ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મહેન્દ્રસિંહ પરમાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મહેન્દ્રસિંહ પરમાર
પોલિટેક્‌નિક : લેખકનું અહિંસક આંદોલન નીતા જોશી
Mahendrasinh Parmar.jpg

બહુ બધું કહેવું છે, ઉશ્કેરાયા વગર કહેવું છે, તાપ તો શસ્ત્રો અને શાસ્ત્રોનો સરખો પણ માણસ બનીને કહેવું છે. એક બૌદ્ધિકને છાજે એ રીતે કહેવું છે. તડ ને ફડ કહેવું છે છતાં કળાલક્ષી જ કહેવું છે. એવા ખ્યાલ સાથે લેખક મહેન્દ્રસિંહ પરમાર વાર્તાના માધ્યમને કશુંક કહેવાનું ઉત્તમ માધ્યમ ગણે છે. અભિવ્યક્તિની આગવી રીત, કથનરીતિનું વૈવિધ્ય અને વિષયના વ્યાપ સાથે પ્રથમ વાર્તાસંગ્રહ ‘પોલિટેકનિક’ને ૨૦૧૬માં ‘લટૂર’ પ્રકાશન પ્રકાશિત કરે છે. કુલ દશ વાર્તાનો સંગ્રહ અને શક્તિસિંહ પરમારનું બનાવેલું આવરણ જેમાં થપાયેલાં છાણાં ઉપર આંગળીઓની છાપ, છાણાં ઉપર પડતો સૂર્યનો સવારનો તાપ જે ઇંગિત કરે છે કે ભારત એ ગામડાનો બનેલો દેશ છે. ઉર્જાનો ઉદ્‌ભવ કરતી આંગળીઓ ભલે અદૃશ્ય છે પણ ઉપસેલી આંગળીઓની છાપ એ ગ્રામ્ય સ્ત્રીઓના હસ્તાક્ષર છે. અર્પણ પંક્તિમાં લખે છે – ને ‘પોલિટેકનિક’ વાર્તાના પ્રથમ પ્રસારક છે મોટા, પણ કહું નાનાભાઈ : અશોકસિંહ પરમાર અને વાર્તાકાર–સંપાદક : હર્ષદ ત્રિવેદી. પ્રસ્તાવનામાં લેખક વાર્તાની સર્જન પ્રક્રિયા વિશે પોતાની વાત લખે છે. પ્રથમ વાર્તા ૨૦૦૨માં ‘શબ્દસૃષ્ટિ’માં છપાયા બાદ હિમાંશી શેલત ‘નવલિકા ચયન’ ૨૦૦૨ માટે એ વાર્તાનું ચયન કરે છે. ‘ગદ્યસભા’ અને સુ.જો. સા.ફો. સાથેના જોડાણ અને પ્રવૃત્તિની વાતો જણાવે છે. ૨૦૨૦માં નવજીવન ટ્રસ્ટ આ વાર્તાસંગ્રહનું પુનઃ પ્રકાશન કરે છે ત્યારે એનું આવરણ રંગીન અને દીવાલ થાપતી સ્ત્રી સાથેનું છે. આ દ્વિતીય આવૃત્તિ સમકાલીન અનુજોને અર્પણ કરે છે. જેની અંદર કુલ અગિયાર વાર્તા મળે છે. વધારાની વાર્તા ‘બ્લેન્કેટ’ ઉમેરાય છે. સર્જક મહેંન્દ્રસિંહ પરમારનો જન્મ ૨ ઑક્ટોબર ૧૯૬૭ નલિયા, કચ્છ જિલ્લો, અને વતન સુરેન્દ્રનગર પાસે કૂકણા ગામ. શિક્ષણ ભાવનગર વિશ્વ વિદ્યાલયથી અને હાલમાં ભાવનગર યુનિવર્સિટીના ભાષાભવનમાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે. એમના પિતા જાણીતા સાહિત્યકાર તખ્તસિંહ પરમાર પણ પ્રવૃત્તિશીલ વ્યક્તિ હતા. મહેન્દ્રસિંહ પરમાર ૨૦૦૯માં (આસ્વાદ-વિવેચન સંગ્રહ) ‘પ્રથમ’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ. ‘રખડુનો કાગળ’ નિબંધ સંગ્રહ ૨૦૧૬માં પ્રકાશિત થાય છે. અને વાર્તાસંગ્રહ ‘પોલિટેકનિક’ સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૨૦) માટે વિચારણીય કૃતિ તરીકે પસંદ થયો હતો. તેમની કથનરીતિ અને સાંપ્રત સમયને લઈને વધુ ચર્ચિત બની એ ‘પોસ્ટકાર્ડ જેટલી (જ) વાર્તા?’ ‘તથાપિ’ના અંક ૩૯, માર્ચ-મે, ૨૦૧૫માં પ્રકાશિત થઈ હતી. પછી એ એક સ્વતંત્ર સુંદર પુસ્તિકારૂપે ‘પાર્શ્વ’ પ્રકાશન અમદાવાદથી પ્રકાશિત થાય છે. આ વાર્તાની સંઘટના વિશે જયેશ ભોગાયતાની સમીક્ષા તથાપિ માર્ચ-એપ્રિલ-મે, ૨૦૧૭ના અંકમાં મળે છે અને એમાં સમીક્ષક લખે છે – ‘વાર્તાકારે મનુષ્યજીવનની અસ્તિત્વપરક એવી વૈશ્વિક અવસ્થાનું કેન્દ્ર દર્શાવ્યું છે. આ હેતુ સિદ્ધ કરવા માટે બહુપરિમાણી કથનકેન્દ્રની પસંદગી કરી છે. એ બહુપરિમાણી કથનકેન્દ્રની સંરચનાના ઘટકો છે બ્લોગ, પોસ્ટકાર્ડ્‌સ, બ્લોગના પ્રતિભાવકો અને સંક્રમણ માટેની ભાષાનું સ્વરૂપ. આ બધાં ઘટકો વચ્ચેના આંતરસંબંધો વડે કથનકેન્દ્ર નિર્માણ પામ્યું છે. આ બહુપરિમાણી કથનકેન્દ્ર વડે સર્જાતી વાર્તા અનેકની વાર્તા બની છે. એ માતૃભાષા અને વ્યાકરણના વિનિપાતની છે, સંક્રમણ વ્યાકુળ જીગરજાન મિત્રનું અચાનક અદૃશ્ય થઈ જવાથી વ્યથિત ચિત્રાંગના મિત્ર પ્રેમની છે, બ્લૉગના જુદા જુદા પ્રતિભાવકોની માનસિકતાની વાર્તા છે, ભાષા તરફની ઉદાસીનતા અને ભાષાને સાધન ગણનારી ઉપભોગતાવાદી માનસની છે, સુંદર રળિયામણા ગામના સૌંદર્યના વિનિપાતની છે, હિન્દુ-મુસ્લિમની એકતા પર પડેલી તિરાડની છે, ને ખાસ તો ટપાલપેટીના વિનિપાતની છે. વાર્તા છે ઠાલાં ઠાલાં સંક્રમણોના ઘોંઘાટ વચ્ચે ભર્યા ભર્યા સંક્રમણાતુર હૃદયની. સંક્રમણશૂન્યતાના ફેલાતા જતા રણની વાર્તા છે. મનુષ્યજીવનમાંથી સતત વ્યાપક સ્વરૂપે પામતી પરંપરાના મરણની છે. Fb, whatsapp, ટ્‌વીટર, બ્લૉગ જેવાં ડિજિટલ માધ્યમોની આક્રમકતા સામે પોસ્ટકાર્ડનું મરણ એક ચિંતાજનક સાંસ્કૃતિક કટોકટીની વ્યંજનાની આ વાર્તા છે. વાર્તાકારે પોતાના અંતઃક્ષોભનું કળાનિર્માણની તમામ શરતો સાથે જે રીતે રૂપાંતર કર્યુ છે તે રૂપાંતર અભિનંદનને યોગ્ય છે.’ આ વાર્તા વિશે રામ મોરી એમની ફૂલછાબમાં આવતી કોલમમાં આસ્વાદ કરાવે છે. વાર્તાના ગદ્યની પ્રશંસા કરી વાર્તાની એક ટપાલ થકી જ લેખ પૂરો કરે છે. ‘મેળાનો થાક લાગી શકે, લાગતો પણ હોય છે. લખવાનો થાક નથી લાગતો. લખવાનું પણ શું હોય? પોસ્ટકાર્ડ જેટલી જ વાતો! ખબર હોય કે તારા સુધી નહીં જ પહોંચે. ખાતરી હોય કે ક્યારેક તારા સુધી પહોંચશે. ઋતુઓના રંગ, ફૂલોની ગંધ, પંખીઓનો કલશોર, આકાશ, તારા, સમુદ્રો, નદીઓ... આ હમણાં ઊડે છે તે શક્કરખોર... આપણા પોતાનો સૂર્યોદયો, આપણા એકલાનો ચાંદો, બીજું છે શું? બસ આટલું જ. બસ આટલું જ? આ સહજ સ્પર્શ, ઢગભરી પુષ્પો ખરે. સમય રહે કે ન રહે એ એ તે ખરતા રહેશે. હું ખરી જઈશ પછી પણ! ત્યાં સુધી ...ચાલ, નર્મદામાં નહાવા ચાલ...(કે ડૂબવા ચાલ...!) – આ...વ...જે...!’ અને દિલીપ બારડ એમના બ્લૉગ ‘story, just as postcard?’ લખે છે જેમાં પચાસ પૈસાનાં પોસ્ટકાર્ડ અને બ્લૉગની વાતો દ્વારા જુદા જુદા સમયને દર્શાવે છે. વાર્તા પ્રયોગશીલ બની છે. નવજીવન વાચિકમ્‌માં આ કૃતિ એમની ‘મુગલ-એ-આઝમ’ છે કહી વાર્તા પ્રત્યેનો ઉત્કટ ભાવ સર્જકે વ્યક્ત કર્યો છે. કમ્યુનિકેશનનાં સંક્રમણકાળને ક્યાંક નિબંધની શૈલીમાં, ક્યાંક નાટકીય અંદાજમાં કળાત્મક વાર્તા બનાવીને પ્રસ્તુત કર્યો છે. એક જ સમયમાં બે સ્થિતિ સમાંતરે ચાલે છે. જેના કારણે તાર્કિક અને સંવેદનશીલ આ બન્ને સંવેદના હતાશા અને રમૂજનો મિશ્રિત ભાવ સર્જે છે. માતૃભાષાની વાટ લાગવાનો ભય છે અને ગુજરાત, બેંગલોર કે બ્લોગ થકી વિદેશ સુધી connect રહેવાનો આનંદ પણ છે. પતરંગો કે કાળો કોશી ને ગૂગલમાં સર્ચ કરવાનું સૂચન પ્રકૃતિથી વિમુખ થતી પેઢી માટેનો વિષાદ છે. અને શૈલીના પાત્રમાં રહેલું કુતૂહલ આશા જગાવે છે કે નવી પેઢી સાવ પરંપરા વિમુખ નથી. વડલો\ઈકબાલ\ટપાલપેટીનું દૃશ્ય વાર્તામાં જ સ્વતંત્ર નાની વાર્તા બને છે. ટપાલપેટીને આખી વાર્તામાં પ્રેયસી જેટલી મોહક બતાવી છે. વાસ્તવિક અને ભ્રામક જગતને જોડતી આ વાર્તા સાંપ્રત સમયની ઉત્તમ વાર્તા બની રહી છે. ‘પોલિટેકનિક’ એક સશક્ત વાર્તાકારનો પ્રવેશ’ એવા શીર્ષકથી કિરીટ દૂધાત વાર્તાવિષયક વાતો કરી પોતાના નિરીક્ષણો ‘તથાપિ’ માર્ચ, એપ્રિલ, મે ૨૦૧૬ના અંકમાં આપે છે. અને ‘પ્રત્યક્ષ’ સામયિકમાં ‘પોલિટેકનિક – મહેન્દ્રસિંહ પરમાર’ શીર્ષકથી ધીરેન્દ્ર મહેતા લિખિત સમીક્ષા મળે છે.

Polytechnic by Mahendrasinh Parmar - Book Cover.jpg

વાર્તાકાર વાતો વાતોમાં ઘણું કહી દેવાની કળા ધરાવે છે. જેના કારણે સમસ્યાપ્રધાન વાતો હળવી અને રસિક બની રહે છે. વ્યંગ્ય, વિનોદ અને વિષાદને સાથે સાથે ગૂંથી વાર્તા કેવળ મનોરંજનના હેતુથી નહીં નિસબત સાથે રજૂ કરે છે. ‘પોલિટેકનિક’ શીર્ષક વાર્તાનો વિષય ‘ખુલ્લામાં થતી શૌચક્રિયા’ ઉપર છે. આ વિષયને કળાસ્વરૂપે ઢાળવાનું કામ પડકારજનક છે, જે લેખક પૂરી માવજત સાથે એક નહીં, ત્રણ વાર્તાઓમાં ગૂંથે છે. ત્રણેય વાર્તા સ્વતંત્ર છે. રેડિયો ઉપર વિદ્યા બાલનની જાહેરાતનું સૂત્ર ‘જહાં શૌચ વહાં શૌચાલય’નું ઉદ્‌ભવસ્થાન આ વાર્તાઓ હોય શકે! પહેલી વાર્તા પોલિટેકનિકમાં નાના શહેરની વાત માંડે છે. એક રોજિંદી નૈસર્ગિક ક્રિયા માટે સ્ત્રીઓ જે હાડમારી અને મૂંઝવણ અનુભવે છે એ ક્ષોભજનક સ્થિતિનું વર્ણન છે. વ્યવસ્થાતંત્ર સામે રોષ છે. ડેલાની સ્ત્રીઓને કુદરતી હાજતે જવા માટે ઘરમાં શૌચાલય નથી એટલે જવું તો ક્યાં જવું? અને એ સ્ત્રીઓ ઉપાયો શોધી બાજુનું ખેતર, સ્કૂલનું મેદાન, ભીખાની ચાલ, રેલવેના ડબ્બા, ગામ તળાવ, સર્કીર્ટહાઉસની બાજુની દીવાલ, સુલભ શૌચાલય કે પોલિટેકનિકની જગ્યાઓનો ઉપયોગ કરે છે. પોલિટેકનિકમાં છેલ્લે બાકોરું પાડી પેશકદમી કરાવવાની વાત હળવી રમૂજ શૈલીમાં લખીને તંત્ર સમક્ષ રાષ્ટ્રનો પાયાનો પ્રશ્ન સૂચિતાર્થ કર્યો છે. ‘હવે કઈ પોલિટેકનિક’ વાર્તા જેમાં જાતે ને જાતે ઉકેલો શોધતી સ્ત્રીઓ હવે આંદોલન દ્વારા સમસ્યાનો વ્યાપ સરકાર સુધી પહોંચાડવા સક્ષમ બની છે. પ્રશાસન તો ટૂંકમાં બધું આટોપાઈ જાય એવા હેતુથી વચગાળાની રાહત, કામચલાઉ ઉકેલો બતાવે છે પણ એટલાથી સ્ત્રીઓના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હલ થતા નથી. આ વાર્તા સરકારની શિથિલતા અને પ્રજાની વિવશતા તરફ આંગળી મૂકે છે. અને ત્રીજી વાર્તા ઉડણચરકલડી આપણી પરંપરિત માનસિકતાને જુદી રીતે બતાવે છે. જેમાં સુવિધા અને સંવેદનશીલતા આ બન્નેમાં સુવિધાનો વિજય થતો જણાય છે. દીકરી સાસરે જાય પછી એનો પિયર આવવાનો રઘવાટ સર્વ સામાન્ય વાત છે. જ્યારે અહીં દીકરીને સાસરું બહુ ગમી ગયું છે એવું નથી. પરંતુ શૌચાલયની સુવિધા જરૂર એને comfort zoneમાં લાવી દે છે કે પિયર જવા એટલી બેબાકળી બનતી નથી. બદલાતી સમાજ વ્યવસ્થામાં આ વાત પણ હવે સ્વીકૃત કરવી રહી એ સૂચિત છે. એવી જ બૌદ્ધિકોની વિવશતા વ્યક્ત કરતી વાર્તા છે ‘ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ’ વાર્તામાં ઇન્દુભાઈનું ચરિત્ર ચિત્રણ સુજ્ઞ વાચકોને સામે રાખીને રચાયું છે. વાર્તાની તીવ્રતા એ છે કે એક ટોળાનાં ઉન્માદ સામે બુદ્ધિમાન વ્યક્તિ કેવો નિઃશસ્ત્ર બની જાય છે! એ હતાશા કેવળ સર્જકની જ નહીં વિચારશીલ અને વિવેકી જનમાનસની પણ છે. ગાંધી અહીં પણ ક્યાંક પ્રસ્તુત છે. નૈતિક મૂલ્યોનો પરાજય થાય, શાસ્ત્રો સામે શસ્ત્ર વિજેતા બને ત્યારે સમાજ ક્યાં? કે આપણે પહોંચ્યા ક્યાં? એ પ્રશ્ન અહીં રમખાણો, કોમી વિવાદો, બૌદ્ધિક વિચારોની નિરર્થકતા દ્વારા રજૂ થાય છે. ‘ઈસકી મા કા સુંદરજી’ વાર્તાનો ધ્વનિ જ ગાળનો છે. ગાળ, પ્રતિક્રિયાની તીવ્રતા બતાવવા સુંદર રીતે પ્રયોજી છે. વાત અભદ્ર ન બની જાય એ રીતે અહીં વાર્તાકાર કળાનાં મર્મ બહુ સાચવીને સમજાવે છે. હેરકટિંગ સલૂનમાં કામ કરતો છોકરો લશ્કરમાં ભરતી થઈ આતંકવાદનાં સૂપડાં સાફ કરવાના મનસૂબા રચે છે. મહેનતથી છેક ભરતીની છેલ્લી પ્રક્રિયા સુધી પહોંચે છે અને ત્યાં વહીવટી ભ્રષ્ટાચાર સામે નિષ્ફળ જાય છે. જેમ સાપસીડીની રમતમાં કૂકરી સાપના મોંએથી પૂંછડે સડસડાટ નીચે આવે એમ એને ફરી હતો ત્યાંને ત્યાં એ જુએ છે. અદૃશ્ય આતંકવાદ સામે નિષ્ફળ ગયેલો આ યુવાન ગાળ બોલવામાં પણ શિષ્ટતા ગુમાવતો નથી. એ વાચકને વિષાદમાં મૂકવા પૂરતું છે. ‘આઈ.એસ.આઈ.નો હાથ’ આ વાર્તા પણ સામાજિક વ્યવસ્થા, ધર્મનાં દંભ અને તંત્રની પોલ ખોલી આપતી વાર્તા બની છે. ધર્મ અને સંપ્રદાયો પોતાની સત્તા ફેલાવવા જે રીતી નીતિ પ્રયોજે એ વાત માર્મિક બને છે. બોલચાલની ભાષાને સરસ પ્રયુક્ત કરી છે જેમ કે – ‘ચૂંટણી આવે છે ને કંઈક મોરલાવ અંદરખાને કળા કરતા હોય! એમાં આઈ.એસ.આઈ.ની ક્યાં કર છ?’ જેવા સંવાદો કથાને વધુ સજીવ બનાવે છે. અન્ય વાર્તાની સરખામણીમાં કદાચ આ વાર્તા ઓછી પ્રવાહી બની હોય એવું લાગે! ‘સાહેબની શોક્સભા’ નાયકની અંદર ચાલતા આંતરમનની વાતો દર્શાવતી વાર્તા બને છે. પોતાની નબળાઈનો અસ્વીકાર અને અન્યાય સામે વ્યથાઓ ઠાલવતા રહેતા વ્યક્તિની વાત છે. આ વાર્તા સ્વાભાવિક બનતી નથી એવું સતત અનુભવાય. પરંતુ ‘એમ. પી. અજમેરા’ વાર્તામાં વાર્તાકાર સોળે કળાએ ખીલ્યા છે. વાર્તામાં ચૂંટણીની કામગીરીમાં પ્રિસાઇન્ડીગ ઑફિસરની જવાબદારીમાં મૂકાયેલ શિક્ષકની ભય, જવાબદારી અને મુશ્કેલીઓનું વર્ણન છે. વિદ્યાર્થી સામે સર્વેસર્વા રહેવા ટેવાયેલો શિક્ષક જોખમભરી સ્થિતિ આવતાં કેવો બેબાકળો બની જાય છે! અને વર્ગખંડની ભાષા જાહેરજીવનની ભાષા બને ત્યારે કેવી વિનોદભરી સ્થિતિ સર્જે એનો કટાક્ષ આ વાર્તાનું હાર્દ છે. સાથે વિજાણુ ઉપકરણો ઉપલબ્ધ નહોતાં ત્યારનાં ગામડાનું ચિત્રણ પણ એક દસ્તાવેજ જેવું બન્યું છે. એક ઉદાહરણ જોઈએ – ‘પ્રાથમિક શાળામાં મતદાન મથક. છાપરું નામનું. નળિયાં-બળિયાં ઊડી ગયેલાં. લાઇટ મળે નહીં અજમેરાએ ફાનસના – જ્યોતિગ્રામ –અજવાળે મતદાન કુટિર તૈયાર કરી. સુરક્ષાકર્મીની ગેરહાજરીમાં મતપત્રકોની કિંમતી ખજાનાની જેમ, ફરી ફરી ગણતા જાગતા પડતાં રહ્યા. ઉંદરડા આમથી તેમ આંટા માર્યા કરે. રખે ને મતપત્રક કોરી ખાય તો? મોટા મૂષકો ધાડ પાડે તો?’ અહીં ચૂંટણીનો ફફડાટ એક ભીરુ શિક્ષકને કેવો દબાવમાં લાવે એ વાત તો છે જ સાથે મિથ્યા આત્મસન્માનમાં રાચતા શિક્ષકો, મામલતદાર કે કલેક્ટર જેવા હોદ્દેદારોના અવિવેકી અને જોહુકમીભર્યા વ્યવહારો ઉપર પણ વ્યંગ્ય છે. કદાચ આ વાર્તાના આધારે જ હિન્દી ફિલ્મ ‘ન્યુટન’ બની હોય તો નવાઈની વાત નથી! ‘શીર્ષક : હજી નક્કી નથી’ વાર્તામાં નવ્ય સાહિત્ય સર્જન અને ખાસ કરીને વાર્તાશિબિરોમાં થતી ટીકાટિપ્પણ અને વિવેચનની ઇફેક્ટ અને સાઇડ ઇફેક્ટના સંવાદ રચાય છે. વાસ્તવિકતાની સમાંતરે વાર્તા ચાલે છે જે નવી ટેક્‌નિકથી લખાયેલી છે એટલે એક પ્રયોગશીલ વાર્તા બને છે. ‘બ્લૅન્કેટ’ નવી ઉમેરાયેલી વાર્તા છે. એક કલ્પનાનું સુખ અનુભવતા માણસની, રેલવે પરિવેશમાં લખાયેલી અને સજ્જન શબ્દની ઠેકડી ઉડાડતી સળંગ અને સાંગોપાંગ વાર્તા બની છે. પરિક્ષિતલાલની જ નહીં માણસ માત્રની નીતિમત્તાની કસોટી કરે એવી વાર્તા બની છે. માણસની અંદરનો ચોર, વળી આસપાસમાં પણ ચોરના ભાઈ ઘંટીચોર, અને અંદરનો ભીરુ માણસ જે દેખીતી રીતે ઠગ નથી અને પોતાની ઇચ્છાઓ સામે પરાસ્ત થતો દેખાય છે. ટૂંકા રસ્તાઓ શોધી ચતુર બની ગયાનો આનંદ માણે છે. વળી, આ રેલવેનો એવો પ્રવાસ છે જ્યાં સમૂહ અજાણ્યો છે એટલે એને કોઈ જ ઓળખતું નથી એની નિરાંત છે. પરિવાર, પત્ની કે પરિચિત સમાજની બીક નથી. થોડા સમય માટે એ ઇચ્છે એમ કરી લેવા મુક્ત છે. યાત્રી છે એટલે અંદરનાં એકાંતને પૂરતી સુવિધા છે. સ્ત્રીઓને આડકતરી રીતે જોયા કરવાની અનુકૂળતા છે. સ્વાભાવિક અને અસ્વાભાવિક ઇચ્છાઓનો દ્વન્દ્વ એટલે રેલવે યાત્રી ઉર્ફે ‘બ્લૅન્કેટ’ વાર્તાના પી. લાલ. વાર્તાકાર મહેન્દ્રસિંહ પરમારની કથનરીતિની એ વિશેષતા રહી છે કે સામાજિક ચિત્રણ વરવું કે વિકરાળ ન બની જાય એટલે ભાષાનો કુનેહથી ઉપયોગ કરે છે. વાર્તારસ જળવાય એટલે વ્યંગ્યની સાથે સાથે હળવાશથી પ્રસ્તુત થતા રહે છે. કેટલાક આવા ઉદ્‌ગાર અને ભાષાના નમૂનાઓ જોઈએ.

Postcard Jetli J Varta by Mahendrasinh Parmar - Book Cover.jpg

‘સવારમાં ચાર વાગ્યામાં પ્રાતઃકર્મ પતાવી લેવાના દબાણમાં નિશાળની ટાંકીથી જલપાત્ર ભરીને જતા હતા ત્યાં મતપત્રકોની ચિંતા પેઠી. એક થેલીમાં લીધા સાથે. એક હાથમાં જલપાત્ર અને બીજા હાથમાં મતપત્રો! (એમ. પી. અજમેરા), ‘ગાર્ગી, હવે કશું પૂછશો નહીં.’ (ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ), ‘જવાનની વવને સંદેશો આપવાનું કીધું તો કે ‘અપના ખ્યાલ રખના!’ આપણને ‘ટચ’ કરી ગઈ બાઈ. (ઈસકી મા કા સુંદરજી) જેવી ભાષા વાર્તાની બળકટ અભિવ્યક્તિ છે. વાર્તા કાંઈ સમસ્યાઓ મૂકવાનો રિપોર્ટ નથી એ કળાના માધ્યમથી અવાજ આપવાની જગ્યા છે. અને આ આનંદ લેખકે મોકળાશથી ‘પોલિટેકનિક’ વાર્તાસંગ્રહમાં વહેંચ્યો છે. ભલે આંકડાઓની રીતે ઓછી હોય પરંતુ ગુજરાતી સાહિત્યને સશક્ત વાર્તા આપવા બદલ સર્જક મહેન્દ્રસિંહ પરમારને ખૂબ ખૂબ અભિનંદન.

નીતા જોશી
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬
Email : neeta.singer@gmail.com
વાર્તાસંગ્રહ ‘ખુલ્લી હવા’ ૨૦૨૦માં પ્રકાશિત.
૨૦૨૧માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષક જાહેર થયું હતું.
નર્મદ સાહિત્ય સભા, સૂરત ‘નંદશંકર ચંદ્રક’ ૨૦૨૦-૨૧ એનાયત થયેલ.
ટૂંકીવાર્તા ઉપરાંત એકાંકી, નિબંધ, લઘુનવલ, અનુવાદ અને ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકમાં પરિચયાત્મક સમીક્ષા લેખ પ્રકાશિત થયા છે.