ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મધુ રાય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
‘વસ્તુતઃ એ એક ટેક્‌નિક છે, ડિયર!’
– મધુ રાયની અગ્રંથસ્થ વાર્તાઓ

અભિમન્યુ આચાર્ય

Madhu Ray.jpg

કૉલમકાર મધુસૂદન ઠાકર ઉર્ફે મધુ રાયને રેગ્યુલર વાંચતા લોકોને એમ હશે કે મધુ રાય કૉલમો સિવાય કંઈ લખતા નથી. રોંગ! નહિ નહિ તો છેલ્લા દોઢ-બે દાયકાથી મધુ રાય રેગ્યુલરલી વાર્તાઓ લખે છે. વી હેવ પ્રૂફ! મારી પાસે મધુ રાયની છવ્વીસ અગ્રંથસ્થ વાર્તાઓ આવી છે. આ છવ્વીસ વાર્તાઓ અલગ અલગ સામયિકોમાં પ્રગટ થઈ છે, પણ કોઈ પુસ્તકમાં હજી સુધી એકસાથે આવી નથી. એવું કહેવાય છે કે દરેક લેખક ત્રણ તબક્કામાંથી પસાર થાય છે : મુગ્ધ તબક્કો, સૂર્ય મધ્યાહ્ને તપતો હોય એવો મિડલફેઝ, અને છેલ્લો તબક્કો જ્યારે લેખક તેની ફોર્મર સેલ્ફનો પડછાયો માત્ર બનીને રહી જાય છે. પણ મધુ રાયનો દરેક વાર્તાસંગ્રહ વાંચતી વખતે મને એવું લાગ્યું છે જાણે આ લેખક આ ત્રણે તબક્કાઓમાં એકસાથે રાચે છે. તેમના અત્યાર સુધીમાં પ્રગટ ચાર વાર્તાસંગ્રહો – ‘બાંશી નામની એક છોકરી’, ‘રૂપકથા’, ‘કાલસર્પ’, અને ‘કઉતુક’ (જોકે ‘કઉતુક’માં ઘણી વાર્તાઓ આગળના સંગ્રહોમાંથી રિપીટ થયેલી છે) – બધામાં ઉત્કૃષ્ટ વાર્તાઓની સાથે જ ઉતાવળે લખાયેલી, અર્ધી-પર્ધી પકવેલી વાર્તાઓ પણ છે અને શક્યતાઓથી ભરપૂર વાર્તાઓ પણ છે. આ છવ્વીસ અગ્રંથસ્થ વાર્તાઓમાં પણ આ ત્રણે પ્રકારની વાર્તાઓ જોવા મળે છે. આફરીન પોકારી જઈએ એવી, ‘થોડું સુધારીને લખી હોત તો ઓર મજા આવત’ એવી, અને બેસવા જઈએ ને કોઈએ નીચેથી ખુરશી ખેંચી લીધી હોય એવી ય. છવ્વીસે છવ્વીસ વાર્તાઓની વાત કરવી તો શક્ય નથી. સ્થળ-સમયનો સંકોચ, એટ સેટરા. પણ આ વાર્તાઓનું વર્ગીકરણ કરીને દરેક વર્ગની પ્રતિનિધિ વાર્તાઓ વિશે જરૂર વાત કરી શકાય. આ વાર્તાઓને પાંચ વિભાગમાં વહેંચીએ :

૧) હરિયાજૂથની વાર્તાઓ – ૬
૨) કેશવ ઠાકર જૂથની વાર્તાઓ – ૩
૩) ઓટો-ફિક્શન પ્રકારની વાર્તાઓ – ૨
૪) વાર્તા વિશેની વાર્તાઓ – પ
૫) ‘રેગ્યુલર’ વાર્તાઓ – ૧૦

હરિયાજૂથની વાર્તાઓ

મધુ રાયના જૂના વાચકો હરિયાને જાણે છે. જે નવા વાચકો છે એમને પરિચય આપી દઈએ : હરિયો મધુ રાયનું સર્જેલું એક ભલું-ભોળું પાત્ર છે. ફર્સ્ટ ટાઇમ આપણે તેને ‘રૂપકથા’ સંગ્રહમાં મળેલા. હરિયો ગુજરાતી લિટરેચરની કેનનમાં ‘કાન’ અને ‘ઇંટોના સાત રંગ’ થકી જાણીતો છે. હરિયાજૂથની વાર્તાઓ જરાય અઘરી નહિ. ન ભાષા, ન કહેણી, ન પાત્રો, ન વિષયવસ્તુ. ઘીથી લથબથ શીરાની જેમ ગળા નીચે ઊતરી જાય. પાછી આ વાર્તાઓ ફની ય ખરી. હસવું તો ચડે જ, પણ વાંચતાં વાંચતાં આપણને એવું થયા કરે કે હરિયો કેવો ભોળો છે, કેવો સતયુગનો માણસ છે. અને સાથે સાથે તેની ચિંતા સતાવ્યા કરે, કે આ દુનિયા બિચારાને ઠગી ન લે. હરિયાજૂથની વાર્તાઓમાં અમુક રીકરીંગ પાત્રો છે. એક તો છે ભગવાન. યસ, હરિયા જેવા સાફ દિલના માણસો સાથે ભગવાન ડાયરેક્ટ વાત કરતા રહે છે. મધુ રાયની વાર્તાસૃષ્ટિ જાણે આપણને કહેતી હોય – હરિયા જેવું સાફ દિલ રાખો, તો ભગવાન તમારી સાથે ય વાત કરશે. ખેર, તો એક ભગવાન છે. બીજી છે હરિયાની વહુ. ત્રીજું છે પુષ્પક વિમાન, જેમાં બેસીને હરિયો દેશોમાં અને દુનિયાઓમાં અને યુગોમાં સફર કર્યા કરે છે. તો કેવી છે આ છ હરિયાજૂથની અગ્રંથસ્થ વાર્તાઓ? ઓનેસ્ટલી, મને તો બહુ ન જામી. આ છ વાર્તાઓમાં સૌથી વધારે એવું લાગે છે જાણે મધુ રાયની વાર્તાસૃષ્ટિ તેમની ફોર્મર સેલ્ફનો પડછાયો બનીને રહી ગઈ છે. આ છ વાર્તાઓમાં છે ‘હરિભાઈનું હાર્ટ’, ‘અલીબાબાટ, ‘છગન મગન તારા છાપરે લગન’, ‘ટેબલ એપલ પેની’, ‘પેસમેકર’, અને ‘વશ્તુ શુ છે ની કે’. નહિ ગમેલી વાર્તાઓથી લેખની શરૂઆત કરવાનો ઇરાદો એટલો જ કે છેવટે ગમતી વાર્તાઓની વાત નિરાંતે કરી શકાય. જમણવારમાં જેમ નહિ ભાવતી વસ્તુ પહેલાં ખાઈને એને ‘આઉટ ઑફ ધ વે’ કરી દઈએ એમ જ, જેથી લાડુ ને લાપસી નિરાંતે આરોગી શકાય. ‘હરિભાઈનું હાર્ટ’ વાર્તામાં હરિયાને હમેશની જેમ પ્રશ્ન થાય છે, અને ભગવાન એ પ્રશ્ન સોલ્વ કરવાના બહાને હરિયાને વધુ ગોટે ચઢાવે છે. હરિયાનો પ્રશ્ન છે કે, ‘અધ્યાત્મ શું છે, અને માણસ મરી જાય પછી એનું શું થાય?’ ભગવાન એને સમજાવે છે કે, “માણસ પોતાનો સંસાર ચલાવવા સ્વર્ગ ને નરક, વિજ્ઞાન ને અધ્યાત્મ, વગેરે બધું ચલાવ્યા કરે છે. પોતાની સમજણ પ્રમાણે ‘સાચું’ ને ‘ખોટું’, ‘સારું’ ને ‘ખરાબ’ રમ્યા કરે છે. પણ આ બધાથી પર થવું એ જ અધ્યાત્મ છે.” અને આ પ્રકારની સમજણ મળી એ પણ હરિયાને ઘડી કાઢેલી મનઘડંત સમજણ સિવાય કશું નથી. ઈન શોર્ટ, જે જવાબ મળ્યો છે એ પણ ‘એબ્સલ્યૂટ ટ્રુથ’ છે એવું હરિયાએ માનવું નહિ. જેમ વાર્તાના અંતે હરિયાના હાથમાં કશું આવતું નથી, એમ વાચકના હાથમાં પણ ‘બધું ભગવાનની લીલા છે અને માણસનું મન આ લીલા સમજવા માટે બહુ નાનું છે’ આવા એક ચિંતનાત્મક મેસેજ સિવાય ખાસ આવતું નથી. સેમ-ટુ-સેમ વસ્તુ હરિયાજૂથની બીજી વાર્તા ‘છગન મગન તારા છાપરે લગન’માં પણ થાય છે. પુષ્પક વિમાનમાં બેસીને હરિયો ભારતથી ઑસ્ટ્રેલિયા પહોંચી જાય છે, અને વર્તમાનમાંથી ભવિષ્યમાં, ત્યાંથી ફરી વર્તમાનમાં, અને ઈવન અણુથી ય નાના પરમાણુની સૂર્યમાળામાં આંટો મારી આવે છે. આટઆટલી ઉડાનો કરે છે હરિયો, અંતે બસ એટલું જ સમજવા કે દુનિયા બહુ વિરાટ છે, અને નાના એવા પરમાણુની ય પોતાની સૂર્યમાળા હોય છે, અને વિરાટમાં વિરાટ એવી ગેલેક્સીઓની પણ હોય છે, અને માણસનું પૃથ્વી પર હોવું એ પરમાત્માની અકળ લીલાનો એક પરમાણુ જેટલો જ નાનકડો ભાગ છે, નથીંગ મોર. આ બધી ઉડાનોમાં પહેલી વાર ચાટપાપડી ખાઈએ ત્યારે મજા પડે એવી ચટાકાસભર મજા જરૂર આવે છે. પણ એનું નાવીન્ય ઓસરી જાય પછી શું, એવો પ્રશ્ન જરૂર થાય. વિજ્ઞાન અને સાયન્સ-ફિક્શન જેમની વાર્તાઓમાં રેગ્યુલરલી દેખા દે છે એવા મધુ રાય આપણા એકલૌતા લિટરરી લેખક છે. તેમની ‘કલ્પતરુ’ નવલકથા સમય કરતાં આગળ હતી, અને તેનું ખરું મૂલ્યાંકન હજી નથી થયું એવું લાગ્યા કરે છે. આ આડવાત એટલા માટે કે અણુ અને પરમાણુ અને ગેલેક્સીની વાર્તાઓ બાદ સાયન્સ ફિક્શનની બીજી એક વિધા – સબટાઇપ – છે મેડિકલ પ્રોસીજર થકી થતા વિજ્ઞાનના નવા આવિષ્કારો, અને મધુ રાયે એની પણ વાર્તા કરી છે. ‘ટેબલ એપલ પેની’માં આવા એક મેડિકલ પ્રોસીજર દ્વારા થતા આવિષ્કારની વાત છે. હરિયાને ઉંમરને કારણે વારંવાર ભૂલવાની ટેવ છે. Split DNAની નવી વૈજ્ઞાનિક પદ્ધતિ થકી શરીરમાં બધું બદલી શકાય છે. હરિયો તેની સ્મૃતિ બદલવાનું નક્કી કરે છે. હરિયાની વહુને પણ મેડિકલ પ્રોસીજર માટે એ લઈ આવે છે. પણ હરિયો એ વાતથી આંચકો ખાય છે કે હરિયાની વહુ સ્મૃતિ નહિ, પણ પોતાનો ચહેરો બદલે છે. વાર્તા આટલેથી જ અટકી જાય છે. પણ આ વાર્તા રસપ્રદ ત્યારે બનત જ્યારે મધુ રાય વાતને અહીંથી આગળ લઈ ગયા હોત. ચહેરો બદલાયો પછી પતિ-પત્નીના સંબંધોમાં શું ફરક આવ્યો? ફરી સતેજ થયેલી સ્મૃતિની હરિયાના અંગત જીવનમાં શું અસરો થઈ? આ બધા પ્રશ્નો સાથે વાર્તાએ બાથ ભીડી હોત તો આ વાર્તા માત્ર નાની એવી ‘પ્રીમાઇસ’થી આગળ વધી શકી હોત. હરિયાજૂથની આ છ વાર્તાઓમાંથી મને અંગત રીતે ગમેલી વાર્તા છે ‘પેસમેકર’. ઉંમરને કારણે હરિયો હૃદયમાં પેસમેકર મુકાવે છે. પણ એની વિચિત્ર અસરો એને મૂંઝવે છે. પેસમેકર મુકાવ્યા પછી હરિયાને જાતીય વિચારો સતાવે છે, એ પણ સતત. અને ગિલ્ટમાં ને ગિલ્ટમાં એ પરવરદિગાર સાથે વાત કરે છે. ભગવાન હરિયાને અશ્યોર કરે છે કે ઇટ્‌સ ઓકે. વિચારો આવે એમાં કશું ખોટું નથી, એ તો ‘બટ નેચરલ’ છે. જ્યાં સુધી મનમાં ઉદ્‌ભવતા દરેક વિચાર પર એક્ટ ન કરીએ ત્યાં સુધી વાંધો નહિ. આ વાર્તા ગમી એટલા માટે કારણ કે આ વાર્તામાં હરિયાની મૂંઝવણ કોઈ એબ્સ્ટ્રેક્ટ સવાલ સાથે જોડાયેલી નથી (અધ્યાત્મ એટલે શું?), પણ પોતાની બહુ જ અંગત એવી જાતીય મૂંઝવણ છે. વળી વૃદ્ધ લોકો જાતીય ડિઝાયર અનુભવે એ વાતને સમાજમાં ટબૂ (Taboo) ગણવામાં આવે છે. પણ આ વાર્તા થકી મધુ રાય એવા સામાજિક બંધિયારપણાને પડકારે છે, અને વૃદ્ધ લોકોની જાતીય ઇચ્છાઓને નોર્મલાઇઝ કરે છે. હરિયાજૂથની આ છ વાર્તાઓમાં ભાષાનું મિશ્રણ સૌથી વધારે ધ્યાન ખેંચે છે. દેશ્ય શબ્દો સાથે શિષ્ટ ગુજરાતી શબ્દો સાથે અંગ્રેજી શબ્દોનું આવું ‘સીમલેસ’ મિશ્રણ અનન્ય છે. મને સૌથી વધારે ગમેલી બાબત એ છે કે મધુ રાય છૂટથી અને આત્મવિશ્વાસથી અંગ્રેજી ‘સ્લેંગ’ સુપેરે વાપરી જાણે છે. દાખલા તરીકે, હરિભાઈનું હાર્ટ વાર્તાનું આ વાક્ય જુઓ : ‘માણસ મરી ગ્યા પછી એનો આતમા ક્યાં જાય એની ડિટેલ પ્રસનલી મૂઆ વગર ગધની કેમ હેન્ડી થાય?’ ગુજરાતી સાથે અંગ્રેજી મિક્સ કરતાં આપણા ઘણા લેખકો ‘હેન્ડી’ જેવો અંગ્રેજી શબ્દ છૂટથી નથી વાપરી શકતા, કારણ કે ‘હેન્ડી’ બોલચાલમાં વપરાતો અંગ્રેજી શબ્દ છે. આપણા લેખકોને અંગ્રેજી વાંચતાં લખતાં ફાવે છે, અને જે અંગ્રેજી તેઓ જાણે છે તે પુસ્તકોનું અંગ્રેજી છે. પણ લોકો દ્વારા બોલાતું, પ્રમાણમાં અશિષ્ટ, ગલીઓમાં વપરાતું અંગ્રેજી કેવું હોય? અને એવા અંગ્રેજીને ગુજરાતી સાથે મિક્સ કેમ કરાય એ જાણવું હોય તો મધુ રાયની આ વાર્તાઓ ‘હેન્ડી’ થાય એમ છે. ચિનુ દાદા મને એક વાર કહેતા’તા, કે મધુ રાયની દસેય આંગળીઓમાંથી ગદ્ય વહે છે. હી વોઝ રાઇટ ધેન, હી ઈઝ રાઇટ નાઓ.

કેશવ ઠાકર જૂથની વાર્તાઓ

મધુ રાયની સૃષ્ટિ જેઓ જાણે છે તેઓ જાણે છે કેશવ ઠાકર કોણ છે. પણ જેઓ નથી જાણતા તેમને પરિચય કરાવી દઈએ. કેશવ ઠાકર પણ હરિયાની જેમ જ મધુ રાયનો ઓલ્ટર ઇગો છે (મધુસૂદન, હરિ, કેશવ, યુ સી?). આપણે પહેલી વાર કેશવ ઠાકરને મધુ રાયના પ્રાતઃસ્મરણીય નાટક ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો’માં મળેલા. પછી આપણે તેમને ક્લબમાં મળ્યા હતા. અને પછી ‘મુખસુખ’ નામની રાત્રે અગિયાર પછી વાંચવા જેવી પલ્પ થ્રીલરમાં મળેલા. અને હવે આ વાર્તાઓમાં. હરિયો અને કેશવ ઠાકર સિક્કાની બે બાજુ છે. માણસના મનમાં ઉદ્‌ભવતા સારા વિચારો, ભલી-ભોળી મૂંઝવણો, પ્રશ્નો, માનવસ્વભાવની ચારુતાને જાણે હરિયા જૂથની વાર્તાઓમાં વાચા મળે છે. હરિયાજૂથની વાર્તાઓનું દરેક પાત્ર આપણને ગમે છે, આપણાં અંગત હોય એવું ભાસે છે, તેમના શોર્ટકમિંગ્ઝ પણ આપણને મીઠાં લાગે છે. કેશવ ઠાકરની સૃષ્ટિ તેનાથી ઊંધી છે. આમાં માનવમનના ગેબી, અટપટા, અધમ, કુત્સિત ભાવોને વાચા મળે છે. ‘ડેડ બોડી’ વાર્તામાં કેશવ ઠાકર ચારુબેન નામના એક લેન્ડલોર્ડને ત્યાં ભાડે રહે છે. ચારુબેન વાતોડિયણ છે, અને તેમને સતત એ વાતની જિજ્ઞાસા છે કે આ કેશવ ઠાકરનો પરિવાર ક્યાં છે, તેને બાળકો-વાળકો છે કે કેમ. પણ સીધેસીધું આવું ન પુછાય, ઇમ્પોલાઇટ ગણાય, એટલે પોતાની, બીજા કોઈની, ગામની, ટીવી સિરીયલ્સની વાતો થકી, વાયા વાયા ચારુબેન જાણે કેશવ ઠાકરની ફેમિલી હિસ્ટરી જાણવા મથે છે. એક વાર ચારુબેન આવી એક વાત લઈને આવે છે, એક બાળકનું ડેડબોડી મળ્યાની. ચારુબેન જણાવે છે કે એ ડેડબોડી કોનું છે એનો તાળો મળે છે કારણ કે એ બાળકની માતાનું હૃદય પીગળે છે. વાત કરતાં કરતાં ચારુબેન પણ તેમની દીકરી વિશે વિચારી રડવા લાગે છે. આખી વાત થકી કેશવ ઠાકરના મનનાં વાસેલાં કમાડ ઊઘડે છે. કથક આપણને કેશવ ઠાકરની ફેમિલી હિસ્ટરીમાં લઈ જાય છે. કેશવ ઠાકરની ય એક પત્ની હતી, જેને બાળક આવવાનું હતું. પણ પત્ની પોતાની બેનપણીને ત્યાં થઈને ઘેર આવે છે ત્યારે જણાવે છે કે તેનું મિસકેરેજ થઈ ગયું છે. ઠાકરને આખી વાત સમજાતી નથી, કારણ કે ડોક્ટરના જણાવ્યા મુજબ પત્ની અને આવી રહેલું બાળક બંને ‘હેલ્ધી’ હોય છે. કેશવ ઠાકરને મનમાં એવો ડાઉટ છે કે તેની પત્નીએ જાણીબૂઝીને મિસકેરેજ કરાવ્યું. તેનાં કારણો શું હશે? બાળક કોઈ બીજાનું હશે? તેને માતા નહિ બનવું હોય? આ બધા પ્રશ્નોના જવાબ મળતા નથી. પણ આપણને એક બારી મળે છે ઠાકરના મનમાં ડોકિયું કરવાની. તેને જે પીડી રહ્યું છે એની. તેને પત્ની કે બાળકો કેમ નથી એ સમજાય છે. આ વાર્તાની ટ્રીક એ છે કે આપણને લાગે વાર્તા ચારુબેનની છે. પણ છેવટે વાર્તા બને છે ઠાકરની. આ વાર્તામાં લગ્નજીવન વિશે બહુ સરસ નિરીક્ષણો પણ મળે છે. નીચેનો ફકરો જુઓ : “કોઈ વાર નહાતાં નહાતાં ઠાકરને વિચાર આવતો કે તેને કે તેની વાઇફને બીજે સબન્ધની વાત સાચી નહોતી કે માનો કે ખોટીયે નહોતી કેમ કે લગ્નજીવનમાં સાચું ને ખોટું તે વસ્તુ હોતી જ નથી, ચાર ચાર રખાતું રાખીને બી માણસ પત્નીને પ્રેમથી સંતોષી શકે છે ને પાડોશીના છોકરાને કે કાકાજીસસરાને કે જેઠિયાને કે સપોઝ આગલા પ્રેમીબ્રેમીને છૂટક લાભ આપીને બી બાઇડિયું પોતાના ભાયડાવને રાજી રાખી શકે છે. ઠાકરને થયું કે લગ્નજીવનમાં ભંગાણ કોઈક કાર એક્સિડેન્ટ જેવું હોય છે. થાય છે, થઈ જાય છે, થયું. બસ થઈ ગયું. ‘ફોલ્ટ’ની પંચાત જ ખોટી. કોનો ફોલ્ટ? સંજોગનો ફોલ્ટ. ચોરીના ચાર ફેરા ફર્યા નથી કે ફોલ્ટના ફાંસલામાં ડોકું નાખ્યું નથી, યુ સી. ઘણી વાર તેને થતું કે ભંગાણનું કારણ એક નથી હોતું, કારણ ઘણાં હોય છે, ને તે કારણ કે કારણો ચોક્ખી બાળબોધ લિપિમાં લખાયેલાં નથી હોતાં, લીટા, ગૂંચળાં, રંગીન ધાબાં જેવા પેઇન્ટિગ્સની જેમ અમૂર્ત અને એબ્સ્ટ્રેક્ટ હોય છે.” મને લાગે છે કે, ઈન જનરલ, કેશવ ઠાકર જૂથની વાર્તાઓ વધુ ગંભીર, વધુ સંકુલ, વધુ ઊંડી છે. આવાં નિરીક્ષણો થઈ શકે એવી સ્પેસ આ વાર્તાઓ કરી આપે છે. બીજી એક વાર્તા છે ‘હિન્દ સિનેમા’. આ વાર્તામાં મધુ રાયે નાનપણમાં થતા બુલીઈંગની કેવી ઊંડી અને લાઇફલોન્ગ અસરો હોય છે એની વાત કરી છે. સ્કૂલમાં અને ઘરમાં અને ગલીઓમાં આપણે સૌએ બુલીઈંગનો ઓછાવત્તા અંશે અનુભવ કર્યો જ હશે. કોઈ તગડો છોકરો અકારણ ટપલીઓ મારીને રોજ હેરાન કરે, કોઈ પૈસાદાર છોકરો પૈસાના જોરે દબાવે, વગેરે. ઘણા સાઇકોલોજીસ્ટ કહે છે કે બુલી કરનાર દરેક માણસ પ્રેમ ઝંખે છે, અને પ્રેમના અભાવને કારણે તે બીજાને પીડા આપે છે, હેરાન કરે છે. પોતે દુઃખી છે તો બીજા પણ દુઃખી થાય તેવી ખેવના કરે છે. આ કારણે ઘણી વાર જે બુલી થયા હોય એ બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. તેઓ દુનિયાથી સતત ડરતાં ફરે છે, અંતર્મુખી બની જાય છે. કેશવ ઠાકર એવો જ એક માણસ છે. નર્વસ, અંતર્મુખી, સતત કોઈ અજાણ્યા ડર હેઠળ જીવતો, માણસો પર કદી ભરોસો ન કરી શકતો. ‘હિન્દ સિનેમા’ શરૂ થાય છે એક સાઇકોલોજીસ્ટની ઑફિસમાં. કેશવ ઠાકર રોજ સપનામાં હાથને જોર જોરથી આંચકા આપે છે, અને તેને બાળપણમાં જ્યાં દિવસો ગુજારેલા એ અગાસી દેખાયા કરે છે, તેના પરથી પડી જવાનું સપનું વારંવાર આવે છે. કેશવ ઠાકરને સતત એવો ડર છે કે પોતે ગાંડો છે. પછી ઠાકર સાઇકોલોજીસ્ટને અગાસી-રીલેટેડ કિસ્સો કહે છે. નાનપણમાં ઠાકરને સિનેમા જોવાનો બહુ શોખ હતો. પણ નાનુ નામનો એક છોકરો ઠાકરને ખૂબ પજવતો. ઠાકર પાસે સિનેમા જોવા જવાના પૈસા નહોતા. એટલે નાનુ તેને અલગ અલગ ફિલ્મો જોઈને સ્ટોરી કહેતો. એ સ્ટોરી સાંભળવાના લોભ ખાતર ઠાકર નાનુની બધી જ શેખી સહન કરતો. નાનુ તેની પાસે કારણ વગર અગણિત વાર ‘સોરી’ કહેવડાવતો, ક્યારેક ગડદાપાટુ કરતો, વગેરે. એક વાર ઠાકરની ફીરકી લેવા માટે નાનુ તેને ખોટું ખોટું કહે છે કે સિનેમાવાળા ‘પાસ’ હોય તો ટિકિટ વગર ફિલ્મ જોવા દે છે. પછી નાનુ ઠાકરને હાથે લખેલો ‘પાસ’ આપે છે, એવું વિચારીને કે ઠાકર સિનેમા જોવા જશે તો ફજેતી થશે. ઠાકર તેના મિત્ર સાથે ફિલ્મ જોવા જાય છે, ‘પાસ’ આપે છે, પણ સિનેમાના માલિકને નાના છોકરાઓ પર દયા આવે છે એટલે એ મફતમાં ફિલ્મ જોવા દે છે. આ વાત જ્યારે નાનુને ખબર પડે છે ત્યારે એ ગુસ્સાથી લાલચોળ થઈને ઠાકરને મારવા લાગે છે, કારણ કે કોઈ અજાણ્યા માણસની ભલમનસાઈને લીધે તેનો દાવ ઊંધો પડેલો. ઠાકર માટે આ વિજયની ક્ષણ છે. અને અગાસી પર નાનુ તેને મારતો હોય છે ત્યારે ઠાકર ખડખડાટ હાસ્ય કરે છે. સાઇકોલોજીસ્ટ ઠાકરને જણાવે છે કે ઊંઘમાં ઠાકર જે હાથને આંચકા આપે છે એ અગાસી પરથી પડવાના આંચકા નથી, પણ ઠાકર ખડખડાટ હસે છે ત્યારે તાળીઓ પાડી પાડીને હસે છે એના આંચકા છે. વાર્તા અહીં પૂરી થાય છે. ઠાકરની સ્થિતિ થકી વાર્તા નાનપણમાં બનેલા કિસ્સાઓની લોંગલાસ્ટિંગ અસરો નોંધે છે. નાનપણમાં તેને હેરાન કરતા છોકરા પર અનાયાસ મેળવેલો એક વિજય પણ કેવો સતત યાદ આવ્યા કરે છે, જે પુરવાર કરે છે કે, માનવમનનાં ઊંડાણ અટપટાં હોય છે. વાતો થકી વાત કઢાવવા મથતાં મેનીપ્યુલેટીવ ચારુબેન હોય, કે ઈન્સીક્યોર બુલી નાનુ હોય, કે એ બધાની વચ્ચે ફસાયેલો, અપૂર્ણ અને અભાવગ્રસ્ત કેશવ ઠાકર હોય – મધુ રાય આ સૌ પાત્રોને આપણી સામે બખૂબી ખોલી આપે છે. તેમની નાની નાની આદતોથી, તેમની વાતચીતની લઢણોથી, તેમની અટપટી બોલીથી. કેશવ ઠાકરની વાર્તાઓ ટૂંકી વાર્તામાં પાત્રો કેવી રીતે ઊભાં કરવાં જોઈએ એનો માસ્ટરક્લાસ છે.

ઓટોફિક્શન પ્રકારની વાર્તાઓ

મધુ રાય વાર્તાસ્વરૂપની સીમાઓ વિકસાવવા માટે જાણીતા છે. માત્ર ધ્વનિ દ્વારા ઉદ્‌ભવતા ભાવોની વાર્તાઓ તેમણે હાર્મોનિકા રૂપે લખેલી, તો આપણે જોયું એમ હરિયાજૂથની વાર્તાઓમાં ફેન્ટેસી અને સાયન્સ ફિક્શનની વાર્તાઓ છે. ‘સરલ અને શમ્પા’ને કાફકાની ‘મેટામોર્ફોસીસ’ની સાથે રાખીને જોઈ શકાય, એવી અમાપ શક્યતાઓ એ વાર્તામાં છે. નવું કરવાની સતત ખેવના રાખતા વાર્તાકાર મધુ રાય ઓટોફિક્શન પણ લખી જાણે છે. પણ આ ‘ઓટોફિક્શન’ શી બલા છે? મૂળે તો આ શબ્દ ૧૯૭૭માં સર્જે દુબ્રોવ્સકી (Serge Dubrovsky) એ ઘડી કાઢેલો – આત્મકથનાત્મક છતાં ફિક્શનલ લખાણો માટે. પણ આને આપણે આત્મકથનાત્મક વાર્તા કે નવલકથાથી અલગ કેવી રીતે પાડીએ? ફ્રેંચ, અંગ્રેજી, અને જર્મન ભાષાના વિવેચનમાં આ શબ્દ વિશે, અને તેની વ્યાખ્યાઓ વિશે વાદ-વિવાદ ૧૯૭૭થી ચાલતા આવ્યા છે અને હજી ચાલ્યા કરે છે. પણ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર હજી સુધી પહોંચી નથી શકાયું.૧ કોઈ પણ લખાણ, એક રીતે જોઈએ તો, આત્મકથનાત્મક હોવાનું જ. એમાં પછી લેખક કલ્પનાના રંગો ભરે એ અલગ વાત છે. એ અર્થમાં દરેક લખાણ ઓટોફિક્શન ન ગણાવું જોઈએ? ના. કારણ કે ક્રિસ્તેન લોરેન્ત્ઝેન નામના વિવેચક થોડો વધારે ફોડ પાડીને ઓટોફિક્શનને રેગ્યુલર ફિક્શનથી અલગ પાડે છે. તેમના મતે ઓટોફિકશનમાં કથક કે મુખ્ય પાત્રનું નામ, ઉંમર વગેરે બધું જ લેખકને મળતું આવે, એટલું જ નહિ જીવનની બીજી મહત્ત્વની વિગતો ય મળતી આવે. તે ઉપરાંત કથામાં તે કથાની સર્જન પ્રક્રિયાની પણ વાત વત્તે-ઓછે અંશે હોય.૨ ક્રિસ્તેન લોરેન્ત્ઝેનની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો આ છવીસમાંથી મધુ રાયની બે વાર્તાઓ – ‘જેવું કંઈક’ અને ‘વોઈસઓવર’-ને ઓટોફિક્શનલ વાર્તાઓ ગણી શકાય. ગુજરાતીમાં આ પહેલી વાર થયું છે એવું નથી. આ પહેલાં માય ડિયર જયુની વાર્તા “મને ટાણા લઈ જાઓ’, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની ‘જિગલો’ વાર્તાસંગ્રહની વાર્તાઓ ‘ટોળાં’, ‘નદી અને હું’, ‘પીછો’, ‘રાક્ષસ’ તેમજ અજય સરવૈયાની ‘ફેક્ટ ઍન્ડ ફિક્શન’ સંગ્રહની અમુક વાર્તાઓને ઓટોફિક્શન વાર્તાઓ ગણી શકાય. મધુ રાયની ‘જેવું કંઈક’ વાર્તા ‘બાંશી નામની એક છોકરી’ વાર્તાના વાચકો/ચાહકોને તરત પમાશે. કારણ કે ‘જેવું કંઈક’ એ જાણે એ વાર્તાની સિક્વલરૂપે લખાયેલી છે. વર્ષો પછી મધુ રાય પોતાની સહપાઠી અને પચાસ વર્ષ જૂની મિત્ર બાંશીને ફેસબુક પર શોધે છે, એ મળે પણ છે. બંને વચ્ચે સંવાદ થાય છે, વાત થાય છે, તેઓ મળે છે. પહેલાં પણ લેખકને બાંશીનું અજબ આકર્ષણ હોય છે, અને આજે પણ એ બરકરાર છે. છૂટા પડતી વેળાએ બાંશી ખેદપૂર્વક લેખકને લખે છે : “તે વખતે પણ મને તારી આંખોમાં પીડા દેખાયેલી અને આજે પણ તારા હસવાના અવાજમાં જિંદગીની અડચણોનો ખરબચડાટ સંભળાય છે. ન તે વખતે હું કશી સહાય કરી શકી ન હવે હું કાંઈ કરી શકું તેમ છું. તેનો એક ખેદ છે.” પણ લેખક આ વાત સમજી શકતા નથી, કારણ કે તેઓ ખુશ છે. પોતાની લાઇફથી, બાંશીથી, જે રીતે તેણે બાંશીરૂપી રહીને લેખકને સહાય પૂરી પાડેલી તેનાથી. વાર્તાના અંતે મધુ રાય લખે છે : “બસ આ છે બાંશી નામની એક છોકરી નામની સ્ટોરીની સ્ટોરી. શોર્ટ સ્ટોરી નથી, અલબત્ત, તમે ચાહો તેવી સ્ટોરી નથી. પણ કાંઈક છે, યાહ? સમથિંગ લાઇક એ સ્ટોરી?” બસ, વાર્તા જેવું કંઈક છે આ. એવું જ ‘વોઇસઓવર’ વાર્તાનું. એમાં મધુ રાયે તેમની જીવનસ્ટોરી સ્ક્રીનપ્લેના માળખામાં લખી છે. જોકે સ્ક્રીનપ્લેનું માળખું ઝાઝો સમય જાળવી શક્યા નથી, પણ જીવનસ્ટોરી મજાની છે. કારણ કે આ બંને વાર્તાઓ વાર્તાઓ જેવી કંઈક છે પણ સ્ટ્રીક્ટ સેન્સમાં વાર્તાઓ નથી, મને એ વાર્તાઓનું મૂલ્યાંકન કેમનું કરવું એ સમજાતું નથી. એટલે આટલેથી જ અટકું છું. મારી ભાષાના વિદ્વાન વિવેચકો આ લખાણોને મૂલવી આપશે કદાચ, ક્યારેક.

વાર્તા વિશેની વાર્તાઓ

આ અગ્રંથસ્થ વાર્તાઓ વાંચતાં જે એક બાબત ઊડીને આંખે વળગે છે એ છે મધુ રાયનું સર્જનપ્રક્રિયા વિશેનું ઓબ્સેશન. એટ લીસ્ટ પાંચ વાર્તાઓ છે જેમાં ‘વાર્તા’ કે ‘કથા’ કેન્દ્રમાં છે. ‘નોલો કોન્તેનદેરે’, ‘વત્તાનિશાની’, ‘રાજધાની એક્સપ્રેસ’, ‘સ્ટોરી ગોડેસ’, તેમજ ‘રી-રાઈટ’ – આ બધી જ વાર્તાઓમાં પાત્રો યા તો વાર્તા કરે છે અથવા તો વાર્તા લખે છે. એ રીતે જોતાં આ વાર્તાઓ થકી મધુ રાય આપણને કહે છે કે વાર્તાઓ એ કંઈ ખાલી લેખકોનો ધંધો નથી. ડેઇલી લાઇફમાં, રોજેરોજ, અલગ અલગ રીતે દરેક માણસ કોઈ ને કોઈ પ્રકારના ફિક્શનમાં રાચતો જ હોય છે. વાર્તા એટલે શું અથવા વાર્તા શું હોવી જોઈએ એની અલગ અલગ વ્યાખ્યાઓ પણ આપણને આ વાર્તાઓમાંથી મળે છે. દાખલા તરીકે, ‘વાર્તા એટલે વીજળીનો કરંટ (નોલો કોન્તેનદેરે), “તમે ત્રણેએ એક એક વાત કરી. સરસ, રોમાંચક. કદાચ હૃદયસ્પર્શી. પણ તે ત્રણે હતી વ્હોટ? ત્રણે હતાં વૃત્તાંત. કિસ્સા. વાર્તા નહોતી. વાર્તા બનતાં બનતાં જાણે બેટરી ડાઉન થઈ જાય તેમ વાર્તા બનતાં બનતાં રહી જતી હતી. મારે તમને એક વાર્તા કહેવી છે, રીયલ વાર્તા, મીન્સ કે ફિક્શન, કથા, કહાની, કપોળકલ્પિત, સાચી નહીં પણ ‘ઉપજાવેલી’ (સ્ટોરી ગોડેસ), ‘આકાશે કહ્યું કે એમ વાર્તા ન બનાય, બન્યે વાર્તા ન બનાય. વાર્તા હોઈએ તો વાર્તા હોઈએ. વાદળી હોઈએ તો વાદળી હોઈએ” (વત્તાનિશાની). ‘નોલો કોન્તેનદેરે’ વાર્તા એક વકીલ વિશે છે. કોર્ટ અને કાયદો પરમ સત્ય સુધી પહોંચી ન્યાય કરવા માટે સર્જાયેલો છે. પણ આ વાર્તામાં એક વકીલ અને તેને રોજ મળતા કેસો થકી મધુ રાય એ ‘સત્ય’ને પડકારે છે, અને કાયદાની નજરમાં રહેલું ‘સત્ય’ પણ કેટલું ફિક્શનલ હોય છે એ દર્શાવે છે. ‘સ્ટોરી ગોડેસ’ વાર્તામાં ત્રણ અજાણ્યા માણસો ગોર્ડન મર્ચન્ટ, હરમન વ્હાઈટ અને સોમચંદ પટેલ (આ સોમચંદ એટલે ‘શાહ, શુક્લા અને સોમચંદ’વાળો જ સોમચંદ કે?) ઍરપોર્ટના વેઇટીંગ એરિયામાં મળે છે, અને સમય પસાર કરવા તેમણે જોયેલો કે અનુભવેલો એક એક કિસ્સો કહે છે. પછી ઍરપોર્ટના ટી.વી.માં રહેલી સ્ટોરી ગોડેસ – કથાઓની દેવી – તે ત્રણેયને એક એકદમ કાલ્પનિક, ચોવીસ કેરેટની વાર્તા કરે છે. અરેબિયન નાઇટ્‌સ પ્રકારનું આ વાર્તાનું માળખું છે. બસ એક પછી એક વાર્તા બન્યા કરે છે, અને એ બધી વાર્તાઓને સમાવતી એક ઍરપોર્ટ પરની પરિસ્થિતિ છે. ક્યાંક એ પરિસ્થિતિની પણ કોઈ વાર્તા બની હોત તો અંદરની બધી જ વાર્તાઓને સરસ જસ્ટિફીકેશન મળત. એવું બનતાં બનતાં રહી ગયું, એટલે આ વાર્તા પણ સારી બનતાં બનતાં રહી ગઈ. ‘રી-રાઈટ’ એક પર્વર્ટ એવા હીરક ગણાત્રા નામના લેખકની કથા છે. જાસૂસી નવલકથા લખતા આ લેખકને પ્રેરણા કેવી રીતે મળે છે એની કથની છે. સાથે સાથે ગણાત્રા જે લખી રહ્યા છે એ કથા પણ કહેવાય છે. પેરેલેલ સ્ટોરીટેલીંગ કહો, કે સન્નિધિકરણ કહો, કે જક્સ્ટાપોઝીશન કહો, એ ટેટિ્‌નકમાં મધુ રાય એક્સપર્ટ છે. વાર્તારસનો ભંગ થયા વગર તે આપણને બંને વાર્તાઓ વચ્ચે ઝોલાં ખવડાવ્યા કરે છે. એવું જ ‘વત્તાનિશાની’ વાર્તાનું, જેમાં શુભ્રા દત્ત નામની લેખિકા એક વાર્તા લખી રહી છે. ડીલન નામના પાત્ર સાથે તેનું અફેર જેવું કંઈક છે. આખી વાર્તા દરમિયાન બંને વચ્ચે નૈકટ્યની ઘણી ક્ષણો આવે છે, પણ ડીલન કશું કરતો નથી, કરી શકતો નથી. વાર્તા ઊઘડે એમ સમજાય છે કે ડીલન તો શુભ્રાએ લખેલું પાત્ર છે, અને એટલે જ એ કશું કરી શકતો નથી. કારણ કે શુભ્રા એને કંટ્રોલ કરે છે. આ સમજાતાં જ ડીલન સામો થાય છે, અને શુભ્રા લેપટોપ બંધ કરી દે છે જેથી ડીલન નામનું તેનું સર્જેલું પાત્ર તેની સામું ન થઈ શકે, અને હંમેશાં તેના કંટ્રોલમાં રહે. શરૂ થાય છે ત્યારે એક્સ્ટ્રા-મેરિટલ અફેરની વાર્તા લાગે છે, પણ અંત આવતાં આવતાં વાર્તા લેખક અને તેનાં પાત્રો વચ્ચેના પાવર-પ્લેની બની જાય છે. વાચક તરીકે થોડું છેતરાયા જેવું જરૂર લાગે.

રેગ્યુલર વાર્તાઓ

આ સિવાય પરંપરાગત કે ‘રેગ્યુલર’ કહી શકાય એવી પણ દસ વાર્તાઓ છે : ‘આકવા વિદા’, ‘જનેરિક’, ‘ઇલજામ’, ‘ઉસને એસા ક્યા કહા’, ‘હેવન હોમ’, ‘મિસ્ટર મૈસૂર’, “મારે તારું મોં ચાખવું છે’, ‘હાઈજેકર’, ‘સ્વરલિપિ કાચ’, ‘શોભન કાદર મેપાણી’. આમાં ‘શોભન કાદર મેપાણી’ , ‘આકવા વિદા’ અને ‘જનેરિક’ અલગ અલગ કારણોસર નોંધપાત્ર વાર્તાઓ છે. ‘શોભન કાદર મેપાણી” આ છવ્વીસ વાર્તાઓમાં જ નહિ, પણ મધુ રાયની સમગ્ર વાર્તાસૃષ્ટિમાં ખૂબ અલગ પડતી વાર્તા છે. મધુ રાયની વાર્તાસૃષ્ટિમાં આગળ જોયું એમ સ્ત્રી-પુરુષ વચ્ચેના સેક્સ્યુલ પોલિટિક્સની વાત, સર્જનપ્રક્રિયાની વાત, કલ્પનાની ઉડાનો, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણો વગેરે વારંવાર દેખા દે છે. ‘શોભન કાદર મેપાણી’ તેનાથી સામે છેડે જઈને રાજકીય-સામાજિક મુદ્દો ઉઠાવે છે. વળી જ્યાં મોટાભાગની વાર્તાઓ નાનકડા સમયખંડમાં સમાપ્ત થાય છે, ત્યારે આ વાર્તામાં અર્ધી સદી ઉપરનો અને ત્રણ પેઢીનો ઇતિહાસ સમાવાયો છે. ઐતિહાસિક બનાવોને લીધે આવેલા ધાર્મિક ટકરાવથી એક પરિવારમાં થયેલી ઉથલપાથલની વાર્તા. આ વાર્તામાં આઝાદી પછીના ભારત દેશની સ્થિતિ, બાબરી મસ્જિદધ્વંસ તેમજ ૧૯૯૩નાં ધાર્મિક હુલ્લડો, ૨૦૦૨નાં ગોધરાના હુલ્લડોથી લઈને ૨૦૦૮ સુધીનો સમયખંડ દર્શાવાયો છે, અને રાજકીય પક્ષોની ચડસાચડસી થકી વિદેશમાં અને ભારતમાં રહેતા બે પરિવારોમાં આવેલા બદલાવની આ આસ્વાદ્ય વાર્તા છે. ‘આકવાવિદા’ની નોંધપાત્ર બાબત એ છે કે તેનું એક પણ પાત્ર ગુજરાતી, અરે ગુજરાતી છોડો, ભારતીય પણ નથી. જેનિફર નામની અમેરિકન નાયિકાને તેનો વર દગો આપે છે, અને તેની ઑફિસની બૉસ જેનિફર ‘મૂવ ઓન’ થાય એ માટે તેને વેકેશન કરવા બારબેડોસ મોકલે છે, એમ વિચારીને કે જેનિફર બારબેડોસના લોકલ યુવાનો સાથે સંબંધ બાંધશે અને તેની પર્સનલ ટ્રેજેડીમાંથી બહાર આવશે. જેનિફર નવા દેશમાં આવે છે જ્યાં મોટાભાગની વસતી અશ્વેત લોકોની છે, અને જ્યાં ગરીબી પણ છે. ગરીબ લોકો માટે કશુંક કરી છૂટવાની ભાવનાથી, તેમને કામ મળે એ ભાવનાથી જેનિફર કોલીન નામના એક અશ્વેત યુવકને મદદ કરે છે, અને મદદ માટે જાણે ‘થૅન્ક યુ’ કહેતો હોય એમ કોલીન તેને મસાજ કરી આપે છે. મસાજ દરમિયાન બંને વચ્ચે શારીરિક આકર્ષણ ઊભું થાય છે અને શરીરસંબંધ બંધાય છે. એ સંબંધમાં જેનિફરનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવે છે, કારણ કે તેનો પતિ જોનાથન તેની સાથે શારીરિક સંબંધ બાંધતો ત્યારે આક્રમક રહેતો, પણ કોલીન ઉંમર અને અનુભવ બંનેમાં નાનો હોવાથી જેનિફર તેના પર હાવી થઈ શકે છે. વાર્તાનો અંત કરુણ અને ચોટદાર છે. જેનિફરની મહેરબાનીને કોલીન નામનો યુવાન કંઈક બીજું જ ધારી લે છે, અને બીજા દિવસે તેના બીજા બે અશ્વેત, તગડા મિત્રોને લઈને આવે છે અને જેનિફરને કહે છે કે તેના મિત્રો પણ તેની સાથે ‘જલસા’ કરવા માંગે છે. જોનાથન સાથેના સંબંધમાં જેનિફરની નિશ્ચેષ્ટ પ્રક્રિયા તેની કમજોરીની ચાડી ખાય છે. પણ જ્યારે કોલીન સાથે જેનિફર આત્મવિશ્વાસપૂર્વક શરીર સંબંધ બાંધે છે, ત્યારે તેના એ આત્મવિશ્વાસને એક પ્રકારના વેશ્યાભાવ તરીકે જોવામાં આવે છે. આ વાર્તા બારબેડોસમાં આકાર લે છે, અને તેનાં પાત્રો અશ્વેત છે તેમજ અમેરિકન છે, અને તેમની વચ્ચેના સેક્સ્યુઅલ પોલિટિક્સની આ વાર્તા છે જે ગુજરાતીમાં લખાયેલી છે. ‘તળ ભેદતી ગુજરાતી વાર્તા’થી આ વાર્તા જોજનો દૂર છે, અને એ તેનું જમા પાસું છે. જ્યાં એક તરફ પ્રાદેશિક ભાષામાં લખાતી વાર્તાઓ પાસેથી પ્રાદેશિક વિષયવસ્તુની, પ્રાદેશિક બોલીની આશા રખાતી હોય છે અને એક પ્રકારના ‘લોકલ’ એસ્થેટિક્સને વધાવવામાં આવે છે, એવા સમયે મધુ રાય ખરા અર્થમાં ગ્લોબલ વાર્તા લઈને આવે છે, અને એ રીતે ગુજરાતી વાર્તાની સીમાઓ ઓર વિકસાવે છે. આ વાર્તામાં વંશીય ભેદભાવ, કે જેને આપણે રેસિઝમ કહીએ છીએ, એનો અણસાર આપે એવાં અશ્વેત પાત્રોનાં થોડાં નિરૂપણ છે. અશ્વેત પાત્રોના સર્જનમાં મધુ રાય થોડા સ્ટીરીઓટાઇપથી દોરવાઈને થાપ ખાઈ ગયા હોય એવું જરૂર લાગે. બે-ચાર નમૂના જોઈએ : ‘અને હવે બારબેડોસના લોકલ લઠ્ઠાઓ સાથે જલસો? છિઃ. એ કાળા લોકલ લોકો બ્રશ કરતા હશે? નહાતા હશે રોજ?’, ‘કદી ન સમજાયેલી, કદી ન અનુભવેલી તૃપ્તિ તેને આ કાળા લોકલ પઠ્ઠા સાથે અનુભવવા મળેલી.’ ‘કોલીનની સાથે તેના જેવા ગંધાતા બીજા બે જણ છે.’ ‘ગ્લોબલ’ પ્રશ્નો સાથે બાથ ભીડતી બીજી એક વાર્તા છે ‘જનેરિક’. અમેરિકામાં સ્થાયી થવા માટે ગ્રીનકાર્ડ મેળવવું જરૂરી છે, અને ગ્રીનકાર્ડ મેળવવા માટે ચાલતા ગોરખધંધાની આ વાર્તા છે. ગેરકાયદેસર રીતે તો દેશમાં રહી જ શકાય, પણ જો કાયદેસર રીતે અને ઝડપથી ગ્રીનકાર્ડ મેળવવું હોય તો તેનો એક સરળ રસ્તો એ છે કે કોઈ ગ્રીનકાર્ડ હોલ્ડર સાથે પરણી જવું, અને પછી એક વાર ગ્રીનકાર્ડ મળી જાય એટલે છૂટાછેડા આપી દેવા. ઘણાંય વર્ષોથી આવા ‘કોન્ટ્રેક્ટ’ અને જૂઠાં લગ્નો થતાં આવ્યાં છે અને થયા કરે છે. ‘જનેરિક’ વાર્તામાં નિરંજન નામનો એક પ્રોફેસર છે જે તેની કિમી નામની એક વિદ્યાર્થિર્ની તરફ ખેંચાય છે. કિમી ઈમીગ્રંટ છે, અને તેની પાસે ગ્રીનકાર્ડ નથી. નિરંજનને કિમી તરફ જાતીય ખેંચાણ છે, જ્યારે કિમીને નિરંજનને લીધે ગ્રીનકાર્ડ મળી શકે તેમ છે. બંને પરણે છે. અને ખૂબ સુખથી લગ્નજીવન ભોગવે છે. નિરંજન લગ્નને લઈને એટલો સિરીયસ નથી કારણ કે તેને લાગે છે કે આ સુખ, આ લગ્ન, બધું જ એક સમજણપૂર્વકનો કોન્ટ્રેક્ટ છે. જ્યારે બીજી તરફ કિમી તન અને મનથી સમર્પિત છે. તે એટલી બધી સુખી છે કે તેને મરવાના વિચારો આવે છે કારણ કે જો આ સુખમાં થોડો પણ ઘટાડો થશે તો કિમી જીરવી નહિ શકે. અને એક દિવસ નિરંજન કિમીને કહે છે કે તે બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે જેથી કોઈ એક બીજી સ્ત્રીને ગ્રીનકાર્ડ મેળવવામાં મદદ કરી શકે. કિમીથી આ આઘાત જીરવાતો નથી, અને એ બાલ્કની પરથી કૂદીને જીવ આપી દે છે. આ વાર્તા પહેલી વાર મારા ચિત્રકાર-વાર્તાકાર મિત્ર જિજ્ઞેશ બ્રહ્મભટ્ટને ત્યાં વાંચેલી, વર્ષો પહેલાં. ત્યારે જિજ્ઞેશભાઈએ કહેલું કે આ વાર્તાનું છેલ્લું દૃશ્ય ખૂબ આકર્ષક છે. ઘણું જ ચિત્રાત્મક છે. જુઓ : ‘બાવીસમા ફ્લોર ઉપરથી કિમીનો ગાઉન હવામાં પાંખોની જેમ ફેલાયેલો છે, ચકરાવા લે છે, વાળ ઊડે છે, કિમીના હાથ હોરિઝોન્ટલ બેઅલે નૃત્ય કરતા હોય એમ હવામાં નયનરમ્ય આકૃતિઓ દોરે છે.’ હી વોઝ રાઇટ ધેન, હી ઇઝ રાઇટ નાઓ. ‘જનેરિક’ આ છવ્વીસ વાર્તાઓમાંથી મારી પ્રિય છે, અને મધુ રાયની વન ઑફ ધ બેસ્ટ છે. આ છવ્વીસ વાર્તાઓમાંથી પસાર થઈએ ત્યારે બીજી બે વસ્તુઓ પર ધ્યાન જાય છે. મધુ રાયનાં વાક્યોનો લય, તેમજ જાતીય આવેગો, ઇચ્છાઓ, અને ક્રીડાઓનું ઇરોટિક અને માર્દવભર્યું નિરૂપણ. બંનેના દાખલા જોઈએ. મધુ રાયની ગદ્યના લય પર મજબૂત પકડ છે. તે લય તેમને અનુપ્રાસના વિનિયોગ દ્વારા મળે છે. જેમ કે, ‘તેની ડાબી પાંપણે પતંગિયાંની પાંખની જેમ ઝબકી મારેલી’ (આકવાવિદા), ‘સરસર સરસર સમયની સેન્ડના સરકવાની સાથે સાથે ગણાત્રો હીરોડમ-માંથી લસરતો લસરતો જઈ પડશે ઊંધા માથે એક્સ્ટ્રા આર્ટિસ્ટોના ઢેરમાં...’ (રી-રાઇટ), ‘એક સહેમી સાંજે, એક સમી સાંજે, સોનેરી પટ્ટાવાળી રેશમી સાડી સાથે શુભ્રા તેને મળેલી ને ફરીને મોન્ટરિયાલના બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ચ રેસ્ટોરાંમાં ઉપાડી લાવેલી.’ (વત્તાનિશાની). મધુ રાયની મોટાભાગની વાર્તામાં એક પ્રકારનો સેક્સ્યુઅલ કરંટ વહે છે. ‘રી-રાઇટ’ વાર્તા તો એટલી બોલ્ડ છે કે નાજુક હૃદયના વાચકો દૂર જ રહે તો સારું. તેમનું જાતીય આવેગો અને ક્રીડાઓનું નિરૂપણ ધ્યાનાકર્ષક છે, અને ઇરોટિક લખાણ કેવું હોવું જોઈએ તેનો સરસ નમૂનો પૂરો પાડે છે. દાખલા તરીકે : ‘ગણાત્રાએ રીનાની ભમ્મર ઉપર જીભ ફેરવવા માંડેલી. પાંપણોને પોતાના હોઠની વચ્ચે સહેલાવી રીનાના ડોળા ઉપર જીભનો લેપ કરીને અચાનક તે બદતમીજ બાઈના હોઠ જકડી લીધેલા.’ (રી-રાઇટ), ‘કોલીનના આંગળા તેના ખભે અડકતાં જ એના ચિત્તમાં વિદ્યુતનો સંચાર થયેલો. તેના હાથ જેનિફરના શરીરની ક્લાન્ત માંસપેશીઓને સજીવન કરતા હતા અને જીવતા હોવાના હરખની જડીબુટ્ટી રગડતા હતા.’ (આકવાવિદા), ‘પણ તેનું સાચું કે ખોટું નામ લેતાં સુપર્ણાના બદનમાં એક સર્પિણી જાણે સળવળી ઊઠે છે. આખા દિવસની દરેક મિનિટ બલકે દરેક મિનિ-સેકન્ડ મિહિરના નામની ઇલેક્ટ્રિસીટી પીતી પીતી સુપર્ણાને જાણે સાચેસાચ ‘જીવતી’ રાખે છે.” (મારે તારું મ્હોં ચાખવું છે). ઈન સમ, મધુ રાયની આ છવ્વીસ વાર્તાઓમાં વિધવિધ વિષયોમાં વિહાર કરવાની તક મળે છે, ભાષાની અવનવી લઢણો સમજાય-પમાય છે, અનેક વિચિત્ર અને રીલેટેબલ પાત્રો મળે છે, ક્યારેક મજા આવે છે અને ક્યારેક મજા નથી આવતી. પણ આ આખી સૃષ્ટિમાંથી પસાર થઈએ ત્યારે એવો વિચાર જરૂર આવે કે આટઆટલું વિષયવૈવિધ્ય, વાર્તા કહેવાની આટલી અવનવી રીતો, આ બધું કેવી રીતે શક્ય છે? મારા જેવા નવા વાર્તાકારો આમાંથી શું શીખી શકે? આ સૃષ્ટિ રચાવાનું કારણ શું? મધુ રાયની વાર્તાકળાની યશકલગી જેવી વિનિંગ ક્વોલિટી શું છે? આનો જવાબ એ જ છે, જે હરિયાએ ‘હરિભાઈનું હાર્ટ’ વાર્તામાં તેની વહુએ ‘અધ્યાત્મ શું છે’ એવું પૂછેલું ત્યારે આપેલો : ‘વસ્તુતઃ એ એક ટેક્‌નિક છે, ડિયર!’

પાદનોંધ :

૧ છThe Autofictionalઃ Approaches, Affordances, Formઝ. Edited by Alexandra Effe and Hannie Lawlor. Palgrave Macmillan. ૨૦૨૨. pp.૨)
૨ છ Sheila Heti, Ben Learner, Tao Linઃ How auto is auto-fiction?ઝ Christian Lorentzen. Vulture. ૧૧th May, ૨૦૧૮. Link: https://www.vulture.com/૨૦૧૮/૦૫/how-auto-is-autofiction.html

અભિમન્યુ આચાર્ય
(એમ.એ., પીએચ.ડી.)
વાર્તાકાર, નાટ્યકાર
કેનેડા
મો. +૧(૪૩૭)૬૮૮-૭૧૫૫
Email : acharyaabhimanyu79@gmail.com


મધુસૂદન વલ્લભદાસ ઠાકર ‘મધુ રાય’

ગીગાભાઈ વામાભાઈ ભંમર

GTVI Image 112 Madhu RAy.png

મધુસૂદન વલ્લભદાસ ઠાકર ‘મધુ રાય’નો જન્મ તા. ૧૯/૦૭/૧૯૪૨ના રોજ જામખંભાળિયામાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ દ્વારકામાંથી લીધું. ૧૯૬૩માં કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. પારિવારિક કારણોસર કલકત્તાથી અમદાવાદ પાછા ફરે છે. કલકત્તા નિવાસ તેમને અને ગુજરાતી સાહિત્ય માટે ઘણો ફળદ્રુપ રહ્યો. કલકત્તા નિવાસ દરમ્યાન ગુજરાતી સાહિત્યકાર શિવકુમાર જોશી અને ચંદ્રકાન્ત બક્ષીના સંપર્કમાં આવે છે અને સાહિત્યિક પ્રવૃત્તિની સમજને વેગ મળે છે. ૧૯૬૭માં મધુ રાય કલકત્તા છોડીને ‘જનસત્તા’માં નોકરી સ્વીકારે છે અને ‘નિરીક્ષક’ના તંત્રી પ્રબોધ ચોક્સીની ભલામણથી ઉપતંત્રીનું ગમતું કામ મળે છે અને ‘કૃપાલાણીની વાણી’ લખે છે. ’ગુજરાત સમાચાર’માં ‘સલામ શહેરે અમદાવાદ’ લખે છે. તો, ‘જન્મભૂમિ’માં ‘મનકી બીન’ શ્રેણી લખે છે. કંપનીમાં જાહેરખબર લેખન અને સાપ્તાહિકમાં કૉલમનું કામ કરે છે. મધુ રાયના શરૂઆતના સર્જનમાંથી દ્વારકા નિવાસ દરમ્યાનના બ્રાહ્મણ સંસ્કરનાં દર્શન થાય છે. તેઓએ દ્વારકાથી લઈને બોસ્ટન સુધીનું વાતાવરણ અનુભવ્યું છે; જીવ્યા છે. તેથી એમના સર્જનમાં તે વાતાવરણ જોવા મળે છે. સમાજ-સંસ્કૃતિ બદલે એમ ભાષાનાં સ્તર પણ સ્વાભાવિક રીતે જ બદલાય છે. દ્વારકા, કલકત્તા, અમદાવાદ એમ સ્થળો બદલે છે પણ તેમના સર્જનમાં એક અખંડ ભારતવર્ષનાં દર્શન પણ થાય છે. દ્વારકાથી કલકત્તા, કલકત્તાથી અમદાવાદ અને અમદવાદથી અમેરિકા સુધીની યાત્રાને સર્જક સ્વયં આ રીતે વર્ણવે છે, – “ત્યાંની યુનિવર્સિટી ઑફ હાર્વર્ડ એક વાર્ષિક નાટ્ય સેમિનાર કરે છે, જેમાં ભાગ લેવા એશિયામાંથી દર વર્ષે ૬-૬ વ્યક્તિને બોલાવાય છે. મૃણાલિની સારાભાઈની ભલામણથી તે સેમિનારમાં ભાગ લેવા સન ૧૯૭૦માં હું હોનોલૂલૂ આવ્યો. અને દુનિયાને વામનમાંથી વિરાટ સ્વરૂપે જોઈ, નવ માસ નાટ્યલેખન અને દિગ્દર્શનનો અભ્યાસ કર્યો, ૧૯૭૧માં પાછા ફરી અમદાવાદમાં ‘આકંઠ’ નામે નાટ્યલેખનની સંસ્થા સ્થાપી; અને ૧૯૭૪માં યુનિવર્સિટી ઑફ એવન્સવિલ, ઇન્ડિયાનામાં નાટ્યલેખન ભણવા હું પાછો અહીં આવ્યો. ત્યારથી અહીં છું.’૧ તેમણે ભારતીય અને અમેરિકન જુદાજુદા લહેકાવાળી ભાષા સાંભળી જે મધુ રાયના ગદ્યમાં ભાવકને પણ સરવા કાને સંભળાય છે.

પુસ્તકો :

નાટક : ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ (૧૯૬૮), ‘આપણે ક્લબમાં મળ્યા હતા’ (૧૯૭૪), ‘કુમારની અગાશી’ (૧૯૭૫), ‘પાનકોર નાકે જઈ’ (૨૦૦૪) અને ‘યોગેશ પટેલનું વેવિશાળ’, ‘સુરા અને શત્રુજિત’ (૨૦૦૯).
નાટ્યરૂપાંતર : ‘શરત’ (૧૯૭૫), ‘સંતુ રંગીલી’ (૧૯૭૬) અને ‘ખેલંદો’, ‘ચાન્નાસ’ (૨૦૦૭).
એકાંકી : ‘અશ્વત્થામા’ (૧૯૭૬), ‘આપણું એવું’ (૨૦૦૪), ‘કાન્તા કહે’ (૨૦૦૯).
નવલકથા : ‘ચહેરા’ (૧૯૬૬), ‘કામિની’ (૧૯૭૦), ‘સભા’ (૧૯૭૨), ‘સાપબાજી’ (૧૯૭૨), ‘કિમ્બલ રેવન્સવૂડ’ (૧૯૮૧), ‘કલ્પતરુ’ (૧૯૮૭), ‘મુખસુખ’ (૨૦૦૩) અને ‘સુરા સુરા સુરા’ (૨૦૦૯).
નિબંધ : ‘સેપિયા’ (૨૦૦૧), ‘નીલે ગગનકે તલે’ (૨૦૦૧) અને ‘જિગરના જામ’ (૨૦૦૯).
રેખાચિત્ર : ‘યાર અને દિલદાર’ (૨૦૦૯).
ટૂંકી વાર્તા : ‘બાંશી નામની એક છોકરી’ (૧૯૬૪), ‘રૂપકથા’ (૧૯૭૨), ‘કાલસર્પ’ (૧૯૭૩), ‘કઉતુક’ (૨૦૦૫), અને ‘રૂપ રૂપ અંબાર’ (૨૦૨૫).

આ ઉપરાંત મધુ રાયની ઘણી કૃતિઓના હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદો થયા છે. તેમજ આજપર્યંત તેઓ સર્જનરત છે. કુલ પાંચ વાર્તાસંગ્રહોમાં મળીને ૧૩૦ જેટલી વાર્તાઓ પ્રાપ્ત થાય છે. અહીં મધુ રાયના ઉપરોક્ત પ્રથમ ચાર વાર્તાસંગ્રહ વિશે અભ્યાસ પ્રસ્તુત છે. ગદ્યનાં વિવિધ સ્વરૂપોમાં મહત્ત્વપૂર્ણ કામ કરનારા આધુનિક સર્જક મધુ રાયને અનેક પરિતોષિકો મળ્યાં છે. ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ અને ‘કુમારની અગાશી’ માટે નર્મદ સુવર્ણચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’ માટે ગુજરાત રાજ્ય સરકારનું પ્રથમ પારિતોષિક અને પ્રતિષ્ઠિત ધનજી કાનજી પદક ઉત્તમ નવલકથા ‘કલ્પતરુ’ વાસ્તે પ્રદાન કરવામાં આવેલ. નાટ્યલેખનની વિવિધ સ્પર્ધાઓમાં અનેક ઇનામોથી સન્માનિત કરવામાં આવેલ.

GTVI Image 113 Banshi Namani Ek Chhokari.png

ગુજરાતી પ્રમુખ વાર્તાકારોની વાત કરવાની હોય તો તેમાં મધુ રાયનું નામ અચૂક લેવું પડે. ‘ધૂમકેતુ’થી લઈને આજ સુધીના ગુજરાતી વાર્તાકારોનાં નામ લેવાના આવે તો તેમાં મધુ રાયને વિના સંકોચે મૂકી શકાય; બલ્કે અચૂક મૂકવા પડે તે તેની વાર્તાકળાને લીધે. વાર્તાકાર તરીકે તેઓ એક અલગ અને વિશિષ્ટ મુદ્રા ધરાવતા વાર્તાકાર છે. તેમણે ગુજરાતી વાર્તા સાહિત્યમાં અનેક ઉત્તમ વાર્તાઓ આપી છે. તેઓ અમદાવાદમાં માત્ર છ વર્ષ જ રહ્યા અને જામખંભાળિયા અને દ્વારકામાં બાળપણ વીત્યું એટલો સમય જ ગુજરાતમાં રહ્યા, છતાં વાર્તામાં ગુજરાતી પરિવેશ આલેખી શક્યા છે તે તેમની ખૂબી અને વિશેષતા કહી શકાય. વીસમી સદીના ઉત્તરાર્ધમાં, ગુજરાત રાજ્યની સ્થાપનાની સમાંતરે આપણે ત્યાં કળા પ્રવૃત્તિઓમાં આમૂલ પરિવર્તનો શરૂ થયાં. આપણે ત્યાં પણ નવી હવાનો વંટોળ શરૂ થયો. હવે ગુજરાતી સાહિત્ય વિશ્વ સાહિત્યની ધારાઓ સમાંતરે ઝીલી રહ્યું હતું. આધુનિકતાવાદનાં પગરણ થવા લાગ્યાં. આધુનિકતાનો મૂળ સ્રોત પશ્ચિમની કળા-સંસ્કૃતિમાં જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધ પછી કળામાં વિષયગત, અભિવ્યક્તિગત અને આકારગત જે પરિવર્તનો આવ્યાં. ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે બહુ ઝડપથી આપણો સર્જક તેને ઝીલે છે. આ કોઈ પ્રાંત કે કોઈ દેશ પૂરતો સીમિત ન રહેતાં આંતરરાષ્ટ્રીયવાદ બને છે. આધુનિકતાના આંદોલનનો પ્રભાવ આપણે ત્યાં કવિતા, ટૂંકી વાર્તા, નાટક અને નવલકથામાં ઝીલાય છે. આધુનિકતાવાદી સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવામાં સુરેશ જોષી, મધુ રાય, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, આદિલ મન્સૂરી, મનહર મોદી, મુકુન્દ પરીખ વગેરેની ટીમ તેમજ સાહિત્યિક સામયિકોનો ખૂબ મોટો ફાળો છે. ‘કૃતિ (સંસ્કૃતિ નહીં)’ તેવું મોટા અક્ષરે લખાતું તેથી પરંપરાવાદીઓને ખૂબ આઘાત લાગેલો. રૂઢ, પ્રચલિત રૂપો, દૃઢ-સુરેખ કાવ્યબંધ અને સિદ્ધ રચનાશૈલીનો ત્યાગ જ નહીં પણ તરછોડીને આધુનિક સર્જકોએ નવાં રૂપો, નવા રચનાબંધ, આકાર, રજૂઆત અને નવી શૈલી નિર્માણ કરવાની દિશામાં પ્રયત્નો કર્યા છે. આધુનિકયુગની વાર્તા સ્વરૂપની વાત કરીએ તો, આ યુગના પ્રમુખ સર્જક તરીકે સુરેશ જોષી પછી મધુ રાયે ગુજરાતી કથાસાહિત્યમાં બહુ મોટું પરિવર્તન આણ્યું છે. નાટક, નવલકથા અને ટૂંકી વાર્તાને વળાંક આપવામાં મધુ રાય મોખરે છે. આ સમયગાળામાં વાર્તાકારોએ મનુષ્યસંયોગોની વિષમતા, એકલતા, વિચ્છિન્નતા, હતાશા, ગમગીનતા આદિનું નિરૂપણ કરવા માંડ્યુ. આ માટે આ યુગનો પ્રભાવ ઝીલનારા વાર્તાકારોએ કપોળકલ્પના, સ્વપ્ન, અસંગતતા, પુરાકથા જેવા ઘટકતત્ત્વોનો વાર્તા નીપજવવા માટે ઉપયોગ કરવા માંડ્યો. આ રીતે કામ કરનારાઓમાં સુરેશ જોષી, કિશોર જાદવ અને મધુ રાય પ્રમુખ હતા. તેઓ વાર્તા ક્ષેત્રમાં આખા આધુનિક યુગનો આવાજ હતા. સુરેશ જોષી પછીની વાર્તાનાં વહેણ-વળાંકોમાં મધુ રાયનો ફાળો અનન્ય છે. મધુ રાયે ગુજરાતી વાર્તાસાહિત્યમાં નવોન્મેષ પ્રગટાવ્યો. તે તેમની વાર્તાઓની વિશેષતા છે. તેમના પાંચેય વાર્તાસંગ્રહોમાંથી પસાર થતાં એટલુ તો ચોક્કસ સમજાશે કે, વાર્તામાં નવા આયામો તેમણે ઉમેર્યાં છે, નવી સિદ્ધિ અને નવું શિખરસર કરેલું વાર્તામાં તેમની પાસેથી મળે છે. વાર્તામાં નવાં પરિમાણો, નવા વિષયો, શૈલી, ટેક્‌નિક દ્વારા તેઓ વાર્તાકળા સિદ્ધ કરી શક્યા છે. મધુ રાયની વાર્તાઓમાં પ્રયોગશીલતા, રચનારીતિ અને વાર્તાનાં વિવિધરૂપો પ્રગટાવવાની તેમની નેમ જણાય છે. વાર્તાકાર તરીકે તેઓ એક વિષયમાં પ્રતિબદ્ધ સર્જક તરીકે સામે આવે છે. ‘બાંશી નામની એક છોકરી’, ‘કાલસર્પ’ વાર્તાસંગ્રહ સુધીની વાર્તાઓમાં ઉપરોક્ત લક્ષણો સાથે નવો રૂપલક્ષી અભિગમ અચૂક નજરે પડે છે. એટલે જ આ વાર્તાઓ મધુ રાયની વાર્તાઓ મધુર લાગે છે, આધુનિકતામાં અગ્રેસર, આકર્ષક જણાય છે. આ સર્જક શાલિન વાર્તાકાર છે. તેની પાસે વાર્તાને નીપજવવાની અને દિશા આપવાની દૃષ્ટિ છે. તેની વાર્તાઓમાં વિવિધતા જોવા મળે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ જેના માટે ‘કળાપ્રપંચ’ સંજ્ઞા પ્રયોજી છે તેવી ગૂંથણી મધુ રાય વસ્તુ, સમય, અવકાશ, રચના અને ભાષાની કરે છે તેવું તેની મોટા ભાગની વાર્તાઓમાંથી પસાર થતાં જણાશે. તેઓ વાર્તાના કસબી છે. ‘ધ્વનિ’ કવિતાકળા સાથે વધુ નજીકનો સંબંધ ધરાવે છે. હાર્મોનિકામાં જે ધ્વનિ સંભળાય છે તે મધુ રાયને હાથવગો છે. અહીં લેખકની અર્થ અંગેની-વિશેની શ્રદ્ધા તૂટેલી લાગે. વર્ણોની ફેરબદલ, સાઉન્ડનું સૌંદર્ય લેખકનું નિજી છે. હાર્મોનિકા એટલે જોવાની અને સાંભળવાની ગડમથલ. આ વાર્તાઓ મધુ રાયની પ્રયોગવૃત્તિનું ફળ ગણાય. કળાકારના ધોરણે, સમજપૂર્વક અને પૂર્ણ નિસ્બતથી મધુ રાય વાર્તામાં પ્રયોગો કરે છે. તેનું ઉત્તમ ઉદાહરણ તેની ‘ચ્યુમ્મબન્ન’ વાર્તા ગણાવી શકાય. ‘બાંશી નામની એક છોકરી’ વાર્તાસંગ્રહમાં કુલ બાવીસ વાર્તાઓ છે. આ સંગ્રહમાં સર્જક્ના અન્ય સંગ્રહોના મુકાબલે ઉત્તમ વાર્તાઓ પ્રમાણમાં ઓછી મળે છે. પણ સર્જક તરીકેની મધુ રાયની વિશિષ્ટતા અને વિલક્ષણતા તારવી આપે તેવો સંગ્રહ છે. પ્રથમ સંગ્રહથી જ મધુ રાય વાર્તાકાર તરીકે કાઠું કાઢે છે. બંગાળી પરિવેશ પ્રયોજે છે. આ અગાઉ વાર્તામાં આ પરિવેશ ચંદ્રકાન્ત બક્ષી અને શિવકુમાર જોશી પ્રયોજી ચૂક્યા છે. છતાં આ અલગ અવાજ છે. વાર્તાના વિષયો અલગ છે. તેને રજૂ કરવાની રીત પણ અલગ છે. તેથી મધુ રાય પહેલા જ સંગ્રહથી વાર્તા સાહિત્યમાં પોંખાય છે. આ સંગ્રહની વાર્તા ‘બાંશી નામની એક છોકરી’માં વાર્તાનાયક સામે એક જુદી જ પરિસ્થિતિ આવી પડી છે. વાર્તામાં બાંશીની અનઉપસ્થિતિમાં વાર્તાની માંડણી વાર્તાકાર કરે છે. વાર્તાનાયકની બાંશી પ્રત્યેની પ્રણયની ભાવના વધુ તો માનસિક જ છે. અતુલભાઈ અને વાર્તાનાયક ફિલ્મ જોવા ગયા છે. આ સમય દરમ્યાન અને પછી ઘરે જતી વખતે પણ વાર્તાનાયકને અનેક રીતે બાંશી નામની છોકરીની યાદ આવે છે. લેખક ખૂબ જ સરળ અને સહજતાથી પાત્રના સ્મૃતિ સંચલનો નિરૂપી શક્યા છે. વાર્તામાં વાર્તાનાયક અને અતુલભાઈની ચર્ચા, વાતચીત અને ખાસ તો વર્તનમાંથી આખી સંવેદનસૃષ્ટિ ખીલે છે અને વિસ્તરે છે તે સ્પષ્ટ રીતે વાચક જોઈ શકશે. બાંશીનો પરિચય પણ ખૂબ ઓછા શબ્દોથી આકૃતિ ઊભી કરી છે. આ બંને વચ્ચેની વાતચીતમાંથી જ બાંશી નામની છોકરીનો પરિચય ભાવક મેળવે છે. હજી વાચક સામે બાંશીને સર્જકે પ્રત્યક્ષ કરી નથી! બાંશીનો પરિચય લેખકને આપવો પડતો નથી. મૂકેશનું પાત્ર ઉમેરાય છે જે વાર્તાનાયકનો મિત્ર છે. લેખક દ્વિ-અક્ષરી શબ્દોથી શરૂ કરીને બાંશીનું વ્યક્તિત્વ સુંદર રીતે ખડું કરે છે. બાંશીના દેહસૌંદર્યને ખૂબ રસાળ શૈલીમાં રજૂ કરી આપે છે. મૂકેશ અને કથાનાયક વચ્ચે થયેલો સંવાદ વાર્તાના અંકોડા મેળવી આપે છે. નાયક તેને મળવા માંગે છે પણ માત્ર તે શ્યામ બજારમાં રહે છે આટલી જ ખબર મળે છે. પછી બાંશી પર છાપ છોડવા માટે સેન્ડલ, કપડાં વગેરેમાં ધ્યાન આપે છે. પણ બાંશી તો અન્ય કોઈને પરણશે. આ તો સામાન્ય ચા વેચવાવાળો બને ને તેને બાંશી ચા વેચતો જોઈ જાય તો? અહીં નાયકનાં જીવનની અને વિલક્ષણ વિચારની વિભીષિકા દર્શાવીને વાર્તા પૂરી કરી છે. ‘સમસ્યા’ વાર્તા મનોસંવેદનોના સૂક્ષ્મ નિરૂપણવાળી વાર્તા છે. નાયકને નોકરીમાં પચાસ રૂપિયાનો પગાર વધારો મળ્યો છે. પહેલા જ દિવસે નાયક ઘણું ઘણું વિચારી લે છે. તેની દૃષ્ટિમાં ફેર વર્તાય છે. નાયક વિચારે છે કે, હવે ઘરમાં કઈ કઈ વસ્તુઓ લાવવી? કયાં કયાં સુધારા કરવા? વગેરેથી કથાનાયકના મનના મનોસંચલનો બહુ જ બારીકાઈથી અને છતાં સહજતાથી સર્જક નિરૂપી શક્યા છે જીવનની સૌથી મોટી સમસ્યા ભવિષ્યના સુખની છે. વાર્તામાં ઘણા પ્રતીકો પ્રયોજીને વાર્તાને ઊંચાઈ આપે છે. વાર્તાના અંતે સપનું આવે છે અને છૂ કરતાં જે ધારે તે કામ થઈ જાય છે. સપનું તૂટે છે તે જાગવાનો પ્રયાસ કરે છે, આંગળી પકડવાનો પ્રયાસ કરે છે. એ સપનામાં બી જાય છે. વાર્તા નાયકનું સપનું એ દરેક માનવીનું સપનું બને છે અને પચાસ રૂપિયાના પગાર વધારવાળી નોકરી સપનું તો નથી ને? આ સમસ્યાનું સમાધાન શોધવા એ અંદર અને બહારથી તરફડી ઊઠે છે. અહીં વાર્તામાં લેખકની કલાત્મક સૂઝ દેખાય આવે છે. સર્જકની નિરૂપણ શક્તિની કસોટી થાય છે અને તેમાં સર્જક પાર ઉતરે છે.

GTVI Image 114 Kautuk.png

‘ધારો કે –’ વાર્તા વિશિષ્ટ અને આજના માનવીની યંત્રણા સ્થિતિની દ્યોતક છે. વાર્તાના શીર્ષકથી જ શક્યતાઓની શરૂઆત થાય છે. તમારું નામ કેશવલાલ છે અને તમે ગુજરાતી છો. અહીંથી શરૂ થયેલી વાર્તા તેની શરૂઆતમાં જ વાર્તાના અનેક સંકેતો આપી દે છે. સંડાસ, નળની ચકલી, શેવાળ, મેલો ટુવાલ, ગઈકાલવાળું ગંજી વગેરે બધાની સાથે વાર્તા ઘડાય છે અને આ વાર્તાના સંકેતો બને છે. વાર્તાનો વિશિષ્ટ પ્રયોગ અદ્‌ભુત છે. વાર્તામાં શક્યતાઓ અને સંભાવનાઓ રજૂ કરીને સર્જક બાજી મારી જાય છે. આ ધારણાઓને વાર્તા સર્જકે યાંત્રિકતા સાથે જોડી છે. યાંત્રિકતાએ માનવીના અસ્તિત્વનું કેવું કાસળ કાઢ્યું છે તેનું કલાત્મક આલેખન કરી વાર્તામાં માનવની સ્થિતિ અને ગતિનો સમય સાથે સંકેત કર્યો છે. યાંત્રિકયુગની શોધ અને તેનો આરંભ કરનારો માનવી જ હવે તેનાથી ભીંસાઈ રહ્યો છે. તે યંત્રવત્‌ જીવન જીવવા લાગ્યો છે. તેની યાંત્રિક ચેતના હવે સંવેદના ગુમાવી દે છે. હતાશા, નિરાશા, નિઃસહાયતા, એકવિધતા, લાચારી, હાડમારી, બેચેની તેને યંત્ર બનાવે છે. વિશ્વાસ ગુમાવી બેસેલ માણસ ભીંસાઈ રહ્યો છે. આખી કથા શરૂથી લઈને અંત સુધી શક્યતાઓરૂપે વિકસે અને વિસ્તરે છે. અહીં લેખકે કલાત્મકતા સિદ્ધ કરી છે. આ વાર્તાની ખાસ વિશેષતા એ છે કે નાટ્યકાર મધુ રાયની દૃષ્ટિએ વાર્તા અસરકારક બની છે. મધુ રાયની ઘણી વાર્તાઓ ભજવણીક્ષમ છે તેમાંની આ એક છે. ‘કુતૂહલ’નો બાળક નવલકિશોર તેનાં તોફાન અને કારનામાઓને કારણે સરેરાશ રોજના ત્રણના હિસાબે કજિયા કરે છે અને સરેરાશ રોજની દસ મિનિટના હિસાબે બાપુજી ભંવરમલજી એને મારતા અને માસ્ટર તેને રોજના આઠ આનાના હિસાબે ભણાવે છે. માસ્ટરની નજરે વાર્તાની પરિસ્થિતિ ખૂલે છે. નવલકિશોરની ઉંમર ચૌદ વર્ષની છે. સર્જક નામ પણ ‘નવલકિશોર’ સૂચક રીતે પસંદ કરે છે. શેઠ અને શેઠાણીની નવલકિશોરને સુધારવાની જિદથી માસ્ટર તેને ભણાવવા આવે છે. નવલકિશોરની જીવ અને જગતને જોવાની દૃષ્ટિમાં વિસંગતતા છે તે કૃતિનો આસ્વાદ્ય અંશ છે. નવલકિશોર કોઈને સારતો નથી, કોઈની કાબૂમાં નથી. શેઠની તો માન-મર્યાદા રાખતો જ નથી તેવો વંઠેલ છે. વાર્તા અંત તરફ ગતિ કરે છે ત્યારે અંતે શેઠની પડદો ખોલે છે ને રહસ્યસ્ફોટ થાય છે. તે કહે છે જવા દો ને માસ્ટર, નવલ હવે નહીં ભણે, હવે ઉઠાડીને એને કાલથી દુકાનમાં બેસાડવાનો છે. સામેવાળાની દીકરી સાથે કરેલી હરકતથી લઈને માતાજીની મૂર્તિની ચેષ્ટા કરવા સુધી નવલકિશોરની માનસિકતાનો વિસ્તાર છે. તેનો પડઘો ખૂબ જ મોટા અવાજે પડે છે. નવલની માનસિક સ્થિતિ અંતે છતી થાય છે ત્યારે માસ્ટર ગોથું ખાય જાય છે. વાર્તાન્તે ચોટદાર અને આસ્વાદ્ય બની છે. મધુ રાયના ‘બાંશી નામની એક છોકરી’ વાર્તાસંગ્રહની આટલી વાર્તાઓની ચર્ચા કરવી ઉચિત અને યોગ્ય જણાય છે. પરિચય માટે ચર્ચા ખમે તેવી તો તેમની દરેકે દરેક વાર્તા છે. સર્જકનો બીજો વાર્તાસંગ્રહ ‘રૂપકથા’ છે. તેમાંની વિશિષ્ટ અને આસ્વાદ્ય વાર્તાઓ વિશે પરિચય મેળવીએ. ‘ચ્યુમ્બન્ન’ (હાર્મોનિકા) આ વાર્તા હાર્મોનિકા વાર્તા જૂથનું એક વિશિષ્ટ ભાષા એકમ રજૂ કરે છે. ધ્વનિ સૌંદર્ય થકી વાર્તાના શીર્ષકમાં ચુંબનની ક્રિયા દીર્ઘ સ્વરે મૂર્ત થતી જોઈ શકાય છે. ધ્વનિ, રાગ, આવેશમય અભિનિવેશ અને ક્રિયા બધું જ સર્જક ભાષાના વિશિષ્ટ ઉપયોગ થકી ખડું કરે છે. ભાષામાં રહેલા લય થકી વરસાદ વરસવાનો ધ્વનિ સર્જક ખડો કરે છે. અહીં મોહન પરમારની ‘વાયક’ વાર્તા તરત યાદ આવી જાય છે. વરસાદ વરસવાનો અવાજ, ટીપાં પાડવાનો અવાજ, વરસાદનું ટપકવું, ત્રાટકરૂપ વગેરેનો ધ્વનિ ભાષાની મદદથી અને કલાની અદબથી સર્જકે ખડો કર્યો છે. આ શબ્દો ને વર્ણોનું મોટા અવાજે ઉચ્ચચરણ કરવાથી વરસાદ પાડવાની સ્થિતિ તાદૃશ્ય થશે. રમેશ અને કેતકીની સ્થિતિ અને ચેષ્ટા ભાવકને દુષ્યંત અને શકુંતલા સુધી દોરી જાય છે. સાંકેતિક અને પ્રગટ એમ બે રીતે નાયક નાયિકાની જાતીયક્રિયાઓ અને કલાપો દર્શાવાયાં છે. રતિક્રીડા માટે ઉદ્દીપન બને છે વરસાદ. કેતકીના હોઠ ધ્રુજે છે. તે કશું બોલતી નથી પણ મલકતી રહે છે. અહીં કેતકીનું નાયકને નજીક આવવાનું આહ્‌વાન છે. આવકાર છે. બંનેનાં હાથ પરસ્પર ભિડાય છે અને વરસાદની હેલી સાથે પરસ્પરના શરીર માઝા મૂકે છે. વાર્તામાં ઘટના નથી પણ તરંગપટ છે. પૂપૂપૂપૂની જગ્યાએ પુપુપુપુનો ભાવપલટો ક્રિયામાં પરિણમે છે. સામાન્ય ભાવક માટે આ સ્થિતિને અનુભવવી અને પામવી સહેલી નથી. વાર્તામાં ગદ્યની જગ્યાએ પદ્ય પ્રયોજાયેલું જણાશે. વાર્તાનું મોટેથી પઠન કરવું પડે છે ત્યારે તેનું નાદસૌંદર્ય પકડાય છે. દીર્ઘકાલીન ચુંબન દર્શાવીને સર્જક આવેગને દર્શાવે છે અને કેતકી અને રમેશ જે સ્થિતિ- પરિસ્થિતિમાં છે તેણે વાર્તાક્ષણ ઘડી છે. અહીં શૈલી, રજૂઆત અને વિષય નવા છે. મધુ રાય વાચકને શબ્દ ધ્વનિનો અનુભવ કરાવે છે. સાથે સાથે પાત્રોની મનોગત સ્થિતિ દર્શાવે છે. ધ્વનિ પોતાની સાર્થકતા પેલા લાંબા ચુંબનથી સિદ્ધ કરે છે. આ જ હાર્મોનિકાની સિદ્ધિ છે. ‘રૂપકથા’ વાર્તાસંગ્રહની હાર્મોનિકા શૈલીની બીજી ધ્યાનપાત્ર વાર્તા છે ‘કાચની સામે કાચ’. આ વાર્તાને સર્જકે પૂરી પ્રતીકાત્મક રીતે આલેખી છે. હાર્મોનિકા વાર્તા સાહિત્યનો એક વિશિષ્ટ પ્રકાર જ છે. આ સર્જકની આગવી વાર્તાકળા કહી શકાય. કાચની સામે કાચ ગોઠવીને પ્રતિબિંબોથી દંપતીનો દૃષ્ટિભંગ અહીં પ્રમુખ અને આસ્વાદ્ય વિષય છે. બદલાતી સામાજિક ચેતના સાથે તેનું રૂપ, દૃષ્ટિકોણ વગેરે બદલાયાં છે. પુત્રીને મામાને ત્યાં મોકલીને દોશી દંપતી સોફા-પલંગ છોડીને જાજમ પર બેસી જાય છે. પછી સ્વભાવિકતામાં આવવાનો ખેલ ખેલે છે. સોફા-પલંગની જગ્યાએ જાજમ આવે છે અને સામે કાચ આવે છે. અહીં દોશી દંપતી રમા અને અતુલ વચ્ચે મનમેળ નથી કે સંવાદિતા જણાતી નથી. બંનેના જેવાં છે તેવાં પ્રતિબિંબો કાચમાં પડે છે. અહીં કાચ વાસ્તવનું પ્રતીક બને છે. આ દંપતી એકબીજાને નિહાળવામાં જે ગેરસમજ કરે છે તેમાં કાચ કરતાં વધું આંખનો દોષ છે. આ વાર્તા વાંચતાં પ્રથમ દૃષ્ટિએ માત્ર શબ્દરમત હોવાનું પ્રતીત થાય કદાચ, પરંતુ કૃતિને કલાઘાટ આપવામાં તેનું મહત્વ વિશેષ છે. અહીં પ્રતિબિંબોમાંથી માનવ અસ્તિત્વનો અણસાર આવતો જણાય છે. ‘કાન’ વાર્તા હરિયાને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તા છે. છતાં સ્વતંત્ર રીતે આસ્વાદ્ય બની છે. આ વાર્તામાં કાન પ્રતીક બનીને આવે છે. હરિયો નદીથી નહાઈને આવે છે ત્યારે તેનો કાન લાલ થઈ જાય છે. ત્યારે ‘તારો કાન બહુ મજાનો છે બેટા!’ ત્યાંથી હરિયાના કાનનાં વખાણ શરૂ થઈ જાય છે. કાન એ હરિયાની કશીક વિશિષ્ટ પ્રાપ્તિ છે. કાન શરીરનું એક એવું અંગ છે કે જેનો બાહ્ય કરતાં આંતરિક ઉપયોગ વધારે છે. બાહ્ય તો દેખાવમાત્ર માટે છે. સાંભળવાની ક્રિયા કાનની આંતરિક રચના પર વધુ અવલંબે છે. હરિયો અરીસામાં જુએ છે અને વિચારે છે કે, આ વળી કાનનું શું છે? તેવો જાત સાથે સંવાદ રચીને મધુ રાય આપણી માનવીય પોકળ ગતિવિધિ દર્શાવે છે. હરિયાને બધા માન આપે છે કાનને લીધે. હરિયાના સમગ્ર અસ્તિત્વ કરતાં કાનનું મહત્ત્વ વધુ છે. તેને બીજો કાન પણ છે. પણ હરિયો એટલે આ કાન અને કાન વિનાનો હરિયો કશું જ નથી. તેવો તાલ સર્જકે ગોઠવીને હરિયાનાં અસ્તિત્વનો ઉપહાસ અને આધુનિક માનવીની વિડંબણા રજૂ કરી છે. ‘હું પતંગિયું છું’ વાર્તામાં એક દિવસ અમર નામની કોઈ અજાણી વ્યક્તિનો પત્ર કથાનાયિકા નીલાને મળે છે. તે અજાણી વ્યક્તિ એટલે અમર. નીલા અમરને જાણતી-ઓળખતી નથી. પત્ર ભોપાલથી આવ્યો છે, અહીં નીલાનું બાળપણ વીત્યું છે. પત્રમાં તેની બહેનપણીની વીગતો આલેખી છે. નીલાને વાત ખોટી લાગે છે પણ ખાતરી કરતાં પત્રની વીગત સાચી પડે છે. પછી નિયમિત રીતે અમરના પત્રો નીલાને મળતા રહે છે. દરેક પત્રમાં કંઈ ને કંઈ નીલાના જીવનને અસર કરતાં અનિષ્ટના સમાચારથી નીલા ભયભીત રહે છે. પત્રોમાં અન્ય નીલા સંબંધી અને તેને અસર ન કરતી ઝીણી ઝીણી અનેક વિગતો અમર દ્વારા આવે છે. અને અંતે એક સોમવારે અમરના પત્રો આવવાના બંધ થઈ જાય છે. નીલા પત્રો આવવાથી શરૂઆતમાં જે બેચેની અનુભવતી તેથી વિશેષ ગમગીનતા હવે પત્રો બંધ થવાથી અનુભવે છે. તેનું સરસ અને આબેહૂબ આલેખન મધુ રાય કરી શક્યા છે. નીલા સાથે સર્જકે સ્વપ્નની સૃષ્ટિ મૂકીને વાર્તાને જુદાં પરિમાણો તરફ દોરી જાય છે. અંતે લેખકે સમાધાન મૂક્યું છે કે, નીલા માણસ નથી, એ તો એક પતંગિયું છે. અહીં કપોલકલ્પિત તત્ત્વોનો વિનિયોગ હકીકતની પરિપાટી પર રચાઈને વાર્તાને સુંદર કલાઘાટ મળે છે.

GTVI Image 115 Rup Rup Ambar.png

‘સરલ અને શમ્પા’ ઉત્તમ વાર્તા બની છે. આખી વાર્તા કપોળકલ્પિત છે. વાર્તાની શરૂઆતમાં સરલ અને શમ્પા બગીચામાં વાતો કરતાં બેઠાં છે. શમ્પાનો જમણો હાથ દેખાતો નથી અને પછી શમ્પા ગૂમ થાય છે. સરલ શમ્પાને શોધવા મથે છે ત્યારે તેને બધી જગ્યાએથી નકારાત્મક પ્રતિસાદ મળે છે. શમ્પાના ઘરે તપસ કરતાં તેને જવાબ મળે છે કે શમ્પા જેવી અમારે કોઈ છોકરી નથી. અહીં સરલને મોટો ઝટકો લાગે છે. સરલની બધે જ શોધને અંતે શમ્પાની હયાતી અંગે શંકા જાગે છે અને તે શંકા પોતાના અસ્તિત્વની હયાતી સુધી વિસ્તરે છે. આ વાર્તા મધુ રાયની જ નહીં, ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિ બની છે. આટલી વાર્તાઓ સિવાય પણ આ સંગ્રહની હજી ઘણી ઉત્તમ વાર્તાઓની ચર્ચા કરવી જોઈએ તેવી વાર્તાઓમાં ‘ઈંટોના સાત રંગ’, ‘શેષ પ્રહર’, ‘ધજા’ અને ‘મચ્છરની પાંખોનો અવાજ’ જેવી વાર્તાઓ ખૂબ સારી છે. તો, ‘કાલસર્પ’ વાર્તાસંગ્રહની ઘણીબધી વાર્તાઓ ચર્ચાની એરણે ચડે અને ખરી ઊતરે તેવી છે. પણ આપણે અહીં બે વિશિષ્ટ વાર્તાઓમાં, ‘કાલસર્પ’ અને ‘કઉતુક’ વાર્તાનો તો ઓછામાં ઓછો પરિચય મેળવવો જ છે. જેની નોંધ લીધા વગર આગળ વધી શકાય તેમ નથી. ‘કાલસર્પ’ વાર્તા ભાવ, ભાષા અને વસ્તુથી અલગ ભાત પાડે છે. માયાવી સૃષ્ટિમાંથી ઊભા થતાં વાસ્તવની ક્ષણોને સર્જકે જે પકડી છે તે આસ્વાદ્ય બની છે. આ માટે ભાષાનું પોત અને સામર્થ્ય સર્જક પ્રયોજે છે તે કોઈપણ વાચકનું ધ્યાન ખેંચે છે. આ મધુ રાયની ઉત્તમ વાર્તાઓમાંથી એક છે. સાવ સામાન્ય છતાં આકાશી પદાર્થોનો અનોખો ઉપયોગ કરીને સર્જકે પુરાણ, ખગોળવિદ્યા, જ્યોતિષ અને આકાશીસૃષ્ટિને સાદ્યંત આસ્વાદ્ય બનાવી છે. ‘આ પ્રથમ આકાશી કથાકૃતિ છે.’ તેવું રાધેશ્યામ શર્માનું કથન સાચું છે. અહીં ગદ્યનું એક નવું જ રૂપ જોવા મળે છે. બે પરમાણુના સંયોજનથી એક ‘અણુ’ બને છે અને એવા ત્રણ અણુના સંયોજનથી ત્રસરેણુ બને. અહીં આવી આકાશી અણુ-પરમાણુકથા સાથે ઍરકન્ડીશન્ડ ટ્રેનમાં છોકરો અને છોકરી બેઠાં છે શતતારકા શુક્લ અને આયુષ્યમાન ધ્રુવ. આ ટ્રેન જીવનનું પ્રતીક બનીને આવે છે. વળી, અવકાશી પદાર્થોની વાત સાથે ટ્રેન અવકાશમાં ચાલી જાય છે. અહીં વાર્તાનો તંતુ મળે છે અને વાર્તાનું નવું અને તાજગીભર્યુંરૂપ સર્જાય છે. ગુજરાતી વાર્તા સાહિત્યમાં અનોખી ભાત પાડતી આ વાર્તા આસ્વાદ્ય બની છે. સાથે સાથે આ વાર્તા ભાવકના મનમાં કેટલાક પ્રશ્નો પણ છોડતી જાય છે. ‘હૃદયના તર્ક તે કૈ’ વાર્તામાં એક નાનકડા ટાપુ પર એક વ્યક્તિ બે ટોપીવાળો માણસ છે અને તેની પત્ની એક જ આંગળીમાં પાંચ વીંટી પહેરતી છતાં બંનેને કોઈ પૂછતું નથી કે શા માટે આમ કરે છે? બોબી તેનો પાળેલો કૂતરો છે. આ ગામમાં એક સુંદર કન્યાનો જન્મ થયો. તેનું નામ સુનંદા હતું. બધા એકબીજાને સ્પીડમાં ટૂંકાક્ષરી નામે બોલાવતાં હતા. વાર્તાનાં રહસ્યો સુનંદા અને રમણના પાત્રોના પ્રવેશથી ખૂલે છે. અમુક ચમત્કારિક ઘટનાઓ બને છે. રમણ ચોક વડે જોલીભાઈ, તેની વહુ અને કૂતરાનું મૃત્યુ નીપજાવી ગામનું અસ્તિત્વ મીટાવી દે છે. અહીં ગામ નથી તો સુનંદા પણ નથી અને રમણ પણ નથી! હળવી શૈલીમાં કહેવાયેલી વાર્તાન્તે વાચક સામે અસ્તિત્વના ગંભીર પ્રશ્નો છોડીને જાય છે. માનવમાત્રનું અસ્તિત્વ શું તેવો પ્રશ્ન વાર્તા વાંચ્યા પછી દરેક વાચકને થશે. તે વાર્તાની સિદ્ધિ છે, વાર્તાનું શિખર છે. ‘મોરે પિયા ગયે રંગૂન’ વાર્તાનું શીર્ષક જ જાણે કોઈ ગીતના શબ્દો છે તેમ જણાય છે. તેનાથી તેમાં સંગીતનો ગુણ હોવાની પ્રતીતિ થાય છે. નાયક પ્રોફે. ગુણુભાઈ પોતાના અમેરિકા નિવાસ દરમ્યાન મુશ્કેલીમાં મુકાય છે. તેમને પુષ્પા મળે છે. અંતે ચોટ સાવ સામાન્ય લાગે. ‘કોલિંગ ફ્રોમ આઉટ ઑફ રેન્જ’ બતાવતો ફોન બીજા ગ્રહ પરથી આવતો હોવાની દહેશત ઉપજાવે છે. વાર્તાનો અંત થોડો અસાધારણ જણાયો છે. ‘ઊંટ’ વાર્તામાં પ્રગટેલો વ્યંગ-કટાક્ષ માનવજાત માટે વિરલ છે. હરિયાનું વિમાન જઈ પહોંચ્યું ઊંટલોકમાં. હરિયો ઊંટલોકમાં પહોંચ્યો પછી તેને સમજાય છે કે, અહીં તો ઊંટોનું આધિપત્ય છે. માનવનાં હાડકાં ટેબલ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ માણસ દરેક પશુને ત્યાં હોય અને તે સંશોધન માટે સારો ગણાતો. હરિયાની ઊંચાઈ બરાબર હતી તેથી તેને અહીં ઉપયોગમાં લેવાય છે સંશોધનમાં. માણસનો ઉપયોગ ભોજનમાં પણ થતો! અહીં કપોળકલ્પિતનો સારો ઉપયોગ સર્જકે કર્યો છે. અભિવ્યક્તિમાં ઉપયોગમાં લીધેલી રચનારીતિ, વ્યંગ્ય, કટાક્ષ, પાર્થિવ-અપાર્થિવ તત્ત્વોનો સર્જક સુમેળ સાધે છે અને સારી કલાકૃતિ આપે છે. આ વાર્તાઓ ઉપરાંત ‘દૂરબીન’, ‘જોલી જોનીની કહાની’, ‘માલાબાર પેલેસ’ ઉત્તમ વાર્તાઓ છે. જેની અચૂક ચર્ચા કરવી જોઈએ તેવી વાર્તાઓ છે. જેની નોંધ લીધા વિના આગળ વધવું મુશ્કેલ છે. પણ આપણે છેલ્લી એક વાર્તાનો પરિચય મેળવવો છે તે છે – ‘તારા’ વાર્તા. છગન-મગનના સંવાદથી શરૂ થતી વાર્તા ડાયસ્પોરાનો ઉત્તમ નમૂનો છે. આખી વાર્તા સંવાદાત્મક ધોરણે ચાલે છે. દીપક અગરવાલ વિઝા મેળવવા માટે અમેરિકન તારાને ખોટું ખોટું પરણે છે. લગ્નની બધી રસમ કરે છે. પણ તારા સાથે શારીરિક રીતે અંતર રાખે છે. ભારતીય ડબલ ધોરણોની માનસિકતા તરત છતી થાય છે. માનવ અનુભવલેખે સારી રચના બની છે. એક ભારતીય વડે સંવેદાત્મક ધોરણે નાયિકાને અન્યાય થાય છે. આ મધુ રાયની હાર્મોનિકા શૈલીની ઉત્તમ વાર્તા બની છે. વાર્તાકાર તરીકે મધુ રાયની કેટલીક મર્યાદાઓ પણ રહી છે. મધુ રાય અમુક વાર્તામાં અચાનક વળાંક, સ્વપ્ન થકી વાર્તાન્ત અને અસાધારણ અંત આપે છે તે અપ્રતીતિકર લાગે છે. વાતાવરણની વિવિધતા જ તેની સિદ્ધિ સાથે અમુક વાર્તામાં મર્યાદા બને છે. અમુક વાર્તામાં ટેક્‌નિક અસહજ જણાય છે. સામાન્ય કે સાધારણ ભાવક તેમની અમુક વાર્તાને પામી ન શકે. મધુ રાયની વાર્તાને પામવા, તેનાં પ્રતીકો ઉકેલવા સજ્જ ભાવક અને સરવા કાન જોઈએ. સંવાદાત્મક રીતે કહેવાયેલી વાર્તામાં વાર્તાકાર મધુ રાય ઉપર નાટ્યકાર મધુ રાયનો પ્રભાવ જણાય છે. આવી કેટલીક સામાન્ય ક્ષતિઓને બાદ કરીએ તો, મધુ રાય આપણી ભાષાના ઉત્તમોતમ વાર્તાકાર ઠરે છે. મધુ રાયના ચારેય વાર્તાસંગ્રહોમાંથી પસાર થતાં એટલું તો ચોક્કસ સમજાય છે કે, મધુ રાય આપણી ભાષાના ઉત્તમ વાર્તાકાર છે. ગુજરાતી વાર્તાસાહિત્યના ઇતિહાસની વાત કરવી હોય ત્યારે વાર્તામાં સીમાચિહ્નરૂપ પ્રદાન બદલ તેમને અચૂક યાદ કરવા પડે. વાર્તાના વિષયો, શૈલી, રજૂઆતની ટેક્‌નિક, વાર્તાની પ્રેગ્નેટ મોમેન્ટને પકડવી, વાતાવરણના પ્રયોજનમાં વિવિધતા વગેરે મધુ રાયને આપણી ભાષાના મોટા વાર્તાકાર તરીકે સ્થાપી આપે છે.

સંદર્ભગ્રંથ :

૧. ‘અમેરિકા : રંગ ડોલરિયો’, અદમ ટંકારવી, પ્રથમ આવૃત્તિ ૨૦૦૪, પૃષ્ઠ ૧૨૯.
૨. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ગ્રંથ ૮, ખંડ ૧ અને ર.
૪. ‘રૂપકથા’ (વાર્તાસંગ્રહ), લે. મધુ રાય
૫. ‘કાલસર્પ’ (વાર્તાસંગ્રહ), લે. મધુ રાય
૬. ‘કઉતુક’ (વાર્તાસંગ્રહ), લે, મધુ રાય.

પ્રા. ગીગાભાઈ વામાભાઈ ભંમર
આસિસ્ટન્ટ પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ,
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, રાપર.
મો. ૯૪૨૮૮ ૫૫૭૩૮.