા કરે છે. બારીમાંથી દેખાતા આકાશને તે મંત્રમુગ્ધ બની ક્યાયં સુધી તાકી રહેતો. સાગરના છેટેના એક ટાપુ જેવા ગામમાં તે પાંચેક વર્ષથી રહે છે. અહીં પચાસેક ખોરડાને સમાવતું આ એક નાનકડું ગામ છે. ઘણું જ રમણીય અને સુંદર અહીંનું વાતાવરણ છે. તેને બધું જ ગમે છે પણ તેને વિશેષ ગમે છે આ અસીમ વિસ્તરેલું આકાશ. તેનું સૌંદર્ય તેને બધું જ ભુલાવી દે છે. અહીં તેની સાથે એક વૃદ્ધ રહે છે જેનું નામ છે ગણેશ. માતાના મૃત્યુ પછી પિતાએ મનમોહનની સારસંભાળ રાખવાનું કામ આ ગણેશને સોંપ્યું છે. ગણેશ તેને ગમે છે તે તેને જમવાનું બનાવી આપે છે તથા તેને વાર્તાઓ પણ સંભળાવે છે. તે ગાતો ક્યારેક મધુર ગણગણતો પરંતુ કોઈ કારણસર તેણે ગાવું પડતું મૂક્યું. તે કહેતો કાવ્યો કરાય, બતાવાય નહિ અને તેણે કાવ્યો કરવાં પણ પણ પડતાં મૂક્યાં. તેનું વર્તન ઘણી વખત ગણેશને વિચિત્ર લાગતું. આ વાર્તામાં વાર્તાનું કથન છે ગણેશ પાસેથી સાંભળેલી વાર્તાઓમાંથી તેને ગમતી વાર્તા એટલે ‘ગુલાબનું ફૂલ’. વાર્તાને વાસ્તવિકતા સમજવાની તેની ભૂલને લીધે તેણે વાર્તાઓ સાંભળવાની પણ છોડી દીધેલી. સ્વપ્નમાં તેને પોતાની લાશ દેખાય છે જેના કારણે તે હંમેશા ઉદાસ રહ્યા કરે છે. તે બોલી ઊઠે છે : ‘પ્રેમ-કલા-સૌંદય-જીવન-મૃત્યુ સઘળું ભ્રમ છે, સ્વપ્ન છે. માત્ર આકાશ જ સત્ય છે. પરંતુ અહીં સર્જક તેમના શબ્દો ઉમેરે છે કે, સત્યને પામવા માટે માત્ર બારીમાંથી તાકી ન રહેવાય એ બધું ત્યજીને વળોટીને બહાર આવવું પડે. આકાશની જેમ પ્રેમ-કલા-સૌંદર્ય-જીવન-મૃત્યુ પણ સત્ય જ છે. દેવના થાનકે માથું ટેકવા આવેલા યાત્રાળુઓની કથા આ વાર્તામાં છે જેનું નામ છે ‘ટોચ પર’. નીલકંઠ નામનો એક યુવક ઉનાળાના માથું ફાડી નાખે તેવા અસહ્ય તાપમાં અને બારીની બન્ને બાજુએ લૂ વહી રહી છે તેવી સ્થિતિમાં બસમાં બેસીને થાનકે દર્શન કરવા જઈ રહ્યો છે. તેને તળેટી પરથી જ ડુંગરની ટોચ પર આવેલું થાનક દેખાયું. પછી તો ટોચ પર વહેલી તકે જઈ દર્શન કરવાનું ભૂત જ જાણે કે તેના પર સવાર થઈ ગયું. ચઢવાના વારંવાર પ્રયત્નો કરવા છતાં જેવો તે તળેટીથી કેડી થઈને ઉપર જવા જાય કે આગળ રસ્તો જ ન મળે. અને પાછો તે નીચે આવી જતો. આવું તેની સાથે ત્રણ વાર બન્યું અને અચાનક જ તેને એક સ્ત્રી દ્વારા સાચી કેડી મળી અને તે પર્વતના એક ઊંચા શિખર પર આવી લાગ્યો. અને આખરે તે ટોચ પર પહોંચ્યો અને તે આનંદને મમળાવતો રહ્યો. ટોચ પર... ટોચ પર... પહાડની ટોચ પર. મસૂરીના હિલસ્ટેશને ફરવા આવેલ શ્રીધર આ વાર્તાનો નાયક છે અને વાર્તાનું નામ છે ‘હિલ સ્ટેશન’. પ્રેમ કરવો તો હિલ સ્ટેશન પર તેવો હાસ્યાસ્પદ વિચાર લઈને આ શ્રીધર મસૂરી આવેલો. હોટેલના રેસ્ટોરન્ટ અને બાર જેવી જગ્યામાં તેને અચાનક જ અચલાનો ભેટો થઈ જાય છે. અચલા અને તેના પિતા પ્રમથેશ સેન પિતા-પુત્રી પ્રવાસે નીકળ્યાં હતાં દહેરાદૂનમાં તેની મુલાકાત શ્રીધર સાથે થઈ શ્રીધરે છૂટા પડતી વખતે અચલાને ફરી મળવાના એમ કહેલું અને સાચે જ તેઓની મસૂરીમાં ફરીવાર મુલાકાત અનાયાસ જ થઈ. શ્રીધર શહેરના કોલાહલથી થોડે દૂર એક નિર્જન ડાક બંગલામાં તે રોકાયો હતો. તે આવીને સૂવા માટે પલંગમાં આડો પડવા ગયો કે તેને કોઈનાં ડૂસકાં સંભળાયા અને તે આવીને જુએે છે તો એક વૃદ્ધા બાંકડામાં ટૂંટિયુંવાળીને પડી છે અને તેને જાણવા મળે છે કે તેનો દીકરો ક્ષયગ્રસ્ત હતો અને મૃત્યુ પામ્યો છે. નાયક અને બીજા ચાર-પાંચ માણસોએ ભેગાં મળીને તેના શબનો અગ્નિસંસ્કાર કર્યો. બીજા દિવસે શ્રીધર મસૂરી છોડી રહ્યો છે અને તે ક્ષયના દર્દીનાં માતા અને તેની પત્નીની મુલાકાત કરવા જાય છે, તેની પત્ની જેનું નામ રાધાલક્ષ્મી હતું તેનું સ્મિત શ્રીધરને અદ્દલ અચલાના સ્મિત જેવું લાગે છે અને ત્યાં વાર્તા પૂરી થાય છે. હાલની કૉલેજોના ધમધમતા કોલાહલભર્યાં વાતાવરણને સ્થાને સાવ નિર્જન ભાસતી અને નજીવી ચહલપહલવાળી કૉલેજનું વર્ણન કરતી વાર્તા એટલે ‘ધી સોંગ ઑફ શર્ટ’. શશીશેખર નામના એક અધ્યાપક અહીં અધ્યાપનકાર્ય કરાવે છે. તેમને સોંગ ઑફ ધી શર્ટ નામની એક કવિતા શીખવવાની છે. આ કાવ્ય કરુણ કાવ્ય છે તેથી પ્રોફેસર બને તેટલો કરુણભાવ તેમના મુખ પર લાવીને વિદ્યાર્થીઓને શીખવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આજે બધા છોકરાઓ સાથે છોકરીઓ પણ હસી રહી છે તે તેમણે નોંધ્યું. અને શું તથ્ય છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. દરરોજ બાજુના ગામેથી એક મેલી-ઘેલી છોકરી અહીં ભણવા માટે આવતી હતી. જે આજે ખૂબ સરસ રીતે તૈયાર થઈને આવી હતી, તેથી બધા તેના પર હસી રહ્યાં હતાં. તેનું કારણ હતું તેનો અણઘડ પહેરવેશ. શશીશેખરને પણ ક્લાસના બધાનું હસવાનું કારણ તે લાગ્યું. થોડી વાર પછી બેલ વાગ્યો અને પિરીયડ પૂરો થયો અને શશીશેખર સ્ટાફરૂમમાં આવ્યા. પેલી છોકરી તેમની પાછળ પાછળ આવી થોડી વાર ઊભી રહી અને શશીશેખરને પૂછવા લાગી કે તેણે પહેરેલું આ ફરાક તેને કેવું લાગે છે. શશીશેખરે સરસ કહ્યું, તેણે ફરીવાર શશીશેખરને પૂછ્યું કે, તેને આ ફરાક કેવું લાગે છે અને તેણે ફરી જવાબ આપ્યો ‘સરસ... ખૂબ સરસ’. રંગમંચ પર ભજવવામાં આવતાં પાત્રો જ્યારે એક પાત્ર તેને ભજવવાની ભૂમિકાની જગ્યાએ બીજાની ભૂમિકા ભજવવા માંડે અને જે ભ્રમ ઊભો થાય છે તેની વાત આ વાર્તા ‘નેપથ્યે’માં આવે છે. નાટક તખ્તા ઉપર ભજવવાનું છે અને તેનાં દૃશ્યોનો સમય સાંજ અને રાત્રિનો છે. નાટકની રંગભૂમિ પર અદાકારોએ જે તેઓ પોતે નથી તે ભજવવાનું છે. નાયક ભૂતકાળમાં સરી પડે છે. વર્ષો પહેલાં આઝાદી મળ્યાનો આગલો દિવસ એટલે કે ૧૪મી ઓગસ્ટની મધરાત, સરઘસો, મશાલસરઘસો, રેલી, સભ્યોની તથા તેના સાથીદારોને તે યાદ કરે છે. અને રંગભૂમિ પર નાટક ભજવાય છે. નાનાં-મોટાં, અબાલ-વૃદ્ધ સૌ કોઈ નાટક જોવા આવ્યાં છે પણ નાયકને ક્યાંક ને ક્યાંક આ લોકો કલાની કદર ન કરતાં પ્રેક્ષકો અને અદાકારો પર અણગમો છે. બંધ પડેલી મોટરકારનાં દૃશ્યો દ્વારા રાજસ્થાનના એક ગામનું સૂચન છે તે વાર્તા છે ‘બપોર’. રાજસ્થાન જેવા અરણ્ય પ્રદેશનુ આલેખન અને બળબળતી ગરમીનો પ્રતાપ કઈ રીતે વાતાવરણમાં ફરી વળે છે તેનું સુંદર ચિત્રણ અહીં થયેલું છે. સર્જકે ઠેક-ઠેકાણે ઇન્દ્રિય વ્યત્યય બતાવ્યો છે. જેને આપણે જોઈ ન શકીએ છતાં સર્જક અહીં આપણને ઊઘડતું બતાવે છે. બપોર આવે છે દેખાય છે અને સ્વપ્નની જેમ ઊડી જાય છે. ઉનાળાની અસહ્ય ગરમી, ડમરી ઉડાડતી ધૂળ, જેવાં કુદરતના પલટાઓ અહીં આ વાર્તામાંથી પસાર થતાં થાય છે. નિખિલ આ વાર્તાનું પાત્ર છે જે રાજસ્થાનનો વતની છે. ગામડાના વાતાવરણને સર્જકે અહીં નજર સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરે છે. શહેરમાં રહેતો નિખિલ પોતાને ગામ – પોતાને ઘેર આવ્યો છે. રત્ના નામની છોકરીને તે પ્રેમ કરે છે. તે તેની સાથે બાળપણથી રમીને મોટો થયો છે. હવે તે ગામ છોડીને જવાનો છે તેથી તે ગામને મન ભરીને જોઈ રહ્યો છે. વાર્તાસંગ્રહનું શીર્ષક ‘સ્વપ્નલોક’ છે તેથી આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં સ્વપ્નની વાત વણી લેવામાં આવી છે. રત્નાની આંખોમાં તે પોતાની છબિ જોઈ શકતો નથી, તેથી નિરાશ પણ થાય છે. તે જવા ટાઇમે રત્નાને મળે છે બન્ને વચ્ચે પ્રેમની આપ-લે થાય છે. તે તેમની આખરી મુલાકાત છે ત્યારબાદ તે સવારમાં ઊઠીને શહેરમાં જવા કાયમ માટે ચાલી નીકળે છે. બધાં પાછળ છૂટતાં જાય છે માત્ર એક બપોર જ છે જે અટકતી નથી, તેના સિવાયનું બધું-બધું જ પાછળ છૂટતું જાય છે. ઊભી છે માત્ર આ ખાલી બપોર. ઉનાળાની બળબળતી ગરમીના વર્ણનની સાથે સાથે સર્જકે અહીં હાડ થીજાવતી શિયાળાની ઠંડીની વાત પણ કરી છે. એવી એક વાર્તા છે ‘સાંજ’. નાયક એક છોકરીને ભૂતકાળમાં ઓળખતો હતો તેને અત્યારે જોવાની તાલાવેલી લાગી છે. પરંતુ તેનું કૃશકાય શરીર જોતાં તેને તેના પર અણગમો ઉપજે છે તેને કોઈ જીવલેણ રોગ પણ છે તેથી તેનું શરીર મડદા જેવું છે. એક હોટેલમાં અબ્દુલ ગફારખાનની ધરપકડ કરવામાં આવી છે તેની ગરમાગરમી અને ચર્ચાઓ તથા છાપામાં તેના સમાચાર આવ્યા છે તેની ચાર-પાંચ પઠાણો દ્વારા ચર્ચા ચાલી રહી છે. પહેલાં જોયેલી તે સ્ત્રી અને હાલમાં જોયેલી આ સ્ત્રી વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. તે તેની સાથે એક બિલાડી રાખે છે તે પણ તેના જેવી જ માંદલી છે. હોટેલમાં તે બિલાડીનું અને હોટેલની બહાર ફૂટપાથ પર તે સ્ત્રીનું મૃત્યુ થાય છે. તેના ઘરે જઈને નાયક તપાસ કરે છે તો જાણવા મળે છે કે તે સ્ત્રી રંગમંચની કોઈ અભિનેત્રી હતી. તાવવાળું થાકેલું શરીર લઈને નાયક પોતાના ઘરે આવે છે પણ તેને પેલી સ્ત્રી, બિલાડી, યુવક બધાં ગોળગોળ ફરતાં લાગે છે. આ સંગ્રહની અંતિમ વાર્તા જેમાં વાર્તામાં વાર્તાનું કથાનક ગુંથાયેલું છે. એક હતો રાજા અને એક હતી રાણીવાળા વાર્તાના કથાનકને ધ્યાનમાં લઈને તેમણે આ ‘રણ’ વાર્તા લખી છે. ટ્રેન, પાટાઓ, ટ્રેક પર ચાલતી એકસાથે એકથી વધુ ટ્રેનો વગેરેનું આલેખન આ વાર્તાસંગ્રહની મર્યાદા આલેખી શકાય. કારણ કે એકસરખી ઢબની વાર્તાઓ ક્યારેક ભાવકના વાચનરસને મંદ બનાવી દે છે. આ વાર્તામાં એક રાજા અને એક રાણીની વાત છે. રાજા રાણીને એક પ્રશ્ન પૂછે છે પરંતુ રાણી તેનો જવાબ આપવાને બદલે તેને રણમાં જઈને તેનો જવાબ મેળવી આવવા જણાવે છે. રાજા કોઈને કહ્યા-કારવ્યા વગર જ રણમાં ચાલી નીકળે છે. પ્રશ્ન હતો મુક્તિનો. બધામાંથી મુક્ત થવાનો અને પોતાની જાતને શોધવાનો. એક રીતે તો આપણે બધાં આ પ્રશ્નની શોધમાં આજીવન રખડીએ-આખડીએ છીએ છતાં તેનો જવાબ મેળવી શકતાં તો નથી જ. પોતાના અસ્તિત્વની ખોજ માટે જ રાજા પોતાનો મહેલ, રાજ્ય છોડી રણમાં ભટકતો હતો. ભૂખ્યો-તરસ્યો રાજાને ત્યાં વહેલી પરોઢે એક સ્વપ્ન આવે છે કે કોઈ એક મહાકાય પક્ષી કોઈ નગરને ધ્વંસ કરી હવામાં ફંગોળી રહ્યું હતું. નગરનો તો જાણે વિધ્વંસ જ થઈ ગયો. ગુફામાં પ્રવેશતાં તેણે પોતાની જાતને બાળકરૂપે, યુવાનરૂપે અને પછી તેના પૂર્વજો અને પોતાના માતા-પિતાના ઓળા જોયા. આ ઓળાઓ પણ મુક્તિની શોધમાં ભટકતા હતા. પોતે રણમાં વર્ષો સુધી ફરતો રહ્યો છે પરંતુ તે રણનો જાણે કોઈ અંત જ ના હોય અને અસીમ વિસ્તરતું જતું હોય તેમ તેને છેડો જડતો નથી. કેટલાંય વર્ષો જાણે વીતી ગયાં. સ્વપ્ન સાચું પડ્યું. ઝાડી વળોટી તે બહાર આવ્યો તો તેને એક ડોશી દ્વારા જાણવા મળ્યું કે મહાલય અને નગર તો સેંકડો વર્ષ પૂર્વે જ નાશ પામ્યું તેનો અર્થ એવો થયો કે તેને રણમાંથી પાછો આવતાં સૈકાઓ નીકળી ગયા. અહીં સર્જકે સંસારરૂપી આ રણમાં ફરતા આપણને વર્ષો થવા છતાં તેમાથી મુક્તિ મળતી નથી તે વ્યંગ પ્રગટ કર્યો છે. અને નાયક પણ રાજાની જેમ રણમાં પાછો દોડવા માંડ્યો. સ્વગતોક્તિઓ, એકોક્તિઓ એક જ શબ્દનું વારંવાર પુનરાવર્તન, થાક, નિરાશા, કંટાળો અને સાથે નગરજીવનનો ધસમસતો પ્રવાહ અને ગામડાંઓના ધૂળ ઉડાડતાં બપોરનાં દૃશ્યો આ વાર્તાઓમાંથી પસાર થતાં આંખને ઠારે છે એમ કહી શકાય. પરંતુ તે તેમની એક મર્યાદા પણ કહી શકાય કારણ કે મોટાભાગની વાર્તાઓમાં એકસરખાં જ વર્ણનો આવતાં હોય તેવું પણ લાગે છે.
પાયલ પટેલ
પીએચ.ડી. સ્કૉલર,
ગુજરાતી વિભાગ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,
પાટણ
મો. ૯૮૨૫૦ ૫૫૩૯૫