ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/સાધુઓનું પિયર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાધુઓનું પિયર

કાકાસાહેબ કાલેલકર

કોઈ નિરાશ થયેલા વેપારીને આશીર્વાદ અને ઉત્સાહ આપી એક સંન્યાસીએ ધંધામાં પાછો વાળ્યો. વેપારીનું ધંધામાં ભાગ્ય ખૂલ્યું. સંન્યાસીએ વેપારીની કૃતજ્ઞતાની ભેટ સ્વીકારવાની ના પાડી અને કહ્યું, ‘તારે પૈસા ખરચવા હોય તો હિમાલયના યાત્રીઓનું દુઃખ દૂર કરી એમની બધી સગવડ કરી આપવામાં ભલે ખરચ.’ વેપારીએ હૃષીકેશથી બદરીનારાયણ સુધી યાત્રાળુઓ માટે મોટી સગવડો ઊભી કરી; સંન્યાસીએ એની દેખરેખ પોતાને માથે રાખી. સંન્યાસી જાતે એટલા વિરક્ત કે પોતાની દેખરેખ તળેના કોઈ પણ અન્નછત્રમાં જમે તે પહેલાં અમુક ઘડા પાણી આણીને છત્રના હોજમાં રેડ્યા વગર રહે નહીં. એ સંન્યાસીએ ‘પક્ષપાતરહિત અનુભવ-પ્રકાશ’ કરીને એક ગ્રંથ પણ લખ્યો છે. સંન્યાસીની કફની કાળા કામળાની બનાવેલી હતી, તેથી એમનું નામ ‘બાબા કાલીકમલીવાલે’ પડ્યું હતું.

સાંજે અમે હૃષીકેશ પહોંચ્યા તે આ કાલીકમલીવાલાની ધર્મશાળામાં જ. મહારાષ્ટ્રમાં પણ ધર્મશાળાઓ હોય છે. પણ ત્યાં મકાન સાચવવા ઉપરાંત રખેવાળને ઝાઝું કામ નથી હોતું. પંજાબ તરફ ધર્મશાળા એ સંસ્થા જ જુદી છે. શીખ લોકોના ગ્રંથસાહેબ જ્યાં રખાય છે ને વંચાય છે તે સ્થાનને ત્યાં ‘ધર્મશાળા’ કહે છે. અસલ એ જ અર્થ બરાબર છે. એવાં ગુરુદ્વારા અથવા ધર્મશાળામાં યાત્રાળુ અને અતિથિ આવી સુખેથી રહી શકે છે. ધર્મશાળાના સાધુઓ અને વ્યવસ્થાપકો એમની સગવડ તરફ ખાસ ધ્યાન આપે છે.

આ આતિથ્યનું પ્રમાણ આપણે ધારીએ અથવા ઇચ્છીએ એના કરતાં વધારે હોવાથી પહેલે અનુભવે હું ઠીક ઠીક મૂંઝાયો. અમે ધર્મશાળામાં ગયા કે તરત જાણે નોતરેલા મહેમાનો હોઈએ તેમ અમારું સ્વાગત પ્રસન્ન વદને થયું. જમણી બાજુ મેડા પર અમને એક ઓરડી આપવામાં આવી. એક માણસ ત્યાં આવી દીવો કરી ગયો. બીજો આવીને પૂછે, ‘શાં શાં વાસણ જોઈએ છે?’ અમારી લેવાની તૈયારી હોત તો અમને સીધું પણ આપત. આવા સ્વાગતને માટે તૈયાર નહીં હોવાથી હું મૂંઝાઈને એક ખૂણામાં બેસી ગયો. સ્વામીને અજાણ્યા સમાજમાં ભળતાં સરસ આવડે છે. બુવાને અને મને હિંદી આવડે નહીં એ અમારી અગવડ હતી. એટલે ફરવા-ચરવાનું કામ સહેજે સ્વામીનું હતું. એ જ અમારા મુખી બન્યા. આખી યાત્રામાં એમણે એ ભાગ યોગ્યતાપૂર્વક ભજવ્યો. કોક કોક વાર તેમના ઉત્સાહને લીધે અમારે ખમવું પડતું. પણ સરવાળે એમની આગેવાનીથી અમારી સગવડ અને શાંતિ ખૂબ જળવાતી.

બુવાએ રાંધ્યું. લાકડાના ધુમાડાએ સાસુપણું ઠીક ઠીક ભજવેલું હોવાથી મૂક વહુની પેઠે બુવાએ પુષ્કળ રડી લીધું હતું. અમે ત્રણેયે ખાધું. જ્યારે મુખ્ય વ્યવસ્થાપક સંન્યાસી કુશળપ્રશ્ન અને અમારી હાજતો પૂછવા આવ્યા ત્યારે એના જવાબ આપવાને સ્વામીને મુખત્યારપત્ર આપી હું નિરાંતે સૂઈ ગયો. ધર્મશાળામાં એટલા બધા યાત્રીઓ ભેગા થયા હતા કે ત્રીજા વર્ગના મુસાફરખાના જેટલી જ ત્યાં ધમાલ હતી. એટલે આસપાસ ફરવાનું કે નિરીક્ષણ કરવાનું જરાસરખું મન ન થયું.

સવારે ઊઠતાંવેંત સ્વામીએ રાત્રે મેળવેલી કેટલીય હકીકત અમારી આગળ પીરસી. અહીં આટલી ધર્મશાળા છે, આટલાં અન્નછત્રો છે; પાસે જ ઝાડી કરીને બોરવન છે, એમાં સાધુઓ ઝૂંપડીઓ બાંધીને રહે છે; પંજાબી ધર્મશાળાની આવક ઘણી છે, વગેરે બધું કહ્યું. ઊઠીને શૌચ જઈ આવ્યા ત્યાં તો હાથપગ ધોવા પાણી આપનાર પણ એક માણસ તૈયાર. યાત્રીઓ માટે આટલી આગતાસ્વાગતા સારી નથી એમ તે વખતે મનમાં થયેલું તે આજે પણ કાયમ છે.

આપણાં કાવ્યોમાં, પુરાણોમાં અથવા આજકાલની નવલકથાઓમાં શૌચવિધિનો ઉલ્લેખ કોઈ ઠેકાણે આવતો જ નથી. સ્મૃતિવચનો બહાર જાણે એ વસ્તુને સ્થાન જ નથી. આ ધર્મશાળાની આસપાસ પણ એ આવશ્યક વિધિ માટે કોઈ ખાસ જગા કે સગવડ હતી નહીં. બાકીની બધી સગવડો જોઈએ તે કરતાં વધારે, પણ આ કુદરતી હાજત તો કુદરત પર જ છોડી દીધેલી! એટલે મેં મનમાં વિચાર કર્યો, હું જો સંન્યાસી થાઉં અને મારા આશીર્વાદથી જો કોઈ નિરાશ વેપારી કરોડપતિ થાય તો એને પુણ્યના માર્ગ તરીકે હું એમ જ સૂચવું કે, ‘એકે નવી ધર્મશાળા ન બાંધતો, હિંદુસ્તાનમાં જ્યાં જ્યાં ધર્મશાળાઓ હોય ત્યાં ત્યાં શૌચવિધિ માટે આદર્શ સ્થાનો બાંધજે. આમ કરવાથી તું તો સ્વર્ગે જઈશ જ, પણ આ દેશના લાખો યાત્રાળુઓને સવારના નરકમાંથી બચાવીશ.’ મને બનારસના ત્રૈલિંગ સ્વામીનું સ્મરણ થયું.

હૃષિકેશની ભૂમિ પર રામચંદ્રજીના ભાઈ ભરતની માલિકી જણાય છે. સાધુઓને ઝૂંપડી બાંધવી હોય તો તે ભરતમંદિરના વ્યવસ્થાપકોની પરવાનગી લેવી પડે છે. ભરતજીનું દર્શન કરી અમે માર્ગે સિધાવ્યા.

કોઈ પણ સ્થળે અનેક વાર ગયા હોઈએ તો પ્રથમ દર્શનનું કૌમાર્ય નષ્ટ થાય છે. પણ કાલીકમલીવાલાની ધર્મશાળામાં ત્યાર પછી અનેક વાર હું ગયો છું છતાં પહેલા દિવસનું સ્મરણ આજે એટલું ને એટલું તાજું અને નવીન છે.

એક તરફ પહાડની ઝાડી અને બીજી તરફ ગંગાજીનું પુલિન એવી શોભા નિહાળતા નિહાળતા અમે ચાલ્યા. ત્યાં ડાબી બાજુ ધનરાજગિરિની કોઠી આવી. આનું પાડેલું નામ ‘કૈલાસકીર્તિ આશ્રમ’ છે, પણ તે ધનરાજગિરિની કોઠી તરીકે જ ઓળખાય છે. વિદ્વાન સંન્યાસીઓની આ વેદાંતની કૉલેજ છે એમ કહીએ તો એનો પૂરતો ખ્યાલ આવી જાય. અત્યંત પ્રાચીન કાળથી સંન્યાસીઓએ આ ગંગાતટ ધ્યાન-અધ્યયન માટે પસંદ કર્યો છે. અહીં અન્નછત્રો સ્થપાયાં તે પહેલાં સાધુઓ સવારની સાધના પૂરી કરી અગિયાર માઈલ ચાલીને ભિક્ષા માટે હરદ્વાર જતા અને ત્યાંથી એટલા જ માઈલ પાછા આવી ફરી પોતાની ગુહામાં પ્રવેશ કરતા. એમની હાડમારી જોઈ હૃષીકેશમાં અન્નછત્ર સ્થપાયું અને અહીંથી શાકરોટલી વગેરે ઝાડીમાં ફરીને સાધુઓને પહોંચાડવામાં આવતું. પછી તો સાધુઓ જ અન્નછત્રમાં આવીને ભિક્ષા લઈ જાય એવી ગોઠવણ થઈ. કેટલાંક અન્નછત્રમાં અમુક પ્રમાણમાં જ ખોરાક અપાય છે. જ્યારે કેટલાકમાં સાધુઓ માગે તેટલો. સાધુ માંદા કે બંગાળી હોય તો તેમને ભાત મળે છે. પેટૂડા સાધુઓ બેમાંથી એક વર્ગમાં ઘૂસી ભાત મેળવે છે, બીજા અન્નછત્રમાં જઈને દાળરોટલી મેળવે છે અને ગંગાને કિનારે બેસી એ આરોગે છે. રોટલીની કિનારનો હક તો ગંગાનાં માછલાંનો.

હૃષીકેશની ઝાડીમાં સાધુ સુંદર ઝૂંપડાં બાંધે છે. જંગલમાંથી ઘાસ આણે, એમાંથી થોડાનાં દોરડાં બનાવે. લાકડાં માટે તો દૂર જવું પડતું જ નથી. ગંગાજીમાં કેટલાંયે લાકડાં સાફ થયેલાં તણાઈ આવે છે. એમને જ વેઠે પકડે એટલે કામ સર્યું. એક દિવસમાં એક ઝૂંપડું તૈયાર. દસવીસ ઝૂંપડાં વચ્ચે એક વ્યાખ્યાનમંડપ પણ બાંધેલો હોય. એમાં કોઈ વિદ્વાન આચાર્ય બેસીને રોજ સાંજે પ્રસ્થાનત્રયીનું વિવરણ ચલાવે, અને નાનામોટા સાધુઓનું જૂથ ‘બ્રહ્મ સત્યં જગન્મિથ્યા’નો સિદ્ધાંત અનેક રીતે સમજી લે. અહીં બધું ચર્વિતચર્વણ જ ચાલે છે એમ નથી. નવી નવી શંકાઓ ઊઠે તેના જવાબમાં નવી નવી દલીલો થાય. કેટલાક અર્ધદગ્ધોનો પાશ્ચાત્ય વિચારોનો કઢંગો સમન્વય કરવાનો પણ અહીં પ્રયત્ન ચાલે. કુંભનો મેળો આવે ત્યારે આવા નવા ઉમેરાનો વિનિમય થાય અને શાસ્ત્રાર્થમાં રસ વધે. આ રીતે આપણા સાધુઓએ આપણું અધ્યાત્મશાસ્ત્ર જીવતું, જાગતું અને ગાજતું રાખ્યું છે.

કહે છે કે, ઔરંગઝેબ એક વાર આ અધ્યાત્મના વિદ્યાપીઠ પર કટક લઈને આવ્યો. સાધુઓએ પોતાનાં ઝૂંપડાં બાળી નાખ્યાં અને તેઓ જંગલ-ગામડાંમાં વેરાઈ ગયા. સૈનિકો એમની પાછળ ક્યાં સુધી દોડે? ઔરંગઝેબ ફજેત થઈને પાછો ગયો અને ત્રણ જ દિવસમાં એ વિદ્યાપીઠ પહેલાં હતી તેવી જામી. જેઓ અપરિગ્રહવ્રત પાળે તેઓ પરતંત્ર કે પરાસ્ત શી રીતે થાય!

અહીંથી આગળ જતાં રામાશ્રમ આવ્યો. આ નાનકડી સંસ્થા સ્વામી રામતીર્થના સ્મરણમાં આગ્રાના લાલા બૈજનાથે ઊભી કરી છે અને એમાં એમણે પોતાની એક નાનકડી લાઇબ્રેરી રાખી છે. લાલા બૈજનાથ હિંદુ ધર્મના ઊંડા અભ્યાસી. ‘પ્રાચીન અને અર્વાચીન હિંદુ ધર્મ’ એ એમની અંગ્રેજી ચોપડી મેં વાંચેલી. લાલાજી આશ્રમમાં છે એમ ખબર પડતાં એમને મળવાનું મન થઈ આવ્યું. એમની સાથેની વાત પરથી મારા પર એવી છાપ પડી કે, રામતીર્થના આ ભક્તના મનમાં કાંઈક એવો ખ્યાલ છે કે રામતીર્થના ઘડતરમાં પોતાનો પણ કંઈક હાથ અથવા ફાળો છે અને એ વાત સાચી પણ હોય. એમણે એમને જમવાનું આમંત્રણ આપ્યું. અમે જમ્યા. એમને ગમે કે ન ગમે એનો વિચાર કર્યા વગર એમના દીવાનખાનામાં થોડુંક સૂઈ ગયા. પછી વાતો કરી અને આગળ ચાલ્યા.

આજકાલના સાધુઓ શાસ્ત્રાધ્યયન કરતા નથી, જીવનની નવરાશ વેડફી નાખે છે; એમને કેળવીએ તો ધર્મની ભારે સેવા થાય, દેશનો સર્વાંગીણ ઉદ્ધાર થાય, એ જાતની ધૂન લાલાજીના મનમાં હતી, એટલે ભણેલા વિરક્ત યુવાનોનો સંગ્રહ કરી આવા આશ્રમોમાં નવા નવા સ્વામી રામતીર્થો ઘડી કાઢવા એ તલસતા હતા. અમારા તરફ કંઈક લોભી નજરે એ જોતા હતા એ વાત મારાથી છૂપી ન રહી. પણ અમે કોઈ ઠેકાણે થોભવા આવ્યા ન હતા. અમે તો ચાલવાની ધૂનમાં હતા. ઘણાં વરસ પછી એ જ લાલા બૈજનાથને હું આગ્રામાં મળેલો. ત્યારે પણ મને એમણે અકબરની પ્રખ્યાત કબરને રસ્તે યમુનાકિનારે પોતે એક નિવૃત્તિસ્થાન બાંધ્યું છે તે બતાવી ત્યાં નિવાસ કરવાને લલચાવ્યો હતો. એ નિવાસસ્થાનની રચના બહુ મજાની હતી. એક ટેકરાને માથે એક ઓરડી બાંધેલી. એ પુસ્તકાલય તરીકે કામ આવવાની હતી. એ ઓરડી તળે ટેકરાના પેટમાં બીજી ઓરડી હતી. એ ઓરડીમાં યમુના પરથી આવતો ઠંડો પવન હંમેશાં મળતો. પ્રકાશ પણ એ જ રસ્તે આવતો. આ ઓરડી ધ્યાન માટે હતી. પાસે જ એક રસોઇયાની ઓડી થવાની હતી. આ સ્થાનમાં રહી સંસ્કૃત અને અંગ્રેજી ધર્મગ્રંથોનું ઊંડું અધ્યયન કરવું અને દેશપરદેશમાં ધર્મનો પ્રચાર કરવો એ એમની સૂચના હતી.

અમે રામાશ્રમમાંથી બહાર નીકળ્યા ત્યાં તો જમણી બાજુ ખડક તળે વહેતી ગંગાને કિનારે વાંસનો તરાપો બનાવતા સુતારને મેં જોયા. મને તરત રાતની હાડમારીનું સ્મરણ થયું. એક સુતાર પાસે જઈને મેં કહ્યું, ‘ભલા માણસ, આ વાંસમાંથી એક વેંતની ભૂંગળી મને ન આપે?’ એણે બે આપી અને બુવાને ચૂલો સળગાવવાની ભારે સગવડ થઈ. આ વેણુ ધમનીએ આખી મુસાફરીમાં ઇંધન પ્રદીપ્ત કરવાનું અમારું કામ કર્યું. આખરે બુવાની ગફલતથી એ અર્ધી બળી ગઈ અને બાકીની કોઈના પગ તળે આવી ભાંગી ગઈ. બીજી ભૂંગળીનું શું થયું એ યાદ નથી. આવી વાંસની ભૂંગળી સાથે રાખવાનું મને સૂઝ્યું એટલે બુવા અને સ્વામી આગળ મારી સૂઝશક્તિની પ્રતિષ્ઠા ઠીક ઠીક જામી અને અત્યાર સુધી એમાં ઉમેરો જ થતો ગયો છે.

અહીંથી અમે લક્ષ્મણ ઝૂલા પહોંચ્યા. હૃષીકેશથી લક્ષ્મણઝૂલા સુધી રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ એ પ્રમાણે ચાર મંદિરો છે. રામમંદિરની આસપાસ બજાર છે અને સામે નાનો સરખો ત્રિવેણીસંગમ છે. ભરત તો, ઉપર કહ્યું તેમ, અહીંની બધી ભૂમિનો માલિક છે. શત્રુઘ્ન આગળ ટેહરી દરબાર તરફથી યાત્રીઓ અને મજૂરો વચ્ચે કરાર લખાય છે અને લક્ષ્મણ તો ગંગા પાર કરનાર યાત્રાળુઓ પર નજર રાખે છે.

કુલી સાથેનો કરાર એ મહત્ત્વની વસ્તુ છે. ટેહરી રાજ્યમાં કેળવણીનો બહોળો પ્રચાર છે જ નહીં. આ જંગલી કુલીઓ યાત્રાળુઓના જાનમાલ અક્ષરશઃ માથે ચડાવી ભયાનક અરણ્યમાંથી પસાર થાય છે. તેમના પર રાજ્યનો અંકુશ જરૂરનો છે અને ધૂર્ત દુનિયામાંથી આવનાર અને પાપના પ્રાયશ્ચિત્ત માટે યાત્રા કરવા છતાં પોતાની ટેવ ન છોડનાર યાત્રાળુઓ બિચારા મજૂરોને ન જ ઠગે એની પણ ખાતરી નથી. એટલે મજૂરો કરાર વગર એક ડગલું પણ ન ચાલે. ગંગોત્રી અને જમનોત્રી તથા કેદાર બદરી એ ચાર સ્થાનોની યાત્રા કરી યાત્રાળુઓ રામનગર, આલમોડા કે કાઠગોદામ પહોંચે છે. પણ મજૂરો ત્યાં સુધી નથી જતા, ટેહરી રાજ્યની હદ તો બદરીનારાયણથી પાછા જતાં મિલચૌડી અથવા ગણઈ કરીને સ્થાન છે ત્યાં આવે છે. એટલે ટેહરીના મજૂરો પરરાજ્યમાં ન્યાય ન મળે એ બીકે આગળ જતા નથી. મિલચૌડીમાં નવા મજૂરો કર્યે છૂટકો.

લક્ષ્મણઝૂલાનો હાલનો પુલ લોઢાની દોરડી અને સળિયાનો બનાવેલો ઝૂલતો છે. દાનશૂર શેઠ સૂરજમલે તે બંધાવ્યો અને એના પર યાત્રીઓ પાસેથી કર લેવાય નહીં એવો નિયમ કર્યો. પહેલાં ગંગા ઓળંગવા માટે અહીં શીકાનો પુલ હતો. એક શીકા પરથી બીજા શીકા પર થઈને જતાં જાનનું જોખમ તો ખરું જ; પણ ઊંડાણમાં જોશભેર વહેતી ગંગા તરફ જોવાથી ચક્કર ખાઈને વગર જોખમે પણ માણસ નીચે પડી જાય. તાકીને પ્રવાહ તરફ જોવાથી એમ જ લાગે છે કે, પુલ મહાવેગે પ્રવાહની ઊલટી દિશામાં દોડે છે. ટ્રેનમાં બેઠાં ઝાડ દોડતાં દેખાય છે તેવી જાતની આ અસર છે. કલકત્તાના દાનશૂર શેઠે આ સલામતીવાળો પુલ બાંધી ભારે પુણ્ય મેળવ્યું એમાં શંકા નથી. પણ યાત્રાનું જોખમ ઘટવાની સાથે યાત્રીઓનું પુણ્ય પણ ઘટ્યું એ આપણે ભૂલી ન જઈએ. જ્યાં સુધી શીકાના પુલ પરથી જળસમાધિ મળવાની પૂરેપૂરી બીક હતી ત્યાં સુધી સામા કાંઠાના પ્રદેશનું સ્વર્ગાશ્રમ એ નામ અન્વર્થક હતું. હવે તો ધર્મરાજાનો જ નહીં પણ ગમે તે ગામઠી કૂતરો પણ એ પુલ પરથી સ્વર્ગે જઈ શકે છે.

લક્ષ્મણઝૂલા આગળ ગંગાની શોભા કંઈક અનેરી છે. સામસામા ઊંચા ખડક અને વચમાં સ્વચ્છ લીલું જળ બંધનમુક્ત થયાના આનંદથી દોડતું હોય અને આસપાસના ઊંચા પહાડ પરનાં નાનાંમોટાં વૃક્ષો એ દૃશ્ય જોતાં હોય, ત્યારે કોણ કોની શોભા વધારે છે એ કહેવું મુશ્કેલ થઈ જાય છે.

કેટલાંક સ્થાનોની અસર કંઈક અદ્ભુત હોય છે. જેટલી વાર લક્ષ્મણઝૂલાના પુલ પરથી પસાર થયો છું તેટલી વાર સૃષ્ટિ ચૈતન્યમય છે, અંતરાત્માએ જ આ જાતજાતના આકાર ધારણ કર્યા છે અને જેમ હજારો ને લાખો વરસથી ગંગાનાં પાણી વહેતાં છતાં એનો અંત આવતો નથી, તેમ અંતરાત્માની વિભૂતિઓનો પણ અંત નથી, એ વિચાર મનમાં અચૂક આવ્યો છે. નદીનાં જળ અને તેમાં રમતાં માછલાં, ઝાડનાં પાંદડાં અને એમાં ગાતાં પક્ષીઓ, બીડનું ઘાસ અને એના પર ચરતાં પશુઓ, અને એ બધાનો દ્રોહ કરતાં છતાં પરમપિતાનો વારસો મેળવવા ઇચ્છનાર માણશ, બધાં એક જ છે; દ્રોહ અને પાપ એ માયા છે; અભેદ અને પ્રેમ એ જ સાચા છે; એ જાતના વિચારો, કોણ જાણે શાથી, પુલ પર જ્યારે જ્યારે પગ મૂક્યો છે ત્યારે ત્યારે મનમાં આવ્યા છે અને બુવા સાથે એની ચર્ચા કરી છે.

હિમાલયની બધી યાત્રા પૂરી કર્યા પછી આ ઝૂલાને પડખે જ સ્વર્ગાશ્રમમાં બુવા અને હું રહ્યા હતા. તે વખતે સાંભળ્યું કે અહીંથી નીચે બે-એક માઈલ પર ઘણાં વરસ પહેલાં એક સાધુ રહેતો હતો અને ‘સોહમ્’નો જાપ કરતો હતો. એક દિવસ ભૂખ્યા વાઘે એના પર તરાપ મારી તોયે એનું ‘સોહમ્’ તો ચાલતું જ હતું. સોહમ્ એટલે જ અભેદ. એ સાધુને મરણ વખતે પણ વાઘની બીક કે ક્રોધ ન મળે. એ જ સ્થાને અતિ પ્રાચીનકાળમાં આપણા ધાર્મિક ગ્રંથો લખાયાની દંતકથા પણ મેં સાંભળી હતી. પણ એ કથા ભગવાન વ્યાસ વિશે હતી કે આદ્ય શંકરાચાર્ય વિશે, તેનું અત્યારે સ્મરણ નથી.

આ સ્થાનમાં બોરડીનાં ઝાડ ખૂબ છે. અને નજીક જે ડાંગરનાં ખેતરો છે તે આસપાસના બધા મુલકમાં પ્રખ્યાત છે. તપોવનના ‘બારમાસી ચાવલ’નો ભાત ખાવા અમીર અને ફકીર તો શું દેવ અને પિતરો પણ લલચાય.