ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સુધીર દલાલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પરંપરા અને આધુનિક સમયને સંતુલિત
કરતા વાર્તાકાર સુધીર દલાલ

નીતા જોશી

GTVI Image 76 Sudhir Dalal.png

સુધીર રામપ્રસાદ દલાલ
જન્મ : ૨૩-૧૨-૧૯૩૩, અમદાવાદ
પત્ની : નીલા
સંતાન : સોનાલી, નેહા, વંદન
શિક્ષણ : શિશુવિહાર તથા સી. એન. વિદ્યાવિહાર – અમદાવાદ
૧૯૫૪/૫૬ – કેમેસ્ટ્રી ફિઝીક્સ વિષય સાથે બીએસ.સી.
ઉપરાંત એસોસિયેટશિપ ઑફ ટેક્સ્ટાઇલ ઇન્સ્ટિટ્યૂટ (A.T.I.) તથા એસોસિયેટશિપ ઑફ મેંચેસ્ટર કૉલેજ ઑફ સાયન્સ ઍન્ડ ટેક્‌નોલોજી (A.M.S.I.)
૧૯૫૬થી ૧૯૬૨ સુધી તેઓ કેલિકો મિલ, અમદાવાદમાં સેક્શન હેડ હતા. ૧૯૭૭-૭૮માં કેલિકો મિલમાં પરચેઝ મૅનેજર રહ્યા. એ પછી શ્રી અંબિકા મિલ્સ, અમદાવાદમાં જનરલ મૅનેજર તરીકે કામ કરી નિવૃત્ત થયા.
પ્રથમ વાર્તાસંગ્રહ – ‘વ્હાઈટ હોર્સ’ ૧૯૭૦માં પ્રકાશિત (પુનર્મુદ્રણ – ૨૦૨૩માં નવજીવન મુદ્રણાલય, અમદાવાદ)
બીજો વાર્તાસંગ્રહ – ‘રિટર્ન ટિકિટ’ (૨૦૦૨)માં ઇમેજ પ્રકાશન.
‘સુપ્રિયા’ – લઘુનવલ સ્વરૂપે ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ થઈ હતી.

સુધીર દલાલે જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના ‘લલિતકલા દર્શન’ ૧ નામના ૧૮મા ગ્રંથમાં વિદેશી ફિલ્મોનો ઇતિહાસ આલેખવા સાથે ભારતીય સિનેમા વિશેના લેખો પણ લખ્યા છે. અમેરિકા પ્રવાસ અંગે ‘બીજી બાજુ’ નામક લેખમાળા ‘નવનીત’માં ૧૯૭૫-૭૬માં છપાયેલી. સુધીર દલાલ ૧૯૭૦ના સમયના સક્ષમ વાર્તાકાર છે. ‘વ્હાઈટ હોર્સ’ વાર્તાસંગ્રહ અંતર્ગત વીસ વાર્તાઓ અને ૨૦૦૨માં પ્રકાશિત ‘રિટર્ન ટિકિટ’માં ત્રેવીસ વાર્તાઓ આપે છે. ‘વ્હાઈટ હોર્સ’ની પ્રથમ આવૃત્તિ શિવજી આશરે કરી છે. અને નવી આવૃત્તિ નવજીવન ટ્રસ્ટ, નવેમ્બર ૨૦૨૩માં કરે છે. જ્યારે બીજો વાર્તાસંગ્રહ ‘રિટર્ન ટિકિટ’ સુરેશ દલાલ (ઇમેજ પ્રકાશન) ૨૦૦૨માં કરે છે. એમણે લખેલી સૌ પ્રથમ વાર્તા રિટર્ન ટિકિટ જે બીજા વાર્તાસંગ્રહનું શીર્ષક છે. એમની વાર્તાઓનો મુખ્ય સૂર સામાજિક અને પારિવારિક છે. એમની ફિલ્મી કળાનો શોખ, ફ્લેશબૅક, કોલાજ, ચમત્કૃત અંત, રચનારીતિના સંદર્ભે વાંચી શકાય છે. એમની વાર્તાઓ પરંપરા અને આધુનિક સંદર્ભનો સુમેળ કરે છે. કેટલીક વાર્તા પ્રયોગશીલ પણ બને છે. ‘સુપ્રિયા’ વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક કાંતિભાઈ રાઠોડ ટૂંકી ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા પરંતુ કમનસીબે ફિલ્મ નિર્માણ પહેલાં જ એમનું નિધન થાય છે. સુધીર દલાલના વડનાના એટલે કે માતાના દાદા રાવ બહાદુર હરગોવિંદ કાંટાવાલા જે બ્રિટિશ ભારતના સાહિત્ય સર્જક રહ્યા છે. તેઓ પ્રમુખપદ માટેની ૧૯૧૯ની ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં તેમણે મહાત્મા ગાંધીને પરાજિત કરી અને પરિષદના છઠ્ઠા અધિવેશનમાં તેઓ અધ્યક્ષ બન્યા હતા. એ રીતે સુધીર દલાલ સાહિત્યના વારસદાર છે. ઇંગ્લૅન્ડમાં કૉલેજનો અભ્યાસ અને અમેરિકા પ્રવાસને કારણે એમની કેટલીક વાર્તામાં વિદેશી પરિવેશની અસર જોવા મળે છે. એમની ભાષા શિષ્ટ અને શહેરી છે. એકથી બે વાર્તાઓમાં તળપદી શબ્દોના લહેકા મૂકી પરિવેશ જુદો રચવાનો પ્રયાસ છે. મધ્યમ વર્ગ અને ઉચ્ચમધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખી વધારે વાર્તાઓ લખાઈ છે. દરિયાકાંઠાની આબોહવા, મિલો કારખાનાંઓ અને નગરીય બાગબગીચાઓનાં વર્ણનને સુંદર રીતે દૃશ્યસ્થ કરી શક્યા છે. એમનાં મોટા ભાગનાં પાત્રો અંત તરફ જતાં સુખની લાગણી કરાવે છે. એમનાં પાત્રો સહૃદયી અને ઋજુ છે. હૃદય પરિવર્તન થકી સારો સંદેશ આપનાર છે. દામ્પત્યજીવનની પ્રસન્નતા આલેખી જીવન માટેનો હકારાત્મક અભિગમ બતાવે છે. કુલ તેંતાલીસ વાર્તાઓ જે ૧૯૭૦ની આસપાસ લખાયેલી છે. એ સમયની શહેરી સંસ્કૃતિ અને મધ્યમવર્ગીય છબિ ઉપસાવવામાં લેખક સફળ રહ્યા છે.

GTVI Image 77 White Horse.png

‘આશાની ઢીંગલી’, ‘પછી’, ‘અનંત મુસાફરી’, ‘સુપ્રિયા’, ‘અપેક્ષા’, ‘વર્ષગાંઠની ભેટ’, ‘કાંકરિયાને બાંકડે’, ‘યાદ’, ‘હિલસ્ટેશન પર’, ‘અંધારપટ’, ‘સુધા’ જેવી વાર્તાઓ દામ્પત્યજીવનની આશા-નિરાશા, વિષાદ, અને પ્રસન્નતા વ્યક્ત કરતી વાર્તાઓ બની છે. ‘હડતાળ’ જેવી વાર્તાની અંદર કિશોર અવસ્થાનો પ્રેમ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ કેવી રીતે રસ્તો કાઢી લે છે એ દર્શાવે છે. ‘તમને સમજાય છે?’, ‘વ્હાઈટ હોર્સ’, ‘કબૂતરો, ‘૯૧૧/૧૭/૧૮૬૫/૩૩’, ‘અ લા હેમિંગ્વે’ જેવી વાર્તાઓ વિષયવૈવિધ્યની રીતે જુદી પડે છે. સંબંધોની આંટીઘૂંટી, ચાલાકી અને વફાદારીની ખરાઈ કરતી કેટલીક વાર્તાઓ ‘નહોર’, ‘પહેલી ટ્રીપ’, ‘રિટર્ન ટિકિટ’માં જોવા મળે છે. ‘આશાની ઢીંગલી’ વાર્તાનો સુંદર પરિવેશ એક ફિલ્મ માટે લખાયેલી વાર્તા જેવો બન્યો છે. જેમાં દરિયાકિનારો છે, કિનારે બંગલો છે અને સંતાન સુખથી વંચિત હોય એવું નિરાશ દંપતી હળવાશ માટે થોડા સમય માટે રહેવા આવ્યું છે. વાર્તાની શરૂઆત આવી છે...’ ઑગસ્ટ ૧૯૫૧માં દરિયાકિનારે એક બંગલો મેં ભાડે રાખ્યો. વળાંક વળતો દરિયાકિનારો અમારા લીલી કૉટેજ આગળ આવી અટકતો અને પછી પાછો અંદર વળાંક વળતો. લીલી કૉટેજ દરિયામાં થોડેક સુધી ઘૂસી જતી ભેખડ પર આવેલો હતો. એના વરંડામાં બેસી દરિયાનાં ઊછળતાં મોજાં, એનાં કેશવાળી શાં ફીણ, ચઢી આવતા વાદળાના પડછાયાની પાણી પર દોટ અને દૂર પડતા વરસાદથી બદલાતા પાણીની સપાટીના રંગો હું જોતો. ઉનાળાની વસ્તી ચાલી ગયા પછી દરિયાકાંઠાના તમામ બંગલાઓ ખાલી પડી જતા અને સસ્તામાં મળતા. વળી એ નિર્જનવાસ મને – મારી માનસિક સ્થિતિને – રુચતો આવતો. વાર્તા આગળ વધે છે. આ નિરાશ દંપતીના જીવનમાં – ઘરમાં આઠ-નવ વર્ષનો બાળક સંજય પ્રવેશે છે. બન્નેના જીવનમાં રાજીપો ઉમેરાય છે. લાડ લડાવી નિઃસંતાનપણાની વ્યથા ખાળે છે. અને એક દિવસ આ બાળક અચાનક આવતો બંધ થઈ જાય છે. ફરી બન્નેના જીવનમાં હતાશા વ્યાપે છે. અને એક દિવસ ફિલ્મમાં બને એ રીતે યુવાનનું આગમન થાય છે અને નાનપણની જોયેલી ઢીંગલી જોઈ સમયનો સેતુ જોડે છે. વાર્તાની ગતિ ફિલ્મી છે પરંતુ પરિવેશ અને વર્ણનથી ભાવાત્મક બને છે. ‘પછી’ વાર્તાની કથા આર્થિક અભાવના કારણે સપનાંઓ પૂરાં ન કરી શકતા અને દિવાસ્વપ્નમાં રાચતા દંપતીની વાર્તા છે. જેમાં ફેન્ટસીના માધ્યમથી લેખક વિદેશની રહનસહન, વિમાની સેવાઓ અને અવકાશી મુસાફરીનો રોમાંચ બતાવે છે. લંડન જવાની અને જોવાની ઘેલછા કેવી હશે એ વાતની પ્રતીતિ પણ કરાવે છે. એક ઉદાહરણ જોઈએ... ‘સ્વપનનું લંડન, ઇતિહાસનું લંડન, ભૂગોળનું લંડન, સમાચારોનું લંડન, અખબારોનું લંડન, રેંક ફિલ્મ્સનું લંડન, નવલકથાનું લંડન, અગાશીમાં કેટલીય રાતોના સ્વપ્નમાં જોયેલું લંડન, અર્ધજાગ્રતાવસ્થામાં જોયેલું લંડન, તેં પૂછેલું કેવું હશે એ લંડન? એ જ આ લંડન. મેં કહેલું એવું તો છે એ લંડન! એ જ આ લંડન. બધાએ ઈર્ષાથી જોઈ પૂછેલું, ઓહ ક્યાં જાઓ છો? લંડન? એ જ આ લંડન...’ એ રીતે ‘હડતાળ’ વાર્તામાં કાઠિયાવાડી માહોલ આરંભથી જ મળી જાય છે ચા-ગાંઠિયાની હોટેલ અને ‘રોયાઓ અડધી રાત થઈ તોય ટળતા નથી. અલ્યા તમારી માયુંઓય ચંત્યા નથી કરતી?’ જેવા લહેકા અને કિશોર વયના મનના ખૂણાઓ વ્યક્ત કરતી આ વાર્તા આ સંગ્રહની અનેક સારી વાર્તાઓ પૈકીની એક છે. વાર્તાકાર દરેક વયની માનસિકતા સુધી પહોંચી શક્યા છે એવું એમની વાર્તા દ્વારા અનુભવાય છે. આશાની ઢીંગલીનો બાળક સંજય, ‘હડતાળ’ અને ‘તમને સમજાય છે’ વાર્તાના કિશોર/કિશોરીઓ કે ‘એક સાંજ’ જેવી વાર્તાના વૃદ્ધ–વૃદ્ધા. વાર્તામાં જેમ વર્ણનને પ્રાધાન્ય છે એટલું જ સંવાદોની ભૂમિકાથી પણ કામ લીધું છે. સંબંધોની હૂંફ હોય કે સંબંધોનો તણાવ લાઘવ શૈલીથી સારી રીતે વાતને ઉપસાવી શક્યા છે. જેમ કે ‘એક સાંજ’ વાર્તાનાં વૃદ્ધ દંપતીનો સંવાદ જોઈએ – ‘ઠંડક થઈ છે. શાલ લાવું?’ ડોસીએ પૂછ્યું. ‘હં, તું ય ગરમ કબજો પહેરી લે. ડોસાએ ચોપડીના પાનાં વચ્ચે આંગળી મૂકતાં કહ્યું.’ ‘તમારે માટે બંડી લાવું?’ ‘ના, શાલ બહુ છે.’ ‘આજે ઠંડક વધારે છે, નહીં? હજુ તો સૂરજ આથમ્યો ય નથી ત્યાં તો હાથ ઠરવા માંડ્યા.’ ‘ગઈ કાલે વરસાદ પડ્યો ને. એટલે ઠંડક થઈ ગઈ. અંદર જવું છે?’ ‘ના રે, હજુ તો પાંચ વાગ્યા છે. થાય છે, જરાક અંધારું થાય એટલે અંદર જ જવાનું છે ને! મૂઓ કેમેય કર્યો દહાડો જતો નથી. તમે તો તમારું થોથું લઈનેય બેસો!’ ‘તે તું ય બેસ ને!’ ‘આખો દહાડો વંચાય છે?’ ‘કંટાળી ગઈ કે? થાકી ગઈ હોય તો પાછાં જઈએ.’ ‘પાછાં જઈને ય...’ આ બન્ને સંગ્રહોની અનેક ઉત્તમ વાર્તાઓમાં ‘વ્હાઈટ હોર્સ’, ‘ચાલ અંબાજી જવું છે’, ‘સુધા’, ’સુપ્રિયા’ અને ‘અ લા હેમિંગ્વે’ ને લઈ શકાય. વાર્તાસંગ્રહની શીર્ષકવાર્તા ‘વ્હાઈટ હોર્સ’ સંવાદપ્રધાન વાર્તા છે. દેશ અને વિદેશ વચ્ચે અટવાયેલી મનઃસ્થિતિની વાર્તા છે. પ્રથમ પુરુષમાં લખાયેલી આ વાર્તામાં ઇંગ્લૅન્ડના પબ, પબ્લિક બાર, જાહેર પીઠાં અને મેંચેસ્ટરમાં વખણાતા બીયરની વાતો મળે છે. વાર્તામાં વેસ્ટર્ન સંસ્કૃતિનો મિજાજ છે. વાતચીતમાં અંગ્રેજી ભાષાનું ચલણ અને સંવાદો છે. વાર્તામાં જૂનાં સંસ્મરણો છે, વતનનો ઝુરાપો છે. ભારતથી વિદેશમાં વસેલો મિત્ર છે. જે વ્હાઈટ હોર્સ પબમાં એક સમયે અનેક વાતો કરતો વિવાહ નક્કી થયેલ કન્યા ધર્મિષ્ઠાને નકારવાની અને વિદેશી પ્રેમિકા બેટ્‌સીને સ્વીકારવાની. એ જ મિત્ર જોડે નાયક અઢાર વર્ષ પછી મળે છે ત્યારે દેશની સંસ્કૃતિ, ખાણી-પીણી અને વતનનું સ્મરણ તાજું કરે છે એટલું જ નહીં, ધર્મિષ્ઠાને પણ યાદ કરવાનું ચૂકતો નથી. વતન અને વ્યક્તિનો ઝુરાપો વાર્તાને વાસ્તવની નજીક લાવી આપે છે. અંતની છેલ્લી લીટી ‘હું જાણતો હતો કે હવે એ વ્હાઈટ હૉર્સમાં જ જશે.’ વાર્તાને પૂર્ણ વાર્તા બનાવે છે. વાર્તામાં નાવિન્ય છે, પરંપરા અને આધુનિક સમયનું સમાંતરે ચિત્રણ છે.

GTVI Image 78 Return Ticket.png

‘આગંતુક’ વાર્તાની કથનરીતિ જરા જુદી છે. એક વાર્તામાં ત્રણ ભાગ પડે છે અને વાર્તાનો કોલાજ બને છે. આરંભના દૃશ્યમાં નાયિકા છે અને એનો પુત્ર છે. પતિ બહાર ગયેલ છે. વરસાદ અને પૂરનું વાતાવરણ છે. વરસાદમાં પલળતો અજાણ્યો માણસ છે. પુત્રની સહાનુભૂતિથી એને બંગલામાં આશ્રય આપે છે. વરસાદ વધી રહ્યો છે પાણી ઘરની અંદર અને ભોંયતળિયે ઘૂસી રહ્યાં છે. આશ્રિત માણસ આ પલળતો સામાન ફેરવવામાં મદદ કરે છે. અને એ ટેબલ ઉપર નાયિકાના પતિ રમેશનો ફોટો જોઈ એકદમ જ બદલાઈ જાય છે. એ ઓળખી ગયો છે કે આ જજનો બંગલો છે. એ પછી એના વર્તનમાં એકદમ જ બદલાવ આવી જાય છે. ડરામણા વ્યવહારોથી નાયિકાને ભયથી વિચલિત કરી મૂકે છે. રમેશનું આગમન થાય છે એ સાથે માણસના સ્વાંગમાં આવેલો આશ્રિત અપરાધી ચાલતો થાય છે અને જજ રમેશના મનમાં અનેક સંશય મૂકતો જાય છે. આમ વાર્તામાં શંકા, દહેશત અને વિરોધાભાસી હકીકતો વચ્ચે રહસ્ય ઘૂંટવાનો પ્રયાસ જોવા મળે છે. ‘ચાલ, અંબાજી જવું છે’ વાર્તા નિમ્ન મધ્યમવર્ગીય વ્યક્તિની વાર્તા છે. ૧૯૭૦નું મિલો કારખાનાથી ધમધમતું અમદાવાદ છે. વખારમાં ચાલતો જુગાર છે અને જુગારનો બંધાણી ઉમાકાંત છે. રોજ જુગારમાં હારતો ઉમાકાંત એક દિવસ ૫૦૦૦ જીતીને આવે છે અને આ પૈસા વાપરવાનાં અનેક સપનાં પત્ની સાથે જુએ છે. અનેક આયોજન બનાવે છે. પરંતુ જુગારી મિત્રો વિઠ્ઠલ, ગની, પાંડુ માટે ઉમાકાંતની જીત અસહ્ય છે. એ લોકો કાવતરું રચી ઉમાકાંતના દીકરાનું અપહરણ કરાવી ફરી બાજી રમવા ઉશ્કેરે છે. આ વખતે એ થોડું હારે છે અને ફરી સામસામે આવી કહે છે ‘હવે રમ્યા વગર ઘેર જા; તારા છોકરાને શોધી કાઢ.’ અને વિઠ્ઠલ ઘર તરફ દોડે છે ત્યારે ઉમાકાંત પત્તાં ઉઘાડી અને ત્રણ જીતના એક્કા બતાવે છે. છેલ્લે કહે છે – ‘ગની, વિઠ્ઠલને કહેજે કે છોકરો કોઈ ઉપાડી જાય ત્યારે એના બાપને આવું થાય અને એના છોકરાને ઘેર સહીસલામત જોઈને મને મારવા અહીં પાછો આવે ત્યારે એને કહેજે કે ઉમાકાંત પાસે ત્રણ એક્કા હતા. ધારત તો ફરી પાંચ હજાર ઓકાવી કાઢત.’ અને ઘરે જઈ પત્નીનું અંબાજી જવાનું સપનું પૂરું કરવા તૈયાર થાય છે. વાર્તાની ગતિ અને પાત્રમાં બદલાવની ક્ષણ વાર્તાને એક ઊંચાઈ તરફ લઈ જાય છે. કેટલીક વાર્તાઓમાં કથનશૈલી અને રજૂઆતની પ્રયોગશીલતા જોવા મળે છે. ‘કબૂતરો’, ‘૯૧૧/૧૭/૧૮૬૫/૩૩’, ‘અ લા હેમિંગ્વે’ જેવી વાર્તાઓનો એમાં સમાવેશ કરી શકાય. જેમાં સમાજની ઘેલછા, સામૂહિક ઉન્માદને દર્શાવતી ‘અ લા હેમિંગ્વે’ નોંધપાત્ર વાર્તા છે. ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતની લોકપ્રિયતા, ખેલાડી ઉપર આવી જતું સફળ થવા માટેનું દબાણ જેને દેશભક્તિ સાથે જોડી સમૂહ કેટલી હદે આક્રમક બની જાય છે એનો વ્યંગ્ય છે. મનોરંજન જ્યારે યુદ્ધનું મેદાન બની જાય ત્યારે એક બળવાન ખેલાડીની જીત જેટલી હર્ષ ઉલ્લાસભરી હોય છે પરાજય એટલો જ આક્રમક ક્યારેક હિંસક બની જતો હોય છે. એ વિષયને લઈને એક જુદા વિષય ઉપર લખાયેલી આ વાર્તા નોંધપાત્ર બને છે. ‘રિટર્ન ટિકિટ‘ લેખકની પહેલી વાર્તા છે જે બીજા વાર્તાસંગ્રહનું શીર્ષક બને છે. મુંબઈ જેવા શહેરની હાડમારી અને સંબંધોની અવિશ્વસનિયતાને કથાનો વિષય બનાવતી આ વાર્તા થોડે અંશે ફિલ્મી વાર્તા પણ બને છે. બન્ને વાર્તાસંગ્રહમાં સૌથી વધુ નગરીય પરિવેશની વાર્તાઓ બની છે. જેમાં સ્ટીમર અને વિમાનની સફરનાં વર્ણનો પણ મળે છે. એકથી બે વાર્તા જુદા પરિવેશ અને વિસ્તારમાં બનતી બતાવે છે જેમાં ‘નહોર’ વાર્તા જે વેરાવળ, સાસણ અને તાલાલા ગીર પ્રદેશને લઈ આલેખાઈ છે. વાર્તાકાર સુધીર દલાલ પોતાના સમયથી આગળ નીકળી અને વાર્તાઓ રચી શકે છે. નવજીવન વાર્તાલાપમાં કહે છે ‘૧૯૬૧માં પહેલી વાર્તા ‘કુમાર’ સામયિકમાં મોકલી હતી જે અસ્વીકૃત થઈ હતી. પરંતુ બચુભાઈ રાવતનું પ્રોત્સાહન જ બીજી વાર્તા લખવા પ્રેરે છે અને પછી પ્રસિદ્ધ સામયિકોમાં છપાતી રહે છે. ‘વ્હાઈટ હોર્સ’ વાર્તા અન્ય ભાષાઓમાં પણ રૂપાંતરિત થયેલ છે. અને આ વાર્તાસંગ્રહ એકથી વધારે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ સામેલ થયેલ છે. લેખકના ફિલ્મી કળા માટેના ઝુકાવને કારણે અનેક વાર્તાઓ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી બની છે. લેખકના ભારતીય સમાંતર સિનેમા ઉપરના લેખો પણ પ્રસિદ્ધ બન્યા છે. એમની વાર્તાઓમાં પરંપરા અને આધુનિકતાનો સુમેળ છે. ભારતીય પરિવારની માનસિકતા છે, આર્થિક હાડમારી છે, વિદેશ ભ્રમણના કારણે રેસ્ટોરન્ટ, પબ અને બારનું વાતાવરણ પણ બરાબર ઉપસાવી શક્યા છે. એમની વાર્તામાં ત્યાગની મૂર્તિ જેવી સ્ત્રીઓ છે અને પરિવાર માટે હાડમારી વેઠતા પુરુષો છે. દરિયાઈ અને ગીરના પ્રદેશો પણ છે. મિલ કારખાનામાં કામ કરતા કામદારો છે અને ધનવાનોને ત્યાં નોકરી કરતા નોકરો પણ છે. વરસાદ, ઠંડી, ગરમીનાં ચિત્રણો છે. સંવાદમાં અંગ્રેજી શબ્દોની પ્રચૂરતા છે અને કેટલીક જગ્યાએ બોલીના લહેકાઓ પણ વાપર્યા છે. વાર્તાના અંત સુધી જિજ્ઞાસા બની રહે એવી કથનની માવજત છે. ‘વ્હાઈટ હોર્સ’ની ત્રીજી આવૃત્તિ સમયે હર્ષ અને સંતોષની લાગણી વ્યક્ત કરતાં ભૂમિકામાં લખ્યું છે ‘લગભગ દરેક વાર્તા હિંદીથી માંડી મલયાલમ સુધીની ભાષાઓમાં ભાષાંતરિત થઈ ચૂકી છે. અને તેમાંની કેટલીક તો એક કરતાં વધારે વાર પણ પ્રસિદ્ધ થઈ ચૂકી છે એ મારા માટે ગૌરવની વાત છે. અમેરિકાની લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસમાં સ્થાન પામ્યા પછી અમેરિકામાં વસતા કેટલાક ગુજરાતી સાહિત્ય રસિકોએ એની પ્રત પોતપોતાના ઇલાકાની લાઇબ્રેરીઓને અર્પણ કરી છે.’ અને આ સાથે એક સુખદ સંસ્મરણ જોડવાનું ચૂકતા નથી. લખે છે – ‘વ્હાઈટ હોર્સ’ની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે એક દિવસ વહેલી પરોઢે છએક વાગે સ્વ. શ્રી જયંતિ દલાલે મને ફોન કરી જગાડ્યો અને કહ્યું કે ‘ભાઈ, તમારા સંગ્રહની વ્હાઈટ હોર્સ વાર્તા ગઈ કાલે રાત્રે વાંચી અને એ એટલી સુંદર સંપૂર્ણ અને હૃદયસ્પર્શી લાગી કે આટલી વહેલી સવારે તમને ઉઠાડવાનું મન રોકી નથી શક્યો; ગુજરાતી સાહિત્યની એ વાર્તા એક અમર કૃતિ બની રહેશે એવું મને લાગે છે. અને આ દાયકાની શ્રેષ્ઠ વાર્તાઓમાં તો જરૂર એનું સ્થાન પામશે.’ ‘ગુજરાતી સાહિત્યના ઇતિહાસ’માં રમણલાલ જોશીની નોંધ મળી રહે છે. જે લખે છે, ‘આધુનિક મિજાજનાં પાત્રો સાંપ્રત સમાજજીવનના પ્રશ્નો, સુશ્લિષ્ટ વસ્તુસંવિધાન અને સૂક્ષ્મ, ઝીણું પરિસ્થિતિ આલેખન, ભાષાનો સ્વાભાવિક પરિચિત સ્તર એમની વાર્તાઓની લાક્ષણિકતા બને છે.’ આમ સફળ અને સુંદર વાર્તાઓ આપવા બદલ ટૂંકી વાર્તામાં સુધીર દલાલનું નામ નોંધપાત્ર બની રહેશે.

નીતા જોશી
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬
Email : neeta.singer@gmail.com
વાર્તાસંગ્રહ ‘ખુલ્લી હવા’ ૨૦૨૦માં પ્રકાશિત.
૨૦૨૧માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષક જાહેર થયું હતું.
નર્મદ સાહિત્ય સભા, સૂરત ‘નંદશંકર ચંદ્રક’ ૨૦૨૦-૨૧ એનાયત થયેલ.
ટૂંકીવાર્તા ઉપરાંત એકાંકી, નિબંધ, લઘુનવલ, અનુવાદ અને ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકમાં પરિચયાત્મક સમીક્ષા લેખ પ્રકાશિત થયા છે.