ગુજરાતી નારીસંપદા : કવિતા/ઉત્તર ના મળે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઉત્તર ના મળે

અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

પ્રશ્નનો જો કોઈ ઉત્તર ના મળે, અઘરું પડે,
ને અધૂરી ઇચ્છા જ્યારે ના ફળે, અઘરું પડે.

આપણે જે કંઈ બધું ભૂલીને બેઠાં હોઈએ,
તે જ પાછું આપણી બાજુ વળે, અઘરું પડે.

હોય લાખો દુ:ખ છતાં પણ રાખો મુખ હસતું સદા,
કૈંક જખ્મો અંદરોઅંદર કળે, અઘરું પડે.

સો વિરોધીઓની સામે હું લડત આપી શકું,
પણ કોઈ અંગત જો એમાં જઈ ભળે, અઘરું પડે.

મેં જ સામેથી બધા સંબંધ તોડ્યા છે છતાં,
રોજ એની યાદમાં હૈયું બળે, અઘરું પડે.

***