ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પારુલ બારોટ
દશરથ પરમાર
સર્જક પરિચય :
કવિતા, વાર્તા, નવલકથા, સંપાદન અને બાળસાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારાં પારુલ બારોટનો જન્મ તા. ૦૬-૦૨-૧૯૬૯ના રોજ ઉચ્છલ, સુરત મુકામે. અભ્યાસ, ગુજરાતી-હિન્દી સાથે એમ.એ., બી.ઍડ્. વ્યવસાયે ગૃહિણી. આરંભે બાળસાપ્તાહિક ‘ફૂલવાડી’માં બાળવાર્તાલેખન બાદ ‘જયહિન્દ’ દૈનિક અને ‘સખી’ તથા ‘મૉનિટર’ સામયિકોમાં વાર્તાઓની કૉલમ લખી. ‘ગુજરાત બ્રહ્મભટ્ટ મહાસભા’ દ્વારા ‘મહિલા પ્રતિભા ઍવોર્ડ’થી સન્માનિત લેખિકાને ‘ખો ખો રમતું કબૂતર’ માટે ‘અંજુ નરશી’ પારિતોષિક ઉપરાંત બાળસાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પ્રથમ પારિતોષિક (૨૦૨૦), ‘ટીપે ટીપે સરોવર ભરાય’ને ‘અંજુ નરશી’ દ્વિતીય પારિતોષિક (૨૦૨૩), ગુજરાત સરકારનું ‘ગૂર્જર કાવ્યરત્ન સન્માન’ (૨૦૨૦), ‘સ્મિતા પારેખ વાર્તાસ્પર્ધા-૨૦૨૩’માં ‘અસૂયા’ વાર્તાને પ્રથમ પારિતોષિક, ‘બહુજન વાર્તા-લઘુકથા સ્પર્ધા’માં ‘ઉપકાર’ વાર્તાને પ્રથમ અને ‘કાલાં’ લઘુકથાને દ્વિતીય પારિતોષિક – એમ અનેક પારિતોષિકો પ્રાપ્ત થયાં છે.
સાહિત્ય-સર્જન :
વાર્તાસંગ્રહ : (૧) મહેકતી મોસમ (૨) અનરાધાર (૩) અસૂયા
નવલકથા : (૧) ઓળઘોળ (૨) ધૂમ્રલેખા.
સૉનેટસંગ્રહ : (૧) ત્રિદલ (૨) શાંત ટહુકા.
સંપાદન : પુરસ્કૃત ગુજરાતી વાર્તાસર્જકો.
બાળવાર્તાસંગ્રહ : (૧) કૂંપળનો કલરવ (૨) જાદુઈ છડી (૩) ધીંગામસ્તી (૪) પતંગિયાની પાંખે (૫) બાળકહેવતકથાઓ.
બાળગીતસંગ્રહ : ખો ખો રમતું કબૂતર.
ગઝલસંગ્રહ : સૂર્યોદય થયો.
ચરિત્રચિત્ર : મીરાંબહેન (મેડેલિન સ્લેડ).
કૃતિ પરિચય : (૧) ‘મહેકતી મોસમ’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૧૩, પ્ર. પારુલ બારોટ, મુખ્ય વિક્રેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ).
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રગટ થયેલો સંગ્રહ લેખિકાએ ‘જીવનસાથી અરવિંદ’ને અર્પણ કરી ‘હું અને વાર્તા’ તથા ‘આભાર’ શીર્ષક હેઠળ આ વાર્તાઓના ઉદ્ભવની પશ્ચાદ્ભૂ તથા સૌ સહાયકર્તાઓનો આભાર માન્યો છે. કૉલમ અંતર્ગત લખાયેલી છવ્વીસ વાર્તાઓમાં મુગ્ધાવસ્થાનાં પ્રણય સંવેદનો, સુખી દામ્પત્ય, મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન, પિતા-પુત્રી અને દાદા-પૌત્રીનો નિર્વ્યાજ પ્રેમ, ભાઈ-બહેનનો સ્નેહ, વૈધુર્યની વ્યથા, સ્ત્રીમિત્રોની વિડંબના, સ્વાશ્રયી પરિવારની દીકરીની ખુમારી, માતૃત્વનો મહિમા, પરિવાર પ્રત્યેની માવતરની જવાબદારી, ગ્રામજીવનનાં સંસ્મરણો, અને પિતૃસત્તાક પતિઓનું પત્નીઓ પ્રત્યેનું નિર્દયી વર્તન જેવા વિષયો આલેખન પામ્યા છે. મોટાભાગના પુરુષો ચરિત્રહીન, બેજવાબદાર અને વ્યસની છે. કેટલીક નાયિકાઓ એમની જોહુકમી સામે બંડ પોકારતી જોવા મળે છે. ત્રણ-ચાર કથાઓમાં વાર્તાક્ષણ સંગોપાયેલી છે. પરંતુ લેખિકા એને વાર્તામાં રૂપાંતરિત કરવાનું ચૂકી ગયાં છે. આ બધી કથાઓને ભલે એમણે વાર્તાઓ ગણાવી હોય, જે-તે સમયે વાચકવર્ગમાં એ લોકપ્રિય પણ થઈ હોય, પરંતુ સરળ કથન, નાટ્યાત્મક ઘટનાઓ અને અવાસ્તવિક અંત વગેરેને લીધે એ પ્રસંગકથાઓથી વિશેષ પ્રભાવ પાડી શકતી નથી.
(૨) ‘અનરાધાર’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૨૪, ઝેડ કેડ પબ્લિકેશન, અમદાવાદ)
પંદર વાર્તાઓ ધરાવતો સંગ્રહ ‘ગુજરાતી વાર્તાના આદ્યપિતા શ્રી ધૂમકેતુને...’ સાદર અર્પણ કરાયો છે. આરંભે અન્ય પુસ્તકો અને સન્માન-પારિતોષિકોની યાદી પછી ‘અનરાધારની એક અમૂલ્યધાર’ શીર્ષક હેઠળ લેખિકાએ રચનાપ્રક્રિયા અને આભારદર્શનનો મહિમા ગાયો છે. ત્યાર બાદ ‘સામાજિક ચેષ્ટાઓને પારખવા મથતી વાર્તાઓ’ શીર્ષક અંતર્ગત પ્રસ્તાવનાકાર ડૉ. મોહન પરમારે તટસ્થ રીતે તારવી આપ્યું છે કે આ વાર્તાઓમાં સામાજિક વૈવિધ્ય કરતાં નારીજીવનનું વૈવિધ્ય કેન્દ્રમાં વધુ રહેલું છે. સંગ્રહના અંતે ‘વાર્તા-આસ્વાદ’ નામનો એક ખંડ મૂકવામાં આવ્યો છે, જેમાં તેર સમીક્ષકોના પંદર આસ્વાદ-લેખ સમાવવામાં આવ્યા છે. પાછલા ફ્લૅપ પર વિવિધ સમીક્ષકોનાં ટૂંકાક્ષરી અવતરણો મૂકવામાં આવ્યાં છે. ‘અનરાધાર’ની સલોનીને વરસાદ ગમતો નથી, તેથી ઑફિસેથી છૂટ્યા બાદ અન્ય મિત્રોના ભીંજાવાના આગ્રહને નકારી સીધી ઘેર પહોંચે છે. બાલ્કનીમાં બેસી ચા પીતી વખતે અતીતની અણગમતી ક્ષણો જીવંત થઈ ઊઠે છે. પિતા દ્વારા ત્યજાયેલાં મા-દીકરીએ ઘણી ઠોકરો ખાધી છે. દૂરના એક કાકાનો આશરો મળેલો. પરંતુ કાકીની કાવચારીઓ, પિતરાઈ અશોકનાં શારીરિક અડપલાં વગેરેથી સંત્રસ્ત સલોનીના મન-મસ્તિષ્કમાં પુરુષજાત પ્રત્યે ઘૃણાની લાગણી ઉદ્ભવી છે. વરસાદમાં તરબતર એક યુગલને જોઈ ઑફિસથી નીકળતી વખતે સહકર્મી મિરાંગે એનો હાથ પકડી ખેંચેલો તેનું સ્મરણ થાય ત્યાં જ મિરાંગનું આગમન થાય છે. ઝપાઝપી દરમ્યાન સલોનીની ઘડિયાળ મિરાંગના હાથમાં રહી ગયેલી. અત્યારે એ પરત લેવાની ક્ષણો સલોનીને રોમાંચિત કરી મૂકે છે. મિરાંગની વાળ ઝાટકવાની ક્રિયા અને એમાંથી ઉડેલાં જળબુંદ ઉદ્દીપન વિભાવ બને છે. સ્થૂળ રીતે ભીંજવવામાં નિષ્ફળ રહેલા મિરાંગના સ્પર્શથી સલોની વગર વરસાદે સાંગોપાંગ ભીંજાવાનો હર્ષ અનુભવે, એવું પરિવર્તન આસ્વાદ્ય રીતે મૂકાયું છે. ‘વિટંબણા’માં મશીનની જેમ આખો દિવસ ઢસરડા કરી સમગ્ર પરિવારનું ધ્યાન રાખતી ઉષ્માની તબિયત ઠીક નથી તોય પોતાની ફરજ સમજી સૌ માટે ચા-નાસ્તો-ટિફિન તૈયાર કરે છે. નવરાશની પળોમાં એના આત્મસંવાદમાંથી આશ્વાસનના બે મીઠા બોલની ઝંખના અને અકળામણ વ્યક્ત થાય છે. રોજની જેમ સાંજે નોકરીએથી આવેલો પતિ શાંતિથી વાત કરે એવી એની અપેક્ષા આજે પણ સંતોષાતી નથી. થાકીને રાત્રે પલંગમાં પડે ત્યાં જ પતિનો વજનદાર હાથ છાતી પર પડે છે. અનિચ્છાએ પતિની કામેચ્છા પૂર્ણ કરતી ઉષ્માનો વિષાદ અંધકારમાં ઘટ્ટ બને છે. આ રચના સંયુક્ત પરિવારમાં દયનીય સ્થિતિમાં જીવતી અસંખ્ય સ્ત્રીઓની કરુણ નિયતિનું પ્રતિનિધિત્વ કરે છે. ‘મુક્તિધામ’નાં બે પાત્રો; શહેરના વિકાસગૃહમાં ઊછરેલી નિરૂ અને વાલ્મીકિ સમાજના મયંકે કૉલેજના અભ્યાસ દરમ્યાન રાજીખુશીથી મંદિરમાં પ્રણયલગ્ન કરી લીધાં છે. વાર્તાની સાંપ્રત ક્ષણે સગર્ભા નિરૂને લઈ મયંક વતનમાં આવે છે. પ્રથમ વાર ગામ બહારની સૂમસામ જગ્યા અને સ્મશાનનો પરિવેશ જોઈ ગભરાયેલી નિરૂને મૂકીને મયંક શહેરમાં પાછો ફરે છે. દ્વિધાગ્રસ્ત નિરૂના મનમાં ઉભરાતા વિચિત્ર ભાવો મોઢા પર પ્રગટ થતા રહે છે. ધૂળી; મયંકની મા, એના આવા અણગમાથી વાકેફ છે. તેથી એ નિરૂની દીકરીની જેમ કાળજી રાખે છે. વરસાદી માહોલ અને વિચિત્ર વાતાવરણમાં નિરૂની પ્રસૂતિ થાય છે. કુળદીપક જન્મે છે. વાર્તાન્તે; અટકી ગયેલો વરસાદ, વિખરાઈ ગયેલાં વાદળો, બળીને રાખ થઈ ગયેલું મડદું અને પવનના ભયંકર સૂસવાટા સામે ટક્કર ઝીલી રહેલો દીવો – વગેરે નિરૂને એ વાતની પ્રતીતિ કરાવે છે કે એ કેવળ દૈહિક નહીં, મનની પીડામાંથી પણ મુક્તિ પામી છે. અને એમ વાર્તા ખરા અર્થમાં નિરૂ માટે ‘મુક્તિધામ’ બની રહે છે. ‘જમ’ની માલુ દલિતવર્ગના કેશુ અને મંગુની દીકરી છે. માધવ ગામના માથાભારે મુખીનો દીકરો. બાળપણથી ગામગોંદરે આંબાની સાક્ષીએ ઉદ્ભવેલી મંગુ-માધવની મૈત્રી પ્રેમમાં પરિણમી છે. કેશુએ એ બાબતે દીકરીને ઠપકો આપેલો. મુખીએ પણ એકવાર બન્નેને ધમકી આપી હતી. પરંતુ દુનિયાદારીથી અજાણ અને પ્રેમાંધ બન્ને કશું ગણકારતાં નથી. શહેરમાં ભણવા ગયેલો માધો પાંચ વરસે પરત આવ્યાનું જાણી માલુ એને મળવા પહોંચી જાય છે. વરસાદી વાતાવરણમાં મુખી જમ બનીને આવે છે. માલુ પર અત્યાચાર ગુજારવા આતુર બાપ સાથે બાથ ભીડતા માધાનો વહેળા પાસે પગ લસરી જતાં મુખી એને વહેળામાં ધકેલી મૂકે છે. મુખી દ્વારા પીંખાયેલી માલુ માનસિક સંતુલન ગુમાવી બેસે છે. દુઃખાંત પ્રણયકથામાં નવીન કશું જ નથી. પરંતુ લેખિકાએ અંતની ઘટના પછી ક્યારેય ન ફળતા આંબાને સાક્ષી તરીકે મૂકી નવું પરિમાણ રચવાનો કરેલો પ્રયાસ ધ્યાનાર્હ છે. ‘કર્મ’ અને ‘મોગરાનાં ફૂલ’ સમાન કથાવસ્તુ ધરાવતી મૅલોડ્રામેટિક રચનાઓ છે. ‘કર્મ’ની સુજાતા સત્યાવીસ વર્ષથી પિતૃસત્તાક પતિની આજ્ઞાનું મૂંગે મોઢે પાલન કરતી આવી છે. સાસુની પુત્રૈષણા અને પતિના વહેમી માનસથી સંત્રસ્ત સુજાતાને ક્યારેક આપઘાતના વિચારો આવી જાય છે. સોસાયટીમાં જ રહેતા ગામના ધીરજકાકા એક બપોરે સામેથી ઘેર આવે છે. યોગાનુયોગ એ જ વખતે પેટના દુઃખાવાને લીધે ઑફિસથી આવી ચડેલો શંકાગ્રસ્ત મૂકેશ ધીરજકાકાનું અપમાન કરી એમને કાઢી મૂકે છે. સુજાતાને પણ અપશબ્દો બોલી તમાચો ચોડી દે છે. બીજે જ દિવસે ધીરજકાકા અવસાન પામે છે. બે’ક દિવસ પછી મૂકેશ સુજાતાને એક કવર આપે છે, જેમાં ધીરજકાકાએ ખુલાસો કર્યો છે કે, તે દિવસે અકસ્માતે મૃત્યુ પામેલી પોતાની પુત્રીની પુણ્યતિથિ હોવાથી એ સુજાતાને મળવા આવ્યા હતા. એમણે સુજાતાને આપેલા પાંચ લાખ રૂપિયા અને એને દુઃખી ન કરવાની સલાહથી મૂકેશ પીગળી જાય છે. સતત જોહુકમી ચલાવતો મૂકેશ સજળ આંખે સુજાતાના પગમાં પડી જાય તેવો અંત અવાસ્તવિક અને અપ્રતીતિકર લાગે છે. ‘મોગરાનાં ફૂલ’ની ઊર્મિ પણ સુખી પરિવારની હોવા છતાં બાંધી મુઠ્ઠી રાખીને પતિ તથા ઘરને સાચવી રહી છે. લગ્ન પછી તામસી સ્વભાવને લીધે પીયૂષે નોકરી ગુમાવી છે. ક્યાંય ઠરીઠામ ન થતા અને ઊર્મિ પર અત્યાચાર ગુજારતા પીયૂષના વર્તનમાં અચાનક પરિવર્તન આવે છે. એક દિવસ ડૉક્ટરનાં પડોશી હેમાકાકી મળી જતાં રહસ્યોદ્ઘાટન થાય છે. પીયૂષની ફાઈલ હાથમાં આવતાં એને લાસ્ટ સ્ટેજનું કૅન્સર છે એવું જાણ્યા બાદ નિઃસહાય બની ભોંય પર પછડાતી ઊર્મિને પીયૂષ સાહી લે છે. પરંતુ ઘણું મોડું થઈ ગયું છે. ઊર્મિનાં મોગરાનાં ફૂલ પીયૂષની ઊલટીના લાલ રંગે રંગાઈ જાય છે. નાટ્યાત્મક અંતને લીધે વાર્તા સરેરાશ બનીને રહી ગઈ છે. ‘આરાધના’માં પશુ અને માનવી વચ્ચેનો અબોલ સંબંધ વ્યક્ત થયો છે. વાડામાં સાપ ઘૂસી જવાની જાણ થતાં જ ખેતરમાં કામ કરતી રેવાની ઘર ભણી દોડવાની ક્રિયા સાથે વાર્તાનો ઉઘાડ થાય છે. રેવાએ માને એ કાળોતરો જતો ન રહે ત્યાં સુધી ગાય દેવલી અને વાછરડી ઝમકુંને વાડામાં ન બાંધવાની સલાહ આપી છે. પરંતુ ઓછું ભાળતી મા માનતી નથી. રસ્તામાં અનેક દેવ-દેવીઓને વિનવણી કરતી, બાધા-આખડીઓ રાખી અંધારે ઘેર પહોંચી જુએ છે તો ઘર આગળ ટોળું ભેગું થયેલું છે. દરમ્યાન પડોશી અરજણિયા પાસેથી જાણવા મળે છે કે માની સામે આવી ગયેલા કાળોતરાને દેવલીએ ખીલો તોડી પગ વડે ચગદી નાખ્યો છે. તંગ ક્ષણથી આરંભાઈ, ક્રમિક વિકાસ પામી અંતે હળવાશમાં પલટાય તેવી કથાસંયોજનાને લીધે વાર્તા નોંધપાત્ર બની છે. ‘લાજ’ની શ્રમિક વર્ગની મધુની વ્યથાને કોઈ સમજતું નથી. પતિ કેશવ એના પર વહેમ રાખી શારીરિક અત્યાચારો કરે છે. એમાં સાથ-સહકાર આપતી સાસુ નિઃસંતાનતા માટે પુત્રને નહીં, મધુને જ જવાબદાર ઠેરવે છે. મધુ સાચી વાત જાણે છે. પણ એના સંસ્કારો એને રોકે છે. બાંધી મુઠ્ઠી રાખવાની પ્રકૃતિ ધરાવતી વિનમ્ર મધુ માટે સાસુ અને પતિ દ્વારા ‘વાંઝણી’ જેવો શબ્દપ્રયોગ કરાતાં એ વિફરીને કહે છે કે, ‘કેશવ મોટો ધણી થઈન ફરસ ન, તો કે’ તારી માનં ક છોકરાં ચમ નથી થતાં? દૂધમાં મેરવણ નોખીએ તો જ દહી થાય... હમજ્યાં?’ મર્મસ્થાન પર કુઠારાઘાત થતાં મધુનો આ ઊભરો ન્યાયોચિત લાગે છે. વાર્તાન્તે પોતાના પર આવેલા ચારિત્ર્યહીનતાના આળ, મહેણા અને પતિના અહમ્ વગેરેને ગળી જઈ ઘરની લાજ જાળવવા ફરજ પ્રત્યે સભાન બનતી મધુનું વર્તન એના પાત્રને ગરિમા બક્ષે છે. ‘ચડઊતર’માં કંપવાની બીમારીથી પીડાતા અશોકભાઈની પુત્રવધૂ એમની શક્ય તેટલી સેવા કરે છે. દીકરો પણ એ વ્યાધિની દવાની શોધમાં છે. પરંતુ કર્મના સિદ્ધાંત અનુસાર અશોકભાઈના પૂર્વજીવનની, એક આદિવાસીને વગર વાંકગુને અન્યાય કરવાની ઘટનાનું આ પરિણામ છે, એવો જ્યોતિનો ઇશારો સમજી ચૂકેલા લાચાર અશોકભાઈ વેદનાને બેવડાતી અનુભવે છે. ‘સમર્પણ’માં અનાથાશ્રમમાંથી ભાગીને સાંસારિક જીવનનો આરંભ કરી મજૂરી કરતાં ભીખો-ગોમતી અને પશો-જમની પડોશી છે. સગર્ભા જમનીની અગાઉ ત્રણ દીકરીઓ જન્મીને તરત મૃત્યુ પામી હતી. બેજવાબદાર અને દારૂડિયા પશાને આ વખતે દીકરો જ જોઈએ છે. ગોમતી-ભીખો દાયણની સહાયથી પ્રસૂતિ પાર પાડે છે. દીકરીનો જન્મ થયાનું જાણી ઉત્પાત મચાવતા પશાને ગોમતી દ્વારા અગાઉની દીકરીઓનો હત્યારો ઠેરવાતાં એ છોભીલો પડી જાય છે. જમની પોટલું બાંધી દીકરીને લઈ ચાલી નીકળવા તત્પર થતાં આશ્રમની માનસિકતાથી પીડાતા પશાને વાસ્તવિકતાનું ભાન થાય છે. ખાધું, પીધું ને રાજ કર્યું – જેવો સુખાંત ધરાવતી અને પશાના ભવાડા તથા અંતના પ્રસ્તારને લીધે સામાન્ય બની રહેતી આ રચનામાં પુત્રની ઝંખના સેવતા પશાનો પુત્રીના સ્વીકારનો અને જમનીની માફી માગી એની સાથે સુખેથી સહજીવન વીતાવવાનો, એમ બે પ્રકારના સમર્પણ-ભાવ જોવા મળે છે. ‘હાંસડી’માં બાપા તરફથી વારસામાં મળેલી અને સતત ગળામાં રહેતી હાંસડી કાનજીને પ્રેરણાદાયક પીઠિકા પૂરી પાડે છે. જરૂરતમંદોને મદદ કરતો કાનજી અથાક પરિશ્રમ કરી ડૅપ્યુટી કલેક્ટર બન્યા પછી કોરોનાના કપરા કાળમાં પણ ડગતો નથી. અંતમાં પૅન્શન માટે અટવાતા પોતાના એક શિક્ષકનું કામ પૂરું કરી આપ્યા પછી ટાઈ ખોલી, નીચેથી હાંસડી કાઢી બતાવતાં એ આત્મગૌરવ અનુભવે છે. અહીં બદલાતા સમયમાં મૂલ્યોની ખેવના કરતા નાયકનો સંઘર્ષ જરૂર આલેખાયો છે. પરંતુ કટોકટીયુક્ત વાર્તાક્ષણના અભાવને લીધે સર્જકશ્રમ લેખે લાગ્યો નથી. ‘રંગ’ની વૈભવીને રૂઢિચુસ્ત વિધવા સાસુ સતત ટોક્યા કરે છે. પતિ જતીન માવડિયો છે. ચાર નણંદોનો ત્રાસ પણ ઓછો નથી. શાકભાજી કાપતાં ચપ્પુ વાગે એમાંય વહુનો વાંક જોતાં ચંચીબા વિનુભાઈ માસ્તરની વાત માનવા તૈયાર નથી. પરંતુ સાસરીમાંથી કાઢી મૂકેલી દીકરી ચંપા પિયર દોડી આવે ત્યારે વૈભવી દ્વારા એને સમજાવી પરત મોકલી અપાતાં ચંચીબાનું વૈભવી પ્રત્યેનું વલણ થોડું નરમ બને છે. એવામાં જ સમાચાર મળે છે કે ચંપાએ સાસરીમાં અગ્નિસ્નાન કરી લીધું છે. એકઠી થયેલી ભીડમાં થતી વાતો અને વૈભવીની સૂઝ-સમજભરી વર્તણૂકને લીધે ચંચીબાનો માનસપલટો થાય છે. વૈભવીને પણ એમનામાં પહેલીવાર માનાં દર્શન થાય છે. ચંચીબાની સાડીના સિંદૂરી રંગનું કાળાશમાં થતું પરિવર્તન એમનાં બદલાયેલાં મનોવલણને પ્રતિબિબિંત કરે છે. બે ખંડકમાં વિભાજિત ‘લોકેટ’ના પ્રથમ ખંડકમાં પરસ્પર વિરોધી પ્રકૃતિની સખીઓ વિદ્યા-નૅન્સી અને વિદ્યાના પ્રેમી ઈરફાનના પ્રણયત્રિકોણની આશંકા ઊભી થાય છે. નૅન્સી પર ભરોસો રાખી ઈરફાનને મળવા લઈ જતી વિદ્યા એની ઉપસ્થિતિમાં જ ઈરફાનને બન્નેના ફોટાવાળું એક લૉકેટ ભેટ આપે છે. બીજા ખંડકમાં પ્રિન્સિપાલના કહેવાથી વિદ્યાને બૉટની શીખવવા આવતા પ્રૉફેસર વેદાંતવિદ્યા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. એને ના ન કહી શકતી દ્વિધાગ્રસ્ત વિદ્યા હૉસ્ટેલ પર પહોંચે ત્યાં જ પલંગમાં ઊંધા માથે પડી રડતી નૅન્સી અચાનક બહાર નીકળી જાય છે. એની બૅગમાંથી નીચે પડેલું લૉકેટ ખોલીને વિદ્યા જુએ તો એમાં ઈરફાન અને નૅન્સીના ફોટા છે. વિદ્યા પરીક્ષાની તૈયારીમાં પડી હોય એ દરમ્યાન નૅન્સીના પ્રેમમાં પડેલા ઈરફાને વિદ્યાનું લૉકેટ એને આપી દીધું છે. વિદ્યાને જો કે, આ વાતનો આઘાત લાગતો નથી. કેમ કે એ વેદાંતને લગ્ન માટે હા ભણી ચૂકી છે. લૉકેટના માધ્યમથી ‘લવ જેહાદ’ની કથા બનવામાંથી ઉગારી લેવાયેલી વાર્તા લેખિકાની વશેકાઈને લીધે નોંધપાત્ર બની છે. નારીકેન્દ્રી ‘મુમતાજ આપા’માં બે ખંડકમાં એક રૂપલલનાની સંવેદના આલેખાઈ છે. ગરીબીને લીધે બાર વર્ષની ઉંમરે બાપ દ્વારા મામૂલી રકમમાં કોઠા પર વેચી દેવાયેલી મંજુને સુરૈયાએ ખંતપૂર્વક મુમતાજ બનાવી છે. જોરાવરસિંહના પ્રેમમાં પડેલી મુમતાજ એમના થકી ગર્ભવતી બને છે. નિઃસંતાન જાગીરદાર જોરાવર મુમતાજ પાસે આવનાર સંતાનની માગણી કરે છે. એણે એ માગણી સ્વીકારી કે નહીં તે પ્રથમ ખંડકમાં અધ્યાહાર છે. બીજા ખંડકમાં જોરાવરસિંહ સાથેની સુખદ સ્મૃતિ તરીકે જાળવી રાખેલા સામાનની દેખરેખ માટે અશરફ પોતાના ભત્રીજા સલીમને લઈ આવે છે. વાતચીત દરમ્યાન સલીમને અબ્દુલ નામનો નાનો ભાઈ પણ છે, એ જાણી મુમતાજને પુત્ર સાંભરી આવે છે. એ વિવશ બની અલમારીની વસ્તુઓને ચૂમવા લાગે છે. બીજે દિવસે આવેલો અશરફ; પહેલા ખંડકમાં ન કહેવાયેલી પરંતુ અબ્દુલને સોંપતી વખતે જોરાવરસિંહ સમક્ષ મુમતાજે મૂકેલી શરતથી વાચકને અવગત કરાવે છે. વેશ્યાલયના પરિવેશનું વર્ણન, વિષય અને પાત્રાનુરૂપ હિન્દીમિશ્રિત ગુજરાતી સંવાદો વગેરેને લીધે વાર્તા આસ્વાદ્ય બની છે. પરંતુ નોંધવું રહ્યું કે મધ્યનો પ્રસ્તાર વાર્તાને ઝાઝો ઉપકારક નીવડ્યો નથી. ‘ઝંઝાવાત’ની રેવતી બગીચામાં પ્રકૃતિ સાથે એકાકાર થવા મથે ત્યાં જ વહેમી પતિ મયંકનો ફોન આવતાં ઘેર પરત ફરે છે. વિહ્વળ મયંક તિજોરીમાંની ફાઈલોમાંથી કાગળો લઈ બહાર નીકળી જાય છે. ભવ્ય ભૂતકાળ અને દુઃખદ વર્તમાન વચ્ચે અફળાતી રેવતીને પરત ફરેલો મયંક આઘાતજનક સ્થિતિમાં મૂકી એની માફી માગતાં કહે છે કે દીકરી હેલીનો એણે ડી.એન.એ. રિપોર્ટ કઢાવેલો તે ડૉક્ટરને બતાવવા ગયો હતો. એ મૅચ થતાં પાકી ખાતરી થાય છે કે હેલી એની જ દીકરી હતી. રેવતી જાણે છે કે ન્યૂમોનિયાગ્રસ્ત હેલી મયંકની અનુપસ્થિતિ અને સારવારના અભાવે મૃત્યુ પામી હતી. પોતાના ચારિત્ર્ય પર વહેમ રાખીને થયેલો અપ્રત્યાશિત હુમલો રેવતીને અંદર-બહારથી વિક્ષુબ્ધ કરી મૂકે છે. મયંકને બહાર હડસેલી ઘરમાં પૂરાઈ ગયેલી નિર્બળ રેવતીમાં અચાનક તાકાતનો સંચાર થાય છે. અંતે પોતાના જેવી અસંખ્ય સ્ત્રીઓના પડખે ઊભી રહેવાનો નિર્ધાર કરી એ ચાલી નીકળે છે. રેવતીના મનોસંઘર્ષ અને કારુણ્યનું આલેખન ઘણું પ્રસ્તારી છે. પરિણામે, અંતની ક્ષણ સુધી પહોંચવામાં ખાસ્સો વિલંબ થાય છે. નારીના આત્મબોધ, નૈતિક સાહસ અને વિવેકપૂર્ણ પ્રતિરોધની આ રચનામાં કલાસંયમ દાખવવામાં આવ્યો હોત તો તે ચુસ્ત અને કલાત્મક બનવાની પૂરેપૂરી શક્યતા હતી. આમ, ‘અનરાધાર’માં લેખિકાએ સ્ત્રીજીવનની વિવિધ આપદા-વિપદાઓ અને પારિવારિક સમસ્યાઓના આલેખનનો યથાશક્તિ પ્રયાસ કર્યો છે. અહીં પિતૃસત્તાક પતિઓ છે. તો એમનો પ્રતિકાર કરતી સશક્ત નારીઓ પણ છે. ગરીબી, લાચારી, ભૂખ અને મજબૂરી છે તો એ સ્થિતિમાં વિચલિત ન થતાં ઉમદા નારી પાત્રો પણ છે. કેટલીક વાર્તાઓમાં પ્રેમ પામવાની મથામણ છે. તો ક્યાંક એ જ પ્રેમ સંકટ પણ ઊભું કરે છે. ગ્રામપરિવેશની, દલિત સમાજની કે કસ્બાનાં મધ્યમવર્ગની વાર્તાઓમાં પાત્રો-પ્રસંગોચિત ભાષાનો વિનિયોગ લેખિકાની ભાષા પ્રત્યેની સૂઝને આભારી છે. આમ, પ્રથમ સંગ્રહ કરતાં ‘અનરાધાર’ની વાર્તાઓમાં લેખિકાનો વાર્તાકાર તરીકેનો વિકાસ જોવા મળે છે.
(૩) ‘અસૂયા’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૨૫, પ્રકાશક : પારુલ બારોટ, મુખ્ય વિક્રેતા : ડિવાઈન પબ્લિકેશન્સ, અમદાવાદ)
પંદર વાર્તાઓ ધરાવતો આ સંગ્રહ લેખિકાએ પોતાનાં ત્રણ સંતાન-યુગ્મોને અર્પણ કર્યો છે. ‘ ‘અસૂયા’ / વાર્તા લખવાની મથામણ’ શીર્ષક અંતર્ગત સર્જન પ્રક્રિયા વિશે નોંધી લેખિકાએ વાર્તા પરત્વેની લગન અને પરિશ્રમનો સુમેળ તથા આભારદર્શનનો મહિમા ગાયો છે. ‘અસૂયા : થોડીક પણ રસપ્રદ વાર્તાઓનો સંગ્રહ’ શીર્ષક હેઠળ ડૉ. ભરત મહેતાએ ચૌદ વાર્તાઓ વિશે તટસ્થ નિરીક્ષણો મૂકી આપ્યાં છે. સંગ્રહના અંતે ‘હિતશત્રુ’ વાર્તા વિશેનો મનોહર ત્રિવેદીનો સ્વતંત્ર લેખ પણ મૂકવામાં આવ્યો છે. પાછળના ફ્લૅપ પર પ્રકાશક અમૃત ચૌધરીએ લેખિકાનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો છે. સમાજના વિવિધ વર્ગની સ્ત્રીઓની પારિવારિક અને દામ્પત્યજીવનની સમસ્યાઓ, પ્રણયનાં સંવેદનો, દલિતચેતના, એકલવાયાં પાત્રોની હૂંફની ઝંખના, ગરીબી અને વૃદ્ધોની વેદના જેવા વિષયો આ સંગ્રહમાં સ્થાન પામ્યા છે. પ્રથમ પુરુષની કથનપદ્ધતિએ કહેવાયેલી ‘ભૂલ’ના ડેપ્યુટી કલેક્ટરના હોદ્દા પરથી નિવૃત્ત થયેલા કથકને ઘરમાં ગોઠતું નથી. પત્ની નીલમ ટાઇમપાસ માટે કોઈ સેવાકાર્ય કરવાનું સૂચવે છે. પરંતુ નાયક વર્તમાનપત્રમાં એક સંસ્થાની જનસેવક અંગેની જાહેરાત જોઈ ઇન્ટરવ્યૂ આપવા જાય છે. ત્યાં સંસ્થાની કર્તાહર્તા અને એની પ્રથમ પત્ની વનિતા એનો ઇન્ટરવ્યૂ લે છે. સવાલો-જવાબોમાંથી એમના પૂર્વજીવનની વિગતોની સાથે સાથે સ્પષ્ટ થાય છે કે વહેમ, આક્ષેપો, વનિતાના અહમ્ અને આગળ વધવાની તીવ્ર હઠને લીધે એ સંબંધ નંદવાઈ ગયો હતો. સદર જગ્યા માટે કથકની પસંદગી કરવામાં આવે છે. બીજે દિવસે પત્ની ટિફીન તૈયાર કરી કથકને રવાના કરવા ઉદ્યુક્ત થાય ત્યાં જ એને અહેસાસ થાય કે વનિતા સાથેનો સબંધ તૂટ્યા પછી નીલમે જ એને સાચવી લીધો હતો. એની સાથે પુનઃ જોડાઈને નીલમને અન્યાય કરવાની ભૂલનું પુનરાવર્તન નથી કરવું, એવું વિચારી એ માંડી વાળે છે. એનું આવું સમાનુકૂલિત પરિવર્તન વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘સતી’ ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી લાંબી વાર્તા છે. પ્રજાવત્સલ રાજા વીરભદ્રસિંહની હયાતીમાં જ ગાદી પર બિરાજવાનાં સ્વપ્નો જોઈ રહેલા એના કાકા સૂરસિંહના બદઇરાદાથી વાકેફ તારાદેવી સતર્ક રહે છે. પાંચ વર્ષના કુંવરને પણ એમની નજીક જવા દેતી નથી. ચાંચિયાઓ સાથેના એક યુદ્ધ પશ્ચાત્રસ્તામાં લૂંટારાઓ સાથેની ઝપાઝપીમાં રાજા મૃત્યુ પામે છે. સૂરસિંહની ઝંખના છે કે તારા સતી થાય તો પોતાનો માર્ગ સરળ થઈ જાય. એ માટે એ ઝડપ કરાવે છે. પરંતુ પતિને આપેલું વચન, પુત્ર પ્રત્યેની મમતા અને વહાલસોઈ પ્રજાની લાચારી વગેરે વિશે વિચારીને તારાદેવી ચિતા પર ચડવાને બદલે જીવિત રહી, રાજ્યનો કારભાર સંભાળવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતાં સૂરસિંહના ઇરાદા પર પાણી ફરી વળે છે. લોકવાર્તા જેવી રસિક અને દીર્ઘ કથનાત્મકતા વાર્તાના પ્રભાવને અળપાવે છે. ‘તે પછી’માં દીપક જેના પ્રેમમાં છે તે મુખીની દીકરી સાથેના સગપણ માટે નીકળેલાં એનાં માતા-પિતા અને કાકા-કાકીની ઊંટલારીની મુસાફરી દરમ્યાન ઘટતી ઘટનાઓ અને ઝીણી ઝીણી વિગતોનું આલેખન છે. ભૂતકાળમાં લીલાવતી અને મુખીના કોઈ કારણસર ન થઈ શકેલા સંબંધનો કથક દ્વારા નિર્દેશ મળે છે. એ વાતનો બદલો લેતી હોય તેમ લીલાવતી કશીય વાતચીત કર્યા વિના સૌને લઈને ત્યાંથી નીકળી જાય છે. વાર્તાના મધ્યભાગમાં લેખિકાએ આસપાસના પરિવેશ અને પાત્રોના ક્રિયાત્મક આવેગોનાં લાંબાં, અવિરામ વાક્યો અને ચિત્રાત્મક વર્ણનોમાં ભાષાનો કસ કાઢ્યો છે. દીપકના કાકાને ઉદ્દેશીને કહેવાયેલી વાર્તામાં પ્રયોગ લેખે પ્રયોજાયેલાં ‘તે પછી’ અને ‘હવે પછી’નાં અનુરણનો આપણા કાનમાં વાચન પછી પણ અવિરત પડઘાયા કરે, એમાં રચનાની સફળતા રહેલી છે. ‘ડાઘ’ વાર્તાનો આરંભ જ નાયિકાની આર્થિક અને માનસિક સ્થિતિને ચીંધે છે. ઓરડીનું બે મહિનાનું ભાડું ચડી ગયું છે. પતિથી કશી વ્યવસ્થા થઈ શકતી નથી. મામા, દિયર અને પતિના લંપટ મિત્રને ત્યાંથી ખાલી હાથે પાછી ફરેલી રૂખી ઘરનો સામાન આમતેમ ફેંકતા મકાનમાલિકને ધોકો લઈ મારવાનો અભિનય કરતી બારણું બંધ કરી દે છે. એની દીકરી અને આસપાસનાં લોક એમ સમજે છે કે મકાનમાલિક રૂખીને અંદર પૂરીને મારી રહ્યો છે. લેખિકાએ બાજુમાં ચાલતા રૂ કાંતવાના મશીનના વિવિધ ધ્વનિઓ અને રૂખીના શારીરિક શોષણની આવાદ્ય સહોપસ્થિતિ સરજી છે. થોડીવાર પછી પેલાને મારવાનું નાટક કરતી રૂખી બહાર નીકળે ત્યારે આસપાસનાં લોકો એની બહાદુરીનાં વખાણ કરી ઊઠે છે. વાર્તાન્તે પતિના આગમન પછી રસોડા પાસે પડેલો એક ડાઘ પતિને દેખાય નહીં તેમ પગ વડે ઘસી ઘસીને ભૂંસી નાખતી રૂખીની મજબૂરી અને લાચારીનું કરુણ ચિત્ર કલાકીય દૂરત્વ જાળવીને આલેખાયું છે. ‘નડતર’ અને ‘સ્વજન’માં સંયુક્ત પરિવારના વૃદ્ધોની દયનીય સ્થિતિની વાત છે. ‘નડતર’માં નિવૃત્તિ બાદ પુત્ર અને પુત્રવધૂ દ્વારા ઉપેક્ષિત નરેશભાઈ સાંજે ગ્રૂપ વિખરાઈ ગયા પછી પણ ઘેર જતા નથી. કારણ કે પુત્રએ પ્રમોશનની ઉજવણી માટે ઘેર મિત્રો સાથે પાર્ટી યોજી હોવાથી નવ વાગ્યા પહેલાં પરત ન ફરવાની સૂચના આપી છે. પરંતુ સાળાનું આકસ્મિક આગમન થતાં નાછૂટકે એની સાથે ઘેર જવું પડે છે. પુત્રવધૂ દ્વારા સાળાને નાસ્તો ન અપાતાં ખિન્ન નરેશભાઈ એને રેસ્ટોરન્ટમાં જમાડી, એના આગ્રહને વશ થઈ સીધા સાસરીમાં રહેવા જતા રહે છે. થોડાક સમયમાં એમને ત્યાં ફાવી જાય છે. પરંતુ સંતાનોનું સ્મરણ થતાં સાચી સ્થિતિ સમજાય છે. પોતે બધાંને નડતા હતા કે બધા મને નડતા હતા, એવી પત્નીને સંભળાવી દેવાની એમની જિદ સાથે પારિવારિક જીવનમાં આવતા ચડાવ-ઉતારની વાર્તા પૂરી થાય છે. ‘સ્વજન’ના કેશુભાઈની પણ એવી જ દશા છે. અકસ્માતે પગે ફ્રેકચર થતાં દીકરા-વહુ દ્વારા વધુ પડતા નિષેધો લાદવામાં આવ્યા છે. મિત્રોને મળ્યા વિના ઘરમાં ભરાઈ રહેલા કેશુભાઈ સોરાય છે. પત્ની સાંભરે છે. ક્યારેક દીકરી સાથે ફોન પર વાત કરી લે છે. સામેના મકાનના રિનોવેશનને લીધે સતત આવતા અવાજો અને કારીગરો-મજૂરોનો સધિયારો મળી રહે છે. બીડીની તલપ લાગતાં મજૂરો લાવી આપે છે. દીકરો નોકરીએ જાય પછી તેઓ એમની સાથે ચા-પાણી નાસ્તો પણ કરે છે. ભીખા સાથે મન મળી ગયું છે. એની સંગતમાં દુઃખ દર્દ વિસારે પડે છે. સાજા થયા પછી પણ કેશુભાઈ મિત્રો પાસે જવાને બદલે આખો દિવસ એમની સાથે બેસી રહે છે. હોળી આવતાં ભીખો ટૅમ્પો ભરી વતન જવા નીકળે છે. સોસાયટીના નાકા સુધી એમને વળાવવા જતા કેશુભાઈ એમના ગયા પછી કોઈ સ્વજન ગુમાવી બેઠા હોય તેમ નિઃસહાય બની બેસી પડે છે. સ્ત્રી-પુરુષના સંબંધની સંકુલતાને તાગતી ‘હિતશત્રુ’ નોંધપાત્ર વાર્તા છે. કૅન્સરની રસી શોધતા સિનિયર અવિનાશને શૈફાલી વિના સહેજ પણ ચાલતું નથી. શૈફાલી ગૃહિણી છે. સુકેતુ જેવો ખુલ્લા દિલનો પતિ છે. એનાથી દસ વર્ષ મોટો અને ક્યારેય અણછાજતું વર્તન ન કરતો અવિનાશ એકવાર ઉત્સાહમાં આવી જઈ શૈફાલીને જાહેરમાં આલિંગન કરી બેસે છે. શૈફાલીને આ ગમ્યું નથી. એ સન્દર્ભે ફોન પર માફી માગતાં અવિનાશ કહે છે કે, પ્રયોગની સફળતા પછી તો હું હદબહાર જઈશ. અવિનાશની આ વાતથી ચીડ અનુભવતી શૈફાલીને પોતે સુકેતુથી દૂર જઈ રહી હોય એવું લાગે છે. અડધી રાતે અવિનાશનો ફોન આવતાં એ સ્ક્રીન પર મોટાં રુંછાવાળું વરુ પોતાની તરફ આવી રહ્યાનું અનુભવે છે. ફોન ન ઉપાડતી શૈફાલી અવિનાશ, વરુ અને શંકાશીલ બનેલા પતિ સુકેતુની કલ્પનાઓથી ફફડી ઊઠે છે. એને લાગે છે કે મોબાઇલના સ્ક્રીન પરથી લાલ રંગના રેલા ધસી આવે છે. અને સુકેતુ વલૂર ઊપડી હોય તેમ દેહ ખંજવાળે છે. અહીં બે પુરુષપાત્રો વચ્ચે સખત ભીંસ અનુભવતી શૈફાલી માટે બન્ને પુરુષો હિતશત્રુ સાબિત થયાછે. ‘ઉપકાર’ના પ્રકૃતિએ સમદર્શી પરંતુ સોસાયટી અને સમાજથી અલિપ્ત રહેતા સોમચંદ આંબેડકર જયંતિની ઉજવણી માટે ફાળો ઉઘરાવતા યુવાનોને ફોસલાવી, ઑફિસ જવાના બહાને ઉછીના આપેલા પચ્ચીસ હજાર રૂપિયાની ઉઘરાણી માટે ગામના મનસુખ પટેલને ત્યાં જવાનું પસંદ કરે છે. ત્યાં એમની બરાબર સરભરા થાય છે. પરંતુ મનસુખના રૂઢિચુસ્ત બાપા દ્વારા અન્ય મહેમાનની ઉપસ્થિતિમાં સોમચંદ સાથે અપમાનજનક ભાષામાં સંવાદ કરાતાં સોમચંદ સત્તાવાહી વર્તન કરે છે. ઉપકારના બોજ તળે દબાયેલો હોવા છતાં મનસુખ એ સાંખી શકતો નથી. અને સોમચંદને એમનાં સ્થાન-સ્થિતિનું ભાન કરાવે છે. હડધૂત થઈ ઘેર પરત ફરેલા સોમચંદને બાબાસાહેબના ફોટા સમક્ષ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ જ વખતે પાંચ હજાર રૂપિયાના ફાળાની અપેક્ષા સાથે આવેલા યુવાનોના હાથમાં તેઓ ઉઘરાણીની પૂરેપૂરી રકમ મૂકી દે છે. માનવીનું સાચું મૂલ્ય એના સમાજમાં જ અંકાય છે. તદુપરાંત રાહ ભૂલેલા શિક્ષિત દલિતોને સાચો માર્ગ બાબાસાહેબના વિચારો થકી જ પ્રાપ્ત થઈ શકે એમ છે, એવો ગંભીર સંદેશ કલાકીય તાટસ્થ્ય જાળવીને અપાયો છે. લેખિકા અદલિત હોવા છતાં એમની દલિત સાહિત્ય માટેની પ્રતિબદ્ધતાની પ્રતીતિ આ રચનામાંથી સાંપડી રહે છે. ‘ભીંત’ની મેની વરસાદમાં ભીંત પડી જવાના ભયથી ફફડે છે. સમારકામ માટે પતિ કનિયો મારવાડી શેઠ પાસે જાય છે. પરંતુ મેની પૈસા લેવા આવે તો જ આપું એવા શેઠના દુરાગ્રહને લીધે એ શેઠ સાથે ઝઘડો કરી બેસે છે. પોતાના પર મોહિત થયેલા શેઠની બદદાનત પારખી ગયેલી મેની સઘળો દોર પોતાના હાથમાં લઈ રહસ્યાત્મક રીતે રોડાં, સિમેન્ટ, રેતી વગેરે લાવી ભીંત સમારાવે છે. કનિયાને શંકા પડે છે કે મેની આ પૈસા મારવાડી શેઠ પાસેથી તો લાવી નહીં હોય ને? વાર્તાન્તે ઘટસ્ફોટ થાય છે કે ઘરની આબરૂ સાચવવા મેનીએ પોતાનું મંગળસૂત્ર ગિરવી મૂક્યું છે. અંતમાં મેની ભીંત પર ગર્વભેર હાથ ફેરવી ‘આ ભીંત મેં ચણી છે..!’ એવું કહે એમાં એની ખમીરી અને ખુમારી વ્યક્ત થાય છે. ‘ચાકરી’માં પથારીગ્રસ્ત બાપુજીની સેવાચાકરી કરવાને બદલે બાપજી પાછળ ઓળઘોળ થયેલો ગોવિંદ આખો દિવસ એમની સાથે આથડ્યા કરે છે. ભજન નિમિત્તે પોતાને ત્યાં તેડાવેલા તકસાધુ અને કામાંધ બાપજી રૂમના એકાંતમાં ગોવિંદની નિઃસંતાન પત્ની મીનાને સંતાનપ્રાપ્તિ સારુ દોરાધાગાનું નાટક કરી, આશ્રમમાં બોલાવી શોષણ કરવા ઝંખે છે. મીના આશ્રમમાં જતી નથી. પરંતુ ગોવિંદ બાપજીના સત્સંગ સમારંભમાં ચાકરી કરવા બહારગામ ચાલી જાય છે. દરમ્યાન મીના દ્વારા સખત સારવાર કરવામાં આવે છતાં બાપુજી અવસાન પામે છે. એમની અંતિમક્રિયા બાદ ઉદેપુરથી પરત ફરેલા અને મગરનાં આંસુ સારી માથાં કૂટતા ગોવિંદ પ્રત્યે ધિક્કારપૂર્ણ વર્તન કરતી મીનાનું પાત્રને મુઠ્ઠી ઊંચેરું બન્યું છે. ‘પગ’ની નાયિકા સુનંદા નિવૃત્ત કર્નલ અને પુત્રીને જુનવાણી લાગે છે. કામવાળી સમેત બધાંય સુનંદા સમક્ષ જૂઠું બોલે છે. આશ્ચર્યની વાત છે કે સુનંદાના પગ એના કહ્યામાં નથી. અવળા જ ચાલ્યા કરે છે. ક્લબમાં જવાનું કહી કર્નલ બહાર નીકળે પછી સુનંદા કામવાળીને ત્યાં પહોંચે તો એનું જૂઠાણું પકડાઈ જાય છે. દીકરીની મિત્રને ઘેર જતાં જાણવા મળે છે કે લેસનના બહાને અહીં આવેલી દીકરી પણ મિત્ર સાથે પિક્ચર જોવા ઉપડી ગઈ છે. બીજે દિવસે એ વર્ષો પહેલાં જ્યાં રહેતી એ વસાહતમાં જાય છે. કર્નલ સાથેના આરંભિક સુખી દામ્પત્યજીવનની નિશાનીઓ શોધતી સુનંદાને જાણીતા પુરુષની પીઠ અને એને બાલ્કનીમાં ઊભી ફ્લાઈંગ કીસ આપતી એક સ્ત્રી જોવા મળે છે. અંતની આ ક્ષણો ખૂબ ગર્ભિત રીતે મૂકાઈ છે. સુનંદા દોડીને એ પુરુષની પીઠ પર ધબ્બો મારી એને ચોંકાવી દેવા ઇચ્છે છે. પરંતુ પગ સહકાર આપવાને બદલે અવળા ફંટાય છે. પોતાની કાયરતાથી ચિડાઈને સુનંદા ઝંખે છે કે સરકાર આ વસાહત જલ્દી ખાલી કરાવે તો સારું. અંતના સંયમપૂર્ણ આલેખનને લીધે વાર્તા ધ્યાનપાત્ર બની છે. ‘ભૂખ’માં ભીખીની દારૂણ ગરીબીનું આલેખન છે. કોઈ કામધંધો ન કરતો પતિ દારૂ પીને પડ્યો રહે છે. ઘર ચલાવવા માટે વહાલી કાબરી બકરીને વેચવા તૈયાર થયેલી ભીખી બપોરે એક શેઠાણીની સાસુની પુણ્યતિથિ નિમિત્તે મળેલું ભોજન લાવી ઘરવાળાંને જમાડે છે. પતિની તબિયત લથડતાં એ મરણપથારીએ પડે છે. મોડી રાત્રે ભૂખે વલખતાં બાળકો પ્રત્યે ઉગ્ર થઈ ભીખી ‘મનં ખોવ.. કાયમની શાંતિ થઈ જાય...’ જેવાં કવેણ ઉચ્ચારી બેસે છે. કેન્દ્રવર્તી ક્ષણના અભાવને લીધે વાર્તા ભીખીની લાચારીના યથાર્થ ચિત્રણથી આગળ વધી શકી નથી. ‘ષડયંત્ર’ અને ‘મોભ’ એક જ કુળની વાર્તાઓ છે. ‘ષડયંત્ર’ની નિઃસંતાન ફોરમ સાસરીનાં લોકો દ્વારા સતામણીનો ભોગ બનતી રહે છે. સાત વર્ષે પુત્રજન્મ પછી પણ એને શાંતિ મળતી નથી. કશીક અજાણી બીમારીનો ભોગ બનતાં એ પિયરમાં રહે છે. પતિ કે સાસુ-નણંદ કોઈ ખબર પૂછતું નથી. નોકરી કરતી ભાભીને મફતમાં કામવાળી મળી ગયાનો આનંદ છે, તેવું જાણ્યા પછી ફોરમ જાતે જ ત્યાંથી ચાલી નીકળે છે. સાસરીમાં આવી જુએ તો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પતિ દારૂડિયો થઈ ગયો છે. એ માટે ઘરનાં સૌ સભ્યો ફોરમને જ જવાબદાર ગણે છે. એક વાર પતિ દ્વારા મદ્યપાન પછી પુત્ર બીજા કોઈકનો છે, એવું આળ મૂકાતાં ફોરમ ગુસ્સે થઈ ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરે છે. દરમ્યાન પતિ દ્વારા ઘટસ્ફોટ થાય છે કે આ આખા ષડ્યંત્રનો સૂત્રધાર એનો બનેવી છે, જેને વર્ષો પહેલાં ફોરમ દ્વારા લગ્ન માટે નકારવામાં આવ્યો હતો. વાર્તાન્તે ફોરમ ઘર છોડી જવાના આશયથી બૅગ લઈ નીકળી પડે છે. ઘરના બીજા સભ્યોની રોકવાની કોશિશને ન ગણકારતી એ પુત્રપ્રેમ સમક્ષ ઝૂકી જઈને પરત ફરે છે. ‘મોભ’ની લખીનો પતિ નોકરીના સ્થળે બહારગામ રહે છે. સાસુ-સસરા સાથે રહેતી લખીથી સાસુનો ત્રાસ સહન ન થતાં ગામના કૂવામાં પડે છે. જો કે, ગામલોકોના પ્રયાસોથી એ બચી જાય છે. સસરા મંગળદા સમજુ છે. લખીના સંસ્કારોને જાણે છે. પરંતુ પત્નીના દબાણને વશ થઈ એને પિયર મૂકી આવે છે. દરમ્યાન નોકરીએથી પરત આવેલો સુરેશ માની ચડવણીથી લખીને છૂટાછેડાની નોટિસ આપવા તૈયાર થઈ જાય છે. પિતા પાસેથી લખી વિશેની સાચી હકીકત જાણતાં સુરેશ નોટિસનું નાટક કરે છે. અંતે એનો સાળો લખીને મૂકવા આવે છે. મંગળદાનાં આંસુ લખી પોતાની પીઠ પર ઝીલી લે એ દૃશ્ય નર્યું અવાસ્તવિક લાગે છે. બન્ને રચનાઓ પ્રસ્તારી છે અને કુટુંબકથાઓ બનીને રહી ગઈ છે. જેના પરથી સંગ્રહનું નામકરણ થયું છે તે ‘અસૂયા’માં મધ્યવર્ગીય ગૃહિણીની ઊંડી ભાવનાત્મક યાત્રાની વાત છે. આસપાસ સુખની છોળો ઊડતી હોય તેવી સ્થિતિમાં મનોરમા સતત એકલતા અને અજંપો અનુભવે છે. સંતાનો એની સામે જૂઠ્ઠું બોલે છે. તો પતિ ઘેર પણ ઑફિસના કામકાજમાં મશગૂલ રહે છે. પડોશી યુગલની ક્રિયાઓ અને આસપાસનો પરિવેશ એને પીડે છે. રાત્રે બૅડરૂમમાં સૂવાને બદલે એ હૉલમાં સોફા પર જ સૂઈ જાય છે. થોડીવારે પુત્ર આવી લાડ કરે એનાથી સુખનો થોડોક સંચાર અનુભવાય છે. રાત્રે એના વિના સુખેથી સૂઈ ન શકેલા પતિની મનોસ્થિતિ સમજી ગયેલી મનોરમા એની અવગણના કરે છે. એ અનુભવે છે કે ભલે લોકો એની ઉપેક્ષા કરે પણ એમના જીવનના કેન્દ્રમાં તો હું જ છું. દરમ્યાન બહાર ફરવા જતાં પડોશીને જોઈ એના મનમાં અભાવ અને અસૂયાનું સંક્રમણ થાય છે. અસુખ અનુભવતી એ રાત્રે બગીચામાં બેઠી હોય ત્યાં પતિ એક પત્ર લઈને આવે છે; જે એના દ્વારા સગાઈ વખતે લખાયેલો પરંતુ મોકલવાનો રહી ગયો હતો. એ પ્રેમપત્ર વાંચતાં જ મનોરમા પ્રસન્નતાનો અનુભવ કરે છે. બહારથી સુખ પ્રાપ્ત કરવાની એની સઘળી કામનાઓ શાંત થઈ જાય છે. પોતાના ખોળામાં જ સુખ આળોટી રહ્યાની મનોરમાની અનુભૂતિ અને માનસિક પરિવર્તનને લીધે પ્રગટેલો સુખદ અંત વાર્તાને પ્રભાવક બનાવે છે. સમગ્રતયા, ત્રણેય વાર્તાસંગ્રહોમાંથી પસાર થયા પછી કહી શકાય કે પારુલ બારોટની અધિકાંશ વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી છે. આવાં સ્ત્રી પાત્રો વિવિધ વર્ગો, વર્ણો, ક્ષેત્રો અને અલગ અલગ વયજૂથનાં છે. વાર્તાકારના નિજી અનુભવ સંસારમાંથી નિપજી આવેલાં આ પાત્રો આપણી આસપાસનાં ગામ, કસ્બા, નગર અને મહાનગરમાં જોવા મળે તેવાં છે. પિતૃસત્તાક સમાજ અને પુરુષોના આધિપત્ય સામે મક્કમતાથી ઊભી રહી વિપરીત પરિસ્થિતિમાંથી ઉચિત માર્ગ શોધી કાઢતી સ્ત્રીઓની પીડા, યંત્રણા, વિડંબના, આત્માન્વેષણ, સંઘર્ષ, મનોગ્રંથિઓ, પારિવારિક અને સામાજિક વિસંગતતાઓ વગેરેને લેખિકાએ સહજ અને સરળ અપિતુ અસરકારક રીતે આલેખવાનો પ્રયાસ કર્યો છે. નોંધનીય છે કે રચનારીતિ સન્દર્ભે લેખિકાએ પરંપરાગત આલેખનનો માર્ગ અપનાવ્યો છે. પોતે કવયિત્રી હોવાથી વાર્તાની ભાષા, વિશેષતઃ વર્ણનોને તેઓ કાવ્યાત્મક બનાવી શક્યાં છે. ગ્રામજીવનની વાર્તાઓમાં લોકબોલીનો સમુચિત વિનિયોગ જે-તે રચનાને અધિકૃતતા અર્પે છે. તથાપિ, ત્રણેય સંગ્રહોની કેટલીક વાર્તાઓમાં રહેલા વાક્ય-વાક્યાંશોના મુદ્રણદોષો રસક્ષતિનો અનુભવ કરાવે છે. નિષ્કર્ષ : બાર વર્ષના સમયખંડ દરમ્યાન લેખિકાની વાર્તાસર્જનના પડકારને ઝીલવાની મથામણ અને આલેખન તરફની ગતિ ઊર્ધ્વગામી બની રહીછે, તે સાનંદ નોંધવું જોઈએ.
દશરથ પરમાર
વાર્તાકાર, સંપાદક.
મો. ૯૪૨૭૪ ૫૯૩૦૫, ૭૬૯૮૪ ૦૦૨૩૩
Email: dasharth.parmar02@gmail.com