ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રાજેન્દ્ર પટેલ
અને માનવતાની શોધ કરતો વાર્તાકાર
ડૉ. રાજેન્દ્રસિંહ જ. ગોહિલ
વાર્તાકાર રાજેન્દ્ર પટેલનો પરિચય :
રાજેન્દ્ર પટેલ પોતાના સમગ્ર ટૂંકીવાર્તાઓના સંગ્રહ ‘૨૦૨૫ સુધી’માં નોંધે છે તેમ ‘પ્રત્યેક વાર્તા લેખકની અંદર ધરબાએલા સંવેદનનો હસ્તાક્ષર હોય છે.’ (‘૨૦૨૫ સુધી’ પૃ. v) આ વિધાનથી સમજી શકાય કે આ સર્જક પૂર્ણ રીતે સંવેદનાથી ભર્યો ભર્યો છે. એક ફાર્માસ્યૂટિકલ કંપનીનો માલિક સંવેદનશીલ હોય અને એ પણ ‘ભર્યોભર્યો’ હોય તે એક વિશિષ્ટ ઘટના છે. એમના ચિત્તમાં અનુભૂત સંવેદન કવિતા કે ટૂંકીવાર્તા રૂપે પ્રગટી આવે એ તો ગુજરાતી સાહિત્ય જગત માટે એનાથી પણ વિશિષ્ટ ઘટના છે. એમની આ સંવેદનયાત્રા ઘણા કાવ્યસંગ્રહો આપે છે તો સાથે સાથે ‘જૂઈની સુગંધ’, ‘અધૂરી શોધ’, ‘અકબંધ આકાશ’ એમ ત્રણ વાર્તાસંગ્રહો સહિત સમગ્ર વાર્તાઓનો સંચય ‘૨૦૨૫ સુધી’ આપે છે જેમાં કુલ ૪૮ વાર્તાઓ સંગ્રહ પામી છે. રાજેન્દ્ર ભોગીલાલ પટેલનો જન્મ ૨૦ ઑગસ્ટ ૧૯૫૮ના રોજ અમદાવાદ શહેરના નરોડા ખાતે થયો હતો. તેઓ વિજ્ઞાન શાખાના સ્નાતક થયા પછી પોતાના ફાર્માસ્યુટિકલના વ્યવસાયને સ્થાપીને વિકસાવ્યો અને આજે પણ તે કંપનીનું વ્યવસ્થાપન ચલાવે છે. કંપનીના માલિક તરીકે પોતાના હાથ નીચે ચોકીદાર, સફાઈ કર્મચારી, પટાવાળો, વર્કર, મદદનીશ, મૅનેજર વગેરે પાસે કામ કરાવવાનો અનુભવ છે. કંપનીના માલિક હોવા છતાં તેમના કર્મચારીના નિજી જીવનની ઘટનાઓ, પ્રકૃતિ-સ્વભાવો, વર્તન-વ્યવહારો, લાગણીઓ-લાક્ષણિકતાઓ વગેરેને પણ સૂક્ષ્મ દૃષ્ટિએ જુએ-અનુભવે છે અને તે ઘણીબધી વાર્તાઓમાં વિષયગત કે પાત્રગત ભૂમિકાએ નિરૂપણ પામે છે. ‘એસિડ’ જૂથની વાર્તાઓ આ ભૂમિકાએ જોઈ શકાશે. આ વાર્તાકાર નગરનું સંતાન છે. એટલે એમની વાર્તાઓમાં ગામડું કે ગ્રામચેતનાને બદલે નગર પરિવેશ અને નગરમાં રહેતો માણસ કેન્દ્રમાં છે. કહી શકાય કે આ શહેરમાં વસતા માણસની નગરચેતનાની વાર્તાઓ છે. ગુજરાતી, ભારતીય અને પશ્ચિમની વૈશ્વિક પરિવેશની ટૂંકીવાર્તાઓ ઉપરાંત સાહિત્યનો ઊંડો અભ્યાસ અને ગાઢ પરિચય આ વાર્તાકાર ધરાવે છે. એટલે વાર્તાઓનો કલાઘાટ ઘડવામાં એનો લાભ એમની વાર્તાઓને મળ્યો છે. આ વાર્તાસંગ્રહની પ્રસ્તાવના ‘વહેતા સમય મધ્યેની વાત : સમસંવેદના અને હું’-માં વાર્તાકારે વાર્તા વિશેની પોતાની સમજ, પ્રાપ્ત સંવેદનબીજ અને વાર્તા લખતી વખતે થતી મથામણની અનુભૂતિ વિશે આલેખ આપ્યો છે. જે રાજેન્દ્ર પટેલની ‘ટૂંકીવાર્તા’ સાથેની ઊંડી નિસબત પ્રગટ કરે છે. આ વાર્તાઓને વસ્તુ-સંદર્ભમાં આ પ્રમાણે વર્ગીકૃત કરી શકાય.
- સંતાનવિહીન દંપતીની પીડા – મનોદશાને વ્યક્ત વાર્તાઓ
- સંતાનોથી તિરસ્કૃત કે અવગણના પામેલ વૃદ્ધ માતા-પિતાની વ્યથાને નિરૂપતી વાર્તાઓ
- ફેક્ટરીનો બોસ-માલિક અને તેના વર્કરો-કારીગરો પ્રતિ સંવેદના આલેખતી વાર્તાઓ
- પારિવારિક સ્થિતિઓ-પરિસ્થિતિઓ કેન્દ્રિત વાર્તાઓ
- હિંદુ-મુસ્લિમ કોમી તણાવમાં પીડા અનુભવતાં પાત્રોની વાર્તાઓ, ભૂકંપ વગેરે આપત્તિઓમાં માનવ-સ્વભાવ પરિવર્તનકેન્દ્રી વાર્તાઓ
- અણુ, પરમાણુ, સમય, સર્જન, વિસર્જન, ગતિ, અવરોધ, બ્રહ્માંડ, પૃથ્વી વગેરેના રહસ્યની તાત્ત્વિક ખોજ કરતી વાર્તાઓ
- કપોલકલ્પના ટેક્નિકથી રચાયેલી વાર્તાઓ
એમની વાર્તાઓનું વિષયવૈવિધ્ય ધ્યાનપાત્ર છે. તેઓ અનેક વિષયો-વસ્તુઓ(પ્લોટ)ની માવજત કરી વાર્તારૂપ આપી શકે એવી ક્ષમતા ધરાવે છે.
રાજેન્દ્ર પટેલના વાર્તાસંગ્રહની સમીક્ષા :
‘૨૦૨૫ સુધી’ (વાર્તાસંગ્રહ) : ટૂંકીવાર્તા થકી માનવ અને માનવતાની શોધ કરતો વાર્તાકાર
[‘૨૦૨૫ સુધી’, રાજેન્દ્ર પટેલ પ્રથમ આવૃત્તિ : માર્ચ ૨૦૨૫ મૂલ્ય : ૪૫૦ રૂ., પૃષ્ઠ સંખ્યા : ૧૦+૨૮૬, પ્રકાશક : ઝેન ઓપસ, હિંગળાજ માતા મંદિર પરિસર, જૂના હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન પાસે, નવરંપુરા પોલીસસ્ટેશન લેન, અમદાવાદ-૩૮૦૦૦૯]
‘અકબંધ આકાશ’ વાર્તામાં વાર્તાનાયક પોતાના એક કૃત્યથી મયંકના પિતા મનોહરકાકા આત્મહત્યા કરી લે છે અને એ વાતથી મનમાં ને મનમાં પીડાયા કરે છે. મિત્ર સમીરે એક લાખ રૂપિયા વંચિત લોકોને મદદરૂપ થવા માટે પરદેશથી મોકલાવ્યા હતા જે મયંકને ધંધામાં જરૂર હતી તેથી મદદની ભાવનાથી આપ્યા હતા પણ ઘણા સમય પછી પરત ન આપતાં ચેક રિટર્ન માટેનો કેસ કર્યો હતો. વાર્તાનાયકે મયંકની બહેનના લગ્ન વખતે ભવાડો કરવાની ધમકી આપેલી પરિણામે મનોહરકાકા આત્મહત્યા કરી લે છે. વાર્તામાં સૂક્ષ્મ રીતે થતી હિંસા-અહિંસાની ચર્ચા વણાઈ છે. વાર્તાનાયકના મનની વ્યથા તીવ્રતાથી રજૂ થઈ છે. ‘અધૂરી શોધ’ એ રાજેન્દ્ર પટેલની સક્ષમ વાર્તા છે. વીતેલા સમયમાં ખોવાઈ ગયેલાં મૂલ્યોની શોધ અહીં વાર્તાનો વિષય બન્યો છે. વાળંદ જીવણલાલનું પાત્ર વાર્તામાં વિશેષ પરિવેશ રચવાનું નિમિત્ત બને છે. વાર્તાનાયકના બાપુજીના વાળ કપાવવાના નિમિત્તે જીવણલાલ અને વાર્તાનાયકનું મનોજગત અહીં ખૂલતું જાય છે. જે માનવીય ગૌરવ લઈ શકાય તેવાં મૂલ્યોથી વિચ્છેદ થવાનું આ સમયમાં આવ્યું છે તે માણસની કમનસીબી છે. વાર્તાકર્મની સાથે સાથે ભાષાકર્મ પણ વિશેષ ધ્યાનપાત્ર બન્યું છે. જુઓ : – ‘બેટા, બધું ભૂલી જજે પણ ધરતીનું ઋણ ન ભૂલતો. તે છે તો બધું છે. આ માટી જ સાચું જીવન છે. તેને પ્રેમ કરતો રહેજે. ક્યારેય જીવનમાં દુઃખ નહીં પડે.’ (‘૨૦૨૫ સુધી’, પૃ. ૧૧) – ‘બેટા, માટીથી જગતમાં બીજું કશુંય મોટું નથી. ઝાડને પ્રેમ કરતો રહેજે. જીવન છાંયડા જેવું લાગશે. ખેતર ભર્યુંભર્યું રહેશે.’ (‘૨૦૨૫ સુધી’, પૃ. ૧૧) – ‘સુક્કા વૃક્ષની ચોફેર સુક્કી ડાળીઓ લટકતી હોય તેમ તે વાયર ને ટોટીઓથી ઘેરાયેલા હતા.’ (‘૨૦૨૫ સુધી’, પૃ. ૧૨) ‘એક અજાણ્યો આંચકો’ વાર્તામાં ભૂકંપના આંચકાઓ માનવ વસાહતને તહસનહસ કરી નાખે છે તેમ માણસના હૃદયમાં પણ ઊથલપાથલ મચાવી દે છે. ઉછાંછળા અને વૈયક્તિક સ્વાર્થતાભર્યો સ્વભાવ ધરાવતા સનાતનને સજારૂપે રાહત કામગીરી માટે ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવે છે ત્યારે ત્યાં પડી ચૂકેલા મંદિર અને ભાંગી ગયેલા ગામની સ્થિતિ જોતાં સનાતન આંચકો અનુભવે છે. ત્યાં અનાજ ભીખીને ચકલાંને-પારેવાંને નાખનાર અજાણ્યો માણસ છે તો હસનની દુકાન-ગલ્લાને લૂંટનાર મુખીનો છોકરો પણ છે. ભોંયભેગા થઈ ગયેલા મંદિરના ભૈરવદાદાને અપૂજ ન રખાય તેવી સમજ ધરાવનાર હસન ગોરધનને હિંમત આપે છે તો આરતી ટાણે આવી પહોંચતાં ત્રણ કૂતરાં પણ છે. અહીં વાર્તાકાર કોમી તણાવની વિપરીત પરિસ્થિતિઓ અને આયામો રચીને માનવીય ધર્મ-મૂલ્યોને ઉજાગર કરે છે. ‘એક અજાણ્યો ફોન’ વાર્તામાં આતંકીઓએ કરેલા બૉમ્બ વિસ્ફોટથી દીકરો, વહુ અને નાનકા પૌત્રને ગુમાવી ચૂકેલા વૃદ્ધ દંપતીની વ્યથાનું ચિત્રણ છે. વાર્તામાં વાર્તાનાયક પોતાના મિત્ર પરિમલ ઊર્ફે પરિયાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા ફોન કરે છે પણ પરિયાએ મોબાઈલ નંબર બદલી નાખ્યો છે પરિણામે કોઈ અજાણી વૃદ્ધાને નંબર લાગે છે જે કશીક અકળામણ અને તણાવને કારણે ગુસ્સામાં તેડા જવાબ આપે છે. છેવટે ઘટના પરથી પડદો ઊંચકાય છે ત્યારે વાર્તાના ભાવકને અજાણ્યા ફોનમાંથી ધસી આવતું વેદનાનું પૂર હતપ્રભ કરી દે છે. વાર્તા હૃદયસ્પર્શી બની છે. ‘એક અદ્ભુત સવાર’ વાર્તામાં એક સવારે વાર્તાનાયક પોતે પોતાને પોતાના જ અન્ય સ્વરૂપને મળે છે અને એમાંથી રચાય છે એક ફેન્ટસીપ્રધાન વાર્તા. ‘એક પરબીડિયું’ વાર્તામાં નોનીનો પત્ર આવ્યો છે અને વાર્તાનાયક હરેશ તે વાંચવા પ્રયત્ન કરે છે તેમાં વાર્તા ગૂંથાતી જાય છે. છેક નાનપણથી પાંગરેલો પ્રેમ અહીં ભાવુકતાની ભૂમિ પર નિરુપાયો છે. કામવાળી લક્ષ્મીની દીકરી અને માલિકનો દીકરો હરેશ નાનપણથી સાથે ઉછર્યા. દુનિયાની નજરે રાખડી બાંધતી નોની મનોમન હરેશને ચાહવા લાગે છે અને આજીવન ચાહતી રહે છે. ભાઈ-બહેન અને બાળપણના ભેરુઓના હૃદયમાં ફૂટેલી લાગણીઓનું સંમિશ્રિત નિરૂપણ અહીં થયું છે. ‘એક મોડી સાંજ’ વાર્તામાં વાર્તાનાયક મનન અને મનુ અંકલ બેયની જીવનઘટનાઓને ગૂંથી લઈ વાર્તાકાર માનવમનની સારી-નરસી પ્રવૃત્તિઓને ઉજાગર કરે છે. દરેક માણસની ભીતર એક રાક્ષસ વસતો હોય છે. જે કોઈ એક નબળી ક્ષણે બેઠો થઈ જતો હોય છે અને ન કરવાનું કરી બેસતો હોય છે. નખશિખ સજ્જન એવા મનુ અંકલને એમની દીકરી જ એક કૌભાંડમાં ફસાવી દે છે. જેલમાં ગયેલા મનુ અંકલની ચાર ગુનેગારો નિઃસ્વાર્થ સેવા કરે છે. મનુ અંકલ કઠોર નિયતિનો ક્રૂર ભોગ બની રહે છે. જે દીકરીને સારા સંસ્કાર અને સુંદર વાતાવરણ આપેલું તે દગો કરે છે અને જે ગુનેગારો અજાણ્યા હતા તેની સેવા મનુ અંકલ પામે છે. નિયતિનું વરવું સ્વરૂપ અહીં પ્રગટ થયું છે. મનને પણ વીલમાં સુધારો કરી નાનાભાઈનો ભાગ પચાવી લીધો હતો એનો ઘટસ્ફોટ ત્યારે થાય છે જ્યારે મનુ અંકલ વિશ્વાસપાત્ર મનનને પોતાનું વીલ આપવા આવે છે. વાર્તાના શીર્ષકમાં અનૌચિત્ય છે. ‘એક મોડી સાંજ’ એવું શીર્ષક નિબંધનું હોય એમ લાગે છે, ‘વીલ’ શીર્ષક વાર્તાને વધારે ઉચિત રહે. ‘ઍસિડ-૧’ વાર્તામાં વાર્તાનાયકને એની કંપનીમાં કામ કરતી વખતે ઍસિડનો છાંટો ગળાના ભાગે પડે છે અને એનો ચચરાટ પીડા આપે છે એ નિમિત્તે વર્કર લાલાનું ચરિત્ર ઊપસતું જાય છે. લાલાના પરિવારજનો એના ગામડે રહેતી છોકરીને ઝેર આપી મારી નાખે છે ત્યારે કોઈ દિવસ ન પીનારો લાલો દારૂ પીવે છે. વાર્તામાં લાલાનું લાક્ષણિક પાત્ર ઉપસી આવ્યું છે. ‘ઍસિડ-૨’ જેવી વાર્તાઓ વાર્તાકારની નિજી જીવન-અનુભવ સાથે સંકળાયેલી વાર્તાઓ છે. વાર્તાકાર પોતે કેમિકલ ફેક્ટરી અને એનો વિશાળ વ્યવસાય ધરાવે છે. એમનો શૈક્ષણિક અભ્યાસ પણ કેમિકલ અને વિજ્ઞાન સાથે જોડાયેલો રહ્યો છે. એમના કારખાનાઓમાં મૅનેજર, વર્કર, ચોકીદાર જેવી વિવિધ પોસ્ટ ઉપર કામ કરનારો મધ્યમ અને નિમ્ન ગરીબ વર્ગ સતત એમના સંપર્કમાં રહ્યો છે. વાર્તાકાર માલિક અને ધનિક હોવા ઉપરાંત સંવેદનશીલ હૃદયના પણ ‘ધણી’ છે. એટલે એમના છત્ર નીચે કામ કરનારના જીવનમાં બનેલી ઘટનાઓ પણ વાર્તાકારની નજર બહાર રહેતી નથી. એમાંથી આછુંપાતળું વસ્તુ લઈ એને વાર્તારૂપ આપવાનો પ્રયત્ન કરે છે. વાર્તાકાર નિજી સર્જન પ્રતિભા સાથે ભારતીય-વૈશ્વિક સાહિત્યના પણ ઊંડા અભ્યાસી છે એટલે એ ‘વાર્તા’ના મર્મને પકડી-આલેખી જાણે છે. નિમ્ન વર્ગના માણસોના વ્યવહાર-વ્યક્તિત્વ- કાર્યશૈલીને સૂક્ષ્મ દૃષ્ટિએ જાણી-નિરૂપી શકે છે. અહીં વાર્તામાં જેની દીકરી પાણીની ટાંકીમાં ડૂબીને મરી જાય છે તે વર્કર છોટાલાલનું પાત્ર નિરૂપણ પામ્યું છે. ‘ઍસિડ-૩’ વાર્તામાં ‘લાલા’ નામના દાદાની ઉંમરની વ્યક્તિનું વર્તન- વ્યક્તિત્વ ચિત્રણ પામ્યું છે. વૃદ્ધ લાલાને કંપનીના માલિક વાર્તાનાયક પ્રતિ અંદરથી પુત્રવત્ વહાલ છે. કહી ન શકે પણ વર્તનમાં તરત દેખાઈ આવે. દારૂ પીવાની લાલચે રોડની સામે જ આવેલી હરીફ કંપનીના માલિકને મળતો તેથી લાગે કે જાણે વાર્તાનાયકને દગો કરે છે. પણ એક દિવસે અકસ્માતે ટ્રક નીચે આવી મરણ પામે છે ત્યારે વાર્તાનાયક પોતાના પિતા માટેની લાગણી લાલા માટે અનુભવે છે. ‘કૅન્વાસ અને કામિની’ વાર્તામાં વાર્તાનાયક ચિત્રકાર છે. બિલાડી એની સાથે ઓતપ્રોત છે. એને બિલાડી ખૂબ પ્રિય છે. વાર્તાકાર બિલાડીનાં ચિત્રો બનાવે છે પણ એકેય ચિત્ર પૂરું કરી શકતો નથી. વાર્તાનાયકને એક પ્રદર્શનમાં કામિનીનો ભેટો થાય છે. બિલાડી, કામિની અને વાર્તાનાયકના સંદર્ભમાં ભાવ-સંવેદનો પ્રગટ થયાં છે. ‘ખુલ્લી આંખની ઊંઘ’ વાર્તામાં બે પાત્રો છે – પ્રાણજીવન અને યાદવ. બંને વૃદ્ધ. બંને બસ સ્ટેન્ડ ઉપર એક નિશ્ચિત સ્થાન ઉપર રોજ મળે. વારાફરતી વાત શરૂ કરે. કોઈ સ્વપ્નની કે કોઈ બનેલી ભૂતકાળની ઘટનાની. એક દિવસ પ્રાણજીવન બસ સ્ટેન્ડ ઉપર પહોંચે છે ત્યારે જુએ છે કે બાજુની જગ્યા ખાલી છે. ઘણા દિવસ પછી ખબર પડે છે કે યાદવનું મૃત્યુ થયું છે. જીવનમાં કશું જ કાયમી અને જે છે તે નિરર્થક છે. સંબંધો પીડાનું કારણ બને છે. પ્રાણજીવનના મનોસંચલનોને આલેખવા એક્વેરિયમ, બસ સ્ટેન્ડમાં ગતાનુગતિક આવ-જા કરતી બસો અને માણસોની અવરજવર વગેરેની યોજના અસરકારક બની રહે છે. ‘ગુનેગાર’માં વાર્તાનાયકના મુખે એના મિત્ર મનન ઓઝાના નિમિત્તે વાર્તાની માંડણી કરી છે. કોઈ એક એવી ક્ષણે તદ્દન નખશિખ સજ્જન એવા મનનથી પોલીસવાળાનું ખૂન થઈ જાય છે. જેમાં મનનનું આ કૃત્ય કશા આયાસ, પ્રયત્ન કે ઇરાદાથી કરેલું નથી છતાં તેને સજા થઈ છે. આ કૃત્ય કુદરતની જ એક રમત છે. મનનના પત્રોથી એના હૃદયને વાચા મળી છે. વાર્તામાં ફિલોસોફિકલ આવરણ ધ્યાન ખેંચે છે. ‘ઘર’ એ રાજેન્દ્ર પટેલની એક વિશિષ્ટ વિષયવસ્તુ ધરાવતી વાર્તા છે. વાર્તાનાયક એમના સહાધ્યાયી મિત્ર પ્રમોદજી અને તેમની પત્ની વીણા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે. પ્રમોદજી વાસ્તુશાસ્ત્રી છે. પોતાના ઘરની એકેએક ઈંટ અને એકેએક વસ્તુ વાસ્તુના નિયમો મુજબ ગોઠવીને સો ટકા હકારાત્મક ઊર્જા મળતી રહે એવું ‘ઘર’ બનાવ્યું છે. વાર્તાનાયક પણ પોતાનું ઘર બનાવે છે ત્યારે ત્યાં કામ કરતા માણસો-મજૂરો-મજૂરણો એમના બાળકોને પૂર્ણ વેતન, નાસ્તો, ખાવાનું આપી ખુશ રાખે છે. કાળજીપૂર્વક બનાવેલા-સજાવેલા ઘરમાં અને આસપાસ પક્ષીઓ, વૃક્ષો, વેલા, છોડ, ડાળીઓ, માળાઓ, ફૂલો, સુગંધ, સંગીતનું સુંદર વાતાવરણ ખડું થાય છે. વાર્તાનાયક, તેની પત્ની-દીકરીને આ ઘર ખૂબ ગમે છે તેમ પ્રમોદજી અને વીણાબહેનને પણ ખૂબ ગમે છે. પણ એક દિવસ નાનાભાઈ-ભાભી તરફથી વકીલની નોટિસ મળે છે કે તેમને આ ઘર જોઈએ છે. પરિણામે આ ઘર છોડી ફ્લેટમાં રહેવા જવું પડે છે. પ્રમોદજી પણ કોન્ફરન્સમાં ઇટાલી ગયેલા ત્યાં ઇટાલિયન છોકરીના પ્રેમમાં પડી કાયમી ત્યાં જ સ્થાયી થઈ જાય છે. વીણાબહેનનો સંસાર ઉજડી જાય છે. નિયતિના નિયમો સામે વાસ્તુના નિયમો ટકી શકતા નથી. હકારાત્મકતાની મર્યાદા પૂર્ણ થાય ત્યારે નકારાત્મકતા હાવી થઈ બધું ઊથલપાથલ મચાવે છે અને એ જ ‘નિયતિ’ છે એવો બોધ આ વાર્તા કરાવે છે. ‘જય અંબે ટી સ્ટૉલ અને એક ફૂલ’ વાર્તામાં ચંદુ-ગફૂર-રહીમચાચા-એમની બીબી-પીપળો-ગુલાબનું ફૂલ વગેરેના સંદર્ભોમાં ગૂંથાતી જાય છે. એક શાયરની દરગાહને ઝનૂની લોકોના ટોળાએ તોડી નાખી એનું દુઃખ રહીમચાચાના મુખે વર્ણવાયું છે. ‘જૂઈની સુગંધ’ વાર્તા રાજેન્દ્ર પટેલની સમર્થ વાર્તાકાર તરીકેની છબી આંકી આપે તેવી સક્ષમ વાર્તા છે. પતિ-પત્ની સંજય અને જૂઈ તેમજ સંજયના મિત્ર રમેશ વચ્ચેના પ્રણય સંવેદનને સૂક્ષ્મ સ્તરે વ્યક્ત કરે છે. જેની સાથે લગ્ન થયા છે તે સંજય પોતાના સંતાનને અમેરિકાની સિટીઝનશિપ મળી જાય તેવા સ્વાર્થથી જૂઈને ડિલીવરી માટે અમેરિકા મોકલે છે પણ કમભાગ્યે ત્યાં જૂઈનું મરણ થઈ જાય છે. પોતાની સુંદર-સુશીલ પત્ની જૂઈના મરણથી કશી સંવેદના ન અનુભવતા સંજયનું પ્રેમહીન વર્તન-વ્યવહારનું આલેખન વાચકને પીડા થાય તેવું ધારદાર થયું છે. સાથે સાથે મિત્ર રમેશની જૂઈ માટેની કૂણી લાગણી સંયત સ્તરે વાચા પામી છે. વાર્તામાં નિઃસ્વાર્થ પ્રેમ અને સ્વાર્થની લોલુપતા વચ્ચે જન્મતા સંઘર્ષ વચ્ચે મરી પરવારેલી લાગણીઓને વાચા આપે છે. ‘ટિપ’ વાર્તામાં વાર્તાનાયક મિ. મહેતા ઑફિસના કામે એક અઠવાડિયા માટે પરદેશ જાય છે ત્યારે ત્યાં ગાઈડ કમ દુભાષિયા તરીકે મળેલી એક સુંદર કન્યા ‘સોફી’ સાથેના સંવાદો અને કેટલીક મધુર-મિલન ક્ષણોનું આલેખન થયું છે. મિ. મહેતા સોફીમાં બહેન અને માનું વહાલ જુએ છે જ્યારે સોફી અનેક ગ્રાહકોની બદમાશી અને લુચ્ચાઈની સામે સંયમિત ચારિત્ર્યવાન વ્યક્તિત્વથી આકર્ષાઈને પ્રેમમાં પડી જાય છે. લાગણીઓ બહકી ન જાય અને પ્રેમભાવ અળપાઈ ન જાય તે રીતે નિરૂપણ કરવામાં વાર્તાકારની હથોટી વર્તાઈ આવે છે. ‘તમરું’ વાર્તામાં વાર્તાનાયક આરંભે પોતાના બાપુજી સમક્ષ હિલ સ્ટેશન ઉપર ઘર લેવાની યોજના ઘડે છે ત્યાં એકવાર ગયેલા ત્યારે ત્યાં તમરાંનો અવાજ ખૂબ ગમેલો. પિતાજી તો મેડિટેશનમાં પણ તેમને તમરાંનો અવાજ સંભળાય છે એમ કહે ત્યારે તો વાર્તાનાયક તમરાંમય બની જાય છે. પોતાની ફેક્ટરીની લેબમાં પણ કેમિકલમાંથી વિશાળ ‘તમરું’ બની આવે છે તે આખી ઘટના ફેન્ટસીરૂપે વર્ણવાઈ છે. ‘દરવાજો’ વાર્તામાં વાર્તાનાયક ઊર્ફે વાર્તાલેખકે શાળામાં જોયેલા દરવાજાની સાથે જોડાયેલી સ્મૃતિગત સંવેદનાઓ આલેખી છે. દરવાજા પાસે બેસીને માટલામાંથી ઠંડુ પાણી પાતી વૃદ્ધ બાઈ પ્રત્યેનો ભાવ અહીં ઝિલાયો છે. અહીં નોંધવું જોઈએ કે આ વાર્તા ‘વાર્તા’ ન બનતાં નિબંધમાં સરી પડી છે. ‘દુઃખની એક પળ’ વાર્તામાં સંજયથી એક વખતે એક મોટરબાઈકને અથાડી દેતાં અકસ્માત થઈ ગયો છે. પરંતુ લોકોના મારના ડરથી અકસ્માતગ્રસ્ત વ્યક્તિને બચાવવા કે મદદ કરવા ઊભો રહેતો નથી. એનો રંજ સંજયને સતત પીડા આપે છે. પછી એનું શું થયું એ પણ હવે ખબર નથી. પણ પેલો રંજ એને સતત પીડા આપે છે અને એના વર્તન-વ્યવહારમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે જેનું ઝીણવટભર્યું નિરૂપણ ધ્યાનપાત્ર છે. ‘દ્વારકાનગર’ વાર્તામાં વાર્તાનાયકની ગાડી એક જગ્યાએ ખોટકાય છે ને તે પછી એ સ્થળની આસપાસ બનતી ઘટનાઓમાં વાર્તા ગૂંથાતી જાય છે. એ વિસ્તારના ડૉન ગણપતને આવેલા સ્વપ્ન મુજબ એક સોસાયટીના નાકે એક મોટા દરવાજાનું નિર્માણ કરાવે છે અને એના ઉદ્ઘાટન માટે શોભાયાત્રા સહિતનો જલસો ગોઠવાયો છે. ઝૂંપડપટ્ટીના લોકોની રહેણીકરણી, વેશભૂષા, માનસિકતા વગેરેનું સૂક્ષ્મ નિરૂપણ થયું છે. ધાર્મિકતાના અંચળામાં ગુમરાહ માનવજીવન દિશાવિહીન બની રહે છે એ વાત ઉપર પ્રકાશ પાડ્યો છે. ‘ધુમ્મસમાં ડોલતાં વૃક્ષો’ વાર્તામાં વાર્તાનાયક અને સોનાલીના ડાયવોર્સ થયા પછીની વાર્તાનાયકની મનઃસ્થિતિનું આલેખન થયું છે. સાથે સાથે બા અને મોટાભાઈનું મૃત્યુ અને એમની સાથે જોડાયેલી ભાવાત્મક ક્ષણો અહીં ધુમ્મસ, ખીણ, શિખર, પતંગિયુ વગેરેના સંદર્ભ ગૂંથાઈ છે. ‘નનામી’ વાર્તા વાર્તાકારનો એક ‘કપોલકલ્પિત’ પ્રયોગ છે. વ્યક્તિ પોતે પોતાનું મૃત્યુ થયું હોય, પોતાની નનામીને કાંધ આપતો હોય અને સ્મશાનયાત્રામાં પોતે જ ડાઘુ બનીને જોડાતો હોય એવી કપોળકલ્પના આ વાર્તાને વિશિષ્ટ બનાવે છે. માણસ માત્ર માણસ છે. અને સંવેદનહીનતાના અંતિમે જઈને પણ માણસે મરણ પામવાનું જ છે એ પરમ સત્ય છે. ડાઘુઓની વચ્ચે વાર્તાનાયક પોતે ડાઘુ જેવો જ છે. જોડીયા ભાઈ જેવો જ છે. નનામી ઉપર સૂતેલો પોતે પણ શબ જેવો જ છે. મરણપરક માનવજીવનની નિરર્થકતા અહીં વાર્તામાં ચિંતનાત્મક ભૂમિકા રચે છે. ‘નવું નામ’માં વાર્તાનાયક એક દિવસ પોતાના ઘરે જાય છે તો બધું બદલાઈ ગયેલું અનુભવે છે. એક દિવસ લાગણી, પ્રેમ, સહાનુભૂતિ, દયા, કરુણા બધું જ ખતમ થઈ જાય અને બધું એક સમાન-સપાટ બની જાય જેથી નવી વ્યવસ્થા ઊભી થાય એવી કપોળકલ્પના આ વાર્તાનો વિષય બન્યો છે. વાર્તાનાયકને નવું નામ અને નવો નંબર મળે છે તે રીતે દરેક વ્યક્તિને પણ મળે તો ધરમૂળથી બદલેલી આ વ્યવસ્થા માણસ માટે સુખરૂપ બની શકશે? ‘નવો રંગ’માં પિતા પોતાની દીકરી મનીષાને પત્ર લખે છે. પોતાની પત્ની અને એની મમ્મીથી થયેલા છૂટાછેડાને કારણે પોતાના હૃદયમાં ચાલતા આંતરદ્વંદ્વની વાત માંડે છે. વાર્તાનાયક અહીં પોતાના આંતર-અસ્તિત્વને પિછાણવા માટે મથામણ કરે છે. વાર્તાકાર રાજેન્દ્ર પટેલની ‘આંતરખોજ’ માટેની તાલાવેલી તેમની ઘણી વાર્તાઓમાં જોઈ શકાશે. ‘પણ’ વાર્તાનું શીર્ષક ‘પેટ’ રાખ્યું હોત તો ઉચિત લાગતું. વાર્તામાં વાર્તાકારની કલમ પેટ નિમિત્તે સરસ ફેન્ટસી રચે છે ને વર્તમાન જીવનની સમસ્યાઓ અને ભ્રષ્ટ, લોલુપ અને લાચાર માણસની વૃત્તિઓ ઉપર પ્રહાર કરે છે. ‘ફડક’ વાર્તાનું શીર્ષક પણ ઉચિત નથી. વાર્તામાં જયસુખના વ્યવહારિક જગત સાથેના ‘અનમેચિંગ’પણા માટે તેનો કવિ તરીકેનો ધૂની સ્વભાવ કારણરૂપ છે. કવિતા લખતો જયસુખ પોતાના કામ પ્રત્યે ધ્યાન નથી આપી શકતો અને ઘણબધી નોકરીઓ છોડવી પડે છે. વાર્તામાં જયસુખનું રેખાચિત્ર ઉપસ્યું હોય તેમ લાગે છે. ‘બલ્બ’ વાર્તામાં ‘બલ્બ’ બાના જીવનનું સમય પસાર કરવા માટેનું આધારરૂપ પ્રતીક બની રહે છે. બાએ વ્યવહારિક જીવનની બધી જવાબદારીઓ સુખેથી પૂરી કરી લીધી. બાળકોનો ઉછેર કરી પરણાવી દરેકને પોતાના જીવનમાં સેટ કરી દીધાં. છેવટે બાને વૃદ્ધાશ્રમમાં રહેવા જવું પડે છે. જેના આધારની બાને જરૂર હતી તે આધાર નથી બનતા કે બની શકતા પણ પેલો નિર્જીવ ‘બલ્બ’ છેક છેલ્લે સુધી બાને જીવન જીવવાનો આધાર બની રહે છે. ‘બસ્ટ’ વાર્તામાં વાર્તાનાયકના બાપુજી પોતાના પિતાજીનું બસ્ટ બેઠકરૂમમાં એક ખૂણામાં મૂકાવે છે. મૃત પામેલા પૂર્વજ અનાયાસપણે આપણી વચ્ચે જીવતા હોય છે. તેમની સ્મૃતિઓ છેક ત્રીજી-ચોથી પેઢી સુધી જીવંત રહેતી હોય છે. ‘બસ્ટ’ નિમિત્તે શિલ્પકાર જ્યોતિબહેનનું વ્યક્તિત્વ પણ અહીં ખૂલે છે. ‘બાવીસમી ડિસેમ્બર’ મા વગરના દીકરા અને દીકરા વગરની માના ઝુરાપાની વાર્તા છે. વાર્તાનાયકની મા તેને જન્મ આપીને મરી ગઈ હતી અને રામુની મા મરણ પહેલા એના દીકરાની વાટ જોતી ઝૂરે છે. બે ભિન્ન પાત્રો અને પરિસ્થિતિ વચ્ચે કડી બને છે ‘શ્યામાબેન’. મા વગરના પુત્રની જિંદગી અને પુત્ર વગર માની જિંદગીની એકલતા, વ્યથા અને ઝુરાપાનું સન્નિધિકરણ સાધવામાં વાર્તાકાર સફળ રહ્યા છે. હૃદયસ્પર્શી અને નોંધપાત્ર વાર્તા. ‘બી-ઈટર’ એ કપોલકલ્પિત વિષયવસ્તુ ધરાવતી વાર્તા છે. વાર્તામાં વિષય છે ‘પ્રતીક્ષા’. દરેક વ્યક્તિ કોઈકની ને કોઈકની, કશાકની ને કશાકની પ્રતિક્ષણે પ્રતીક્ષા કરતો હોય છે. નિરંતર વાટ જોતો હોય છે. ‘બી-ઈટર’ પક્ષી અને સ્કૂટર નિમિત્તે કશા કારણ વગર જોવાતી કોઈની ‘રાહ’નું સંવેદન વાર્તામાં ગૂંથાયું છે. સૂક્ષ્મ ભૂમિકાએ પ્રિયતમાની વાટ જોતો નાયક વાટ જોતો જ રહી જાય છે. ‘બે કપ ચા એક આંગળી’ રાજેન્દ્ર પટેલની સક્ષમ વાર્તાઓમાંની એક છે. એમ.કે. અને અનુના જાતીય જીવન અને પ્રેમજીવનને ‘આંગળી’ના રતિપ્રતીક વડે સૂક્ષ્મતાથી અને અસરકારક રીતે ઉપસાવી આપ્યું છે. મનસુખ સાથેના અનુના સંબંધોને મુખર થયા વિના વાર્તાની અંદર બીજી વાર્તાનાં પાત્રો તરુ અને મનિયા વડે સાંકેતિક રીતે ચિત્રિત કરવામાં લેખક સફળ થયા છે. પત્નીના મૃત્યુ અને દીકરા-વહુના સંબંધથી વિચ્છેદ પામેલા બળદેવકાકાના જીવનમાંથી રસ ઊડી ગયો છે. અવગણનાથી ચીડિયા સ્વભાવના બની ગયેલા બળદેવકાકાનો અંદર-બાહ્ય જગત સાથેનો સંબંધ કડવાશભર્યો બની ગયો છે. બહાર સોસાયટીમાં રમતાં છોકરાંને પણ તગેડતા. પણ એક દિવસ બારી ખોલે છે અને બાહ્ય જગત સાથે સંબંધ-સંવાદ બાંધવા પ્રયત્ન કરે છે ને ત્યારથી જીવનમાં કશીક આનંદમય પ્રવૃત્તિ જડી આવે છે. કારની અડફેટે ઘાયલ કૂતરાને બચાવી લઈ ખૂબ સારવાર સામેના ઘરવાળા અને સુરભિ કરે છે. તેમાં આખી સોસાયટી પણ જોડાય છે. બળદેવકાકાને પણ રસ પડે છે અને કૂતરાની સ્થાને પોતાને કલ્પે છે. કૂતરાની કાળજી લે છે તો દીકરા-વહુથી તિરસ્કૃત મારા જેવાની પણ લઈ શકે ને? સોસાયટીનાં છોકરાં માટે બળદેવકાકા ‘બોથડકાકા’ બની રહે છે. પેલી બારી સંવાદ રચવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ‘મીનુ’ નામનું બિલાડીનું બચ્ચું એક દિવસ વાર્તાનાયકના ઘરમાં પ્રવેશે છે ને એ ઘરનું લાડકું સભ્ય બની જાય છે. દીકરી શૈલી, પત્ની માયા અને બા સહિત બધાં મીનું સાથે લાગણીના સંબંધથી જોડાઈ જાય જાય છે. મીનુની રોજિંદી ક્રિયાઓ અને વર્તનનું ઝીણવટભર્યું ચિત્રણ ‘રેખાચિત્ર’ બની રહે છે. ‘મોબાઇલ ફોન’ વાર્તામાં મૃગેશભાઈ તેમની દીકરી સોનુની મોબાઇલ ફોન લેવાની જિદથી પરેશાન છે. એ નિમિત્તે ‘મોબાઇલ મેનિયા’ જેવી એક માનસિક બિમારીના તાણાવાણા ગૂંથાતા જાય છે. મૃગેશભાઈનો પોતાની સાથે કામ કરતી અને ગમતી કર્મચારી સોનિયાનું મોબાઇલ પર વાત કરતાં કરતાં જ અકસ્માતે મૃત્યુ થયેલું એ દુર્ઘટનાને કારણે કરુણતાનો અનુભવ કરાવે છે. ‘રૂપાંતર’માં વાર્તાનાયકના સ્વભાવમાં આવતા પરિવર્તનનું ઝીણવટભર્યું નિરૂપણ થયું છે. અતડો, અહંવાદી, ઝઘડાળું, ઈર્ષ્યાળું, જક્કી, વહેમી, જડ, નકારાત્મક જેવા અવગુણોથી ગ્રસ્ત વાર્તાનાયક કશાક કારણથી બદલાઈને પ્રેમાળ, હસમુખો, મળતાવડો બની જાય છે. વાર્તાન્તે સ્પષ્ટ થાય છે કે પેલું કારણ તે પર્સમાં કશુંક રાખી મુકેલું છે તે ક્યારેક ક્યારેક જોઈ લે છે તે પરી જેવો ચહેરો ધરાવતો ફોટો તે તેની દીકરીનો છે. તદ્દન અનોખો વિષય અને માવજત ધરાવતી વાર્તા ‘લિફ્ટ’ છે. આ વાર્તામાં લિફ્ટ જાણે જીવંત વસ્તુ હોય તેમ તેની સાથે વાર્તાનાયક તાદાત્મ્ય અનુભવે છે. ‘લિફ્ટકન્યા’ની સાથે સાથે લિફ્ટની શ્રીકૃષ્ણ, સ્વર્ગ, પાતાળ, ગરુડ, વિષ્ણુ વગેરેના સંદર્ભમાં વિસ્તરતી લીલામય ફેન્ટસી આસ્વાદ્ય છે. ‘વાત એક ઘરની’માં નોકર શિવરામની આંખે જોવાતી આ વાર્તા વર્ણવાઈ છે. ડૉક્ટરના શ્વાનપ્રેમને કારણે બે કૂતરા જીમી અને ઝીનીથી કલ્લોલ કરતું ઘર છે. માનવસ્વભાવના અળવીતરાપણા છતાં પશુપંખી માટેનો પ્રેમ તેને વધુ સારો માણસ બનાવે છે. પણ એક અકસ્માતમાં ડૉક્ટરના બે દીકરામાંથી એકનું મરણ થઈ જતાં પાછળ ઝીનીનું પણ મૃત્યુ થાય છે. પછી મોટી બહેન અને જીમી પણ ચાલ્યાં જાય છે. કિલ્લોલ કરતું ઘર ઉજ્જડ બની જાય છે. ઘર વેચીને દીકરો ડૉક્ટરને ઓસ્ટ્રેલિયા કાયમ માટે લઈ જાય છે ત્યારે શિવરામને જાણે કે પોતાનું ઘર વેચાઈ ગયું હોવાની લાગણી થઈ આવે છે. ‘શ્રી રજ’ વાર્તામાં ‘રજ’ એટલે ચપટી ‘ધૂળ’ અને ધૂળ એટલે ‘માટી’. આ શેર માટીની ખોટ ધરાવતા દંપતી વાર્તાનાયક અને સોનાલીના જીવનની સંતાનહીન દશામાં ઝુરાપાને સંતુલિત કરવા મથે છે. કૂંડાં અને ધૂળ નિમિત્તે સોનાલીના હૃદયનાં સંવેદનો સૂક્ષ્મતાથી વાચા પામે છે. સામાન્ય રીતે સંતાનહીનતા એક દારૂણ પીડા બનીને નિરૂપાતી હોય છે. પરંતુ અહીં એ દશાનો સ્વીકાર કરી આસપાસના વાતાવરણને હકારાત્મકતાથી ભરી દે તેવું નિરૂપણ વાર્તાકારના નોંખા દૃષ્ટિકોણનો પરિચય કરાવે છે. ‘સફર’ વાર્તામાં વાર્તાનાયક ટ્રેનના ડબ્બામાં ચઢે છે અને શરૂ થાય છે એક સફર. ડબ્બામાં એક આધેડ દંપતી કાકા-કાકી અને એક મિલિટરી મેન અગાઉથી બેઠા છે. પાછળથી એક સુંદર યુવતી ઘોષા જોડાય છે. દીકરા-વહુએ બધી સંપત્તિ લખાવી લઈને કાકા-કાકીને રઝળતાં મૂકી દીધાં છે એટલે ચીડિયું વર્તન કરે છે, તેમની સાથે વાર્તાનાયક પ્રેમથી સંભાળ લેવા પ્રયત્ન કરે છે. ઘોષા સ્ટુડન્ટ છે. અચાનક ડબ્બાની બારી તૂટી પડતાં વાર્તાનાયકની આંગળીનું ટેરવું કપાઈ જાય છે. પેલું આધેડ દંપતી વાર્તાનાયકની સંભાળ લે છે. વાર્તા રહસ્યમય સ્થિતિઓમાંથી પસાર થતી થતી બધાં પાત્રો વચ્ચે એક સુખદ સંબંધ રચતી સફર પૂરી કરે છે. ‘સલામી’ વાર્તામાં લખમણનું સ્વમાની અને મહેનતું એવું પાત્ર નિરૂપાયું છે. એના જીવનના કટુ અનુભવો એના જીવનની દશા અને દિશા નક્કી કરે છે. એના અનુભવગત નિર્ણયો ચાલકબળ બને છે. લખમણ વ્યવહારિકતાથી દૂર રહીને પણ ભાવુકતાથી સંબંધ નિભાવી જાણે છે. વાર્તાન્તે લેખક એને ‘સલામી’ આપે છે. જોકે આ વાર્તા કરતાં લખમણનું રેખાચિત્ર વધુ લાગે છે. ‘સાંજના છ ત્રીસ પછી’ વાર્તામાં વાર્તાનાયકના અમ્મી અબ્બાને ઝનૂની ટોળાએ મારી નાખેલા તેને કારણે જે માનસિક વ્યથા અનુભવે છે તે અહીં સ્થાન પામી છે. જોકે મુસ્લિમ યુવકના વ્યક્તિત્વનો અહીં કશો મેળ થતો લાગતો નથી. જેટલું નિઃસહાય આ પાત્ર બતાવ્યું તેવું ખરેખર હોતું નથી. યુવકની પારિવારિક કે કસ્બા-મુસ્લિમ મહોલ્લા જેવી ક્યાંય વાર્તામાં આલેખાઈ નથી એટલે કૃત્રિમ નિરૂપણ અનૌચિત્ય ભરેલું અને કઠે એવું છે. મુસ્લિમ યુવકનો કસ્બો, માંસાહાર, રહેણીકરણી, માનસિકતા, બોલી વગેરેની અહીં ગેરહાજરી દેખાઈ આવે છે. નબળી વાર્તા છે. ‘સુખની એક પળ’ વાર્તામાં સંતાન ઝંખતા દંપતી માયા અને મલયની વ્યથાની આ વાર્તા છે. સંતાનહીન મનોદશામાં પીડા વેઠતું આ દંપતી અન્ય તરીકાઓથી માનસિક શાતા પામે છે. ‘સ્મિત’ વાર્તા હાસ્ય નિમિત્તે ‘કપોળકલ્પના’ કરીને હાસ્ય એ લગભગ બધી સમસ્યાઓનું સમાધાન હોવાનું ઇંગિત કરે છે. નામ વગરના હસતાભાઈના પાત્ર નિમિત્તે વાર્તાકાર નર્મ-મર્મ ચીંધી લે છે. ‘હાઇલૅન્ડ’માં વાર્તાનાયક એક ચાઇનીઝ યુવતી ટિંગલિંગને જોઈને પછી ભૂતકાળનાં સંસ્મરણોમાં અને વર્તમાનની ક્ષણોમાં આવ-જા કરે છે. વાર્તાનાયક ધંધાર્થે હાઇલૅન્ડ ગયો છે તે નિમિત્તે ભાવભર્યા સ્મરણોમાં હરફર કરે છે અને ભાવકને પણ કરાવે છે. ‘હીંચકો’ વાર્તા રમણલાલ અને સંજય વચ્ચેના સંવાદોમાં વિસ્તરે છે. જેમાં અણુ, પરમાણુ, સર્જન, વિસર્જન, ગતિ, અવરોધ વગેરે વિશે તાત્ત્વિક વિચારણા ગૂંથાતી જાય છે. અગોચર તત્ત્વોની અને એનાં રહસ્યોને પામવાની વાર્તાકારની મથામણ છે તે વિવિધ ટેક્નિકથી આ સંગ્રહની ઘણી વાર્તાઓમાં દેખાય છે. વાર્તાતત્ત્વ સાથે, વિજ્ઞાનની સાખે, બ્રહ્માંડનાં રહસ્યોને પામતાં પામતાં આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચવાની અને માનવતાને ઉજાગર કરવાની વાર્તાકાર રાજેન્દ્ર પટેલની વાર્તા રચવાની ખેવના તેમને અન્ય વાર્તાકારો કરતાં નોંખા પાડે છે.
ડૉ. રાજેન્દ્રસિંહ જ. ગોહિલ
આસિસ્ટન્ટ પ્રોફેસર,
શ્રી સ. મ. જાડેજા કૉલેજ, કુતિયાણા
કવિ, નિબંધકાર, સમીક્ષક
વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ
Email: rjgohel76@gmail.com,
મો. ૮૨૦૦૫૨૪૨૯૪