ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મોહમ્મદ માંકડ
લેખક મોહમ્મદ માંકડ
માવજી મહેશ્વરી
વાર્તાકારનો પરિચય :
મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના (હવે બોટાદ જિલ્લામાં) પાળીયાદ ગામમાં ૧૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ થયો હતો. તેમણે ઇન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ કર્યા પછી બોટાદમાં માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી. લગભગ દસેક વર્ષ નોકરી કર્યા પછી તેઓ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયા. ૧૯૮૨થી ૧૯૯૨ સુધી તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. તેઓ ૧૯૮૪થી ૧૯૯૦ સુધી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે રહ્યા. તેમણે ગુજરાત યુનિવર્સિટીના સૅનેટ સભ્ય તરીકે પણ સેવા આપી હતી. તેઓ જાણીતા નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, કટાર લેખક અને અનુવાદક હતા. તેમણે બાળવાર્તાઓ પણ લખી છે. મોહમ્મદ માંકડ વાર્તાકાર કેવી રીતે બન્યા તેનો એક આશ્ચર્યજનક બનાવ છે. તેઓ કોઈ સાથે કદી વાર્તાની ચર્ચા પણ કરતા નહોતા, સિવાય કે એમના મિત્ર ભૂપત વડોદરિયા. તે પણ તેઓ જ્યારે ભાવનગર જતા ત્યારે. એમણે ભૂપત વડોદરિયાના કહેવાથી જ એક વાર્તા લખી અને ‘અખંડ આનંદ’માં મોકલી. એ વાર્તા છપાઈ ત્યારે મોહમ્મદ માંકડ બહાઉદ્દીન કૉલેજમાં ભણતા હતા. વાર્તા છપાઈ એનો આંચકો એમના થોડા મિત્રો અને કૉલેજના અધ્યાપકોને વિશેષ લાગ્યો. જેમણે કદી એક લીટી પણ લખી નહોતી, જેમણે અધ્યાપકોનું કોઈ માર્ગદર્શન લીધું નહોતું. જે આટ્ર્સના નહીં પણ સાયન્સના વિદ્યાર્થી હતા! પણ એમને આંચકો ત્યારે લાગ્યો જ્યારે વાર્તાને પુરસ્કાર મળ્યો. વાર્તા લખવાથી પૈસા મળે તે બાબત એમના માટે આશ્ચર્યની હતી. તે ઘટનાને મોહમ્મ્દ માંકડ આવી રીતે લખે છે, ‘ત્યારે મને ખબર ન હતી કે, ભવિષ્યમાં વર્ષો સુધી મારે માત્ર – નવલકથાના લેખન ઉપર જીવવાનું હતું. મને ખબર નહોતી કે કોઈ મોટા સાહિત્યકાર, પત્રકાર કે પ્રોફેસરની કશી ઓળખાણ વિનાના, ગામડાના એક અણઘડ છોકરાને ગુજરાતના લાખો વાચકો એટલો પ્રેમ અને પ્રતિષ્ઠા આપશે કે એ માત્ર પોતાના લેખન ઉપર જીવી શકે... મને ખબર નહોતી કે ‘અખંડ આનંદ’માં છપાયેલી મારી એ વાર્તા સાથે જ મારું ભવિષ્ય પણ છપાઈ ગયું હતું. એ વાર્તાએ મારો રસ્તો જાણે નક્કી કરી દીધો. મારે લેખક જ બનવાનું હતું. ચિત્રકલા અને સંગીત જેવા મારા બીજા શોખ ગૌણ બની ગયા. જીવનના બીજા ક્ષેત્રોમાંથી એ વાર્તાએ જાણે મને લેખનના ક્ષેત્રમાં ખેંચી લીધો’ (મોહમ્મદ માંકડ વાર્તાઓ ભાગ ૧, પૃ. ૬) આ રીતે ગુજરાતી ભાષાને મળ્યા એક નખશિખ વાર્તાકાર મોહમમ્મ્દ માંકડ. જેમણે આગળ જતાં નવલકથા, લઘુનવલ અને બાળવાર્તાઓમાં કાઠું કાઢ્યું. ૨૪ સપ્ટેમ્બર ૧૯૮૧ના રોજ ગુજરાત સરકારે ગાંધીનગરમાં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કરી અને એના પહેલા અધ્યક્ષ તરીકે મોહમ્મદભાઈની નિમણૂક કરી ત્યારે ઘણા સાહિત્યકારોનાં ભવાં ચડેલાં. આવો, ગ્રૅજ્યુએટ પણ ન થયેલો, લોકપ્રિય નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો, અખબારી કૉલમો લખનાર તે વળી આવી મોટી જગ્યાએ? પણ મોહમ્મદભાઈ પહેલા અધ્યક્ષ બન્યા એનો એક મોટો લાભ એ થયો કે અકાદમીની પ્રવૃત્તિઓ, એનાં પ્રકાશનો લોકાભિમુખ બની રહ્યાં. અભ્યાસીઓ, અધ્યાપકોને આવકાર ખરો પણ આમ આદમીને, તેનાં રસરુચિને જાકારો નહીં. મોહમ્મદ માંકડના પોતાના લેખનમાં પણ આ લોકાભિમુખતા કાયમ રહી. વધતી જતી વય અને કેટલીક શારીરિક બીમારીને કારણે તેમનાં છેલ્લાં વર્ષોમાં તેમની પાસેથી નવું કશું મળ્યું નહોતું. પણ પણ તેમનાં કેટલાંક પુસ્તકો એક કરતાં વધુ વખત ફરી છપાયાં અને વેચાયાં. આ તેમની કલમની તાકાત હતી. તેમણે કદી કોઈને રિઝવવા માટે લખ્યું નથી. પોતાના કે બીજાના ધર્મ વિશે પણ કદી લખ્યું નથી. તેમનો ધર્મ એક જ હતો શબ્દ. મોહમ્મદ માંકડ શબ્દને વફાદાર હતા. શબ્દ જ તેમની ખરી ઓળખ બની રહ્યો. તેઓ માનતા કે, કોઈ પ્રદેશ કે દેશનો નકશો માત્ર નદીઓ, પર્વતો કે જંગલોથી શોભતો નથી. એ માત્ર દેશનાં આભૂષણ હોય છે. મોહમ્મદ માંકડની કલમ ગુજરાત અને ગુજરાતીભાષાનું આભૂષણ હતી. ગુજરાતીભાષા તેમની કલમથી શોભતી હતી. અને જ્યાં સુધી ગુજરાતીભાષા રહેશે ત્યાં સુધી મોહમ્મદ માંકડનું નામ રહેશે. ૯૪ વર્ષની વયે ૫મી નવેમ્બર ૨૦૨૨ના દિવસે એમણે ગાંધીનગરમાં છેલ્લા શ્વાસ લીધા ત્યારે વાર્તાનો એક યુગ જાણે આથમી ગયો.
સર્જન :
મોહમ્મદ માંકડે એમના જીવનની પહેલી ટૂંકીવાર્તા ‘રહેંસાતાં જીવન’ ૧૯૪૮માં લખી હતી. જે તેમણે કોઈ સંગ્રહમાં લીધી નથી. પણ એમના સમગ્ર વાર્તાઓના સંગ્રહના પહેલા ભાગમાં પહેલી જ વાર્તા અલગથી સમાવાયેલી છે. તેમણે ટૂંકીવાર્તાનાં કુલ ૧૦ પુસ્તક આપ્યાં છે. જેમાં ‘ઝાકળનાં મોતી’ (૧૯૫૮), ‘મનના મરોડ’ (૧૯૬૧), ‘વાતવાતમાં’ (૧૯૬૬), ‘ના’ (૧૯૬૯), ‘ક્યારે આવશો?’ (૧૯૬૧), ‘તપ’ (૧૯૭૪), ‘વળાંક’ (૧૯૯૬), ‘સંગાથ અને ચોટ’. (આ બન્ને પુસ્તકનાં પ્રકાશન વર્ષ મળેલ નથી) તેમની સમગ્ર વાર્તાઓના સંગ્રહ બે ભાગમાં છપાયા છે. તેમણે જીવનની છેલ્લી વાર્તા ‘નઠોર’ ૧૯૮૮માં લખી હતી. એ પછી એમણે વાર્તા લખવાનું છોડી દીધેલું. વીસમી સદીના છઠ્ઠા દાયકામાં ગુજરાતી સાહિત્યમાં પ્રયોગપરાયણતા, ભાષાકર્મ, ઘટનાનું તિરોધાન વગેરેની ચર્ચાઓ જોરશોરથી ચાલતી હતી. એ ચર્ચાઓમાં ઘણા અધ્યાપકો, પંડિતો, અભ્યાસીઓ હતા. ત્યારે ૧૯૫૯માં એક લેખકની ‘કાયર’ નામે પહેલી લઘુનવલ પ્રગટ થઈ. રેલવે-અકસ્માતમાં પુરુષત્વ ગુમાવી બેઠેલા નાયક ગિરધરના ચિત્તની લીલાઓનું, ગુણિયલ પત્ની ચંપાના સંદર્ભમાં, વેધક નિરૂપણની એટલી ચર્ચા થઈ કે લેખકે નવલકથાઓ લખવા માંડી. એ નવલકથાના લેખક અધ્યાપક નહોતા, ભાષાના જાણતલ નહોતા, કોઈ પંડિત નહોતા. તેમણે કોઈ વાદ કે પ્રવાહની કંઠી બાંધી નહોતી. ગામડું કહી શકાય એવા પાળિયાદથી આવેલ એ લેખકનો અભ્યાસ પણ ઇન્ટર સાયન્સ સુધીનો. તેમ છતાં વિવેચકો અને ખાસ તો વાચકોએ એ નવલકથાને બેય હાથે ઉપાડી લીધી. એ લેખક એટલે મોહમ્મદ માંકડ. ત્યારે તેમને ખબર નહોતી કે તેમના હાથે અનેક નવલકથાઓ સર્જાવાની છે. તેમણે લખેલી નવલકથાઓની યાદી પણ બહુ જ લાંબી છે. પ્રકાશકો અને અખબારો એમની પાસેથી નવલકથાઓની સતત માગણી કરતાં રહેતાં. તેમણે ‘સપનું પાછલા પહોરનું’, ‘આથમતા સૂર્યના સોગન’, ‘મંદાર વૃક્ષ નીચે’, ‘એક પગ ઉંબર બહાર’, ‘હવામાં કોની સુગંધ’, ‘રાતવાસો’, ‘દંતકથા’, ‘ખેલ’, ‘તમે કેમ રહ્યા અબોલ’, ‘નામ ધીમેથી લેજો’, ‘ઘૂમરી’, ‘હજી ચાંદમાં ડાઘ છે’, ‘ઓછાયો’, ‘ગ્રહરાત્રી’, ‘આગની આરપાર’, ‘ધુતારા’, ‘મોરપીંછના રંગ’, ‘અજાણ્યા બે જણ’, ‘ભૂખરી ભૂખરી સાંજ’, ‘વેળનાં વછૂટ્યાં’, ‘તરસ’, ‘હીરની ગાંઠ’, ‘કાયર’, ‘માટીની ચાદર’, ‘મનોરમા’, ‘ધુમ્મસ’, ‘વંચિતા’, ‘બંધનગર (ભાગ ૧ અને ૨)’, ‘અનુત્તર’, ‘ઝંખના’, ‘અશ્વદોડ’ અને ‘વહેમ’ એમ કુલ ૩૨ જેટલી નવલકથાઓ લખી છે. એમની આજીવિકા જ લેખન પુરસ્કાર હતો. એ માટે નવલકથાઓ અને અખબારી લેખન અનિવાર્ય પણ હતું. એમણે ‘સંદેશ’ વર્તમાનપત્રમાં ‘કેલિડોસ્કોપ’ નામે કોલમ લખવા માંડી. આ કોલમ એટલી લોકપ્રિય થઈ હતી કે ત્રણ વાર બંધ થયેલી કોલમ વાચકોની માગણીથી ફરીથી ચાલુ કરવી પડી હતી. તેમની કોલમના લેખોના પુસ્તકો થયાં છે. આ ઉપરાંત તેમણે નિબંધો પણ લખ્યા છે. તેમના ચિંતનાત્મક ગદ્ય અને નિબંધોનાં કુલ ૧૧ પુસ્તકો થયાં છે. ‘કેલિડોસ્કોપ’ ભાગ ૧થી ૪, ‘આપણે માણસ’ ભાગ ૧ અને ૨, ‘સુખ એટલે’, ‘ઉજાસ’, ‘ચાલતા રહો’, ‘તાત્પર્ય’ અને ‘પ્રાર્થના’ (પોતાની જાતને પામવાનો સરળ માર્ગ). આ ઉપરાંત તેમણે બાળસાહિત્યમાં પણ પ્રદાન આપ્યું. તેમણે ગુજરાતી અને અંગ્રેજીમાં ‘ચંપુકથાઓ’ (ભાગ ૧ અને ૨) આપી છે. તેમનું અંગ્રેજી ભાષામાં લેખન રહ્યું અને તેનાં ત્રણ પુસ્તક થયાં છે. ૧. ‘Time’ (The Outher Time Publication U.K.), ૨ ‘Explaniing The Time’, ૩. ‘Mystery of Time’. આમ લગભગ સાત દાયકાનું લેખન વૈવિધ્ય તેમની પાસેથી સાંપડ્યું છે. જે વર્ષો સુધી વંચાતું રહેશે.
લેખકને મળેલા પુરસ્કાર
મોહમ્મદ માંકડ જેટલી લોકચાહના પામ્યા હતા એટલાં તેમને સન્માનો પણ મળેલાં છે. તેમના સાહિત્ય સર્જનને તત્કાલીન સરકારો અને જાહેર સંસ્થાઓએ વધાવ્યું છે. તેમનાં પ્રકાશિત પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદનાં પારિતોષિક તો મળેલાં જ છે. પણ એથી વિશેષ અને અગત્યનાં ઇનામો મળ્યાં છે. એમની નવલકથા ‘ધુમ્મસ’ માટે ૧૯૬૪માં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ફેલોશીપ મળેલી હતી. ગુજરાત સાહિત્ય પરિષદે ૧૯૬૭માં તેમને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક આપ્યું. ૧૯૮૭માં ગુજરાત સાહિત્ય અકાદમીએ કનૈયાલાલ મુન્શી એવૉર્ડ અર્પણ કર્યો. ૧૯૯૬માં એમને ગુજરાતી દૈનિક પત્ર એસોસિયેશન એવૉર્ડ મળ્યો. ગુજરાત રાજ્ય તરફથી ૨૦૦૦ની સાલમાં નરસિંહ મહેતા એવૉર્ડ મળ્યો. ૨૦૦૮માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો. ૨૦૦૯માં ગુજરાતી પત્રકાર સંઘ તરફથી લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ અપાયો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ૨૦૧૦માં એમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. ૨૦૧૮માં એમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર અપાયો.
વાર્તાકારનો યુગસંદર્ભ :
અમુક સર્જકો એવા હોય છે જે કોઈની કંઠી બાંધતા નથી કે કોઈ પ્રવાહમાં વહેતા નથી. મોહમ્મદ માંકડનો જન્મ એવા સમયમાં થયો હતો જ્યારે ભારતમાં રાજકીય અંધાધૂંધી હતી. એક બાજુ અંગ્રેજો પ્રત્યે ભારતના લોકોનો વિરોધ. યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિનું અજવાળું અંગ્રેજોએ ભારતમાં પાથરવા માંડ્યું હતું. તે સમયે સાહિત્યમાં પણ વાદવિવાદ ચાલી રહ્યા હતા. ગુજરાતી ટૂંકીવાર્તામાં હજુ ગાંધીવાદ આવ્યો નહોતો કે સુરેશ જોષીનો ઉદય પણ થયો નહોતો. એવા સમયમાં જન્મેલા મોહમ્મદ માંકડે પહેલી વાર્તા ત્યારે લખી જ્યારે ભારતની આઝાદીને એક જ વર્ષ થયું હતું. એમની પહેલી વાર્તા ‘રહેંસાતાં જીવન’માં વ્યક્ત થયેલો એમનો સમાજવાદ તેઓના આધુનિક યુગના સંકેત આપે છે. એ વાર્તામાં શોષિત ગરીબડા ખેડૂત અને શોષક શેઠિયાનો ખેલ છે. વાર્તાનું મથાળું જ મોહમ્મદ માંકડની છેવાડાના મનુષ્ય તરફની પ્રચ્છન્ન લાગણી દર્શાવે છે. તે પછી આવેલી એમની વાર્તાઓમાં વાસ્તવવાદ દેખાય છે. એવો વાસ્તવવાદ જે આયાસહીન છે. આના કારણે તે સ્વીકાર્ય બને છે, સ્વીકાર્ય લાગે છે. ભલે સાહિત્યકારોએ સાતમા દાયકા પછીના સમયને આધુનિક યુગ કહ્યો હોય પણ એનાથી પહેલાં પણ મોહમ્મદ માંકડ જેવા વાર્તાકારોએ આધુનિકયુગમાં બેસે તેવી વાર્તાઓ લખી નાખી હતી. જેમાં ગરીબી હતી, નગરચેતના હતી, દલિતચેતનાનો પડછાયો હતો અને નારીચેતના પણ દેખાઈ છે. એટલે મોહમ્મદ માંકડ આધુનિકયુગના વાર્તાકાર કહી શકાય.
ટૂંકીવાર્તા વિશે મોહમ્મદ માંકડની સમજ :
૧૯૪૮થી વાર્તા લેખનની શરૂઆત કરનાર મોહમ્મદ માંકડે તેમના ચાર દાયકાના લેખન કાળ દરમિયાન સેંકડો વાર્તાઓ લખી છે. તેમની વાર્તાઓમાં અનુભૂતિવિશ્વની વિવિધતા છે. તેમણે માનવજીવન અને બદલાતા સમાજને આત્મસાત કર્યું છે. એમની વાર્તાઓમાં વિષયવસ્તુ, પાત્રનિરૂપણ, રચનારીતિ અને સંવેદનાનું જાતજાતનું ભાતીગળ અને સંકુલ ગૂંથાયેલું છે. જે કોઈ કુશળ ભરતકામની જેમ અવનવી ભાત રચે છે. જોકે લેખકે પોતાના સમય દરમિયાન જે જોયું હોય એ ચિત્રો વાર્તામાં ઊતરે તો એમાં નવાઈ શી? એમાં જો સર્જકની સર્જકતા અને વિલક્ષણ દૃષ્ટિ ન ઉમેરાય તો એ માત્ર બયાન કે દસ્તાવેજ બની રહે છે, જેનું લાબું આયુષ્ય હોતું નથી. મોહમ્મદ માંકડે ઘટનાઓ, માનવીય વર્તનો, સબંધોના તાણાવાણા બારીકાઈથી જોયાં છે અને આલેખ્યાં છે. એમાંથી વાર્તા તત્ત્વ શોધી કાઢ્યું છે. પોતાની આસપાસ ફરતા સંચારો અને મનોસંચલનોને અને અર્થોને સમજીને તેનું અર્થમૂલક આકલન કરવું તે જ સર્જનકર્મનું પહેલું પગથિયું છે. તે પછી આવે છે સર્જકની ભાષા. સર્જકે આકલન કરેલા મર્મને ઝીણવટથી, પૂરી જાગૃતતા અને માવજતથી ભાષાને પરોવવી એ છે સર્જનકર્મનું બીજું પગથિયું. આ બન્ને કર્મો વાર્તા સિવાયનાં તમામ સર્જન માટે પણ અનિવાર્ય બની રહે છે. જે સર્જક આ બન્ને પગથિયે બરાબર ઊભો રહે છે તે સર્જકનું સાહિત્ય કાળને અતિક્રમી શકે છે. ગુજરાતી સાહિત્યના વિવેચકોએ અનુભૂતિ અને અભિવ્યક્તિ બેયને અલગ અલગ પરિમાણોથી નાણ્યાં છે. આ એક આશ્ચર્ય છે. સાથે ક્યારેક દુઃખ પણ થાય કે આવું શા માટે? જોકે અનુભૂતિ સચ્ચાઈપૂર્ણ હોય પણ કુશળતાથી અભિવ્યક્ત ન થાય તો તે સર્જન ગુંચવાઈ જાય છે. મોહમ્મદ માંકડે આ વાતને બરોબર સમજી અને પચાવી છે. કથાનકો તો જ્યાં માનવ સમાજ છે ત્યાં વેરાયેલાં પડ્યાં હોય છે. સાચો સર્જક એ વેરાયેલાં કથાનકોને નાવિન્યપૂર્ણ ભાષા અને સચ્ચાઈને કુશળતાપૂર્વક વાર્તા દ્વારા રજૂ કરે છે. કેટલીકવાર તો સામાન્ય અનુભૂતિ પણ લેખકની અભિવ્યક્તિ સામર્થ્યના કારણે ઝળહળી ઊઠે છે. એ જ્યારે વાર્તામાં રજૂ થાય છે ત્યારે વાર્તા વેધક, કલાપૂર્ણ અને હૃદયસ્પર્શી બની રહે છે. મોહમમદ માંકડે લખેલી વાર્તાઓમાં ઊડીને આંખે વળગતી વાત હોય તો એ છે તેમનું અભિવ્યક્તિ સામર્થ્ય. તેમનું રચનાકૌશલ્ય એટલું બળકટ છે કે નાની અમથી વાત પણ વાર્તાનો નકશીદાર ઘાટ પકડે છે. મોહમમ્દ માંકડને વાર્તાની ખરી સૂઝ હતી તેવું એમની વાર્તાઓ વાંચતાં જણાય છે. તેમના સમયનું વાતાવરણ કલાના ઘાટે રચાયું છે.
મોહમ્મદ માંકડના વાર્તાસંગ્રહોનો પરિચય
મોહમ્મદ માંકડના ૧૦ વાર્તાસંગ્રહોમાં કુલ ૧૬૨ જેટલી વાર્તાઓ સમાવિષ્ટ છે. એ બધી જ વાર્તાઓની ચર્ચા કરવી શક્ય નથી, શક્ય છે તો અહીં સમાવવું સાવ જ અશક્ય છે. એટલે તેમની વખણાયેલી વાર્તાઓ દ્વારા તેમની વાર્તાકલાનો પરિચય અહીં આપવાનો પ્રયાસ કરેલો છે. તેમની સમગ્ર વાર્તાઓના પહેલા ભાગમાં તેઓ આવું લખે છે, ‘ગાયકો દરરોજ રિયાઝ કરે છે. પણ એ રિયાઝને રેકોર્ડ કરવાનું પસંદ કરતા નથી. લેખકે પણ લખાય એટલું બધું ઉત્તમ જ હોય એમ માની લેવાની જરૂર નથી. મારા વાર્તાલેખનની યાત્રાની આજ સુધીની છબી એમા ઝિલાઈ રહે. અને એ રીતે એનું પણ એક મહત્ત્વ છે. ઉપરાંત, મને નબળી કે સારી લાગતી કેટલીક વાર્તાઓ ખરેખર એવી ન પણ હોઈ શકે. એનો ફેંસલો તો સમય જ આપી શકે... આજે જે તદ્દન નવું લાગતું હોય અને એની સરખામણીમાં જૂનું લાગતું હોય એ બધું જ આવતીકાલે તો જૂનું જ થઈ જવાનું છે. એમાં સોના જેવું હશે, જેને કાટ નહીં લાગે. જે માત્ર લાંબો સમય રહેવાનું છે. અને એવું તો બહુ થોડું હશે.’ (‘મોહમ્મદ માંકડની વાર્તાઓ’ ભાગ ૧, પૃ. ૬–૭) મોહમ્મદ માંકડની વાર્તાઓમાં શ્રેષ્ઠ તત્ત્વ શોધવાનો જવાબ એમના ઉપરના લખાણમાંથી મળી રહે છે. અહીં વાર્તાના નિયત બંધારણ અને વિદ્વાનોએ આપેલા વાર્તાના સ્વરૂપ મુજબ મોહમ્મદ માંકડની વાર્તાઓ ક્યાં ઊભી છે તેની માત્ર ચર્ચા કરી શકાય એવું હું માનું છું.
તેમના સંગ્રહ ‘માટીની મૂર્તિઓ’ના નિવેદનમાં તેમણે લખ્યું છે, ‘આ વાર્તાઓ ગામડાની ધૂળનું અધકચરું સર્જન છે, માટીની આ મૂર્તિઓ આરસની મૂર્તિઓ જેવી ચમકદાર, ઘાટીલી, દીર્ઘજીવી તો નથી જ – ન હોઈ શકે – છતાં જો એમાં કાંઈ હોય તો એ માટીની સુગંધ છે.’ ખરેખર આ સંગ્રહની વાર્તાઓમાં ગામડાંની માટીની સુગંધ છે. આ સંગ્રહની વાર્તા ‘વૃદ્ધ હૈયું’માં પોતાની સગી માને ઓળખી નહીં શકેલી દીકરી માના મૃત્યુ પછી પસ્તાય છે. જોકે વાર્તા કરુણાથી છલોછલ છે. અહીં માણસની નિયતિ છે. મોટાભાગે માવતરના મૃત્યુ પછી જ તેમનો પ્રેમ સમજાતો હોય છે. ‘એકો અને અમરત યાકુબ’ આ સંગ્રહની અત્યંત રસપ્રદ વાર્તા છે. અહીં ‘એકો’ શબ્દ હવેના સમયમાં સમજવો થોડો મુશ્કેલ છે. એ રીતે લેખકે એમના સમયને સાચવી લીધો છે, જેમ ધૂમકેતુએ કર્યું છે. દીવાલ તૂટતાં રૂપિયાથી ભરેલી માટલી મળે તો છે પણ એને મેળવનાર બચશે કે નહીં તેની વિડંબના આ વાર્તાનું કેન્દ્ર છે. આ સંગ્રહની વાર્તાઓમાં વાસ્તવથી ભર્યું ભર્યું જીવન આલેખાયેલું છે. માનવસંવેદનાથી આ વાર્તાઓ છલોછલ ભરેલી છે. જોકે કેટલીક વાર્તાઓમાં બિનસંગતતા પણ નજરે ચડે છે. જેના વિશે લેખક સભાન રહ્યા નથી અથવા સભાન હોવા છતાં એમને વાર્તા લેખે એ યોગ્ય લાગ્યું હશે. ‘ઝાકળનાં મોતી’ સંગ્રહની વાત કરીએ તો આ સંગ્રહનું શીર્ષક ઘણું કહી જાય છે. એ સમયમાં આવાં શીર્ષકો ધરાવતી વાર્તાઓ અને નવલકથાઓ છપાતી. ‘તુલસી યહ સંસારમેં’ વાર્તામાં ચાર મિત્રો એક ચિત્રકાર અને સમાજ સુધારક સુરેશ ભટ્ટની ટીકાઓ કરતા રહે છે. નિંદારસમાં ડૂબેલા રહેતા એ મિત્રો સુરેશ ભટ્ટને હલકા ચારિત્ર્યનો ગણે છે. પણ સમય જતાં ચારેય મિત્રો છૂટા પડે છે અને પોતપોતાની સ્ત્રીઓ પાસે જાય છે. ચારેય મિત્રો જે બાબત ઉપર સુરેશ ભટ્ટને ભાંડતા હતા અંતે એમનાં જ ચરિત્રો ખુલ્લાં પડે છે. ‘સ્વાર્થ અને મંથન’ની શરૂઆત કંઈક આવી છે. ‘અષાઢનો વાદળિયો તડકો હતો. પવન સખ્ત રીતે ફૂંકાતો હતો. માથે હાથ દઈને ઝડપથી દોડ્યે જતાં વાદળાં તરફ જોઈને અનિલ બબડ્યો, ‘કમબખ્ત – એક પાણીનું ટીપું નથી. ખોટો ઠાઠ કેટલો છે?’ વાર્તામાં વાચકને પ્રવેશ કેવી રીતે કરાવવો તેની કલા જાણતા મોહમ્મદ માંકડના આ વર્ણનથી જ વાચક વાર્તામાં પ્રવેશી જાય છે. ‘ફટાકડાની પેટી’માં ગરીબીને કારણે ગંગા દીવાળીના તહેવારે પોતાના છોકરાંઓને ફટાકડા અપાવી શકતી નથી. તે ફૂટેલા ફટાકડા ભેગા કરીને આપે છે. ગંગાના દિયરની દુકાનમાંથી તેનો દીકરો ફાટાકડાની પેટી ચોરી લાવે છે. ત્યારે દિયર કડવાં વેણ સંભળાવે છે. એ વખતે ગંગાનો દીકરો દુકાનમાં હવાઈ છોડે છે અને ફટાકડામાં આગ લાગે છે. ત્યારે ગંગા કહે છે, ‘વાહ ખરો મરદનો દીકરો.’ જે ગંગા ચોરી કરવા પોતાના દીકરાને વારે છે એ જ ગંગા દીકરો દિયરની દુકાન સળગાવી નાખે છે ત્યારે તેને વધાવે છે. આ છે પાત્રનું રૂપાંતર. આવું તેમની બીજી ઘણી વાર્તાઓમાં પણ દેખાય છે. ‘લોહીનો કોગળો’ વાર્તાનાયક કાસમ ઘાંચીની સ્થિતિ અને તેના બળદની દુર્દશાનું સંન્નિધિકરણ આ વાર્તામાં અસરકારક રીતે સિદ્ધ થયેલું છે. ‘લગ્ન અને વાસના’ વર્ષો પહેલાં લખાયેલી વાર્તાની સ્થિતિ વર્તમાન સમયમાં સાચી પડતી જણાય છે. મોટી ઉંમરે વૃદ્ધોને સહારાની, સાથીની જરૂર પડે છે એ વાત આ વાર્તામાં અસરકારક રીતે કહેવાઈ છે. ‘આત્મઘાત’ ભારતીય સ્ત્રીના મનમાં પડેલી અનેક માન્યતાઓ, કુંઠાઓ અને સ્વભાવની નબળાઈ તેમને મૃત્યુ સુધી લઈ જાય છે એ વાત આ વાર્તામાં સિદ્ધ થાય છે. ‘દિલાસો’ વાર્તાનો નાયક કાંતિ એક લેખક છે પણ તેનો વસ્તાર મોટો છે. તેને આઠ સંતાનો છે. તેને અવારનવાર આપઘાત કરવાના વિચાર આવે છે. એક વાર પુની તેને મળવા આવે છે અને મરી જવાની વાત કહે છે ત્યારે કાંતિ તેને જીવન કેવું અમૂલ્ય છે તે સમજાવે છે. અહીં કાંતિ ખરેખર કોને સમજાવે છે, પુનિને કે પોતાને? આ સ્થિતિ લેખકે રચેલી છે. જે વાર્તાને એક ચોક્કસ ઊંચાઈ આપે છે. આ સંગ્રહમાં મોટાભાગની વાર્તાઓ સામાજિક છે, જેમાં ગરીબી દરેક વાર્તામાં કોઈને કોઈ સ્વરૂપે દેખા દે છે. લેખક ગરીબીની સામે માનવજીવન કેટલું અગત્યનું છે તે બાબત સિદ્ધ કરવા માગે છે અને એમાં તેઓ સફળ રહ્યા છે. ‘મનના મરોડ’ નામના સંગ્રહમાં ‘અમેરિકન કોટ’ નામની વાર્તા છે. આમ તો આ વાર્તામાં એક સામાન્ય વિચાર છે કે કોઈ શું કહેશે? રમેશ વીસ રૂપિયામાં સરસ અમેરિકન કોટ ખરીદે છે, પણ તેને વિચાર આવે છે કે પોતાના સહકર્મચારીઓ આ કોટ જોઈને શું કહેશે. બહુ મનોમંથન પછી એ કોટ બાળી નાખે છે. બીજા દિવસે જૂનો કોટ પહેરીને ઑફિસમાં જાય છે ત્યારે તેના મિત્રો કહે છે કે બજારમાં વીસ રૂપિયામાં તો અમેરિકન કોટ મળે છે. રમેશ માત્ર જોઈ રહે છે. માનવસ્વભાવ, ખાસ કરીને ભારતીય માનવસ્વભાવ ‘લોકો શું કહેશે?’ જેના કારણે લોકો કેવા કેવા ખોટા નિર્ણયો લે છે જેની સ-રસ આ વાર્તા છે. ‘પરાજિત’ એક લેખકની કરુણામાં ઘુંટાઈને કહેવાયેલી વાર્તા છે. અહીં લેખકોની દુનિયાની રસપ્રદ વાતો મુકાઈ છે. ગોવર્ધનરામ, સાને ગુરુજી, ઝોન ફીટ્સ, ચેખોવ, કેથેરાઈન, સરમરસેટ મોમ જેવા લેખકોના સ્વભાવ અને તેમની અંતરંગ વાતો અહીં મુકાઈ છે. એ બધા મનોરોગીઓ હતા. વાર્તાનાયક લેખક પણ મહાનતામાં રાચે છે. વાસ્તવમાં આ વાર્તા મોહમ્મદ માંકડના જ કોઈ નિજી અનુભવમાંથી આવી હોય એવું લાગે છે. ‘મેરકો’આ વાર્તામાં એક પ્રાણીનો પ્રવેશ છે. તે છે ઘોડો. ઘોડો ખ્યાતનામ છે, સ્પર્ધાઓમાં ઇનામ જીતે છે. મેરકો નામનો યુવાન આ ઘોડાનો માલિક છે. તેની પત્ની પિયરથી પાછી આવતી નથી. એક દિવસ જ્યારે મેરકો અને તેના કાકા પત્નીને તેડવા જાય છે ત્યારે ઘોડો ગુમ થઈ જાય છે. મેરકો શોધે છે. થોડા દિવસ રહીને ઘોડો પાછો આવી જાય છે પણ મેરકાને આઘાત એ વાતનો છે કે કોઈએ ઘોડાની ખસી કરી નાખી છે. તે પોતાના કાકાને પત્નીને તેડવા જવાની ના પાડી દે છે. આ વાર્તા વાર્તારચનાની દૃષ્ટિએ અતિ મહત્ત્વની છે. વાત ઘોડાની હતી કે મેરકાની? ખસી કોની થઈ ગઈ હતી તે વાચક નક્કી કરી લે છે. ‘બાપાની શીખ’ આ વાર્તા એ સમયમાં લખાઈ છે પણ આજના છોકરાને વધારે લાગુ પડે છે. આ વાર્તાનું એક વાક્ય, ‘આમ મારી સામે જો... વાપરતાં પહેલાં હું કેમ રળું છું એ સદાય યાદ રાખજે.’ ઉડાઉ છોકરો અને લાગણીશીલ બાપનું સંવેદન અહીં ધ્યાનાર્હ છે. ‘મનના મરોડ’ પુસ્તકનું શીર્ષક બનેલી વાર્તા પિતા અને પુત્રીની છે. પિતા માટે દીકરી લગ્ન કરતી નથી. દીકરીના પિતા તરફનો ભાવ આ વાર્તાના કેન્દ્રમાં છે. ‘ના’ સંગ્રહની વાર્તાઓ પણ સામાજિક છે. વાર્તાની ખૂબીઓ એ છે કે લેખક વાર્તામાં વાચકને પ્રવેશ આપીને ખસી જાય છે. અહીં કુતૂહલ જગાવવાની કલા લેખકને હસ્તગત છે અને વાચક વાર્તાના તાણાવાણામાં ગુંથાતો જાય છે. ‘લાલ પૂંઠાનો ચોપડો’ ગુજરાતી વાર્તાજગતમાં ચર્ચાયેલી મોહમ્મદ માંકડની આ વાર્તા કોમી હુલ્લડનું તાદૃશ વર્ણન છે. અહીં નાયક એક ખૂન કરી નાખે છે. નાયકના શૂરવીર વડવાઓએ સાડત્રીસ માણસોને મારી નાખેલા છે તેની વિગત સાચવતો લાલ ચોપડો યાદ આવે છે. નાયકને હવેલીમાંથી એક પેટીમાંથી લાલ ચોપડો મળે છે. પણ વિગતો વાંચીને નાયક સ્તબ્ધ થઈ જાય છે કે મેં શું કર્યું? એ ચોપડામાં એના વડવાઓએ પોતાના માણસોનાં ખૂન કર્યાની વિગતો છે. હતપ્રભ થયેલો નાયક ચોપડો આગમાં ફેંકી દે છે. ‘સપ્તર્ષિર્ શંખ’ ભારતીય માઇથોલોજીકલ માન્યતાઓની આ વાર્તા છે. રામલાલ નામના કથાનાયક પાસે એક શંખ છે. કોઈકે કહ્યું કે તે અતિ મૂલ્યવાન છે. ધીમે ધીમે રામલાલ એ શંખની વાતો બધાને કહેતા ફરે છે. માણસો આખરે કંટાળે છે. રમલાલથી દૂર ભાગે છે. રામલાલ શંખથી દૂર જવા માગતા નથી. તેઓ જાહેરાત કરે છે કે એ શંખ કોઈ સુપાત્રને આપવો છે. ફરી શંખની ચર્ચાઓ થાય છે. રામલાલનો જીવનરસ ફરી જાગૃત થાય છે. કોઈ કારણવશ એ શંખ તેમના દીકરાના હાથે જ તૂટી જાય છે અને આઘાતમાં રામલાલ મૃત્યુ પામે છે. આ વાર્તા સાઇકોલોજિકલ વાર્તા છે. અનુઆધુનિક ગાળાની વાર્તા એના સમય પહેલાં લખાઈ છે. તેમની કેટલીક વાર્તાઓમાં જાતીય જીવનની વાતો ક્યાંય મુખર થયા વિના જ સહજ રીતે આવી છે. ‘પબ્લિક કેરીયરની મુસાફરી’ વાર્તાનું શીર્ષક ઘણું કહી દે છે. પત્ની સાથે શરીર સુખ માણી ન શકતો જયંત તેના મિત્ર સાથે અન્ય સ્ત્રી પાસે જાય છે. પણ કશું થતું નથી. પછી તેનો મિત્ર એ સ્ત્રી પાસે જાય છે અને પાછો આવીને કહે છે ‘રેખલીએ મને હાથ ન મૂકવા દીધો.’ જયંત પાછો ઘેર આવે છે ત્યારે તેની પત્ની પૂછે છે, ‘તમે પબ્લિક કેરીયરમાં કેમ મુસાફરી કરી?’ જયંત જવાબ આપી શકતો નથી. આ વાર્તા અત્યંત રસાળ છે. Sex Psychologyનું બારીક વર્ણન આ વાર્તામાં જોવા મળે છે. એક સાવ જુદી જ વાર્તા ‘લોકો વડે, લોકો માટે કહેવાયેલી, લોકો માટેની વાર્તા’ આ વાર્તામાં સરેરાશ ભારતીય માણસની માનસિકતાનો આલેખ છે. અહીં સૌરાષ્ટ્રનું વાતાવરણ છે. રેવાશંકરના દીકરા જયંતીને સાપ કરડે છે. ભૂવો આવે છે, જયંતી સાજો થઈ જાય છે. ભૂવાનો જયજયકાર થાય છે. પણ સાધુ શિવાનંદને આ વાત ગમતી નથી. તે કહે છે સાપ બિનઝેરી હતો. તે રેવાશંકરની ભક્તિને જશ આપે છે. આ વાર્તા જુદી રીતે લખાઈ છે. કાળના ત્રણ ખંડ છે. ‘પંદર વર્ષ પછી – જયંતીને સાપ કરડ્યો હતો. રેવાશંકર આખી રાત શિવજી સામે બેસી જાપ કર્યા અને જયંતી બચી ગયો. ત્રીસ વર્ષ પછી – જયંતીને ફણીધર નાગ કરડે છે. રેવાશંકર મંદિરના દરવાજા બંધ કરીને આખી રાત શિવજીની સામે બેસી રહ્યા. જયંતી બચી ગયો. – સુધારા સાથે – રેવાશંકર નામે એક પ્રતાપી બ્રાહ્મણ થઈ ગયો. નાગલપુરમાં નાગદેવતાનું ચમત્કારિક મંદિર છે. નાગલપુરમાં નાગદેવતાની બાજુમાં જ રેવાશંકરની દેરી છે.’ આ વાર્તા ભારતીય સમાજમાં ચાલતી કથાઓનો છેદ ઉડાવી દે છે. વાર્તામાં છેલ્લે એક પ્રશ્ન મૂકાયો છે. ‘આ નાગલપુર ક્યાં આવ્યું? દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં નાગલપુર આવેલું છે.’ મોહમ્મદ માંકડ લેખક છે. લેખકે અંધશ્રદ્ધા અને સમાજમાં વ્યાપક માનસિકતાઓનો ચિતાર આપવાનો હોય ત્યારે આવી જ વાર્તા લખે.
‘તપ’ સંગ્રહમાં સમાવાયેલી ‘તપ’ વાર્તા બહુ વખણાયેલી છે. ધીંગાણામાં જેલમાં ગયેલા મોહનની પત્ની લાખુ યુવાન છે. મોહનને સત્તર વર્ષની જેલ થઈ છે. પણ તે બીજું ઘર કરતી નથી. તે ભીતરને ભીતર બળતી જાય છે, શરીર કરમાઈ જાય છે. મોહન સત્તર વર્ષે છૂટીને ઘેર આવે છે તો લાખુ એ લાખુ જ નથી જેને તેણે જોઈ હતી. તે લાખુ સાથે લખાણ કરીને યુવાન તેજુ સાથે લગ્ન કરી લે છે. અહીં તપ શબ્દ સિદ્ધ થાય છે. તપ કોણે કર્યું અને કોને ફળ્યું? લાખુનું પાત્ર વાચકને હચમચાવી જાય તેવી રીતે આલેખાયું છે. ‘ટેકરીની બીજી બાજુ’ બે બાળકો થયાં પછી ઑફિસની છોકરી તરફ આકર્ષાયેલો પતિ એક દિવસ બાળકો અને પત્ની સાથે ટેકરીએ જાય છે. તે ટેકરીની બીજી બાજુ જુએ છે તો ખીણ છે. ખીણ શબ્દ પતિ-પત્નીના જીવનને એક સુંદર અર્થ આપે છે. ‘સવાર-સાંજ’ પણ એકલવાયું જીવન જીવતી ડોશી બાળકોને પ્રિય એવી વસ્તુઓ વેચીને પોતાના જીવનનો ખાલીપો ભરે છે. ‘થીગડાં’ વાર્તા ડૉ. સુરેશ જોષીની ઘટનાનું તિરોધાન થતું જોવા મળે છે. પોતાના બાપને હૃદયરોગ જાહેર થયો હોવા છતાં આદમ તે ભૂલવા મથે છે. કેમ કે ઑપરેશન કરાવવા જેટલી તેની આર્થિક સદ્ધરતા નથી. જાતજાતનાં થીગડાં મારતો જાય છે. જાતજાતનાં બહાનામાંથી આશ્વાસન મેળવે છે. પોતાના બાપાને હૃદયરોગ નથી જ એવી શ્રદ્ધામાં જીવતો આદમ પોતાની વિવશતાને તો ઢાંકી લે છે પણ વાચક આદમની કરુણ સ્થિતિની અનુભૂતિથી બચી શકતો નથી. ‘એઠું ધાન’ વાર્તા ગરીબીમાં સબડતા પરિવારની કથા છે. બીમાર પતિ માટે ચોખા લાવવાના પૈસા નથી. આખરે વાર્તાની નાયિકા લોલુપ શેઠને ત્યાં જવાનું સાહસ કરી નાખે છે, પણ રસ્તામાં એક અજાણી સ્ત્રી તેને ભાત આપે છે. ઘેર આવે છે ત્યારે પતિ આગળ ખોટું બોલ્યાના પસ્તાવામાં પીડાતી પાર્વતીની અત્યંત કરુણ વાર્તા છે. ‘બેહોશ’માં અભરામકાકા કોઈનું મરણ થયું હોય તો કોઈને રોવા ન દે. એમના સ્વજનો મૃત્યુ પામ્યાં ત્યારે ન રોયા. સગો દીકરો મરી ગયો ત્યારેય ન રોયા. એક દિવસ મોટાભાઈ મરણ પામ્યા. અભરામકાકાના અત્યાર સુધી ન વહેલાં આંસુ ઊભરાઈ આવ્યાં. તેઓ બેહોશ બની ગયા. મોહમ્મદ માંકડની છેલ્લે લખાયેલી વાર્તા ‘કાહટી’ બહુ ચર્ચાયેલી છે. ખાસ કરીને એની રચનારીતિને કારણે. રતિલાલ નામનો માણસ રાજકોટથી આસામ ગયો. તે પૂર્વે ઇન્દુ નામની છોકરી સાથે જલસા કરેલા. વર્ષો પછી એ રાજકોટ આવ્યો ત્યારે ઇન્દુને મળવાનું મન થયુ. એ ગયો. એ એક ગેસ્ટહાઉસમાં રોકાયો. એના રૂમમાં અગાઉથી જ નિરંજન જોશી નામનો યુવાન ઊતર્યો હતો. નિરંજન જોશી રસિક માણસ છે. જેમ રતિલાલ પોતાની બહેનપણીને મળવા આવ્યો હતો તેમ પેલો નિરંજન પણ પોતાની ચારુને મળવા આવ્યો હતો. બેય પોતપોતાની બહેનપણીને શોધવા જાય છે. રતિલાલ રખડે છે પણ તેને સરનામાવાળું ઘર મળતું નથી. જ્યારે રાતે નિરંજન આવે છે ત્યારે પોતાની વાત કહેતાં કહે છે, ખૂબ રખડ્યો આખરે ચારુ મળી ગઈ. ચારુની સાથે એની બહેનપણી પણ ખરી. નિરંજન પૂછે છે તમારું કામ પત્યું? ત્યારે રતિલાલ કહે છે જવા દે ને કાહટી નડી. કાહટીનો અર્થ સમજાવતાં રતિલાલ કહે છે કાહટી એટલે ઉંમર. વાર્તા જેટલા સરળ પ્રવાહમાં વહે છે એવો જ ઝાટકો આપે છે. પોતાના પ્રિયપાત્રને મળવાની ધખના જેટલી યુવાનીમાં હોય છે એ ઉંમર વીતી ગયા પછી રહેતી નથી. રતિલાલ સહજપણે, કોઈ ખટકા વગર પાછો રાજકોટ વળી આવવાનું નક્કી કરી લે છે. આમ મોહમ્મદ માંકડની વાર્તાસૃષ્ટિમાં ક્યાંય પ્રયોગખોરી નથી. વાર્તા જેમ આવી છે તેમ તેમણે વહેવા દીધી છે. તેઓએ વાર્તામાં ક્યાંય લેખક તરીકેની પંડિતાઈ દર્શાવી નથી. મોહમ્મદ માંકડની વાર્તાઓમાં આટલા મુદ્દા તરી આવે છે. તેમની વાર્તાઓનાં અનેક પાત્રો ગરીબીમાં સબડે છે. ગરીબીનું વરવું ચિત્ર ઘણીબધી વાર્તાઓમાં છે. જયંત અને જયંતી નામનાં પાત્રો એકાધિક વાર્તાઓમાં છે. બીજીવાર પરણવાની વાર્તાઓ પણ એકાધિક છે. એમની વાર્તાઓમાં સ્ત્રીઓ સબડે છે. મોટાભાગનાં પુરુષ પાત્રો અવઢવથી ઘેરાયેલા રહે છે. કોઈ વાર્તામાં આભડછેટનો મુદ્દો નથી. કોઈ વાર્તામાં ટ્રેન નથી. કોઈ વાર્તામાં સરકારી કચેરીઓ કે વહીવટની વાત નથી. માલેતુજાર પાત્રો માત્ર ગામના શેઠિયા જ છે. મોટાભાગની વાર્તાનાં પાત્રો સામાન્યજન છે. તેમ છતાં લેખકની વાર્તાકલા અમર છે. તેમની કૃતિઓ પેઢીઓ સુધી વંચાતી રહેવાની એ પણ દેખાય છે.
મોહમ્મદ માંકડની વાર્તાકલા
ગુજરાતી વાર્તાઓના ઢગલા ફંફોસીએ તો એ ઢગલામાંથી વાર્તાનાં અનેક રૂપ મળી આવે. અને દરેક રૂપ પોતાની રીતે રસાત્મક પણ હોય છે. મોહમ્મદ માંકડની વાર્તાઓ ગાંધીછાયાથી તો ઘણી જ દૂર નીકળી ગયેલ દેખાય છે. ગાંધીયુગીન વાર્તાઓમાં ‘વાસ્તવિકતા’ના વસ્તુનું જતન થયું છે તેનાથી જુદી રીતે મોહમ્મદ માંકડની વાર્તામાં એ વાસ્તવિકતા અનુભવાય છે. એમની વાર્તાઓ પૂરેપૂરી વાસ્તવિકતાની ધરાતલ ઉપર ઊભી છે. ગુજરાતના જનજીવનમાં જે કંઈ છે તે એમની વાર્તાઓમાં છે. મધ્યમવર્ગની મુશ્કેલીઓ, રાગદ્વેષ, નાનાં સુખો, ઊંડી વેદનાઓ, ન ઉકેલી શકાય તેવી સમસ્યાઓ બધું હાજર છે. સુરેશ જોષીએ રસ્તે મળતાં પાત્રોની ઠેકડી ઉડાવેલી. અહીં વાર્તાઓનાં પાત્રો રસ્તે મળતા લોકો જ છે. પણ એ લોકોમાં રહેલું, જોવા ન મળતું તત્ત્વ વાર્તાકરે શોધીને મૂક્યું છે. ન પરખાયેલા વ્યક્તિત્વો એમની વાર્તાઓમાં હાજર છે. એમની વાર્તાઓમાં ન સ્વીકારી શકાય એવું નિરૂપણ મળતું નથી. આ મોહમ્મદ માંકડનો આગવો વાસ્તવવાદ છે. તે વાસ્તવિક છે છતાં સહજ છે. ઉપજાવી કાઢેલું કે કૃતક નથી. તેમની વાર્તાકલા વિશે વિજય શાસ્ત્રી આવું કહે છે, ‘મોહમ્મદીય વાર્તાકલામાં બીજું એક નોંધપાત્ર લક્ષણ તે અપકરુણ – અતિરંજિતતા – મેલોડ્રામા-નો અભાવ છે. લાગણીઓને તેઓ બહેલાવી-મમળાવી-વળ ચડાવી ક્યાંય રજૂ કરતા નથી.’ (‘મોહમ્મદ માંકડની કેટલીક વાર્તાઓ’, પૃ. ૩૦) હા, ક્યારેક એવું પણ લાગે કે આ લેખક નિર્મમ છે. પણ એ જ તો એમનું હથિયાર છે. મોહમ્મદ માંકડની વાર્તાઓમાં, તેમની વાર્તાશૈલીમાં વાચકને ભાવમાં તાણી જવાનો કોઈ પ્રયાસ દેખાતો નથી. તેઓ વાચકને રડાવીને તેનું સાંવેદિક શોષણ પણ કરતા નથી. ગળું રુંધાઈ જવું, ચોધાર આંસુએ રડી પડવું, આંસુઓનો વરસાદ કરાવી નાખવા જેવા વેવલિયા લાગણીવેડાથી તેઓ જોજનો દૂર છે. તેમની વાર્તાઓમાં વહેલી સવારે પડેલાં ઝાકળનાં બિંદુઓ રોપાઓ ઉપર જામે તેમ માનવીય અભિગમથી જામી ગયેલાં સંવેદન બિંદુઓ જોવા મળે છે. આ સંદર્ભે ‘તપ’ વાર્તાની પાંચેક લીટીઓ વાંચવા જેવી ખરી. ‘બે મહિના ત્રણ મહિના, ચાર મહિના લાખુને જોતાં જોતાં એણે બીડીઓ પીધા કરી અને ચાર મહિના પછી એક દિવસ એણે લાખુનું લખણું કરી દીધું. અને થોડા દિવસ પછી ગોરૈયાના જેમલ ગાંડાની અઢાર વર્ષની છોકરી તેજુને એણે ઘરમાં બેસાડી. તેજુ લીલીછમ હતી. જેલમાં સત્તર વરસનું તપ કરીને આવ્યો હતો – પાકું ટબોરા જેવું ફળ મળ્યું હોય એમ એ હરખાતો હતો’ અહીં ‘તપ’ અને ‘ફળ’ના અર્થો મર્મભેદક બની રહે છે. આવી શબ્દકલાઓ મોહમ્મદ માંકડની દરેક વાર્તામાં છે. ‘એમ?!’ નામની વાર્તામાં મોહમમ્દ માંકડે વાર્તાકલાની જે ટેક્નિકનો ઉપયોગ કર્યો છે તે દર્શનીય છે. ગરીબીમાં જીવનાર મનસુખ બહાર જઈને સંપત્તિ કમાય છે તે પછી તેને પોતાના ગામમાં જઈને છાકો પાડી દેવાનું મન થાય છે. તે ગામમાં આવે છે તો ગામ બદલાઈ ગયું છે. ગામમાં પ્રગતિ દેખાય છે. ઘોડાગાડીઓને બદલે ટેક્ષીઓ જોતાં તેનો અહમ્ ચૂરેચૂરા થઈ જાય છે. ધડાકાભેર તૂટતા અહમ્ની આ વાર્તા છે. અહીં કશું કર્યા વગર મનસુખનો તૂટતો અહમ્ વાર્તાનું કેન્દ્ર બની રહે છે. આ તેમની વાર્તાકલાનો ઉત્તમ નમૂનો છે. તેમની ‘અર્ધાંગના’ વાર્તા પણ ઉત્તમ વાર્તાકલાના નમૂના જેવી છે. પોતાના ચિત્રકાર પતિને પત્નીએ કદી ચાહ્યા નથી. એ પતિના મૃત્યુ બાદ તેમના તૈલચિત્રના અનાવરણ પ્રસંગે વક્તાઓ જે રીતે ચિત્રકારની કલામાં તેમનાં પત્નીનો કેટલો ફાળો હતો તેવાં વક્તવ્યો આપે છે ત્યારે પેલી સ્ત્રીને પોતાના પતિના ચિત્રને ચૂમી લેવાની ઇચ્છા જાગે છે. પતિની મહાનતામાં જ્યારે અર્ધો ફાળો પોતાનો છે એવી સાબિતી મળી ત્યારે તે સ્ત્રીને ‘અર્ધાંગના’ હોવાની પ્રતીતિ થઈ. આ વાર્તાની ચુસ્તી અને લાઘવ તેને લઘુકથાની વધારે નિકટ લઈ જાય છે. વાર્તાકલાના આવાં અનેક દૃષ્ટાંતોથી મોહમ્મદ માંકડનું વાર્તા વિશ્વ ખચિત છે.
મોહમ્મદ માંકડ વિશે વિવેચકો :
શ્રી માંકડનું ટૂંકી વાર્તાનું પ્રમાણભૂત તત્ત્વ તે અનુભૂતિ અને અભિવ્યક્તિનું પૂર્ણ સામંજસ્ય છે. કેટલીક વાર તો સાવ સામાન્ય અનુભૂતિ પણ અભિવ્યક્તિના સામર્થ્યને પરિણામે વેધક, કલાત્મક અને તેથી હૃદયસ્પર્શી બની રહે છે. આને રચના કૌશલ કહી શકાય.
– વિજય શાસ્ત્રી (‘મોહમમદ માંકડની કેટલીક વાર્તાઓ’, પૃ. ૪)
વાર્તાકલાને તાજમહાલનું દૃષ્ટાંત આપી તેના તંત્રને સમજાવતા શ્રી મોહમ્મદ માંકડ વાર્તાભિજ્ઞ છે, વાર્તાકાર છે, સાથે જીવનકાર છે, જીવનને સૂક્ષ્મ રીતે જોનાર, તેનું ચિંતન-વિમર્શ કરનાર છે. જે સહજતાથી તે વાર્તાતત્ત્વને પકડે છે, એટલી જ સહજતાથી તે વાર્તાતત્ત્વ તેનું ગદ્યવિધાન પણ પસંદ કરી લે છે.
– પ્રવીણ દરજી (‘શબ્દસૃષ્ટિ’, ફેબ્રુઆરી ૨૦૨૩, પૃ. ૭૪)
વિપુલ સંખ્યા, વિષયવસ્તુનું અને કદનું વૈવિધ્ય મોહમ્મદ માંકડના નવલિકાસાહિત્યનું પણ ઊડીને આંખે વળગે એવું લક્ષણ છે. સમાંતર ચાલતી હોવા છતાં આ રચનાઓ એમની હપ્તાવાર લખાયેલી નવલકથાઓની મર્યાદાઓથી સ્વાભાવિક રીતે જ બચી શકી છે. ઘટના કે પરિસ્થિતિને અવગણ્યા વિના એ વાર્તામાં કલાતત્ત્વની માવજત કરી શકે છે.
– ડૉ. ધીરેન્દ્ર મહેતા (‘શબ્દસૃષ્ટિ’, ફેબ્રુઆરી ૨૦૨૩, પૃ. ૮૮)
તેમના સર્જન પર ક્યાંય પશ્ચિમના આવા સાહિત્યકારોની, એમના કલાભિગમો, દર્શન અને અભિવ્યક્તિની કોઈ જ સીધી છાપ પડી નથી. બધે જ, છેક આરંભથી તે અંત સુધી એ મોહમ્મદ માંકડ જ રહ્યા – આધુનિક પ્રયોગાત્મક કૃતિસર્જનથી મુક્ત. ગુજરાત, ગુજરાતીતા અને એનો જ સમાજ, એના જ પ્રશ્નો-પરિસ્થિતિઓ-સમસ્યાઓ – જીવનાભિગમોને વૃત્તિવલણો. ‘ગદ્યશૈલી’ના વ્યામોહથી મુક્ત, સીધું, સાદું, સરળ, લક્ષ્યવેધી, બિનશબ્દાળુ, અલંકાર વ્યામોહથી મુક્ત, છતાં નર્મને સ્પર્શે, સર્વગમ્ય બને તેવું જ સાહજિક નિર્મળ ગદ્ય એમનો કથાલેખક તરીકેનો વિશેષ
– ડૉ. હસુ યાજ્ઞિક (‘શબ્દસૃષ્ટિ’, ફેબ્રુઆરી ૨૦૨૩, પૃ. ૫૪)
આ ટૂંકીવાર્તાઓના કેન્દ્રમાં ‘માનવી’ છે. તેમની વાર્તાઓમાં ઊંડાણ વિશેષ છે. લેખક ફેલાઈને પડેલી માનવજીવનની વેદનાના ફક્ત સાક્ષી જ ન બની રહેતાં એમાંના જ એક બનીને રહ્યા છે અને એટલે જ શ્રી માંકડની વાર્તાઓમાં ન સહી શકાય એવી વેદના આલેખાઈ છે.
– ડૉ. રેખા ભટ્ટ (‘શબ્દસૃષ્ટિ’, ફેબ્રુઆરી ૨૦૨૩, પૃ. ૧૪૩)
તેઓ વાર્તાનાં મૂળ ઘટકોને બરાબર સમજે છે. વાર્તામાં ચિત્રો સર્જવામાં તેમની કુશળતા નજરે પડે છે. તેઓ આજુબાજુ બનતી ઘટનાઓને વાર્તારૂપ આપી તેને જીવંત કરી શકવા સમર્થ છે.
– અજિત ઠાકોર (‘શબ્દસૃષ્ટિ’, ફેબ્રુઆરી ૨૦૨૩, પૃ. ૬૯)
માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭