ગુજરાતી નારીસંપદા : કવિતા/કયાં હશે એ સહુ?
Jump to navigation
Jump to search
ક્યાં હશે એ સહુ?
નયના જાની
⯐
આ ધરતીમાં પડેલી તરડ તો સંધાશે ક્યારેક પણ
આ મારા હોવામાં પડેલી તરડનું શું?
માણસના હોવામાં પડેલી તરડનું શું?
ફરીથી સંધાવાના, કામમાં મન પરોવવાના પ્રયત્નમાં
પથારી પરની ચાદર બદલતાં જોઉં છું ત્યાં
નવી ચાદરની લાલ કાળી ભાત,
નાના નાના હાથીની રૂપાળી ભાત,
કચ્છની કારીગરી!
ને થંભી જાઉં છું હું,
અટકી જાય છે સ્તબ્ધ નિષ્પલક નજર.
કોના કોના હાથે બની હશે આ?
કયાં હશે એ કસબી હાથ?
ક્યાં હશે મેં કદી ન જોયેલાં જાણેલાં એ સહુ સ્વજનો
કોણ હશે ને કોણ નહીં રહ્યાં હોય?
ચાદર પર ફરે છે મારી આંગળીઓ,
ને મારી આંખમાં ભીનાશ!
***