ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/લોકશાહીનું ધરુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લોકશાહીનું ધરુ

ઉમાશંકર જોશી

આજની આપણી નૈતિક અધોગતિ દેખી ન જતાં અકળાઈને કોઈ જરૂર કહે કે હિંદ એ મહાન પુરુષોનો પરંતુ અધમ પ્રજાનો દેશ છે. છેવટે તો કોઈ દેશની મહત્તા એણે પ્રગટાવેલા મહાજનોથી નહિ પણ આખી પ્રજાએ સિદ્ધ કરેલી ભૂમિકા ઉપરથી જ આંકવામાં આવે. આજની આપણી સ્થિતિ જોઈને તો મનમાં શંકા ઊપજે એવું છે કે ક્યારેય પણ આપણી સમગ્ર પ્રજાએ વર્તનનું ચાલુ ઊંચું ધારણ પ્રાપ્ત કર્યું હશે કે કેમ? પ્રાપ્ત કર્યા વગર છૂટકો નથી એ તો નક્કી છે.

સમગ્ર પ્રજાનું દૈવત એ તે પ્રજા કેવી રાજસંસ્થા ચલાવે છે એ ઉપરથી તરત પરખાઈ આવે છે. આજે આપણે યુરોપે ખેડેલી લોકતાંત્રિક રાજસંસ્થા વિકસાવવા મથી રહ્યા છીએ. લોકતંત્ર પ્રજાજનોના મતદાન ઉપર જ નભી શકે, તેથી દરેક પ્રજાજનને વાંચતાં તો આવડવું જ જોઈએ. પણ પ્રજાજનોને વાંચતાં શીખવવાથી જ લોકતંત્રનું કામ સધાઈ જતું નથી. કેળવણી માટે આપણો શબ્દ ‘વિનય’ છે. યુરોપે મતદાતાઓને વાંચતાં શીખવ્યું, કહેવું જોઈએ કે યુરોપે તો એથી પણ વધારે કેળવણી ફેલાવી, પણ તેને પરિણામે માણસો ખરેખર વિનીત થયા? તો પછી બે ભયંકર મહાયુદ્ધોથી યુરોપ લોહીલુહાણ શા માટે થયું? પશ્ચિમમાંથી જગતને ખૂણે ખૂણે દ્વેષના દાવાનળ શા માટે સતત ફૂંકાયા જ કરે છે?

યુરોપની કેળવણીથી આખી પદ્ધતિ સંવાદી માનવ-વ્યક્તિત્વ પ્રગટાવવાને બદલે એકંદરે માનવી-વાસનાઓને વકરાવનારી નીવડી છે. આજે કેળવણીની પુનર્ઘટના માટે પશ્ચિમના ચિંતકો મથી રહ્યા પણ છે. આપણે સદ્ભાગ્યે ગાંધીજીએ પાયાની કેળવણીની ભેટ આપી છે. એને એમણે પોતાની સર્વોત્તમ ભેટ તરીકે ઓળખાવી છે. એને પૂરા હૃદયથી ખેડીને જગતને ભેટ રૂપે આપણે ધરી શકીએ.

માણસને સરળતાપૂર્વક મત આપનારો જ નહિ પણ ‘માણસ’ બનાવે એવી કેળવણી એને જિંદગીની શરૂઆતમાં જ મળવી જોઈએ. તો જ એ જેના સંચાલન માટે મત આપે છે તે લોકતંત્ર તે કોઈને કોઈ જાતનું એક ષડ્‌યંત્ર બનવાને બદલે માણસાઈવાળી સર્વોદયસાધક વ્યવસ્થા બને. આ રીતે, પ્રાથમિક કેળવણી એ મોટી જવાબદારીનું ક્ષેત્ર છે. પ્રાથમિક કેળવણી એટલે લોકશાહીનું ધરુ. પ્રાથમિક કેળવણીએ જેવા રોપ આપ્યા હશે એવા છોડ લોકતંત્રમાં જોવા મળશે, એવાં ફળ લોકતાંત્રિક વ્યવસ્થામાંથી આખરે મળશે.

આજની આપણી અધોગતિમાંથી ઉગારો હોય તો તે, પોતાને જે કામ મળ્યું હોય તે ઉત્તમ રીતે બજાવી છૂટવા ઉપરાંત, આપણી ઊછરતી પ્રજાને માણસાઈની કેળવણી મળે તે માટે મથવાનું છે. મોટાંઓએ આપણને આશાભંગ કર્યા છે, તો मन शिशुभ्यः કરીને પ્રાથમિક કેળવણીથી આરંભી પાયાથી જ પુનર્નિર્માણ કરવાનું રહે છે.

આ ભગીરથ કાર્યને દેશના ઉત્તમમાં ઉત્તમ માણસોએ પોતાનું કરવું જોઈએ. આપણા રાજતંત્રે પણ એમાં ઉત્તમ માણસો કામ કરી શકે અને એમને ઉત્તમ સાધનો સુલભ રહે તે જોવું જોઈએ. આપણો દેશ ખેતીપ્રધાન છે અને એકંદરે રહેશે. પાયાની કેળવણી દ્વારા જેટલી માનવ-કેળવણી એને આપીશું એટલી જ ફળવાની છે. એ દ્વારા જ આખી પ્રજાનું પોત બંધાવાનું છે.

એક વાર ભગવાન બુદ્ધ એક ખેડૂતને બારણે ભિક્ષા માગતા ઊભા. ખેડૂતે એમને કહ્યું, શરીરે તો સાબદો છે, ખેતી કરીને પેટ ભરતાં શું થાય છે? ભગવાન બુદ્ધે શાંત ગંભીર સ્વરે એને કહ્યું: ભાઈ, હું પણ ખેતી કરું છું. માણસોનાં મન તપના હળ વડે ખેડું છું, સદ્વિચારની વાવણી કરું છું અને સત્કર્મનો પાક લઉં છું.

આપણા આ મહાન શિક્ષકે ખેડેલા માર્ગે આપણા શિક્ષકોએ યથાશક્તિ અનુસરવાનું છે. માર્ચ, ૧૯૪૯