ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભૂપેન ખખ્ખર
વિજય સોની
[‘મગનભાઈનો ગુંદર’, પ્રથમ આવૃત્તિ (વિકલ્પ પ્રકાશન), ૨૦૦૧, બીજી સંવર્ધિત આવૃત્તિ ૨૦૨૩; બીજી આવૃત્તિનાં પ્રકાશક : ક્ષિતિજ પ્રકાશન સંશોધન કેન્દ્ર A-૪૦૩ પારસનાથ, સુધાપાર્ક, શાંતિપથ, ઘાટકોપર (પૂર્વ) મુંબઈ ૪૦૦૦૭૭, કિંમત -૩૭૫/- રૂપિયા. કુલ વાર્તાઓ-૧૦]
આ વાર્તાસંગ્રહ વિશે ભૂપેનભાઈએ કોઈ નિવેદન નોંધ્યું નથી. પુસ્તકમાં કોઈએ પ્રસ્તાવના લખી નથી. નૌશીલ મહેતાએ આ પુસ્તકના પ્રકાશકીય લખ્યું છે. ‘ચિત્રકાર તરીકે સુખ્યાત એવા આ કલાકારનું શબ્દ વિશ્વ પણ એટલું જ નિરાળું છે.’ ભૂપેનભાઈની જેટલી વિલક્ષણ ચિત્રશૈલી છે એટલી જ રસપ્રદ લેખનશૈલી વડે વાર્તાઓ લખી છે. ભૂપેનભાઈએ ૧૯૬૫ની આસપાસ વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. એમનો સંગ્રહ છેક ૨૦૦૧માં પ્રગટ થયો હતો. એ સમયે એમની વાર્તાઓ ‘કૃતિ’ અને ‘ઊહાપોહ’માં પ્રગટ થઈ હતી. જ્યારે ‘મનોજનું વેર’ વાર્તા ‘એતદ્’માં ૧૯૮૭માં પ્રગટ થઈ હતી. ત્યાર બાદ એમની મોટાભાગની વાર્તાઓ ‘એતદ્’ અને ‘ગદ્યપર્વ’માં પ્રકાશિત થઈ હતી. એમનો સમયગાળો આધુનિક કલા પ્રભાવનો હતો અને રચનારીતિના પ્રયોગો એની ચડતી કળાએ હતા.
ભૂપેનભાઈ લગ્ન નામની સંસ્થામાં સ્થાયી પ્રેમની જે કથિત વિભાવના છે એની સતત ઠેકડી ઉડાડે છે. એમની વાર્તાઓનો એ મુખ્ય વિષય રહ્યો છે. એમની નાયિકાની પતિપરાયણતા અને એ નિભાવતા નાયિકા પાસે ઉપયોગમાં લેવાયેલી ભાષા બેનમૂન છે.
એમના વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા ‘વાડકી’માં જમના, જમનાદાસ, સવિતા, વિમળા, શિવલાલ અને વિમળાનો છોકરો જગલો આમ સૌ બદ્રિકાશ્રમ ચાલીમાં રહે છે. જમનાદાસ અને જમના પતિ-પત્ની છે. દર બુધવારે અને શનિવારે જ શયનસુખ માણવાનું એવો દસ્તાવેજી કરાર એ બંને પતિ પત્ની વચ્ચે થયેલો છે. જો વચ્ચેના કોઈ દિવસ કામવાસના ઉદ્દીપ્ત થાય તો ઠંડા પાણીથી કટિ સ્નાન કરીને એની જ્વાળાને શાંત કરી દેવી એવું નક્કી થયેલું છે. એટલે અહીં પરિણીત યુગલની સ્વાભાવિક વૃત્તિઓનું દમન જાણે કરારમાં રૂપાંતરિત થયું છે. બંને જણા એનું કડકપણે પાલન કરે છે. પણ એક દિવસ જમનાની વાડકી ખોવાઈ જાય છે અને ચાલીમાં એ વાડકી કોને ત્યાં ગઈ હશે એ જાણવાની અને વાડકી પાછી મેળવવાના ધમપછાડા શરૂ થાય છે. એની સાથે સાથે એક પ્રકારની ગોસિપિંગ અને જાસૂસી શરૂ થાય છે. વાસ્તવમાં વાડકી શોધવાનાં બહાને આપણી મધ્યવર્ગીય દાંભિકતા ઉઘાડી પડતી જાય છે. જમના અને જમનાદાસનું અનુશાસન પૂર્ણ લગ્નજીવન કેવા કેવા મનોવ્યાપારો અને મનોવિકારો જન્માવે છે એ જોઈ શકાય છે. જમના પોતાની વાડકી કોણ લઈ ગયું હશે એની અને જમના, સવિતા અને વિમળા કોને ઘરે જાય છે? કોની માટે ગરમ દૂધ બનાવે છે? ટાપટીપ કરીને સવિતા, શિવલાલને મળવા જાય છે કે વિમળા, શિવલાલ માટે જલેબી દૂધ લઈને જાય છે? એની ભાળ મેળવવા સતત ચિંતાતુર રહે છે. એ ખાતી નથી, પીતી નથી, દૂબળી પડતી જાય છે. અહીં વાર્તાકારે નૂતન પ્રયોગ કર્યો છે. જમના અને સવિતા અને જમના અને વિમળા વચ્ચે સંવાદ થાય છે ત્યારે સંવાદને બે પ્રકારે વહેંચી નાખ્યો છે. એક સ્વગત અને પછી તરત જ એ જ વાક્યમાં મોટેથી એમ. આ રીતે આપણે જે કંઈ બોલીએ છીએ અને એ સમયે આપણા મનમાં જે કંઈ હોય છે એ બંને વચ્ચેનો આંતરિક દ્વન્દ્વ આબાદ ઉપસાવ્યો છે અને એ આપણા બાહ્ય અને આંતર અસ્તિત્વની વિસંગતિ પણ સપાટી પર લઈ આવે છે. એ સંવાદ બહુ રસપ્રદ છે. અહીં સતત ‘ધ અધર ઇઝ હેલ’ ડોકાયાં કરે છે, પણ દરેક બીજો એ સંપૂર્ણપણે નર્ક સમાન નથી, એ ગોસિપિંગનું એક ડિવાઇસ પણ છે. અંતે વાડકી શિવલાલને ત્યાંથી વિમળાના ઘરે પહોંચીને જમનાને પરત મળે છે પણ એ વાડકી શિવલાલના ઘરે કઈ રીતે પહોંચી એ રહસ્ય વાર્તાકારે ઉદ્ઘાટિત કર્યું નથી. જમનાના પતિ જમનાદાસ અને શિવલાલ ખાસ મિત્રો છે અને જમનાદાસે એ વાડકી શિવલાલને આપી હોય છે. શું કામ આપી હતી એ પણ વાર્તાકાર જણાવતા નથી. આમ, વાર્તા છેક સુધી રસપ્રદ અને રહસ્યમય બને છે. અહીં વાડકી એ પ્રતીક છે. એ પ્રતીક વડે વાર્તાકારે આપણી પોતાની વાડકીના અંધારાને બતાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે.
‘વલેચા’
‘વલેચા’ વાર્તામાં નાયક બસમાં ઘરે આવતો હોય છે અને બસ કંડક્ટર દસની નોટના છૂટા નથી એમ કહીને નાયકને આગલા સ્ટેશને ઊતરી જવાની કડક સૂચના આપે છે. નાયકની બાજુમાં બેઠેલો જણ એની ટિકિટના પૈસા આપી દે છે અને ટિકિટ પાછળ પોતાનું એડ્રેસ લખીને કહે છે ‘મળવા આવજે, ટિકિટના પૈસા પાછાં નહીં લઉં.’ નાયક ‘સાંજે મળવા આવીશ.’ એવું વચન આપીને નીકળી જાય છે. સાંજે નાયક એ વલેચાની ઑફિસમાં જાય છે ત્યારે વલેચા ઊંધું ઘાલીને કશુંક લખતા હોય છે. એ નાયકને પોતાની કથની કહે છે. ૧૯૪૭માં ભાગલા વખતે હૈદરાબાદ સિંધથી ભાગીને અહીં આવી ગયા હતા. એકના એક છોકરાને મુસલમાનોએ એમની નજર સામે વાઢી નાખ્યો હતો એમ કહીને નાયકના પગ પર હાથ ફેરવે છે. નાયક ભાવાવેશમાં વલેચાના ગાલે ચુંબન કરે છે. પછી નાયક લગભગ રોજ એમની ઑફિસ જતો, વાતો કરતો. વલેચા નાયકને પ્યારેલાલની ‘ધ લાસ્ટ ફેઝ’ પુસ્તક વાંચવાનું કહેતા. એકવાર એ વલેચાની ઑફિસ ગયો ત્યારે દિવ્યા નામની સ્ત્રી બેઠી હોય છે. નાયકને લાગ્યું કે દિવ્યા અને વલેચા વચ્ચે પ્રેમની સરવાણીઓ ફૂટી રહી છે. વલેચાની પત્ની ત્રણ-ચાર વર્ષથી પથારીવશ છે. દીકરો કપાઈ મર્યો પછી એ આઘાતવશ એ કશું બોલતી ચાલતી નથી. નાયકને લઈને વલેચા ચોપાટીને દરિયાકિનારે જાય છે. બંને જણા એકબીજાનો હાથ પકડીને બેસી રહે છે. આપણને વલેચાનાં દુઃખી જીવન પરત્વે સહાનુભૂતિ જાગે છે. વલેચા નાયકને એક જગ્યાએ લઈ જાય છે. એ વેશ્યાલય છે. જે ઑફિસમાં મળેલી એ દિવ્યા વેશ્યાગીરી કરતી હોય છે. વલેચા નાયકને કહે છે કે, ‘તારે આવવું છે?’ નાયક ના પાડે છે. વલેચા વેશ્યાલયના દાદરા ચડતા હોય છે. નાયક બહાર નીકળી આવે છે. દુઃખનાં પ્રતિભાવમાં માણસનું વર્તન. એનું કોઈ ચોક્કસ ગણિત નથી. વલેચા દુઃખી હતો. પત્નીસુખ ન હતું એટલે વેશ્યાલય જતો હતો કે બીજું કંઈ હતું. નાયકની સાથે વલેચાનું વર્તન પણ દમિત સજાતીય કામવૃત્તિનો સંકેત વ્યક્ત કરે છે. ‘ફોરીન સાબુ’ જીવણલાલના ઘરમાં ફોરીનથી સાબુ આવે છે. જીવણલાલ એનાથી ન્હાય છે. નહાતી વખતે સાબુનાં ફીણ થાય છે જીવણલાલ પહેલીવાર પોતે પોતાનું શરીર નિરાંતે જુએ છે. જીવે છે. જીવણલાલ એની પત્ની સવિતાને કહે છે કે આ સાબુ સાચવીને રેપરમાં વીંટીને મૂકી દેજે. આવતીકાલે મારે આ જ સાબુ જોઈશે પણ સાબુની કમાલથી આકર્ષાઈને એમની પત્ની સવિતાને સહજભાવે કોઈને એ વાત કહી દેવાની તાલાવેલી થઈ આવે છે. એ એમની પાડોશમાં રહેતી શારદાને આ વાત કહી આવે છે. અને શારદા એક દિવસ માટે ખાલી એ સાબુ સૂંઘવા માટે માંગે છે. એ કહે છે કે એ સાબુને વાપરશે નહીં કેવળ એની માદક ગંધ લેશે. એક નિર્જીવ વસ્તુ શરીરને કેટકેટલા શૃંગારિક રંગોથી ભરી દે છે એની કમાલ વાર્તાકારે કરી છે. શારદા રહી શકતી નથી એટલે એ સાબુથી ન્હાય છે. એનો પતિ મણિલાલ પણ એનાથી ન્હાય છે. મણિલાલ ન્હાતી વખતે સ્વપ્નમાં જીવનલાલની પત્ની સવિતાને કલ્પીને એની સાથે અડપલાં-છાનગપતિયાં કરે છે. કલ્પનામાં એમના અવચેતનમાં પડેલી કુંઠાઓ, અતૃપ્ત ઇચ્છાઓ જીવિત થઈ ઊઠે છે અને વાર્તકાર આપણને લગ્નજીવનની વિસંગતિ વિશે અંગુલીનિર્દેશ કરે છે. પણ આખું કમઠાણ એમણે હળવી શૈલીમાં અને આપણી દમિત કામવૃત્તિની ઠેકડી ઉડાડી છે. પછી એ જ સાબુથી મણિલાલનો છોકરો દીપક ન્હાય છે એમ શારદાને કેવળ સૂંઘવા માટે આપેલો ફોરેન સાબુ ઘસાઈને અંતર્ધ્યાન થઈ જાય છે. સાબુ પોતે ઘસાઈ જાય છે પણ લોકોના જીવનમાં કેવા કેવા રંગ ભરી દે છે, એ જોવું ઇન્ટરેસ્ટિંગ છે. બીજે દિવસે જીવણલાલ સવિતા પાસે સાબુ માંગે છે. સવિતા ડરી જાય છે અને જીવણલાલને આખી વાત જણાવે છે. જીવણલાલ બંદૂક લઈને મણિલાલ ને દીપકને મારવા જાય છે. મધ્યવર્ગીય કુટુંબનો સામાન્ય માણસ, એનો વાંઝિયો ગુસ્સો. એ બંદૂક લઈને પાડોશીને મારવા માટે જાય અને એ પણ એક સાબુ માટે એ આખું દૃશ્ય વાર્તાકારે એટલું બધું નાટ્યાત્મક અને ફાર્સ જેવું રચ્યું છે કે આપણને જીવણલાલના ગુસ્સાનો અનુભવ નથી થતો. આપણને એમાં જૂઠી બહાદુરી બતાવતા ડૉન કિહૉટેની યાદ આવી જાય છે. અપરાધભાવનાં પણ કેવા દુષ્પરિણામ આવે છે એનો આ વાર્તા ઉત્તમ નમૂનો છે. સાબુ આ દુનિયામાંથી અંતર્ધ્યાન થઈ જાય છે પણ એની અસરો કેટલાય જીવનમાં હલચલ મચાવી દે છે. વાર્તાકારે અશ્લીલતાના સ્પર્શ વગર પાત્રોના મનોભાવોને એમની ક્રિયાઓ વડે ઉદ્ઘાટિત કરી છે. જીવણલાલના બુઠ્ઠા લગ્નજીવનની વિસંગતિ દર્શાવી છે. જીવણલાલ અતિશય ગુસ્સામાં શારદા-મણિલાલના ઘરે જાય છે. શારદા એમને પરાણે બેસાડીને બટાકાપૌંઆ ખાવાનો આગ્રહ કરે છે. અહીં બટાકાપૌંઆ દરેક વખતે કોઈ સિચ્યુએશનની તીવ્રતાનું શમન કરવા માટે આવી પહોંચે છે. શારદા બટાકાપૌંઆ પીરસવા નીચી વળે ત્યારે એના ડોકિયાં કરતા સ્તન અને એનાં બે સ્તન વચ્ચેની ફાટ જોઈને જીવણલાલને એના પર ગુસ્સો આવે છે અને સાથે સાથે કામવૃત્તિ સળગી ઊઠે છે. જીવણલાલનાં મુખે મુકાયેલી ગેલ્સપ્પીનો... વંઠેલ... જેવી ગાળો પણ આપણને ગુસ્સો નહીં પણ એ ગુસ્સાની પોકળતા દેખાડે છે. જીવણલાલ સુખડીનું બટકું ખાઈને ઘરે પરત આવે છે. ગુસ્સે થયા બદલ પશ્ચાત્તાપ કરે છે. પસ્તાવાનાં કારણે એ હવે માણસની જેમ બે પગે નહીં પણ જનાવરની જેમ ચાર પગે ચાલવાની ટેક લે છે અહીં આપણા મધ્યવર્ગીય અને સામાન્ય માણસની ટેક, એનો લઘુતાભાવ અને અપરાધભાવની ચરમસીમાએ કેટલા હાસ્યાસ્પદ અને કરુણ નિર્ણયો લઈ લેવાય છે, જે એની પોતાની સામે જ લાચારી બતાવે છે. સાબુ... શરીર પરત્વેનો મોહ એ વિરક્તિમાં પરિણમે છે. ચાર પગે ચાલવાથી વ્યવહારિક દૃષ્ટિએ સમાજમાં, વ્યક્તિગત જીવનમાં કેવા કરુણ-રમૂજ પ્રસંગો ઊભા થાય છે એનું નિરૂપણ વાર્તાકારે બહુ હળવી શૈલીમાં કર્યું છે. દુઃખી જીવણલાલ એકવાર બગીચામાં જાય છે ત્યાં એક સાધુ ધ્રુસકે ધ્રુસકે રડતો હોય છે. જીવણલાલ એના રડવાનું કારણ પૂછે છે તો એ બયાન કરે છે કે, ‘મને પરમાત્માનો સાક્ષાત્કાર થવામાં જ હતો ત્યાં મને મારી માની હાથની કઢીની વારંવાર યાદ આવતા હું સાધના પડતી મૂકીને ઘરે પરત આવ્યો પણ પછી સતત અઢી મહિના સુધી કઢી ખાધા પછી એનો અબખો આવી ગયો...’ આમ મનુષ્યનાં ટ્રાન્સેન્ડેન્ટલ સ્ટેટ (આત્મ-સાક્ષાત્કાર) પર પહોંચવાનાં હવાતિયાંની વાર્તાકારે મજાક કરી છે. અને એક સામાન્ય લાલસા પણ તમને માર્ગથી ચલિત કરી શકે છે એમ દર્શાવ્યું છે. જીવણલાલ બગીચામાંથી ઘરે પરત આવે છે. અબુધાબીથી એમનો ભત્રીજો આવે છે, ફોરીન સાબુની ઘણી બધી ગોટીઓ લઈ આવે છે અને જીવણલાલ ફરી એકવાર બાથરૂમમાં મઘમઘતી સોડમ લેતાં લેતાં ફોરીન સાબુથી ન્હાય છે. સવિતા ફરી એકવાર બટાકાપૌંઆનો નાસ્તો બનાવે છે. વાર્તા પરંપરાગત રસાળ શૈલીમાં કહેવાઈ છે.
‘મનોજનું વેર’
‘મનોજનું વેર’ વાર્તાસંગ્રહની શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક વાર્તા છે. એ મનોવૈજ્ઞાનિક સ્તર પર ચાલતી વાર્તા છે. લગ્નજીવનની પોકળતા, અપરાધભાવની પીડા, સજાતીયતાનું વરવું રૂપ આમ ઘણા બધા ભાવોને એક વાર્તામાં વણી લઈને વાર્તાકારે કમાલ કરી છે. વાર્તાના ચાર સંભવિત અંત આપીને વાર્તાકાર કહે છે કે માણસ એ સંપૂર્ણપણે અવ્યાખ્યાયિત અને અનપ્રીડિક્ટેબલ એસેટ છે. મનોજ, સુંદરલાલની ઑફિસમાં ટાઇપિસ્ટ તરીકે નોકરી કરે છે. એ સતત સુંદરલાલનું ધ્યાન ખેંચવા, રેકગ્નિશન મેળવવા મરણિયા પ્રયત્ન કરે છે. પણ બૉસ સુંદરલાલ એનું સતત અપમાન અને અવહેલના કર્યાં કરે છે. મનોજને ક્યારેક ઑફિસમાં સૌની હાજરીમાં ખખડાવી નાખે છે. જેમ જેમ એ એવું કરતા જાય એમ મનોજ વધુ ને વધુ એમનો પ્રેમ પામવા માટે પ્રયાસો કરે. આમ માણસ પોતાની જાત સમક્ષ દીન-હીન બનીને પણ બીજાનો પ્રેમ પામવા કેવાં કેવાં હવાતિયાં મારે છે એ સમજી શકાય છે. આ મનોવૈજ્ઞાનિક સ્તરે એક પ્રકારનો ડિસઑર્ડર જ કહેવાતો હશે. સુંદરલાલની પત્ની સુશીલા પતિપરાયણ હતી. પતિને દરેક વાતે સંતોષ આપતી હતી. એને બાળક જન્મતાં એનું સુંદરલાલ તરફનું લક્ષ ઓછું થયું તો સુંદરલાલે પડોશમાં રહેતાં વિધુર શિવલાલને પોતાનું ધ્યાન રાખવા માટે રાખી લીધો. શિવલાલ એમનું બધી રીતે ધ્યાન રાખતો હતો. માથાના વાળમાં તેલ નાખી આપે, પગ દબાવી આપે. પછી સુંદરલાલ અને શિવલાલ સજાતીય સંબંધમાં પરોવાય છે. થોડા સમય પછી સુશીલા બાળકના ઉછેરમાંથી નવરાશ મેળવતા સુંદરલાલ ફરી સુશીલા સાથે જોડાઈ જાય છે ત્યારે શિવલાલને લાગે છે કે જાણે એનો ઉપયોગ થયો હતો અને હવે એને નકામી વસ્તુની જેમ ફેંકી દેવામાં આવ્યો છે. સુંદરલાલના અપમાનથી દુભાયેલો મનોજ અને સુંદરલાલે ઉપયોગ કરી લીધા પછી ફેંકી દીધાની લાગણી સાથેનો શિવલાલ બંને અકસ્માતે બગીચામાં ભેગા થઈ જાય છે અને બંને ભેગા મળીને સુંદરલાલનું ખૂન કરવાનું નક્કી કરે છે. સુંદરલાલને મારી નાખવાના અવનવા વિકલ્પો, ખૂન કરવાની રીતો. સુંદરલાલ મનોજ અને શિવલાલ એ ત્રણેય વચ્ચેના સંવાદોમાં વિવિધ માનવવૃત્તિઓના આગિયા ઝબક્યા કરે છે. જયેશભાઈ ભોગાયતાએ ભૂપેનભાઈની વાર્તાઓ વિશે કરેલા દીર્ઘ લેખમાં આ વાર્તા વિશે કહ્યું છે કે, ‘વેર, પરપીડન, પ્રેમ, શોષણ, કામાંધતા જેવી માનવમનની નિશ્ચિત વૃત્તિઓનાં બંધારણનું લેખકે વિઘટન કરી નાખીને વાસ્તવના પરિમાણોને ઉલટાવી નાખ્યાં છે. પાત્રોના પરસ્પરના વિરુદ્ધ વર્તનથી એમની નિશ્ચિત છબીનો વિદ્વવંસ કરી નાખ્યો છે.’ એનો પ્લોટ, કથનકેન્દ્ર અને વિષયવસ્તુ એ નૂતન આવિર્ભાવો રચતું રહેશે. ‘મનોજનું વેર’ વાર્તા જ્યારે વાંચીએ ત્યારે આપણને નવીન અર્થમાં જડતી રહેશે.
‘મગનભાઈનો ગુંદર’
સંગ્રહની શીર્ષકવાર્તા એટલે ‘મગનભાઈનો ગુંદર’. એક ધૂની માણસ કઈ રીતે પોતાની આજીવિકા રળવા માટે ભાતભાતનાં કામ કરે અને એ કામ કરતાં કરતાં એની તરંગી મનોસ્થિતિનું વર્ણન રસપ્રદ રીતે આલેખાયું છે. કથક ઑફિસથી છૂટીને જતો હોય છે ત્યારે અચાનક મગનભાઈ હાથ લાંબો કરીને લિફ્ટ માંગે છે. કથક એમને સ્કૂટર પાછળ બેસાડીને એમની જગ્યાએ ઉતારી દે છે, પણ બે ચાર દિવસ પછી એને મગનભાઈ યાદ આવે છે અને એ મગનભાઈને એમની ફેકટરીએ મળવા જાય છે. ત્યાં મગનભાઈ ગુંદરની નવી રાસાયણિક ફોર્મ્યુલા શોધવામાં વ્યસ્ત હોય છે. પછી ગુંદર નવી ફોર્મ્યુલાને આધારે શોધાય છે, પણ એ અત્યંત ગુણવત્તાસભર હોઈ ફેકટરીના કામદારો અને ચીજવસ્તુઓ એકબીજા સાથે સજ્જડ ચોંટી જાય છે. આમ, એ ધંધો કારગર નીવડતો નથી. વચ્ચે વચ્ચે મગનભાઈ કોઈ બાવા સાથે આધ્યાત્મિક શોધમાં નીકળી જાય અને વળી પાછા આવે ને કોઈ નવા કામધંધા માટે પ્રયત્નો કરે. આમ માણસના તરંગો અને કશુંક કરી લેવાની – પામી લેવાની ઝંખના એને જંપીને બેસવા દેતી નથી. કથક મગનભાઈના તમામ ઉધામાનો સાક્ષી બને છે, પણ એ ક્યાંય સીધો સંડોવાતો નથી. એ કેવળ સાક્ષી બનીને જોયા કરે છે. આપણને મગનભાઈની વાર્તા બયાન કરે છે. અંતે મગનભાઈ કથકને પૂછે છે, ‘તું મને પ્રેમ કરવા માટે આવીશ?’ કથક ‘હા’ પાડે છે. ત્યારે આપણને ભૂપેનભાઈની બીજી વાર્તાઓની જેમ સજાતીયતા તરફનો નિર્દેશ દેખાય છે, પણ વાર્તાકાર અહીં બીજી કોઈ વિગતમાં ગયા નથી એટલે એ અટકળ બનીને રહી જાય છે.
‘મંજરી, રતિલાલ અને હું’
ભૂપેનભાઈની આ વાર્તા ફરી એકવાર લગ્નજીવનની નિયમબદ્ધતા, ચોકઠામાં ગોઠવાયેલો પ્રેમ અને પરિણીત સ્ત્રી-પુરુષની એકબીજા પરત્વેની વફાદારી, બધાને જાણે દાવ પર મૂકી દે છે. મંજરી નામની કન્યાનો ઉછેર એનાં માતાપિતા વૈજ્ઞાનિક ઢબે કરે છે. એને ઉંમર પ્રમાણે દરેક વસ્તુનું જ્ઞાન આપે છે. કિશોરાવસ્થામાં સૅક્સ એજ્યુકેશન પણ આપે છે. એ મંજરી કથકને પરણીને આવે છે. બધું સુખરૂપ ચાલે છે. એમને ત્યાં છોકરાનો જન્મ થાય છે. એક દિવસ પાડોશમાં રહેતા મણિલાલ નાયકને આવીને કહે છે કે મંજરી ફલાણી હોટેલના રૂમ નંબર x માં રતિલાલ સાથે છે. પહેલાં કથકને એ માનવાનું મન નથી થતું પણ પછી જોઈએ તો ખરાં શું છે? એમ કહીને હોટેલ પર જાય છે અને ત્યાં રતિલાલ, મંજરી ને ધર્મિષ્ઠા ત્રણેયની કામલીલા પોતાની સગી આંખે બાજુના રૂમની દીવાલનાં કાણાંમાંથી જુએ છે. એ જોઈને ગુસ્સો આવે, એનું એ જ ફરી જોવાની દુષ્ટ ઇચ્છા થઈ આવે, એ કૃત્ય જોતી વખતે એના મનોભાવો, ત્યાંથી ભાગી જવાને બદલે કે એ ત્રણેયને સજા કરવાને બદલે એને રસપૂર્વક નિહાળતા રહેવાની ઇચ્છા એ આપણને ભાવક તરીકે પ્રતીતિકર લાગે પણ એ આખા દૃશ્યનું નિરૂપણ શિષ્ટ સાહિત્યના ભાવકોને આંચકો આપી શકે. બીજે દિવસે કથક એની પત્ની મંજરીને કહે છે કે, ‘મેં, તને અને રતિલાલને હોટેલના રૂમમાં સંભોગ કરતાં જોયેલા.’ મંજરી બિન્દાસ્ત થઈને કહે છે કે, ‘તમને ત્યાં બોલાવવા અને તમને ધર્મિષ્ઠા સાથે જોડવા માટે જ મણિલાલે હું અને રતિલાલ ત્યાં છીએ એ કહેલું.’ આમ, મંજરીનો વૈજ્ઞાનિક ઢબે થયેલો ઉછેર આગળ વધીને નૈતિકતાના-દામ્પત્યનાં મૂલ્યોનો છેદ ઉડાડી મૂકે છે. ગુજરાતી સાહિત્યની રતિરસની વાર્તાઓના સંપાદનમાં ભૂપેનભાઈની વાર્તાઓ અવશ્ય સ્થાન પામી શકે એવું મારું માનવું છે. ક્રમબદ્ધ ગોઠવેલું જીવન, ડાયરીના ક્રમ જેવું જીવન, ઠરીઠામ થયેલું જીવન... કોઈ પણ પ્રકારના રેજિમેન્ટેશનને જિવાતું જીવન ગાંઠતું નથી. એ વાર્તાઓ પરથી પામી શકાય છે. પરંપરાગત કથનશૈલી, મોટેભાગે સર્વજ્ઞ કથક અને માનવસહજ વૃત્તિઓનું ચોટદાર વર્ણન ભૂપેનભાઈની વાર્તાઓનો વિશેષ છે. એમણે આ વાર્તાસંગ્રહ માટે દોરેલાં ચિત્રોમાં સજાતીયતા અને પરસ્પરની હૂંફ પામવા માટે કીમિયા કરતાં લોકો, સંબંધોની અવ્યાખ્યેય સંકુલતા પામી શકાય છે. એમનાં શબ્દો અને ચિત્રો બંને હ્યુમન રિલેશનશિપને નવા પરિમાણ બક્ષે છે.
વિજય સોની
વાર્તાકાર
મો. ૯૯૨૪૩ ૭૯૨૦૯