ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/દક્ષા પટેલ
આરતી સોલંકી
વાર્તાકારનો પરિચય
નામ : દક્ષા પટેલ જન્મતારીખ : ૧૫-૦૧-૧૯૫૯ જન્મસ્થળ : અમદાવાદ અભ્યાસ : એમ.કૉમ., એલ.એલ.બી., હિન્દી કોવિદ વ્યવસાય : નિવૃત્ત પ્રાધ્યાપક, કૉમર્સ વિદ્યાશાખા સાહિત્યસર્જન : દક્ષા પટેલ વાર્તાકારની સાથે સાથે અનુવાદક તરીકે પણ જાણીતા છે. તેમણે હિન્દી અને અંગ્રેજી ભાષામાંથી ગમતી વાર્તાઓના ગુજરાતીમાં અનુવાદો કર્યા છે. નવેમ્બર-ડિસેમ્બર ૨૦૦૨ના ‘શબ્દસૃષ્ટિ’ના નારીલેખન વિશેષાંક નિમિત્તે હર્ષદ ત્રિવેદીના આગ્રહથી સૌ પહેલી વાર્તા ‘રણકતી ઘંટડી’ એમણે લખી. જુદી જુદી વાર્તાશિબિરોમાં જોડાઈને તેમણે અનેક જુદી જુદી વાર્તાઓ લખી. તેમનાં અન્ય પુસ્તકોમાં ‘નદીનો ત્રીજો કાંઠો’, અનૂદિત ટૂંકીવાર્તા સંગ્રહ (૨૦૧૦), ‘સફળતાનો અભિગમ’, પ્રેરણાત્મક નિબંધો (૨૦૧૧), ‘મા, વંદે તવ ચરણમ’, ‘મા’ પરના લેખોનું ચયન-સંપાદન (૨૦૧૩), ‘ઘરવખરી’, કાવ્યસંગ્રહ (૨૦૧૭), (ગુજરાત સાહિત્ય અકાદમીનું ઇનામ), ‘વણજોયું મહુરત’, અનૂદિત ટૂંકીવાર્તા સંગ્રહ (૨૦૧૭) (ગુજરાત સાહિત્ય અકાદમીનું ઇનામ), ‘રાજેન્દ્ર પટેલ કી પ્રતિનિધિ કહાનિયાં’ (હિન્દી), સંપાદન (૨૦૧૭) ‘માતૃમુદ્રા’, ‘મા’કેન્દ્રી વાર્તાઓનું ચયન-સંપાદન (૨૦૧૮), ‘એ’સ્કેલેટર’, પ્રથમ મૌલિક વાર્તાસંગ્રહ (૨૦૨૦) ‘ડ્રાઇવિંગ લાઇસન્સ’, અનૂદિત ટૂંકી વાર્તાસંગ્રહ (૨૦૨૦), ‘પ્રાણી સંવેદનાની ગદ્યરચનાઓ’, સંપાદન (૨૦૨૧), ‘મતદાન કેન્દ્ર પર ઝોકું’ (કેદારનાથ સિંહ), અનૂદિત કાવ્યસંગ્રહ (૨૦૨૩), ‘થોડા રફુ થોડા થીગડાં’ (અશોક વાજપેયી), અનૂદિત કાવ્યસંગ્રહ (૨૦૨૩), ‘અવસાન’ (ચંદ્રપ્રકાશ દેવલ), અનૂદિત કાવ્યસંગ્રહ (૨૦૨૩). આમ દક્ષા પટેલ પાસેથી મૌલિક વાર્તાસંગ્રહ ‘એ’સ્કેલેટર’ એક જ મળે છે, પરંતુ લેખિકાએ ઘણી બધી વાર્તાઓ અને કવિતાઓના અનુવાદો કર્યા છે.
વાર્તાકારનો યુગસંદર્ભ :
વાર્તાકાર તરીકે આપણે દક્ષા પટેલને અનુઆધુનિક વાર્તાકાર તરીકે ઓળખીએ છીએ. તેમની વાર્તાઓમાં આજના સમયના સામાજિક પ્રશ્નો કેન્દ્રસ્થાને છે. ટૂંકીવાર્તા વિશે દક્ષા પટેલની સમજ : ટૂંકીવાર્તા વિશે દક્ષા પટેલની સમજ ઘણી વિસ્તૃત હોય એવું લાગે છે. કેમકે તેમને કિશોરાવસ્થાથી જ વાંચવાનો શોખ હતો અને શોખ ટેવમાં પરિણમે એવું એમના ઘરનું વાતાવરણ હતું. તેમને ઘણી અગ્રણી વાર્તાઓના ગુજરાતી અનુવાદો વાંચ્યા છે અને પછી પોતે પણ ઘણી બધી વાર્તાઓના અનુવાદો કર્યા છે. માટે સમયે સમયે તેની સમજ ટૂંકીવાર્તાના સ્વરૂપને લઈ વિસ્તૃત પામતી ગઈ હોય એવું લાગે છે.
‘એ’સ્કેલેટર’ નો પરિચય :
‘એ’સ્કેલેટર’ સંગ્રહમાં કુલ ૧૬ વાર્તાઓ છે. દરેક વાર્તામાં લેખિકાનો કોઈને કોઈ અભિગમ સ્પષ્ટ થયો છે. મોટાભાગે આ સંગ્રહની વાર્તાઓમાં સામાજિક પ્રશ્નો અને પારિવારિક પ્રશ્નોને લેખિકાએ વાચા આપી છે. આપણી આજુબાજુ બનતી ઘટનાઓ આ વાર્તાઓના વિષયો છે. દરેક વાર્તામાં ક્યાંક ને ક્યાંક સામાન્ય પરિવારના પ્રશ્નોને ગૂંથી લીધા છે. તો વળી ઘણી વાર્તાઓમાં નિષ્ફળ દાંપત્યજીવન આલેખાયું છે. ક્યાંક સ્ત્રીઓની હતાશા અને વેદના છે તો વળી ક્યાંક જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેનો સંઘર્ષ છે. આપણે આ સંગ્રહની દરેક વાર્તાઓના આધારે દક્ષા પટેલની વાર્તાકલા સમજવાનો પ્રયત્ન કરીએ.
દક્ષા પટેલની વાર્તાકળા :
દક્ષા પટેલ વાર્તાઓની ચોક્કસ રીતે માંડણી કરે છે અને એક બિંદુ સુધી લઈ જાય તેનો ચોટદાર અંત આણે છે. તેમની આ સંગ્રહમાં સમાવિષ્ટ મોટાભાગની વાર્તાઓમાં વર્તમાનકાળ અને ભૂતકાળ ઘુમરાયા કરે છે. મોટાભાગની વાર્તાઓ નાયિકાપ્રધાન વાર્તાઓ છે. ક્યાંક પારિવારિક જીવનની વાત છે તો કે ક્યાંક નિષ્ફળ પ્રેમલગ્ન છે. આ બધા મારફત લેખિકા સમાજની વાસ્તવિકતાને તાગવા મથામણ કરતાં હોય એવું લાગે છે. ‘એ’સ્કેલેટર’ વાર્તા એ આ સંગ્રહની પ્રથમ વાર્તા છે. આ વાર્તામાં ૧૫ વર્ષ પછી પોતે છૂટાછેડા લઈ લીધેલા હોવા છતાં પણ તેના પતિની તબિયત ખરાબ હોવાથી તેમની સંભાળ લેવા જતી અમિતા છે. તે વિમાનમાં મુસાફરી કરે છે તે દરમિયાન નાયિકાનું મન વિચારના વંટોળે ચડે છે. વિમાનની ઝડપ સાથે નાયિકાના વિચારની ઝડપને લેખિકાએ સરસ રીતે જોડી દીધી છે. તો ‘મૂંઝારો’ વાર્તા પણ નાયિકાપ્રધાન વાર્તા છે. આ વાર્તામાં નાયિકા મીતાના મનનો મૂંઝારો વ્યક્ત થયો છે. નાયકા પોતાના પતિ સાથે સમય પસાર કરવાને બદલે તેમનો મોટાભાગનો સમય નોકરી-ધંધામાં અને મિત્રો સાથે ફરવામાં પસાર કરે છે. તેમના પતિના અવસાનના આઠ દિવસ પછી તેમના મનમાં પોતે પોતાના પતિને સંપૂર્ણપણે ઓળખી ના શક્યાનો જે મૂંઝારો નાયિકા અનુભવે છે તેની આ વાર્તા છે.
‘છેલ્લું ટીપું’ વાર્તામાં આપણા સમાજ ઉપર સીધો જ વ્યંગ કરવામાં આવ્યો છે. આ વાર્તામાં નાયિકા કલ્યાણીના સોહન જોડે પરાણે લગ્ન કરાવી દેવામાં આવે છે. સોહન અન્ય પુરુષો કરતાં એકદમ અલગ છે અને એના પરિણામે નાયિકાને જે અત્યાચારો ભોગવવા પડે છે તેની વાત આ વાર્તામાં છે. ‘બારી’ વાર્તામાં પિયરમાં બારીવાળા રસોડામાં રમેલી રેખાને જ્યારે પરણીને સાસરીએ આવે છે ત્યારે રસોડું તો બહુ મોટું છે પરંતુ તે રસોડામાં બારી નથી તે વાત ખટકે છે. રેખા વારંવાર તેના ભૂતકાળને યાદ કરે છે ને વાર્તાના અંતે ભૂતકાળની ઘટના ક્યાંક વર્તમાનમાં વણાય છે. રેખા રસોડાની દીવાલ પર બારીનું ચિત્ર દોરે છે અને પોતાની ઇચ્છા પરિપૂર્ણ કરે છે. આ વાર્તામાં ઉઘાડી બારી અને બંધ બારી પ્રતીકાત્મક રીતે દર્શાવી છે. પિયરમાં છૂટથી રહેનારી નાયિકાને સાસરીએ આવી અમુક પાબંદીઓનો સામનો કરવો પડે છે તે અહીં બંધ બારી મારફત આલેખાયું છે. ‘લીમડો’ વાર્તા પણ પ્રતીકાત્મક છે. આ વાર્તામાં દાદાજી સૌને લીમડાની જેમ શીતળતા આપતા હતા. વ્યક્તિને સમયની કે વ્યક્તિની કદર તેના ચાલ્યા ગયા પછી જ થાય છે તેની આ વાર્તા છે. અહીં નાયિકા મીતાને તેના અંધ સાસુસસરા બોજરૂપ લાગે છે. મીતા તેની પાસે બધું જ હોવા છતાં તેના અંધ સસરાને ગામના મંદિર સુધી લઈ જતાં પણ કચવાય છે જ્યારે જીવો મોચી અને તેની પત્ની દેવું કરીને તેના માતા-પિતાને તીર્થયાત્રા કરાવે છે. ‘સ્ટોરરૂમ’ વાર્તામાં બે પેઢી વચ્ચેનું ઘર્ષણ છે. સ્ટોરરૂમમાં હંમેશા નકામી કે વધારાની વસ્તુઓ જ રાખવામાં આવે છે. કિશનની પત્ની કિશોરભાઈને એટલે કે તેના સસરાને સ્ટોરરૂમમાં રહેવા માટે મોકલી આપે છે. કિશનની વહુ દરેક વાતે તેને ટોકે છે તેમને સારું ખાવાપીવાની છૂટ નથી. બહાર હરવા-ફરવાની છૂટ નથી. વાર્તામાં અંતે કિશોરભાઈ પરિસ્થિતિને વશ બનીને પોતે હવે સ્ટોરરૂમમાં જ રહેવાનું છે એ વાત સ્વીકારે છે. ‘લીમડો’ વાર્તાની નાયિકા અને ‘સ્ટોરરૂમ’ની નાયિકામાં ઘણું સામ્ય છે. ‘રિવ્યૂબુક’ વાર્તામાં દરિયાને જીવન સાથે જોડી દેવામાં આવ્યો છે. અમિતા એ ચિત્રકાર છે અને અમોલની બીજીવારની પત્ની છે. અમોલ તેના બાળકોની સંભાળ લેવા માટે અમિતાને પરણીને લઈ આવ્યો હોય છે. અમિતાનાં ચિત્રો તેને સમજાતાં નથી એટલે રિવ્યૂબુક વાંચીને આ ચિત્રોને સમજવાની કોશિશ કરે છે. અમિતાની ઇચ્છા બાળકની હતી એટલે એ ત્રણ બાળકો એકસાથે દરિયાકિનારે રમતાં હોય એવું ચિત્ર દોરીને પોતે બાળક ઇચ્છે છે એવી માગણી અમોલ પાસે કરે છે. પરંતુ અમોલ ચોખ્ખી ના પાડી દે છે. આ ઘટના પછી અમિતા ઉદાસ થઈ જાય છે અને તેની વેદના તે કૅન્વાસ ઉપર ઉતાર્યા કરે છે. કૅન્વાસના રંગો સાથે અમિતાના જીવનના રંગો જોડાઈ ગયા છે. ‘એકલતા’ અને ‘રણકતી ઘંટડી’ વાર્તાના અંતે બંનેની નાયિકા બાલમંદિર ખોલે છે અને મનની એકલતાને પૂરી કરે છે. ‘એકલતા’ વાર્તાની નાયિકા ગામડામાંથી પરણીને સાસરિયે મોટા શહેરમાં આવે છે ત્યારે તેના મકાનની એકલતા તેને કોરી ખાય છે. વાર્તાના અંતે કાંતિની વાત સાંભળી તેને બહુ આઘાત લાગે છે અને પોતે બાળઘર ખોલે છે. ‘રણકતી ઘંટડી’ વાર્તાની કથક અંજુ પણ વાર્તાના અંતે કૉલેજની નોકરી છોડી બાલમંદિર ખોલે છે અને તે બાળમંદિરને નામ આપે છે ‘લિટલ એન્જલ’. ‘અનુબંધ’ વાર્તા એ પારિવારિક વાર્તા છે. આજના આધુનિક પરિવારમાં વૃદ્ધ વડીલો કોઈને ગમતા નથી તેની પ્રતીતિ આ વાર્તાની શરૂઆત કરાવે છે. જ્યારે જ્યારે દાદીમા બહાર આવે છે ત્યારે મમતા અને તેની બંને દીકરીઓ તેને ધમકાવીને રૂમમાં જ રહેવાનું કહે છે. મમતાને પોતાની સાસુનાં કપડાં સાફ કરવાં ગમતાં નથી. પરંતુ જ્યારે મમતા બીમાર પડે છે ત્યારે તેની સાસુ જ તેની પાસે બેસીને તેને વહાલ કરે છે અને તેની સંભાળ રાખે છે. આ ઘટના પછી મમતાનું હૃદય પરિવર્તન થાય છે અને વાર્તાનો સુખદ અંત આવે છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે જ્યારે જરૂર હોય ત્યારે પોતાનાં જ કામ આવે છે. ‘કોનો હશે હાથ?’ વાર્તા નિષ્ફળ પ્રેમલગ્નની વાર્તા છે. બેડરૂમમાં આડા પડખે પડેલી ફરીદાને ઘેર ફોનની ઘંટડી રણકે છે. તે ફોન ઉઠાવવા જાય છે તે દરમિયાન જ બહાર જોરદાર તોફાન શરૂ થાય છે. જ્યારે ફરીદા રિસીવર ઊંચકીને વાત કરે છે પછી તેના મનમાં પણ એક તોફાન શરૂ થાય છે. લેખિકાએ અહીં એક બહારના તોફાન સાથે ફરીદાના મનમાં ચાલતા તોફાનને વણી લીધું છે. વાસુદેવ સાથે તેણે પ્રેમલગ્ન કરેલાં પણ તેમાં તેમને સફળતા મળતી નથી. આ વાર્તામાં પણ પાત્રની ઓળખ ભૂતકાળની ઘટનાઓ નાયિકાના મનમાં ખૂલે છે ત્યાંથી થાય છે. ‘આંગણાનો ખાલીપો’ વાર્તામાં નાયિકા નંદુના લગ્નને પાંચ વર્ષ વીતી ગયા છતાં હજુ ખોળો ભરાયો નહોતો એટલે તેની સાસુએ આસોપાલવ આંગણામાં વાવેલો. વારંવાર આસોપાલવને પાણી પાવું તેના ખરેલા પાંદડાંઓ સાફ કરવાં વગેરે કામોથી નંદુને કંટાળો આવે છે એટલે આંગણામાં ઉભેલા આસોપાલવને તે કપાવી નાખે છે પરંતુ જ્યારે આસોપાલવ કપાઈ જાય છે ત્યારે આંગણાનો ખાલીપો એના મનને ઘેરી વળે છે. ‘થોરનું ફૂલ’ વાર્તા વાચકને જુદા પરિવેશમાં લઈ જાય છે. પંકજ અને સવિતાએ બહુ પ્રેમથી વાવેલો બગીચો તેની ગેરહાજરીમાં તેના દીકરાની વહુ કઢાવી નાખે છે અને પોતાના દીકરાને લઈ દૂર રહેવા જતી રહે છે. વાર્તાના અંતે પ્રકૃતિપ્રેમી પંકજ તેમના મિત્ર મનોજભાઈના આગ્રહથી થોરનાં વૃક્ષો વાવે છે. થોરનું ફૂલ એ અહીં પ્રતીકાત્મક છે. આપણા લોકવ્રતોને પણ નાયિકાએ વાર્તાનો વિષય બનાવ્યો છે. ‘મનપસંદ ભેટ’ વાર્તાની મુખ્ય ઘટના ગૌરીવ્રતનું ઉજવણું છે. અહીં મા દીકરીના સંબંધોની સાથે સાથે ગરીબાઈ અને શ્રીમંતાઈની વાત પણ છે. મિતા અને આસ્થા એ શ્રીમંત પરિવારનું પ્રતિનિધિત્વ કરતાં પાત્રો છે જ્યારે શારદા અને રેવા સામાન્ય પરિવારનું પ્રતિનિધિત્વ કરતાં પાત્રો છે. ‘વિચ્છેદ’ વાર્તા અને ‘તાવીજ’ વાર્તા આગળની તમામ વાર્તાઓ કરતાં જુદા વિષય સાથે પ્રવેશ કરે છે. મોતીરામના અકસ્માત પછી તે તેમના બંને પગ ગુમાવે છે અને હંમેશા માટે પોતાના વતનમાં પાછો ચાલ્યો જાય છે. જ્યારે ‘તાવીજ’ વાર્તામાં કોમી રમખાણો એ મુખ્ય વિષય છે. હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના ઝઘડાઓ આ વાર્તાનો વિષય છે. આ વાર્તાની નાયિકા નુસરત આવા એક કોમી રમખાણમાં પોતાના ભાઈને ગુમાવે છે અને વાર્તાના અંતે જ્યારે તે પોતાના ઘર તરફ કોમી રમખાણના ભયથી ચાલીને જતી હોય છે તે દરમિયાન એક નાનો છોકરો તેને મળે છે અને તેમને તેમના મમ્મી પાસે જવું છે તેવી વાત કરે છે. નુસરત તેને અંધારામાં એક હાથમાં તાવીજ અને એક હાથમાં એ છોકરાને લઈને ચાલવા લાગે છે અને વાર્તા પૂર્ણ થાય છે. આમ, ‘એ’સ્કેલેટર’ની તમામ વાર્તાઓ વાચકને જુદા જુદા અનુભવો કરાવી એક જુદી જ દુનિયામાં લઈ જાય છે અને આપણા રોજબરોજના સામાજિક અને પારિવારિક પ્રશ્નો વિશે વિચારતા કરી મૂકે છે.
ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક, સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮