ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ગુણવંત વ્યાસ
ગુણવંત વ્યાસ
સર્જનાત્મક ટૂંકી વાર્તાનો પડકાર
વિપુલ પુરોહિત
વાર્તાકારનો પરિચય :
એકવીસમી સદીની ગુજરાતી ટૂંકી વાર્તામાં આશાસ્પદ ગણાતું એક નામ એટલે ગુણવંત વ્યાસ. સિદ્ધહસ્ત વરિષ્ઠ વાર્તાકારો અને પ્રતિભાશીલ સમકાલીન વાર્તાકારોની વચ્ચે ગુણવંત વ્યાસ પોતાની વાર્તાઓ થકી એક આગવી ઓળખ પ્રાપ્ત કરી ચૂક્યા છે.
સાહિત્યસર્જન :
વિવેચન થકી અધ્યયનશીલ અધ્યાપક તરીકે પોતાની ઓળખ કંડારનાર ગુણવંત વ્યાસ ટૂંકી વાર્તા અને નિબંધ જેવાં સાહિત્યસ્વરૂપોમાં પણ લેખન કરી એક સર્જક તરીકે પોતાનો ચીલો પાડી આપે છે. ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન આ પ્રમાણે રહ્યું છે. વિવેચન : (૧) ગુજરાતી નવલકથાના મહાનાયક : શ્રીકૃષ્ણ (૨) રચનાબોધ (૩) શબ્દબોધ (૪) અર્થબોધ વાર્તા : (૧) આ લે, વાર્તા! (૨) શમ્યાપ્રાસ (૩) ૧૩ (તેર) નિબંધ : (૧) પિચ્છ એક મોરપિચ્છ (૨) મોરપિચ્છનું મધુવન સંપાદન : (૧) પુરસ્કૃત નવલકથા (૨) દલિત સાહિત્ય : અભ્યાસ અને અવલોકન (૩) જોસેફ મેકવાનનો વાર્તાલોક. આ ઉપરાંત અન્યો સાથે મળીને પણ ગુજરાતી ભાષાને ઉપયોગી સંપાદનો એમની પાસેથી મળ્યાં છે.
વાર્તાકારનો યુગસંદર્ભ :
ગુણવંત વ્યાસ અનુઆધુનિક યુગનું પ્રતિનિધિત્વ કરતા વાર્તાકાર છે. આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તા પછી ‘પરિસ્કૃત ગુજરાતી ટૂંકી વાર્તા’ની આબોહવામાં ‘નરી નિતાંત વાર્તા’ રચવાની નિસબત ધરાવતા વાર્તાકારોની વચ્ચે રહીને તેમની વાર્તાઓ પ્રગટ થઈ છે. સુજોસાફોની વાર્તાશિબિરોમાં તેમની વાર્તાકાર તરીકેની સજ્જતા વિશેષ પોષણ મેળવીને ઘડાઈ હોય તેવું જણાય છે. તેમની વાર્તાઓ મુખ્યત્વે એકવીસમી સદીના પ્રથમ બે દાયકામાં બદલાઈ રહેલી યુગચેતના સાથે અનુસંધાન ધરાવે છે.
ટૂંકીવાર્તા વિશે ગુણવંત વ્યાસની સમજ :
પોતાના પ્રથમ વાર્તાસંગ્રહની વાર્તાઓ વિશે નિવેદન કરતાં ગુણવંત વ્યાસ લખે છે કે, ‘આ વાર્તાઓ કેમ અને ક્યારે કેવી રીતે લખાઈ એની કઈ ક્રમબદ્ધ કેફિયત ન હોય, પરંતુ એટલું જરૂર કહીશ કે જ્યારે જ્યારે કોઈ ઘટનામાં વાર્તા બનવાની શક્યતા દેખાઈ છે ત્યારે-ત્યારે કલમ ઉપડી છે.’ તો વળી, ત્રીજા વાર્તા સંગ્રહ ‘૧૩’(તેર)માં નિવેદન કરતાં કહે છે કે ‘ક્યારેક કોઈ ઘટના તમને ખેંચે, કોઈ પળ તમને પજવે; લખવા મજબૂર કરે ને તમે કલમ ઉઠાવો ત્યારે એ જ ઘટના કે પલ તમારી કસોટી કરે; વાર્તાકાર તરીકે તમને કસે – આવું અનેકવાર બન્યું છે, વાર્તા લખતી વખતે; અથવા તો કહો, પ્રત્યેક વાર્તાએ બન્યું છે! તમે ગમે તેટલું ધારો, પણ ધાર્યું થાય એવું નહીં જ! અંત વિચાર્યો હોય કશોક અને નીપજી આવે કંઈક જુદું જ! એ અણધાર્યું ધારદાર બને એ જ તમારી સફળતા! વાર્તાની એ ક્ષણ છટકી તો, વાર્તા પણ છટકી!’ આ બંને વિધાનોમાંથી ટૂંકી વાર્તા અંગેની ગુણવંત વ્યાસની એક પરિપક્વ અને આગવી સમજ મેળવી શકાય તેમ છે.
‘આ લે, વાર્તા!’નો પરિચય :
ગુજરાતી કથાસાહિત્યના વિવેચક તરીકે જાણીતા થયેલા ગુણવંત વ્યાસ ‘આ લે, વાર્તા!’(૨૦૧૧) નામે વાર્તાસંગ્રહ લઈને વાચકો સામે પ્રગટ થાય છે ત્યારે એક સુખદ આશ્ચર્ય મળે છે. સંગ્રહમાં ‘હીંચકો’થી શરૂ કરીને ‘આ લે, વાર્તા!’ – એમ કુલ મળીને અઢાર વાર્તાઓ છે. માનવમનની અકળ ગતિ અને હૃદયના ક્ષણે ક્ષણે બદલાતાં ભાવસંચલનોને આ વાર્તાઓમાં ગુણવંત વ્યાસ કલાત્મક રીતે આલેખે છે. સમકાલીન સમાજજીવનના વિધવિધ રંગો આ વાર્તાઓમાં રસપ્રદ રીતે ઊઘડ્યા છે. ‘હીંચકો’ વાર્તાનો મધ્યમવર્ગીય નાયક જે રીતે નિજી જિંદગીના વાસ્તવ અને કલ્પનાનાં તાંતણે લયાત્મક રીતે ઝૂલે છે તે વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ઓસરતી જુવાની અને આવી રહેલ પ્રૌઢતાના સંધિકાળે મૂછ રાખવી કે કાઢી નાખવાની અવઢવમાં મૂકાયેલા નાયકની મનોદશાનું ચિત્ર ‘ચહેરાનું ઘરેણું’ વાર્તામાં હળવી શૈલીમાં રસપ્રદ બન્યું છે. ‘વરતારો’માં વરસાદની સંનિધિમાં વાર્તાનાયકની મનઃસ્થિતિ નિરૂપવામાં આવી છે. દીકરાએ અપાવેલા નવા બુટ સાથેની મૂળજીની અકળ આસક્તિ વાર્તાને રસપ્રદ બનાવે છે. મેરામ અને ગંગાના દામ્પત્યસ્નેહનો મધુર રંગ ‘સથવારો’ વાર્તામાં ઝિલાયો છે. દલિતસંવેદનાને વ્યક્ત કરવા મથતી ‘વિકલ્પ’ વાર્તા ધ્યાનપાત્ર બની છે. સમયની સાથે જિંદગીના તાલમેળ મેળવતા મનહરલાલની ભાવસ્થિતિઓ ‘પડછાયાની પળો’માં સુંદર રીતે આલેખાઈ છે. કાવ્યસર્જન અને પુત્રના ઘરે પુત્ર જન્મની સંનિધિમાં ‘જન્મોત્સવ’ વાર્તામાં સર્જનાત્મક ક્ષણ બરાબર ઉપસી આવી છે. ‘હું હજી જીવું છું’, ‘ટ્રુ-કોપી’, ‘કેવટ-દર્શન’, ‘ઉપરવાળો’ જેવી વાર્તાઓમાં વ્યક્ત નગરજીવનની વિડમ્બના અસરકારક બની શકી છે. ‘પગલી’ અને ‘પંખીલોક’ વાર્તાની કાવ્યાત્મકતા વાર્તાને શિથિલ બનાવે છે. ‘આ લે, વાર્તા!’નો વ્યંગ્ય આસ્વાદ્ય બન્યો છે. ‘કન્યાદાન’ વાર્તા હૃદયસ્પર્શી છે. ‘પ્રતીક્ષા’ વાર્તા સામાન્ય છે.
ગુણવંત વ્યાસની વાર્તાકલા :
‘આ લે. વાર્તા!’ સંગ્રહથી પોતાની વાર્તાકાર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરતા સર્જક ગુણવંત વ્યાસની વાર્તાકલાની થોડી ખાસિયતો જાણી શકાય તેમ છે. ગુણવંત વ્યાસની વાર્તાઓ પરિસ્થિતિજન્ય ઉદ્ભવતી ભાવસ્થિતિઓ અને મનઃસ્થિતિઓને ચાલકબળ બનાવે છે. પાત્રગત મનોભાવો અને ભાવદશાઓને વિષય બનાવી વાર્તાની રસમય ક્ષણ કંડારવાનો ગુણવંત વ્યાસનો પ્રયત્ન ધ્યાન પાત્ર બન્યો છે. માનવસંબંધોની નરવાઈ અને ગરવાઈનું સંઘર્ષમય ચિત્ર આ વાર્તાઓમાં મળી રહે છે. વાર્તાજન્ય સંવેદનને શોધી, તેને ઘૂંટી વાર્તા રચવાની આ સર્જકની મથામણ અહીં દેખાઈ આવે છે. પ્રતીકાત્મકતા એમની વાર્તાઓની એક નોંધપાત્ર ખાસિયત છે. વળી, વિભિન્ન પરિસ્થિતિઓને સામસામે કે પાસપાસે મૂકીને વાર્તા માટે ઉપકારક તાણ રચવાની ફાવટ પણ આ સર્જકને સારી હોય તેમ જણાય છે. વાસ્તવ અને મનોવાસ્તવના આટાપાટામાં ગૂંથાતી આ વાર્તાઓ ગુણવંત વ્યાસની સર્જકતાની દ્યોતક છે. ગુણવંત વ્યાસની વાર્તાઓમાં વર્ણનની તુલનાને કથન અને સંવાદની યુક્તિ વધુ સફળ-સબળ રહી છે. વાર્તા ‘કહેવાની કલા’ની વિશેષતા આ સંગ્રહની એકાધિક વાર્તાઓમાં સબળ રીતે ઉપસી આવી છે. ગંભીર વસ્તુને પણ હળવાશથી આલેખવાની કલા ગુણવંત વ્યાસ જાણે છે. ગુણવંત વ્યાસ ટૂંકી વાર્તામાં ક્ષણની લીલા રચવાનો પડકાર જાણે છે એટલે એમની વાર્તાઓમાં નિર્ણાયક પળોની માવજત કસબી વાર્તાકારની શૈલીથી થયેલી જણાય છે. વસ્તુની સુદૃઢતા એમની વાર્તાઓનું એક જમા પાસું છે. વાર્તાનાં શીર્ષકો પણ વ્યંજનાગર્ભ હોવાથી વાચક-ભાવકની ઉત્કંઠાને સતેજ કરી શક્યા છે. આ વાર્તાઓની ભાષા અપવાદ રૂપ બે-ત્રણ વાર્તાઓને બાદ કરતાં આમ જોઈએ તો ખાસ પ્રભાવક દેખાતી નથી.
ગુણવંત વ્યાસની વાર્તા વિશે વિવેચકો :
(૧) ‘પાત્રોનાં વ્યક્તિત્વોની ગતિવિધિને પુષ્ટ કરી આપનારાં વર્ણનો અને યથોચિત સંદર્ભોની ગૂંથણી ‘વિકલ્પ’ને વાર્તાક્ષમ બનાવે છે. વાર્તાકાર ગુણવંત વ્યાસ એ રીતે અભિનંદનના અધિકારી છે."
– વિજય શાસ્ત્રી (‘દલિતચેતના’, નવે.-ડિસે., ૨૦૧૦)
(૨) ‘ઘણી ખમ્મા! તમોએ મૂછના સંદર્ભમાં સમયની કરવતને હાથમાં ઝલાવીને ભારે મજા કરાવી. વાંચતાં ખૂબ આનંદ આવ્યો. આવું મજાનું લખતા રહો, દોસ્ત!’
– કિશોર વ્યાસ (પત્ર પ્રતિભાવ)
– પ્રો. ડૉ. વિપુલ પુરોહિત
વિવેચક
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન
ભાવનગર યુનિવર્સિટી
ભાવનગર
મો. ૯૧૦૬૫ ૦૬૦૯૪
‘શમ્યાપ્રાસ’ (૨૦૧૪) : ગુણવંત વ્યાસ
(સમસામયિક જનજીવનનાં રંગો ઉપસાવતી વાર્તાઓ)
વિપુલ પુરોહિત
માનવજીવનની સરળ અને સંકુલ ભાવસ્થિતિઓમાંથી ’સર્જનાત્મક વાર્તા’ શોધી કાઢવાની કલા ગુણવંત વ્યાસે પ્રભાવક રીતે સિદ્ધ કરી છે. એકવીસમી સદીના નોંધપાત્ર ગુજરાતી વાર્તાકારોમાં ગુણવંત વ્યાસનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે. વાર્તારસિયા ભાવકને વાર્તારસનો સ્વાદ પૂરેપૂરો મળે તેવો કસબ દાખવીને વાર્તા રચવાની આવડતને કારણે ગુણવંત વ્યાસની વાર્તાઓ આગવી ઓળખ મેળવી શકી છે. પ્રથમ સંગ્રહ ‘આ, લે વાર્તા!’(૨૦૧૧)માં વાર્તાનું સ્વરૂપ સિદ્ધ કરવાનો ધ્યાનાકર્ષક પ્રયાસ અને વાર્તા-અભ્યાસીઓ દ્વારા તે વાર્તાઓ વિશે પ્રોત્સાહક પ્રતિભાવોને કારણે ત્રણ વર્ષના અંતરાલ પછી ‘શમ્યાપ્રાસ’ (૨૦૧૪) નામે વાર્તાસંગ્રહ લઈને ઉપસ્થિત થતા આ વાર્તાકાર નવી વાર્તાઓ થકી પણ વાચકોના વાર્તારસને સંતોષવામાં સફળ નીવડ્યા હોવાનું પ્રતીત થાય છે. જુદી જુદી વાર્તાલેખન શિબિરોમાં પ્રસ્થાપિત અને નવોદિત વાર્તાકારોની સાથે વાર્તાસર્જનની રીતભાતો શીખતાં-સમજતાં આ સર્જક પોતીકી પ્રતિભાથી રસપ્રદ વાર્તાઓ સર્જી જાણે છે. ગુજરાતી ટૂંકી વાર્તાની સમૃદ્ધ પરંપરાને જાણી-સ્વીકારીને વાર્તાઓ લખવાનું પસંદ કરનાર આ સર્જક વાર્તામાં નવાં લક્ષ્યો સિદ્ધ કરવાનું વલણ દાખવે છે તે નોંધપાત્ર બાબત છે. ‘શમ્યાપ્રાસ’ સંગ્રહની વાર્તાઓને આધારે ગુણવંત વ્યાસની વાર્તાકલાની રિદ્ધિ-સિદ્ધિ તપાસવાનો આ સમીક્ષા આલેખમાં ઉદ્દેશ રાખ્યો છે.
‘શમ્યાપ્રાસ’ની સમીક્ષા :
‘શમ્યાપ્રાસ’ ગુણવંત વ્યાસનો બીજો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહમાં બાર વાર્તાઓ સમાવિષ્ટ છે. આ વાર્તાઓમાં ગુણવંત વ્યાસ મનુષ્ય જીવનના વૈયક્તિક સત્યોને સમષ્ટિગત બનાવવાનો સર્જકીય ઉદ્યમ કરતા નજરે પડે છે. આ સંગ્રહની વાર્તાઓનું વિષયવૈવિધ્ય ધ્યાન ખેંચનારું છે. છતાં દલિતસંવેદનાનો સૂર આ સંગ્રહની એકાધિક વાર્તાઓમાં અભિવ્યક્તિની નવીન તરાહોમાં સંભળાય છે. સમસામયિક ઘટનાઓનું વાર્તાન્તરણ કરવાનું પણ આ સર્જકને ફાવે છે. સામાજિક વાસ્તવની વિષમતાને આલેખતી વાર્તાઓ પણ અહીં નોંધપાત્ર બની છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘શમ્યાપ્રાસ’ એક પ્રયોગશીલ વાર્તા છે. વાર્તાનાયક અધૂરું સરનામું લઈને શહેરમાં આવ્યો છે. તેને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવા માટે રઝળે-રખડે છે. ઘણાંને પૂછે છે. પણ તેનાં રઝળપાટ કે શોધનો અંત આવતો નથી. ‘શમ્યાપ્રાસ..’, ‘નદીને સામે કાંઠે’, ‘પશ્ચિમ કાંઠે’, ‘આશ્રમ માર્ગે’ – એમ સંકેતોમાં આગળ વધતી વાર્તા કેટલાય કવિ-સર્જકોની કાવ્યપંક્તિઓના સંદર્ભોથી વણાટ પામતી અંતે એ ગંતવ્ય સ્થાને પહોંચે છે. વાર્તાનાયક અંતે ઉચ્ચારે છે, ‘હું દૃઢતાથી પ્રવેશ કરું છું. મારામાં ઉજાસ-ઉજાસ થઈ આવે છે; જાણે એક સાથે સેંકડો સૂર્ય ન ઊગ્યા હો!!’ સારસ્વત થવા માટે પૂર્વસૂરિઓના જ્ઞાનવારસાની શિક્ષા-દીક્ષા લઈ ‘શમ્યાપ્રાસ’ આશ્રમમાં પ્રવેશતો વાર્તાનાયક શબ્દની સાધનાને માર્ગે નીકળ્યો હોવાની વ્યંજના ઊઘડે તો છે પરંતુ વાર્તામાં સંવેદનનું રસાયણ જે રીતે ઘૂંટાવું જોઈએ તેવું અહીં બની શક્યું નથી. ‘નવી સડક’ વાર્તાનો ‘અતીત રાગ’ આસ્વાદ્ય બન્યો છે. ગુમાવેલી વિરાસત અને સન્માનની પીડા ગામ સરપંચ લખુભાના ચરિત્ર દ્વારા વાર્તાકારે ધારદાર રીતે વ્યંજિત કરી છે. વંશપરંપરા અને વારસાના પ્રતીક રૂપ આંબા સાથેની લખુભાની મમત વાર્તારસ પ્રગટાવે છે. પોતાની જ માલિકીની જમીન નવી સડક માટે છૂટી કરવાનું લખુભાને ગમ્યું નથી. સડકની ધારે આવેલા ખેતરનો આંબો હવે તેમનું એક માત્ર આશ્વાસન સ્થાન છે. પણ એક દિવસ બેધ્યાનપણે નવી સડક પરથી પસાર થતા લખુભાને એક સામાન્ય ટ્રક ડ્રાઇવર તુંકારો કરી ગાળો ભાંડી જતો રહ્યો અને ટ્રકના કાન ફાડી નાખતા હોર્નથી ગભરાયેલા લખુભા રોડ પરથી લથડી પડ્યા, તેમની પાઘડી ઊડી ગઈ હાથેપગે છોલાઈ ગયું-વાગ્યું – એવું આલેખન વાર્તામાં વસ્તુને સારી રીતે સંયોજે છે. ગામલોકો ખબરઅંતર પૂછી સાંત્વના આપે છે. પરંતુ લખુભાથી તનમાં લાગેલો ઘા તો સહેવાય છે પણ મનને લાગેલો ઘા જિરવાતો નથી. વાર્તાને અંતે સાંજના અંધકારમાં લખુભા કોદાળી લઈને નીકળી પડે છે. ‘દૂર પર સડક પર ઘા ઠોકવાના અવાજો સંભળાતા રહ્યા સૌને, રાતભર! ચોતરફની ચૂપકીદી વચ્ચે ઘાના થડકારે થડકારે કંપતો રહ્યો આંબો પળપળ... એકલો, અટૂલો... સાવ નોંધારો..!’ – એવા વર્ણન સાથે વાર્તાકારે સાંકેતિક રીતે લખુભા અને આંબાની એકલતા અને નિરાધારતાને સૂચવીને વાર્તાની કલાત્મકતા જાળવી છે. બાળમાનસની વિડંબનાને, તેના ઓથારને પ્રભાવક રીતે આલેખતી ’દાઢીવાળો બાવો’ આ સંગ્રહની એક ઉત્તમ વાર્તા કહી શકાય તેવી સશક્ત છે. ‘જો જાગ્યો છે તો, બાવાને આપી દઈશ!’ એવા મમ્મીના મજાકિયા વેણથી ચિત્તમાં રોપાયેલું ડરનું બીજ આ વાર્તાનું કેન્દ્રવર્તી સંવેદન બન્યું છે. વાર્તાનો પૂર્વાર્ધ આ ડરને ક્રમશઃ વિકસાવે છે. પરંતુ વાર્તાના ઉત્તરાર્ધમાં આવતા દાઢીવાળા બાવા અને ફકીરોના સંદર્ભો આ વાર્તાની એક જુદી જ ગતિ અને દિશાનો સંકેત આપી રહે છે. વાર્તાકારે જરાય બોલકા બન્યા વિના કોમી વૈમનસ્યની આગને આ વાર્તામાં કલાત્મક અભિવ્યક્તિ આપી છે. દાઢીવાળાઓનો અજ્ઞાત ભય આ વાર્તામાં સબળ રીતે ઘૂંટાયો છે. ‘હમ કીસી સે કમ નહીં!’ દલિત અને દિવ્યાંગની સંવેદનાને વ્યક્ત કરતી વાર્તા છે. વાર્તાનાયક વાલો દલિત દિવ્યાંગ યુવક છે. ભણવામાં હોંશિયાર હોવાથી શહેરની કૉલેજમાં ઉચ્ચશિક્ષણ માટે પ્રવેશ લે છે. પોતાના જ ગામના અન્ય યુવક માધાનો સધિયારો મળે છે પણ કૉલેજના અન્ય ઉજળિયાત અને સુખી સંપન્ન વિદ્યાર્થીઓ – ખાસ કરીને રોકીનું ગ્રુપ વાલાની તેજસ્વિતાને સહન કરી શકતું નથી. કૉલેજના વાર્ષિક કાર્યક્રમમાં નાટકના પરફોર્મન્સ દરમિયાન હનુમાનનું પાત્ર ભજવતા વાલાને આગમાં ભસ્મિભૂત કરવાનું ષડ્યંત્ર તો રોકી રચે છે પણ શુચિને કારણે વાલો બચી જાય છે. આ વાર્તા તેની ભાષાશૈલીને કારણે વિશિષ્ટ બની છે. ફિલ્મીગીતો અને ટીવીની જાહેરાતોની પંક્તિઓને સાંકેતિક રીતે પ્રયોજીને વાર્તાકારે આ વાર્તાની સંવેદનાને તિર્યકવાણીનું રૂપ આપ્યું છે. ‘મેળો’ પણ દલિતસંવેદનાને જ વ્યક્ત કરતી વાર્તા છે. મેળામાં દલિત સ્ત્રી કમરીનો દીકરો ગોકો તેની માથી છૂટો પડી ખોવાઈ જાય છે. ગોકો માને ખૂબ શોધે પણ નાનકડા ગોકાને ક્યાંય મા જડતી નથી. એક સજ્જન આ કાનુડા જેવા બાળની દયા ખાય છે. રડતા ગોકાને સંભાળવાનો પ્રયત્ન કરે છે. બીજા એક વડીલ પાસેથી પાણીની બોટલ માગી પીવડાવે છે. ગોકાને તેડીને મેળામાં જુદાં જુદાં સ્થાને તેની માને શોધવા લઈ જાય છે. અંતે એક દુકાનદારની પાસે લઈ જાય છે અને તેની મા અહીં આવી છે કે કેમ તેવી પૃચ્છા કરે છે. દુકાનદાર પણ બાળકને ચોકલેટ આપી તેનું નામ-ગામ જાણવાનો પ્રયત્ન કરે છે. અચાનક કમરી નામની એક સ્ત્રી આવી પોતાના બાળકને હૈયા સરસો લગાવે છે. આ બાળક કમરીનું છે એવું જાણતાંની સાથે જ પેલા સજ્જન, વડીલ અને દુકાનદારનો વ્યવહાર બદલાઈ જાય છે. વાર્તાકારે અસ્પૃશ્યતાની સામાજિક સમસ્યાને વાર્તાનો વિષય બનાવી ‘મેળા’ના માધ્યમે અસરકારક રીતે વ્યંજિત કરી છે. તળબોલીમાં આલેખાયેલી આ વાર્તામાં વિષયને અનુરૂપ બોલીના સંસ્કાર વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘બીજો વિકલ્પ’ વાર્તામાં દલિત શિક્ષક બાધર છના પરમારનું આત્મસન્માન વાર્તાનો વિષય બને છે. હેડમાસ્તર ગૌરીશંકર પંડ્યાની સલાહ મુજબ બહાદૂરસિંહ છત્રસિંહ પરમાર બની ગામમાં રહેવાનું બાધરને સ્વીકાર્ય નહોતું. જાતને જાહેર કરવાથી ગામનો વિરોધ બાધરની બદલી સુધી પહોંચી જાય છે. બાધર ગામ છોડી નવા સ્થાને નોકરી માટે નીકળી પડે છે. વાર્તામાં આવતાં હનુમાન મંદિર અને શનિની કથાનાં પ્રતીક વાર્તામાં પૂરતાં ઓગળ્યાં હોય તેવું જણાતું નથી. ‘સુન્દર-કાણ્ડ’ વાર્તામાં આદિવાસી યુવાન સુન્દર અને તેના જાતભાઈઓની વેદના નિરૂપિત થઈ છે. ડૂબમાં ગયેલી જમીન અને વનવગડો છોડી પેટિયું રળવા નગરમાં આવેલાં આ ગિરિજનો પ્રત્યે નાગરી સમાજનો તિરસ્કાર વાર્તામાં સામાજિક વિષમતાને તાકે છે. ટેલિવિઝનમાં આવતી રામાયણમાં લંકાદહનનો એપિસોડ અને નગરમાં આગ લાગવાની ઘટનાની સહોપસ્થિતિ યોજીને વાર્તાકારે વંચિતોની વેદનાને તીવ્ર બનાવી છે. ‘નિરુદ્દેશે’ વાર્તાના રાજુભાઈ કારણ વિના રજા રાખી ઘરે આરામ કરવાનું વિચારે તો છે પણ રજા રાખવા અંગે પત્ની શોભા અને અડોશ-પડોશના લોકોના પ્રશ્નોને કારણે મોબાઈલ પણ ઘરે મૂકી ગામમાં નીકળી પડે છે. કશાય હેતુ વિના અહીંથી તહીં ફર્યા કરે છે. અજાણ્યાં લોકોની વચ્ચે ભળી જઈ જાતને શોધવાનો પ્રયાસ કરે છે. જાહેર બગીચામાં જઈને સૂઈ જાય છે. મોડી સાંજે ઘેર પાછા ફરે છે ત્યારે ઘેર અને સોસાયટીમાં તો જાણે હાહાકાર થઈ ગયો છે. કોઈને કશું કહ્યા વિના રાજુભાઈ પોતાના ઓરડામાં સૂવા જતા રહે છે. પત્ની શોભા રોષમાં પૂછે છે, ‘કાલે નોકરીએ જવાનું છે કે પછી બસ, આમ જ રખડ્યે રાખવાનું છે?!’ તેના જવાબમાં નાયક કહે છે કે, ‘હવે એ ફરી કોઈ મંગલવારે!’ આમ આખી વાર્તા નાયકના નિરુદ્દેશ વિહારમાં વિલસે છે. ‘જુઠ્ઠો’ વાર્તા પણ રસપ્રદ છે. રાહુલની કોઈ વાતને સાચી ન માનતો વાર્તાનાયક આ વખતે તો શહેર જઈ તેની વાતની ખરાઈ કરે છે. પણ ગામમાં પરત આવી રાહુલની સચ્ચાઈને કહેવાની હિંમત નથી થતી અને અંતે એના મનમાંથી ઊંડે ઊંડેથી આવતો ‘જુઠ્ઠો’ એવો અવાજ વાર્તાનાયકની વિમાસણનો પડઘો પાડે છે. એક તરંગના રૂપમાં અકળ રહસ્યને વણતી આ વાર્તા વાર્તાકારની ખૂબીને ઉપસાવી આપે છે. ‘ખાલીપો’ વાર્તામાં નારીહૃદયની પીડા આલેખન પામી છે. પૌત્રી તાપ્તી અને પુત્રી સરિતા સાથે રહેતાં ગંગાબાના જીવનની વિષમતાનું ચિત્ર આ વાર્તામાં રસમય રીતે આલેખન પામ્યું છે. ગંગાબાની વૈષ્ણવભક્તિની સમાંતરે નાનકડી તાપ્તીની ઢીંગલા સાથેની બાળરમતો આ વાર્તામાં પ્રતીક બનીને ઊઘડે છે. સરિતાનું સ્વૈરવિહારી વ્યક્તિત્વ અને રાત્રિની નોકરીની વ્યંજના વાર્તામાં બરાબર વિગલન પામ્યાં છે. દીકરીની રાહ જોતાં ગંગાબા અને માની રાહ જોતી તાપ્તીના મનની લીલા અહીં આસ્વાદ્ય બની છે. ‘મોટો’માં સ્વજનોથી વિચ્છેદ પામતા મુંબઈવાસી મિ. ભટ્ટનું વ્યક્તિત્વ વાર્તાનું બીજ બન્યું છે. મામાનું અવસાન થતાં બા-બહેન અને ભાઈના આગ્રહથી રવિવારે રજાના દિવસે કારજમાં પત્ની સાથે રાજકોટ પહોંચે તો છે પણ સ્વજનોની વચ્ચે પોતાને ગોઠવી નથી શકતા. સંગ્રહની અંતિમ વાર્તા ‘શ્રદ્ધાંજલિ’માં પણ મૃત્યુનું સંવેદન વાર્તાનું બીજ બનીને આવ્યું છે. બાનું અવસાન થયા પછી વાર્તાનાયક બાપુજીને વડોદરા લઈ જઈ શોક્મુક્ત કરવાનો પ્રયત્ન કરે તો છે પણ દીકરો-વહુ જ્યાં ‘સેટલ’ થયાં છે તે મહાનગર-વડોદરામાં બાપુજીનો જીવ ગોઠવતો નથી. અંતે વાર્તાનાયક બા વિના પણ બાપુજી વતન ધારીમાં વધુ સ્વસ્થતાથી જીવી શકશે એવું લાગતાં બાપુજીને ધારી મૂકવા જવા સંમત થાય છે તે વેળાની ભાવસ્થિતિનું વાર્તાકારે મર્મસ્પર્શી આલેખન કર્યું છે. દિવંગત પત્નીની સ્મૃતિઓ જ્યાં સચવાયેલી છે ત્યાં શેષ જીવન પસાર કરી મૃતકને ભાવસભર શ્રદ્ધાંજલિ આપતા પિતા-પુત્રની સમવેદનમઢી આ વાર્તા ગુણવંત વ્યાસની વાર્તાકલાની સમૃદ્ધિનો પરિચય આપી રહે છે. ‘શમ્યાપ્રાસ’ સંગ્રહમાંથી સાદ્યંત પસાર થતાં વાર્તાકાર તરીકે ગુણવંત વ્યાસના કેટલાક આગવા વિશેષો હાથવગા બને તેમ છે. એક તો વિષય સાધારણ હોય કે અસાધારણ તેમાંથી ‘વાર્તા’ ઘડી કાઢવાની આ સર્જકની હથોટી ધ્યાન ખેંચે છે. બીજું વાર્તામાં આવતાં ચરિત્રો વસ્તુની ગરજે આપોઆપ પોતાનું વ્યક્તિત્વ ઉપસાવતાં નજરે ચઢે છે. એટલે એમ કહીએ કે તેમની વાર્તાઓમાં વસ્તુ અને ચરિત્રનો તાણોવાણો એક વિશિષ્ટ પોત રચે છે. વાર્તાની તાસીર અને જરૂરિયાત મુજબની ભાષા એ આ વાર્તાકારની ત્રીજી મહત્ત્વની લાક્ષણિકતા છે. વાર્તાની ગતિ જાળવવા અને નિર્ધારિત અંત સુધી લઈ જવા માટે ગુણવંત વ્યાસ ભાષાનાં બહુવિધ સ્તરો રચવાનું સાહસ પણ કરી જાણે છે. વાર્તામાં આદિથી અંત સુધી રસાત્મકતા જાળવી રખાવાની કુનેહ પણ આ સર્જકની એક વિશેષતા બની છે. સર્વજ્ઞ અને પ્રથમ પુરુષ – એમ બંને કથનરીતિથી રચાયેલી આ વાર્તાઓમાં કથ્ય અને કથનકેન્દ્રનું સંયોજન કલાત્મક રીતે સિદ્ધ થયું છે. શીર્ષકોની પ્રતીકાત્મકતા અને પ્રયોગશીલતા પણ ધ્યાનાર્હ છે. માનવસંબંધોના સાદા-સંકુલ ભાવલોકમાં ડોકિયું કરી તેને ‘વાર્તા’નું રૂપ આપવાની વિદ્યા ગુણવંત વ્યાસને ગુજરાતી ભાષાના એક અધોરેખિત કરવા જેવા વાર્તાકાર પ્રસ્થાપિત કરે છે. અભ્યાસીઓ અને વિવેચકો પાસેથી તેમની વાર્તાઓ વિશે સમયાન્તરે નોંધપાત્ર નિરીક્ષણો મળતાં રહ્યાં છે તે બાબત પણ નોંધવા જેવી છે.
– પ્રો. ડૉ. વિપુલ પુરોહિત
વિવેચક
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન
ભાવનગર યુનિવર્સિટી
ભાવનગર
મો. ૯૧૦૬૫ ૦૬૦૯૪
‘૧૩’ (તેર) : ગુણવંત વ્યાસ
(ભાવસંચલનોને સર્જનાત્મક ઘાટમાં ઘૂંટતી વાર્તાઓ)
વિપુલ પુરોહિત
વાર્તાકારનો પરિચય :
એકવીસમી સદીએ ગુજરાતી ટૂંકી વાર્તાને ઘણી આશાસ્પદ સર્જક-કલમોની ભેટ આપી છે. ગુણવંત વ્યાસનું નામ પણ આવી જ એક સબળ સર્જક-કલમ તરીકે લઈ શકાય તેવું તેમનું વાર્તાકર્મ છે. પ્રસ્થાપિત નીવડેલા વાર્તાકારો અને પ્રતિભાશીલ સમકાલીન વાર્તાકારોની સમાંતરે ગુણવંત વ્યાસે પોતાની વાર્તાઓથી એક આગવી ઓળખ સાથે નવો ચીલો કંડારવાનો ધ્યાનપાત્ર સર્જકીય ઉદ્યમ કર્યો છે.
‘૧૩’ સંગ્રહની વાર્તાઓનો સામાન્ય પરિચય :
ગુણવંત વ્યાસના આ ત્રીજા વાર્તાસંગ્રહમાં શીર્ષક સૂચવે છે તેમ ‘૧૩’ વાર્તાઓ છે. ‘૧૩’ નામધારી વાર્તાનો ક્રમ પણ તેર છે. તેરનો આંક સામાન્યતઃ અશુભ-અમંગળનો સંકેત આપે છે. આ અપશુકનિયાળ આંકડાને લઈને નાયકના મનોજગતમાં ચાલતી તરંગલીલા આ વાર્તાની ધરી બની રહે છે. વાર્તાકારે સતત ૧૩ના અંક સાથે વાર્તાનાયકના અસ્તિત્વનું સાયુજ્ય રચીને મૃત્યુના ઓથારને સર્જનાત્મક રીતે આવિષ્કૃત કર્યો છે. ‘અંત વિનાનો અંત’ વાર્તામાં એકાકી જીવન ગાળતાં વૃદ્ધ દંપતીની સંવેદના હૃદયસ્પર્શી બને છે. અશક્ત અને બીમાર પત્નીની સેવા-ચાકરી કરતા વયોવૃદ્ધ ભવાનીશંકરનું વ્યક્તિત્વ પ્રભાવક બન્યું છે. જીવનભર સંગાથી બની રહેલ આ દંપતી મોતવેળાએ પણ સહયાત્રી બની રહ્યાં. અહીં પણ મૃત્યુનો ઓથાર વાર્તાના આરંભથી છેક અંત વિનાના અંત સુધી વિસ્તર્યો છે. ઘટનાને બદલે મનોઘટનામાં જ વિસ્તરતી વાર્તા તરીકે ‘તરસ્યા કૂવાને કાંઠે’ વાર્તામાં જીવનની તરસ કાવ્યાત્મક ગદ્યમાં આલેખિત બની છે. ‘સાંકડી શેરીને નાકે’માં પુત્રવત્સલ માતૃહૃદયનું ભાવજગત વાર્તાનું રૂપ લઈને આવ્યું છે. વાર્તાનાયિકા રેવાનાં મનોસંચલનોમાં વિસ્તરતી આ વાર્તામાં વાર્તાગત વસ્તુ સબળ રીતે માવજત પામ્યું છે. ‘ઈ આપડને નો ફાવઅ્!’માં બાળમજૂરીનો વિષય બોલીના વિશિષ્ટ લહેજા-રણકા સાથે આસ્વાદ્ય બન્યો છે. કાગળિયાઓના અક્ષરો વાંચવાની મથામણ કરતો બાળ ઘરઘાટી ‘મેક-મુકેસ’ અને શિક્ષિત પરંતુ સ્વકેન્દ્રી ગૃહિણી ‘સ્વાતિ’નાં ચરિત્ર આ વાર્તાનું કેન્દ્ર બનીને ઊપસે છે. નગરજીવન અને ગ્રામજીવનના સંઘર્ષ સાથે પરિવારનાં સંબંધોના સંઘર્ષને પણ વણી લઈને રચાતી ‘બે બગસરા’ વાર્તા સંબંધોની સંકુલતાને તાકે છે. અતીતરાગમાં વિલસતી અબુમિયાંની જિંદગીનો સૂર ‘આજ ફિર જીને કિ તમન્ના હૈ!’માં વાર્તાકારે બખૂબી છેડ્યો છે. ‘ફકીરા, ચલ ચલાચલ!’ વાર્તામાં મધ્યમવર્ગીય પરિવારની કાયમી આર્થિક ભીંસ અને જોયેલાં પણ સાકાર નહિ કરી શકેલાં સપનાંઓની વચ્ચે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ માટેની જરૂરિયાતને વાર્તાકારે એકદમ સરળ રીતિમાં આલેખી છે. કલાત્મક વાર્તા અને લોકરંજક વાર્તાના દ્વંદ્વને ઉપસાવતી પ્રયોગશીલ વાર્તા તરીકે ‘આ વાર્તા નથી!’માં નાયક-વાર્તાકાર રામદાસ અને તેના પૌત્ર ક્રિશની સંવેદનાને વાચા આપવાનો પ્ર્રયાસ કર્યો છે. ‘વૃંદાવન’ સંવેદનાસભર વાર્તા છે. કર્મકાંડી પિતા રામશંકરને ત્યાં બીજીવાર પણ પુત્રીનો જન્મ થતાં તેની પુત્રેષ્ણા વાર્તાની નિર્ણાયક ક્ષણ બનીને આગળ વધે છે પરંતુ વાર્તાને અંતે ‘વૃંદાવન’ શીર્ષક સાર્થક પ્રતીત થાય છે. ‘ચમત્કાર’ વાર્તામાં સંબંધોના બદલાતા ચમત્કારની વાત રસપ્રદ રીતે કહેવાનો પ્રયત્ન કર્યો છે. તરંગલીલાને પ્રભાવક કથનાત્મકતા સાથે વિસ્તરતી ‘ચામો’ વાર્તા તેનાં વર્ણ્ય વિષયને કારણે નોખી ઊપસી આવી છે. વાર્તાનાયકનો ‘કઢી’ પ્રત્યેનો અણગમો આ વાર્તાને આસ્વાદ્ય બનાવવામાં પ્રતીતિકર બન્યો છે. ‘ગંધ’ પણ આવી જ એક વિલક્ષણ તરંગલીલાને આલેખતી નોંધપાત્ર વાર્તા છે. કોઈનેય નહિ ને એકલા મનસુખલાલને અકળાવતી વિચિત્ર ગંધ આ વાર્તાનું સાદ્યંત ચાલકબળ બની રહે છે. આમ, આ વાર્તાઓમાં જીવાતા જીવનની સ્થૂળ-સૂક્ષ્મ ભાવક્ષણો વર્ણ્ય વસ્તુ બનીને ઘાટ પામતી જણાય છે. વાર્તાકારે માનવજીવનની રોજિંદી છતાં અકળ ભાવલીલાઓને આ વાર્તાઓમાં આલેખાનો પ્રભાવક પુરુષાર્થ કર્યો છે.
ગુણવંત વ્યાસની વાર્તાકલા :
‘૧૩’ વાર્તાસંગ્રહથી ગુણવંત વ્યાસ વાર્તાકાર તરીકેની પોતાની ઓળખ વધુ મજબૂત બનાવે છે. આ સંગ્રહમાંથી પસાર થતાં સહજ આ વાર્તાકારની વાર્તાકલાના કેટલાક વિશેષો હાથવગા થઈ શકે તેમ છે. પરંપરાગત, પ્રયોગશીલ, આધુનિક અને સાંપ્રત ગુજરાતી ટૂંકી વાર્તાના વિવિધ રંગ-ઢંગ અને વલણોથી પરિચિત આ વાર્તાકાર પોતાની વાર્તાઓને કશાય ‘લેબલ’ લગાવ્યા વિના માત્રને માત્ર તેને ‘વાર્તા’ બનાવવાનો સર્જકીય ઉદ્યમ કરે છે. સામાન્ય કે પરિચિત વિષયને પણ પોતાની સર્જકપ્રતિભાથી અસામાન્ય અને અચરજભર્યો બનાવી, વાર્તા રચવાની વિશેષતા ગુણવંત વ્યાસની વાર્તાકાર તરીકેની મહત્ત્વની ખૂબી છે. વાર્તા માટે જરૂરી એવી વાર્તાક્ષણ પસંદ કરી તેને કલાત્મક રીતે આલેખાવાની કળા આ વાર્તાકાર સારી પેઠે જાણે છે. ’અંત વિનાનો અંત’માં એકાકી વૃદ્ધ દંપતીની ચિર સહયાત્રા મૃત્યુના સાર્વત્રિક સ્વીકારને સહજ કરુણમાં ઘૂંટીને વ્યંજિત કરે છે. ‘૧૩’, ‘ગંધ’ અને ‘ચામો’ જેવી વાર્તાઓમાં ફેન્ટસીનું તત્ત્વ વાર્તાને ઉપકારક બન્યું છે. ‘આજ ફિર જીને કિ તમન્ના હૈ!’ અને ‘ફકીરા, ચલ ચલાચલ!’ – બંને વાર્તાઓના શીર્ષક ફિલ્મીગીતની પંક્તિઓ પરથી હોવાથી પરિચિત લાગે છે અને તેમાં આલેખાયેલો વિષય પણ એવો જ જાણીતો છે. છતાં આ વાર્તાઓમાં મધ્યમવર્ગીય કુટુંબજીવનની વિમાસણ અને મથામણ જે રીતિમાં આલેખન પામ્યાં છે તેને કારણે આ વાર્તાઓ ભાવકના વાર્તારસને પોષવામાં સફળ નીવડે છે. ‘સાંકડી શેરીને નાકે’ અને ‘તરસ્યા કૂવાને કાંઠે’માં માનવજીવનની વિરૂપતાનું ચિત્ર રસમય રીતે આલેખાયું છે. ‘વૃંદાવન’ વાર્તાની વિધેયાત્મકતા સ્પર્શી જાય છે. ‘ઈ આપડને નો ફાવઅ્!’ વાર્તામાં સામાજિક સમસ્યાનું નિરૂપણ થોડું બોલકું બન્યું છે પણ વાર્તા સાવ કથળી નથી તે જમા પાસું છે. ‘આ વાર્તા નથી!’ ‘ચમત્કાર’, ‘બે બગસરા....!’ જેવી વાર્તાઓમાં સંવેદન અને ચરિત્રોના મનોગતને વાર્તામાં ઢાળવાનો કસબ ધ્યાન ખેંચે છે. માનવસ્વભાવની ચિત્ર-વિચિત્ર ખાસિયતોને ટૂંકી વાર્તાનો વિષય બનાવવાનું ગુણવંત વ્યાસને સારી રીતે ફાવે છે. ચરિત્રના મનોગત અને વાણી-વ્યવહારથી તેના વ્યક્તિત્વની અસાધારણ રેખાઓ ઉપસાવવાની આવડત આ વાર્તાકાર ધરાવે છે. ‘ચામો’ અને ‘૧૩’ના વાર્તા નાયકો, ‘ગંધ’ના મનસુખલાલ, ‘ચમત્કાર’ના જયંતીલાલ, ‘આ વાર્તા નથી!’ના રામદાસ, ‘આજ ફિર જીને કિ તમન્ના હૈ!’ના અબુમિયાં, ‘વૃંદાવન’ના રામશંકર, ‘અંત વિનાનો અંત’ના ભવાનીશંકર કે પછી ‘ઈ આપડને નો ફાવઅ્’નો મેક-મૂકો – આ બધાં પાત્રો પોતીકી મુદ્રાઓ સાથે આ વાર્તાઓનું આકર્ષણ બન્યાં છે. વળી, રેવા, સ્વાતિ, જીવી, સુમી, અને ‘બે બગસરા’ની વહુ જેવાં સ્ત્રી પાત્રોની પણ એક આગવી ઓળખ આ વાર્તાઓમાં રચાઈ છે. વાર્તાકારે સંગ્રહની બધી જ વાર્તાઓમાં સર્વજ્ઞ કથન રીતિનો વિનિયોગ કર્યો છે. સર્જકના પક્ષેથી જ વાર્તા મંડાઈ છે અને ક્રમશ; વસ્તુવિકાસ સાથે તેનાં અંતની સ્થિતિએ પહોચે છે. આ રચનારીતિને કારણે કેટલીક વાર્તાઓમાં સઘનતા જળવાતી નથી. પ્રતીકની પ્રયુક્તિને લીધે ઘણી વાર્તાઓ વ્યંજનાગર્ભ બની શકી છે. અર્થને મોઘમ રીતે વ્યંજિત કરવાનું કૌશલ ગુણવંત વ્યાસની વાર્તાકલાનું સબળ પાસું બની રહ્યું છે. પરિસ્થિતિજન્ય અને પાત્રગત ભાષાભિવ્યક્તિ આ વાર્તાઓની એક નોંધપાત્ર વિશેષતા બની છે. કેટલીક વાર્તાઓમાં વિષય સાથે સંધાન સાધતા ધાર્મિક ગ્રંથોનાં સંદર્ભો વાર્તાકારના જીવનદર્શન પ્રતિ સંકેત આપી રહે છે. અલબત્ત એ સંદર્ભો જે તે વાર્તાના વિષયની જરૂરિયાતથી જ આવ્યાં હોવાથી તેની પ્રસ્તુતતા સમજી શકાય તેમ છે. આ વાર્તાઓમાં ભાષા મોટેભાગે સીધી-સાદી છે. અલબત્ત વાર્તાની જરૂરિયાત પ્રમાણે લોકબોલી, અલંકાર, કહેવત-રૂઢિપ્રયોગ, પ્રતીક જેવી ભાષાગત અભિવ્યક્તિ પણ આ વાર્તાઓમાં ગુણવંત વ્યાસની સર્જકતાની પરિચાયક બની છે. કરુણ અને હાસ્ય આ વાર્તાઓમાં મુખ્યત્વે વિલસતા બે રસ છે. એકાદ-બે વાર્તામાં અદ્ભુતની પ્રતીતિ પણ આહ્લાદક બની છે. ખપજોગાં વર્ણનો અને મુખ્યત્વે તો કથનની પ્રયુક્તિ થકી જ આ વાર્તાઓ કહેવાઈ-રચાઈ છે. વાર્તાકારે વાર્તાઓનાં શીર્ષકો પણ રસપ્રદ, અરૂઢ અને રહસ્યમય યોજ્યાં છે. વાર્તાવિશ્વમાં પ્રવેશ કરવામાં આ શીર્ષકો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેવાં સક્ષમ છે. ફિલ્મીગીતોની પંક્તિઓને વાર્તાનું શીષર્ક બનાવી વાર્તાજન્ય સંવેદનને ઘૂંટવાની સર્જકની રીતિ પણ ધ્યાન ખેંચે છે. ‘૧૩’ સંગ્રહની વાર્તાઓ સાધારણ વાર્તાથી કંઈક વિશે રૂપ પામી શકી છે. વાર્તાકાર ગુણવંત વ્યાસની સર્જકતા આ વાર્તાઓ થકી એક નિશ્ચિત ઓળખ પામી છે. જીવાતા જીવનની નરી-નિરાળી માનવ સંવેદનાઓ આ વાર્તાનું એક મહત્ત્વનું પરિમાણ બની ઊઘડે છે. માનવજીવનની નિતાંત સજીવ ક્ષણોને સર્જનાત્મક ઢબે વાર્તામાં ઢાળવાની કળા ગુણવંત વ્યાસની સિદ્ધિ બનીને શોભે છે.
‘૧૩’ની ની વાર્તાઓ વિશે વિવેચકો :
૧. “કથાનાયકની ભીતરમાં ચાલતી ગડમથલ એના બાહ્યવર્તનમાં આવિર્ભાવ પામી હોવાથી તેરના આંકડા સામે બંડ પોકારીને સ્વસ્થ સ્થિતિનું નિર્માણ કરવું એના માટે શક્ય નથી. પણ એના અજ્ઞાત મનમાં ચાલતી અસાવધ સ્થિતિનું બાહ્ય આવર્તન સફળ અર્થ-નિષ્પત્તિનું કારણ બને છે.”
– મોહન પરમાર (‘૧૩’ વાર્તા સંદર્ભે)
૨. “આ વાર્તા દ્વારા પ્રગટ થતી વાર્તાકારની પરકાયાપ્રવેશની ક્ષમતા ખરે જ પ્રભાવિત કરે છે. વાર્તાનાયક મુકલો જાણે વાર્તાકાર પોતે જ હોય – એવા તાદાત્મ્યથી મુકાના મનોભાવ અને વાણીવર્તન આલેખાયાં છે!”
– રમેશ ર. દવે (‘ઈ આપડને નો ફાવઅ્’ વાર્તા વિશે)
૩. “વૃંદાવન’માં વારસાગત વિધિવિધાનોથી પોષણ પામેલા ને સમાજમાં ઘર કરી ગયેલી રુગ્ણ માનસિકતાના ચીલાચાલુ, ગતાનુગતિક ઢાંચામાં બદ્ધ થયેલા નાયકના મનપરિવર્તનની સરળ છતાં અર્થગંભીર વાર્તા છે.”
– મનોહર ત્રિવેદી (‘વૃંદાવન’ વાર્તા સંદર્ભે)
૪. “ટૂંકમાં, આ ત્રીજા સંગ્રહમાં ગુણવંત વ્યાસ પોતાનો ચીલો ચાતરવાનો પ્રયાસ કરે છે તેની અચૂક પ્રતીતિ થાય છે. એક જ ઘરેડની વાર્તામાંથી બહાર નીકળવાનો આ પ્રયાસ સર્જક-ભાવક બેઉ પક્ષે ફળદાયી નીવડે છે, તેથી એમની ઘૂંટાતી જતી સર્જકતાની આપણને પ્રતીતિ થાય છે.”
– ભરત મહેતા (સંગ્રહની પ્રસ્તાવનામાંથી)
પ્રો. ડૉ. વિપુલ પુરોહિત
વિવેચક
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન
ભાવનગર યુનિવર્સિટી
ભાવનગર
મો. ૯૧૦૬૫ ૦૬૦૯૪