ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રૂબી જાગૃત
રૂબી જાગૃત
નરેશ શુક્લ
[‘ગુમશુદા સરનામું’ (વાર્તાઓ) રૂબી જાગૃત, પ્ર. આ. ૨૦૨૨, પ્રકા. ઝેન ઓપસ, હિંગળાજ માતા કંપાઉંડ, મનમોહન કોમ્પ્લેક્ષની પાછળ, નવરંગપુરા પોલીસ સ્ટેશન લાઈન, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯, કુલ પૃ. ૧૯૦, કિં. ૩૦૦.૦૦ રૂ. કાચું પૂંઠું]
રૂબી જાગૃત એક જાણીતાં ક્યુરેટર અને ચિત્રકાર છે. અમદાવાદમાં નિવાસ કરે છે. રોજબરોજના જીવનમાં આસપાસ બનતી ઘટનાઓને બારીકીઓથી ધ્યાને લેતાં અને માનવીય સંવેદનનાં ભાતીગળ રૂપોને પોતાની પીંછીથી તો આકારે જ છે સાથોસાથ શબ્દોમાં વાર્તારૂપે આલેખવામાં પણ એ અવ્વલ છે. બહુ ઓછી વાર્તાઓ લખી હોવા છતાં પ્રથમ નજરે જ વાર્તાઓમાં દાખવેલી સજ્જતા, આગવી શૈલી અને તાજગીપૂર્ણ વિષયો સાથે પરંપરાગત અને આધુનિક સંવેદનાઓની ગૂંથણી કરી જાણતાં રૂબી જાગૃત પોતાના પહેલા જ વાર્તાસંગ્રહ ‘ગુમશુદા સરનામું’માં પોતાની પ્રતિભાનો આગવો ટચ આપતાં જણાઈ આવે છે.
ચિત્રકાર એવાં રૂબી જાગૃતની વાર્તાઓનો આ પહેલો સંગ્રહ. આકર્ષક અને સુઘડ છપાઈ. સરસ મજાનું અર્થપૂર્ણ ટાઇટલ પેજ, સંવેદનો અને રજૂઆતની તાજગી ઊડીને આંખે વળગે એવી. એકદમ સરળ અને કશીય યુક્તિ-પ્રયુક્તિઓનો આશ્રય લીધા વિનાની વાર્તાલાપ જેવી અનુભવાતી આ વાર્તાઓ એક અર્થમાં ઘટનાઓ છે. હા, દરેક વાતનો અંત ચોટદાર, વાચકના ચિત્તને વિચારતો કરી મૂકે એવો. પ્રમાણમાં એક જ પરિમાણમાં વિલસતું આલેખન, સંવેદનના આછા સંઘર્ષને બાદ કરતાં ખાસ કશા તીવ્ર સંઘર્ષમાં ક્યારેય ન જતું આલેખન અને ભાષા એકદમ નવી પેઢીની, બોલચાલની, કશાય ખાસ અલંકરણો વિનાની છતાં તાજગીસભર અનુભવ કરાવે એવી છે. એટલે સ્વાભાવિક જ રસ પડ્યો. પહેલી નજરે જ જે પકડાય છે તે એમનું ભાવવિશ્વ અને એનું કારણ છે લેખિકાનું ખૂલ્લું મન. એ મન સંવેદનાઓ શોધે છે, સતત તત્પર રહે છે કશુંક ક્લિક થઈ જાય તે માટે. એમણે પોતે જ નિવેદનમાં લખ્યું છે તેમ આસપાસના વાતાવરણમાંથી જ આ વાર્તાઓ મળી છે. ભાતીગળ પાત્રો, ભાતીગળ વિષયો, બદલાતા સમાજની સહજ રીતે બદલાતી સમજને પણ સહજથી પરોવતા ગયાં છે એ ચિત્રકાર. એમણે ચિત્રકાર હોવાથી સ્વાભાવિક જ રંગ-રેખાઓને જેમ નિર્બંધ બનીને વહેવા દેવાનો ભાવ કેળવ્યો છે. ચિત્રકાર ત્યારે જ આગવી શૈલી જન્માવી શકે જ્યારે મન અને રંગ-રેખાને બાંધ્યા વિના સહજ રીતે વિહાર કરવાનો અવસર આપે. રૂબી જાગૃતે ચિત્રમાં કેળવેલી એ સજ્જતા અહીં વાર્તાકથનમાં પણ ખપમાં લીધી છે. એમને ખબર છે કે કયા રંગથી ઊંડાણ અને કઈ રેખાથી લય સાધી શકાય. આ આવડત આ રચનાઓને આગવી મુદ્રા આપે છે. એક ઉદાહરણ આપીશ. રચનાનું નામ છે – ‘ઇ-મેઈલ અનસેન્ડ’ આરંભે જ પરિચય આપી દીધો આ યુગલનો. ‘સમીપ સાથે અનામિકાએ પ્રેમલગ્ન કરેલાં. ત્યારે જ લોકો કહેતા કે તમે બંને ખૂબ જુદાં છો. જીવનમાં કોઈ કૉમન શોખ નથી. અનામિકા સ્થિર, ખંતીલી, થોડી ઓલ્ડ-સ્કૂલ ટાઇપ, કશું પણ નવું અપનાવવામાં તેને ડર, વાંધો, સંકોચ અને અણગમો પણ ખરો. જ્યારે સમીપ દર અઠવાડિયે નવી આદતો, નવા લોકો ને નવી રીતભાત અપનાવે. તે ધસમસતા પૂરની જેમ આગળ વધવામાં માને...’ (પૃ. ૧૭) આ રીતે સીધું જ પાંથીએ પાડતા તેલની જેમ ચાલતી કથનપ્રયુક્તિમાં નવું કશું નથી પણ જે ફ્રેશનેસ અનુભવાય છે તે બંને વચ્ચેના સંવેદનોમાં આવેલ આધુનિક યુગલોના આઘાત-પ્રત્યાઘાતોનું આલેખન. અનામિકાને અકળામણ છે, ઘણીવાર દૂર થઈ જવાના મનસૂબા આવે છે પણ એનું પરંપરાગત વિચારતું મન એમ નથી કરવા દેતું. છેવટે અંતર ઊભું કરવાનો નવતર સંજોગ ઊભો થાય ને તે વિદેશમાં અભ્યાસ અર્થે જવાનો પ્લાન વિચારી નાંખે – પણ વચ્ચે આવે નિયતી. ઘેરો અને આઘાતજનક અંત તમને વાંચવા મજબૂર કરી મૂકે તેવું આલેખન. આ કથાનક નવું નથી, અંત પણ નવો નથી, નવી રીતે થયેલ રજૂઆત મજાની છે. દેવાંશીનો દીકરો-મા એ કઈ રીતે દેવયાનીનું વર્ણન કરવા સાથે વાર્તારસમાં ઊંડાણ સર્જી આપે છે. જૂઓ, ‘દૂધ જેવી સફેદ દેવયાની. એટલી રૂપાળી કે પાણી પીએ તો ગળામાં દેખાય. જાણે કાચની પૂતળી. લોકો કહેતા કે તો પછી અમરત કેમ વહુઘેલો ના થાય? દેવયાની રૂપમાં ને ગુણમાં પણ દેવી જેવી. આવી રૂપાળી દેવયાનીને અગ્નિદાહ દેતાં તેનો જીવ કેમેય ચાલ્યો હશે? ગામના લોકો અમરતની મનોદશા કળી શકતા નહોતા. કોઈને ખ્યાલ નહોતો કે આ અગ્નિ જીવનભર અમરતને બાળશે.’ (પૃ. ૭૩) એ જ રીતે ‘હી ઇઝ બેટર ધેન મી’, ‘આન્ટી રિલેક્સ રહેજો’, ‘કપૂરની ગંધ’, ‘કાદંબરી’, ‘પ્રિયંવદા કાલે મળીએ’, ‘લીલા દોરાની બાધા’, ‘સરસવતીની સાડી’, ‘હા, મેં કુલટા’ – જેવી રચનાઓમાં આલેખાયેલ સંવેદનના રંગો બદલાયેલા અનુભવાય છે. આ પ્રકારની વાર્તાઓ વાંચીને અનુભવાય છે કે, આ સદીના બીજા દાયકા પછી ગુજરાતી વાર્તામાં કંઈક નવો બદલાવ આવી રહ્યો છે. હા, હજી પરિમાણોનો અભાવ અને જલદી પૂરું કરવાની તીવ્ર તાલાવેલી વાર્તામાં ઠહેરાવને આવતો રોકે છે, એ જેટલી જડપથી ચિત્તને ઝબકારે છે એટલી જ જડપથી ઓસરી પણ જાય છે. આ વાર્તાઓમાં જે તાજગી છે એ આવનાર સમયની વાર્તાઓમાં દેખાવાની છે એ દિશા જણાય છે. આ નવતર અનુભવ પણ આ જ સમયની પેદાશ છે...! આ પ્રકારનું મંથન જ કદાચ નવું સરજી આપશે. આવકારું છું આ લેખિકાને....
નરેશ શુક્લ
પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,
ઉધના-મગદલ્લા રોડ, સુરત-૭
મો. ૯૪૨૮૦ ૪૯૨૩૫
Email: shuklanrs@yahoo.co.in