ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વંદના શાંતુઈન્દુ

વંદના શાંતુઈન્દુ

દીપક ભા. ભટ્ટ

GTVI Image 151 Vandana Shantuindu.png

ગુજરાતી સાહિત્યજગતમાં ‘વંદના શાંતુઈન્દુ’ નામ સંવેદનશીલ સર્જક તરીકે પ્રસ્થાપિત થયું છે. વંદના શાંતુઈન્દુ નામે ઓળખાતાં વંદના ભટ્ટે પોતાની બહુમુખી પ્રતિભાથી ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓમાં કાવ્ય, વાર્તા, બાળસાહિત્ય અને અનુવાદ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. બી.કૉમ. અને એલ.એલ.બી. જેવો વ્યવસાયિક અભ્યાસ ધરાવતાં હોવા છતાં, સાહિત્ય પ્રત્યેનો તેમનો અદમ્ય લગાવ અને ઊંડી સમજ તેમના દરેક સર્જનમાં સ્પષ્ટપણે વર્તાય છે. વંદના શાંતુઈન્દુના લેખન પ્રવાસની શરૂઆત અણધારી હતી, પરંતુ તેનાં મૂળ તેમના બાળપણમાં ઊંડાં ઊતરેલાં છે. તેઓ જણાવે છે કે વાચન તેમને વારસામાં મળેલ સંસ્કાર છે. તેમની માતાને વાચનનો અતિશય શોખ હતો અને બાળસાહિત્ય પછી તેમનું પહેલું વંચાયેલું પુસ્તક ‘નલિની યાને મોતનો સોદો, ખૂનનો ભેદ’ હતું, જે તેમના મન પર કાયમી છવાઈ ગયું હતું. આ પુસ્તક પ્રત્યેનો તેમનો લગાવ એટલો પ્રબળ હતો કે પરિવારજનો તેમને વારંવાર આ વિશે વાત કરવા બદલ ચીડવતા. વાંચેલી વાર્તાઓના વાક્યોને સંદર્ભમાં બોલવાની તેમની ટેવ તેમના પરિવારમાં પણ આવી ગઈ હતી, જેના કારણે ઘરમાં આવાં વાક્યો પડઘાતાં રહેતાં. ‘અખંડ આનંદ’ સામયિકમાં ભૂપેન ખખ્ખરનું એક પેઇન્ટિંગ ‘પોતે થઈને ઊભો રહ્યો’ તેમને એટલું ગમી ગયું હતું કે તેઓ લુચ્ચાઈ કરનારને ‘પોતે’ કહેવા લાગ્યાં હતાં. જો કે, લેખનકાર્ય કરવાનું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું, તેમ છતાં તેમના શાળાના શિક્ષકો તેમને નિબંધ સરસ લખે છે તેમ કહેતા. તેમના પિતા પૌરાણિક કથાઓ પરથી નાટકો લખતા અને ભજવતા હતા, જેમાંથી તેમને લેખનનો તંતુ મળ્યો. આમ, વાચન માતા તરફથી અને લેખન પિતા તરફથી મળેલ વારસો બન્યો. વંદના શાંતુઈન્દુએ શરૂઆતમાં કૉમર્સ ક્ષેત્ર પસંદ કર્યું હતું. તેમના શાળાના પ્રિન્સિપાલશ્રીએ તેમને ભાષા લઈને ગ્રેજ્યુએટ થવાનું સૂચવીને તેમના સાહિત્યિક બીજને પોષણ આપ્યું હતું. લગ્ન પછી દસ વર્ષ કિલ્લા-પારડીમાં રહ્યા પછી, તેમને વાંચવાનો શોખ પાછો જાગ્યો અને તેમણે લાઇબ્રેરીનું શરણું લીધું. તે સમયે તેમની ભાભી મીરાંએ પણ તેમને લખવા પ્રોત્સાહિત કર્યાં હતાં. વડોદરા આવ્યા પછી, તેમની અંદર રહેલી સર્જકતાને ‘શબ્દસેતુ’ નામની સાહિત્યિક સંસ્થા દ્વારા પ્રોત્સાહન મળ્યું. ચાલીસમાં વર્ષે એલ.એલ.બી. પૂરું કર્યા પછી પણ તેમના પરિવારજનોએ તેમને લેખક તરીકે રહેવા અને વકીલાત છોડવા માટે પ્રોત્સાહિત કર્યાં. તેમની બહેન હીતા ભટ્ટ (સિવિલ જજ) અને તેમના પતિ હિરેન ભટ્ટે આમાં મોટો ફાળો આપ્યો. તેમના દીકરા આર્ય ભટ્ટે પણ તેમને ‘કાળાધોળા’ વકીલાતના બદલે રંગો અને શબ્દોના શોખને વળગી રહેવા કહ્યું. આથી, તેમને સમજાયું કે આટ્‌ર્સને બદલે કૉમર્સમાં જઈને કરેલી ભૂલ બીજીવાર નથી કરવી, અને તેમણે લેખનને દિલથી અપનાવ્યું. વંદના શાંતુઈન્દુના સાહિત્યિક પ્રદાનને પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે. તેમનું સર્જનાત્મક અને અનુવાદનું મહત્ત્વનું પ્રદાન આ મુજબ છે.

GTVI Image 152 Jankhana Parodhani.png GTVI Image 153 Andharano Rang.png GTVI Image 154 Gujba-Rati.png

‘ઝંખના પરોઢની’ (વાર્તાસંગ્રહ) ૨૦૦૭ : આ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનો ભગિની નિવેદિતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો .
‘અંધારાનો રંગ’ (વાર્તાસંગ્રહ) ૨૦૨૦ : ગુર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત.
‘ગુજબા-રાતી’ (વાર્તાસંગ્રહ) : નજીકના સમયમાં પ્રગટ થવામાં છે.
‘કોલાઝવર્ક’ (હિન્દી કાવ્યસંગ્રહ) : સંવાદ પ્રકાશન.
‘એકડા બગડા આરામ કરે છે’ (બાળગીતસંગ્રહ).
‘મેટ્રો પેટ્રો પમ’ (બાળવાર્તાસંગ્રહ) : સંવાદ પ્રકાશન.
‘દર્દપુર - કથા કાશ્મીરની’ કાશ્મીરી લેખિકા ક્ષમા કૌલની હિન્દી નવલકથા ‘દર્દપુર’નો ગુજરાતી અનુવાદ. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું છે.
‘સમય સાક્ષી છે’ હિન્દી કવયિત્રી ક્રાંતિ કનાટેની કવિતાઓનો ગુજરાતી અનુવાદ.
‘હલમા’ (નવલકથા) ધીરુબહેન પટેલ પ્રેરિત સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત. અનમોલ પ્રકાશન. ‘હલમા’ એ ભીલીબોલીનો શબ્દ છે, જેનો અર્થ ‘પરમાર્થ’ થાય છે. આ નવલકથા જનજાતીય વિમર્શને લઈને લખાયેલી છે, જે આદિવાસી સમૂહોમાં જરૂરિયાતવાળાને મદદ કરવાના પરંપરાગત રિવાજનું નિરૂપણ કરે છે.
‘દરી’ ગુજરાતી કવયિત્રી કાલિંદી પરીખની ગુજરાતી કવિતાઓનો હિન્દી અનુવાદ, શોઝન પ્રકાશન.
‘જડ સે ઉખડે હુએ’, ‘અંધારાનો રંગ’માં પ્રકાશિત વાર્તાઓનો લેખક દ્વારા જ થયેલો હિન્દી અનુવાદ. ડાયમંડ પ્રકાશન, દિલ્હી.

વંદના શાંતુઈન્દુ એ ખાસ કરીને ટૂંકી વાર્તા સ્વરૂપમાં સક્રિયપણે યોગદાન આપ્યું છે. તેમના વાર્તાસંગ્રહ ‘ઝંખના પરોઢની’ એકવીસ વાર્તાઓનો સંગ્રહ છે તેની બે આવૃત્તિ થઈ છે, ‘અંધારાનો રંગ’માં પણ એકવીસ વાર્તાઓ છે અને ‘ગુજબા-રાતી’ પંદર વાર્તાઓ સાથે નજીકના સમયમાં પ્રકાશિત થવાનો છે. તેમની વાર્તાઓ ગુજરાતીના પ્રતિષ્ઠિત સામયિકો – ‘એતદ્‌’, ‘તથાપિ’, ‘પરબ’, ‘છાલક’, ‘શબ્દસર’, ‘તાદર્થ્ય’, ‘સમીપે’, ‘નવનીત સમર્પણ’, ‘જલારામ દીપ’, ‘નવચેતન’, ‘શબ્દસૃષ્ટિ’ વગેરેમાં પ્રકાશિત થતી રહી છે. વંદના શાંતુઈન્દુની વાર્તાઓનું મુખ્ય કેન્દ્રબિંદુ નારી સંવેદના છે. તેમની વાર્તાઓમાં સ્ત્રીઓ વિવિધ સંકટો, સામાજિક રૂઢિઓ અને પુરુષપ્રધાન સમાજની સંકુચિત માનસિકતાનો સામનો કરતી જોવા મળે છે. તેઓ સ્ત્રીને માત્ર પીડિતા તરીકે નહીં, પરંતુ પડકારોનો સામનો કરતી અને પોતાની કેડી નહીં, પણ રાજમાર્ગ કંડારતાં મજબૂત પાત્ર તરીકે રજૂ કરે છે. ‘ચમત્કાર’ વાર્તા ‘મી ટૂ’ જેવા આધુનિક સામાજિક મુદ્દાને સ્પર્શીને સ્ત્રીની હિંમત અને બદલાવ લાવવાની શક્તિને ઉજાગર કરે છે, જ્યાં ભૂતકાળની પીડિત સ્ત્રી વર્તમાનમાં ન્યાયનો રસ્તો કરે છે. ‘જવાબ’ વાર્તામાં એક ભોળી માતાની દીકરી કેવી રીતે આધુનિક ટેક્‌નોલોજીનો ઉપયોગ કરીને અન્યાય સામે અવાજ ઉઠાવે છે અને સમાજને સ્પષ્ટ સંદેશ આપે છે કે ‘સ્ત્રી એ ગાય નથી. સ્ત્રી એ સ્ત્રી છે. માણસ, નકરી માણસ.’ ‘પાણીની દીવાલ’ સ્ત્રીની સર્જનશક્તિનો મહિમા કરે છે અને દર્શાવે છે કે સાચી મુક્તિ કર્તવ્યના સ્વીકારમાં છે. આ વાર્તા સ્ત્રીને સૃષ્ટિનું સર્જન કરનાર શક્તિ તરીકે રજૂ કરે છે. ‘કમુ લાકડી’માં એક સ્ત્રીનો જમીન માટેનો સંઘર્ષ અને ગ્રામીણ સંસ્કૃતિના વિઘટનની વેદના વ્યક્ત થાય છે, જે વિકાસની કિંમત વિશે વિચારવા મજબૂર કરે છે. આમ, વંદના શાંતુઈન્દુનો સમતામૂલક નારીવાદ આક્રમક નથી, પરંતુ નારી અસ્મિતા પર કેન્દ્રિત છે, જ્યાં સ્ત્રીઓ પોતાના આત્મસન્માન અને સ્વાવલંબન માટે સંઘર્ષ કરે છે. તેમની વાર્તાઓમાં સામાજિક પ્રશ્નો, માનવ સંબંધોની જટિલતાઓ અને મનોવૈજ્ઞાનિક પાસાંઓ ઊંડાણપૂર્વક રજૂ થાય છે. ‘અંધારાનો રંગ’ વાર્તામાં સાંપ્રદાયિક સદભાવનાના ભંગ અને તેના માનવીય પરિણામોનું દર્શન થાય છે, જે હિન્દુ-મુસ્લિમ એકતાના તૂટેલા તાણાવાણા અને દુર્ઘટનામાં ફસાયેલા મનુષ્યોની ભીંસનું સચોટ આલેખન છે. ‘લોહીમાં ધરબાયેલો ખીલો’ ધર્મ પરિવર્તન અને આભડછેટની પીડા, તેમજ સાસુ-વહુના સંબંધમાં મિત્રતા અને સમાનતા જેવા સંવેદનશીલ મુદ્દાઓને સ્પર્શે છે. ‘ડાયરીના ફાડી નાખેલાં પાનાં’ પિતા-પુત્રીના અનોખા સંબંધ, છુપાયેલા ભૂતકાળ અને સત્યની કઠોરતાને સચોટ રીતે રજૂ કરે છે, જ્યાં સ્વીકૃતિ અને ક્ષમાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ‘બંધ થતા ચહેરા’ આર્થિક મજબૂરીમાં ધર્મ પરિવર્તન સ્વીકારનાર વ્યક્તિ પ્રત્યે સમાજની અપેક્ષાઓ અને દરવાજા બંધ કરી દેવાની મનોવૃત્તિ પર પ્રતીકાત્મક રીતે પ્રકાશ પાડે છે. ‘અને ત્યાં હવે નદી પણ નથી’ ડિમેન્શિયા (અલ્ઝાઈમર જેવો રોગ) જેવી બીમારીથી પીડાતા પાત્રની માનસિક સ્થિતિનું કરુણ આલેખન કરે છે, જે સ્મૃતિભ્રંશ, ભૂતકાળની મીઠી યાદો અને વર્તમાનની કઠોર વાસ્તવિકતાના દ્વન્દ્વને રજૂ કરે છે. ‘મૂળથી ઉખડેલા’ વિસ્થાપિત લોકોના જીવન, સંઘર્ષો અને તેમની ઓળખ જાળવી રાખવાની મથામણ પર હૃદયસ્પર્શી આલેખન કરે છે, જેમાં તિબેટીયન અને કાશ્મીરી પંડિતોની પીડા વ્યક્ત થાય છે. ‘ગુજબા-રાતી’ ભૂકંપ જેવી આપત્તિ પછીના સંજોગોમાં સાસુ-વહુના સંબંધ, પરંપરાગત જ્ઞાન અને આધુનિક અભિગમ વચ્ચેની ખેંચતાણ, અને જીવન જીવવાની નવી દિશા શોધવાનો સંઘર્ષ સુંદર રીતે રજૂ કરે છે. આ વાર્તાનું વડોદરાના પ્રખ્યાત નાટ્ય દિગ્દર્શક શ્રી ટી. એસ. ચારી દ્વારા નાટ્ય રૂપાંતર પણ કરાયું હતું, જે વડોદરા અને અમદાવાદમાં મંચન પામ્યું હતું. ‘ભેરુ – અ કમ્પેનિયન’ વ્યક્તિગત ઓળખ, સાંસ્કૃતિક વારસો અને પેઢીઓ વચ્ચેના જોડાણની શોધને વર્ણવે છે, જે દર્શાવે છે કે આપણાં મૂળ અને વારસો કેટલાં મહત્ત્વપૂર્ણ છે. ‘પોસ્ટમાસ્તર’ વાર્તામાં તેઓ ધૂમકેતુની પ્રખ્યાત વાર્તાને આગળ વધારીને પોસ્ટમાસ્તરને પ્રાયશ્ચિત્ત કરવાનો મોકો આપે છે. ‘સળિયા’ એક એવી સ્ત્રીની વાર્તા છે જે હંમેશા સાસુના દબાણમાં રહી છે અને અનહદ નિયંત્રણોથી મગજ પર કાબૂ ગુમાવે છે. વૃદ્ધાવસ્થામાં બાળકો દૂર હોય ત્યારે થતી એકલતા અને તેની અસરોનો અનુભવ થાય છે. વંદના શાંતુઈન્દુની વાર્તાઓ ‘આંખો દેખી, કાનો સુની’ અનુભવોમાંથી જન્મેલી હોવાથી તે જીવંત અને સહજ લાગે છે. તેમની ભાષા સરળ છતાં પ્રભાવી છે, જે પાત્રોના આંતરિક મનોમંથન અને ભાવનાઓને વાચક સુધી સફળતાપૂર્વક પહોંચાડે છે. તેઓ કલ્પના (જેમ કે ‘પાણીની દીવાલ’, ‘નિહારિકા’ અને ‘ચિતારો’) અને વાસ્તવિકતાનું સુંદર મિશ્રણ કરીને વાચકને એક અલગ જ અનુભવ કરાવે છે. તેમની કથા કહેવાની રીત વાસ્તવદર્શી અને સચોટ છે. વાર્તાને સીધા મુદ્દા પર લાવે છે અને બિનજરૂરી વર્ણનોને ટાળે છે. ઘણીવાર એક ઘટના, એક સંવાદ, કે એક નાની વિગત દ્વારા પાત્રોના જીવનનો મોટો ફલક દર્શાવવામાં આવે છે. વાર્તાનો અંત ઘણીવાર વાચકને ઊંડા ચિંતનમાં મૂકી દે છે. તેમના જીવનના અનુભવો, ગ્રામીણ અને શહેરી વાતાવરણ, અને કૌટુંબિક પૃષ્ઠભૂમિ – ખાસ કરીને માતા-પિતા અને મામા પાસેથી સાંભળેલી વાર્તાઓ, અને પિતા પાસેથી શીખેલા જીવન પાઠ (જેમ કે સર્પ પકડવાની કળા દ્વારા ડરની બાદબાકી) – આ બધું જ તેમના લેખનમાં પ્રતિબિંબિત થાય છે. વંદના શાંતુઈન્દુ જણાવે છે કે તેઓ લખે છે કારણ કે તેમને આનંદ મળે છે. તેઓ માને છે કે તેમની વાર્તાઓ આવતીકાલનો ઇતિહાસ છે. તેમનો નારીવાદ આક્રમક નહીં, પરંતુ આત્મસન્માન અને સ્વાવલંબન પર કેન્દ્રિત છે. તેમનાં પાત્રો કોઈ આવેશમય નિર્ણય લેવાને બદલે પરિસ્થિતિનો બુદ્ધિપૂર્વક સામનો કરે છે અને પોતાના તથા પોતાના સંબંધિત લોકોના જીવનને રાહત આપવા માટે પ્રયત્ન કરે છે. લેખિકાના જીવનદર્શનમાં સમાજ અને માનવીય સંબંધોનું ઊંડું અવલોકન જોવા મળે છે. તેઓ સ્વીકારે છે કે તેમની દુનિયા સીમિત છે, પરંતુ તે સીમિતતામાંથી તેમને અસીમ અનુભવો પ્રાપ્ત થયા છે. આ દર્શન તેમની વાર્તાઓને એક વિશિષ્ટ ગહેરાઈ અને અર્થ આપે છે, જ્યાં નાનામાં નાની ઘટના પણ મોટા જીવન સત્યને પ્રગટ કરે છે. આંતરધર્મીય કે આંતરજ્ઞાતીય લગ્નો અને ધર્માંતરણ જેવી સામાજિક વાસ્તવિકતાઓને પણ તેઓ પોતાની વાર્તાઓમાં સચોટપણે પ્રતિબિંબિત કરે છે. તેમનો આ વિષય પ્રત્યેનો અભિગમ અત્યંત સંવેદનશીલ રહ્યો છે. તેઓ ફક્ત પ્રેમ સંબંધોની રોમેન્ટિક બાજુને જ નહીં, પરંતુ આવાં લગ્નો કે ધર્માંતરને કારણે સ્ત્રીપાત્રોને સામાજિક, કૌટુંબિક અને માનસિક સ્તરે જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેને પણ ઊંડાણપૂર્વક દર્શાવે છે. તેમની વાર્તાઓમાં, આંતરધર્મીય/આંતરજ્ઞાતીય લગ્નમાં ફસાયેલાં પાત્રો, ખાસ કરીને સ્ત્રીઓ, પડકારો સામે ઝૂકી જવાને બદલે આત્મસન્માન અને સ્વત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. તેમનાં પાત્રોમાં દલિત, આદિવાસી, બ્રાહ્મણ વણિક, ખેતમજૂર ખેડૂત સરકારી નોકરિયાત પોતાનો બિઝનેસ કરતાં, ગામડાનાં, શહેરનાં ઉચ્ચ મધ્યમવર્ગ નિમ્ન મધ્યમ વર્ગ હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ આદિ બધા જ પ્રકારનાં પાત્રો છે. આ બધામાં સ્ત્રી તો સ્ત્રી જ છે. એની સંવેદના એટલે નારી અસ્મિતા. વંદના શાંતુઈન્દુ માને છે કે વિજ્ઞાનની દરેક શોધ પહેલાં કોઈ સાહિત્યિક લેખકની કલ્પના હતી અને લેખકના વિચારો જ સમાજમાં પરિવર્તન લાવે છે. આ દૃષ્ટિકોણ તેમના સર્જનને ફક્ત કલા ખાતર કલા નહીં, પરંતુ સમાજ પરિવર્તનના એક માધ્યમ તરીકે સ્થાપિત કરે છે. વંદના શાંતુઈન્દુ એવાં સંવેદનશીલ અને સભાન સર્જક છે જે સમાજને જોડવામાં રસ ધરાવે છે. તેમની વાર્તાઓ માત્ર મનોરંજન પૂરું પાડતી નથી, પરંતુ વાચકને વિચારવા મજબૂર કરે છે અને સમાજ પ્રત્યે સંવેદનશીલતા કેળવવા પ્રેરણા આપે છે. ગુજરાતી ટૂંકી વાર્તાના વર્તમાન પ્રવાહમાં તેમનો ફાળો મૂલ્યવાન છે અને તેમની કૃતિઓ આવતીકાલનો ઇતિહાસ બની શકે છે. તેઓ વાર્તાના પ્રેમમાં છે, અને તેમને લખવું ગમે છે – આ ગમવું તેમના સર્જનમાં સ્પષ્ટપણે વર્તાય છે, જે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવે છે.

દીપક ભાનુશંકર ભટ્ટ
આસિસ્ટન્ટ પ્રોફેસર,
ગુજરાતી અધ્યયન વિભાગ,
ભાષા સાહિત્ય અને સંસ્કૃતિ અધ્યયન સંસ્થાન,
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય
મો. ૯૩૭૪૯૬૪૩૦૬
Email: deepak.bhatt@cugac.in; drdeepakbhatt@gmail.com