ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/યોગેશ જોષી
રિદ્ધિ પાઠક
યોગેશ જોષી એ આજના સમયના એક બહુઆયામી સર્જક છે. તેમનો જન્મ મહેસાણા જિલ્લામાં ત્રણ જુલાઈ (૧૯૫૫)માં થયો હતો. તેમનું શૈક્ષણિક કાર્ય ઊંઝા, વિસનગરથી શરૂ થઈ, અમદાવાદ પૂર્ણ થયું. અને (૨૦૧૫)માં બી.એસ.એન.એલ.માં ડેપ્યુટી જનરલ મૅનેજર તરીકે નિવૃત્ત થયા. તેમજ ‘વિશ્વમાનવ’માં સાહિત્યિક વિભાગ અંતર્ગત સંપાદક તરીકે કાર્ય કર્યું. તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના ‘પરબ’ સામયિકમાં સંપાદક, તંત્રી તરીકે સેવા આપી. યોગેશ જોષી, એ ગદ્ય અને પદ્ય; બન્ને વિદ્યાઓમાં સ્વ-વિહાર કરનારા સર્જક છે. તેમનું સાહિત્યસર્જન જોઈએ તો, મુખ્યત્વે કવિતા, ટૂંકીવાર્તા, લઘુનવલ, નવલકથા, ચરિત્રસાહિત્ય, નિબંધસાહિત્ય, પરિચય-પુસ્તિકા, અનુવાદ, સંપાદન, બાળસાહિત્ય જેવાં વિધવિધ સ્વરૂપવૈવિધ્યમાં વિસ્તરેલું સર્જન છે. તેમનું સમગ્ર સાહિત્યસર્જન જોઈએ તો, ‘અવાજનું અજવાળું’ (૧૯૮૪), ‘તેજના ચાસ’ (૧૯૯૧), ‘જેસલમેર’ (૨૦૦૭, ઉશનસ્ પારિતોષિક), ‘ટકોરા મારું છું આકાશને’ (૨૦૧૧, જયંત પાઠક પુરસ્કાર) તેમના કાવ્યસંગ્રહ છે. ‘સમુડી’ (૧૯૮૪), ‘જીવતર’ (૧૯૮૭), ‘નહીંતર’ (૧૯૯૧), ‘આરપાર’ (૧૯૯૨), ‘વાસ્તુ’ (૨૦૦૧, ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર, ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર તથા ઘનશ્યામદાસ શરાફ સાહિત્ય પુરસ્કાર) ‘ભીનાં પગલાં’ (૨૦૦૪), ‘અણધારી યાત્રા’ (૨૦૧૧) તેમના નવલકથા તથા લઘુનવલ સંગ્રહો છે. ‘મોટીબા’ (૧૯૯૮, નર્મદ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર, તથા ચરિત્ર તથા કથાસાહિત્ય માટે ધનજી- કાનજી સુવર્ણચંદ્રક પુરસ્કૃત) ચરિત્રસંગ્રહ છે. તો ‘અંતઃપુર’ (૨૦૦૨, કલાગુર્જરી, મુંબઈનો પુરસ્કાર) તેમનો નિબંધસંગ્રહ છે. ‘અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ’ (૨૦૦૭)તેમની પરિચય પુસ્તિકા છે. તો ‘મૃત્યુ સમીપે’ (૧૯૮૭) તેમનો અનુવાદ સંગ્રહ છે. (૧૯૯૮) ‘ગુર્જર ગીતસંચય’ (૧૯૯૮), ‘ગુર્જર પ્રણય કાવ્યસંચય’ (૧૯૯૮), ‘ગુર્જર ગઝલસંચય’ (૧૯૯૮), ‘ગુજરાતી નવલિકાચયન’ (૧૯૯૯), ‘વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા’ (૨૦૦૭), તેમજ ‘આત્માની માતૃભાષા’ (૨૦૧૧) તેમનું સંપાદનકાર્ય છે. આ ઉપરાંત, ‘પતંગની પાંખે’ (૧૯૮૯), ગુજરાત સાહિત્ય અકાદમી), ‘કેસૂડાનો રંગ’ (૧૯૯૦), ‘રસપ્રદ બોધકથાઓ’ (ભાગ ૪થી ૬, ૨૦૦૧), ‘રામાયણનાં અમર પાત્રો’ (ભાગ ૧થી ૪, ૨૦૦૨), ‘મહાભારતનાં અમરપાત્રો’ (ભાગ ૧થી ૫, ૨૦૦૨), ‘પંચતંત્ર’ (ભાગ ૧થી ૫,૨૦૦૨), ‘હિતોપદેશ’ (ભાગ ૧થી ૫, ૨૦૦૨), ‘તેનાલીરામ’ (ભાગ ૧થી ૬, ૨૦૦૩), ‘મુલ્લા નસરુદ્દીન’ (ભાગ ૧થી ૫, ૨૦૦૩), ‘વિક્રમ-વેતાલ’ (ભાગ ૧થી ૫, ૨૦૦૪), ‘સિંહાસનબત્રીસી’ (ભાગ ૧થી ૫, ૨૦૦૫), ‘જાણવા જેવું’ (૨૦૦૯), ‘કૃષ્ણલીલા’ (ભાગ ૧થી ૮, ૨૦૧૧) તેમનું બાળસાહિત્ય કૃતિવિશ્વ છે. તેમજ ‘જીયા ઍન્ડ દાદા’ (૨૦૧૮) તેમનો સ્મૃતિસંગ્રહ છે. આ સર્વસાહિત્યમાં તેમનું ટૂંકીવાર્તા સાહિત્યક્ષેત્રે પ્રદાન જોઈએ તો મુખ્યત્વે તેમણે ચાર સંગ્રહો, ટૂંકીવાર્તા ક્ષેત્રે આપેલા છે. જેમાં સૌ પ્રથમ સંગ્રહ ‘હજીયે કેટલું દૂર’ (૧૯૯૩) ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત સંગ્રહ છે. ‘અધખૂલી બારી’ (૨૦૦૧) તેને પણ ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. ‘યોગેશ જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૨૦૦૮) હર્ષ બ્રહ્મભટ્ટ અને ઉર્મિલા ઠાકર સંપાદિત સંગ્રહ છે. તો ‘અઢારમો ચહેરો’ તેમનો અત્યાર સુધીમાં અંતિમ પ્રગટ થયેલો ટૂંકીવાર્તા સંગ્રહ છે. તેમજ આ સંગ્રહ તેમના પ્રથમ ત્રણેય સંગ્રહોમાંથી પસંદ કરાયેલ સંપાદિત સંગ્રહ છે. આ ચારેય વાર્તાસંગ્રહોમાં કુલ છપ્પન વાર્તાઓ છે. જેમાં ત્રણ સંગ્રહોમાં અલગ અલગ વાર્તાઓ શ્રેષ્ઠ વાર્તાસંપાદનમાં આ ત્રણેયમાંથી પસંદ કરાયેલ પંદર વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોગેશ જોષી એ આધુનિક સમયગાળાના એવા સર્જક છે કે જેમની વાર્તાઓમાં સ્વરૂપ અને સામગ્રીનો યથોચિત સુમેળ સધાતો જોવા મળે છે. પરંપરાગત વાર્તાકથન, આધુનિક વર્ણનરીતિ બનીને આલેખાઈ છે. તેમની વાર્તામાં આધુનિકતાનો આવિર્ભાવ પણ છે તો પરંપરાનો વિનિયોગ પણ. તેમની વાર્તામાં આધુનિકતાનો સમય માનસ સંચલનનું બયાન બનીને નિરુપાય છે. તો ઘટનાનું નિરુપણ પરંપરાગત વાર્તા રીતિની અભિવ્યક્તિ બનીને ઊભરે છે.
‘હજીયે કેટલું દૂર’માં મુખ્યત્વે વીસ વાર્તાઓ છે. આ વાર્તાઓમાં સૌપ્રથમ વાર્તા ‘ચંદરવો’થી લઈને અંતિમ વાર્તા ‘અચરજ’ સુધીની દરેક વાર્તામાં આધુનિક સમય, પરિવેશ બનીને કોઈ ને કોઈ રીતે નિરૂપણનો વિષય બન્યો છે. અને તેમાં જીવાતા જીવનની સકારાત્મક અને નકારાત્મક, બન્ને પ્રકારની અનેક છબીઓ આ સર્જકે અલગ અલગ પરિપ્રેક્ષ્યથી વાર્તાકળા સ્વરૂપે આકારિત કરી છે. જેમાં ‘ચંદરવો’ અને ‘ગંગા બા’ વાર્તા ચરિત્રકેન્દ્રી કૃતિ છે. જેમાં ચંદરવો વાર્તાનાં શારદામાને જીવનના જ જાણે અનેક રંગબેરંગી ટુકડાઓ વીણીને રસ છે ચંદરવો બનાવવાનો, તો અનેક દુઃખો વેઠીને સુંવાળા સ્વભાવને બરછટ બનાવી દેતી પરિસ્થિતિઓનો માર ખાતી સ્ત્રીની કથા છે ‘ગંગાબા’ ...તો ‘હજીએ કેટલું દૂર..?’ સ્વ અસ્તિત્વ ગુમાવી દેતા વૃદ્ધની કથા છે. રેલવે કર્મચારી નિવૃત્ત મહિપતરાયની વિચ્છિન્ન મનોદશા અહીં વૃદ્ધત્વ સાથે ખોવાતી જતી સ્વકીયમુદ્રાનું બયાન કરે છે જે તેને પોતાની જાતથી જ જાણે દૂર દૂર લઈ જાય છે. તો ‘દરિયાદેવ પાહે’, ‘નિશાનો ચહેરો’, ‘ભયમુક્ત’, ‘ફફડાટ’, ‘પાનેતર’ નારી સંવેદનને અભિવ્યક્ત કરતી વાર્તાઓ છે. જેમાં શહેરમાં આવીને પ્રણયના નામે છેતરાયેલી દેવીને હવે જતા રહેવું છે એ જ્યાંથી આવી હતી એ ગામડે જ નહિ પણ પોતાના ગામમાં જ્યાં દરિયો પણ છે એ ‘દરિયાદેવ પાહે...’ ‘નિશાનો ચહેરો’ વાર્તા, એસિડ એટેકનું ખરાબ પરિણામ ભોગવતી નિશાની કથા છે, એક વ્યક્તિની આંતરિક છબીને પણ રહેંસી નાખતી આ પ્રકારની ઘટના સ્ત્રીનાં અંતરતમને વિચલિત કરી દેતી મનોદશાનું આલેખન છે. સ્ત્રી ભ્રૃણહત્યાનો વિષય લઈને આવતી ‘ભયમુક્ત’ વાર્તાની વિશેષતા તેનું કથનકેન્દ્ર છે. જેમાં વાર્તાઅંતે ભ્રૃણમાં રહેલો કન્યાજીવ જાણે ભયમુક્ત બને છે. ‘ફફડાટ’ એ એક નવવિધવાની મનઃસ્થિતિનું બયાન છે. તો ‘પાનેતર’ અસ્વસ્થ મનોદશામાં સરી પડતી મોટી બહેનની કથા છે. તો ‘ટાઢ’ અને ‘કુરુક્ષેત્ર’ એ આજના સમયનું આર્થિક કટોકટીમાં જીવાતા જીવનની દારુણ પરિસ્થિતિનું કથન છે. તો, ‘ચાહવું એટલે?’, ‘મોનાલીસાનું સ્મિત’, ‘હું ઓળખું ને એને!’ અને ‘ઊંડો શ્વાસ’ પુરુષપાત્રની દૃષ્ટિએ સ્ત્રીનું થતું અવલોકન, કથાબીજ છે. જેમાં અનુક્રમે પ્રણય, આકર્ષણ અને મોહભંગની દશાના આવર્તને આવી ઊભા રહેતા પુરુષના કથનકેન્દ્રથી સર્જક વાર્તા આકારે છે. ‘નહીં જવા દઉં’ અને ‘કાગડો અડી ગયો’ એ બાળમાનસને અભિવ્યક્ત કરતી કથાઓ છે. જેમાં પિતાને અમેરિકા જતા રોકવા માટે, અમેરિકા જતા રહેલા પિતાએ જતાં પહેલાં અપાવેલું, વિમાન તોડી નાખતી પુત્રીનું બાળમાનસ સર્જકે ઉઘાડી આપ્યું છે તો પોતાનાથી નાની એવી, તરુણ વયે પહોંચેલી બહેનને પણ કઈ રીતે ‘કાગડો અડી ગયો’ અને એ જાણે પોતાનાથી ય મોટી થઈ ગઈ, એ ન સમજતો નાની બહેનનો ‘મોટો ભાઈ’ છે. એ નિર્દોષ અસમંજસતાનું વર્ણન લેખક કરે છે તો, ‘સેતુ’, ‘ને નજર બારી બહાર’ ને ‘બારીના કાચની તિરાડમાંથી’ ત્યકતા, પતિથી અલગ રહેતી કે આશ્રમમાં રહેતી સ્ત્રીઓની કથાઓ છે. તો ‘અચરજ’ એ એક પ્રતીકાત્મક વાર્તા છે.
તો ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘અધખૂલી બારી’માં સમાવિષ્ટ અઢાર વાર્તાઓમાં ‘અંતિમ ઇચ્છા’ અને ‘આરોહણ’ બે વૃદ્ધ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને લખાયેલી કથાઓ છે. જેમાં પૌત્રને જનોઈ આપવાની અંતિમ ઇચ્છા પાર પાડીને અંતિમ યાત્રા ભણી ડગ ભરતાં શાંતાબાની કથા છે તો ઘરમાં પોતાનાં સંતાનો દ્વારા તિરસ્કાર સહન ન થતાં ઘર છોડી નીકળી જતા જનકરાયની કથા છે. તો ‘સર’ અને બીજો સંન્યાસ એ થોડા બીજા વિષયોથી થોડી અલગ પડતી કથાઓ છે. જેમાં ‘સર’ નામની વાર્તામાં એક સરની બે વિદ્યાર્થિનીના સ્મરણ-કથન દ્વારા એક છબી ઊભી થાય છે. તો બીજો વાર્તામાં, સંન્યાસી ‘પુત્ર, માતાની સેવા સ્વીકારી કહેવાતા સંન્યાસથી નિવૃત્ત થઈ માતાના સેવા (આ)શ્રમને સ્વીકારી, સંસાર અને સંન્યાસ વચ્ચેની એક સરસ માર્મિક વિચાર ક્ષણ રોપીને ‘બીજો સંન્યાસ’ સર્જક આલેખે છે. ‘અધખૂલી બારી’, ‘અસીમનું શર્ટ’ અને ‘પ્રહાર’ વાર્તામાં માનવ મનની નબળાઈ-સબળાઈઓનો તાગ કાઢ્યો છે જેમાં વ્યભિચારના વિચારે આમંત્રિત કરેલી સાથી કર્મચારી નીના ન આવતાં અધખૂલી બારી અધખુલ્લી જ રહે છે અને વ્યાસજી નિરાંતનો શ્વાસ લે છે. તો પછીનું શર્ટ વાર્તામાં વિદેશ જતા પુત્રમાં પતિની છબી શોધતી - જોતી વિધવા માતાની એકલતાની દારુણ પરિસ્થિતિનું સર્જકે વર્ણન કર્યું છે. પ્રહાર વાર્તામાં પતિના અવૈધ સંબંધ અને પોતાની ધાર્મિક જીવનની ઘરેડથી ઊભો થતો તણાવ, પતિ-પત્નીના સંબંધમાં પ્રહાર કરતો જોવા મળે છે. તો ‘બારમું’, ‘બડી દૂ...ર નગરી’ અને ‘ફોટો’ તળપદ ભાષામાં અભિવ્યક્ત થતી વાર્તાઓ છે. જેમાં ‘બારમું’ વાર્તામાં હળવી શૈલીએ સુંદર વાર્તા રચાઈ છે. જેમાં ઉપરાઉપરી મરણને કારણે અતિ ભાવતો લાડુ ન ખાઈ શકતા જેરામ ભૈની પરિસ્થિતિનું સાદૃશ્ય આલેખન સર્જકે કર્યું છે. તો ‘બડી દૂ....ર નગરી’ વાર્તામાં અતિશય ગાયનનો શોખ હોવા છતાં, કાર્યક્રમમાં પોતાનું ચયન પણ થયું હોવા છતાં, ન ગાઈ શકતો જીવણ ઝાંપડિયા છે. જાણે એને માટે આવા મોટા કાર્યક્રમમાં સ્ટેજ પર ગાવું એ ‘બડી દૂ...ર નગરી...’ બની રહે છે. તો ‘ફોટો’ વાર્તામાં મહાનગરમાં ફાટી નીકળેલી પ્લેગની બીમારીમાં પોતાનો ફોટો પણ છાપામાં આવશે એવા હર્ષાવેશમાં હૉસ્પિટલમાં મરણપથારીઓ વચ્ચે પોતાની સલામતીને પણ ભૂલી જતો અને મોઢેથી રૂમાલ કાઢીને હસતા મોઢે મરણ પથારી પાસે ઊભો રહી ફોટો પડાવતો અમથો છે. જેને મન ફોટો પડાવવા જેટલી મોટી વાત, જીવતરથી ય મોટી બની જાય છે. ‘કાચનું બાળક’, ‘અજાણી ગંધ’, અને ‘વાતાવરણ’, વાત્સલ્યભાવની લાગણીઓને અભિવ્યક્ત કરતી વાર્તાઓ છે. જેમાં ‘કાચનું બાળક’ વાર્તામાં હિમોફેલિયા રોગને કારણે અકસ્માતે અપંગ બનતો પુત્ર અને પુત્રપીડાએ અતિ દુઃખ પામતા તેમનાં માતા-પિતા છે. તો અજાણી ગંધ વાર્તામાં પુત્રીની તરુણાવસ્થાના એક નાજુક પડાવે પોતાની તરુણાવસ્થાની તુલના પોતે આભડછેટથી પોતાની માતાની હૂંફ નહોતી મેળવી શકી એ હૂંફ પોતાની પુત્રીને આપતી માતા છે. તો વાતાવરણ વાર્તામાં અતિ આધુનિક અને ઉચ્છૃંખલ લાગતા કૉલેજના વાતાવરણમાં પોતાની સંસ્કારી પુત્રીને ફાવશે કે નહિ એવો સંશય અનુભવતા માતાપિતા છે તો પોતાને તો ફાવશે પણ માતાપિતાને પોતાનું આ સ્વતંત્ર વાતાવરણ ફાવશે કે નહિ એની ચિંતા કરતી પુત્રી છે. વધુ પડતી સુરક્ષા સંતાનની ગૂંગળામણ પણ ઘણી વખત બની જતી હોય છે એવો વિષય અહીં સર્જક નિરૂપે છે. તો ‘કદાચ’ એ બીજી વાર્તાઓથી થોડી જુદી પડતી અને આધુનિકતાનો અભિનિવેશ ઝીલતી કથા છે જેમાં વ્યક્તિની આંતરિક સૃષ્ટિનું સમષ્ટિ સાથેનું જોડાણ અહીં સર્જક રચે છે. તો યાત્રા’, ‘ટેરવાને કેમ ફૂટતી નથી આંખો’ અને ‘ગતિ’માં ‘યાત્રા’ અને ‘ગતિ’ શીર્ષકથી વાર્તા રેલવે ટ્રેનનો પરિવેશ બે જુદાં કથાનકોને આકાર આપે છે. જેમાં એક લાંબી મુસાફરીએ નીકળેલો યાત્રી આરંભે પોતાની સામે સમયાંતરે એક પ્રેમીયુગલ ને જુએ છે, એ પછી ત્યાં બીજું જોડું બદલાય છે જે નવ પરિણીત દંપતીને છે અને તેની પછી તે એક શિશુ જેના ખોળામાં છે એવા દંપતી પરિવારને જુએ છે, આ બદલાતા સમય સાથે સંબંધોનું ઊર્ધ્વીકરણ અને પોતાની પ્રિયતમા – પત્ની અર્ચનાને યાદ કરતો આ મુસાફર પોતાનાં સ્મરણોથી એકલતા અનુભવતો સર્જકે દર્શાવ્યો છે. જેમાં એને થયેલી ગેરસમજ અને સંબંધોનાં પરિમાણને એ ઉઘાડતો મથતો સર્જક દર્શાવે છે. જેનાથી તેના સંબંધોના તાણાવાણા પણ એક યાત્રા અનુભવે છે તો પોતે પણ પોતાના એક વમળમાંથી બહાર નીકળીને કશે પહોંચવાનો છે એવી આશા ખુલ્લા અંતમાં જણાય છે. તો ‘ગતિ’ વાર્તામાં મહાનગરની અતિવ્યસ્ત ગતિમાન જિંદગીમાં એક રજા ન મળવાથી અકળાયેલા કર્મચારીની વિપરીત પરિસ્થિતિઓમાં સ્થિતિ સુધરવાને બદલે વધુ કફોડી એ રીતે થાય છે કે તે એક્સિડન્ટનો ભોગ બની દવાખાને પહોંચે છે. મહાનગરની ભાગદોડભરી જિંંદગીમાં સામાન્ય માણસની કફોડી પરિસ્થિતિનું વર્ણન છે જે તેને સતત એવી ગતિમાં રાખે છે જે તેની માનસિક અને શારીરિક શાંતિનો ભોગ લે છે. તો ‘ટેરવાને કેમ ફૂટતી નથી આંખો?’માં દાઝી જવાથી આંખો અને રૂપ ગુમાવી બેઠેલી ગૃહિણીની કથા છે. જે હતાશામાં ગરકાવ થઈ ગઈ છે. તેમજ ‘–ને પછી અટ્ટહાસ્ય’ વાર્તામાં નગર જીવનની વરવી વાસ્તવિકતાનું ચિત્ર છે જેમાં રાતોરાત કરોડપતિથી રોડપતિ સુધીની સફર કરાવતા શેરબજારની એક પરિવાર પર થતી અસરને વર્ણવી છે. જેમાં ભલમનસાઈ ધરાવતા ગઈ કાલના લાખોપતિ એકાએક રોડપતિ બની જતાં પોતાનો પરિવાર પણ ઘર બાર સાથે જાણે ગુમાવી બેસે છે. પણ ઉદાર સ્વભાવ અને ખાલીપણું બન્ને એક વ્યક્તિમાં ભળે ત્યારે પોતાના પરિવારથી છૂટા પડવાની વેદના અહીં અટ્ટહાસ્ય બનીને વાચાનું સ્વરૂપ લે છે. તો તેમનો ત્રીજો વાર્તાસંગ્રહ છે, ‘યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ’. એમાં મુખ્યત્વે પંદર વાર્તાઓ છે. જે અગાઉના બન્ને સંગ્રહો અને આ પછીનાં સંગ્રહ ‘અઢારમો ચહેરો’માંથી લેવામાં આવી છે.
તો ‘અઢારમો ચહેરો’ એ તેમનો ચોથો વાર્તાસંગ્રહ છે જેમાં પણ અઢાર વાર્તાઓ સમાવવામાં આવી છે. ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન દ્વારા પ્રકાશિત આ સંગ્રહમાં પુસ્તકનું જ જે શીર્ષક છે તે ‘અઢારમો ચહેરો’ પ્રથમ વાર્તા છે. જલ્લાદની નોકરીથી પોતાનો પરિવાર આર્થિક રીતે સ્થિર થયો છે ત્યારે જલ્લાદના મનમાં પોતાના કર્મને લઈને પોતાની જાત ઉપર ઉપસતો અણગમો અને આઘાતની અનુભૂતિ અહીં સર્જકે આકારિત કરી છે. જેમાં કર્મની કરડાકી અને મનની મૃદુતાનું તૃમુલ દ્વંદ્વ અહીં રચાય છે. જલ્લાદને જ્યારે વિચાર આવે છે કે પોતાને અગાઉના સત્તર વ્યક્તિઓને ફાંસીએ ચડાવતાં કોઈ ફેર નહોતો પડ્યો. આ આત્મનિરીક્ષણ જ અંદર જીવતી મૃદુતાની દ્યોતક બને છે અને અઢારમી ફાંસીમાં પોતે ફસડાઈ પડે છે અને તેને થાય છે કે આ વ્યક્તિને પોતે ફાંસીમાંથી ઉગારી લીધી અને ત્યાં જ પોતાનો પુત્ર નોકરીની રક્ષા કરતો પિતાની જવાબદારી નિભાવી દે છે. અને અઢારમો ચહેરો પણ જલ્લાદના મનોમસ્તિષ્કમાં સ્થિર થઈ જાય છે. ‘અધૂરા ચાકળામાં આભલાં’ અને ‘કિલ્લો’ એ અગવડતા અને અભાવોથી ભરેલી ગરીબી વચ્ચે જાજરમાન વ્યક્તિતા ધરાવતા સંઘર્ષપૂર્ણ જીવનની કથા છે. જેમાં નિરાશ્રિત, શ્રમિક પરિવારે જાતમહેનતે સજાવેલું, ઊભું કરેલું ઘર, નગરવ્યવસ્થા સમિતિ તોડી પાડે છે ત્યારે ઘરની ગૃહલક્ષ્મી, જે આવતી કાલે આવનારી એકની એક પુત્રીની જાનનું સ્વાગત ઘરની ભીંતે ચાકળાનાં સુશોભનકાર્યથી કરી રહી હોય છે એ જ તૂટી ગયેલી દીવાલ પર ફરી નવી હિમ્મત લઈને, ફરી પાછો એ ચાકળો પૂરો કરવા લાગી જાય છે. જાણે ઘરની દીવાલોમાં એ પ્રાણ પૂરવા લાગે છે. તો ‘કિલ્લો’ વાર્તામાં બજાણિયા પરિવારની કથા છે, મહેનત કરે છે પણ પોતાની કળા જાણે સાથ નથી આપતી કે સમય બદલાવાથી પોતાના સૂર જાણે ક્યાંય પહોંચતા નથી અને આખાએ કિલ્લામાં અફળાઈ અફળાઈને પોતાની પાસે જ પાછા ફરે છે. કિલ્લો જૂનો થયો છે એની સાથે જાણે પોતાની રોજીરોટીનું સાધન પણ હવે નૂરવિહોણું થઈ ગયેલું રૂપસિંહ અનુભવે છે. ‘આસ્થા’ એ આગળ વધી ગયેલા સમયમાં પણ પાછળ રહી ગયેલ જૂના વિચારો આસ્થાની આસ્થાને જાણે ડહોળે છે. ભણેલી ગણેલી શિક્ષિત આસ્થા એક દિવસ જાણે પોતાની જાતથી સભાન થાય છે અને સમાજ પાસેથી એક અપમાનનો અનુભવ કરે છે. અહીં દલિત-દમિત ચેતનાને સર્જક સ્પર્શ્યા છે. તો ‘ઓળખાણ’ એ બીજી વાર્તાઓથી જુદી પડતી વાર્તા છે. જેમાં કહેવાતી વ્યવહારિકતાથી વ્યસ્ત સમાજમાં પોતાની જાત પ્રત્યે પણ અજાણ રહેતી અસ્તિત્વવિહોણી આજનું સર્જક આકલન કરે છે. જેમાં ઓળખાણ અને અજાણપણું વાર્તાનાં બે અંતિમો ન બની રહેતાં આજના સમયનાં પ્રતીક બની રહે છે. તો ‘ચલો રમકડાં, કૂચકદમ’, ‘જીવાદોરી’, ‘તેડું’, ‘દાદાજી શાંત થઈ ગયા’ જીવન મૃત્યુના બે અંતિમો વચ્ચે રચાતી અલગ અલગ કથાઓ છે. જેમાં ‘જીવાદોરી’ વાર્તામાં નાયક કેશુભાઈ માટે જીવનથી મોટી જીવાદોરી નોકરી થઈ પડે છે જો પોતે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પુત્રને તેનો લાભ મળે અને તેની જિંદગી સુધરી જાય... આવાં સપનાં જોતાં, પોતાનું જીવન ખોતા કેશુભાઈની કથા છે. તો ‘તેડું’ પણ વિદેશ વસતા પુત્રમાં જેમનો જીવ અટવાયેલો છે તેવાં મણીમાની કથા છે. તો ‘બરફનાં પુષ્પ’ એ પરદેશ ગયેલા પતિવિરહમાં ઝૂરતી, એકલતા અનુભવતી પ્રિયતમા અને પછી પત્ની એવી શિલ્પાની કથા છે કે જે પતિવિરહમાં ઝીણો તાવ અનુભવે છે. અને તેની સારવાર ત્યારે તેની કામવાળી કરે છે. આ ઘટના બાદ એક સમય એવો આવે છે કે પતિથી વિશેષ આનંદ તેને પોતાની કામવાળી પાસેથી મળવા લાગે છે. અને પતિવિરહમાં ઝીણો તાવ અનુભવતી શિલ્પા અને તેની કામવાળી હવે રાહ જુએ છે અચાનક આવી ચડેલા પતિના પરદેશગમનની. ‘મમ્મી પાસે જવું છે’, ‘મુદિતા’ અને ‘સોનેરી પિંજર’ ઉછરતી નવી પેઢી પર અસર કરતી સામાજિકતાની છે. જેમાં ‘મમ્મી પાસે જવું છે’માં માતૃવાત્સલ્ય ઝંખતો જીમી અને પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે પુત્રને પણ તરછોડતી માનું કથાનક છે. તો મુદિતા એ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આધુનિકતાની હોળીની ઝાળ જેવા લાગેલા ફુગાવાને કારણે ઉચ્ચત્તર ગુણ લાવ્યા છતાં પોતાની જ શાળામાં એડમિશનના વેઇટિંગ લિસ્ટનો ભોગ બનતી, દુઃખી થતી મુદિતાની કથા છે. તો ‘સોનેરી પિંજર’ એ એક શિક્ષક પોતાની વિદ્યાર્થિનીને સોસાયટી અને સમાજમાં બદનામ થતાં બચાવે છે. પરંતુ વિદ્યાર્થિનીને તેના ’નવા ઘરે’ પહોંચાડવા જતા શિક્ષકને ખ્યાલ આવે છે કે, ઘરની આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા વિધવા માતાએ જ પોતાની ભણવામાં હોશિયાર પુત્રીને ગણિકાકર્મ બાજુ વાળી હોય છે. અને આ હકીકત જાણ્યા પછી પણ એ તેને સાચા રસ્તે વાળી નથી શકતા પરંતુ માતા પોતાની આ પુત્રીના શિક્ષકને કહે છે કે તે ગમે ત્યારે તમારી ’સેવા’માં હાજર રહેશે. આ કરુણ પ્રસંગને અનુભવતા શિક્ષક દ્વારા અહીં સર્જકે કથા કહી છે. તો ‘મેરુ’ અને ‘લોહીમાં અંધારું’ એ બન્ને વાર્તામાં એક નારી હૃદય અને નારી ઇચ્છાનું વર્ણન કર્યું છે. જેમાં ‘મેરુ’ શીર્ષક જ પ્રધાનતયા વાર્તામાં આવતી મેરુ પર્વત ઓળંગવાથી દુષ્કર પરિસ્થિતિમાં ઘર બાર છોડી પ્રિયતમ પાસે પહોંચવા મથતી તન્વી છે કે જે રાહ જોઈ રહી છે, પણ તેનો પ્રિયતમ આવતો નથી. પણ ફોન આવે છે અને તે ના પાડે છે. ઘર છોડીને નીકળી ગયેલી તન્વી ત્રિભેટે ઊભી છે. જ્યાં એક રસ્તો ઘર ભણી જતો હતો, કે જ્યાંથી તે ઘર છોડીને આવી છે, બીજો રેલવે સ્ટેશન જતો હતો કે જ્યાં તેણે ભવિષ્ય જોયું હતું... કે જ્યાંથી જવાનું હતું. અને એક રસ્તો છે કાંકરિયા તળાવ... ભૂત અને ભવિષ્ય વચ્ચે વર્તમાન હોય એ સમજી શકાય એવી વાત છે. ત્રિભેટે ઊભેલી તન્વીનું સૂચન કરી એક ખુલ્લા અંત સાથે વાર્તા પૂરી થાય છે. તો, ‘લોહીમાં અંધારું’ એ પતિપત્નીના અંગત સંબંધોમાં ઊભા થતા પ્રશ્નોને આધારે ઊભી થતી વાર્તા છે. ‘સોપો’ અને ‘હારો મૉણસ’ એ કોમવાદમાં વિસ્તરેલી માણસાઈની હત્યાને, હારને રજૂ કરતી વાર્તા છે. જ્યારે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે ત્યારે કોઈ જાતિ કે ધર્મ જીતતો કે હારતો નથી પરંતુ માણસની અંદરની માણસાઈની જ હાર થતી હોય છે. ‘સોપો’ વાર્તામાં ઘણું સાચવીને માંડ રેલવે સ્ટેશન પહોંચેલો પુત્ર, ભાણેજના મરણ પ્રસંગે સગી બહેનના ઘરે નથી પહોંચતો ત્યારે ઘર આખામાં વ્યાપી વળેલો સોપો આખા શહેરનો સન્નાટો લઈને મૃત્યુ પામેલી માણસાઈ પાસે શોક સંદેશો લઈ પહોંચી જાય છે. તો, ‘હારો મૉણસ’માં ગામડેથી શહેરમાં આવેલી માતાને પુત્રના ઘરે પહોંચવું છે પરંતુ બધાએ સૂચના આપી રાખી છે કે અત્યારે આખા શહેરમાં કર્ફ્યુ છે, કોમવાદ વકરેલો છે તો, ‘હારો મૉણસ’ જોઈને જ એની રિક્ષામાં બેસવું. અને માજી રિક્ષાવાળાને પૂછે છે, ભાઈ, તું હારો મૉણસ છો? રિક્ષાવાળો હા પાડે છે, વિધર્મી છે, અને જેની માજીને બીક છે એવા કૃત્યો એ કરી પણ ચૂક્યો છે, પરંતુ માજી દ્વારા પુછાયેલ પ્રશ્ન અને પોતાની માની યાદ એને આ માજીને મૃત્યુના મુખ સુધી પહોંચાડતાં રોકે છે. અને વિધર્મી મહોલ્લામાં જાતના જોખમે જઈ, તે સુરક્ષિત રીતે માજીને તેમના પુત્રના ઘરે પહોંચાડે છે, અને માજી કહે છે કે ચાલ ભાઈ, ઘરે ચા પીને જા. ત્યારે તે સાચું બોલે છે કે હું તો વિધર્મી છું ત્યારે આ ગામડા ગામની અભણ, ભોળી મા કહે છે કે, તું વિધર્મી હોય તો શું થયું? તું તો ‘હારો મૉણસ’ છો. ‘હડતાલ’ વાર્તામાં એક સીધા સાદા માણસને સમજાતી વાત જ્યારે ભણેલા-ગણેલા નથી સમજી શકતા ત્યારે ઊભી થતી આવી કટોકટીનું ચિત્ર વધુ દારુણ હોય છે. એ સર્જક અહીં અભણ, ગામડા ગામની સ્ત્રીના મુખે સંવાદ મૂકીને દર્શાવી આપે છે.
યોગેશ જોષીના સમગ્ર વાર્તાસંગ્રહમાંથી પસાર થતાં ખ્યાલ આવે છે કે, જીવાતા જીવનમાં તેમને રસ છે માટે આધુનિક સમયગાળામાં આ વાર્તાઓનો જન્મ હોવા છતાં વાર્તામાં ઘટનાનું વિગલન કરવાનો આગ્રહ તેમની વાર્તામાં નથી દેખાતો. આ ઉપરાંત ‘અચરજ’ જેવી વાર્તામાં આધુનિક શૈલીએ વાર્તાને આકારિત કરી સમાજથી દૂર નહીં પણ સમાજમાં જ જીવન છે, અને કળા પણ ત્યાં જ નિરાંતનો શ્વાસ લઈ શકે એવી એમની વિચારશૈલી જાણે, અચરજમાં તેમણે મૂકી આપી છે. વ્યક્તિના મનઃસંચલનોમાં જઈને તાગ મેળવતા સર્જક, પાત્રના મનોવિશ્વને ઉઘાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેના અતલ ઊંડાણને સ્પર્શે છે. અને આ ઊંડાણમાં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મહત્ત્વનું અંગ બની રહે છે. જેમકે ‘ગંગા બા’ વાર્તામાં આવતી પરિસ્થિતિઓ સાથે તેમની મનઃસ્થિતિનું વર્ણન આખીએ વાર્તાને એક ચરિત્ર નિબંધ બની જતાં અટકાવે છે. અને એક પાત્રને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ઉઘાડી આપે છે. જ્યારે ચરિત્રકેન્દ્રી વાર્તા લખાતી હોય ત્યારે એ ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત બની જતી હોય છે કે એ વાર્તા બને છે કે કેમ? કારણ કે વાર્તા માટે જરૂરી ઘટકતત્ત્વોનો વાર્તા પ્રપંચમાં જરૂરી વિનિયોગ થોડું પણ પ્રમાણભાન વિસરાય તો વાર્તાતત્ત્વને હાનિ પહોંચાડી બેસે... અહીં લેખકનું બે પ્રકારે ચરિત્રકેન્દ્રી વાર્તાલેખન જોવા મળે છે, એક તો પરંપરાગત શૈલીએ વાર્તા લેખન, જેમાં પાત્રની આજુબાજુનો સમાજ, પાત્રની રહેણીકરણી, અને તેના જીવનની ઘટનાઓનું બાહ્ય નિરૂપણ, ખાસ કરીને હકારાત્મક અભિગમ ધરાવતી વાર્તાઓમાં આ શૈલીનો વિનિયોગ લેખક કરે છે. જેમકે, ‘ચંદરવો’, ‘દાદાજી શાંત થઈ ગયા’ વગેરે... જ્યારે, વર્તમાનમાં બનતી ઘટનાઓ, પરિસ્થિતિઓ કોઈ વ્યક્તિની વિચલિત મનઃસ્થિતિ માટે જવાબદાર બને ત્યારે લેખક તેવા પાત્રની બાહ્ય નિરૂપણ શૈલીને બદલે આંતરચેતના પ્રવાહને સ્પર્શવાનું વધુ પસંદ કરે છે. જેમાં મનઃસ્થિતિનો તાગ, તેના મનની અનેક દિશાએ થતી ગતિ દ્વારા, તેના નિરૂપણથી લેખક આપે છે. હતાશા, વિચ્છિન્નતા, જેવા આધુનિક સમયગાળામાં મળેલા ભાવોનું આકલન આંતરગતિપ્રવાહ આલેખનમાં વધુ ઊઘડી આવે છે. વાર્તાનાં વિષયવસ્તુ પસંદગીમાં આ બે પ્રકારની ચરિત્રકેન્દ્રી કૃતિઓ મુખ્યત્વે વધુ જોવા મળે છે. તો આ સિવાય નગરજીવનમાં બનતા બનાવો અને માનવીય મૂલ્યો વિષય બનીને આવે છે, ભાષારચનાની દૃષ્ટિએ નગરજીવન અને ગ્રામજીવનની દૃષ્ટિએ મુખ્યત્વે મોટાભાગની વાર્તાઓમાં નગરજીવનનો પરિવેશ છે. ત્યારે ગામડેથી આવેલા અને વૃદ્ધ સ્ત્રી-પાત્રોની બોલીમાં ઉત્તર ગુજરાતી છાંટ જોવા મળે છે, એ સિવાય બોલીનો વિનિયોગ નથી, પરંતુ શુદ્ધ ગુજરાતી ભાષા જ વાણીનું માધ્યમ બને છે. તેમની બીજી વિશેષતા છે તેમનાં શીર્ષકો, ખાસ કરીને શીર્ષક છે તે કૃતિનું પ્રવેશદ્વાર ગણાય. ત્યારે લેખક આ દ્વારને સૂચિત અર્થ દ્વારા આકારે છે. જેમકે ‘અઢારમો ચહેરો’ વાર્તાની શરૂઆત જ અઢારમી ફાંસી આપવાની વાતથી થાય છે અને વાર્તા એ કેદી કે જલ્લાદની ન રહેતાં એ ચહેરો જ્યાં સ્થિર થઈ જવાનો છે એ સંવેદનની છે. માટે જ શીર્ષક એક ક્રમ છે. આ ક્રમ જલ્લાદના ‘કાર્ય’નો ક્રમ છે. જેનો ભાર એ વેંઢારી રહ્યો છે. માટે એ ‘અઢારમો ચહેરો’ ચહેરો છે. આ સિવાય પણ ‘બડી દૂ...ર નગરી’માં દૂ...ર વચ્ચેનું અંતર માત્ર ભજનનું અંતર નથી, પરંતુ આ વાર્તામાં અભિવ્યક્ત થતા ભાવે અનુભવાયેલું અંતર છે. ‘દરિયાદેવ પાંહે...’ એ જવાબમાંથી આવતું શીર્ષક છે. પ્રેમમાં છેતરાયેલી દેવીને પોતાના ગામડે નથી જવું પરંતુ પોતાના ગામમાં જે દેવ ગણાય છે તેવા દરિયા પાસે જવું છે. હતાશાનો ભાર, અહીં દેવીને મૃત્યુના મુખ સુધી જાણે ખેંચી જવાનો મૂક ઇશારો લેખક કરે છે. દરેક વાર્તાની કથનશૈલી સામાન્યતઃ પ્રથમ પુરુષમાં અથવા તો સર્વજ્ઞ કથનશૈલીએ નિરૂપણ પામી છે. ત્રીજા પુરુષ કથનકેન્દ્રનો પ્રયોગ પહેલા બે કરતાં ઓછો જોવા મળે છે. દરેક વાર્તામાં જીવાતા જીવનનો ધબકાર ઉમેરવાની કોશિશ સર્જકે કરી છે. તો કપોળકલ્પિત શૈલીએ વાર્તા નિરૂપણરીતિ પણ જોવા મળે છે, જેમકે ‘અચરજ’, ‘ઓળખાણ’, ‘કુરુક્ષેત્ર’, ‘કદાચ’ જેવી વાર્તાઓમાં કપોળકલ્પના છે, તો ‘કુરુક્ષેત્ર’, ‘અચરજ’ જેવી વાર્તામાં સાથે સાથે પ્રતીકાત્મક કથન વિનિયોગ પણ જોવા મળે છે. ખાસ કરીને પોતાનો કથ્ય ભાવ પ્રગટ કરવા માટે તેઓ કપોળકલ્પનનો વિનિયોગ ‘ઓળખાણ’ જેવી વાર્તામાં કરે છે. તેમના સમગ્ર વાર્તાવિશ્વને જોતાં સામાજિક અને મનોવિશ્લેષણાત્મક વિષયો એમની વાર્તાના વિષય બને છે, તેમનું પાત્રવિશ્વ ખાસ કરીને વૃદ્ધ, વૃદ્ધા અને બાળ, તરુણ પાત્રો વધુ જોવા મળે છે. તો પ્રેમ, છળ, દામ્પત્યજીવનનું ભાવવિશ્વ પણ તેમની વાર્તાના વિષયો બન્યા છે. ખાસ કરીને દામ્પત્યજીવનમાં આવતા અવરોધો અને સર્જાતી વિપરીત મનઃસ્થિતિઓનો ચિતાર ક્યારેક સીધા કથનથી તો ક્યારેક પ્રતીક કલ્પનના વિનિયોગથી લેખક કરે છે.
રિદ્ધિ પાઠક
SRF ફેલો.,
ગુજરાતી ભાષા-સાહિત્યભવન,
ભાવનગર
મો. ૯૭૨૩૭ ૮૭૮૨૨