ગુજરાતી નારીસંપદા : કવિતા/દીવાલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દીવાલ

ઉમા પરમાર

હું નાનપણથી એને જોતી,
બધી બાજુએ દીવાલોથી ઘેરાયેલી...
અનિચ્છા, અસંતોષ, અસંમતિ, અભાવ, અકલ્પ્ય અપાર વેદના
અને કંઈ કેટલીયે અ-જન્મી ઇચ્છાઓ સાથે એ રહેતી...
આ ‘અ’ની દીવાલો એને અકળાવતી,
એને ગૂંગળાવતી ને છતાં
એ શ્વસી રહી!
હું જોતી રહી...
મારી ઇચ્છાશક્તિ સાથે હું
મોટી થતી ગઈ ને,
તેમ-તેમ એક પછી એક એ દીવાલની ઇંટ
તોડતી ગઈ...
એની ભીતરની સ્ત્રી પણ તો આ જ ઇચ્છતી હતી
એનું એ સ્વપ્ન મેં સાકાર કર્યું,
ખુલીને શ્વાસ લેવાનું...
હવે, અમને પૂરે એવી દીવાલ નહોતી,
પેલી અકળામણ નહોતી
એ ગૂંગળામણ નહોતી
હું પણ મુક્ત થઈ અને મા પણ!

***