ગુજરાતી નારીસંપદા : કવિતા/હે જિજ્ઞાસુઓ

હે જિજ્ઞાસુઓ

દિવા (પાણ્ડેય) ભટ્ટ

હે જિજ્ઞાસુઓ!
મારા કરમોની ફલશ્રુતિ જાણવા
તમે આટલા ઉત્સુક કેમ?
સર્પને લસરવું હોય તો લસરે,
સૂવું હોય તો જાય દરમાં.
મારી હથેળી પર ઊપસેલા ફોલ્લામાં
હું પોતાની મહેનત જોઉં છું
કે સાપને ન મારી શક્યાની નિષ્ફળતા...
તેથી તમારી હથેળીમાં ખંજવાળ આવે
તો હું શું કરું?
રાત્રે ઘેર પાછા ફરતાં
તમે કહો છો માટે મારે ચંપલ ઉતારી લેવાં?
તમે તમારા પાળેલા કૂતરા પાસે મારી ચોકી કરાવો
પછી મારી સામે એ ભસે
કરડવા ધસે
અને મારા હોઠ તમારી સામે હસવાનું ભૂલી જાય
તો અશિષ્ટ તમે નહીં; હું ગણાઉં.
રાત્રે આંખ ઉઘાડી રાખી હું તારા કેમ ગણું છું?
અથવા પાંપણો બીડી સપનાં કેમ જોઉં છું?
સડક પાર કરતાં હું ડાબે કેમ જોઉં છું
ને જમણે કેમ જોઉં છું?
હું રવિવારને બદલે સોમવારે કેમ વાળ ધોઉં છું?...
-એ બધા પ્રશ્નો-
હે બ્રહ્મજિજ્ઞાસુઓ!
તમે મને પૂછવાને બદલે
રસ્તાઓ પર કેમ પાથરી દો છો?
ભીંતે કેમ ચોંટાડી દો છો?
થાંભલે કેમ ટિંગાડી દો છો?
મારી પાસે એના જવાબો છે : જો તમારે જાણવા હોય તો
પરંતુ
હે પરમ ઉત્સુકો!
હું જાણું છું કે
તમને જવાબ જાણવાની કશી જ પડી નથી.
તમારે તો માત્ર પ્રશ્નો જ કર્યા કરવાના છે.
માટે
હું ડાબા પગનું ચંપલ જમણા પગમાં પહેરું છું
અને ઘડિયાળ હાથને બદલે ગળે લટકાવું છું
સાંજે ભૈરવી ગાઉં છું
અને સવારે કલ્યાણ.
તો પણ
શેરીઓમાં રખડતા તમારા પ્રશ્નોના જવાબ હું નહીં આપું.
મારા ઘરને પણ ભીંતો છે.
ભીંતોને છત છે.
છતની ઉપર આકાશ છે.
એ જ આકાશ, જે તમારા ઘરની છત ઉપર છે.
તેથી એક જ આકાશ નીચે સૂતાં હોવાથી
તમે કહો તો જ મારે પડખું ફેરવવાનું?
અને તમે કહો તે બાજુ જ મારે માથું મૂકવાનું?
એવું જો મારી ભાગ્યરેખાઓમાં લખાયેલું હોય
તો મને વંચાવો.

***