ગુજરાતી નિબંધ-સંપદા/ગુલામ મોહમ્મદ શેખ/ભાઠું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભાઠું

ગુલામ મોહમ્મદ શેખ

મનમાં ભાઠામાં સ્મૃતિઓ લ્હાય-લ્હાય બળે છે: સાચા લોહીમાંસનાં માણસો, ઢોર, પંખી, ઝાડ અને ઘર ભડકાની સાથે ભભૂકે છે. યાદ કરવા જાઉં તો એ ભડકામાં સાચાં મોઢાં-મ્હોરાં ભૂંજાતાં દેખાય છે. એમની તપેલી ચામડીનો રંગ અને અંદર શેકાતા માંસની વાસ મારી ખોપરીની અંદરની દીવાલે લીંપાય છે. મરતા હિંસ્ર પશુની જેમ હું એ વાસ ઢીંચ્યે રાખું છું ત્યારે સ્મૃતિના ભડકાઓ મારા સુરક્ષિત જીવનની વાડ કૂદી ખમીસની ચાળ લગી આવી ચડે છે.

છતાંય આ સ્મૃતિઓની પાસે જવું, આગને ઉશ્કેરવી અને એની હૂંફ લઈને, લ્હાય લઈને પાછા ફરવું તે મારો નિત્યક્રમ થઈ ગયો છે. ભૂતકાળ સાથે મારા મને એક પ્રકારનો યૌનસંબંધ બાંધ્યો છે તેથી સ્મૃતિઓ મને લોહચુંબકની જેમ ખેંચે છે. ઘણી વાર એટલી ગર્તામાં ખેંચી જાય છે કે માનવીય ધાતુ તદ્દન ઓગળી જાય છે. દેહની ભાળ નીકળતી નથી અને જિવાતા વર્તમાનની સ્મૃતિ લાળ જેટલી પાતળી થઈ જાય છે. મારા બાળકના મોં પરની લાળ જોતાં મને ગર્ભસ્થાનની અરૂપતાના ભણકારા વાગે છે.

સ્મૃતિઓ પ્રગટે છે અને વિલાય છે. વિલાતી સ્મૃતિઓ હાડમાંસને રાખમાં પલટી નાખે છે — મોઢાં, મહોરાં ભૂંસી નાખે છે. ત્યારે ભડકાઓમાં રહી જાય છે માત્ર આભાસી ધુમ્મસનું ધુમાડિયું પ્રતિબિમ્બ. વિલયની ક્ષણે ભડકાઓનું આહ્વાન કરવા મન રાખ ફૂંક્યા કરે છે. રાખ ઊડે છે અને ઘણી વાર માથોડા લગી ચડે છે: એ ડમરીના પડદામાં હું ફરી વાર ભૂતકાળની આકૃતિઓ શોધું છું. ક્યારેક આંખો શોધી શોધીને થાકે છે ત્યારે હારીને રાખમાં લાળનું મોણ નાખી વિલાતી આકૃતિ ફરી બાંધવા મથામણ કરું છું. પરંતુ કોઈક વાર સુકાયેલા મોંમાંથી લાળનો તાંતણો ટપકવાની ના પાડે છે. શિશ્નમાં વીર્યરેખા સ્થિર થઈ જાય છે. આંખમાં ઠંડી ધાતુની જેમ આંસુ જામી જાય છે ત્યારે આભાસી સ્મૃતિના ધુમ્મસ-પછેડાને ઝાલવાની હામ પણ ભાંગી જાય છે. સ્મૃતિના વેરાયેલા કણો એક પછી એક નીચે ઢળે છે. માણસો, ઢોર-ઢાંખર, પક્ષી, વૃક્ષ વગેરેને જીવતા નહિ કરી શકવાની વેદના શરીરમાં ઊતરે છે અને લોહી આછરીને પગના તળિયે બેસી જાય છે. શરીર આખું જાણે ફૂંકનો પરપોટો. સ્મૃતિઓની દીવાલ ફૂટેલા પરપોટા જેવી છિન્નભિન્ન. વિશ્વ આખું પરપોટાના પ્રકારોમાં વહેંચાઈ જાય છે. નદી, ડુંગરા, આકાશ, ધૂળ, ઘર, બારણાં, બારી, પથારી, કપડાં અને એમાં પુરાયેલો પરપોટાનો જીવ.

રોજરોજ આ પરપોટાને કોચવો અને એના વિસ્ફોટની સાથે વીર્ય અને લોહીથી વિશ્વ પર વરસવું — ભૂતકાળની ક્ષણોને ભવિષ્યમાં પલ્લવિત કરતી સ્મૃતિઓ રોપવી. સ્મૃતિઓ મને ઇષ્ટ દેવતાની જેમ જિવાડે છે, રંજાડે છે. સ્મૃતિઓ જાદુઈ ચાવીની જેમ અનેક સમસ્યાઓનાં દ્વાર ખોલી આપે છે તેથી સ્મૃતિઓને સ્મૃતિઓ જોડે સાંકળી હું દૂર દૂર ભૂતકાળમાં ભટકું છું. દર પળે જોવાતા જગતને સ્મૃતિઓના જંગલમાં ઘસડી જાઉં છું. ઘણી વાર ચિત્રોમાંથી આકૃતિઓને લલચાવી લલચાવી આ જંગલમાં રખડતી મૂકી દઉં છું. આ આકૃતિઓને આંખોના બન્ને ખૂણાઓમાં પૂરેપૂરી સમાવવા, એમનું હલનચલન નીરખવા, હું દરરોજ એકએક તસુ ભૂતકાળમાં પાછો હઠતો જાઉં છું. રોજ રોજ આમ સમયનાં પાછલાં પગથિયાં ચડવાં, નિશાળના દફતરને ફેંકી નદીની રેતીમાં બેસવું, ઘાટના પગથિયે આજુબાજુની સૃષ્ટિએ વહેતા મૂકેલા રખડુ અવાજોમાંથી એકાદને પકડવા જીભ લંબાવવી, અને ધીરે ધીરે લસરતાં લસરતાં માના ગર્ભની બારીમાંથી સ્મૃતિના તાંતણે સૃષ્ટિને પતંગની જેમ પકડી રાખવી.

આંખ ખોલું છું ત્યારે માનો ગર્ભ બહુ દૂર પડી ગયેલો જણાય છે. પાંસળીનાં ઝાંખરાંમાં પતંગ અટવાઈ ગઈ છે, એને વરસો દૂર બેઠેલો શિશુ ખેંચે છે. હું ખાંસવા માંડું છું, ફેફસાં ફુલાવી પતંગ માટે જગા કરું છું. મન મનાવું છું કે આમ કરીશ તો પતંગને હરવાફરવા જેટલી મોકળાશ થશે. પરંતુ અટવાયેલી પતંગનો મોક્ષ થતો નથી. આમ ને આમ વિચાર કરતો બેસું છું ત્યારે ઘણી વાર શ્વાસની પકડ છૂટી જાય છે. મારી ઇચ્છા વિરુદ્ધ ફૂલવા માંડે છે. કબરમાંથી ઊભા થતા ઈસુની ગતિએ પતંગને હું પાંસળાંમાંથી છટકતી જોઉં છું પણ ત્યારે સૃષ્ટિને ત્યજી દેવા મન માનતું નથી. તેથી છટકતી સૃષ્ટિને ફરી પાંસળાંનો કબજો લેવા વિનવું છું. પણ દૂરનો શિશુ પતંગને પાંસળાંથી જોજન દૂર, વર્ષો દૂર ખેંચી જાય છે.

ઘેર જતાં ઘણી વાર ઘર છોડ્યા પછીની સૃષ્ટિનો પાસ ઘરના ખૂણે ખૂણે વેરાય છે. અજાણતાં જ જાણીતા ચિત્રની આકૃતિ બાળપણના કોઈ અતિપરિચિત પદાર્થમાં અંકાયેલી દેખાય છે. ધુમાડાથી કાળી, ભૂખરી, રસોડાના ખૂણાની દીવાલ પર આજે ધૂળના થર જામ્યા છે. દીવાલની ખરબચડી સપાટીને ઝાટકતાં, બારીના અજવાળે, કોલસાના ડાઘમાંથી અલ્તામીરાની ગુફાનો આખલો આછેતરો વરતાઈ જાય છે. સુકાઈને ખખડી ગયેલા બારણાની તરડમાંથી સૂરજ આંખને અથડાય છે ત્યારે ગ્રૂનવાલ્ડે ચીતરેલ ઈસુના ઘાની સ્મૃતિ ફરકીને ઊડી જાય છે. ઓટલાની ઘસાયેલી, લીસી સપાટી પર હાથ મૂકું છું તો પિએરો દેલ્લા ફ્રાન્ચેસ્કાની મેરીના કપાળની અરક્ત ચામડીને અડ્યાની ભ્રાન્તિ થાય છે. સ્મૃતિઓ મને ક્યાં ક્યાં મોકલે છે? સ્મૃતિઓ ક્યાં ક્યાં સુધી લઈ આવે છે? ઘણી વાર એમ થાય છે કે ટિશ્યને વારંવાર દોરેલું ભૂરા રંગનું આકાશ મારા ઘરની બારીમાં પાંદડાં વચ્ચે એકઠું થયેલું આકાશ જ છે.

બધી આકૃતિઓના કેન્દ્રમાં ઘર. આ કેન્દ્રમાં વીજળીના તારની જેમ અનુભવ સાથે અનુભવના છેડા અડે છે ત્યારે આજ અને ગઈ કાલની આકૃતિઓમાંથી એકસરખું ચુંબકત્વ પસાર થાય છે. શરીરમાં હંમેશ આ વીજળી અનુભવવી, એને કોઈ હિસાબે વિલાવા ન દેવી, એ વીજળીના તણખાઓને બાળપણમાં પથ્થર સાથે પથ્થર ઘસતા તેમ શબ્દ સાથે શબ્દ ઘસી વારંવાર ઉપજાવવા એ જ કર્તવ્ય.

ઘેર જાઉં છું ત્યારે દરેક વેળા વર્તમાન અનુભવોની તાજગી લઈને જાઉં છું. એ અનુભવો ઘરના ખૂણાઓમાં કે ઘરની આજુબાજુની ત્રિજ્યામાં પોતાનું સ્થાન શોધી લે છે. હું બીજી વાર જાઉં છું ત્યારે એ અનુભવો બાળપણની સ્મૃતિઓની હૂંફમાં પાકી ગયા હોય છે. ઘેરથી પાછો ફરું છું ત્યારે આ સ્મૃતિઓથી આસવિત મારું વર્તમાન જગત મધપૂડાની જેમ લચી પડે છે. રોજબરોજના અનુભવોની હરોળો ઓળંગી હું કોઈક ચિત્રના રણદ્વીપને કિનારે પહોંચું છું ત્યારે મારી સાથે લીમડો, કાગડા, રમરમતો તડકો, સૂકી ધૂળ, કસાઈખાનામાં પશુઓ, માંસ, છરા, વીર્યનું પ્રથમ બિન્દુ અને માના ગર્ભના રસ્તા સુધી બેઠેલી બધી આકૃતિઓ ધસી આવે છે. તેથી મને ચિત્રોના નિર્દય અવકાશની બીક લાગતી નથી: ચિત્રની આકૃતિઓ અને રંગોમાં મારું બાળપણ આક્રમી રહ્યું હોય છે. ચિત્રને જોતાં જોતાં એ આક્રમણ શમે છે અને આકૃતિઓ વચ્ચેનો ભેદ વિલાય છે. હું ઘરમાં પ્રવેશ કરું છું તેટલી જ સ્વસ્થતાથી ચિત્રમાં ચાલી જાઉં છું. ‘ઊહાપોહ’, ફેબ્રુઆરી ૧૯૭૩