ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/હિમાલયની પહેલી શિખામણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હિમાલયની પહેલી શિખામણ

કાકાસાહેબ કાલેલકર

ભીમતાલથી આગળ ચાલ્યા. રસ્તો સપાટ હતો. દૂર ડાબી બાજુએ હારબંધ રાવટીઓ દેખાતી હતી. માંદા સોલ્જરો ત્યાં રહેતા હતા એમ, પૂછતાં ખબર પડી. પહાડના માથા ઉપર આખરે પહોંચ્યા. અપાર આનંદ થયો અને ચિરપરિચિત સપાટ ભૂમિ ઉપર અમે જોસભેર ચાલવા લાગ્યા.

પણ હિમાલયે તો, એક જ દિવસમાં જાણે બધાય પાઠો શીખવી નાખવા હોય તેમ, ફરી અમારા અભિમાન ઉપર આઘાત કર્યો. અરેબિયન નાઇટ્સમાં અથવા પંચતંત્રમાં એક વાર્તામાંથી નવી વાર્તા ફૂટે છે તે પ્રમાણે, આ પર્વતશિખર ઉપર પહોળો થઈને બેઠેલો એક નવો જ પહાડ આવી પડ્યો. ચાર મજૂરના ખભા ઉપર આરામખુરશીમાં કોઈ અમીર બેઠો હોય તે જ ગંભીર ભવ્યતાથી અને પોતાની મહત્તાનું પરિપૂર્ણ ભાન હોય એવી સ્વાભાવિકતાથી એ પહાડ બિરાજેલો હતો. જો એ ઊભો થાત તો? મને લાગે છે કે આકાશનો ચંદરવો ચિરાઈ જ જાત!

આટલો બધો મોટો પહાડ ચડવો હતો, તેથી અમારી પાસેનો સામાન-સુમાનનો તમામ ભાર મજૂરને આપી દીધો, અભિમાનનો ભાર તળેટીએ જ મૂક્યો અને તદ્દન વાદળાં સમાન હલકા થઈને અમે ચડવા માંડ્યું. છેક સાંજ સુધી ચડ ચડ કર્યું.

રસ્તામાં એક જાતનાં ફૂલ ખીલી રહ્યાં હતાં. આકારે બારમાસીનાં ફૂલ જેવાં અને રંગે સારી પેઠે કઢેલા દૂધની મલાઈ જેટલી પીળાશવાળાં હતાં. સુવાસની મધુરતાની તો વાત જ શી? સુવાસ ગુલાબને મળતી, પણ ગુલાબ જેટલી ઉગ્ર નહીં. આ લજ્જાવિનયસંપન્ન ફૂલોને જોઈ હું પ્રસન્ન થયો. મારો અધ્વખેદ નીકળી ગયો. આવાં સુંદર અને આતિથ્યશીલ ફૂલોનું નામ ન જાણું તો મારાથી કેમ રહેવાય? પણ રસ્તામાં કોઈ માણસ જ ન મળે. મજૂર તો તેના મજૂરધર્મને વફાદાર રહીને પાછળ પડી ગયો હતો. તેની રાહ જોવા જેટલો સમય ન હતો, અને નામ જાણ્યા વગર આગળ ચાલવાની ઇચ્છા ન હતી. એટલામાં પહાડની એક પગદંડી ઉપરથી કોઈ પહાડી ઊતરી આવતો જણાયો. પગદંડી એટલે કેડી. હિમાલયની કેડી એટલી અઘરી હોય છે કે માણસની કેડ જ ભાંગી નાખે. પેલા પહાડીને મેં હિંદીમાં, અથવા સાચું કહીએ તો મારે મન તે વખતે હિંદી લાગતી ભાષામાં, ફૂલ વિશે કેટલાક પ્રશ્નો પૂછ્યા. તેણે પહાડી હિંદીમાં જવાબ આપ્યો. પણ મને લાગતું નથી, મારો પ્રશ્ન એ સમજી શક્યો હોય. હું તો એના જવાબનો એક બ્રહ્માક્ષરે સમજી ન શક્યો. પણ સંભાષણમાંથી (આને સંભાષણ કહેવાય કે નહીં એ નથી જાણતો.) ફૂલનું નામ તો મને જડી ગયું. એસીરિયાના શરશીર્ષ–લિપિના શિલાલેખો કોઈ વિદ્વાન વાંચે અને અર્થ કરે તેટલા જ પ્રયાસથી મેં જાણી લીધું કે, ફૂલનું નામ ‘કૂજો’ હતું. મને લાગે છે, પહાડી ભાષામાં આ શબ્દ ભારે લલિત ગણાતો હશે. પણ મને પોતાને તે નામ ઉપર બિલકુલ મોહ ઊપજ્યો નહીં!

દૂર દૂર હવે ક્ષિતિજ દેખાવા લાગી. ત્યાં ઘણાં ગીચ વાદળાં હતાં. વાદળાં ઉપર આરસપહાણનાં પર્વતશિખર જેવું કંઈક દેખાતું હતું. વાદળાંમાં તળેટીનો ભાગ ઢંકાઈ ગયેલો હોવાથી, આકાશમાં ઊડતું એક મૈનાક પર્વતનું બચ્ચું હોય તેવું એ લાગતું હતું. બીજે દિવસે મને ખબર પડી કે, તે પવિત્ર નંદાદેવીનું શિખર હતું.

થોડું ઊતરી અમે રામગઢ આવી પહોંચ્યા. ત્યાં એક નાની સરખી ધર્મશાળા હતી. અથવા ધર્મશાળા શાની? પાંચ ફૂટ ઊંચી એક નાના બારણા સિવાય કોઈ જગાએ એક કાણું સરખું ન મળે એવી ઓરડીઓની હાર! ગધેડાઓ પણ તેમાં રહેવાને રાજી ન હોય. બનિયા પાસેથી દાળ, ચોખા અને બટાટા ખરીદી લીધેલાં. બનિયાએ બેત્રણ વાસણો પણ આપ્યાં; અમે મનમાં કહ્યું, ‘કેવો ભલો વાણિયો! રાંધવાને વાસણો પણ આપે છે?’ પાછળથી ખબર પડી કે, પહાડમાં તો એ રિવાજ જ છે. આટા ચાવલની કિંમત લે છે તેમાં જ બનિયા વાસણનું ભાડું પણ ગણી લે છે. છતાં આ ત્યાંનો રિવાજ સારો છે એમાં કંઈ શંકા નથી. જેમતેમ રાંધીને અરધુંપરધું ખાધું, કેમ કે અમારી રસોઈ બરાબર બની નહોતી.

ધર્મશાળાની સૂરત જોઈ બહાર ખુલ્લામાં સૂવાનો અમે વિચાર રાખ્યો અને પથારી કરી. એટલામાં હિમાલય કહે, ‘ચાલો નવો પાઠ લો.’ એટલી સખત ટાઢ વાવા લાગી કે, મંત્રમુગ્ધ સાપ જેમ પોતાની મેળે ટોપલીમાં ભરાઈ જાય, તેમ પથારી લઈને હવે ખૂબસૂરત લાગતી પેલી હૂંફાળી ઓરડીની અંદર અમે ઘૂસી ગયા; અને ઓરડીમાં એક પણ બારી ન રાખી એમાં ધર્મશાળા બાંધનાર શિલ્પીએ મયાસુર કરતાંયે અધિક કૌશલ વાપર્યું છે એવી અમને ખાતરી થઈ.

આખો દિવસ ચાલ ચાલ કર્યું હતું. પહેલવહેલી જ આટલી વીસ માઈલ લાંબી મુસાફરી થઈ હતી. રાત્રે પેટમાં પણ પૂરું પડ્યું ન હતું. અને ટાઢ તો કહે મારું કામ. આથી, બહુ વીનવ્યા છતાં, ઊંઘ તો પાસે ઢૂંકી જ નહીં.

નિદ્રાદેવી ન આવી એટલે તેની નિત્યવૈરિણી ચિંતા અને કલ્પના હાજર થયાં. હું વિચારમાં પડ્યો. ઘરબાર છોડીને, સમાજની સેવા કરવાનું છોડીને, પુસ્તકો વાંચવાનું છોડીને, છાપાંઓમાં લેખ લખવાનું છોડીને હું શા માટે અહીં આવ્યો? ઈશ્વરે મને જે સ્થાનમાં મૂક્યો તે સ્વાભાવિક સ્થાન છોડીને આ અજાણ્યા મુલકમાં હું શું કામ આવ્યો? મને વૈરાગ્ય ઊપજ્યો હતો અને હિમાલય એ વૈરાગ્યનું મોસાળ છે. તેથી શું હું અહીં આવ્યો હોઈશ? હિમાલયમાં જો વૈરાગ્ય હોત તો પેલા ગોરાઓ શા માટે ભીમતાલમાં જઈ માછલાં મારત? શા માટે રામગઢનો બનિયો ઘરાકો પાસેથી વધારેમાં વધારે નફો લેવા મથત? મેદાનમાં જેવા લોકો છે તેવા જ લોકો આ પહાડ પર પણ છે. અહીં પણ સ્ત્રી પોતાના પતિ સાથે લડે છે, પેલો પોસ્ટમાસ્તર પોતાનો દીકરો કહ્યું માનતો નથી એવી ફરિયાદ કરે છે, અને લોકો ઢોર પાસે તેમના ગજા ઉપરાંત કામ કરાવે છે. બેશક, પહાડોમાં વેપાર વધ્યો નથી, રેલવે આવી નથી, વસ્તી ઘીચ નથી, અને ઉપલાં કારણોને લીધે સમાજમાં જે સડો પેસે છે તે અહીં પેઠો નથી.

આ પારકા મુલકમાં મારી ભાષા કોઈ જાણે નહીં, મને કોઈ ઓળખે નહીં, સગુંવહાલું કોઈ ન મળે, જે વૈરાગ્યને માટે હું અહીં આવ્યો તેનું અહીં નામ કે નિશાન ન મળે, એ ખ્યાલથી મનમાં ગભરાટ થવા લાગ્યો, એટલે બહાર કરડકણી ટાઢ હોવા છતાં એક કંબલ ઓઢીને હું બહાર ગયો. હિમાલયની મુસાફરીમાં સોયથી સીવેલું કંઈ કપડું વાપરવું નહીં એવો મારો નિશ્ચય હતો. દહાડે તો ધોતિયું, ખેસ અને કાનનું રક્ષણ કરવા મફલર એટલું જ હું પહેરતો. રાત્રે પાથરવા એક ચટાઈ અને કંબલ રાખતો અને ઓઢવા પછેડી અને જાંબુડા રંગનું એક રેશમી અબોટિયું લેતો.

બહાર આવ્યો ત્યારે આકાશ નિરભ્ર હતું; નક્ષત્રો અદ્ભુત કાંતિથી ચમકતાં હતાં. હું હિમાલયમાં આવ્યો તે પહેલાં મારા એક રસિક મિત્રે નવસારીમાં તારાઓ સાથે મારી ઓળખાણ કરાવી આપી હતી. તારાઓ મારા દોસ્ત બની ગયા હતા. પૌર્ણિમાના ચંદ્રથી પણ બી ન જાય એવા બધા તારાઓને હું ઓળખતો હતો. તેમની તરફ મેં જોયું. તેમણે કહ્યું, ‘ભાઈ, શા માટે ગભરાય છે? આ તે વળી શાનો પારકો મુલક? શું અહીંયાં તારું સગુંવહાલું કોઈ નથી? જુઓ, અમે આટલા બધા તારા દોસ્તો અહીં પણ જેવા ને તેવા સાથે જ છીએ. બે ઘડી થોભીશ તો બીજા પણ પેલા પહાડ ઉપરથી હમણાં ઊંચે આવશે. શું તું અમને ભૂલી ગયો? શું તારા અને અમારા સરજનહારને ભૂલી ગયો? ક્યાં ગયો તારો પ્રણવજાપ? ક્યાં ગયો તારો ગીતાપાઠ?

मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः।

न कश्चित्कस्यचिन्मित्रं न कश्चित्कस्यचिद्रिपुः।

आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः।

એ બધું તું જ કહેતો હતો ને? આજે જે સવારે પેલી નદીએ તને શું કહ્યું હતું? પેલો પહાડ જોઈને તને શા વિચાર આવ્યા હતા? પેલાં ‘કૂજો’ ફૂલોની વિશ્વસેવાની તારી ઉપર કશી અસર નથી થઈ? નંદાદેવીનું દર્શન શું વિફળ ગયું? છોડી દે આ ક્ષુદ્ર હૃદયદૌર્બલ્ય, ત્યાગી દે મનના ઉદ્વેગને.’ હિમાલયમાં પણ વૈરાગ્ય ન મળે એવી મારી અશ્રદ્ધા ઊડી ગઈ. બાહ્યસૃષ્ટિ-અંત:સૃષ્ટિ વચ્ચે તાદાત્મ્ય જામી ગયું અને મને શાંતિ વળી; હું સહેલાઈથી સૂઈ ગયો.

સવારે ઊઠીને આગળ ચાલ્યા. આજે તો ઊતરવાનું હતું. જેટલું ચડ્યા એટલું જ ઊતરવું પડ્યું. રોમન લોકોને પોતાનું મહાસામ્રાજ્ય ગુમાવતાં પણ આટલું દુ:ખ થયું નહીં હોય. કેટલી મુસીબતે ચડ્યા હતા, છતાં આખરે ઊતરવું તો પડ્યું. હિમાલયમાં ચાલવાનો એક નવો અનુભવ મળ્યો. ઉપર ચડતાં થાક લાગે છે ખરો, પણ તે થાક ક્ષણિક હોય છે. પણ સીધો ઉતાર ઊતરતાં જે આયાસ પડે છે, તેથી તો માણસના સાંધેસાધા નરમ થઈ જાય છે. આવો ઊતરવાનો અનુભવ મળતાં જ મેં કહ્યું, ‘સ્વર્ગ સુધી ચડવાનું હોય તોયે બહેતર; પણ હે વિધાતા, આવી ઉતાર ઊતરવાની સજા તો કોઈ કાળે शिरसि मा लिख, मा लिख, मा लिख.’

અહીંનો પ્રદેશ પણ ભારે રળિયામણો હતો. આપણે ત્યાંનાં સરુનાં ઝાડ જેવાં, ચીડ અને દેવદારનાં ભવ્ય વૃક્ષોની ઘટા અનુપમ છાયા વિસ્તારતી હતી. પણ ખરી ગમ્મત તો નીચે પડીને સુકાઈ ગયેલાં સળી જેવાં પાંદડાં ઉપરથી જ્યારે પગ લપસતો ત્યારે આવતી. હસવું કે રડવું એ જ ન સમજાતું!

આ પ્રદેશમાં થોડી ખેતી પણ થતી લાગી, કેમ કે રસ્તામાં એક નાનકડું પહાડી ગામડું આવ્યું. ત્યાં બેચાર ખેડૂતો નવું અનાજ વાવી રહ્યા હતા. પવનનું નામ ન હતું. તેથી બે જણ એક પછેડી વતી પવન નાખતા હતા.

રસ્તામાં ચીડનાં મોટાં મોટાં ફૂલ પડેલાં દીઠાં. એ ફૂલનું વર્ણન કરવું અશક્ય છે. ફૂલ નાળિયેર કરતાં મોટું હોય છે. એના પાંખડી બાવળના લાકડા કરતાં કઠણ હોય છે. છતાં આ ફૂલ આકારે બહુ સુંદર હોય છે. એક દીંટના માથામાંથી આંગળી જેવડી અસંખ્ય પાંખડીઓનો જાણે એક ફુવારો ફૂટ્યો હોય છે; પણ રંગ કે વાસનું તો નામ ન લો. લાકડાનો જ રંગ ને લાકડાની જ વાસ. દેવદાર અને ચીડ જેવાં વૃક્ષો હિમાલયને જ શોભે. કુદરતનો વિશાળ વૈભવ જોઈ હું દિગ્મૂઢ થઈ ગયો, અને ગાવા લાગ્યો:

रामा दयाघना, क्षमा करुनि मज पाही,

रामा दयाघना.

कोठिल कोण मी, न जाणिला हा पत्ता

आजवरि अज्ञानें मिरविली विद्वत्ता,

देहात्मत्वाची स्थिति झाली उन्मत्ता,

येउनि जन्मा रे! व्यर्थ शिणविली आई,

हेंचि मनिं खाई—

रामा दयाघना.

સાચે જ નકામું જીવન ગાળીને મેં માને ભારે મારી હતી. જનની જ નહીં પણ જન્મભૂમિને પણ. મારા પાછલા જીવન ઉપર મનમાં તિરસ્કાર ઊપજ્યો. અજ્ઞાનને લીધે હું વિદ્વત્તાની શેખી મારતો; પોતે અંધકારમાં રહ્યો રહ્યો લોકો આગળ પ્રકાશની વાતો કરતો.

મેં ભજન આગળ ચલાવ્યું:

करुणासागरा! राघवा रघुराजा!

विषयीं पांगळा नका करूं जीव माझा

भुलुनि प्रपंचा रे, स्रमुनि श्रमुनि ठायीं ठायीं,

हरुनि वय जाई—

रामा दयाघना.

ભજનની ધૂન લાગી. હું ઊંચે સાદે લલકારતો હતો, હવે લીટી આવી:

सच्चित्सुख तो तू परब्रह्म केवळ,

सच्चित्सुख तो तू परब्रह्म केवळ.

સામેના પહાડે એકાએક ગર્જના કરી:

सच्चित्सुख तो तू परब्रह्म केवळ.

હિમાલયની તે મેઘગંભીર ગર્જના મને તો અશરીરિણી વાણી લાગી. સાચે જ હું સચ્ચિત્સુખાત્મક પરબ્રહ્મ છું એ વસ્તુને હું ભૂલી જાઉં છું તેથી પામર બનું છું. જુઓ, આ ધીરગંભીર હિમાલય કેવો સચ્ચિત્સુખની સમાધિ ભોગવી રહ્યો છે! જુઓ સામેનો બરફ. એને ઉનાળોય સરખો અને શિયાળોય સરખો. જુઓ આ વિશાળ આકાશ. કેટલું શાંત અને અલિપ્ત! શું એથી હું અળગો છું?

અદ્વૈતની મસ્તી મને ચડી એટલે પીઉડા કયારે આવ્યું એનું મને ભાન પણ ન રહ્યું. પીઉડાનું પાણી બહુ વખણાય છે. ક્ષયરોગના દર્દી અહીંનું પાણી ખાસ મેળવીને પીએ છે. પીઉડામાં અમે રાંધી ખાધું, સહેજ આરામ કર્યો અને આગળ ચાલ્યા. વળી પાછો ઉતાર! મારા ઢીંચણમાં ચસકા આવવા લાગ્યા તેથી વેદના થવા લાગી, પરિણામે હું દેહધારી છું એ વૃત્તિ ફરી જાગ્રત થઈ. ધીમે ધીમે હું આસપાસની સુંદરતા ફરી નિહાળવા લાગ્યો.

હિમાલયની ખેતી જોવા જેવી હોય છે. બેઠી અને પહોળી ટેકરી હોય ત્યાં શિખરથી તળેટી સુધી બબ્બે-ચચ્ચાર હાથ પહોળાં પગથિયાં જેવા ક્યારા બનાવે છે અને એમાં હાથે ખોદીને અનાજ વાવે છે. નદીનો બાંધેલો ઘાટ જેવો દેખાય છે તેવો આ ખેતરોનો દેખાવ લાગે છે.

જ્યાં ઉતાર પૂરો થયો ત્યાં એક ઝૂલતો પુલ આવ્યો. તે પુલને લોધિયાનો પુલ કહે છે. પુલની નીચેના પથ્થર જોવા જેવા છે. નદીના પ્રવાહથી ઘસાઈ ગયેલા પથરાઓનો આકાર મજાનો દેખાતો હતો. જ્યાં પાણીની ભમરી થતી હોય ત્યાં તળિયાના છૂટા પથ્થરો પણ ગોળ ફરી ફરીને તળિયાના પથ્થરમાં જે ઊંડા ઊંડા ખાડા પાડે છે તેનો દેખાવ મનોવેધક હોય છે.

આ પુલ નીચે મેં એક સાપ દીઠો. એની નોંધ અહીં એટલા માટે જ કરું છું કે, હિમાલયનાં ગીચ જંગલોમાં અને ભિન્ન ભિન્ન પ્રદેશોમાં મેં બેત્રણ હજાર માઈલની મુસાફરી કરી તે દરમિયાન માત્ર બે જ સાપ મારા જોવામાં આવ્યા; એક અહીં અને બીજો ગંગોત્રી પાસે.

હવે પાછું ચડાણ આવ્યું. દૂરથી એક પહાડી શહેર દેખાવા લાગ્યું. એ આલમોડા હતું કે મુક્તેસર એનો હું નિશ્ચય કરી ન શક્યો. સાંજ પડવા આવી અને આખરે અમે આલમોડા પાસે આવી ગયા. ત્યાં એક ચુંગીઘર હતું. ચુંગીઘર એટલે જકાતનું નાકું. અહીંયાં જ એક ગાડારસ્તો અમે જોયો. હિમાલયમાં ગાડારસ્તો એ સુધારાની પરિસીમા ગણાય છે. આપણે ત્યાં કોઈ બાદશાહી શહેરમાં આરસપહાણનો રસ્તો હોય તો લોકો તે રસ્તા વિશે જે ઉમંગ અને અદબ સાથે બોલે તેટલાં ઉત્સાહ અને અદબથી પહાડી લોકો આ ‘કાર્ટ રોડ’ વિશે બોલે છે. પડખે જ મુસલમાનોનું કબરસ્તાન હતું. પહાડની વન્ય શોભામાં આ ધોળી ધોળી કબરો અળખામણી લાગતી ન હતી. ઘણુંખરું મુસલમાનો કુદરતી શોભા બગાડતા નથી. સાંજની વેળાએ આ કબરો, ચરી આવીને નિરાંતે વાગોળતી ગાયોનું ધણ બેઠું હોય તેવી દેખાતી હતી.

૩૭ માઈલની મુસાફરી સહીસલામત કરી; પણ આખરે અમે ભૂલા પડ્યા. આલમોડાને અરધી પ્રદક્ષિણા કરી. રસ્તો છોડી લોકોના ફળિયામાં થઈને કેટલાક ઉકરડા ખૂંદીને આખરે સાત વાગ્યે અમે બજારમાં પહોંચ્યા. બજારના રસ્તા પથ્થરના બાંધેલા છે. ત્યાં હિલ બૉય્ઝ સ્કૂલ ક્યાં છે એમ પૂછતા પૂછતા મારા મિત્રના મકાન સુધી આવી પહોંચ્યા. એ ઘેર ન હતા. ક્યાંક ફરવા ગયા હશે. હરખદેવ કરીને એક છોકરો ઘરમાંથી બહાર નીકળ્યો. તેણે અમારો સત્કાર કર્યો અને કહ્યું, ‘આવો; અંદર આવો; આ ખાટલા પર બેસો. હું સ્વામીનો શિષ્ય થાઉં છું. તેઓ બહાર ગયા છે. હમણાં આવશે. એઓએ કહ્યું હતું કે કાકાજી આવવાના છે: તમારામાંથી કાકાજી કયા?’ થોડા વખત પછી સ્વામી આવ્યા. વડોદરામાં સ્વામીને જેવા જોયેલા હતા તેવા તે ન હતા. લાંબા લાંબી દાઢી, લાંબો લાંબો ચોટલો, એની ઉપર એક આછા ભગવા રંગનું મફલર અને લાંબી ધોળી કફનીવાળી મૂર્તિ, એક લાંબી અણિયાળી લાકડી હાથમાં રાખીને મારી આગળ આવી ઊભી રહી. પ્રેમથી અમે ભેટી પડ્યા. બુવા તો પ્રેમથી રોવા લાગ્યા. મેં જોયું કે સ્વામી મરાઠીમાં છૂટથી બોલી શકતા ન હતા. દરેક વાક્યમાં આવતા હિંદી શબ્દોને હઠાવવા એમને મહેનત કરવી પડતી હતી.

રાત્રે અમે શું ખાધું, કેટલા વાગ્યા સુધી વાતચીત કરતા બેઠા અને કયારે ઊંઘી ગયા એનું મને બિલકુલ સ્મરણ નથી. એક એટલું યાદ છે કે, તે કાળે સ્વામી પુરશ્ચરણ કરતા તેથી દૂધ ઉપર રહેતા, કશું ખાતા નહોતા, એટલું જ નહીં, પાણી સુધ્ધાં પીતા ન હતા. ઊંઘ એવી આવી કે જાણે નિર્વિકલ્પ સમાધિ.