ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભી. ન. વણકર
દશરથ પરમાર
સર્જક-પરિચય :
દલિત સાહિત્યની પ્રથમ પેઢીના કવિ, વિવેચક, વાર્તાકાર અને સંશોધક-સંપાદક ભી. ન. વણકર(ભીખાભાઈ નથવાભાઈ વણકર)નો જન્મ પહેલી મે, ૧૯૪૨ના રોજ મહેસાણા જિલ્લાના, વિજાપુર તાલુકાના, સુંદરપુર ગામમાં થયો હતો. એમ.એ., એલ.એલ.બી.ની શૈક્ષણિક કારકિર્દી ધરાવતા તેઓ રાજ્યપત્રિત અધિકારી પદેથી નિવૃત્ત થયા છે. તેઓ દલિત સાહિત્યની કૃતિઓની તટસ્થતાપૂર્ણ વિવેચના કરનાર એકમાત્ર પૂર્ણ સમયના વિવેચક છે. બે વાર્તાસંગ્રહો – ‘વિલોપન’ અને ‘અંતરાલ’, ચાર કાવ્યસંગ્રહો, બે કાવ્યાસ્વાદસંગ્રહો, એક લઘુકથાસંગ્રહ, એક નિબંધસંગ્રહ, એક રેખાચિત્રસંગ્રહ, એક સંતચરિત્ર, બે સંપાદનો અને છ વિવેચનસંગ્રહો એમ એમનાં કુલ વીસ પુસ્તકો પ્રગટ થયાં છે. તેમને બે એવૉર્ડ પ્રાપ્ત થયા છે : એક, રાજસ્થાન સાહિત્ય અકાદમી પ્રેરિત ગુજરાત સાહિત્ય સંગમનો ‘આંતરભારતીય સાહિત્ય-બંધુત્વ નારાયણ ગુરુ એવૉર્ડ’ (૨૦૦૧) અને બીજો, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૪-૦૫નો ‘સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવૉર્ડ’.
કૃતિ-પરિચય :
(૧) વિલોપન (૨૦૦૧, પ્ર. આ.) :
ભી. ન. વણકરના પ્રથમ વાર્તાસંગ્રહ ‘વિલોપન’માં કુલ ૧૪ વાર્તાઓ છે. આ સંગ્રહ પોતાનાં સહોદરોને અર્પણ કર્યો છે. ‘સમાજલક્ષી વાર્તાઓનો વંટોળ’ શીર્ષકથી દલપત ચૌહાણે પ્રસ્તાવના લખી છે. ‘મારી વાર્તા-યાત્રા’ અન્તર્ગત લેખકે કહ્યું છે કે, ‘જે સમાજમાં હું જન્મ્યો છું, જીવ્યો છું, જોયું છે, અનુભવ્યું છે – તે અદ્ભુત છે, અનન્ય છે. દલિત સમાજનું જીવાતું જીવન વિશિષ્ટ, મૌલિક, સમૃદ્ધ છે. એને આલેખવા દલિત સાહિત્યને તેના મેઘાણીની જરૂર છે.’ સંગ્રહની તમામ રચનાઓમાં વિવિધ દલિત સમસ્યાઓ કેન્દ્રસ્થ કરી, કલાકીય ધોરણો જાળવીને આલેખન થયું છે, જેમાંથી સવર્ણો દ્વારા થતાં દલિત સમાજનાં શારીરિક, આર્થિક, રાજકીય અને સામાજિક શોષણનાં એકાધિક સ્વરૂપો જોવા મળે છે. ‘વિલોપન’માં લેખકે આર્થિક અને સામાજિક સમસ્યાઓથી ગ્રસ્ત દલિત યુવાન ઇસલાની અવદશાની મશે દલિત સમાજનું શોષણ કરતાં જાતિવાદી પરિબળોને ખુલ્લાં પાડ્યાં છે. અન્તે આત્મવિલોપન કરી લેતો ઇસલો દલિત સમાજના યુવાનોનો પ્રતિનિધિ બનીને ઊભરી આવે છે. એની હૃદયવિદારક વેદનાની વાત વ્યંજનાપૂર્ણ રીતે રજૂ થઈ છે. ‘ગોરું ચંદન’ શહેરમાંથી વતનમાં આવેલાં રામીબેનને, બસસ્ટૉપ પાસે મળેલા સવર્ણ યુવાન કચરાની અસ્પૃશ્યતાવિષયક ક્રિયાથી લાગેલા આઘાત-પ્રત્યાઘાતની વાર્તા છે. દૂધ ઢોળાવાની ઘટનાને લીધે દલિત કાનજી પ્રત્યેના કચરાના વર્તનથી શિક્ષિત-સંવેદનશીલ રામીબેન વધુ વિચલિત થઈ ઊઠે છે. કચરો નાનો હતો ત્યારે એમણે એને અસાધ્ય વરાધના ઇલાજ તરીકે પોતાના ધાવણમાં ઓગાળીને ગોરમટ(ગૌચંદન) પીવડાવેલું. એની મા રૂખીનું ધાવણ સૂકાઈ ગયું હોવાથી સ્તનપાન પણ કરાવેલું. પોતાના દીકરા લાલિયાના મોતનું કારણ બનેલા શિક્ષિત કચરા તરફથી થયેલી અમાનવીય વર્તણૂક રામીબેનને ભીતર-બહારથી પીડે છે, જે એમની સ્મૃતિઓ રૂપે આલેખાયું છે. સાંપ્રત શિક્ષણવ્યવસ્થા સામે નિરાશાનો ભાવ અનુભવતાં તેઓ વાર્તાન્તે ઘેર આવી, તિજોરીમાં મૂકી રાખેલા જીવનરક્ષક ગોરમટનો બહાર ઘા કરતાં વિચારે છે કે, ‘આના કરતાં તો મેં એને ગોરું ચંદન ના પિવડાવ્યું હોત તો?’ એમના માટે પુત્રના મોતનો નહીં, પરંતુ સામાજિક વૈષમ્યએ આપેલો આઘાત અસહ્ય છે. ‘સાયક્લોન”માં પ્રધાન સૂર શિક્ષિત અને બૌદ્ધિક દલિત પતિ-પત્નીની ભિન્ન વિચારધારા, સવર્ણ યુવતીનો દલિત યુવક પ્રત્યેનો પ્રેમ અને બલિદાન, જડ સમાજનો સંવેદનશીલ નાયકના આંતર-બાહ્ય પર થતો કુઠારાઘાત અને અંતે એમાંથી ઉદ્ભવતી વેદનાનો છે. કથાપ્રવાહને એક બિંદુએથી આરંભીને બીજા બિંદુ સુધી પહોંચાડીને એક નવું પરિમાણ પ્રગટાવવા માટે લેખકે પત્રો અને સ્વપ્નદૃશ્યોનો આધાર લીધો છે, જે વાર્તાને ઘણી બધી રીતે ઉપકારક નીવડે છે. તદ્નુસાર પ્રયોજાયેલાં સંબોધનો, ક્રિયાપદો, વિશેષણો અને ક્રિયાવિશેષણો થકી પણ વાર્તાને એક સહજ ગતિ અને લય પ્રાપ્ત થયાં છે. ‘હરિ ઓમ શરણ’માં મૃત્યુશય્યા પર પડેલા માધોભા બ્રાહ્મણવાદે ઠસાવી દીધેલી ધાર્મિક માન્યતાઓને પરિણામે ઉદ્ભવેલી દલિતો પ્રત્યેની સૂગ અને ધિક્કારને અંતકાળે પણ ભૂલી શકતા નથી. ભિન્ન માન્યતાઓ ધરાવતા દીકરા મગન સાથે આશ્રમમાં લીધેલું ભોજન માધાભાના ઉચાટનું મુખ્ય કારણ છે. ભૂતકાળમાં ઘટેલી એક ઘટનાનું પ્રાયશ્ચિત્ત તો તેઓ કરી ચૂક્યા છે. પરંતુ, આ વખતે એ શક્ય નથી બનતું અને ગામલોકોની દૃષ્ટિએ આચાર-વિચારના ચોખ્ખા અને ધર્મભીરુ માધોભા ઊંઘમાં જ મૃત્યુ પામે છે. માધાભાના પાત્ર દ્વારા લેખકે સમગ્ર સવર્ણ સમાજની સંકુચિત અને બેવડાં વલણવાળી વિચારધારાને ખુલ્લી પાડી છે. દશેરાના દિવસે ઉજવવામાં આવતી પ્રથા ‘ધારાવઈ’માં દૂધ-દારૂની ધાર કરી, વણકરો દ્વારા સૂતરના તારને ગામ ફરતે બાંધી પ્રદક્ષિણા કરવામાં આવે છે. કરશન ડોસાનો શિક્ષિત દીકરો મેઘનાથ પૂર્વે આ પ્રસંગે અપમાનિત થયો હોઈ કાયમ માટે ગામ છોડી ગયો છે. ડોસા રાહ જુએ છે. પણ એ આવતો નથી. સરપંચનો મોકલ્યો વાળંદ આવે છે. દીકરાના શબ્દો ‘બાપા, હવે છોડો આ બધું. આ કામ આપણું નથી..!’ સાંભરી આવતાં ડોસા વાળંદની સાથે જવાને બદલે આવનારી આપત્તિનો સામનો કરી લેવાની તૈયારી સાથે સાળમાં ગોઠવાઈ જાય છે. અહીં, દલિત સમાજમાં બદલાતા જતા સમયનું અને પ્રથાભંજક યુવાન પુત્રની સાથોસાથ વૃદ્ધ પિતાની પલટાયેલી મનોસ્થિતિનું આલેખન થયું છે. નારીપ્રધાન વાર્તા ‘વંટોળ’માં વગડાને વહાલ કરતી અને પોતાનું આંબાવાડિયું સાચવતી સ્વપ્નદર્શી જીવલી તરસ લાગતાં શંભુના કૂવે પાણી પીવા જાય છે. લાગ જોઈ લાજ લૂંટવાનો પ્રયાસ કરતો શંભુડો જીવલીના વળતા પ્રહારથી ભાગી જાય છે. પરંતુ પાછળ રહી ગયેલો ફતેસંગ જીવલીએ કૂવો પૂરીને અભડાવ્યો-ની અફવા ફેલાવે છે. વાસલોકો વગડે આવે છે. દરમ્યાન ગામલોકો દ્વારા વાસ સળગાવી દેવામાં આવે છે. જીવલી ત્રાડ પાડી, ઘૂઘવતા વંટોળની માફક દોટ મૂકી વગડેથી વાસ તરફ ધસી જાય છે. અન્ય દલિત વાર્તાઓની ગભરુ દલિત નાયિકાઓની સરખામણીમાં શોષકોનો એકલા હાથે પ્રતિકાર કરતી નીડર જીવલી નોંખી તરી આવે છે. અન્ય રચનાઓ ‘વતન’, ‘આવિષ્કાર’, ‘કાળી ટીલી’, ‘પગ’, ‘ઓઝટવા’, ‘લક્ષ્મણ-રેખા’, ‘પૂર્વજોપનિષદ’, ‘હજુ, હરણિયુંય આથમ્યું નથી’માં પણ મુખ્યત્વે દલિત સમસ્યાઓ કેન્દ્રમાં છે. દલપત ચૌહાણ લખે છે કે, ‘આ વાર્તાઓ સંપૂર્ણ સમાજલક્ષી છતાં કલાપક્ષને સબળતાથી રજૂ કરી અને દલિત સાહિત્યમાં દલિત વાર્તાના નવા માનદંડ-માપદંડમાં ઉમેરો કરી, દલિત પરિવેશ, દલિત સ્થળકાળ, ઘટના, આક્રોશ, વિભાવનાને સમાધાનીપૂર્વક રજૂ કરે છે.’ સંગ્રહની પ્રથમ વાર્તા ‘વિલોપન’ ૧૯૮૬માં પ્રગટ થઈ અને અંતિમ વાર્તા ‘વંટોળ’ ૨૦૦૧માં. આમ, ૧૫ વર્ષના સમયગાળામાં લેખકની દલિત વાર્તા વિશેની સમજ સ્પષ્ટ થતી અનુભવાય છે. દલિત જીવનના અનુભવોનું તાટસ્થ્યપૂર્ણ આલેખન, રચનારીતિ, વિષયવૈવિધ્ય, ભાષા-બોલીનો સમુચિત વિનિયોગ વગેરે જોતાં ‘વિલોપન’ નોંધપાત્ર વાર્તાસંગ્રહ બની રહે છે.
(૨) અંતરાલ (૨૦૧૯, પ્ર. આ.) :
‘અંતરાલ’માં કુલ ૧૫ વાર્તાઓ છે. ‘સામાજિક અવ્યવસ્થાઓ સામે રોષ વ્યક્ત કરતી વાર્તાઓ’ શીર્ષકથી મોહન પરમારે પ્રસ્તાવના લખી છે. પરિશિષ્ટમાં સંગ્રહની સાત વાર્તાઓ – ‘અંતરાલ’, ‘સન્મતિ’, ‘પુનઃ અવતરણ’, ‘આંબાવાડિયું’, ‘વિટમણા’,‘ ગોરોચન’ અને ‘તરફડાટ’ વિશેના આસ્વાદ લેખો છે. ‘અંતરાલ’માં પ્રમુખ ઘટના છે, બે યુવાનપાત્રોની મુલાકાતો અને અંતે અલગ દિશામાં ફંટાઈ જવાની વક્રતા. અહીં યુવાન હૈયાંની પ્રણયકથા નિમિત્તે સવર્ણ સમાજમાં પ્રવર્તતી માનસિક રુગ્ણતા તરફ અંગુલિનિર્દેશ થયો છે. નગરજીવનમાં વસતાં શિક્ષિત યુવાન પાત્રોનું; અસ્પૃશ્યતાના સૂક્ષ્મ મનોગ્રહમાંથી સ્થૂળ અંતરાલમાં થયેલું રૂપાંતર રસપ્રદ બન્યું છે. ‘જાસૂદનું ફૂલ’માં ભાઈ-બહેનના હેત અને સ્મરણોની પશ્ચાદભૂમાં રહેલાં જાતિવાદી વલણો આલેખાયાં છે. ચોમાસામાં રમતાં-રમતાં એરું આભડવાને લીધે મૃત્યુ પામેલા પાનબાઈના ભાઈ જીવાને જાસૂદનું ફૂલ અતિપ્રિય હોવાથી એણે તુલસીક્યારામાં જાસૂદનો છોડ રોપ્યો હતો. જીવાના જન્મદિવસે જ તાજાં ખીલેલાં ફૂલ એની છબી આગળ મૂકી તર્પણ કરવા પાનબાઈ હરખઘેલી બની છે. પરંતુ, તાકડે જ ફૂલ ગાયબ! ફૂલ ચોરી જતો પૂજારી અને શાળામાં પાનબાઈને અપમાનિત કરતો એનો પુત્ર – બન્ને પ્રસંગોની સહોપસ્થિતિ વડે બ્રાહ્મણવાદી વંશપરંપરાગત માનસ ઉપસ્યું છે. ‘સન્મતિ’માં કોમી રમખાણો દરમ્યાનની એક અદના દલિતની મનોસ્થિતિનો આલેખ છે. અસ્વસ્થ પરિવારજનોની ઉપરવટ જઈ ઘરમાં સંતાયેલા અજાણ્યા શખ્સને એના વિસ્તારમાં મૂકવા જતા રમણલાલ વાર્તાન્તે હેમખેમ પરત ફરે છે, એ ચરમ ક્ષણોનું સુંદર આલેખન થયું છે. રમણલાલની નીડરતા, ભયજનક માહોલ અને અન્ય પાત્રોની અવઢવ વગેરે નિરાંતે આલેખીને લેખકે રમણલાલના મનમાં વિધર્મી પ્રત્યે વૈમનસ્યને બદલે વિશ્વાસ, કરુણા અને સમભાવ જેવા માનવીય ગુણોને પ્રસ્થાપિત કર્યા છે. ‘ગોરું ચંદન’ વાર્તાનું સ્મરણ કરાવતી ‘ગોરોચન’માં સામાજિક સમરસતાનો મુદ્દો આલેખન પામ્યો છે. ભક્તિને લીધે ભેદભાવ ભૂલી, સમાનતાની આહલેક પોકારતા શિવા મુખી અને ગોરા ભગતની જાણીતી મૈત્રીનું ઉમદા પરિણામ મુખીની ગામસરણી વખતે જોવા મળે છે. દલિતો પ્રત્યેના પૂર્વગ્રહથી પીડાતા શહેરી દીકરા મથુરના વિપરીત વર્તનથી આઘાત પામેલાં મુખી અને ગંગાબા ભજન દરમ્યાન ઢળી પડે છે. આ ઘટના આકસ્મિક કે અપ્રતીતિકર લાગે, પરંતુ એ માટે પુત્રને નિમ્ન કક્ષાની માનસિકતામાંથી મુક્ત ન કરી શકવાની એમની વિફળતા જ કારણભૂત છે. ‘તરફડાટ’માં કથાનાયક વિનુ અને ત્રિકમ – બે મિત્રોની વર્ષો પછીની મુલાકાત દરમ્યાનની વાતચીતમાંથી અસ્પૃશ્યતાનું અલગ રૂપ જોવા મળે છે. સવર્ણ ત્રિકમ માને છે કે, એની દીકરી રીવાએ ભાગીને કોઈ નીચલી જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરી લીધાં છે. એ છોકરો પોતાની જ જ્ઞાતિનો છે, એવું વિનુ પાસેથી જાણ્યા પછી ત્રિકમ રાજી થવાને બદલે ઉશ્કેરાઈ જાય ત્યાં તેનું જાતિવાદી માનસ છતું થાય છે. ભમરીના તરફડાટના પ્રતીકથી દલિત નાયક વિનુની વેદનાનું સબળ સંધાન રચાય છે. આ ઉપરાંત ‘વિટમણા’માં સમાજમાં પ્રવર્તી રહેલી અવ્યવસ્થા, ‘લીમડામાં એક ડાળ મીઠી’માં અનામત વિરોધી રમખાણોની વચ્ચે પાંગરી રહેલા પ્રેમની વાત અને ‘સમી સાંજનું શમણું’માં અભાવગ્રસ્ત દલિત વૃદ્ધને સમી સાંજે આવેલું સપનું આલેખાયું છે. ‘ગોઠડી’માં મોટી ઉંમરે મળેલા બે બાળગોઠિયાનો નિર્દોષ વાર્તાલાપ, ‘પંખીવછોયો આંબો’માં નિવૃત્ત થયા પછીની વૃદ્ધ નાયકની કરુણ નિયતિ અને ‘પુનઃ અવતરણ’માં ગ્રામજીવન, મા-દીકરાનો સ્નેહ અને પ્રકૃતિનાં સુંદર રૂપ નિરૂપાયાં છે. તમામ ૨૯ વાર્તાઓમાંથી પસાર થયા પછી એવા તારણ પર પહોંચી શકાય કે ‘વિલોપન’ની વાર્તાઓમાં સામાજિક અસમાનતા અભિવ્યક્ત થઈ હતી, જ્યારે ‘અંતરાલ’માં સામાજિક અસમાનતા સામે દલિત પાત્રોનો પ્રસંગાનુરૂપ વિદ્રોહ વ્યક્ત થયો છે. બન્ને સંગ્રહમાં વિવિધ દલિત સમસ્યાઓને કેન્દ્રસ્થ કરી દલિતોની પીડા, વેદના, ગરીબી, અસ્પૃશ્યતા, અન્યાય, અસમાનતા આદિનું સફળતાપૂર્વક આલેખન થયું છે. તેમનાં દલિત પાત્રો ક્યાંક શોષક વર્ગને પાઠ પણ ભણાવે છે. જો કે, ‘વિલોપન’ની સરખામણીએ ‘અંતરાલ’ની કેટલીક રચનાઓમાં સર્જક માત્ર કથાવસ્તુને સ્પર્શીને રહી ગયા હોઈ કલાપક્ષ નબળો પડતો અનુભવાય. બન્ને સંગ્રહના આધારે સર્જકની શુદ્ધ દલિત વાર્તાકાર તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ છે, જેને નકારી શકાય એમ નથી. વિષય અને કલાપક્ષ બન્ને દૃષ્ટિએ ગુજરાતી દલિત વાર્તાની વાત કરતી વખતે તેમની કેટલીક વાર્તાઓનો અનિવાર્યપણે ઉલ્લેખ કરવો પડશે. આ અર્થમાં ભી. ન. વણકર મહત્ત્વના વાર્તાકાર બની રહે છે.
દશરથ પરમાર
વાર્તાકાર, સંપાદક. ક્યારેક કૃતિલક્ષી સમીક્ષા.
અભ્યાસ : એમ.કૉમ., એમ.એ.(ગુજરાતી)
વ્યવસાય : એલ.આઈ.સી. ઑફ ઇન્ડિયા, વિસનગર શાખામાં કમ્પ્યૂટર પ્રોગ્રામર.
પ્રકાશિત પુસ્તકો
વાર્તાસંગ્રહ
૧. ‘પારખું’ (૨૦૦૧)
૨. ‘બે ઇ-મેઈલ અને સરગવો’ (૨૦૧૩)
૩. ‘દરબારગઢની બીજી મુલાકાત’ (૨૦૨૩)
સંપાદન : ‘મોહન પરમાર અધ્યયન ગ્રંથ – ૨’ (નવલકથા, એકાંકી, વિવેચન)
મો. ૯૪૨૭૪ ૫૯૩૦૫, ૭૬૯૮૪ ૦૦૨૩૩
Email: dasharth.parmar૦૨@gmail.com