ગુજરાતી નારીસંપદા : કવિતા/જિંદગીની મોજ

જિંદગીની મોજ

દિવ્યા દેઢિયા ‘દિવ્ય’

જિંદગીની મોજ છે બસ પાંખમાં.
કેમ ભ્રમ તેડી ફરે છે કાખમાં?

વાયુને વંટોળની ભીતિ નથી,
સોનલવરણું સ્વપ્ન પેખી ભાખમાં.

બારણાં આતિથ્યનાં જર્જર થયાં,
તોરણો લટકી રહ્યાં બસ શાખમાં.

તાંતણાં સંબંધનાં તૂટી ગયાં,
સૌ હતાં, પણ એકલા ખુદ લાખમાં.

તાપમાં ભીનાશ હારી ઓસની,
સ્નેહ જળબિંદુ સમાયું આંખમાં.

લાગણી અવશેષ જેવી રહી ગઈ.
‘દિવ્ય’ માયા-મોહ ભળશે રાખમાં.

***