ગુજરાતી નારીસંપદા : કવિતા/બાનમાં રાખી શકે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બાનમાં રાખી શકે

જિજ્ઞા મહેતા

જે ક્ષણોને બાનમાં રાખી શકે,
મોતને પણ એ પરત વાળી શકે.

આંગળીનું ટેરવું બોલ્યા કરે,
તું હથેળીમાં જગત લાવી શકે?.

વિશ્વ આખું ત્રાજવે તોલ્યા પછી,
જાત સાથે ન્યાય ના માંગી શકે?

એક ખાલીપો મને કહેતો ગયો,
ભીડમાં એકાંત એ માણી શકે.

હું તને વિસ્તાર આપું બહુ બધો,
જો મને તું કૌંસમાં રાખી શકે.

***