ગુજરાતી નારીસંપદા : કવિતા/તને સંભળાય છે?!!!

તને સંભળાય છે?!!!

એષા દાદાવાળા

આજકાલ તારી રાહ જોતાં
જોતાં હું થઇ જતી હોઉં છું
GPS વિનાનો ગુગલમેપ...

ડેસ્ટીનેશન ખબર હોવા છતાં
ક્યાંય પહોંચાડી ન શકતો
ગુગલમેપ......

આ પહેલા તારી રાહ જોતાં
જોતાં
રસ્તો, થાંભલો, પથ્થર,
ચોમાસું, રણ, જંગલ, કટાઇ
ગયેલો સૂરજ
આવું ઘણું-ઘણું થયેલી

પણ મને થાય છે કે
હવે તારી રાહ જોતાં-જોતાં
હું-“તું”જ બની જાંઉ
જેથી તારા કાનમાં કહેતી રહી
શકું કે
“કોઇ તારી રાહ જોઇ રહ્યું છે!"

તને સંભળાય છે?!!!

***