ગુજરાતી નારીસંપદા : કવિતા/વારતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વારતા

પ્રતિષ્ઠા પંડ્યા

ખાતાં વધેલા, ફેંકી દીધેલા
બ્રેડના ટુકડા જેવી
આ નાની નાની ક્ષણો
હું સતત ખિસકોલીની જેમ
સિફતથી વીણું છું, એકઠી કરું છું
ને પછી ઝીણા ઝીણા
ધીરજના તાંતણે
દરજીડાની ચાંચ લઈ
સીવું છું, જોડું છું
આ નકામી, વધેલી,
કોઈએ ન માંગેલી ક્ષણોના
નાના ટુકડાઓને એકમેક સાથે
વણવા મથું છું એક
સરી જતું, સુંવાળું, રેશમી પોત
આ મલમલિયા પોત પરે
કદાચ હું ચીતરી શકું
કુદરતની જેમ
એક અલ્લડ, અલબેલી,
રંગીલી, મનમોજી વારતા
મારી પોતાની વારતા!

***