ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો - ખંડ ૨/ઉમાશંકર જોશી
માવજી મહેશ્વરી
વાર્તાસંગ્રહો :
(૧) શ્રાવણી મેળો (૧૯૩૭) (૨) વિસામો (૧૯૫૯)
વાર્તાકારનો પરિચય :
ઉમાશંકર જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ના રોજ થયો હતો. તેમનાં માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી હતું. તેમના માતા-પિતાને રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચુનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર એમ નવ સંતાન હતાં, જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. નંદિની અને સ્વાતિ તેમની પુત્રીઓ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં લીધું હતું, ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કૉલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા અને ૧૯૩૮માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કૉલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. તેઓ અગ્રગણ્ય ગૂર્જર-ભારતીય કવિ. સમર્થ એકાંકીકાર તથા વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક અને ઉત્કૃષ્ટ ગુજરાતી ગદ્યકાર હતા. તેમણે ‘વાસુકી’ અને ‘શ્રવણ’ ઉપનામે પણ સર્જન કર્યું છે. તેઓ ગુજરાતના એકમાત્ર એવા સાહિત્યકાર છે જેમના નામે સ્થાનિક સંસ્થાઓએ માર્ગો અને પુલો બાંધ્યા છે. ગુજરાતમાં ઘણા શહેરોના માર્ગોને તેમનું નામ અપાયું છે, તો હિંમતનગર નગરપાલિકાએ શહેરમાંથી પસાર થતા એક ઓવરબ્રીજનું નામ ‘ઉમાશંકર જોશી ઓવરબ્રીજ’ રાખ્યું છે.
સાહિત્યસર્જન :
આમ તો ઉમાશંકર જોશીની ઓળખ કવિ તરીકેની છે અને કવિતાએ તેમને જ્ઞાનપીઠ જેવો માતબર પુરસ્કાર પણ અપાવ્યો છે. છતાં ઉમાશંકર જોશી માત્ર કવિતા પૂરતા સીમિત રહ્યા નહોતા. તેમણે ગુજરાતી સાહિત્યનાં તમામ સ્વરૂપોમાં વિશદ ખેડાણ કર્યું છે. તેમનું મુખ્ય કવિતાનું પુસ્તક જેના માટે તેમને જ્ઞાનપીઠ ઍવૉર્ડ મળ્યો તે કૃતિ ‘નિશીથ’ (મધ્ય રાત્રિનો દેવતા) સિવાય ‘વિશ્વશાંતિ’, ‘ગંગોત્રી’, ‘મહાપ્રસ્થાન’, ‘અભિજ્ઞા’, ‘સાતપદ’, ‘ધારાવસ્ત્ર’, ‘સમગ્ર કવિતા’ જેવાં કવિતાનાં પુસ્તકો આપ્યાં છે. તેમણે પદ્યનાટકોનાં બે પુસ્તકો ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’, એકાંકીનાં ત્રણ પુસ્તકો, ‘સાપના ભારા’, ‘હવેલી’ અને ‘શહીદ’, બે વાર્તાસંગ્રહો ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો’, નિબંધસંગ્રહ ‘ઉઘાડી બારી અને ગોષ્ઠિ’, સંશોધનનાં બે પુસ્તકો ‘પુરાણોમાં ગુજરાત’ અને ‘અખો - એક અધ્યયન’, વિવેચનનાં બે પુસ્તકો ‘કવિની શ્રદ્ધા’ અને ‘અભિરુચિ’, અનુવાદનાં બે પુસ્તકો ‘શાકુંતલ’ અને ‘ઉત્તર રામચરિત’, ચિંતનનું એક પુસ્તક ‘ઈશાવાસ્યોપનિષદ’, પ્રવાસનું એક પુસ્તક ‘યુરોપયાત્રા’ (અંગ્રેજીમાં), બાળગીતનું એક પુસ્તક ‘સો વરસનો થા’, સંપાદનનું એક પુસ્તક ‘કલાન્તના કવિ’ (બાલાશંકર કંથારિયાનાં કાવ્યો) આપ્યાં છે. તેમણે ‘સંસ્કૃતિ’ અને ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે લાંબો સમય સેવા આપી હતી. તેમણે ગુજરાત સરકાર અને ભારત સરકારનાં વિવિધ પદો ઉપર પણ ફરજ બજાવી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ૧૯૬૬, પ્રમુખ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તરીકે ૧૯૭૮થી ૧૯૮૨, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે ૧૯૭૦. અત્યાર સુધીમાં તેઓ એકમાત્ર ગુજરાતી સાહિત્યકાર છે જેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હોય. ૧૯૭૦થી ૧૯૭૬ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય હતા. તેમણે ૧૯૭૯થી ૧૯૮૩ સુધી વિશ્વભારતી યુનિવર્સિટી – શાંતિનિકેતના કુલપતિ તરીકે સેવા આપી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે ૧૯૭૮થી ૧૯૮૩ સુધી સેવા આપી હતી. ઉમાશંકર જોશીને પુષ્કળ ઍવૉર્ડ અને સન્માનો મળેલાં હતાં. જેમા રાજ્ય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ પણ સામેલ છે. તેમનાં પુસ્તકોને ઍવૉર્ડ તો મળ્યા જ છે, તે સાથે ૧૯૩૯માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૩માં ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર, ૧૯૬૭માં જ્ઞાનપીઠ પુરસ્કાર અને ૧૯૭૩માં સોવિએત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ મળેલા હતા. એક સાહિત્યકાર તરીકે ઉમાશંકર નિર્ભિક અને સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા હતા. કહેવાય છે કે ઇંદિરા ગાંધી પણ તેમને ફોન કરીને હકીકતો મેળવતાં હતાં. આ એવા સાહિત્યકાર હતા જેમણે અંગત લાભ માટે કદી સિદ્ધાંત સાથે કોઈ બાંધછોડ કરી નથી. આવા વિરલ સાહિત્યકારનો આત્મા તારીખ ૧૯ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ મુંબઈ ખાતે તેમનો દેહ છોડી ગયો ત્યારે સાહિત્યજગતમાં ભારે શોકનું મોજું પ્રસરી ગયું હતું. એમના અવસાન સાથે એક યુગ આથમી ગયો. ગાંધીજીના સિદ્ધાંતોની રખેવાળી કરનાર સાહિત્યકાર ગુમાવ્યાની પીડા સાથે ગુજરાત શોકમાં ડૂબી ગયું હતું.
વાર્તાકારનો યુગસંદર્ભ :
સિદ્ધાંતોમાં બાંધછોડ ન કરનાર આ યુગદૃષ્ટા કવિ ઉપર મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ હતો. તેમણે ટૂંકી વાર્તાઓ એવા ગાળામાં લખી છે જ્યારે ભારતમાં ગાંધીયુગ ચાલતો હતો. ગાંધીયુગીન સાહિત્યકારોમાં ઉમાશંકર જોશીનો સમાવેશ કરી શકાય. પણ તેમની વાર્તાઓ ગાંધીના પગલે ચાલતી નથી. તેમની વાર્તાઓમાં તત્કાલીન સમાજવ્યવસ્થા સાથે સુધારાની અસર પણ દેખાય છે. તેમની વાર્તાઓમાં એક ચોક્કસ સમયની છબી દેખાય છે. છતાં તેમની વાર્તાઓ આધુનિકતાના પ્રભાવ હેઠળ વિકસી હોય એવું જણાય છે.
ટૂંકીવાર્તા વિશે ઉમાશંકર જોશીની સમજ :
ઉમાશંકર જોશીનો પહેલો વાર્તાસંગ્રહ ‘શ્રાવણી મેળો’ ૧૯૩૭માં આવ્યો. એ સંગ્રહની વાર્તાઓ ૧૯૩૫ અને ’૩૬માં લખાઈ છે. તેમણે એ સંગ્રહમાં કવિ રવીન્દ્રનાથ ટાગોરની એક પંક્તિ લખી છે. ‘ધન્ય છે આ ધરતીની માટી, ને ધન્ય છે આ જગતમાં જીવતરનો મેળો’ આ પંક્તિ લખવાનો તેમનો હેતુ સ્પષ્ટ છે. તેમનો અંતરાત્મા ધરતીની માટી અને મનુષ્ય વચ્ચે પ્રેમ સંબંધના તાંતણે રચાતા મેળાની ધન્યતાથી રંગાયેલો હતો. તેમણે એ સંગ્રહમાં એવું પણ લખ્યું છે કે ‘આયોજન કે નિરૂપણની બાબતમાં પ્રયોગો કરવાની ટેવ ચાલુ રાખેલી.’ આ દર્શાવે છે કે તેમની સર્જક સભાનતા સ્પષ્ટ હતી. ઉમાશંકરની કળાદૃષ્ટિની સાથે તેમની વાર્તાકળાની વિભાવનાની તપાસ કરતાં તેમની કળાદૃષ્ટિનો વિકાસ થતો અનુભવાય છે. જો કે વાર્તા વિશેના તેમના અભ્યાસલેખોમાંથી તેમની ટૂંકી વાર્તા વિશેની જુદી જુદી વાર્તાકળા વિભાવના સ્પષ્ટ દેખાય છે. ઉમાશંકરે વાર્તાને અર્વાચીન સંજ્ઞા કહી છે. એમ કહીને તેઓએ વાર્તાને કથા સંજ્ઞાથી ભિન્ન હોવાનું જણાવ્યું છે. ‘પ્રતિશબ્દ’ ૧૯૬૭ના અભ્યાસલેખમાં તેમણે જણાવ્યું છે કે વાર્તા અને વાત એ શબ્દો કથાના અર્થમાં આપણે ત્યાં મધ્યકાલીન સાહિત્યમાં પ્રસાર પામ્યા. તેમણે એ લેખમાં વિશેષ એવું પણ લખ્યું છે કે વાર્તા શબ્દ કલ્પિત કથાના અર્થમાં આપણે વાપરતા થયા તે એક ભાષાકીય ભૂલ છે. આમ તેમણે કથા અને વાર્તા બેય જુદાં પાડી બતાવ્યાં છે. ‘હું વાર્તા કેવી રીતે લખું છું’ નામના લેખમાં પોતાની સર્જનપ્રક્રિયા વિશે જણાવતાં તેઓ કહે છે કે ‘વાર્તા લખવાની વૃત્તિ મારામાં સક્રિયપણે પોષવામાં ગાય દ મોમ્પાસાની વાર્તાઓનો ફાળો હતો.’ ઉમાશંકર વાર્તાના વિષયવસ્તુમાં ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ‘વાર્તામાં કલાકારની ચાલ, વાર્તાનિરૂપણની આખીય પ્રક્રિયા ઉપર જ ધ્યાન આપે છે. આ સભાનતા તેમની વાર્તાલેખનની રીતિને નિકટતાથી પામવાનું સૂચવે છે. ટૂંકી વાર્તાના સર્જનનું પ્રયોજન શું? એ વિશે ઉમાશંકરના વિચારો વાંચતાં એવું લાગે જાણે તેમણે ભવિષ્યના લેખકો માટે મુકત વાતાવરણ રચી આપ્યું છે.
ઉમાશંકર જોશીના વાર્તાસંગ્રહોનો પરિચય :
ઉમાશંકર જોશીએ આમ તો ત્રણ વાર્તાસંગ્રહો આપ્યા હતા. એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘શ્રાવણી મેળો’ છે. તે પછી તેમણે ‘ત્રણ અર્ધુ બે અને બીજી વાતો’ અને ‘અંતરાય’ નામના વાર્તાસંગ્રહો આપ્યા હતા. પણ એ બે સંગ્રહો તેમણે રદ કર્યા અને એ સંગ્રહોમાંની કેટલીક વાર્તાઓ અને પાત્રોનાં નામો બદલીને ‘વિસામો’ નામનો અંતિમ વાર્તાસંગ્રહ આપ્યો. એટલે સત્તાવાર એમના બે વાર્તાસંગ્રહ કહી શકાય. એમના બને વાર્તાસંગ્રહોએ વાર્તાકાર ઉમાશંકરની અમીટ છાપ બનાવી. ‘શ્રાવણી મેળો’ પુસ્તક આવ્યું ત્યારે હજુ ભારત આઝાદ નહોતું થયું. એ સમયમાં ગાંધીયુગનો પ્રભાવ હતો. પણ ઉમાશંકર જોશીની વાર્તાઓની કળામીમાંસાની ગાંધીના પગલે ચાલતી નથી. ગાંધીયુગીન સાહિત્યકારોમાં ન દેખાતા બદલાવ અને મનોવિજ્ઞાનના પડછાયાઓ એમની વાર્તાઓમાં જોવા મળે છે. ત્યાં સુધી કે ‘મારી ચંપાનો વર’ જેવી તેમની વાર્તામાં સ્ત્રીઓના સજાતીય સંબંધનો પણ ઇશારો કેટલાક સાહિત્યકારોને દેખાયો છે. એટલે ઉમાશંકર જોશી સમયથી કેટલા આગળ હતા તે જાણવા મળે છે.
પહેલાં જોઈએ એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘શ્રાવણી મેળો’ :
‘શ્રાવણી મેળો’ ૧૯૩૭માં પ્રગટ થયો જેમા કુલ પંદર વાર્તાઓ છે. ‘શ્રાવણીમેળો’ એ સભાનપણે કરાયેલા વિવિધ વાર્તાપ્રયોગોનો સંગ્રહ છે. કેવળ વાર્તાતત્ત્વોને લઈને જ નહીં, વાર્તા નિરૂપણ પદ્ધતિના વિવિધલક્ષી વિકાસને લઈને પણ એનું મહત્ત્વ રહે છે. વાતાસંગ્રહના શીર્ષકમાં જ મેળોનો એક વિશિષ્ટ અર્થ રહેલો છે. શ્રાવણી મેળામાં સમય દૃષ્ટિએ સૌથી પહેલી વાર્તા છે ‘ગુજરીની ગોદડી’ અને સૌથી છેલ્લી વાર્તા છે ‘શ્રાવણી મેળો’. આ સંગ્રહમાં વાર્તાઓને સમયાનુક્રમે નહીં પરંતુ વિષયવસ્તુના સંદર્ભમાં ધ્યાનમાં રાખીને ગોઠવી હોવાનું જણાય છે. ‘શ્રાવણી મેળો’ વાંચતાં એવું પણ લાગે કે આજનો સર્જક હોત તો એ વાર્તાસંગ્રહનું નામ ઝંખના રાખ્યું હોત. ‘શ્રાવણી મેળો’ વાર્તાઓનાં દરેક પાત્ર એક ઝંખનામાં જીવે છે. આ સંગ્રહની સામગ્રી મનુષ્યના બાહ્યજીવન પર આધારિત છે. મનુષ્યની જિજીવિષાનાં વિવિધ રૂપો વાર્તાઓની મુખ્ય વિષય છે. જીવનની આસક્તિના પ્રગટ-અપ્રગટ રૂપો ‘ક્રિયા’ની કક્ષાએ ગતિશીલ તત્ત્વ તરીકે વાર્તાઓને સજીવ બનાવે છે. આ સંગ્રહની વાર્તાઓનાં પાત્રોની ઝંખના ક્યાં ક્યાં પડી છે તે જુઓ. ‘પગલીનો પાડનાર’ વાર્તાના શાંતારામની પૌત્રઝંખના. હીલ્લીની માતૃપ્રેમની ઝંખના, ‘પિપાસુ’ વાર્તામાં સુમંતની એકલતામાંથી છૂટી સહવાસ મેળવવાની ઝંખના, ‘લોહીતરસ્યો’માં ચતુરની અહંકારી સત્તાધીશ વૃત્તિમાંથી જન્મેલી વેર ભાવનાની વિકૃતિ, અને તેનો વિપર્યાસ ‘ગુજરીની ગોદડી’માં માનવતાવાદ દ્વારા વર્ગભેદને દૂર કરી આદર્શ જીવનપ્રણાલીની ઝંખના સેવતો નાયક, ‘છેલ્લું છાણું’માં જીવનના અંતિમ શ્વાસે વેર, અત્યંત વેરની આગમાં સળગી સાસુ વહુની વિરૂપ જિજીવિષા અને તેનો કરુણ અંત. ‘ઝાકળિયું’માં પોતાના નાનાભાઈ હાથીડાને ભણાવી પોતાની લાચાર દશામાંથી મુક્તિ મેળવવાની ઝંખના સેવતા ગોવાની સ્વપ્નશીલ સૃષ્ટિનો કરુણ અંત, ‘શ્રાવણી મેળો’માં પ્રેયસી અંબીના સથવારે સ્વપ્નની આભામાં વિહાર કરવાની ઝંખના સેવતા દેવાની જિંદગીમાં આવી પડતો કારાવાસ. આમ આ વાર્તાઓમાં ઝંખના સક્રિય તત્ત્વ બની વાર્તાને અંતે ક્યાંક પરિતૃપ્તિ પામે છે તો ક્યાંક નિષ્ફલન મેળવ્યાનું સુખ અને મેળવવામાં નિષ્ફળતાના તાણાવાણામાંથી વણાયેલું જીવનપોત માનવહૃદયની લાગણીઓની સંકુલ ભાત રચે છે. બધી વાર્તાઓમાંથી ‘મારી ચંપાનો વર’ વાર્તાનું ભાવવિશ્વ નિરાળું છે. દેહધર્મજનિત સહજવૃતિ, ઇચ્છાને દાબી, મરોડીને ફરજ ભાવનાની સમાજદીક્ષિત સભાનતાથી વિધવા લક્ષ્મી દીકરી ચંપાનો ઉછેર કરે છે. પરંતુ વાર્તા જ્યારે અડધે પહોંચે છે ત્યારે લક્ષ્મીની ફરજપરસ્તી ધીમે ધીમે દંભનો આડંબર પુરવાર થતી જાય છે ને કુંઠિત બનેલી ઝંખના વિકૃતિની કક્ષાએ પહોંચીને જાણે કે વિષચક્ર બની જાય છે. ‘અમુચમુ’, ‘ઇનામની વાર્તા’, ‘વાયોલા’, ‘આદમિયત’, ‘મારું હતું ને મેં લીધું’ અને ‘શેષમાનવી’ વાર્તાઓ સ્વાનુભાવની સંકીર્ણતા અને પ્રસંગોની ભરમારથી પ્રભાવહીન બની ગઈ છે. ૧૯૩૭ પછી છેક ૧૯૫૯માં ઉમાશંકર બીજો વાર્તા સંગ્રહ ‘વિસામો’ આપે છે. (જો કે આ સંગ્રહ અગાઉ પ્રગટ થયેલા બે સંગ્રહમાંથી સુધારા-વધારા કરીને આપેલો છે) આ સંગ્રહની વાર્તાઓનું મૂળ તત્ત્વ એટલે કે નિયામક તત્ત્વ માણસના મનનાં વિવિધ સંચલનો છે. આ સંગ્રહની વાર્તાઓ પહેલા સંગ્રહ ‘શ્રાવણી મેળો’ કરતાં જરા વધારે ચુસ્ત અને ગતિમાન છે. માનવમનની નિર્બળતાઓ અને અત્યંત સૂક્ષ્મસ્તરની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ થકી વાર્તાઓ આસ્વાદ્ય બની છે. પરંતુ માનવમનની અંદર ઉતર્યા પછી લેખક કળાકીય સર્જી શક્યા નથી. ‘અતિમાત્રા’ને સૂક્ષ્મ બનાવવા જતાં વાર્તાની પારદર્શકતા ડહોળાઈ ગયાનું અનુભવાય છે. ‘કલંકિની’, ‘દિની’, ‘પંચાનન’, ‘પ્રતિભાદેવી’, ‘પરબિડિયા’ ‘સ્મિતનું રહસ્ય’, ‘રત્ના કેમ પરણી’, ‘કલ્પના પત્ની’, ‘કમુ અને કામિની’, ‘મુકુલનાં બહેન’, ‘અદાલત કે અદાવત?’, ‘અલક મલકની કન્યા’, ‘અનામિકા’, ‘વસ્તી’, ‘અંતરપટ’ જેવી વાર્તાઓ નકરા પ્રસંગોથી ભરપૂર છે. આ વાર્તાઓમાં મૂલ્યનિષ્ઠ જીવન દેખાતું નથી. ક્યાંક લેખકની ઉતાવળી લેખનપદ્ધતિને કારણે વાર્તાઓ નિર્જીવ બનીને સામગ્રીનો જથ્થો બનીને રહી જાય છે. ભાષાનો સર્જનાત્મક વિનિયોગ આ વાર્તાઓમાં થયો ન હોવાના કારણે વાર્તાઓ ઘાટઘૂટ વિનાની બની રહી છે. વળી અમુક વાર્તાઓ અતિ વાચાળ જણાય છે એટલે આસ્વાદ્ય બની નથી. જો કે એવું નથી કે બધી જ વાર્તાઓમાં આવું બન્યું છે. ‘બે બહેનો’, ‘તરંગ’, ‘ચક્કીનું ભૂત’, ‘લીલી વાડી’, ‘ત્રણ અર્ધું બે’, ‘રાહી’ અને ‘જાનૈયા’ આ વાર્તાઓ માનવમનની સંકુલતા અને ગતિમાન કથનરીતિ થકી વાચનગમ્ય બની છે. જો કે એવું પણ નથી કે આ વાર્તાઓ કળા અને આસ્વાદની આકરી કસોટી પાર કરી શકે છે. તેમ છતાં લેખકના પ્રયોગ કરવાના પ્રયત્નો સિદ્ધ થતા જણાય છે. કળાના આદર્શને પામવાની લેખકની મથામણના નમૂના જેવી વાર્તાઓ તો ખરી જ. જે સંગ્રહને ગૌરવ અપાવે છે. આ સંગ્રહ ઉમાશંકરના વાર્તાલોકને પામવા અને અનુગામી સર્જકો માટે પ્રેરણારૂપ બન્યો હોવાનું કહી શકાય.
ઉમાશંકરના બંને સંગ્રહોમાં કેટલીક વાર્તાઓ વિરલ છે. વાર્તાકળાના નમૂના જેવી આ વાર્તાઓએ દરેક સમયે વાંચનારને આકર્ષ્યો છે. ઉમાશંકર જોશી કઈ કક્ષાએ વિચારતા હતા અને એમનો કળાહેતુ શો હતો તેનાં એંધાણ આ વાર્તાઓ આપી શકે છે. ‘પિપાસુ’, ‘લોહીતરસ્યો’, ‘છેલ્લું છાણું’, ‘મારી ચંપાનો વર’, ‘ગુજરીની ગોદડી’, ‘બે બહેનો’, ‘ચક્કીનું ભૂત’, ‘લીલી વાડી’, ‘રાહી’ અને ‘જાનૈયા’ વાર્તાઓ કળાદૃષ્ટિએ સફળ રહી છે. ‘પિપાસુ’ વાર્તાના નાયક સુમંતની એકલતાનું બયાન અત્યંત આસ્વાદ્ય છે. ભીતરથી લાગણીશીલ અને નબળા મનનો સુમંત બેફિકરાઈભર્યું જીવન જીવવાનો દેખાવ કરે છે તે એની ભીતરી એકલતાનું કલાકીય વિશ્લેષણ લેખક કરી શક્યા છે. ‘લોહી તરસ્યો’, ‘છેલ્લું છાણું’ અને ‘મારી ચંપાનો વર’ – આ ત્રણેય વાર્તાઓનાં પાત્રો અને વાર્તાઓનો પરિવેશ ગ્રામીણ છે. ત્રણેય વાર્તાઓનું સંગઠક બળ વેરવૃત્તિ છે. ‘લોહીતરસ્યો’ અને ‘છેલ્લું છાણું’માં પ્રત્યક્ષ વેરવૃત્તિ છે જ્યારે ‘મારી ચંપાનો વર’ વાર્તામાં વેરવૃત્તિ છૂપી અને સૂક્ષ્મ સ્તરની છે. એ વેરવૃત્તિ વ્યક્તિકેન્દ્રી ન બનતાં સામાજિક વ્યવસ્થાની દમનકારી પરંપરા સામેની છે. પણ તેનું પરિણામ અત્યંત કરુણ છે. એ વેરવૃત્તિનો ભોગ સમાજ નહીં પણ પોતાનાં આપ્તજનો બને છે. આ ત્રણેય વાર્તામાં બળકટ તત્ત્વ હોય તો તે છે લોકબોલીની છટા. ‘છેલ્લું છાણું’ વાર્તામાં પ્રાકૃતિક વર્ણન, સૂર્યાસ્તના રતાશભર્યા આછા અજવાળાની પશ્ચાદ્ભૂ અને જીવનના રંગમંચ પર ભજવાતી તંગ સંબંધોની નાટ્યલીલા અત્યંત કલાકીય છે. અહીં પરિવેશ વાર્તાને ગતિ આપવામાં અર્થપૂર્ણ બન્યો છે. વાર્તામાં ઓતપ્રોત થતો જતો પરિવેશ અને તણખા ઝરતા સંવાદો, એ બેયના સંયોજનથી વાર્તાનો ચળકાટ વધ્યો છે. ‘મારી ચંપાનો વર’ વાર્તામાં દીકરીના અધિકારો ઝૂંટવી લેતી માને નરકની યાતનાઓ મળે તેવી પ્રાર્થનાઓ કરતી ચંપાના જીવનની ગતિ ઊંડા આઘાત આપે છે. જો કે કેટલાક વિવેચકોને આ વાર્તામાં સ્ત્રીઓના સજાતીય સંબંધોની છાયા પણ દેખાઈ છે. જો કે તેમણે ઉદાહરણ આપીને સિદ્ધ કર્યું નથી. ‘ગુજરીની ગોદડી’ વાર્તા પ્રારંભે હળવાશભરી કથનશૈલીથી આગળ વધે છે. વિપરીત પરિસ્થિતિઓમાં હસતા મોઢે જીવતા યુવાનોનું જીવનબળ પ્રગટ કરે છે. ગુજરીમાંથી ગોદડી ખરીદી ફૂટપાથ ઉપર સૂતેલાં ગરીબ લોકો ઉપર ઓઢાડી દઈ ખાલી હાથે પાછા ફરવાની ઘટના હૃદયની વિશાળતા જરૂર દર્શાવે છે, પણ તેની રજૂઆત અત્યંત ભાવુક અને મુખર છે. આ વાર્તાનો પૂર્વાર્ધ અત્યંત ધીમો અને જીવનના અર્થ કહેતો ગંભીરતાપૂર્વકનો છે, જ્યારે ઉત્તરાર્ધ ઉતાવળિયો અને મુખર છે. ‘ઝાકળિયું’ વાર્તાનો કથક શામળ આમ કિશોરવયનો છે, છતાં તેના વિચારો પ્રૌઢ વ્યક્તિ જેવા દર્શાવવા એ લેખકની સર્જન શિથિલતા છે. અહીં વર્ગભેદનો પ્રશ્ન પણ છે. શામળની ભાભી અને દુરગાની ઉચ્ચવર્ગની માનસિકતાને કારણે ગોવિંદા અને હાથીડાના ભાવિનાં સ્વપ્ન સમુ ઝાકળિયું વાર્તાને અંતે ભડભડ સળગે છે. બે સળગતી હોળી વર્ગભેદનું કરુણ ચિત્ર છે. પાત્રોની સંવેદના અને પરિવેશના સંદર્ભોથી ઝાકળિયું બળવાન પ્રતીક બને છે. ‘બે બહેનો’ વાર્તામાં સપનું અને હકીકત એ બંને વચ્ચેનું સંન્નિધિકરણ આસ્વાદ્ય છે. લલિતા વિચારે છે કે મોટીબહેનનું સુખ છિનવાઈ જાય અને મને મળે. જો કે જાગૃત અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં ભાષાનું એકસરખું પોત ખટકે છે. ‘લીલીવાડી’ એક અદ્ભુત વાર્તા બની શકી હોત જો ઉમાશંકરે ગુલાબડીના હૃદયની ભીનાશ વ્યક્ત કરવાની એક અપૂર્વ ક્ષણને વેડફી નાખી ન હોત. સૂક્ષ્મબિંદુ પર સર્જનક્ષણનો આનંદ વિરલ હોય છે, પણ અણધાર્યો અંત અને નાટકીય વળાંકો આવા આનંદને જુદા માર્ગે વાળી દેતા હોય છે અને વાર્તા પરંપરાનો ભાગ બની જતી હોય છે. ‘રાહી’ વાર્તામાં વાર્તા કહેતા કલજીની ભાષા અને વાતાવરણ જમાવવાની યુક્તિ ભાવકને જકડી રાખે છે. વાર્તાકારે બે કથક કલ્પ્યા છે. રાહીની ખડતલ અને પહાડી કાયાના મોહથી ઘેરાયેલા બે કચ્છી યુવાનોની ફજેતીની આ કથા છે, જે વાચનગમ્ય છે. ‘ચક્કીનું ભૂત’ પણ ‘રાહી’ વાર્તાની ગતિએ ચાલે છે. વહેતી કથનગતિ વાચકને વાર્તારસનો આનંદ આપે છે. ઉમાશંકર જોશીએ સત્યાગ્રહનાં આંદોલનો વચ્ચે ‘વિશ્વશાંતિ’ લખ્યું. તેમ ‘સાપના ભારા’ અને ‘શ્રાવણી મેળા’ની કેટલીક વાર્તાઓ લખી. ગાંધીયુગના સર્જકો ગાંધીજીથી પ્રેરાઈને જીવનના આદર્શ કે જીવનનાં મૂલ્યોનો પ્રચારપ્રસાર જરૂર કર્યાં હશે. એમાં તેઓ સફળ પણ થયા હશે. પણ તેથી પેલા સર્જકને શું? એ સર્જકની ભીતર ચાલતા તૃમુલ યુદ્ધો, એક વ્યક્તિ તરીકે જગતને જોવાની દૃષ્ટિ એ બધાનું શું? ક્યારેક એવું બનતું હોય છે કે યુગસુધારક મૂલ્યોના સંદર્ભે કોઈ સર્જકના સર્જનનું મૂલ્યાંકન કરનારા વિવેચકો અને ઇતિહાસકારો સર્જકની એક વિશિષ્ઠ આભા ઊભી કરી નાખતા હોય છે. જેમાં મોટાભાગે એ સર્જકની મર્યાદાઓ દબાઈ જતી હોય છે. કદાચ ઉમાશંકર જોશીની વાર્તાઓ બાબતે પણ એવું બન્યું છે.
વાર્તાકાર ઉમાશંકર વિશે વિવેચકો શું કહે છે?
ઉમાશંકર જોશીની વાર્તાઓ અને વાર્તાસંગ્રહો માટે તત્કાલીન અને વર્તમાન લેખકો અને વિવેચકોએ ઘણું બધું લખ્યું છે. તે પૈકી કેટલાક અલગ અલગ દિશાનાં વિવેચન અહીં મૂક્યાં છે.
“આ વાર્તાઓમાં નિરૂપણની રીતે પ્રયુક્તિ અને શૈલી પરત્વે પ્રયોગશીલ વલણ ધ્યાન ખેંચે છે. સીધી કથન રીતે પ્રયોજીને વાણીના કાકુઓનો ભરપૂર ઉપયોગ કરીને કથનને રોચક બનાવવાની રીતિ (પગલીનો પાડનાર, હીલ્લી અને મારી ચંપાનો વર) પાત્રોને પ્રયુક્તિ તરીકે યોજતી મનોવિશ્લેેષણાત્મક રીતિ (અમુચમુ) વાર્તાને ચરિત્રાત્મક નિબંધ નજીક લઈ જતી શૈલી (પિપાસુ, વાયોલા), નાટ્યાત્મક રીતિ (લોહી તરસ્યો, છેલ્લું છાણું, ત્રણ અર્ધું બે) ચલચિત્રાત્મક રીતિ (ગુજરીની ગોદડી) પાત્રાત્મક રીતે અને પ્રયુક્તિ (દિની, અંતરપટ) કટાક્ષ રીતિ (પરબીડિયાં, અનામિકા, જાનૈયા) સ્થિતિ સંયોજન પ્રયુક્તિ (કમુ અને કામિની), લોક કથાશૈલી (અલક મલકની કન્યા) આવા આવા પ્રયોગો આ વાર્તાઓમાં મળે છે’
– ડૉ. ધીરેન્દ્ર મહેતા (યુગદૃષ્ટા ઉમાશંકર, ૨૦૦૪, પૃ. ૨૧૭)
‘દ્વિરેફનું માનસ વિશ્લેષણ, ધૂમકેતુની લાગણીશીલતા, મેઘાણીની ધ્યેયનિષ્ઠા કે સ્નેહરશ્મિનું કાવ્ય, મુનશીનો વેગ કે અતિથિનો કટાક્ષ. આમાંની કોઈપણ એક લાક્ષણિકતામાં ઉમાશંકરે વિશિષ્ટ સિદ્ધિ મેળવી નથી. પણ આ બધી લાક્ષણિકતાઓના સમુચિત સમન્વય ઉપરાંત આલેખન સંયોજનની અભિનવ પ્રયોગશીલતા એ ઉમાશંકરની વિશિષ્ટ સિદ્ધિ છે. એ સિદ્ધિને લીધે જ ‘શ્રાવણી મેળો’ની રચનામાં પ્રસન્ન ગંભીર નિર્મળતા અને તાજગી આવી શક્યાં છે અને તેને લીધે જ આ સંગ્રહ ઇતર વાર્તાસંગ્રહમાં દેખાઈ આવતી એકવિધતાથી મુક્ત રહી શક્યો છે’
– મનસુખલાલ ઝવેરી
સર્જક પોતાની આસપાસ જોવા મળતી ક્રૂર અને ભયાનક વાસ્તવિકતાઓથી સંક્ષોભ પામી એનું વસ્તુલક્ષી ચિત્ર રજૂ કરે ત્યારે તેમાં સમાજની વિરૂપતા પ્રગટ કરવા માટેનો આક્રોશ જ મુખ્ય નથી હોતો પરંતુ વિ-રૂપને સ્થાને મંગલકારી જીવનનો ઉદય થાય તેવા માનવતાવાદી સ્વપ્નની ઝંખના પણ હોય છે. માંગલ્ય ખંખતી તે દૃષ્ટિના પ્રભાવે જ ઉમાશંકરની વાર્તાઓના કથાનિવેદકો વાર્તાના સામગ્રીરૂપ વિશ્વથી કળાકીય અંતર જાળવી શક્યા નથી. તેને કારણે ભાવનક્રિયામાં સતત વિક્ષેપ થયા કરે છે.
– જયેશ ભોગાયતા (‘પરબ’, જુલાઈ-ઓગસ્ટ ૧૯૯૭)
‘વાર્તાઓના કેન્દ્રમાં સૌંદર્યમૂલક વાસ્તવલક્ષિતા રહી છે અને તેથી જ સામાજિક સમસ્યાનું, સમાજવ્યવસ્થાનું કઠોરતા કે સમાજવિષમતાનું ચિત્રણ કરવામાં એક સંયત અને વિશિષ્ઠ અભિગમ જોવા મળે છે’
– ‘શ્રાવણી મેળો’ વિશે, ચંદ્રકાન્ત ટોપીવાળા, ગુજરાતી સાહિત્યકોશ-૨, પાના ૬૦૮
સંદર્ભ :
‘શ્રાવણી મેળો’, ઉમાશંકર જોશી
‘વિસામો’ ઉમાશંકર જોશી
‘ઉમાશંકરનો વાર્તાવૈભવ – શ્રાવણી મેળો’, એકત્ર ફાઉન્ડેશન
‘ઉમાશંકરનો વાર્તાવૈભવ – વિસામો’, એકત્ર ફાઉન્ડેશન
‘ઉમાશંકરની નવલિકા’, જયેશ ભોગાયતા ‘પરબ’ ઑક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૭
માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭
