ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/સારસ્વત ધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સારસ્વત ધર્મ

ઉમાશંકર જોશી

આપણા દેશની જુદી જુદી ભાષાઓના સાહિત્યકારોને મળવાનું થાય છે ત્યારે એકમેકને કે એકમેકના કાર્યને ભલે ઓળખતા ન હતા પણ બધા કેવા એક રીતે જ જાણે અંધકારમાં માર્ગ (groping) કરી રહ્યા હતા તેનું ભાન તો તરત થાય છે જ, આપણા દેશની જનતાની અનર્ગળ સહનશક્તિને અને એની મૂંગી આશાઆકાંક્ષાઓને વાચા આપી શકે એવાં ઉચિત સાહિત્યસ્વરૂપોની ખોજનો અણસારો પણ મળી રહે છે. પણ તે છતાં મુખ્યત્વે વાતો સાહિત્યઆયોજન (ટેક્નિક) અંગે કે સર્જન અંગે થતી હોય છે એવું નથી. દેશના મહાપ્રશ્નો, માનવજાતિની સમસ્યાઓ અંગે ઘણી ચર્ચા તો ચાલે છે. સાહિત્યના માણસો ઘણુંખરું દુનિયાની ઘટનાઓમાં સીધા સંડોવાયેલા નથી હોતા, પણ એનો અર્થ એ નથી કે તેઓ ચંદનમહેલ (ivory tower)માં રહે છે. દેશની અટપટી વિટંબણાઓનો ખ્યાલ પટુકરણ ગણાતા આ વર્ગને બેચેન બનાવ્યા વગર રહે એ કેમ બને? જીવન કેમ વધુ ઉન્નત બને, વધુ શ્રીભર બને. એ માટે એ પણ સળગી રહ્યા હોય છે.

પણ સાહિત્ય અને કલાના ઉપાસકોની સાધના અલગ પ્રકારની હોય છે. લોકજીવનમાં મૂળિયાં નાખ્યા વગર એ જીવી જ ન શકે, પણ જગતના રાગદ્વેષોથી પૂર્ણપણે લિપ્ત થવું એમને પાલવે નહિ. દુનિયામાં ક્લેશો તો ઊકળતા હોય છે. ક્લેશોે વકરાવનારાઓની કમીના હોતી નથી. સરસ્વતીના ઉપાસકો તો એ ક્લેશોની અંદર સ્ફુરી રહેલા સંવાદિતાના બીજને પોષવા મથી રહેતા હોય. સારસ્વતોની આ સંવાદિતાની સાધના ઘેલછાભરી આદર્શમયતા નથી. વિશ્વક્રમમાં, વ્યવહારમાં એનો ઉપયોગ છે. સમાજમાં એવી વ્યક્તિઓ કે વ્યક્તિમંડળો જોઈએ, એ સમાજના વારે વારે પલટાતા રાગદ્વેષોને વશ ન થાય એટલું જ નહિ, વખત આવ્યે સમાજની સામે ઊભા રહીને પણ એને એનો કલ્યાણાર્ગ ચીંધી શકે. વાલ્મીકિ ન હોત તો સીતા ક્યાં જઈને રહેત? વાલ્મીકિ ન હોત તો સીતાનો સ્વીકાર કરવા માટે અયોધ્યાના લોકોને દમ ભીડને કહેત કોણ? આપણા દેશનો ઇથિહાસ જોઈશું તો જણાશે કે વ્યવહારના – રાજકારણના માણસોએ દેશને ઘણુંખરું છિન્નભિન્ન રાખ્યો, તે છતાં દુનિયાને અચંબો ઉપજાવે એવી વિરલ આંતર એકતા આ દેશમાં શી રીતે ઘૂંટાઈ અને દેશની પડતી વેળા આવી તોયે ટકી રહી? દેશની આવી એકતાની સાધનામાં સારસ્વતોનો મોટો ફાળો છે.

એ ધર્મ બજાવવાની જરૂર અત્યારે ઓછી છે એમ માનવાનું નથી. બલકે આજની ઘડીએ સારસ્વતોએ વ્યક્તિ તરીકે તેમજ મંડળો તરીકે એકતા અને સંવાદિતાની પોતાની સાધના વધુ સક્રિય બનાવવાની જરૂર છે. રાજકારણના માણસો આ સાધનાનું ગૌરવ આપોઆપ સમજી શકે એવી શુદ્ધ અને અસરકારક પણ એ હોવી જોઈએ. દુષ્યન્ત કણ્વના તપોવનમાં ‘વિનીત વેશ’માં જવાનું વિચારે છે. ધન કે સત્તાના માણસો સારસ્વત મંડળોમાં ‘વિનીત વેશે’ આવે એટલો એ મંડળોએ પોતાનો પ્રભાવ પ્રગટાવવો જોઈએ. પોતે એમના વર્ચસ્ નીચે તો હરગિજ ન આવે.

ભક્ત સોહિરોબાની નીચેની પંક્તિઓમાંની ભાવનામાં આ સંવાદિતા અને એકતા સ્થાપતા ધર્મની ચાવી છે:

आम्ही न होत पांचांतले, न हो पंचवीसांतले, या सर्वाहि वळतुनिया आम्ही आंतले आंतले हो। आम्ही न हो लश्रांतले, न हो पक्षांतले, या सर्वांहि वळखुनिया असूं अलक्षांतले हो। आम्ही न हो मंत्रांतले, न हो तंत्रांतले या सर्वांहि वळखुनिया नसूं मायेच्या यंत्रांतले हो।

— અમે નથી પાંચમાંના, નથી પચીસમાંના, એ બધાને ઓળખી લઈને અમે અંદરના છીએ. અમે નથી લાખમાંના, નથી પક્ષમાંના, એ બદાને ઓળખી લઈને અલક્ષમાંના છીએ; નથી મંત્રમાંના કે તંત્રમાંના, એ બધાને ઓળખી લઈને માયાના યંત્રમાત્રના રહ્યા નથી. નવેમ્બર, ૧૯૫૩