ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સત્યજિત શર્મા
સંધ્યા ભટ્ટ
સર્જક પરિચય :
(જન્મતારીખ : ૨૧-૦૨-૧૯૫૫) ગાંધીનગર જિલ્લાના રૂપાલના વતની પણ હાલ અમદાવાદસ્થિત સત્યજિત શર્માએ બી.એ., બી.એડ્. થયા પછી શિક્ષક તરીકે કામ કર્યું. તેમની એક ઓળખ પ્રસિદ્ધ સાહિત્યકાર રાધેશ્યામ શર્માના પુત્ર તરીકે પણ આપી શકાય. તેમનો એક કાવ્યસંગ્રહ ‘નિસ્પંદ’ (૧૯૮૩) પણ પ્રગટ થયો છે. સાહિત્ય ઉપરાંત તેમને સંગીત અને ફોટોગ્રાફીનો શોખ પણ છે. તેમને ગાવું ગમે છે. પ્રસ્તુત વાર્તાસંગ્રહની વાર્તાઓ ‘સંસ્કૃતિ’, ‘કૃતિ’, ‘નવનીત સમર્પણ’ અને ‘કંકાવટી’માં પ્રગટ થયેલી.
વિદ્વાન વિવેચક અને વાર્તાકાર સુમન શાહે ટૂંકી વાર્તાનું એક સંપાદન ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’ એ શીર્ષકથી કરેલું. આ શીર્ષકમાંના સત્યજિત શર્માનો એકમાત્ર વાર્તાસંગ્રહ ‘શબપેટીમાં મોજું’ જેવા વિલક્ષણ શીર્ષકથી થયો છે. બાવીસ વાર્તાઓના આ સંગ્રહની વાર્તાઓ પરંપરિત વાર્તાઓ કરતાં જુદી છે. ૧૯૮૧માં પ્રકાશિત આ વાર્તાસંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં અરૂઢ સંવેદનોની અભિવ્યક્તિ જોવા મળશે. ‘મોજું’ વાર્તાની વાત કરીએ તો પ્રથમ પુરુષના કથનકેન્દ્રથી લખાયેલી આ વાર્તામાં નાયકને પોતાના માથા પર કોઈએ રિવોલ્વરની લાંબી નાળ અડાડી રાખી હોય એવું લાગે છે અને પછી આંખના છેડે ડોળો ખેંચતાં કોઈ શ્વેત હાથમોજું દેખાય છે. હાથમોજાંનું સંવેદન આગળ ચાલે છે અને વાર્તાને અંતે નાયક હાથમોજું વેચવા બજારમાં આમતેમ ભટકે છે પણ છેવટે એ આશામાં જ અંધકારને નિહાળતા બેઠા રહે છે. ‘ટીક.. ટીક.. ટીક.. ચિંતા’માં એકમાત્ર પાત્ર અનિલ છે જેની ચિંતા, ઊંઘ અને એલાર્મની ટીક ટીક માત્ર વાર્તામાં છે. આપણે જેને વાર્તાનાં ઘટકતત્ત્વો કહીએ છીએ એવું કશું જ અહીં નહીં મળે. એ જ રીતે ‘તાંતણા’માં સ્વપ્નમાં જોવાતા ઊંટ, રેતી, આંધીની વાત છે. સુમન શાહ પ્રસ્તાવનામાં લખે છે, ‘ ‘તાંતણા’માં તાંતણા છૂટ્ટા જ રહે છે.’ (પૃ. ૧૫) આવું જ કંઈક એબ્સર્ડ કથન ‘ફૂલ’માં પણ છે. એક શહેરમાં વિશિષ્ટ ભાત પાડતું વિરાટકાય ફૂલ જોઈને કથાનાયક તેની પાસે આવે છે. બીજા લોકો ખસતા જાય છે અને સૌન્દર્યવાન સ્ત્રી આવે છે. અને પછી ‘...શહેર મોટું થતું જાય છે. એ મોટું થતું ક્યારે અટકશે એ કલ્પનામાં નથી આવતું. અને જો એમ થશે તો મારા માથામાંથી નીકળીને ભૂખરા લાંબા સુંવાળા વાળ વચ્ચે નગર મોટું ને મોટું થતું જશે અને હું નાનો ને નાનો બનતો જઈશ – કદાચ કીડી જેટલો!’ (પૃ. ૧૧) આ પ્રકારનું કથાકથન વાર્તાકારની મોટા ભાગની વાર્તાઓમાં છે અને તેથી તેને આ સર્જકની અ-સામાન્ય શૈલી જ કહેવી પડે! ‘બંધ નગર’માં નાનપણમાં જવાની મનાઈ ફરમાવવામાં આવેલ નગરમાં એક વખત બનેલ ઘટના છે. એ ઘટનામાં કથક પોતે પણ સંડોવાયા છે. પણ અંતે ‘નગર દેખાય નહિ એ માટે ગામમાં એ નગરની ફરતે ઊંચી ઊંચી દીવાલ બાંધવાની વાત ચાલતી હતી.’ (પૃ. ૧૬) આખી વાર્તા વ્યંજનાનાં સ્તર પર ચાલતી જણાય. જુદી જુદી વાર્તાઓમાં નગર, ફૂલ, અંધારું, પંખી, સૂર્ય, ખીણ, ભીંત વગેરેનો ઉપયોગ કરતા વાર્તાકારને ઘટનામાં નહીં પણ પાત્રોનાં કે પરિવેશનાં સંવેદનોમાં રસ છે જેનું સાદ્યંત આલેખન વાર્તાના સ્વરૂપને અભિપ્રેત નથી. આ ટેક્નિક દુર્બોધતા સર્જે છે જેને કારણે વાચક વાર્તાથી વિમુખ બને એવી શક્યતા પણ ખરી. આ વાર્તાસંગ્રહનું શીર્ષક ‘શબપેટીમાં મોજું’ છે પણ તેની પહેલી વાર્તાનું શીર્ષક છે, ‘શબપેટીમાં પુરાયેલો માણસ’. શબપેટી પર મરાતી હથોડી, પાદરીનું આગમન, મરતાં પહેલાં પોતે શબપેટી પરની સાફ કરેલ ધૂળ, બાળસખી મારિયાના સંદર્ભો, ચર્ચયાર્ડમાં પાંદડાંનો ઢગલો જેવા મરણના માહોલને તાદૃશ કરતા કાવ્યાત્મક વર્ણન પછી અંતે લખાયું છે, ‘બારસાખને અઢેલી રાહ જોતી પત્ની મારીયાના ગૌર સ્કંધ પર એક સફેદ કબૂતર ગેલ કરતું અહીંતહીં ઊડતું પાંખો ફફડાવતું હતું. એનો ફફડાટ એ અહીં કબરમાં રહીને પણ સાંભળે છે... ને મારિયા એને પાંખો ફફડાવતું જોઈને માત્ર સ્મિત જ કરી શકે છે.’ (પૃ. ૭) શબપેટીમાં પૂરાયેલો માણસ પોતાના મૃત્યુ પછીની આસપાસની ગતિવિધિ જુએ છે. એક અલગ વિષયવસ્તુ અને તેના કાવ્યાત્મક વર્ણનની સાથે જરૂરી તાટસ્થ્ય નોંધપાત્ર છે. સુમન શાહ પ્રસ્તાવનામાં નોંધે છે, ‘વાર્તામાં જ ઘટી શકે તેવું ઘટનાતત્ત્વ નિરૂપણ ‘હનુમાન ચાલીસા’, ‘બોગદું’, ‘રમત’, ‘લાલનો બાદશાહ’, ‘પોથી પર પંખી’ અને ‘રાજીનામું’માં ય છે, પરંતુ જોઈ શકાશે કે એ સૌ રચનાઓને વાર્તા બહાર જીવનમાં ઘટેલી કથાનો એક વિશિષ્ટ માનવ-સંદર્ભ પણ છે. એવા દેખીતા બાહ્ય સંદર્ભમાંથી રચના રચાઈ છે અને તેથી એની સમગ્ર સાંકેતિકતા ઘણી ક્ષીણ થઈ ગઈ છે.’ (પૃ. ૧૨) હવે આ વાર્તાઓની વાત કરીએ તો, ‘હનુમાન ચાલીસા’માં ઘટનાતત્ત્વ સાવ પાંખું લાગે છે. મૃત્યુ એ વાર્તાનું કેન્દ્ર જણાય છે. હનુમાન ચાલીસાનો પાઠ અને ભૂતકાળના સંદર્ભ સાથે જોડાતો વર્તમાન – આટલાં વાનાંથી વાર્તા પૂરી થાય છે. ‘બોગદું’ એ પતિ-પત્નીની વાર્તા છે. પત્નીને બાળક સહિત સ્ટેશન પર મૂકવા જતો પતિ તે પછી એક વર્ષ વહી ગયા છતાં પત્નીને તેડવા જતો નથી. સસરાનો પત્ર આવ્યા પછી ટ્રેનમાં જાય છે અને બોગદાના અંધારપટનો અનુભવ કરે છે. વચ્ચે વચ્ચે પત્ની સરલા સાથેનાં આગળનાં સ્મરણો પણ છે. પરંતુ ફરી એક વાર વાર્તાકારે પ્રયોજેલ કલ્પનોમાં વાચક અટવાઈ જવાનો!! ‘રમત’માં વાર્તાનાયક ક્ષિતિજની પત્ની પુષ્પા ભેખડ પાસે ફૂલ ચૂંટવા જતાં પડી જાય છે અને મરી જાય છે. સૌ મિત્રો પણ સાથે હોય છે ને પોલીસની પૂછપરછથી સૌને હેરાન થવું પડે છે. ભૂતકાળમાં બનેલી એ ઘટના પછી ફરી સૌ ભેગા થયા છે અને પત્તાં રમે છે. પત્તાં રમતી વખતે પુષ્પા પણ યાદ આવી જાય છે. પણ ફરી જાણે પુષ્પા જેવી જ નિયતિ તેના પતિની પણ હોય તેમ પંખાને કારણે ઊડી જતાં પત્તાંને લેવા માટે ક્ષિતિજ ચારે તરફ દોટ મૂકે છે. એટલું જ નહિ ખીણ તરફ પણ જાય છે. અહીં અટકી જઈને લેખકે વાર્તાને કલાત્મક અંત આપ્યો છે. ‘લાલનો બાદશાહ’ રહસ્યતત્ત્વ ધરાવતી વાર્તા છે. સર્વજ્ઞનાં કથનકેન્દ્રથી લખાયેલી આ વાર્તામાં કથાનાયિકા સુનિતા રાત્રે ઊંઘી જાય છે ત્યારે બંધ બારીની નીચે ટોળું વાત કરતું હોય એમ લાગે છે પણ બારી ખોલીને જોતાં કોઈ દેખાતું નથી. ઘાસ પર પડેલું લાલ બાદશાહનું પત્તું વર્ગમાં ભણાવવા જાય ત્યારે પુસ્તકનાં પાનાંની વચ્ચે દેખાય એમ પણ બને. અહીં આદિ, મધ્ય કે અંત જેવું કશું નથી. આ પ્રકારે કંઈક જુદું કરવાની નેમ સાથે વાર્તાસંગ્રહ આપનાર સત્યજિત શર્માનો બીજો સંગ્રહ આવ્યો હોત તો? એમને એ માટેનું ઇજન આપીને અટકું.
સંદર્ભ :
- ૧. ‘શબપેટીમાં મોજું’, લે. સત્યજિત શર્મા, પ્ર. નવભારત સાહિત્ય મંદિર, ૧૬૨-શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૨, મહાવીર સ્વામીના દેરાસર પાસે, અમદાવાદ-૧. પ્ર. આ. જાન્યુઆરી, ૧૯૮૧, મૂલ્ય-૧૨ રૂ.
સંધ્યા ભટ્ટ
કવિ, વાર્તાકાર, ચરિત્રકાર,
અંગ્રેજીના પ્રાધ્યાપક
આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ
બારડોલી
મો. ૯૮૨૫૩ ૩૭૭૧૪
Email : Sandhyanbhatt@gmail.comcom