ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વલ્લભ નાંઢા
અનિલ વ્યાસ
બે નવલકથાઓ, સવાસોથી વધુ વાર્તાઓ, આત્મકથાનાત્મક લખાણ અને નિબંધ લખનાર વાર્તાકારશ્રી વલ્લભ નાંઢા ડાયસ્પોરાના લોકપ્રિય સર્જક છે. એમનો જન્મ સૌરાષ્ટ્રના કુતિયાણા ગામે ૦૮.૦૩.૧૯૩૮માં થયો. ૧૯૪૯માં એ ભારત છોડી ટાન્ઝાનિયા, આફ્રિકા જઈને વસ્યા. પ્રાથમિક શિક્ષણ મ્વાંઝાની ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં થયું હતું. સિનિયર કેમ્બ્રિજ અને રાષ્ટ્રભાષા કોવિદ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી આફ્રિકામાં જ એ મગુની ધ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ, અને નાનકચંદ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૬૪થી ૧૯૬૯ સુધી લેઈક પ્રાયમરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવવા સાથે તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના માસિક ‘યોગી પ્રકાશ’ના તંત્રી તરીકે પણ કામગીરી બજાવતા હતા. થોડો સમય રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચારકનો કાર્યભાર સંભાળ્યો હતો. ૧૯૫૮માં તેમની પ્રથમ વાર્તા ‘ભણેલી વહુ’ કૅન્યાથી પ્રગટ થતાં ‘શોભા’ નામના સામયિકમાં પ્રગટ થઈ. એ પછી ૧૯૫૮થી ૧૯૬૯ દરમ્યાન ‘ક્ષેત્ર સંન્યાસ’, ‘સુધા’ જેવી થોડી વાર્તાઓ લખાઈ, જે આફ્રિકાના ‘શોભા’, ‘જાગૃતિ’ અને ‘આફ્રિકા સમાચાર’ જેવાં સુખ્યાત સામયિકોમાં પ્રસિદ્ધ થઈ હતી. આફ્રિકાના ટાંઝાનિયામાં બદલાયેલા શૈક્ષણિક ઢાંચાને કારણે પરિસ્થિતિવશ વલ્લભ નાંઢા પણ આફ્રિકા છોડી ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયા. ઇંગ્લૅન્ડમાં એમણે બસ કંડક્ટર, રેલ્વે બુકિંગ ક્લાર્ક અને પોસ્ટ ઑફિસમાં –એમ વિવિધ ફરજો બજાવી હતી. ઇંગ્લૅન્ડ વસવાટ દરમિયાન મોટે ભાગે જીવનનિર્વાહ અને કૌટુંબિક જવાબદારીઓ હેઠળ સાહિત્ય સર્જન અટક્યું હોવાનું દેખાય છે. જોકે વલ્લભ નાંઢા નોંધે છે એમ, બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીની બેઠકોમાં નિયમિત હાજરી અને સાહિત્યકારોના સંપર્કથી સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ પુનઃ શરૂ થઈ. એ ગાળામાં એમની વાર્તાઓ લંડનથી પ્રગટ થતા ‘ગરવી ગુજરાત’, ‘ગુજરાત સમાચાર’ અને લેસ્ટરથી પ્રગટ થતા ‘નવ બ્રિટન’ અને મુંબઈથી પ્રગટ થતા ‘સવિતા’ અને ‘વર્ષાંક’ જેવાં સામયિકમાં પ્રગટ થતી હતી. વાર્તાકાર મધુ રાય એમને માટે લખે છે, ‘વલ્લભ નાંઢાની ડાયસ્પોરિક વાર્તાસૃષ્ટિ વિવિધ તરેહોમાં વહે છે. પ્રણયકથાઓ, પ્રણયત્રિકોણ, સામાજિક-સાંસ્કૃતિગત સવલતો, વિષમતાની વાર્તાઓ, ગુનાહિત માનસ, ગુનો અને દુરિતની વાર્તાઓ, તો સામે પક્ષે જીવનમૂલ્ય અને પ્રામાણિકતાની વાર્તાઓ એમ વિવિધ વિષયોમાં એમની વાર્તાઓ વિહરે છે. વાર્તાકાર તરીકે શ્રી વલ્લભભાઈનો વિકાસ ઉલ્લેખનીય છે. ટૂંકી વાર્તાના આધુનિક વાર્તાના ચર્ચિત સમયગાળામાં પણ વલ્લભભાઈ પાસેથી કોઈ આધુનિક પ્રકારની વાર્તાઓ મળતી નથી. હા, અનુઆધુનિક સમયગાળામાં જ્યારે વાર્તાનું વળું બદલાયું હતું ત્યારે વલ્લભ નાંઢા પોતીકી રીતે સતત સર્જન કરતા રહ્યા હતા. વલ્લભભાઈ સતત લખતા રહ્યા છે. તેમની પાસેથી નવલકથાઓ ઉપરાંત ‘પાગલ’ (૧૯૯૧), ‘કોનાવા’ (૧૯૯૪), ‘ઝંખના’ (૧૯૯૭), ‘શિમોન’ (૧૯૯૯), ‘વધામણી’ (૨૦૦૧), ‘પરી ક્યા ચીજ હૈ’ (૨૦૦૪), ‘લટીશીયા’ (૨૦૧૪) અને ‘આયેશા’ (૨૦૨૨) એમ આઠ વાર્તાસંગ્રહ મળ્યા છે, જેની વાર્તાઓમાંથી પસાર થતાં વલ્લભભાઈનો વાર્તાકાર તરીકેનો વિકાસ તારવી શકાય છે. વલ્લભ નાંઢાને એમના વિવિધ દેશોના વસવાટને કારણે અલગ અલગ સંસ્કૃતિઓનો પરિચય સુપેરે થયો છે અને એ ડાયસ્પોરાના અનુભવે સજાગ નિરીક્ષણ પરીક્ષણ અને સાંસ્કૃતિક ઘડતરનો લાભ મળ્યો છે. વિભિન્ન દેશોનાં વિવિધ સમાજજીવન, મૂલ્યો અને મનુષ્યની વર્તણૂક તપાસ, એના બદલાતા કે વિકસતા દૃષ્ટિબિંદુના અવલોકનનો લાભ મળ્યો છે. એમની વાર્તાકળા પ્રત્યેની પ્રતિબદ્ધતા એક હકારાત્મક સુયોગ સાધી વાર્તાની કલા ડગ માંડે છે. વિવિધ પરિવેશના સર્જનાત્મક આકલનથી તેમની વાર્તાકળા વિકસે છે. વલ્લભભાઈના વાર્તાસંગ્રહોમાંથી પસાર થતાં જોઈ શકાય કે એમણે ૨૨ પૂર્ણ ડાયસ્પોરિક કહી શકાય એવી વાર્તાઓ આપી છે આફ્રિકાના પૃષ્ઠ અને પરિવેશને વણીને લખાયેલી વાર્તાઓ ૨૧ જેટલી છે, જ્યારે સંપૂર્ણપણે ભારતીય કહી શકાય એવી ૩૯ વાર્તાઓ મળે છે ને પરિવેશ વિદેશી પણ વાર્તા ગુજરાતી હોય એવી ૫૩ જેટલી વાર્તાઓ મળે છે. એમની પહેલી વાર્તા ‘ભણેલી વહુ’ એમણે ‘કાશીનું મરણ’ નામે ફરીથી લખી છે. જ્યારે આધુનિક વાર્તા લખવી વાર્તાકારોની પસંદગી હતી, અને એવું વાતાવરણ રચાયું હતું કે ઘટનાના ભારથી વાર્તા દબાય છે, ઘટનાલોપ કે ઘટનાનું તિરોધાન ગર્વભેર ગવાતું એ સમયગાળા દરમ્યાન પણ વલ્લભભાઈ તો પરંપરાગત વાર્તાકળાને જ વર્યા હતા. જોકે, એમણે બેએક વાર્તાઓ આધુનિક શૈલીની આપવાનો પ્રયત્ન કર્યો છે પણ એમાંય ઘટનાનો તાણોવાણો ચુકાયો નથી. ‘કાયર’, ‘કારણ કે’ જેવી વાર્તાઓમાં આ તત્ત્વ નજરે પડે છે. એમની વાર્તાકળાને જોતાં સમાજની અવળચંડાઈનો ભોગ બનેલા ગુનાહિત માનસનો ઓછો ધરાવતા કુલીન, શાલીન, સ્વાર્થપટુ અને લાલચુ મનુષ્યનાં પાત્રો તેમની ટૂંકીવાર્તામાં એક કલાત્મક માવજત પામે છે. ‘માગણ’, ‘પરી ક્યા ચીજ હૈ’, ‘ખેપાની ગોધો’ જેવી વાર્તાઓ એનાં ઉદાહરણ ગણી શકાય. નારીહૃદયની સંકુલતાને વાચા આપતી વાર્તાઓ ‘પ્રિય સુમિત્રા’, ‘સગુણા’, ‘એક હજાર વિલ્મા’, ‘યુ સેવ્ડ માય લાઇફ’ વગેરે છે. ‘સગુણા’ વાર્તામાં મનોવાંછિત પુરુષના સહવાસની અધૂરી રહી ગયેલી લાલસા કે પ્રેમ – પાછલી ઉંમરે કોઈ બીજા યુવાન થકી મેળવવાના પ્રયાસ વખતે જ અચાનક જાગૃત થતી સંતાન પ્રાપ્તિની ઇચ્છા એક સાવ જુદી રીતે રજૂ થાય છે. પરિવેશ વર્ણનની ક્ષમતા, સંવાદકળા અને પરિસ્થિતિનું નિરૂપણ અને ગૂંથણી એમને સહજસાધ્ય છે. જેમ કે ‘ભાયડો’ વાર્તામાં સંસ્કારી હોવાનો દંભ કરતો પતિ ડૉક્ટરના ગયા પછી “એમ તારે ગામમાં મારો ભવાડો કરવો છે? ડૉક્ટરને ય ખબર પડી જાય કે તારું મન પ્રફુલ્લ નથી એમ? એમણે દાંત કચકચાવી ચીંટીયો ભર્યો, એમના ચીંટિયાથી લાલચોળ ચાંભા થઈ આવ્યાં. અને મારી આંખમાં આંસુ આવી ગયાં ત્યારે સહેજ વ્હાલનો દેખાવ કરીને કહેવા લાગ્યા, જો હું ગુસ્સે થાઉં તો તારે ખરાબ લગાડવું નહીં, સમજી. આપણે તો ફેમિલી કહેવાઈએ. તારે સહનશીલ થવું જોઈએ.” એક બીજું ઉદાહરણ : “અરીસામાં તારો થોબડો તો જો! તને હજાર વાર કહ્યું હશે કે ઊઠતાંની સાથે અરીસામાં જો અને ચાંદલો કર પણ એને માટે ધણી ઉપર પ્રેમ જોઈએ પ્રેમ! પરીકથામાં રાજપુત્રનો પ્રાણ એકાદ વીંટી કે લોકેટમાં હોય છે. મને થઈ આવ્યું કે એમનો પ્રાણ જાણે મારા કપાળના કંકુમાં અને મંગળસૂત્રમાં છે. મને થયું કે આ મંગળસૂત્ર તોડીને ફેંકી દઉં અને અજાણતાં ભૂંસાઈ ગયેલ કંકુ ફરી ક્યારેય લગાડું જ નહીં!” કેટલાંક વર્ણનો અદ્ભુત છે પણ એ વર્ણનશક્તિ સાથેસાથે એક લાક્ષણિકતા પણ નજરે ચડે છે કે એમની વાર્તાની કથનશૈલી પર જાણીતા વાર્તાકાર શ્રી મધુ રાયની શૈલીની અસર. ‘અકસ્માત’, ‘દિલ કે તરાને’, ‘બોડી લેંગ્વેજ’, ‘આયેશા’, ‘જોડી તૂટે તો શું થાય?’, ‘ઝંખના’ અને ‘પરી ક્યા ચીઝ હૈ’ વાર્તાઓમાં આ તપાસવા જેવું છે. કૌટુંબિક સંદર્ભમાં માનવસંબંધો નિરૂપવાની એમને ફાવટ છે. પરિવારને સાંપ્રત સમાજમાં રાખીને નિરૂપતા સંજોગોથી વાર્તા રચાતી આવે છે રોજબરોજના વ્યવહારોમાંથી સંવાદો પ્રગટે અને મનુષ્યનાં વિવિધ પાસાઓ યાતના, પીડા, સુખનો અનુભવ કરવો, જાતિ વૃદ્ધિની અલગ અલગ લાગણી, વર્તન ફેન્ટસી સુંદર રીતે નિરૂપાય છે જેમ કે ‘સ્વપ્નસેવી’, ‘કોનાવા’, ‘૧૦૦ પાઉન્ડ’, ‘સગુણા’, ‘પણ અલ્પાનું શું?’, ‘કારીગર’ અને ‘પ્રિય સુમિત્રા’. આગળ કહ્યું એમ આકસ્મિક અંત. વાર્તાને અંતે આવતી ચોટ વલ્લભભાઈને આકર્ષે છે. વાચકને ઝાટકો આપવો જોઈએ પણ ચોંકાવીને કે વાર્તાને બિનોપકારક થાય એવી રીતે નહીં. એમની કેટલીક વાર્તાઓ આકસ્મિક અંત અને ચમત્કૃતિના આગ્રહમાં માત્ર ચમત્કૃતિ સુધી જ રહી જાય છે અને કશું કલાત્મક નિરૂપણ પ્રગટતું નથી. જેમ કે ‘ખેપાની ગોધો’, ‘પ્રિય સુમિત્રા’, ‘આયેશા’, ‘હેલોવીનનો હાથ’, ‘મફતલાલના છીંકોટા’, ‘નાટકનો સીન’ અને ‘વધામણી’. વિગતે તપાસીએ તો ‘ત્રીજો આઘાત’ વાર્તામાં અંતે ખાધું પીધું ને રાજ કર્યુંનો અપાયેલો ત્રીજો આઘાત, મુખ્યપાત્રના જીવનમાં આવેલા અગાઉના આઘાતથી સાવ નોખો છે. સમગ્ર વાર્તામાં વણાતું આવતું કારુણ્ય અંતે પલટો મારે છે. આ પલટો ચોંકાવનારો છે પણ એથી વાર્તાકલાને હાનિ પહોંચી છે, એવું અનુભવાય છે. એવી જ રીતે ‘આઘાત-પ્રત્યાઘાત’ વાર્તાને અંતે નાયિકાને કૅન્સર થવાની વાત સહેજ વધુ પડતી આકરી રીતે કહેવાઈ છે. અંતે ચોટ આપવાના પ્રયાસમાં સમગ્ર વાર્તામાં પ્રેમની જે પ્રતિબદ્ધતા નિરૂપાઈ છે એને તોડે છે. બિભત્સ આલેખન ભાવકને ચોંકાવવા સાથે વિહ્વળ બનાવી મૂકે છે. હા, વાર્તાને છેડે આવતો અચાનક આઘાત ભાવકને સુખરૂપ લાગે એવી વાર્તાઓના ઉદાહરણ રૂપે ‘બોડી લેંગ્વેજ’, ‘કારણ કે’, ‘આઘાત-પ્રત્યાઘાત’, ‘પાગલ’, ‘ગોળ ધાણા’, ‘છુટકારો’, ‘ખેપાની ગોધો’, ‘પરી ક્યા ચીજ હૈ’, ‘માગણ’ અને ‘કાશીમાં મરણ’ જેવી વાર્તાઓ નોંધવા યોગ્ય છે. સાંપ્રત વાર્તાકારોને જેમાં સહેજ ઓછો રસ પડે છે એવી ભૂતકથાઓ એમણે ખાસી લખી છે. કથન, અને કથનની રીત એકમેકમાં ભળે એવા આસ્વાદક ગદ્યમાં લખાયેલી ભૂતકથાઓમાં એમની ‘બંધ ઓરડો’, ‘ખંડિયેર’, ‘સહવાસ એક રાતનો’, ‘શ્રદ્ધાનો વિષય’, ‘મેગ્નોલિયા’ અને ‘રાતવાસો’ સુપેરે રચાયેલી ભૂતકથાઓ છે. એમની પ્રણયકથાઓમાં ‘આઘાત-પ્રત્યાઘાત’, ‘અજાણ્યો ચહેરો’, ‘વિંધાણું ઈ મોતી’, ‘દિલકે તરાને’ પણ સરસ રીતે લખાયેલી છે. એમણે માત્ર પૈસો અને શારીરિક સુખના મોહમાં રાચતી યુવતીની વાત કરી છે ત્યારે ભાવકને એક ક્ષણ અલ્પા પર ધિક્કાર કે ઘૃણા જન્મે. ‘પણ અલ્પાનું શું?’ વાર્તાના સંવાદ જુઓ, “અલ્પા, તું કોઈ શેઠિયાના દીકરા સાથે લગ્ન કરવા માગે છે પણ એવો છોકરો તને મળશે તોયે હૅન્ડસમ નહીં હોય. નકર તે અત્યાર સુધી કુંવારો રહે?” ‘તો હું શું કરું...?’ અલ્પાએ કહ્યું, ‘તો મને શ્રીમંત પતિ મળે?’ ‘છોકરી, પૈસા પૈસાને ઠેકાણે છે, પૈસાની જરૂર નથી એમ નથી કહેતી. પણ પૈસા કમાઈ લેવાય, અને અચાનક ગુમાવી પણ દેવાય.’ ‘મને ખબર છે, તને સેક્સની ઘેલછા છે!’ અલ્પા હસવા લાગી. ‘ગરીબ હોય કે પૈસાદાર, જો વરમાં પાણી ના હોય તો જન્મારો ફોગટ જાય, મૂરખી!’ હેમાએ ડાબી ભમ્મર સહેજ ફરકાવી. ‘એટલામાં સમજી જા!’ વાર્તામાં અલ્પા શ્રીમંત વર શોધે છે, અને એની બહેનપણી તેને સમજાવે છે કે પૈસા કરતાં સેક્સ વધુ અગત્યની છે. વાર્તાકાર એ ચતુરાઈથી વાર્તાનાં પાત્રોને ચક્કર–ભમ્મર ફેરવી અલ્પાને શ્રીમંત પતિ પણ અપાવે છે, સેક્સી પ્રેમી પણ અપાવે છે, અને હસીને વાચકને એક ઓચિંતો ઘુમ્મો પણ મારે છે વાંસે, જા, મજા કર!’ (મધુ રાય) અમુક વાર્તાનાં પાત્રો અને વાતાવરણ ભારતીય હોવા છતાં ભૌતિકવાદ અને આધુનિક જીવનમૂલ્યોની પોકળતા સાથે કૃતક પ્રેમની અભિવ્યક્તિ રચી આપે છે. એમની ‘બિગડે દિલ શેહજાદે’ વાર્તાનાયકનાં બદલાયેલાં વલણ અને વૈર-વૃત્તિની એક પરત નીચે ચાલતી કરુણ પ્રેમગાથા છે. તો ‘ખેપાની ગોધો’માં બળવંત જાની નોંધે છે એમ વીસમી સદીના ઉત્તરાર્ધથી વધતી રહેલી સ્વકેન્દ્રિતા, દંભાચાર, અનીતિ, અને ભોક્તાવાદના નિમિત્તે સાંસ્કૃતિક વિપર્યાસોનું જે વિશ્વ આકાર લઈ રહ્યું છે તે આ વાર્તાનો મુખ્ય ધ્વનિ બની રહે છે. તો ‘ત્રીજો આઘાત’માં આકસ્મિક મળતાં જીવન આનંદની વાત છે. વલ્લભભાઈની કેટલીક મને પસંદ પડેલી વાર્તાઓમાંની એક છે ‘ઇલિંગ રોડ પર ચોરી’. આ વાર્તામાં માણસની સાહજિક દુરિત વૃત્તિને સહેજ રમૂજના લહેજામાં પણ ખૂબ જ કુશળતાથી વ્યક્ત કરવામાં આવી છે. વિધવિધ પ્રકારની નાનકડી ચોરીઓ કરી શરીફ હોવાનો દંભ કરતા, ઝઘડતા માણસોની વાત વલ્લભભાઈ વાચકને કહે છે પણ પેલી ખરી ચોરી તો ગિરધરલાલના મનમાં છે. એ ચોરી સર્જકે ક્યાંય ખુલ્લા બનીને નિરૂપી નથી પણ ઇંગિતો આપી જે રીતે વ્યંજનાપૂર્વક વાત મૂકી આપી છે ને ભાવકને પૂછ્યું છે ચોરી કરવાની એક મજા છે કાં? આ સર્જકને જે કહેવું છે એ સાવ અનોખી રીતે કહેવાયું છે. એમની રચનારીતિથી કલાકીય કૃતિ બનતી બીજી વાર્તા છે ‘મૃગતૃષ્ણા’. આ વાર્તામાં પુનરાવર્તન થકી આવતો અંત ને એમાંથી પ્રગટતી વ્યંજના વાર્તાને એક નવું જ પરિમાણ આપે છે. વલ્લભભાઈ બહુ જ સાદી રીતે સરળ બાનીમાં વાત કહે છે. પણ એમનું કથન અને કથનની રીત એકમેકમાં સુમેળ કરાવે છે. સંવાદોમાં બોલચાલની ભાષા અને વિદ્વત્તા કે લલિત ગદ્યના મોહમાં પડ્યા વગર એ કલાત્મક વાર્તા રચે છે. વાર્તાકાર બધું ઝીણી નજરે તપાસી તમારી સામે એ રીતે રજૂ કરે છે કે બધું તાદૃશ્ય થાય. ઉદાહરણરૂપ ‘અધૂરો સંગમ’ વાર્તાનું આ વર્ણન... ‘દસકાઓ પહેલાં સરમુખત્યાર ઈદી અમીને જ્યારે યુગાંડામાંથી એશિયનોની હકાલપટ્ટી કરી ત્યારે નંદનવન સરખા એ દેશ સાથેની માયા-મમતાના વાઘા એકાએક ઉતારી નાખી, એ દેશની ભૂમિ પરથી દેરા-તંબુ વીંટી લેતાં સૌનાં દિલમાં ગભરાટ હતો. એશિયન વસાહત ઊંડી ચિંતામાં પડી ગઈ હતી, પરિવારો તૂટવા લાગ્યા હતા. સમાજ આખો વેરવિખેર થઈ રહ્યો હતો. જેને જેમ સૂઝ્યું તેમ દરેક તેની આવડત મુજબ વહેલી તકે દેશ છોડી જવાની વેતરણમાં હતું. કેટલાંકે યુરોપનાં પ્લેન પકડ્યાં, તો કેટલાંકે અમેરિકાનાં! પરંતુ જેઓ એ દેશના નાગરિક બન્યા હતા તેમની સ્થિતિ કફોડી બની હતી. એમની પાસે દેશ છોડવાનો કોઈ વિકલ્પ નહોતો રહ્યો.’ એમની બીજી વાર્તા ‘ચામડીનો રંગ’માં વાર્તાકાર રંગભેદના કારણે થતા અન્યાયની વાત કહેતાં કહેતાં ન્યાય ન કરવાની વૃત્તિ અને વલણ સહેજે ય મુખર થયા સિવાય સ્પષ્ટ કરી આપે છે. સાથેસાથે એક વિશેષ પ્રજાસમૂહની દોગલી, પ્રદેશવાદની આળપંપાળભરી નીતિ, અને ઢાંકપિછોડા ખુલ્લા કરી આપે છે. તો ‘પરી ક્યા ચીજ હૈ’માં સુમનભાઈ અને સુમિત્રાબહેનનાં દુઃખ અને વ્યથાનો એ જ રીતે રમતરમતમાં ભાવકને અનુભવ કરાવે છે. વલ્લભ નાંઢાના સર્જનમાં વિલાયતી જીવનથી આવતાં કૌટુંબિક પરિવર્તનો, રાજકીય સામાજિક વાતાવરણ અને ઇંગ્લૅન્ડના આધુનિક સમાજનું નિરૂપણ તો જોવા મળે પણ ‘ઇશ્કની ગુલામી’, ‘કોનાવા’, ‘સ્મરણ-મંજૂષા’ જેવી વાર્તાઓમાં એમના આફ્રિકાના વસવાટ અને અનુભવોનો વારસો પણ અનુભવવા મળે છે. વલ્લભભાઈ પ્રજાજીવન અને માણસની આંતરિક વૃત્તિઓના પારખુ છે. એમણે માનવ-સ્વભાવનાં વિવિધ પાસાંઓ ઉજાગર કરી વિશિષ્ટ વાર્તાઓ આપી છે. ઑફિસ જીવન અને સાથી મિત્રોની ચાલાકીની વાતો તો ગુનો અને ગુનાખોરોની વાર્તા, ના ગુનાખોરી નહિ. સદ્ અને અસદ્ના સંઘર્ષમાં સર્જકને રસ પડે છે. સંસ્કૃતિગત કે સ્વભાવગત દૂષણો વિકસતાં મનુષ્યમાં આવતાં પરિવર્તનો અને સરળતાથી બધું પામી લેવાની લાલચને લીધે વિકસતી વિષમતા અને વર્તણૂકને બહુ ઝીણવટથી તપાસે છે. ‘જોડી તૂટે તો શું થાય?’, ‘ત્રણ પત્તાંનો જુગાર’, ‘ભણેલી વહુ’ અને ‘કાશીમાં મરણ’, ‘કાનોકાન’, ‘માદળિયું’ જેવી વાર્તાઓમાં માણસની લાલચ, લોભ અને દુરિત વૃત્તિનું સરસ આલેખન જોવા મળે છે. તો સામે છેડે નીતિમત્તા અને પ્રામાણિક જીવન જીવવાના સંતોષ અને દુરિતને સમર્પણભાવથી લેતાં સજ્જનોની કથા પણ લેખક સુચારુ માંડે છે. એમની ‘શારદા મંદિર’ના નાયકનો સિસ્ટમ અને ભ્રષ્ટાચાર સામેનો તીવ્ર આક્રોશ વાચકને સ્તબ્ધ કરી મૂકે છે. ‘કોનાવા’માં સાવ અજાણ્યા દ્વારા મળતી સહાય અને એ સફેદ ખમીસ અને વાદળી પાટલૂન પહેરેલો, કલમે અકાળે ધોળા થતા વાળ, ગાલ પાસે એક તલ અને જમણી ભમ્મર પર એક કાપાના નિશાનવાળો દકુભાઈ... કોણ દકુભાઈ, નથી ગામ કે નથી માણસ – ને વર્ષો વીત્યે મળે છે ત્યારે એક વાત, સારા કામની શરૂઆત કોકે તો કરવી જોયે. અસદ્ પર સદ્નો વિજય. ભૂતકથા લાગતી વાર્તા ‘બારીના કાચમાં દેખાતો ચહેરો’માં સુંદર રીતે નિરૂપાઈ છે. ‘હરિના લાલ’ વાર્તામાં ગાંધીજીની સમગ્ર શીખ એક શબ્દ બોલાયા સિવાય મુકાયેલી દેખાય છે. શરૂથી અંત સુધી એક સરખું દોડતું રસનિરૂપણ સર્જકની સિદ્ધિ છે. કથાપ્રવાહ એવો કે ભાવક ખેંચાતો જાય. એમને કલા પીરસવી છે એમ જ સાદગીથી. અનુભવ કે અનુભૂતિકરણનું વાર્તામાં રૂપાંતર ખાસો કસબ માંગી લે છે. વાર્તાકાર કિરીટ દૂધાત કહે છે : ‘કથાકારે પોતાના સર્જન પાછળ ખુદને એવી રીતે છુપાવી દેવો જોઈએ કે જેવી રીતે ઈશ્વર આ સૃષ્ટિમાં છુપાયો છે.’ એમણે શૈલીના વિવિધ પ્રયોગો પણ કર્યા છે. પત્રશૈલી; પાત્રો દ્વારા નહિ, પણ પાત્રોની ગાથામાંથી વાર્તા કહેવાની પદ્ધતિ. એમણે ‘રિવર્સ ટેલીપથી’ લખી છે. તો લોકકથાની શૈલીમાં માંડી છે ‘ઘરડાં ગાડાં વાળે!’. ભારત અને ગુજરાતથી આફ્રિકા જઈ વસેલા અને ત્યાંથી ઇંગ્લૅન્ડ સ્થાપિત થયેલા કે સીધા ઇંગ્લૅન્ડ આવી વસેલા માનવીઓની વાર્તાઓ કેન્દ્રમાં છે. અહીંના સમાજજીવન અને ભારતીય કુટુંબો અહીં વસ્યા પછી કઈ સમસ્યાઓ અને વાતાવરણનો સામનો કરે છે એવી એકાધિક વાર્તાઓ આપી છે. વિદેશ વસવાટ ને તળ ગુજરાતમાં મન એવા આંતરિક સહઅસ્તિત્વની લાચારી કે વેદના એમના સર્જનનું ભાથું છે. એથી વિપરીત વધતા જતા ભૌતિકવાદ, સ્વાર્થી રહન-સહન શૈલી, અને ભોગવાદી જીવનની બેફિકરાઈથી નિપજતાં પરિણામો. પાશ્ચાત્ય મોહમાં તણાતા યુવાનોની લથડતી – નિષ્ફળ બની જતી જિંદગીની વાર્તાઓ ‘રેતીનો મહેલ’, ‘રેખા રેખા’, ‘ભાગીદાર’, ‘ત્રીજી દુર્ઘટના’, ‘આશરો’, ‘વધામણી’. વાર્તાકાર વાર્તા તો સમાજમાંથી જ લખે છે. રસ્તા પર થતી નાનકડી બોલાચાલી આપણું કેવું ધ્યાન ખેંચે છે! તો આસપાસ બનતી ઘટનાઓ તો ન આકર્ષે તો જ નવાઈ. ‘ખમીર’ વાર્તામાં સંઘર્ષ અને સમાજને ઉપયોગી કાર્યમય જિવાતા જીવનની ગાથા છે. વિષમતામાંથી પણ વિશિષ્ટતા સર્જી શકાય છે, એ કેવી સાવ સાદી રીતે કહેવાયું છે? ‘ત્રીજી દુર્ઘટના’, ‘રેતીનો મહેલ’, ‘ઝંખના’ સ્ત્રી પુરુષના સંબંધોની બેવફાઈની વાત કરે છે. તો ‘ભાગીદાર’, ‘રેખા રેખા’ અને ‘વધામણી’ વાર્તાઓમાં સંયુક્ત કુટુંબમાં વડીલોના શોષણ કે અવહેલનાનું નિરૂપણ થયું છે. સુંદર કૃતિ બનવાની શક્યતા ધરાવતી કેટલીક વાર્તાઓ જાણે એમ જ મુકાઈ ગઈ. વલ્લભભાઈ પ્રણય નિરૂપણ સરસ રીતે કરે છે. વળી, સેક્સની વાત લખે છે ત્યારે પૂરા આદમીય જોશથી આલેખે છે. પણ શાંત સરળ વહેતા પ્રેમના વહેણને એ ઠેકી જાય છે. એમની વાર્તા ‘ઋણનો બદલો’ અને ‘હિજરાતાં હૈયાં’(બે ઉદાહરણ બસ થશે.)માં આ ધીરે વહેતો કરુણ અને પ્રેમની મધ્ધિમ ફુઆર અનુભવાયા છે. પણ ક્યાંક કચાશ રહી ગઈ છે એમ અનુભવાય છે. વળી કેટલીક વાર્તાઓ ઉતાવળે લખાયાનું અનુભવાય છે. ‘ઢીમણું’, ‘સુફોન કોની?’, ‘અધિકાર’, ‘ખૂની’, ‘દિલકે તરાને’ વાંચતાં સહેજ ખટકો જાગે છે. જાણે-અજાણે વણાઈ આવતા અંગ્રેજી ભાષાના શબ્દો વણાતા રહે એ કદાચ ડાયસ્પોરાનું આ એક અનિવાર્ય દૂષણ હશે? કોઈ ધાર્મિક મૅગેઝિન માટે લખી હોય એવી એક બે વાર્તાઓ પણ મળી આવે છે જેમ કે ‘આઇ ખોડિયાર’, ‘આયખાનું સોણું.’ અંતે બે મુદ્દા નોંધીએ... નારીસંવેદન સમગ્ર વિશ્વમાં એકસરખું હોવાનું, પણ વિદેશી વાતાવરણમાં ભારતીય મૂળના સંસ્કારોનો આગ્રહ રાખી જિવાતા જીવનને કારણે સામાજિક વૈયક્તિક સમસ્યાઓ, ઉદ્ભવતા પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન એમની અગ્રતા ક્રમે જોવા મળે છે. વલ્લભભાઈની વાર્તાઓ વિષયની દૃષ્ટિએ વિશાળ ફલક ખેડતી નથી. મોટાભાગની વાર્તાઓના ક્ષેત્રમાં લગ્નસંબંધ, વિદેશ વસવાટથી દોરવાઈને પ્રગટતી માનસિકતા અને આફ્રિકન કે વિલાયતી પરિવેશની સમસ્યાઓનું નિરૂપણ મળે છે. વિલક્ષણ સ્થિતિમાં મુકાયેલાં પાત્રોનાં વાણી, વર્તન અને સંકુલ મનોવ્યાપારો તેમના રસના વિષયો છે સાહિત્યસર્જનનું સાંસ્કૃતિક દસ્તાવેજ લેખે મૂલ્ય છે એ સંદર્ભે વલ્લભ નાંઢાનું વાર્તાવિશ્વ નોંધપાત્ર જણાય છે.
હરખથી હસીને એ આંખોને મટકે!
પછી વાળ ભીનાં એ હળવેક ઝટકે!
ન કાજળ, ન બિંદી, ન કંગનની ખનખન.
નજર છે કે ખંજર? કરે વાર હટકે!
ન નજદીક જાઉં, રહું સાવ અળગો.
છતાં મન-મસ્તિકે, સદા એ જ ભટકે!
નજરથી હૃદય ને હૃદયથી નસોમાં,
કહો કોઈ એને હવે ક્યાંક અટકે!
હતો આમ તો હું અસલ વટનો કટકો,
અરેરે...! ઘવાયો ફક્ત એક લટકે.
અનિલ વ્યાસ
વાર્તાકાર,
યુ.કે. લંડન
મો. +૪૪ ૭૮૭૭૮ ૬૨૩૬૮