ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કિરીટ દૂધાત
કિરીટ દૂધાત
માવજી મહેશ્વરી
વાર્તાકારનો પરિચય :
વાર્તાકાર કિરીટ દૂધાતનો જન્મ ૧લી જાન્યુઆરી, ૧૯૬૧ના રોજ અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે તેમના પિતા કનુભાઈ અને માતા નર્મદાબેનને ત્યાં થયો. પણ એમનું મૂળ વતન અમરેલી જિલ્લાનું કણકોટ ગામ. કિરીટ દૂધાતના ઘરમાં કોઈ ખાસ ભણેલું નહીં. પિતાનું અનૌપચારિક શિક્ષણ નહિવત્, પણ માતાના પિયરનું ગામ ગાયકવાડી હોવાથી તેઓ ચાર ચોપડી ભણેલા. એ વખતના અમરેલી વિસ્તારના પટેલોનાં ગામ મોટાભાગે ખેતી ઉપર નભે. ખેતી કહેવાની, બાકી તો એક સાંધતા તેર તૂટે એવી સ્થિતિ. ગામની વિષમ પરિસ્થિતિને કારણે એમના પિતાજીના મોટાભાઈએ એમને અમદાવાદ આવી જવાનો આગ્રહ કર્યો. એમના પિતાજી કનુભાઈ અમદાવાદ વસ્યા અને મિલમાં કાયમી કામદાર તરીકે રહ્યા. બાળક કિરીટે શાળા અને મહાશાળાનું શિક્ષણ પોતાના મોસાળના ગામમાં જ લીધું. તેમને અમરેલીમાં ભણવાની ઇચ્છા નહોતી એટલે દસમું ધોરણ પાસ કર્યા પછી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે અમદાવાદની ‘ડેમોક્રેટિક હાઈસ્કૂલ’માં વિજ્ઞાન પ્રવાહના અભ્યાસમાં જોડાયા. બી.એસસી. કરવા અમદાવાદની કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. પણ સમય જતાં એમને લાગ્યું કે પોતે વિજ્ઞાનના વિદ્યાર્થી નથી. વિજ્ઞાનશિક્ષણ એમને સમજાતું નહોતું એટલે અમદાવાદની આટ્ર્સ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. તેઓ સાહિત્યમાં સ્નાતક થયા. કૉલેજશિક્ષણ દરમિયાન જ તેમને સચિવાલયમાં નોકરી મળી. કિરીટ દૂધાતના જીવનમાં અનેક ચડાવ-ઉતાર આવ્યા છે. તેમણે અમદાવાદ હીરા ઘસવાની કામગીરી પણ કરી છે. ઘરના લોકોને એમ જ લાગતું હતું કે આ છોકરો કશું ઉકાળી નહીં શકે, પણ જેમ જેમ પરિસ્થિતિ થાળે પડતી ગઈ તેમ તેમ તેમની પ્રતિભા ખીલતી ગઈ. તેમણે નવમા દાયકામાં બહારના વિદ્યાર્થી તરીકે એમ.એ. પણ કર્યું. અલ્પશિક્ષિત પિતાના સંતાન એવા કિરીટ દૂધાત સીધી ભરતીથી ૧૯૮૯માં અધિક કલેક્ટર તરીકે નિમાયા. ગુજરાત સરકારે તેમને વિવિધ જિલ્લામાં જાતજાતની કામગીરી સોંપી. તેમની કામગીરી દરમિયાન એમને જાતજાતના માણસોના પરિચયમાં આવવાનું થયું. સમાજના તળિયે રહેલા માણસોનાં દુઃખ નજરે ચડ્યાં. તેમનાં સંવેદનની ધાર નીકળતી ગઈ. કહેવાય છે કે લેખકો બનાવી શકતા નથી, તેઓ જન્મે છે. અમરેલી જિલ્લાના ગામડાનો એક છોકરો જેના ચિત્તમાં મોસાળનું હુલામણું નામ કાળુ સતત ગૂંજ્યા કરતું. કદાચ એટલે જ એમની ઘણી વાર્તાઓમાં કાળુ નામનું પાત્ર દેખાય છે.
સાહિત્યસર્જન :
કિરીટ દૂધાતે ૧૯૭૮થી બુધસભામાં જઈને કવિતાઓ લખવાનો પ્રયાસ કર્યો હતો. પણ એમને સમજાઈ ગયું કે તેઓ કવિતા લખવા જન્મ્યા નથી. તેમણે ટૂંકીવાર્તા લખવા માંડી. એમની પહેલી ટૂંકીવાર્તા સુમન શાહના સંપાદનમાં ચાલતા ‘શબ્દસૃષ્ટિ’માં ૧૯૮૪માં છપાઈ. તે પછી એમનો વાર્તા પ્રવાહ ચાલતો રહ્યો. સંખ્યાની દૃષ્ટિએ કિરીટ દૂધાતે માત્ર બે જ વાર્તાસંગ્રહો આપ્યા છે. પહેલો સંગ્રહ ‘બાપાની પીંપર’ ૧૯૯૮માં અને બીજો સંગ્રહ ‘આમ થાકી જવું’ ૨૦૦૮માં આપ્યો. તેમની સમગ્ર વાર્તાઓનો સંગ્રહ ‘ઘર’ ૨૦૨૩માં પ્રગટ થયો. જેમાં અગાઉના બે સંગ્રહોની વાર્તાઓની ઉપરાંત અપ્રગટ વાર્તાઓ પણ સામેલ છે. અત્યાર સુધી તેમણે પચીસથી વધારે વાર્તાઓ લખી નથી, છતાં વાર્તાનું તળ જાણતા આ વાર્તાકારનું નામ ગુજરાતી સાહિત્યના અગ્રિમ વાર્તાકારોમાં લેવામાં આવે છે. એ તેમની વાર્તાની સમજનું પરિણામ છે. એમનું અનુભવ વિશ્વ અપાર છે. તેમ છતાં તેમણે જથ્થાબંધ વાર્તાઓ લખવાનો મોહ રાખ્યો નથી. એમની પ્રગટ વાર્તાઓ મોટાભાગે ‘ગદ્યપર્વ’ અને ‘સાહચર્ય’માં પ્રગટ થઈ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘નવલિકાચયન ૧૯૯૬’ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રકાશિત ‘ઘનશ્યામ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ’ તેમજ ચુનીલાલ મડિયાની વાર્તાઓ એમ ત્રણ સંપાદનો કર્યાં છે. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ડૉક્ટર જયંત ખત્રી પર મોનોગ્રાફ લખ્યો છે. તેઓ હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના સંપાદક છે. તેઓએ અન્ય બે સંપાદકો સાથે ૨૦૧૮થી ૨૦૨૩ સુધી ‘એતદ્’ના સહસંપાદકનું કાર્ય કરેલું છે. કાઠિયાવાડના જાણીતા વાર્તાકાર નાનાભાઈ જેબલિયાની વાર્તાઓ વિશે દીર્ઘ લેખ લખ્યો છે જે નાનાભાઈની વાર્તાઓને ફરી વાંચવા બેસાડે તેવો છે. તેમણે અધિક કલેક્ટરના પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી પછી વાચન, લેખન અને અન્ય સર્જકોના સર્જનમાં રસ લેવા માંડ્યો છે. ખાસ કરીને યુવાનો માટેના શિબિરોમાં હાજરી આપી ઊગતા લેખકોની કલમ તરાસે છે. તેમની સાહિત્યપ્રવૃત્તિ માટે તેમને ઉમાશંકર પારિતોષિક, તખ્તસિંહજી પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદનાં શ્રેષ્ઠ પુસ્તકનાં પારિતોષિકો ઉપરાંત ધૂમકેતુ પરિવાર અને ગૂર્જર પ્રકાશન દ્વારા અપાતું ‘ધૂમકેતુ પારિતોષિક’ એમના ‘આમ થાકી જવું’ વાર્તાસંગ્રહને અપાયાં છે.
વાર્તાકારનો યુગસંદર્ભ :
વાર્તાકાર કિરીટ દૂધાતનો જન્મ આર્થિક રીતે સંકડામણમાં જીવતા લોકના પ્રદેશમાં થયેલો. અધિક કલેક્ટરના પદ સુધી પહોંચેલા આ સ્વાભિમાની લેખકે નોકરી અધવચ્ચે જ છોડી દીધી હતી. આ લેખકની વાર્તાઓ કોઈ પણ ચોક્કસ વાદ કે વિચારને વળગેલી નથી. તેમની વાર્તાઓ ગુજરાતી વાર્તાક્ષેત્રે પ્રવર્તમાન સમયના ઢાંચા અને માળખાને ઉવેખીને ચાલે છે. એમની વાર્તાઓમાં નારીવાદ છે, શોષક અને શોષિત તત્ત્વ છે, ગ્રામીણ ચેતના છે. તેમ છતાં તેમની વાર્તાઓને કોઈ એક ચોક્કસ બીબાંમાં ગોઠવી શકાતી નથી. એ રીતે આ વાર્તાકાર કોઈ વાદમાં માનતા નથી કે વાર્તાઓમાં તે વાદને આલેખ્યો નથી. એમની વાર્તાઓનું સૌથી બળકટ તત્ત્વ હોય તો કાઠિયાવાડી (અમરેલી, સાવરકુંડલા, લાઠી આસપાસનો વિસ્તાર) ભાષાનો ચોક્કસ રણકો. એમનાં પાત્રો એ પ્રદેશનાં પરિવેશ સાથે, એ સમયની માન્યતાઓ સાથે જીવે છે. કિરીટ દૂધાત એમની વાર્તાઓનાં પાત્રો દ્વારા જીવનનું દર્શન શોધે છે, જે તળ કાઠિયાવાડ પ્રદેશના લોકજીવન સાથે સહજ વણાયેલું છે. વાર્તાનો પ્રદેશ કોઈ પણ હોય, પણ વાર્તાનો ઘાટ ઘડવામાં લેખક એક દર્શન લઈને ચાલે છે. કિરીટ દૂધાતની વાર્તાનું દર્શન કાળના કોઈ માળખામાં બંધાતું નથી. તેમ છતાં આધુનિક અને અનુઆધુનિક સમયના આ લેખકે પોતાના પ્રદેશ અને ભાષાને વફાદાર રહીને લેખન કર્યું છે.
ટૂંકીવાર્તા વિશે કિરીટ દૂધાતની સમજ :
કિરીટ દૂધાતે વીતેલી સદીના નવમા દાયકામાં વાર્તાલેખન શરૂ કર્યું, ત્યારે ગુજરાતી વાર્તા ઘણા વળાંકોમાંથી પસાર થઈને ચોક્કસ દિશામાં વેગવાન સ્વરૂપે આગળ વધી રહી હતી. ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાંથી આવેલા લેખકો નવી ભાષા અને નવા અનુભવો મૂકી રહ્યા હતા. દરેક પાસે સ્વતંત્ર અનુભવો હતા, છતાં વાર્તાની સમજ પામનારા લેખકોમાંથી એક અગ્રિમ નામ હોય તો એ છે કિરીટ દૂધાત. જેમણે માત્ર બે ડઝન વાર્તાઓને આધારે વાર્તાકાર હોવાની પ્રમાણભૂત ઓળખ મેળવી છે. એમની બધી જ વાર્તાઓમાં ત્રણ ચીજો સમાન જણાય છે. વાર્તાઓ એક જ દૃશ્ય પર સ્થિર થયેલી જણાય છે. જુદાં જુદાં કથનકેન્દ્રો કે જુદા જુદા જીવનવિચારોને મથીને એક સ્થાને લઈ આવવાનો વ્યાયામ એમણે કર્યો નથી. દરેક વાર્તા એક ચોક્કસ દર્શન મૂકી જાય, જેમાં લેશમાત્ર કૃત્રિમતા દેખાતી નથી. મોટાભાગની વાર્તાઓ ગ્રામીણ પરિવેશની અને ગ્રામીણ ભાષામાં લખાયેલી છે. પાત્રોનાં નામ પણ એક અસર ઊભી કરતાં હોય છે. લેખકે વાર્તાઓમાં પાત્રોનાં નામ પણ લોકબોલીમાં લખ્યાં છે, જે ચોક્કસ દૃશ્યાત્મકતા ઊભી કરે છે. એમની વાર્તાઓમાં પાત્ર એક ચોક્કસ આંચકો અનુભવે અને તેના દ્વારા તેને જગત અને પરિસ્થિતિનું ભાન થાય. આ રીતે લખાતી વાર્તાઓમાં કૃત્રિમતા આવી જવાની પૂરી શક્યતાઓ હોય છે. પણ કિરીટ દૂધાત એનાથી બચીને ચાલ્યા છે. સ્ત્રી-પુરુષના સંબંધોવાળી વાર્તાઓ એકધારી ગતિ કરતા અચાનક જ ઊલટી દિશામાં ચાલવા માંડે અને જે સ્થિતિ રચાય તે અંતે ઘેરા ઘાટા કારુણ્યમાં પરિણમે છે. ત્રીજું છે સમાજની ન બદલી શકાતી વ્યવસ્થાઓ. જેના દ્વારા અનેક મનુષ્યોને અન્યાય થાય છે. એવા નિર્બળ અને રાંક મનુષ્યોની પારાવાર વેદનાને લેખકે તટસ્થ રહીને રજૂ કરી છે. અહીં એ યાદ કરાવવું ઘટે કે આવી વાર્તાઓ દલિત વાર્તાઓ હોય એ જરૂરી નથી. કિરીટ દૂધાત વાર્તાઓમાં મનુષ્યની ઊભી કરેલી વ્યવસ્થાઓનો ભોગ બનતા મનુષ્યોની કરુણતાને સમાન અને નિષ્પક્ષ ભાવે આલેખે છે. કિરીટ દૂધાત પાસે તેમના ચિત્તમાં વાર્તાનો નકશો છે. વાર્તાઓમાં એ નકશાની બહારનું કશું નથી હોતું અને જે નકશામાં નથી તે કદાચ જગતમાં પણ નથી. એટલે જ કિરીટ દૂધાતની વાર્તા વિશેની સમજ ચેખોવની યાદ અપાવે.
કિરીટ દૂધાતના વાર્તાસંગ્રહોનો પરિચય :
ચાર દાયકાના વાર્તાલેખનમાં માત્ર પચ્ચીસ વાર્તાઓ લખનાર કિરીટ દૂધાતના ત્રણ વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. ‘બાપાની પીંપર’, ‘આમ થાકી જવું’ અને ‘ઘર’. ત્રીજા સંગ્રહમાં એમાં અગાઉના બેય સંગ્રહની વાર્તાઓ પણ સમાવિષ્ટ છે. એમની બધી વાર્તાઓમાંથી કેટલીક વાર્તાઓ અત્યંત નોંધનીય છે જેની સમીક્ષા અત્રે મૂકું છું. ડચૂરો : કિશોરવયના છોકરાને એક પરિણીત સ્ત્રી તરફ જાગેલા મુગ્ધ આકર્ષણની આ વાર્તા છે, આકર્ષણ દેહનું નથી પણ સહવાસનું છે. એ આકર્ષણ એ કિશોરને જુદી દુનિયામાં લઈ જાય છે. એ સ્ત્રી (પ્રભાભાભી)ની એક સુગંધ અનુભવે છે. એ સુગંધથી ઘેરાયેલો કથાનાયક કાળુ પ્રભાભાભીના મૃત્યુની પીડા સહન કરી શકતો નથી તે આ વાર્તાનું કરુણ છે. મૃત્યુનો આઘાત કેવો હોઈ શકે તે સંદર્ભે ‘ડચૂરો’ની સગોત્ર લાગે તેવી વાર્તા ‘વીંટી’ છે. અહીં પણ કથક કાળુ છે. તે બીમાર મામાની ખબર કાઢવા દવાખાને જાય છે ત્યાં સુધી એનો રોમાંચ અને વિસ્મય ટકી રહે છે. પણ જ્યારે એના મામાને ધીમે ધીમે મૃત્યુ તરફ ધકેલાતા જુએ છે ત્યારે એનું વિસ્મય ભયમાં બદલાય છે. આઘાતમાં તે ઊલટી કરી નાખે છે. વિસ્મયના ભયમાં થતાં પરિવર્તનને લેખકે ઝીણી ઝીણી વિગતથી ઘૂંટ્યું છે. ‘લીલ’, કિરીટ દૂધાતની અફળ પ્રેમની વાર્તાઓમાં ‘લીલ’ અવિસ્મરણીય છે. ગર્ભવતી નાયિકા પોતાના પ્રેમને પામી શકી નથી. સામસામે રહેતા એક સમયના પ્રેમીનું વાલ્વની બીમારીને કારણે અવસાન થાય છે અને એના પરિવાર દ્વારા એની લીલ પરણાવવાનો વિધિ ચાલે છે. નાયિકા ભૂતકાળને વાગોળે છે એની સમાંતરે લીલનો વિધિ ચાલે છે. લેખકે લીલ પરણાવવાનો વિધિની નાની ક્રિયાઓ રસપ્રદ રીતે આલેખી છે. નાયક કાળુનો આત્મા કોઈમાં પ્રવેશ કરતો નથી અને વિધિ પૂરો થાય છે. ત્યારે જ કાળુની કોઈ સમયની પ્રેમિકાના પેટમાં ફરકાટ થાય છે. આમ એક રિવાજને ભૂતકાળમાં બનેલી ઘટના સાથે વિનિયોગ કરીને લેખકે અદ્ભુત વાર્તા રચી છે. ‘લીલ’ આમ વિફળ છતાં સફળ પ્રેમની વાર્તા છે. ‘આમ થાકી જવું’ પતિ અને પ્રેમીમાંથી મળેલા અનુભવોને, એ બંને પુરુષોમાંથી પોતાને શું મળ્યું તે વિચારતી, આશા વગર જિંદગી વેંઢારતી સ્ત્રીની આ વાર્તા છે. અને જિંદગી વેંઢારતા વેંઢરાતા થાકી જવાની આ વાર્તા છે. પતિમાં કોઈ અધૂરપ નથી છતાં પ્રેમીમાંથી નવતર અનુભવ પામતી સ્ત્રી આખરે અવસાદમાં ડૂબે છે. આસપાસની સૃષ્ટિ અને દૃશ્યો નાયિકા નેહાના અવસાદને ઘૂંટે છે. ‘આવવું અને જવું’માં અકાળે વૃદ્ધ થઈ ગયેલો અને ઘસાઈ ગયેલો પ્રેમ તે છતાં વિસ્મૃત નથી થયો. મૈત્રી અને પ્રેમ સમાંતરે ચાલે છે. મૈત્રીને કોઈ બંધન નથી, જ્યારે પ્રેમને એટલી મોકળાશ નથી. કિશોરકાળના પ્રેમને ઠારી દેવાના પ્રયાસ આ વાર્તાને થીજાવી દે છે. ‘ભાય’ના નાયક ભોળાની વિવશતા અને કારુણ્ય આ વાર્તાનું કેન્દ્ર છે. ભોળો ખરેખર ભોળો હતો. ઘરમાં બધાથી હડધૂત થતા ભોળાને પત્ની પણ નકારે છે. ભોળાનો બાપ એનું પત્નીસુખ અને બાપ બનવાના અધિકાર પણ છીનવી લે છે. કરુણ વાર્તા હોવા છતાં લેખક ક્યાંય લાગણીવેડામાં સરી પડ્યા નથી. અહીં ભોળો પોતાની કથા કાળુને કહે છે. કાળુ બોલતો નથી પણ ટ્રેનમાં મનોમન ભોળાનું એક શબ્દચિત્ર આલેખે છે. કાળુ બધું સમજે છે છતાં નિયતિના ખેલને નિરુપાય બની રહે છે. આવો ભાવ લેખકની અન્ય વાર્તાઓમાં જોવા મળે છે. કિરીટ દૂધાતની ‘બાયુ’ બહુ ચર્ચાયેલી વાર્તા છે. વાર્તાનો પરિવેશ કાઠિયાવાડનો છે અને ભાષા પણ એ જ છે. ખમતીધર ખોરડામાં પુરુષોનું વર્ચસ્વ છે. એ ઘરની કન્યાની સાથળ ઉપર ડાઘ છે, એવો આક્ષેપ કન્યાના થનાર પતિએ જ કર્યો છે. સ્ત્રીઓ વિવશ છે અને એની વચ્ચે દવાખાને તપાસ કરવાનો ખેલ રચાય છે. પરંતુ ઘરનાં ચંચળમાના મોઢે લેખકે જે સંવાદો બોલાવ્યા છે એ સૂચક છે. તેમ જ સ્ત્રીજગતમાં પુરુષની જોહુકમી સામે વિરોધની એક શરૂઆત દેખાય છે. ‘તમારી માના ધણીઓ... તમારા બેય કુલે ડામ દેવા જોઈ...’ કહીને ચૂલામાંથી બળતું કાઢીને ચંચળમા દીવાલ ઉપર પછાડે છે એ ક્રિયામાં સ્ત્રીઓએ વેઠેલા પુરુષોના દમન સામેના આક્રોશની શરૂઆત છે. ‘એક બપોરે’ વાર્તા દ્વારા લેખક બાળવયના છોકરાએ જે જોયું અને સાંભળ્યું તેનાથી એની પેશાબ કરવાની કુદરતી ક્રિયા જ અટકી જાય છે. એ આઘાત કેટલો ઊંડે સુધી પહોંચ્યો હશે તેની વાત કરે છે. એક જરૂરતમંદ માણસ ગામના એક પૈસાદાર અને બળવાન માણસ પાસેથી નાણાં ઉધાર લે છે પણ સમયસર ચૂકવી શકતો નથી. નાણાં આપનાર બળવાન માણસ નાણાં લેનારને એક બાળકની હાજરીમાં એ હદે અપમાન કરે છે કે પેલું બાળક ભયભીત બની જાય છે. એ બાળકના ઘેરા કરુણને આલેખતી આ વાર્તા બાળવયે કેવી કેવી કુંઠાઓ કયા કારણસર ઊભી થતી હોય છે તે વાત લેખકે કોઈના પક્ષકાર બન્યા વગર કહી છે. ‘આ સવજી શામજી બચુ કોઈ દી’ સુખી નો થ્યા હોં...’ આ વાર્તા સામાન્ય લાગે તેવા પોતમાં અસામાન્ય છે. સવજીઆતા નામના નાયક એમ માને છે કે તે દુઃખી જ નથી. જ્યારે અધિકારી બનેલો કાળુ એમને સરકારની લાભકારક યોજના વિશે સમજાવે છે તો સવજીઆતા ‘આપણે ક્યાં દુઃખી છૈયેં હેં’ કહીને કાળુને નકારે છે. આજના સમયમાં પૈસા, ભૌતિક સુખોને પોતાની પ્રગતિ માનતા માણસ સામે આ સવજીઆતા પડકાર છે. આ વાર્તા કિરીટ દૂધાત જાગતા વાર્તાકાર છે તેનો પુરાવો છે. ‘એમ તો નો જ થવા દેવાય’ પણ જાગતા લેખકની વાર્તા છે. સમાજ, ગામ, પરિવાર એ બધી વ્યવસ્થાઓ શા માટે છે? માણસને કોઈ જગ્યાએ શાંતિથી પગભર થવા અને જીવન પસાર કરવા માટે જ ને? જો ગામ અને સમાજ તેમ ન કરી શકતા હોય તો કોઈ વ્યક્તિનું શું થાય? એને વાર્તાના નાયક રમલા ઉર્ફે રમેશની જેમ ગામ જ છોડવું પડે. અહીં કથા નાયક કાળુના મોઢે કહેવાઈ છે. આફ્રિકામાં પૈસામાં લેટતા રમેશના પિતાનું અચાનક મોત થઈ જાય છે અને તે પોતાની મા સાથે વતનમાં આવે છે. પણ ગામમાં કોઈ તેને ટેકો આપતું નથી, ન એને ગામનું રક્ષણ મળે છે. અહીં દલિતવાદમાં પડ્યા વગર એક ગામે એક માણસને ગામવટો આપ્યો એનું કારુણ્ય છે. એટલા માટે કે રમેશ કોઈને તાબે ન થયો કે ન ગામનું આધિપત્ય સ્વીકાર્યું. બાહ્ય હિંસાઓ દેખાય છે, એની જોરશોરથી ચર્ચા થાય છે, ટીકાઓ થાય છે પણ આવી સૂક્ષ્મ હિંસાઓ કોઈ જોતું નથી. એ જ આ વાર્તાની સિદ્ધિ છે. ‘કૂતરાં’ વાર્તા આમ તો વર્તમાનની ન સ્વીકારી શકાય તેવી ભૂખની કહાની છે. વિષય તો પત્રકારત્વનો ગણી શકાય. પણ લેખકે જે રીતે વાત મૂકી છે તે કલાકૃતિ બની રહે છે. આ વાર્તાનું પહેલું વાક્ય ‘મને હમણાંથી લાગ્યા કરે છે કૂતરાં અંગે સમગ્રપણે વિચાર કરવો જોઈએ.’ આ પ્રથમ વાક્ય સંવેદનશીલ ભાવકને સમગ્ર વાર્તા દરમિયાન ભોંકાયા કરે છે. વાર્તાનો વિષય જાણીતો અને સૌનો દેખીતો પણ છે. શહેરના વિકાસમાં ખેડૂતોની જમીનો ઓહીયાં થતી જાય છે. ખેડૂત બેહાલ થાય છે, કોઈ કિસ્સામાં ઝેર પણ પી લે છે. પણ મૂળ વાતને ‘કૂતરાં’ના રૂપકથી વળ ચડ્યો છે. તીવ્રતા મળી છે. ‘ઘર’ વાર્તા આર્થિક પરિસ્થિતિને કારણે સ્ત્રીનું શારીરિક શોષણના જાણીતા વિષયને નવતર રૂપે મૂકીને લેખકે વાર્તા રચી છે. સ્ત્રીનો પતિ જે વાર્તામાં મારાજ તરીકે આલેખાયો છે, એ જ જુદા જુદા પુરુષોનો સંપર્ક કરાવે છે. એ સ્ત્રીને ઘર જોઈએ, ભૌતિક નહીં પણ માનસિક ઘર. જ્યાં ઠરીઠામ થઈ શકાય તેવું ઘર. અહીં વક્રતા એ છે કે એનો પતિ ટિફિન લઈને ચાલ્યો જાય છે. ઘરની કોઈ જરૂરિયાત નથી, છતાં ઘર જોઈએ. નગરપાલિકાની ઘરની મોજણીમાં એમનો કોઈ ઉલ્લેખ નથી. અહીં શોષણ માત્ર શારીરિક નથી. એક દિવસ કોઈ ગ્રાહક ન મળવાથી અને નવરી હોવાથી એ સ્ત્રી પતિ સાથે સંભોગ કરે છે ત્યારે એને કરોળિયાનું જાળું દેખાય છે. તે આંખો મીંચી જાય છે. એમ કરીને પોતાના ઘરનાં સપનાં બચાવી લે છે. અહીં સૌથી અસરકારક પાત્ર તરીકે એ સ્ત્રીનો પતિ મારાજ ઉપસ્યો છે. તે આ વાર્તાને સાર્થક કરે છે.
કિરીટ દૂધાતની વાર્તા વિશે વિવેચકો :
‘કિરીટ દૂધાત એમના પૂર્વકાલીન અને સમકાલીનોથી જુદા પડે છે. ગ્રામપ્રદેશના અનુભવ, સંવેદનને વાર્તારૂપ આપે છે પણ એમને પ્રકૃતિ કે નોસ્ટોલ્જિયાનું વળગણ નથી. એમનો મુખ્ય રસ માનવમનને તાગવાનો છે. દરેક વાર્તાની રચનારીતિ અને વાતાવરણ જુદાં છે. વળી, પ્રેમ, ભય, કુતૂહલ અને મૃત્યુનો મુકાબલો કરતા કિશોર મનનાં પડ ઉકેલ્યાં છે. સ્ત્રીઓનાં વેદન છે તો, ગામમાં, સમાજમાં એકલાં પડી ગયેલાં શોષિત, પીડિત પણ છે.
ગુજરાતી ટૂંકીવાર્તા સંપદા એકત્ર ફાઉન્ડેશન સંપાદક – બિપિન પટેલ
કિરીટની બધી વાર્તાઓમાં જે સૂક્ષ્મતા છે, જે કરુણ છે તે વિશિષ્ટ છે. આ વાર્તાઓ નિમિત્તે સૌરાષ્ટ્રના અમરેલી પથંકના પટેલોનો આખો સમાજ ઉજાગર થયો છે. એમાં એમની ખેતી, આર્થિક સ્થિતિ, ભાષાનાં વળવળોટો, વિલક્ષણ કહેવાય એવી ખુમારી અને ખુદ્દારી, નોખાં-અનોખાં પાત્રો આપણને મળ્યાં છે. અમરેલી અને એની આજુબાજુનો પ્રદેશ એ તો એક પરિવેશ છે. પણ એમાં જે માનવસ્વભાવ છે, માનવનિયતિ છે તે શાશ્વત છે. તેની રજૂઆતમાંથી આપણને ભારતીય સંસ્કૃતિના તાણાવાણા મળે છે. વાર્તાકાર તરીકે કિરીટની આ સિદ્ધિ છે. એના અનભુવનું અને અભિવ્યક્તિનું નોખાપણું જ એને આ સમયનો મહત્ત્વનો, એને આ સમયનો અને લાંબા સમય સુધી ન ભુલાય તેવો વાર્તાકાર ઠેરવે છે.
– હર્ષદ ત્રિવેદી ‘પરબ’ જુલાઈ ૨૦૨૩
સંદર્ભ
- ‘ઘર’ (કિરીટ દૂધાતની સમગ્ર વાર્તાઓ)
માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭